વાર્તાલાપ – કિરીટ દવે

(શ્રી રતિલાલ બોરીસાગર ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક તરીકે જાણીતા છે. ‘મરક-મરક’, ‘આનંદલોક’ તેમના જાણીતા હાસ્યનિબંધ સંગ્રહો છે. ‘સંભવામિ યુગે-યુગે’ તેમની ‘ભદ્રંભદ્ર’ ની પરંપરામાં અર્વાચીન સંદર્ભમાં લખાયેલી હાસ્ય લઘુનવલ છે. તેમના નર્મમાં ભળેલા મર્મને લીધે તેમનું હાસ્ય સૂક્ષ્મ કોટિનું અને ધ્યાનકર્ષક બન્યું છે. આ હાસ્ય સાહિત્યકાર સાથેની લીધેલી મુલાકાતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે.)

પ્રશ્ન : તમારો જન્મ ક્યાં થયો હતો ? માતા-પિતાનું નામ શું ? અભ્યાસ કેટલો ?
ઉત્તર : મારો જન્મ સાવરકુંડલા, જિલ્લો ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ મોહનલાલ બોરીસાગર અને માતાનું નામ સંતોકબહેન હતું. અભ્યાસ એમ.એ., બી.એડ. પી.એચ.ડી સુધીનો. પી.એચ.ડીમાં મારો વિષય હતો ‘Literary Editing in Gujarati Language’. જે મેં શ્રી ચંદ્રકાન્ત શેઠના માર્ગદર્શન હેઠળ કર્યો.

પ્રશ્ન : તમારો વ્યવસાય શો રહ્યો ?
ઉત્તર : શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી પ્રાથમિક શાળામાં કામ કર્યું. છ મહિના પોસ્ટ-ઑફિસમાં કારકુન તરીકે નોકરી કરી. પછી માધ્યમિક શાળામાં દસ વર્ષ સુધી ભણાવ્યું. સાડા ત્રણ વર્ષ સાવરકુંડલામાં અધ્યાપક તરીકે સેવા આપી. 21 વર્ષ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ (ગાંધીનગર) ઍકેડેમી સેક્રેટરી તરીકે કામ કર્યું. પોણા ત્રણ વર્ષ નાયબ નિયામક તરીકે સેવાઓ આપી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં 1998થી નિવૃત્તિ લીધી.

પ્રશ્ન : તમને લખવાની પ્રેરણા ક્યાંથી મળી ?
ઉત્તર : હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે મુકુંદરાય પંડ્યા નામના ગુજરાતીના શિક્ષક (અત્યારે 82 વર્ષે ભાવનગરમાં નિવૃત્ત જીવન ગાળે છે.) તેઓ અમને ગુજરાતી શીખવતા. લેખકો અને તેમની રચનાઓ વિશે વાતો કરતા. અંગ્રેજી, ગુજરાતી નવલકથાની વાર્તાઓ કહેતા. તેઓ પોતે કવિ હતા. એમની રચનાઓ એ વખતના જાણીતા સામાયિકો ‘નવચેતન’, ‘ચેતન’, ‘અખંડ આનંદ’ વગેરેમાં પ્રસિદ્ધ થતી એ કારણે મને લખવાની પ્રેરણા મળી. મારી પહેલી રચના હું જ્યારે એસ.એસ.સી.માં હતો ત્યારે ‘મહિલા જગત’ નામના પાક્ષિકમાં પ્રસિદ્ધ થઈ. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાં એક વર્ષ ભણ્યો એ વખતે કૉલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીઓથી લઈને એમ.એ. સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્તા-કાવ્યસ્પર્ધા યોજાયેલી. તેમાં મારી વાર્તા ‘અમૃત અને ઝેર’ પહેલી આવેલી. કૉલેજમાં સાહિત્ય મંડળ તરફથી રૌપ્ય ચંદ્રક મળેલો. કૉલેજના ગુજરાતીના પ્રોફેસર ઈશ્વરપ્રસાદ જોશીપુરાએ મને કહેલું કે – ‘તમે સરસ લખો છો. લખતા રહેજો, સરસ લેખક થશો.’ એમના આ વાક્યોથી મને ઘણી પ્રેરણા મળેલી. ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર શ્રી લક્ષ્મીકાંત હ. ભટ્ટ પણ મારા વિજ્ઞાન શિક્ષક હતા. જ્યારે બીજીવાર સાવરકુંડલામાં વિજ્ઞાન શિક્ષક તરીકે આવ્યા ત્યારે કૉલેજ અડધેથી છોડી શિક્ષક થયેલો. લક્ષ્મીકાન્તભાઈ મારી રચનાઓ વાંચતા, એના પર ચર્ચાઓ કરતા અને માર્ગદર્શન આપતા. એકવાર તો આખી રાત જાગીને ચર્ચા કરેલી. એમને કારણે પણ મને પ્રેરણા મળેલી.

