પ્રેરક કથાઓ – સંકલિત

[1] શિક્ષણ – યશવંત કડીકર

વર્ષો પહેલાનું કડી ગામ. વડોદરા રાજ્યનું ગાયકવાડી ગામ. વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું એક સ્વપ્ન હતું કે વડોદરા રાજ્યમાં કોઈ અભણ ના રહે. એટલે એમણે એમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત કરેલું. મોટા ગામોમાં તો મહારાજાના અથાગ પ્રયત્નોથી કંઈક પરિણામ આવ્યું ખરું. લોકો પોતાના બાળકોને શાળાએ ભણવા માટે મોકલવા લાગ્યા પરંતુ નાના ગામડાઓમાં આ કાર્ય મુશ્કેલ હતું. નાના ગામડાઓમાં રાજ્યે શાળા માટેના ઓરડા બનાવ્યા પણ શિક્ષકોની મુશ્કેલી હતી. નાના ગામડાઓમાં કોઈ શિક્ષણ આપવા જવા તૈયાર ના થાય, તો ભણાવે કોણે ?

એ જમાનામાં આખા દેશમાં વડોદરા રાજ્યમાં જ મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ પ્રથમ થયો હતો. મહારાજાની સાથેના શિક્ષણ અધિકારીઓ પણ એટલા જ નિષ્ઠાવાન અને મહારાજાની ભાવનાને સાર્થક કરવા માટે પ્રયત્નશીલ હતા. એટલે છોકરાઓ તો શાળાએ જવા લાગ્યા અને ભણવા લાગ્યા. પરંતુ હવે પ્રશ્ન છોકરીઓના ભણવાનો હતો. ગામ લોકો પુરુષ શિક્ષક પાસે પોતાની છોકરીઓને ભણવા મૂકવા માટે તૈયાર ન હતા. સમાજની મર્યાદાઓ નડતી હતી અને સ્ત્રી શિક્ષિકાઓ લાવવી ક્યાંથી ? આ મોટો પ્રશ્ન હતો.

એ સમયમાં એક ઘટના બની. મહાત્મા ગાંધીજી પૂના આગાખાન મહેલમાં જેલવાસ ભોગવી રહ્યા હતા. એ સમયે ગાંધીજી ઉપર દેશ-પરદેશથી ‘ટેલિગ્રામ’ આવતા. એ સમયે ગાંધીજી પાસે કોઈ અંગત મંત્રી પણ નહોતા, જે આ ટેલિગ્રામ વાંચી, જરૂર પડે એનું ભાષાંતર કરી ગાંધીજીને આપવું – આ બધું કોણ કરે ? એટલે સામાન્ય શિક્ષણ લીધેલાં ગાંધીજીના પત્ની કસ્તુરબાએ અંગ્રેજીનો અભ્યાસ સાઈઠ વર્ષની ઉંમરે શરૂ કર્યો અને ગાંધીજીના મદદકર્તા બન્યા. એ સમયની આ વાત છે.

વડોદરા રાજ્યમાં, મહેસાણા જિલ્લામાં, કડી ગામમાં નાથાલાલ કાળીદાસ શાહ નામે પ્રાથમિક શાળામાં એક નિષ્ઠાવાન શિક્ષક હતા. એમનાં પત્નીનું નામ મહાલક્ષ્મીબહેન, એમણે કસ્તુરબા સાઈઠ વર્ષે અંગ્રેજી શીખ્યા એ વાત જાણી ત્યારે એમણે પતિને કહ્યું : ‘મારે ભણવું છે.’
એમના પતિએ કહ્યું : ‘આ ઉંમરે ?’
મહાલક્ષ્મીબેને કહ્યું : ‘કસ્તુરબા સાઈઠ વર્ષની ઉંમરે જો અંગ્રેજી શીખી શકે તો હું ગુજરાતી અક્ષરજ્ઞાન તો મેળવી શકુંને ?’
‘પ….ણ તારે હવે એની શી જરૂરત છે ?’ એમના પતિએ ઠાવકાઈથી કહ્યું.
‘જુઓ અક્ષરજ્ઞાન વિના બહેનો અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયા કરે છે, એ વાત તો સાચીને ? પરંતુ સવાલ એ છે કે પહેલ કોણ કરે ? લોકનિંદાના ડરથી જ મારા જેની અનેક બહેનો નિરક્ષર રહેવા પામે છે. આનો કંઈક ઉપાય તો કરવો જ જોઈએ.’
‘તારી વાત તો બહુ સાચી છે, પણ સ્ત્રીઓ માટે શાળા જ ક્યાં છે, તે ભણવા ક્યાં જઈશ ?’
‘શું તમે મારા શિક્ષક ન બની શકો ? મારી ઈચ્છા છે કે હું આપની પાસે ભણું, અને બીજી બહેનોને ભણાવું.’ મહાલક્ષ્મીબહેને નમ્રતાથી કહ્યું.

