પીરસવાની કળા – ધારિણી રાવલ

food serving(‘હલચલ’ સામાયિક ઑકટો-07 માંથી સાભાર.)

સુજાતાએ લગ્ન પછી ત્રણ મહિનામાં પ્રથમ વખત પૂરી સ્વતંત્રતા સાથે પોતાના પતિ માટે ખાવાનું બનાવ્યું. આજે તે બેહદ ખુશ હતી. સુજાતાના લગ્નને ત્રણ મહિના જ થયા હતા. તેનાં સાસુ-સસરા થોડા સમય માટે બહારગામ ગયાં હતાં. સાસુ હતાં ત્યારે તે ખાવાનું બનાવવામાં મદદ કરતી પણ સાસુની લાડકી હોવાને લીધે તમામ કામ કદી તેના હાથમાં આવતું નહીં. સાંજે જ્યારે સુજાતાનો પતિ ઘરે આવ્યો ત્યારે આવતાવેંત જ તેણે કહ્યું, ‘આજે બહાર કંઈ જ ખાધું નથી. મને બહુ જ ભૂખ લાગી છે, જલદી જમવાનું પીરસ.

સુજાતાએ ખૂબ હોંશથી જમવાનું પીરસ્યું શાલિન જમવાના ટેબલ પર આવ્યો અને ‘તને ક્યારે અક્કલ આવશે ?’ કહીને ખાધા વગર જ બહાર ચાલ્યો ગયો. સુજાતાના ઉત્સાહ પર ઠંડું પાણી ફરી ગયું. સુજાતાને ખબર જ ન પડી કે રસોઈ ચાખ્યા વગર શાલિન કેમ જતો રહ્યો. સુજાતા પાકશાસ્ત્રમાં નિપુણ હતી.

ત્યારબાદ બાકીના દિવસોમાં શાલિન હંમેશ કરતાં થોડું ઓછું જમતો અને સુજાતા ચિંતા કર્યા કરતી. સુજાતાએ પોતાની બહેનપણી જયશ્રીને ફોન કર્યો અને સમગ્ર વાત જણાવી. જયશ્રીએ તેને સમજાવી: ‘તારે ત્યાં જ્યારે હું પહેલી વખત જમવા આવી ત્યારે ખાવાનું ખાઈને બહુ સારું લાગેલું પણ બીજી વખત તે ખાવા પર મને બોલાવી તો મારું મન ખાવા પર નહોતું. હું ઘણા દિવસથી તને આ વાત કહેવા ઈચ્છતી હતી પણ તને ખરાબ લાગશે એમ સમજીને હું બોલતી નહોતી. તું ખાવાનું અત્યંત સ્વાદિષ્ટ બનાવે છે છતાં તેને જોઈને ખાવાની રૂચિ થતી નથી ખબર છે કેમ ? તું ભોજનને સારી રીતે સજાવતી નથી. સફાઈપૂર્વક તે જ ખાવાનું તમે પીરસો તો ખાવાવાળાની ભૂખ બમણી થઈ જાય છે. આ જ કારણસર શાલિન ઘરમાં ઓછું ખાય છે.’ જયશ્રી સાથે વાત કરીને સુજાતાનું મન હલકું થઈ ગયું. તેણે મનોમન પોતાની અને પોતાની સાસુની ખાવાનું પીરસવાની રીતની સરખામણી કરી અને પોતાની ભૂલો પર નજર દોડાવી. જ્યારે શાલિન ઘરે આવ્યો ત્યારે સુજાતાએ ખૂબ જ સરસ રીતે સજાવેલા ટેબલ પર ખૂબ સફાઈથી ખાવાનું પીરસ્યું અને શાલિન પેટ ભરીને જમ્યો.

આ સમસ્યા સુજાતા અને શાલિનની નથી. ઘણાં કુટુંબોમાં આવી સમસ્યા હોય છે. ઘણી વખત એવું બને છે કે સારું ખાવાનું બનાવનાર તેને કેવી રીતે પીરસવું તે ચૂકી જાય છે એટલે જ સારું ખાવાનું બન્યા છતાં તે સારું લાગતું નથી. જો તમને પણ આવી સમસ્ય હોય તો તમારે નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

[1] ખાવાનું બનાવતી વખતે તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ ખાનારા કેટલી ઉંમરના છે ? એ હિસાબે તમારે તૈયારી કરવી જોઈએ.