સાવરકુંડલામાં અનંત મહેતા રહે છે. એમને પેંડાની દુકાન છે. પણ હું જ્યારે લખતો થયેલો ત્યારે તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે જાણીતા થયેલા. એમની સાથે પણ મારી રચનાઓની ચર્ચાઓ ચાલતી રહેતી. અનંત મહેતાનો ટૂંકીવાર્તાનો સંગ્રહ ‘હૈયાનો કાદવ’ એ વખતે પ્રસિદ્ધ થયેલો. અનંત મહેતા અને શાળાના મારા સહાધ્યાયી કાંતિલાલ કામદાર સાથે ‘પૂનમ’ નામનું માસિક શરૂ કરેલું. ત્રણેક અંક પછી તે બંધ થયેલું. અનંત મહેતા અને લક્ષ્મીકાંત હ. ભટ્ટ સાથે વધારે સમય ગાળ્યો તેનાથી મને ઘણું પ્રોત્સાહન મળેલું.

પ્રશ્ન : તમે હાસ્યલેખન કરતા કેવી રીતે થયા ?
ઉત્તર : ‘આરામ’ અને ‘ચાંદની’ ના હાસ્યલેખોને કારણે હું હાસ્યરસની રચનાઓ કરતો થયો. ‘ચાંદની’ ના સંપાદક અશોક હર્ષ અને ‘આરામ’ માં શ્રી પીતાંબર પટેલે મને પ્રોત્સાહન આપેલું. ‘આરામ’ માં એક હાસ્યરચના વાંચીને પ્રસિદ્ધિ વિવેચક શ્રી જશવંત શેખડીવાળાએ મારા એક ચિત્રકાર મિત્ર શ્રી અજિત પંડ્યા મારફત મારી સાથે પરિચય ન હોવા છતાં મારી રચનાની પ્રશંસા કરી અને એ રીતે હાસ્યરચના લખવાનું બળ મળ્યું. પાઠકસાહેબે મારી રચનાઓને વખાણી. હાસ્યરચનાઓમાં મારાથી ઠીક કામ થઈ શકે એ પ્રકારની શ્રદ્ધા પાઠકસાહેબેને લીધે મનમાં જન્મી. ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશીએ મારી કેટલીક રચનાઓ છાપી હતી. મારો સંગ્રહ છાપવા માટે મને સરસ ભલામણપત્ર લખી આપ્યો. આમ હું ધીમી ગતિએ આગળ વધ્યો રહ્યો.