પત્નીની આવી ઉદાર ભાવના જોઈ નાથલાલ માસ્તર તો પ્રસન્ન થયા. અડધી રાતના ઉજાગરા વેઠીને પત્નીને ભણાવવા માંડ્યું. એટલું જ નહિ પણ તેમને શિક્ષક સમા બનાવી દીધાં. મહાલક્ષ્મીબહેનના ઉત્સાહનો પાર ના રહ્યો. પોતાનો સંકલ્પ પાર પડે તે માટે તેમણે અડોશ-પડોશમાંથી વહુ-દીકરીઓને પોતાને ત્યાં બોલાવીને રામાયણની કથા તથા ભજનો વાંચી સંભળાવવા માંડ્યા. એમાં રસ પડતાં એ બહેનોને થવા લાગ્યું કે આપણે પણ વાંચી લખીએ તો કેવું સારું ? અને ‘પોતાને પણ ભણવું છે,’ એવી એમણે મહાલક્ષ્મીબહેનને વિનંતી કરી. મહાલક્ષ્મીબહેનના હર્ષનો પાર ના રહ્યો. પોતાના ઘરના આંગણે જ જ્ઞાનની પરબ માંડવાનું તેમણે નક્કી કર્યું.

શરૂઆતમાં તો ચાર બહેનો જ મહાલક્ષ્મીબહેન પાસે ભણવા આવવા તૈયાર થયા. પોતાને ઘરને જ નિશાળ બનાવીને મહાલક્ષ્મીબહેન જાતે શિક્ષક થયા પછી તો આ શાળામાં બહેનોની સંખ્યા વધતી ગઈ. નાથાલાલ માસ્તર 19-5-1950ના રોજ અવસાન પામ્યા, પરંતુ જતાં જતાં સેવાભાવી પત્નીને ભલામણ કરતા ગયા કે ‘ગમે તે થાય, પણ તારું સમગ્ર જીવન આ શાળાને અર્પણ કરી દેજે, અને આ શાળાને આપણા પ્રિય બાળક સમી ગણીને જીવની માફક જતન કરજે !’

પતિની આજ્ઞા અનુસાર મહાલક્ષ્મીબહેન જીવ્યાં ત્યાં સુધી આ એમની શાળામાં નિરક્ષર બહેનોને શિક્ષણ આપતાં રહ્યાં. આજે તો મહાલક્ષ્મીબહેન હયાત નથી પરંતુ એમણે આરંભેલી આ બહેનો માટેની શિક્ષણ પ્રવૃત્તિ, ફકત વડોદરા રાજ્યમાં જ નહિ, પરંતુ આખા ગુજરાત રાજ્યમાં ફાલીફૂલીને ખૂબ વિકાસ પામી છે.

[2] લક્ષ્મણનું ઝનૂન – પ્રીતિ શાહ

( ગુજરાત સમાચાર તા.28-10-2007 માંથી સાભાર.)

પંજાબી સાહિત્યસભાની બહાર આવેલી ફૂટપાથ પર ઓટલા પર બેસીને જૂના-પુરાણા સ્ટવ પર તપેલી મૂકીને ચા-ખાંડ નાખતા લક્ષ્મણ રાવ ગઈ બાવીસમી જુલાઈ, 2007 ના રોજ ત્રેપન વર્ષનાં થયા. આ ચાની કીટલીની બાજુમાં જ પુસ્તકોનો ઢગલો પડ્યો હોય છે. એમાં ‘રેણુ’ , ‘નઈ દુનિયા કી નઈ કહાનિયાં’, ‘રામદાસ’, ‘નર્મદા’ અને ‘પરંપરા સે જુડી ભારતીય રાજનીતિ’ જેવાં પુસ્તકો પડ્યા હોય છે. લક્ષ્મણ રાવ આ ચાની કીટલી ચલાવીને મહિને પાંચ હજાર રૂપિયા રળે છે તો આટલી જ રકમ એને એની બાજુમાં પડેલા પુસ્તકોના વેચાણમાંથી મળી રહે છે. આ પુસ્તકોનો લેખક કોણ છે ? એ છે ખુદ લક્ષ્મણ રાવ !

