વાચકોની કલમે – સંકલિત

[1] શોધું છું – પાયલ પરીખ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પાયલબેનનો (મેલબૉન, ઓસ્ટ્રેલિયા) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sweetp7282@gmail.com ]

અજાણ્યા ચહેરાઓની ભીડમાં,
જાણીતા ચહેરાની તસવીર શોધુ છું;

હથેળીની આડી-અવળી રેખાઓંમાં,
સદ્-ભાગ્યની એક લકીર શોધુ છું;

અંધારી ગલીઓમાં ભાગે છે ચંચળ મન,
એને બાંધે એવી ઝંઝીર શોધું છું;

ઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં,
સાચો સાથ મળે એવી તકદિર શોધું છું;

વિધિની વક્રતા તો જુઓ આ જંગલમાં,
સાચી પ્રાર્થનાનું મંદિર શોધું છું.

[2] બાળપણના ઉત્સવો – રીતેશ મહેતા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી રીતેશભાઈનો (અમેરિકા) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ritesh545@gmail.com ]

એ પતંગ માટે કરેલી જીદ..
અને એ હોળીના રંગોની મઝા..

એ ઊનાળાની રજાઓની ઇંતેજારી ..
અને એ ઉઘડતી શાળાનો વરસાદ ..

એ ફળીયામાં થતી નવરાત્રી..
અને એ દિવાળીમાં ચારે તરફ છવાતો આનંદ..

નથી ભુલાતા એ તહેવારો..
એ જ તો છે બાળપણના ઉત્સવો ..

[3] હું કોણ છું – અમિત પરીખ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અમિતભાઈનો (મુંબઈ) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amitt.parikh@gmail.com ]

“હું કોણ છું?” આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય “હું.. છું” છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ ‘ઓળખ’નો છે, ‘અસ્તિત્વ’નો નહિ. પણ ‘હું કોણ છું’ આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક ‘અન્ય’ છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે! પણ શું કદી કોઇ ‘અન્ય’ આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે?

જો આપણે સ્વયંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ.

“હું કોણ છું” પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે ‘હું કોણ છું?’. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી ‘ઓળખ’ યાદ આવે છે અને ‘હું સાગર છું’ નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું.

શું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ? શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે?

એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.

[4] ભલામણ પત્ર – વશિષ્ઠ શુક્લ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી વશિષ્ઠ ભાઈનો (અમદાવાદ) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ]

શીત લહેરો ઉપર સવારી કરતી, એક વાત જાણવા મળી છે,
લાગણીભીના સ્પંદનોની સુવાસ હવે સગપણમાં પરિણમી છે..

ઝાકળથી દૈદીપ્યમાન એ વાયરાઓ, મંજૂરીની ભૂંગળ વગાડી છે,
મૂક ભાવે, આ વાચાલ હૃદયે તેની પણ સાક્ષી પૂરી છે..

નવ પલ્લિત સંબંધો, વસંતની માફક મહોરી ઉઠવાના,
હવે એકલતાને અમે વિદાય આપી દીધી છે..

જ્યાં ક્યારેક અસ્તવ્યસ્ત કપડાં અને વેરવિખેર થોથા,
એ જીવનની ઘટમાળ હતા;
ત્યાં સુખ, સંતોષ અને તૃપ્તિને કાયમી સરનામું મળ્યું છે..

પ્રકાંડ પંડિતોની એ તર્કબદ્ધ વાતો હવે સાવ સાચી લાગે છે
આ બેલડી, ધરા પર સ્વર્ગનો ‘ભલામણ પત્ર’ લઈ આવી છે..

[5] બંધ આંખે આયનો… – ડૉ. જગદીપ નાણાવટી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ. જગદીપ ભાઈનો (જેતપુર) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ]

બંધ આંખે આયનો જોતા રહો
ના પછી, હું કોણ છું પૂછતાં રહો

દોસ્ત ઝાઝા કે વધુ છે દુશ્મનો
આંગળી વેઢે સતત ગણતા રહો

છો, શમાના સ્પર્શથી ઉકળી ઉઠો
મીણ માફક તે પછી ઠરતા રહો

સાથ પડછાયો તને દેશે સદા
જો તમે અંધારથી બચતા રહો

છે સુરાહી કેટલી ખાલી , ન જો
જિંદગીનો જામ બસ ભરતા રહો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોઈ પણ ક્ષણે – રીના મહેતા
રહી નથી… – અહેમદ હુસેન Next »   

15 પ્રતિભાવો : વાચકોની કલમે – સંકલિત

 1. વાચકો લખતાં થયા એ આનંદની વાત છે ને સાથે સાથે તમારે માટે ગૌરવનો વિષય છે

 2. Jayesh Thakkar says:

  પાંચે ય રચનાઓ જોતાં પ્રતીત થાય છે કે ભાષા ભરોસાપાત્ર હાથોમાં સુરક્ષિત છે…

 3. Himanshu Zaveri says:

  ઉપર છલ્લા કહેવાતા આ અહેસાસોમાં,
  સાચો સાથ મળે એવી તકદિર શોધું છું;
  – really nice written – thanks for sharing it

 4. અતુલ જાની (આગંતુક) says:

  ૧] શોધું છુ
  ———-
  અજાણ્યા ચહેરાઓની ભીડમાં,
  જાણીતા ચહેરાની તસવીર શોધુ છું;

  જાણીતો ચહેરો શોધુ છું – વધારે યોગ્ય ન લાગત ?

