કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા

દિવાળી પહેલાનાં એક રજાના દિવસે અમે સવારની ચા પીને ઘરની સાફસૂફીમાં લાગી ગયા. આપણી એક લોકક્તિ પ્રમાણે જેને ‘કાટ કાઢવો’ એવી આ ક્રિયા હતી. બધું જૂનું, નકામું બદલી નાખવાનું અને નવા વર્ષ નિમિત્તે ઘરને નવેસરથી શણગારવું.

હજુ હમણાં જ અમારાં લગ્ન થયાં હતાં. મારી પત્ની ઘરની એકેએક વસ્તુથી પરિચિત નહોતી બની એટલે મમ્મીએ એને સાથે રાખીને રસોડાને નવો ઓપ આપવાનું શરૂ કર્યું. રસોડાના કપબોર્ડના ડબ્બાઓ નીચે ઉતારી, અંદરથી બધું સાફ કરી કાગળો પાથરવાનું શરૂ કર્યું. પપ્પાએ પસ્તી, ભંગાર, નકામા વાયરના કટકાઓ, ઘરની નાનકડી લાયબ્રેરીની પુન: ગોઠવણી અને પરચૂરણ કાર્યભાર સંભાળી લીધો. મેં અને મારા નાનાભાઈએ બારી-બારણાં સાફ કરવાથી માંડી ઘરની સફાઈ શરૂ કરી અને આઠેક વર્ષની મારી નાની બહેન સૌનો હાથવાડકો બની રહી. પૂરા ત્રણ-સાડા ત્રણ કલાકની જહેમત બાદ ઘરે નવાં રૂપ-રંગ ધારણ કર્યા. સૌ સારી રીતે થાકી ગયાં હતાં. અમે થાક ઉતારવા લીંબુ-શરબત પીધું. બરાબર એ જ વખતે મમ્મીએ એલાન કર્યું – ‘હું તો એટલી બધી થાકી ગઈ છું કે રસોઈ બનાવવાના પણ હોશકોશ રહ્યા નથી. આજે આપણે સૌ બહાર જમી લઈશું.’

મમ્મીના પ્રસ્તાવને સૌએ વધાવી લીધો. હવે પ્રશ્ન એ ચર્ચાયો કે બહાર જમવા જવું તો કઈ હોટલ-રેસ્ટોરાંમાં જમવું. અડધા કલાકની ચર્ચા પછી સૌએ એક હોટલ પર પસંદગી ઉતારી. સ્નાનાદિથી પરવારી અમે જમવા બહાર નીકળી પડ્યાં. પપ્પાને, મને અને પત્નીને ઑફિસમાં રજા હોવાથી જમીને બપોરના થોડા ટી.વી. કાર્યક્રમો જોઈ અમે મજાની એક ઊંઘ ખેંચી લેવાનું પણ નક્કી કરી લીધું.

અમારી મનગમતી હોટેલમાં જઈ અમારી પસંદગીની વાનગીઓનો અમે ઓર્ડર આપ્યો. સૌ આનંદથી જમ્યા. ભોજન બાદ આઈસ્ક્રીમ, કસ્ટર્ડ, જેલી જેવી વાનગી આરોગી અમે મુખવાસ આરોગતા હતા ત્યાં વેઈટર બિલ લઈને આવ્યો અને ટેબલની વચ્ચોવચ્ચ એક પ્લેટમાં બિલ ધરી ચાલી ગયો. આજ સુધી જ્યારે જ્યારે અમે બહાર હોટેલ-રેસ્ટોરાંમાં જમવા જતા ત્યારે બિલની રકમ ચૂકવવા પપ્પા જ ગજવામાંથી મનીપર્સ કાઢતા પણ આજે એવી કોઈ ક્રિયા તેઓએ કરી નહિ અને ફરીથી મુખવાસ આરોગી ટૂથપીકથી દાંત ખોતરવાનું શરૂ કર્યું. આખરે મેં બિલ ઊંચક્યું. ખાસ્સી મોટી એવી રકમનું બિલ હતું.
 