લખવાની શરૂઆત ટૂંકીવાર્તાથી કરી. એક સંગ્રહ થાય એટલી ટૂંકીવાર્તાઓ છપાયેલી પડી છે પણ તેમાં ઝાઝી સફળતા ન મળી. મેં પાંચ-સાત લધુકથા પણ લખી. આમાંની મોટાભાગની લઘુકથા ‘કુમાર’ માં પ્રસિદ્ધ થવાને કારણે એક લઘુકથાને તો પારિતોષિક પણ મળ્યું. ‘કુમાર’માં બે-ત્રણ ગંભીર નિબંધો લખ્યા. બાળઉછેરને લગતા લઘુ લેખો દસ વર્ષ સુધી મેં ‘બાલપૂર્તિ’ સામાયિકમાં લખ્યા. ઈશ્વર પરમારે આ લેખોનું સંપાદન કર્યું જે ‘બાળવંદના’ નામે પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થયું. આમ છતાં મારું ધ્યાન હાસ્યરચનાઓ પર જ કેન્દ્રિત કર્યું છે. થોડાક વખત પહેલાં ‘આહ ! જિંદગી’ નામના સામાયિકને ટેલિફોન ઉપર ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું કે ‘પરમાત્માએ જેમને સર્જન શક્તિ આપી છે.’ એ સૌ માટે સાહિત્યનું કોઈને કોઈ ક્ષેત્ર પરમાત્માએ નિશ્ચિત કરેલું હોય છે. દરેક લેખકનો એક સ્વધર્મ નિશ્ચિત થયેલો હોય છે. લેખક આ સ્વધર્મને ઓળખી શકે અને એના પર જ ધ્યાન કેન્દ્રિત કરે તો એની સર્જનશક્તિ વેરાઈ ન જાય.’ મારી આ માન્યતાને કારણે હું સમજ્યો છું કે હાસ્ય મારો સ્વધર્મ છે અને મારે હાસ્યરચનાઓ કરવા પર જ મારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એટલે હું હાસ્યરચનાઓ જ કરું છું. વચ્ચે વચ્ચે લલિત નિબંધ લખું છું. મારા ગામની શેરી અને નદી વિશેના મારા લલિતનિબંધો જાણીતા થયા છે.

પ્રશ્ન : હાસ્ય જીવનમાં કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર : હાસ્ય ઈશ્વર તરફ માનવજાતને મળેલું મહામૂલ્ય વરદાન છે. સકલ જીવસૃષ્ટિમાં મનુષ્ય જ હસી શકે છે. ઈશ્વરે રચેલું જગત નિરામય અને આનંદસભર છે. પણ ઈશ્વરના જગતમાં ઈશ્વરની સૃષ્ટિમાં મનુષ્યે જે પોતાનું જગત રચ્યું છે એ જગતનું બહુ થોડું અનુસંધાન ઈશ્વરની સૃષ્ટિ સાથે છે. મહદઅંશે મનુષ્યનું બનાવેલું જગત ગંદુગોબરું છે અને એટલે જ આજનો મનુષ્ય સતત ને સતત તાણ નીચે જીવે છે. સ્ટ્રેસ (તાણ) અને બોરડમ (કંટાળો) આજના મનુષ્યના કપાળે લખેલા અભિશાપો છે. આમાંથી છૂટવા માણસ વ્યસન-દવાઓ-અને ધમાલિયા સંગીતનો આશ્રય લે છે. થોડોક વખત આનંદ મળે છે. પણ તે આનંદ નહિ ઉત્તેજના છે. એ ઉત્તેજના શમી ગયા પછી એ વધારે તાણ અને કંટાળાનો અનુભવ કરે છે. એટલે વધારે પ્રમાણમાં પાછો વ્યસન-દવાઓ- અને ધમાલિયા સંગીત તરફ વળે છે. આ વિષ નિરંતર ચાલતું હોય છે. ખરેખર નિર્મળ હાસ્ય આ તાણ અને કંટાળાનો ઉપાય છે. નિર્મળ હાસ્ય નિર્મળ ચિત્તમાં જ પ્રકટી શકે. આ અર્થમાં હાસ્યની ઉપાસના એ ઈશ્વરની ઉપાસના જ છે. બકુલ ત્રિપાઠી કહે છે કે, ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી.’