આજથી ત્રીસ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના એક ગામડામાંથી ખિસ્સામાં ચાલીસ રૂપિયા સાથે ઘર છોડીને નીકળી ગયેલા લક્ષ્મણ રાવને ભવિષ્યનો કોઈ ખ્યાલ નહોતો. ત્રણેક મહિના મજૂરી કરી. એ પછી ગાડી પકડીને દિલ્હી આવ્યો. બિરલા મંદિર પાસેના જુદા જુદા ધાબાઓમાં કપ-રકાબી ધોવા લાગ્યો. એવામાં એણે ગુલશન નંદાની લોકપ્રિય નવલકથાઓ વાંચી અને કપરકાબી ધોતાં ધોતાં લક્ષ્મણ લેખક બનાવાના સ્વપ્નાં સેવવા લાગ્યો. લેખક બનવું હોય તો હજી વધુ ભણવું પડે. આથી દસમા ધોરણ સુધી ભણેલો લક્ષ્મણ દિવસે ધાબામાં કપરકાબી ધુએ અને રાત્રે અભ્યાસ કરે. બારમું ધોરણ પસાર કર્યું. 1977માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પણ મેળવી. એ પછી એક ઓટલો બાંધી 14 વર્ષ પાન-બીડી વેચ્યા અને હવે સરસ મજાની ચા ગ્રાહકોને પાય છે.

1979માં એણે એનું પહેલું પુસ્તક ‘નઈ દુનિયા કી નઈ કહાનિયાં’ લખ્યું. દસેક પ્રકાશકોને મળ્યો. કેટલાકે કહ્યું કે આવું પાગલપન છોડ અને પાનબીડીની દુકાનમાં વધુ ધ્યાન રાખ. કોઈ પ્રકાશન કરવા તૈયાર થયું નહીં, પણ તેથી શું ? સ્વપ્ન સિદ્ધ થવાની અણી પર આવ્યું પછી એને રોળી કેમ નખાય ? એણે પોતે કાગળ ખરીદ્યા. સાત હજાર રૂપિયા ખર્ચી પ્રકાશન કર્યું અને પુસ્તકની કિંમત સાત રૂપિયા રાખી. આના વિતરક ક્યાંથી મળે ? કોઈ ન મળે તેથી શું ? લક્ષ્મણ રાવ જાતે સાઈકલ પર પુસ્તકો લઈને સ્કૂલ-કૉલેજમાં જવા લાગ્યા અને આચાર્ય કે ગ્રંથપાલને મળીને પુસ્તક ખરીદવાની વિનંતી કરવા લાગ્યો. અને તેઓ મોટેભાગે એના પુસ્તકો ખરીદી લેતા. આ લેખકને ઈંદિરાગાંધીને મળવાનું બન્યું. એમને ઈંદિરાજી પર પુસ્તક લખવાનું વિચાર્યું ત્યારે ઈંદિરાજીએ સલાહ આપી કે સરકારી તંત્ર કેવું હોવું જોઈએ એના વિશે તમે લખો. પરિણામે ‘પ્રધાનમંત્રી’ નામે હિંદી સામાજિક નાટક લખ્યું. લક્ષ્મણના ત્રીજા પુસ્તક ‘રામદાસ’ માટે એણે પૂરા પિસ્તાળીસ હજારનું રોકાણ કર્યું. બે હજાર પ્રત પ્રગટ કરી, અને બધી જ વેચાઈ ગઈ. એનું ચોથું પુસ્તક ‘નર્મદા’ પ્રગટ થવાની તૈયારીમાં હતું અને કોઈએ આ ચાની કીટલી ધરાવતા સર્જકની વાત કરી. લક્ષ્મણ રાવ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો. પરિણામ એ આવ્યું કે એનું ચોથું પુસ્તક તરત જ ખપી ગયું.

એની પત્ની રેખાએ સલાહ પણ આપી કે ગ્રેજ્યુએટ છો તો સરકારી નોકરી માટે પ્રયાસ કરો. પાન-બીડી વેચવાનું અને લખવાનું છોડી દો. પણ આવું તે શી રીતે થાય ? એને માટે લખવું તે એક ઝનૂન છે. છેલ્લાં ચાલીસ વર્ષથી પોતાના આ ઝનૂનને પોષી રહ્યો છે અને સાથે કહે છે પણ ખરો કે લેખન કરીને પૈસા મેળવવાની બેકાર આશા રાખવી નહીં. હજી લખમણ રાવ લખે છે. એની ઈચ્છા તો હિન્દી શેક્સપિયર થવાની છે, એ જાણે છે કે આ માટેનો માર્ગ ઘણો લાંબો અને વિકટ છે, પરંતુ પોતાના ઝનૂનમાંથી લક્ષ્મણ એક ડગલું પણ પાછો ભરવા માગતો નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા
પીરસવાની કળા – ધારિણી રાવલ Next »   

14 પ્રતિભાવો : પ્રેરક કથાઓ – સંકલિત

 1. ramesh shah says:

  આવી પ્રેરક કથાઓ વાંચીને પ્રેરણા જરૂર મળે, પણ કથા વાંચી ને મહાલક્ષ્મીબહેન કે લક્ષ્મણ બનવુ સરળ નથી.