પરણતા પહેલાં હું નોકરીએ લાગી ગયો હોવાથી અને મારી પત્ની પણ નોકરી કરી ખાસ્સો પગાર લાવતી હોવાથી મેં પર્સ કાઢ્યું. બિલની ખૂટતી રકમ પત્નીની પર્સમાંથી કઢાવી બિલ ચૂકવ્યું અને મને પહેલી વખત અહેસાસ થયો કે હું મોટો થઈ ગયો છું ! હું હવે એક પરિણીત પુરુષ છું, કમાઉં છું અને મારે પણ ઘરખર્ચની થોડી જવાબદારી ઉઠાવવી જોઈએ. ભલે મમ્મી-પપ્પાની દષ્ટિમાં હું બાળક હોઉં, પણ એવડો બાળક તો નથી જ કે મારી, અમારી જવાબદારીઓ હવે પપ્પા પર ખડકવા દઉં. આજ સુધીમાં સો-બસ્સો-પાંચસો હોટેલ બિલ પપ્પાએ ચૂકવ્યાં હશે, ખરીદી વખતે ગજવામાંથી પૈસા કાઢ્યા હશે અને મોટી ઉંમરે પણ પપ્પાએ જ બધી આર્થિક જવાબદારીઓ અદા કરી છે. હજુ એ રિટાયર્ડ થયા નહોતા પણ મારે એમને આર્થિક જવાબદારીમાંથી થોડા થોડા અંશે મુક્ત કરતા રહેતા જવું એ પેલું હોટેલ-બિલ સૂચિતાર્થ હતું. મેં બિલ ચૂકવ્યું. મમ્મીએ વ્હાલપૂર્વક મારા વાંસામાં હાથ ફેરવ્યો. એની આંખમાં મેં મારી ફરજ અદા કર્યાનો સંતોષ વર્તાતો હતો.

હા, હવે હું મોટા થઈ ગયો છું. નાનકડો બાળક રહ્યો નથી. ક્યારેક કોઈ સ્ટોરમાં નાનક્ડી ખરીદી કરતો હોઉં કે સિનેમા-નાટકની ટિકિટ લેતો હોઉં ત્યારે થડે બેઠેલો કેશિયર કે કાઉન્ટર પાછળ ટિકિટ ફાડતો કલાર્ક મને કહે છે – ‘મિસ્ટર, ત્રણ રૂપિયા છૂટા હશે ? હવે હું ‘મિસ્ટર’ બની ગયો છું. નાનકડા દુકાનદારો કે શાકભાજીના રેંકડીવાળા મને સાહેબનું સંબોધન કરતા થઈ ગયા છે. પહેલી વખત મને કોઈએ જ્યારે માનાર્થે બોલાવ્યો ત્યારે મને ઘણું સારું લાગ્યું. મને ગમ્યું, મારો અહમ સંતોષાયો. પણ પછીથી મને આવાં સંબોધનો ગમતાં નહિ. ‘વડીલ, જરા પગ ઊંચો લેશો ?’ એવી વિનંતી કરતો ટ્રેનનો સહમુસાફર, ‘મુરબ્બી જરા કહેશો કે 1173 નંબરનું ઘર ક્યાં આવ્યું ?’ સરનામું શોધતા કોઈ અજાણ્યાની પૂછપરછ કે પછી ‘મિસ્ટર, જરા લાઈનમાં આવો’ જેવો હુકમ કરતો બસની ‘ક્યૂ’ નો પેસેન્જર હવે મને ‘મોટો’ ગણતા થઈ ગયા છે. કૉલેજની ક્રિકેટ ટીમનો છોકરો ધીમેધીમે યુવકમાં રૂપાંતર પામી સદગૃહસ્થ બનતો જતો હોય ત્યારે મને દુ:ખ થાય છે કે જમાનો, લોકો મારી પાસેથી મારું શૈશવ ખૂંચવતા જાય છે. ગલીના નાકે ઊભેલા જે પોલીસથી હું ડરતો એની મને હવે બીક લાગતી નથી. હવે એ પણ ક્યારેક મને માનાર્હથી બોલાવતો થઈ ગયો છે. બત્તી વિનાની સાયકલ ચલાવતા પોલીસે મને ઘણી વખત પકડ્યો છે, ઉદ્ધતાઈથી વાતો કરી છે પણ હવે રોંગ-સાઈડમાં સ્કૂટર ચલાવતી વખતે પોલીસ મને ધમકાવતો નથી. એ મને થોડા કડક શબ્દોમાં માત્ર ચેતવણી આપતાં કહે છે, ‘આવડા મોટા થઈને કાયદાનો ભંગ કરો છો ? મારે તમને શું કહેવું ?’