પ્રશ્ન : અત્યાર સુધીમાં કેટલા પુસ્તકો લખ્યા ? અત્યારે શું લખી રહ્યા છો ? ઍવોર્ડ મળ્યો હોય તેવા પુસ્તકો ક્યા ?
ઉત્તર : 1998 થી 2003 સુધી એટલે સાડા પાંચ વર્ષ ‘સંદેશ’ માં અઠવાડિક કૉલમ ‘મરક-મરક’ લખી. એ વખતે દર અઠવાડિયે એક લેખ લખવાનો થતો હતો. તેથી ઠીક ઠીક લેખો લખાયા. દર અઠવાડિયે લખવાનું રહેતું એટલે મન પર તાણ રહેતી. તબિયત પર અસર થતી. તેથી કૉલમમાંથી નિવૃત્તિ લીધી. હવે હું નિરાંતે લખું છું. મારા પુસ્તકોમાં ‘આનંદલોક’, ‘સંભવામિ યુગે-યુગે’, ‘એન્જોયગ્રાફી’, ‘બાલવંદના’, ‘રમણભાઈ નીલકંઠ’ (મોનોગ્રાફી), ‘ગુજરાતી પ્રતિકાવ્યો’ (પરિચય પુસ્તિકા), ‘તિલક કરતાં ત્રેસઠ થયાં.’, ‘જ્ઞ થી ક સુધી’, વગેરેને ગણાવી શકાય. 1976-77માં જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, (ગુજરાતી સાહિત્ય પરિષદ), ‘મરક-મરક’ ને ગુજરાતી સાહિત્ય ઍકેડેમી (ગાંધીનગર) બીજું પારિતોષિક મળ્યું. ‘આનંદલોક’ (ગુજરાતી સાહિત્ય ઍકેડમી) તરફથી 1983નું પહેલું ઈનામ મળ્યું. ‘એન્જોયગ્રાફી’ ને ગુજરાત સાહિત્ય ઍકેડમી 1997નું પ્રથમ પારિતોષિક મળેલું છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ.સ. 2002નો ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પ્રથમ ઈનામ ગુજરાતી સાહિત્ય તરફથી ‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ ને ફાળે જાય છે. અત્યારે અગાઉ જે લખાયું છે તે મઠારવાનું કામ ચાલી રહ્યું છે. મેં ગુજરાતી ભાષામાં સાહિત્યિક સંપાદન વિશે પી.એચ.ડી. કરેલું છે. આ મહાનિબંધની સામગ્રી પછી જુદા જુદા પુસ્તકો રૂપે મૂકવા ઈચ્છું છું એટલે એ કામ પણ હાથ ઉપર લેવું છે.

પ્રશ્ન : અંગ્રેજી સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં આપના પ્રિય હાસ્ય લેખકો ક્યા ?
ઉત્તર : અંગ્રેજી સાહિત્યનો મને અભ્યાસ નથી. પણ જે થોડુંઘણું વાંચ્યું છે તે અનુવાદ રૂપે વાંચ્યું છે એટલે સર્વાટીસ્ટ, ડૉ. કિહોટે, ઝેરોમ એ ત્રણ પુસ્તકો મને પ્રિય છે, સ્ટીફન લિકોક અને માર્ક ટવેઈનનું કેટલુંક લખાણ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં વાંચ્યું છે તે મને ગમ્યું છે.

