જ્ઞાનપ્રાપ્તિનું માધ્યમ પુસ્તકો – યાસીન દલાલ

દર વર્ષે વિશ્વમાં અનેક સ્થળોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રદર્શન યોજાય છે. આપણું પ્રકાશન ક્ષેત્ર થોડાં વર્ષોની સુષુપ્ત અવસ્થા પછી ફરી બેઠું થવાના પ્રયત્નો કરી રહ્યું છે આપણે ત્યાં દર વર્ષે અંગ્રેજી ભાષામાં 20 હજાર પુસ્તકો છપાય છે અને પ્રાદેશિક ભાષાઓમાં 18 હજાર ગ્રંથો પ્રગટ થાય છે. વિશ્વમાં પુસ્તકોની દષ્ટિએ આપણું સ્થાન સાતમું છે, પણ અંગ્રેજી પુસ્તકોમાં એ સ્થાન ત્રીજું છે ! આઝાદી પછી શિક્ષણનો વ્યાપક ફેલાવો થયો, એની સાથે પ્રકાશન વ્યવસાયનો પણ સારો વિકાસ થયો છે, એમ દેશના અગ્રણી પ્રકાશનમંડળનો દાવો છે.

ફેસ્ટિવલો અને મેળાઓ માટે દુનિયામાં સૌથી પ્રસિદ્ધ દેશ છે જર્મની અને પુસ્તક મેળાની બાબતમાં પણ આ વાત સાચી છે. ફ્રેન્કફર્ટનો પુસ્તક મેળો વિશ્વનો સૌથી જૂનો પુસ્તક મેળો પણ છે. બે વર્ષ પહેલાં ભરાયેલા મેળામાં એક ખાસ વિભાગ રખાયો હતો એવી વિશ્વ પ્રસિદ્ધ કૃતિઓનો, જેના ઉપરથી વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મોનું નિર્માણ થયું હોય. ભારતને પણ એની જુદી જુદી ભાષાઓની આવી કૃતિઓ અને એની સાથે એના નામ ઉપરથી બનેલી ફિલ્મો લઈને આવવાનું આમંત્રણ મળ્યું હતું પણ આપણું સરકારી તંત્ર આ પડકાર ઉઠાવી શક્યું નહોતું. નવી દિલ્હીના વિશ્વ પુસ્તક મેળામાં 38 દેશોએ અને 500 ભારતીય પ્રકાશકોએ ભાગ લીધો. આની સામે ફ્રેન્કફર્ટના મેળામાં 84 દેશોના 7000 પ્રકાશકો આવે છે, અને ગયે વર્ષે એમના સાડા ત્રણ લાખ પુસ્તકો મૂક્યા હતા ! ફ્રેન્કફર્ટના મેળાનું રિપોર્ટીંગ કરવા માટે વિશ્વના 6000 પત્રકારોનો કાફલો ઊતરી પડે છે, ત્યારે આપણા પુસ્તક મેળાની અખબારો કે રેડિયો અને ટી.વી. માં પણ ઉપેક્ષા થઈ એની જવાબદારી વધુ તો મેળાના આયોજકોની જ ગણાય.