ના, હવે હું કિશોર રહ્યો નથી. વડીલો પણ ધમકાવતા પહેલાં ખૂબ વિચારી એમનાં કડક વાક્યોમાંથી ધમકીનો દંશ હળવો કરી દે છે. મારી કિશોરાવસ્થા મારામાંથી સરકી ગઈ છે. એક વખત સાંજે હું ઑફિસેથી ઘરે આવ્યો ત્યારે મમ્મીએ મને કહ્યું : ‘ભાઈ, કાલે સાંજે ઑફિસેથી છૂટીને તું અને પારુલ જનુકાના પુત્રના રિસેપ્શનમાં જઈ આવજો ને.’
‘કેમ ? તમે નથી આવવાનાં ?’
‘ના, તારા પપ્પાને ઑફિસને કામે કાલે બહારગામ જવાનું હોવાથી રાત્રે મોડા આવશે અને મારે અગિયારસ હોવાથી જમવાનું નથી. ઘૂંટણના સાંધામાં દુ:ખાવો થાય છે એટલે રાત્રે બહાર જવાનું મન નથી થતું.’ ‘પણ તમે નહિ આવો તો જનુકાકાને કેવું લાગશે ?’
‘ભાઈ, તું હવે મોટો ગણાય. આપણા ઘરના પ્રતિનિધિરૂપે તું અને પારુલ જઈ આવશો તો વધારે સારું રહેશે.’ આવા કેટલાયે સામાજિક પ્રસંગે હવે પપ્પાનો પ્રતિનિધિ બની હું વદી ગયો છું. સમાજમાં હવે હું ધીમેધીમે પપ્પાનું સ્થાન લેતો થઈ ગયો છું. પપ્પા હવે નિવૃત્ત થઈ ગયા છે. હૉસ્પિટલે કોઈની ખબર કાઢવા, બેસણા-ઉઠમણામાં ઉપસ્થિત રહેવા હવે હું પપ્પાને સ્થાને માન્ય ગણાયો છું. આ ઘરનો હવે હું જવાબદાર પુરુષ ગણાયો છું.

એક દિવસ મારી ઑફિસમાંથી લોન લઈ મેં નવું ઘર બંધાવ્યું. ખાસ્સું મજાનું ટેનામેન્ટ હતું. ઉપર-નીચે મળીને ચાર બેડરૂમ, વિશાળ ડ્રોઈંગ-રૂમ, મોટું રસોડું, રસોડાને અડીને સળંગ ડાઈનિંગ હૉલ, કીચન-ગાર્ડન, પોર્ચ, ટેનામેન્ટ ફરતે બગીચો. આ ઘરનો હું દસ્તાવેજ કરાવતો હતો ત્યારે વકીલ મારફત આવેલો કાચો દસ્તાવેજ મેં પપ્પા સામે ધર્યો. પપ્પાએ મારી પાસે પેન્સિલ માગી અને એમના નામ સામે લીટી મારી પપ્પાએ મારું નામ લખ્યું અને હસીને બોલ્યા, ‘દીકરા, હવે તમે મોટા થયા. પ્રોપર્ટી ધરાવવાનો હકક હવે તમારો. તમે નાના નથી.’ અલબત્ત, ઑફિસમાંથી તો મને નાની લોન મળી હતી પણ પપ્પાએ એમની ગ્રેજ્યુઈટીની મોટી રકમ આ ટેનામેન્ટ બાંધવામાં ખર્ચી નાખી હતી છતાંયે એમણે મારા નામનો આ ટેનામેન્ટમાં માલિકી હક્ક રાખ્યો.