ગુજરાતીમાં ગઈ પેઢીના રમણભાઈ નીલકંઠ, જ્યોતીન્દ્ર દવે, ગગનવિહારી મહેતા વગેરે મારા પ્રિય લેખકો છે. જ્યોતીન્દ્ર દવે, ગગનવિહારી મહેતા વગેરે મારા પ્રિય લેખકો છે. જ્યોતીન્દ્ર દવે પછી વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠીના નામો ગુજરાતીના પ્રમુખ હાસ્યકારો તરીકે લેવાય છે. આ બંને મારા પ્રિય લેખકો છે. નવનીત સેવક, દામુ સંગાણી – હું શાળામાં ભણતો હતો ત્યારથી મારા પ્રિય લેખકો રહ્યા છે. અત્યારે હાસ્યક્ષેત્રે લખનારા તમામ લેખકો મારા મિત્રો છે. એ લોકો ગમે છે. એવાં કોઈનું નામ ચૂકી જાઉં એવી ઈચ્છા નથી. અશોક દવે પછીની પેઢીમાં રાજેન્દ્ર જોશી, નિર્મિશ ઠાકર ઘણું સરસ કામ કરે છે પણ રાજેન્દ્ર જોશીના અકાળ અવસાનને કારણે જે મળવાનું હતું તે મળ્યું નથી. અત્યારે તદ્દન નવી પેઢીમાં પણ કેટલાક ઘણા ઉત્સાહથી કામ કરી રહ્યા છે. એમાં મનુ શેખચલ્લીની કલમ હાસ્યક્ષેત્રે સ્થિર થતી જાય છે. આ ઉપરાંત નવા હાસ્યલેખકોમાં રિદ્ધિ દેસાઈની સિદ્ધિ નોંધપાત્ર છે. એમનો સંગ્રહ પ્રગટ થયો નથી છતાં સામાયિકોમાં પ્રસિદ્ધ થતાં એમનાં લેખો એમના અતિ ઉજ્જવળ ભવિષ્ય વિશે આગાહીરૂપ છે.

રિદ્ધિ દેસાઈની જેમ જ ઉર્વીશ કોઠારીના લેખો અત્યારે ધ્યાન ખેંચી રહ્યા છે. ઉર્વીશમાં પણ સમર્થ હાસ્યલેખક વસેલો છે એવું ખાતરીપૂર્વક કહી શકાય. નવી પેઢીમાં નલિની ગણાત્રા, પલ્લવી મિસ્ત્રી, કલ્પના દેસાઈ, વલ્લભ મિસ્ત્રી, મનહર શુક્લ, કિરીટ વૈદ્ય, નટવર પંડ્યા, વિજય દવે વગેરેએ ગુજરાતી હાસ્ય સાહિત્ય માટે આશાનું વાતાવરણ ઊભું કર્યું છે.

પ્રશ્ન : તમારી દષ્ટિએ શ્રેષ્ઠ હાસ્યલેખક કોણ છે ?
ઉત્તર : દરેક હાસ્યલેખક પોતપોતાની રીતે ઉત્તમ કામ કરે છે. એક લેખક અમુક બાબતમાં જે સિદ્ધ કરી બતાવે છે તે બીજાથી થઈ શકતું નથી. અત્યારે લખતા લેખકોનું કામ હજુ શરૂ છે એટલે કોણ ક્યારે શું કરી બતાવશે તેની આગાહી કરી શકાતી નથી. એટલે એક લેખક કરતાં બીજા લેખકને શ્રેષ્ઠ ગણવાનું કામ અઘરું છે, અનુચિત પણ છે. પણ છતાં હમણાં હમણાં સ્વર્ગસ્થ થયેલા બકુલ ત્રિપાઠી અને વર્તમાન શ્રેષ્ઠ હાસ્યલેખક વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ હાસ્યલેખક ગણાય. જેના જીવનમાં હાસ્ય નથી, તેનું જીવન જીવન જ નથી એમ હું માનું છું.