 2. pragnaju says:

  યશવંત કડીકર જેવા અનેકોની પ્રેરણાદાયક કથાઓ વાંચી ૬૯ વર્ષની ઉંમરે મને થયું કે હું પણ કોમ્પુટર શીખું- ગુજરાતીમા લખું! જી.ટી પૌત્રોને ગુરુ બનાવ્યાં. ન આવડે તો ખીજવાઈ જાય પાછો દયા આવેને બતાવી જાય!
  આવી પ્રેરક કથાઓ વાંચી હતાશા ઓછી થાય.
  લખમણ રાવ જેવા કેટલાક ઝનુની લેખકો પણ જાણમાં છે જે પૈસાને ગૌણ ગણે છે!
  યશવંત કડીકર અને પ્રીતિ શાહને ધન્યવાદ

 3. ભાવના શુક્લ says:

  મારા નાનીમા ૧૯૭૭ મા પ્રથમ વખત અમેરીકા ૬૦ વર્ષની વયે આવ્યા. વિમાન મા તરસ લાગી અને પાણી માટે ચિલાચાલુ અંગુઠાના ઇશારાનો ઉપયોગ કર્યો. વિમાન પરિચારીકાને જે સમજ પડી તે!!! પણ બા માટે કશુક અપેય પિણુ લાવી આપ્યુ. બા મુંજાયા, કશુ બોલ્યા નહિ. ચુપચાપ ગયા, રહ્યા થોડો સમય મામાના ઘરે અને જ્યારે ભારત પરત આવ્યા ત્યારે પ્રથમ દીવસથી તેમનુ કામ રહ્યુ અક્ષરગ્યાન નુ. સામાન્ય કરતા વધુ ગુજરાતી લખતા વાચતા શિખ્યા અને મુસાફરીમા નોંધેલા જરુરી એવા તમામ અંગ્રેજી શબ્દો લખતા અને વાચતા શિખ્યામાત્ર ૧ વર્ષમા. ને એટલુ જ નહિ તેમની ઉમરના પ્લેનની મુસાફરી કરનારા ને અચુક સમયસર સલાહ અને બને તો મદદ આપતા તેમના જરુરી નોલેજની. ઘરમા નિયમ પાડ્યો કે ઇશારાથી કોઇ એ કશુ માગવુ નહિ.. બોલી ને જ માગવુ.
  (આ માટે ઘણા સમય સુધી અમે બા ને નાદાનીમા હેરાન કરતાને ચીડવતા પણ રહ્યા. જો કે બા હંમેશા હસી કાઢતા.)
  એક વખતની ખુબજ રમુજ ભરેલી આ ઘટના અમારા માટે જીવનભર પ્રેરણાદાયી બની રહી છે.

 4. અતુલ જાની (આગંતુક) says:

  ઉંમર અને અભ્યાસ તે બંનેને કશો સંબધ નથી. અભ્યાસને સંબધ છે જિજ્ઞાસા અને જરુરીયાત સાથે. તેમ છતાં આપણા મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ છે કે અભ્યાસ તો નાની ઉંમરે જ થાય. ઘણા કહેતા હોય કે ભાઈ હવે તો મારી ભણવાની ઉંમર ચાલી ગઈ આ ઉંમરે હું ક્યાં એકડો ઘુંટવા બેસુ?

  મહાલક્ષ્મીબહેન, લક્ષ્મણ રાવ, આદરણિય પ્રજ્ઞાજુ તથા મારા નાનીમા (ભાવનાબહેનના નાનીમા ઍટલે મારાં પણ ખરા જ ને) આ સહુએ જીવંત ઉદાહરણો દ્વારા આપણને સમજાવ્યું છે કે જ્યારે પણ શિખવું હોય ત્યારે શીખી શકાય, માત્ર તમારી શિખવા માટે તૈયારી જોઈએ.

 5. nayan panchal says:

  સયાજીરાવની દુરદર્શિતાને સલામ. મહાલક્ષ્મીબેન જેવા લોકો ખરેખર પ્રેરણારૂપ છે, કશુક શીખવા માટે ઉંમર ક્યારેય બાધારૂપ નથી હોતી. હું એવા ક્ષેત્રમાં છુ જેમા સતત નવુ નવુ શીખતુ રહેવુ પડે. કોઇવાર થાય કે સાલુ આખી જિંદગી ભણ્યા જ કરવાનુ, ત્યારે આવી સત્યઘટનાઓ નવુ જોમ પૂરુ પાડે છે.

  લક્ષ્મણરાવની કથા પણ ખૂબ જ પ્રેરણાત્મક. આવુ જ કંઇક અમદાવાદ IIM ની બહાર બેસતા પાનવાળા/ચાવાળા ભાઈ વિશે વાંચ્યુ હતુ. કોઈને વધુ માહિતી હોય તો પૂરી પાડવા વિનંતી.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.