હવે તો હું બે સંતાનોનો પિતા થયો છું. પપ્પાની જેમ ટી.વી.ના કાર્યક્રમો જોતાં જોતાં મને પણ ઝોકું ખાવાની ટેવ પડી ગઈ છે. સવારના ઊઠીને પહેલાં તો હું દસ-બાર મિનિટમાં આખું છાપું પૂરું કરી લેતો પણ હવે એકાદ કલાક સુધી હું એનાં પાનાંઓમાં માથું પરોવીને બેસી રહું છું. શાક સમારવું, ધોવાયેલાં કપડાં સૂકવી દેવાં કે બજારમાં આંટાફેરા કરવા જેવાં નાનાં-નાનાં કામો હવે મને સોંપાતાં નથી. હવે હું ગૃહસ્થાઈના પથ પર આવી ગયો છું. મારાં મમ્મી-પપ્પા પણ હવે મને માનાર્થે બોલાવતાં થઈ ગયાં છે જેથી મારાં સંતાનોમાં મારા પ્રત્યે આદર વધે. મારી પત્ની પણ સાસુ-સસરાની હાજરીમાં મને ધમકાવતી નથી. શૈશવનો ત્યાગ કર્યા પછી આ સંસારપથના એવા એક ચીલા પર હું આવી ગયો છું કે હવે હું ફરીથી નાનકડો કિશોર બની શકતો નથી. કદાચ ક્યારેક એવા ચાળા કરી બેસું તો મમ્મી કે પત્ની મારી સામે એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર નજરથી જ ધમકાવી કાઢે છે – ‘આ શું માંડ્યું છે ? તમે હવે નાના બાળક નથી !’ ગૃહસ્થાઈનો મોભો મેળવવાનો મને આનંદ છે, લોકો મને માનાર્થે બોલાવે એનો અહંકાર છે કે પછી વધતી જતી પ્રતિષ્ઠાનો કેફ છે. પણ મને દુ:ખ છે કે શૈશવની કેડી છોડી હવે હું ગૃહસ્થાશ્રમના રાજમાર્ગ પર આવીને ઊભો છું. છતાં યે ક્યારેક મારામાં છુપાઈ રહેલું પેલું શિશું જાગૃત થઈ જાય છે અને હું મમ્મીને કહી બેસું છું – ‘મા, મને માથામાં તેલ નાંખી દે ને.’ અને એ પછી સોફા પર બેસેલી મમ્મીના બે પગ વચ્ચે નીચે બેસી ગોઠવાઈને માથે તેલ નખાવું છું ત્યારે હું મારી જાતને જ પ્રશ્ન પૂછી બેસું છું કે મારું કયું જીવન શ્રેષ્ઠ હતું ? સૌની વઢ ખાતો, પરાણે પરાણે હુકમોનું પાલન કરતો કે બેફિકરું જીવન જીવતો એવું મારામાં રહેલું પેલું કિશોરજીવન કે પછી મોટાઈનો આંચળો ઓઢીને સમાજમાં વિચરાતું પેલું સદગૃહસ્થાઈ જીવન ?

જીવનપંથની આ પણ એક વિચિત્રતા છે ને ! ક્યારેક હવે હું કુટુંબને લઈને હૉટેલમાં જમવા જઈશ ત્યારે મારા પિતાની જેમ હું પણ બિલને હાથ લગાડીશ નહિ. મુખવાસની સાથે આવેલી ટૂથપીકથી દાંત ખોતરતાં ખોતરતાં હું નવાસવા ધંધે ચડેલા મારા પુત્રને એ બિલ ભરપાઈ કરવા દઈશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તાલાપ – કિરીટ દવે
અવનવી રંગોળી – હીના ખત્રી Next »   

20 પ્રતિભાવો : કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા

 1. Mital says:

  Girishbhai,
  khoob j saras vichaar tame prastut karyo.
  Balya avastha na smarano etla maate saara ane mitha laage ,kem ke e masti,moj,majaa,befikraai ane duniya dari thi pare ni avastha hoi. e avastha ma bas vadilo je rite kahe te rite rehwanu ane mauj-masti thi mitro=dosto saathe samay pasaar karvo.

  pan jyaare college ma thi bahaar nikdi ne nokri par jata thaiye, gruhasth
  jeevan ni sharuat kariye, tyaare javabdari o nu bhaan thai. ane tyaare mann na undaan ma thi avaaj awe ke fari ek vaar e befikraai na divso jeevava made to jalsa padi jai.

  Maru mann pan ghani vaar mara shahar ni galiyo ma, school ma, bhaibandh-mitro ni saathe karela tofaan-masti na samay ma fari pahonchi java tatpar bani jai chhe, pan maatra yaad ni sivaai biju kashu haath ma awtu nathi.

 2. અતુલ જાની (આગંતુક) says:

  બદલાતી જતી જીવનની અવસ્થાઓ અને સાથે સાથે બદલાતા જતા મનોભાવો, બદલાતી જતી જવાબદારીઓ અને તે વખતે અનુભવાતી મીઠી મુંઝવણો અને છુપો આનંદ, વળી ભુતકાળના સુખદ સંભારણાઓ અને તે હવે નથી રહ્યા તેનો ઝીણો ઝીણો અફસોસ અને સાથે સાથે નવી આવેલી જવાબદારીઓ અને તેને ઉકેલવાની કેળવવી પડતી હૈયા ઉકલત બધાની નાનકડા લેખમાં એક સાથે સુંદર રજુઆત કરી દીધી.

  ગીરીશભાઈ ને ધન્યવાદ.