[2] જો તમે બુફેનું આયોજન કર્યું હોય તો જ્યાંથી ખાવાનું શરૂ કરવા ઈચ્છો તે ટેબલના એક છેડા પર અથવા તો બાજુના ટેબલ પર પ્લેટ, ચમચી, કાંટા, રૂમાલ, થોડી વાટકી વગેરે વસ્તુઓ તૈયાર રાખો. બીજા ટેબલ પર શાક રાખો. એક વાતનું ધ્યાન રાખો કે એક રંગનાં શાક એકસાથે ન રાખો. સૌ પ્રથમ પીળા, પછી લીલા અને ત્યારબાદ અન્ય કોઈ રંગનું શાક મૂકી શકો. પીરસવા માટેના ચમચા ડિશની બરાબર સામે રાખો.

આ શાક પીરસવાના ચમચા પ્લેટમાં મૂકો, જેથી પીરસતી વખતે આ ચમચાથી ટેબલ ખરાબ ન થાય. સલાડ ટેબલના ખૂણે મૂકી શકો છો, ત્યારબાદ કોઈ અન્ય વસ્તુઓ, મીઠાઈ મૂકી શકો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પાણીના ગ્લાસ, ઠંડાં પાણીના ગ્લાસ વગેરે દરેક ગ્લાસ અલગ અલગ રાખો. જો જમણમાં સૂપની વ્યવસ્થા હોય તો સૂપ માટેનો ચમચો, વાટકી અને વાટકી રાખવાની પ્લેટ જરૂરથી રાખો, જેથી ગરમ વાટકી સરળતાથી પકડી શકાય. મીઠાઈ, ભાત અને અન્ય ચીજોને નાની નાની પ્લેટમાં કાઢો. જો ભાત કે પુલાવ બનાવ્યો હોય તો તેને તળેલી ડુંગળીની ચીરી, દાડમના દાણા, નાના તળેલા પનીરના ટુકડાઓ, તળેલાં કાજુ, કોથમરી વગેરેથી સજાવી શકો છો.

[3] મીઠાઈ તથા એવી જ કોઈ સ્વીટ ડિશ પર ઝીણા સુધારેલા પિસ્તા કે બદામ અથવા દ્રાક્ષ લગાવીને સજાવી શકો છો.

[4] રાયતા ઉપર ફૂદીનો, શેકેલા જીરાનો ભૂકો અને લાલ મરચાંની ભૂકી છાંટી શકો છો.

[5] શાક ઉપર ઝીણી સુધારેલી કોથમીર, કાપેલી ડુંગળી, આદુ, લીલાં મરચાં, ટામેટાંના નાના ટુકડા વગેરેથી સજાવટ કરી શકો છો.

[6] સૂકી દાળ પર ઝીણી કોથમીર, ઝીણી ટામેટાંની ચીરી સજાવી શકો છો.

[7] રસાવાળાં શાક કાજુ, દ્રાક્ષ તથા ક્રીમ (મલાઈ) અને કોથમીરથી સજાવો.

[8] શાકને સરસ રીતે કાપવા માટે કાર્વિંગ નાઈફ મળે છે તેનો ઉપયોગ કરીને તમે સલાડને વિવિધ આકાર આપી શકો છો.

[9] મીઠાઈને ચેરી કે અનાનસની ચીરીથી સજાવો.

[10] ફળોને કાપીને તૈયાર રાખો અથવા તેની ચાટ બનાવી તેને દાડમના દાણાથી સજાવો.

[11] જો તમારી ક્રોકરી સફેદ હોય તો રંગીન ટેબલક્લોથ અને લાલ ગુલાબનાં ફૂલોની પસંદગી કરો. જો ક્રોકરી રંગીન હોય તો સફેદ ટેબલ ક્લોથ અને પીળા રંગનાં ફૂલો રાખી શકો છો.

[12] પાણી કાચના જગમાં અને કાચના ગ્લાસમાં રાખો.

[13] રોટલી, પૂરી કે પાપડ હંમેશા પ્લાસ્ટિકના ચિપિયાથી ઉઠાવીને આપો. હાથથી ના આપો.