હું હાસ્યલેખક થયો તેનો દેખીતો કોઈ ફાયદો થયો નથી અને હું ફાયદા માટે લખતો પણ નથી. સર્જનશક્તિ એ ઈશ્વરનું મહામૂલું વરદાન છે. હાસ્યલેખન કપરું છે એટલે હાસ્યલેખનની શક્તિને હું અત્યંત મોંઘું વરદાન ગણું છું. ઈશ્વરની આવી કૃપા પામ્યો એનાથી હું ધન્ય બની ગયો છું. ઈશ્વરે મને સોંપેલા કામ તરીકે હું લખું છું. આ મારી ઈશ્વરની પૂજા છે, ઉપાસના છે. જે કંઈ પૈસા મળે છે તે પ્રભુના પ્રસાદરૂપે મળે છે એમ હું માનું છું. હું કોઈ પ્રસિદ્ધિ માટે લખતો નથી. મારા વાચકને નિર્મળ આનંદની અનુભવ કરાવવો એ સિવાય લખવા પાછળનો કોઈ હેતુ નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રહી નથી… – અહેમદ હુસેન
કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા Next »   

13 પ્રતિભાવો : વાર્તાલાપ – કિરીટ દવે

 1. શ્રી રતિલાલ બોરીસાગરની મરક-મરક કોલમ વાંચી અને ગમી છે… એક સાવરકુંડલાવાસી અને તેમના કુટુંબ સાથે ઘરોબો હોવાથી તેમના વિશે થોડો ખ્યાલ છે. હાસ્ય માત્ર તેમનામા જ નહી તેમના પુરા કુટુંબમાં વણોવાયેલુ છે. એકદમ સરળ, અને જીવનલક્ષી નિર્મળ આનંદ આપતા લેખો માટે તેમનો આભાર…

 2. અતુલ જાની (આગંતુક) says:

  કૃતિઓને વાંચવાનો જેટલો આનંદ આવે છે, તેથી પણ અધિક આનંદ કૃતિકારને મળીને તેમની સાથે વાર્તાલાપ કરવાનો આવે છે.

  શ્રી કિરીટભાઈ દવે અને શ્રી રતિલાલ બોરીસાગરની વચ્ચે થયેલો આ નિખાલસ વર્તાલાપ માણવાની મજા પડી.

 3. ભાવના શુક્લ says:

  જેના જીવનમાં હાસ્ય નથી, તેનું જીવન જીવન જ નથી એમ હું માનું છું.
  હું હાસ્યલેખક થયો તેનો દેખીતો કોઈ ફાયદો થયો નથી અને હું ફાયદા માટે લખતો પણ નથી. સર્જનશક્તિ એ ઈશ્વરનું મહામૂલું વરદાન છે. હાસ્યલેખન કપરું છે એટલે હાસ્યલેખનની શક્તિને હું અત્યંત મોંઘું વરદાન ગણું છું. ઈશ્વરની આવી કૃપા પામ્યો એનાથી હું ધન્ય બની ગયો છું.
  ………………………………………………………………………….
  એક હાસ્યલેખક તરીકે શ્રેષ્ઠ એવા રતિલાલભાઇ કે જેમને બહુ વર્ષો પહેલા વલ્લભવિદ્યાનગરમા ભણતી હતી ત્યારે એક કાવ્યપઠન સ્પર્ધામા પ્રત્યક્ષ જોવા મળેલા તેને મારુ અહોભાગ્ય સમજુ છુ. પાઠ્યપુસ્તકમા નામ વાચેલુ હોય તેને આમ મળવાનુ બહુ પ્રલોભનકારી રહ્યુ હતુ. આજે તેમનો વાર્તાલાપ વાચીને તેમના વિશે ન જાણતી બાબતો પણ જાણી. કિરિટભાઇ અને મૃગેશભાઇનો આભાર કે એ મુલાકાતના અંશો અહિ આપણી સમક્ષ મુક્યા.

 4. pragnaju says:

  શ્રી રતિલાલ બોરીસાગરનું સૂક્ષ્મ કોટિનું ,માર્મીક, મરક મરક હાસ્ય,ધ્યાનાકર્ષક વાર્તાલાપ – દ્વારા રજુ કરવા બદલ કિરીટ દવેને ધન્યવાદ

 5. Keyur Patel says:

  આપનો આભાર !!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.