 3. ramesh shah says:

  ખુબ સરસ અને સમજવા જેવો લેખ.આ તો વાત થઈ સામાન્ય જીવન ની ઘટમાળ ની પણ મેં એવું પણ અનુભવ્યું છે કે ઘણા જવાબદારી સોંપવા છતાં સ્વીકારવાં તૈયાર નથી અને ઘણા વખત થઈ ગયો છે છતાં જવાબદારી સોંપવા તૈયાર નથી-ખબર નહી કેમ.ગિરીશભાઈ ને અભિનંદન

 4. ભાવના શુક્લ says:

  ખુબ સરસ !!!
  ગિરીશભાઈ ના લખાણ માથી શૈશવ ઝળકે છે. કિશોરાવસ્થાથી લઈ ને બે સંતાનના પિતા થવા સુધીની સફર અને પિતા સ્થાને પહોચ્યા પછી પોતાના સંતાન પાસે પણ એજ ઇચ્છા… આ બધુ તેમનુ જીવન વિશેનુ સંતોષાત્મક વલણ ખુબ સરસ રીતે લખાયુ છે. સમયના દરેક બદલતા પડાવને જે રીતે સ્વિકાર્યો છે અને એક પુર્ણ સમજથી અપનાવ્યો છે તે ખુબ જ રસપ્રદ રહ્યુ છે. તેમનુ લખાણ એક સ્પષ્ટ સંતુલિત વ્યક્તિનુ છે જેમા ક્યાક કિશોરાવસ્થાની મીઠી યાદો છે અને ક્યાક પુર્ણ ગૃહસ્થની હકારાત્મક જીવન શૈલી છે. અસંતોષનુ નામોનિશાન નથી. કઇ કેટલુય શીખી શકાય શબ્દે શબ્દ માથી. ખાસ રમેશભાઇએ જે પરિસ્થિતિ વર્ણવી છે જે જવાબદારી છોડવા/સ્વિકારવા તૈયાર નથી તેવા વર્ગ માટે, ગિરિશભાઈ જે સુંખદ અંતની મીઠી કામના રાખી છે (કે ક્યારે પુત્ર પોતાનુ બિલ ચૂકવે!!!! કે બીજા અર્થમા ક્યારે સંતાનો પુર્ણ જવાદારી ઉપાડે) તેમાથી બાકાત રહી જશે.
  ખુબ અભિનંદન ગિરિશભાઇ…..

 5. pragnaju says:

  “હું મારી જાતને જ પ્રશ્ન પૂછી બેસું છું કે મારું કયું જીવન શ્રેષ્ઠ હતું ? સૌની વઢ ખાતો, પરાણે પરાણે હુકમોનું પાલન કરતો કે બેફિકરું જીવન જીવતો એવું મારામાં રહેલું પેલું કિશોરજીવન કે પછી મોટાઈનો આંચળો ઓઢીને સમાજમાં વિચરાતું પેલું સદગૃહસ્થાઈ જીવન ?” આ બધાનો પ્રશ્ન ગિરીશ ગણાત્રાએ કેવી સરસ રીતે વર્ણવ્યો છે!અને કેડીથી રાજમાર્ગની સફર કરાવી છે!અઝીઝ કહે છે તેમ
  “એ કેડીથી ગુમ થવાનું
  વારા ફરતી વારો હો જી”
  અભિનંદન

 6. Keyur Patel says:

  Change is the nature of life!!!

  We all have to go through this. Perspective and way of thinking changes as the life goes on. May be that is what people call – I’m getting old now.

 7. Amit B. Dave says:

  Dear Girishbhai,

  Nice story. Touchy and snesitive. I wiuld like to go back to my kids life (shaisav-na-sansmarano) too. I live in USA and reading the story makes me even more emotional to remember the days when I was like your age.

  Excellent narration with detailed explanation.

  Tamhar Aabhar.

  Namaste,
  Amit Dave

 8. mayuri_patel79 says:

  વિતેલુ બચપન અને વિતેલો સમય ફરિ નથિ અવતો,,,,લેખ સરસ ,,

 9. kamal says:

  ખુબ જ સરસ લેખ .. બચપન યાદ આવિ ગયુ

 10. Bhavesh Thaker says:

  ખુબ જ સરસ લેખ ..

 11. farzana aziz tankarvi says:

  nice article……………..

 12. Dhaval B. Shah says:

  ખુબ જ સરસ વાર્તા. એવુ લાગ્યુ જાણે હુ મારીજ વાત વાન્ચી રહ્યો છુ.

 13. nayan panchal says:

  એક પુરુષની આત્મકથા.

  સ્ત્રીની મહત્તા વિશે, એના જીવન વિશે તો ઘણુ લખાયુ છે, પુરુષની મનોદશા રજૂ કરતુ આટલુ સુંદર વર્ણન પ્રથમ વાર વાંચ્યુ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.