  પાયલબહેન આપનો પ્રયત્ન સારો છે. હજુ વધારે મહેનતની જરુર છે.

  ૨] બાળપણના ઉત્સવો
  —————–
  રીતેશભાઈ હજુ પણ અહીં ઉત્સવો એવા જ આનંદથી ઉજવાય છે, અનુકુળતા એ તેનો આનંદ માણવા આવતા રહેજો.

  [3] હું કોણ છું
  ———–
  અમિતભાઈ સુંદર ચિંતનાત્મક લેખ.

  હું કોણ છુ? આ પ્રશ્ન ઉપર ઘણા ઘણા ચિંતકોએ પોતાના વિચારો રજુ કર્યા છે. શ્રી રમણ મહર્ષિતો કોઈ પણ પ્રશ્નના જવાબમાં હું કોણ છું તેની જ શોધ કરવાનું કહેતા. ખરેખર તો આપણી આ યાત્રા નું ધ્યેય હું ની શોધ જ છે. અને જ્યારે આ શોધનો સાચો જવાબ મળશે ત્યારે આપણે મુકામે પહોંચી ગયા હશું.

  [4] ભલામણ પત્ર
  ————–
  વશિષ્ઠભાઈ સુંદર રજુઆત – હા પણ વધારે મહેનતની જરુર છે.

  [5] બંધ આંખે આયનો
  —————–

  છે સુરાહી કેટલી ખાલી , ન જો
  જિંદગીનો જામ બસ ભરતા રહો

  વાહ, જગદીપભાઈ વાહ – ડોક્ટર સાહેબ તમે તો કમાલ કરી નાખી.

 5. pragnaju says:

  વાચકોની કલમેનો વિચાર ગમ્યો.વાચકો જ ન હોય તો? ગાલીબ યાદ આવ્યાં-“न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता,डुबोया मुझ को होने ने न होता मैं तो क्‌या होता”
  આ વિચાર બદલ અભિનંદન
  ૧ પાયલ પરીખની રચના જેવી જ આ
  શોધું છું…ભાગ્યેશ જહાની જાણીતી રચના છે
  એક સુખની લકીર શોધું છું,
  ના,વધારે,લગીર શોધું છું
  દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
  ધનિક એવો ફકીર શોધું છું
  મૌનમાં આરપાર થઇ જાયે,
  શબ્દનું સરસ તીર શોધું છું
  હું ય રણ માં જઇ ઉભો રહ્યો,
  ઝાંઝવાનું ખમીર શોધું છું
  હોય તારી સુગંધ જેનામાં
  એ તરબતર સમીર શોધું છું
  આગને પણ કરી શકે વશમાં,
  હર ગલીમાં કબીર શોધું છું.
  તેમાં આ શેર સરસ થયો છે
  ” ઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં,
  સાચો સાથ મળે એવી તકદિર શોધું છું’
  અભિનંદન
  ૨ રીતેશ નો સહજતાથી યાદ આવતા તહેવારોના લખાણમાં જે દર્દ છે તે અનુભવ્યું છે.
  લખવાનો પ્રયાસ ચાલુ રાખશો
  ૩ હું કોણ છું – અમિત પરીખનો જટીલ વિષય પર સમજ આપવાનો પ્રયાસ દાદ માંગી લેતેવો છે “એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.” વિચાર કરતાં કરી દેછે…
  ૪ સારી રચના,
  તેમાં’પ્રકાંડ પંડિતોની એ તર્કબદ્ધ વાતો હવે સાવ સાચી લાગે છે
  આ બેલડી, ધરા પર સ્વર્ગનો ‘ભલામણ પત્ર’ લઈ આવી છે..”
  શેર ગમ્યો
  ૫ લગે રહો જગદીપભઈ
  તેમાં
  “સાથ પડછાયો તને દેશે સદા
  જો તમે અંધારથી બચતા રહો”
  ગમ્યો
  જાણે સોલી કાપડીઆ ગાતા હોય…
  તમે અહીંયા રહો તો મને સારું રહે
  આ જળને વહેવાનું કંઇ કારણ રહે

 6. Vikram Bhatt says:

  ખુબ જ સરસ. નવોદિતોને જેટલો વધુ મોકો તેટલું વધુ પુણ્ય.

 7. pranav sheth says:

  વાચકો દ્વારા રજુ થતિ રચના ઓ ગમેી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.