[14] બાળકોને હંમેશા ખાવાનું અલગથી આપો. તેઓ જમતી વખતે ખાવાનું ઢોળે છે, જેથી સામે જમવા બેઠેલી વ્યક્તિઓને ખાવાનું મન થતું નથી. એ જ રીતે ખાવાનું પીરસનારને પણ અગવડ પડે છે.

[15] પાણીના ગ્લાસને છલોછલ ના ભરો. પાણીના ગ્લાસને હંમેશા નીચેથી જ ઉપાડો.

[16] ખાવાનું પૂરું થઈ જાય ત્યારે એઠાં વાસણો જમવાવાળાની ડાબી બાજુ ઊભા રહીને લો.

[17] ખાવાના ટેબલ પર ઢોળાયેલ ખાવાનાને ભીના કપડાંથી ટેબલને વચ્ચોવચ ભેગું કરો અને ફરીથી કપડું ભીનું કરીને ટેબલ સાફ કરો.

[18] સ્વીટ ડિશ હંમેશા નાની પ્લેટમાં મૂકો અને વધારાની સ્વીટ મોટા બાઉલમાં રાખો અને ટેબલની વચ્ચે રાખી દો, જેથી બધા પોતપોતાની મરજી મુજબ સ્વીટ લઈ શકે.

[19] સ્વીટ ડિશ માટે હંમેશા નાની ચમચી અને નાની પ્લેટ રાખો, જેથી ખાવાવાળાને સરળતા રહે.

[20] મુખવાસ જેમ કે વરિયાળી, સોપારી, લવિંગ, સાકર નાના ખાનાવાળી પ્લેટમાં જ રાખો. એક પ્લેટમાં અલગ અલગ વસ્તુઓ ન રાખો, તે ભેગી થઈ જશે.

[21] ખાનાર વ્યક્તિઓની ઉંમરનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, જેમ કે વધુ ઉંમરની વ્યક્તિઓ માટે જો તેઓ ઊઠી ના શકતા હોય કે હાથ ધ્રૂજતો હોય તો તેમને તમારે પીરસવું જોઈએ. વધુ પડતી ચમચી, વાટકી તેમની પ્લેટમાં ન મૂકો. તેમના માટેનું ખાવાનું એવું હોવું જોઈએ કે તેઓ સરળતાથી ચાવી શકે અને પચાવી શકે. તેમના માટે અતિશય તીખું, તળેલું અને ઘી-તેલવાળું ભોજન ના બનાવશો. જો તેમના દાંત ન હોય અથવા ખૂબ નબળા હોય તો તેમને કાચાં સલાડ-ફળો ખાવામાં મુશ્કેલી થશે. તેમના માટે આ ચીજો બાફીને રાખો.

આ તો થઈ મોટેરાંઓ અને વૃદ્ધો માટે ખોરાક બનાવતી વખતે લેવાની સાવધાનીની વાત. હવે બાળકોને ખાવાનું પીરસતાં હો તો નીચેની બાબતોનું ધ્યાન રાખો.

[22] બાળકો માટે ખાવાનું પીરસો ત્યારે તેમના માટે બહુ વધારે ક્રોકરી ના રાખો. બાળકોને જમતી વખતે દરેક ચીજ સાથે રમવાની આદત હોય છે. કાંટો વાપરતી વખતે કાંટો તેમને વાગી જઈ શકે છે.

[23] જો તમે ઈચ્છતાં હો કે બાળકો ટેબલ પર બધાની સાથે બેસીને જમે તો ડાઈનિંગ ટેબલની ઊંચાઈ સાથે મેળ પડે તેવી બાળકોની ડાઈનિંગ ચેર લઈ આવો.

[24] બાળકો માટેની પાર્ટી હોય તો બાળકો માટે ટેબલ નીચું રાખો, જેથી તેઓ ખાવાની ચીજો જાતે પણ લઈ શકે.

[25] બાળકોને તમે પીરસતાં હો તો તેમને પૂછીને તેમની પસંદગીની વાનગીઓ પીરસો. બાળકોને ખાવાનું આપો ત્યારે તેમના બેસવાની યોગ્ય વ્યવસ્થા કરો. સાથે એ પણ ધ્યાન રાખો કે બાળકો ખાતી વખતે ઘણું બધું ઢોળે છે તો તે મુજબની તૈયારી પણ રાખો.

[26] બાળકોને ખાવાનું આપો ત્યારે એક નાની ચમચી, એક મોટી ચમચી અને એક નાની વાટકી આપો. તેમને વધુ વાટકીઓ ના આપશો.

[27] બાળકો માટે આજકાલ જુદાં જુદાં ખાનાં ધરાવતી સુંદર પ્લેટો બજારમાં મળે છે. તેમાંની કોઈ પણ પ્લેટ તમે બાળકો માટે પસંદ કરી શકો છો.

[28] બાળકો માટેનું ખાવાનું બનાવો ત્યારે વાનગીઓનું કદ નાનું રાખો.

[29] જો બાળકો માટે સેન્ડવિચ બનાવી હોય તો સેન્ડવિચ માટેના ટુકડા નાના રાખો, જેથી તેઓ સરળતાથી ખાઈ શકે.

[30] બાળકોના ખાવામાં પણ મરી-મસાલા ઓછા નાખો.

તો સ્વાદિષ્ટ ભોજન-સફાઈપૂર્વક ગોઠવેલી વાનગીઓ અને તમારી થોડી સૂઝબૂઝ તમારી ભોજન અંગે લેવાયેલી મહેનતને સફળ બનાવશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરક કથાઓ – સંકલિત
ધોળા વાળ – જલન માતરી Next »   

9 પ્રતિભાવો : પીરસવાની કળા – ધારિણી રાવલ

 1. pragnaju says:

  અમે બાળકોને આટલા નીયમો કહેતા હતા-ટેબલ પરના સાધનો સાથે રમત કરવી નહીં,ટેબલ પર કોણી મૂકવી નહીં, સ્મિત સાથે સેવા આપવી -વાત કરવી,ખાંસી કે છીંક ટેબલ પર કરવી નહીં
  મોઢામાં ખોરાક હોય ત્યારે વાત કરવી નહીં. ચાવતા અવાજ ન આવે તેની કાળજી રાખવી,ખોરાક યક્કી લાગતો હોય તો પણ યમ્મી છે એવું દર્શાવવું,પ્લેટમાં ખોરાક ભેગો કરવો વાડકીમાં નહીં.વહેલા જમી રહ્યા હોય તો વહેલા ઉઠવા બદલ ખેદ વ્યક્ત કરી ઉઠવુ.પ્રવાહી ચમચીની બાજુથી અવાજ ન થાય તેવી રીતે ખાવું, બાકીનો ખોરાક ફોર્કથી હળવેથી ખાવો.તમારે વધુ ચા-કોફી જોઈતા હોય તો રકાબીમાં ચમચી મૂકવી અને કપથી જ પીવી.તેમને ખોરાકની ડીશ આપે તો પહેલા તમારે લેવું બાદમાં બીજાને આપવું.કોઈને પણ આગ્રહ કરવો નહીં.કોઈકવાર ખોરાકમાં વાળ કે કણો કે કાંકરી જણાય તો હળવેકથી પ્લેટની નીચે મૂકવું.નેપકીન મ્હોં લૂંછવા જ વાપરવો
  તેમાં ધારિણી રાવલની પીરસવાની કળાનાં સૂચનો જરુર ઉમેરી દઈશું
  ધન્યવાદ

 2. અતુલ જાની (આગંતુક) says:

  સારામાં સારા વિચારો હોય પણ તેને રજુ કરવાની શૈલિ બરાબર ન હોય તો તે ધારી અસર ઉપજાવી શકતા નથી. તેવી જ રીતે સ્વાદિષ્ટ રસોઈ પણ પિરસવાની અણ-આવડત હોય તો જમનારામાં રુચી ઉત્પન્ન કરી શકતી નથી.

  ધારિણીબહેનના સુચનો ધ્યાનમાં લેવાથી ઘણાં ભોજનના ટેબલ પર જમનારાઓનો ઉત્સાહ વધી જશે. હા પણ જમવાનું થોડું વધારે બનાવજો ક્યાંક રસોઈ ઓછી ન પડે.

 3. Keyur Patel says:

  કંટાળા સભર લેખ. મહેરબાની કરીને કઈંક રસપ્રદ આપો.

 4. bhavi shah says:

  લેખ મા જે લખ્યુ છે એનિ કદાચ લોકો ને ખબર જ હશે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.