વિશ્વની વસતીનો 15 ટકા ભાગ આપણા દેશમાં વસે છે, પણ વિશ્વના પુસ્તકોનો માત્ર ત્રણ ટકા ભાગ જ આપણે ત્યાં છપાય છે ! જેમ અનાજનો માથાદીઠ વપરાશ કાઢવામાં આવે છે એમ પુસ્તકોનો પણ કાઢવામાં આવે છે. વિશ્વનો સરેરાશ માથાદીઠ પુસ્તક વપરાશ 200 પાનાંનો છે, પણ આપણો માત્ર 30 પાનાંનો છે. આઝાદી પછીના 60 વર્ષમાં આપણે ત્યાં પુસ્તકોનું મહત્વ વધ્યું છે પણ એનો મોટો ભાગ પાઠ્યપુસ્તકોનો છે. પાઠ્યપુસ્તકો ‘ગ્રંથો’ ને ખાઈ ગયાં છે. ડહાપણને જ્ઞાન ખાઈ ગયું અને માહિતીપ્રદ સામાયિકોનો જમાનો આવ્યો. એમ, પ્રશિષ્ટ પુસ્તકોનો ફેલાવો ઘટ્યો અને રેડિયો મિકેનીક કેમ બનશો ? કે પછી ભજિયા કેમ બનાવશો ? જેવા માહિતીપ્રદ પુસ્તકોનું વેચાણ વધ્યું. આપણી વસ્તીનો માત્ર બે ટકા ભાગ વિદ્યાર્થીઓનો છે અને એમને માટે કુલ પુસ્તકોનો 50 ટકા ભાગ છપાય છે. આપણું શિક્ષણ પણ હવે પાઠ્યપુસ્તકોના પિંજરામાં કેદ થઈ ગયું છે. આપણું પ્રકાશન ક્ષેત્ર માંદલું છે. આપણાં પુસ્તકો ઉતરતી કક્ષાનાં છે. આપણે ત્યાં પણ સારાં પુસ્તકો પ્રગટ થાય છે, પણ એની સંખ્યા નાની છે.
 

પુસ્તકો અને જ્ઞાનના પ્રચાર માટે હજી આપણે પશ્ચિમ તરફ મીટ માંડવી પડે છે. આપણા સૌથી સારા લેખકો પ્રકાશકો શોધવા માટે ઈંગલેન્ડ કે અમેરિકા જાય છે. કેટલાક પ્રકાશકો લેખકનું શોષણ કરે છે. આપણાં સંખ્યાબંધ લેખકોએ પોતાનું પ્રથમ પુસ્તક છાપવા માટે પ્રકાશકને સામેથી પૈસા આપવા પડે છે. લેખકનું નામ ચલણી બને એ પછી આવા પ્રકાશક મહેરબાની દાવે એનું પુસ્તક છાપે છે, પણ એની રોયલ્ટીના પૈસા ચૂકવવામાં અખાડા કરે છે. લેખકના ખૂન-પસીનામાંથી કેટલાક પ્રકાશક માલેતુજાર બને છે. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. પુસ્તકોની શ્રેણીઓ છપાય છે અને એની યોજનાઓ થઈ રહી છે. બીજી બાજુ, ત્રણસો-ચારસો પાનાનાં પુસ્તક માટે લેખકને પાંચસો કે હજાર રૂપરડી હાથમાં પકડાવી દેનારા બહાદુર પ્રકાશકો આપણે ત્યાં છે. આપણાં પ્રકાશનક્ષેત્રે વેપારી વૃત્તિનું પ્રાચુર્ય છે. જે માંગ હોય તેનું જથ્થાબંધ ઉત્પાદન કરવું એ આપણા પ્રકાશન ક્ષેત્રનો મુદ્રાલેખ. ભાષા કે સાહિત્યક્ષેત્રે ઉત્તમ ધોરણો નિર્માણ કરવાની કોને પડી છે ?

આપણા બૌદ્ધિક રકાસનું સૌથી મોટું પ્રતિબિંબ આપણાં પુસ્તકોની ગુણવત્તામાં દેખાય છે. આપણી સારામાં સારી પ્રતિભા હિજરત કરી જાય છે. આપણાં પ્રકાશકો પાસે કોઈપણ પુસ્તકોની હસ્તપ્રત તપાસી શકે એવા સંપાદકો નથી. પ્રકાશક પોતે જ મોટા ભાગના કિસ્સાઓમાં પુસ્તક છાપવા જેવું છે કે નહીં તેનો નિર્ણય કરે છે. પરિણામે સારામાં સારા લેખકોની ઉપેક્ષા થાય છે અને લેખકને બદલે લહિયાઓ ફાવી જાય છે. પ્રકાશકોને સારાં પુસ્તક છાપવામાં રસ હોવો જોઈએ અને વાચકને સારું પુસ્તક વાંચવામાં રસ હોવો જોઈએ. પણ હવે તો મફત મેળવીને પણ સારું પુસ્તક વાંચવાની વૃત્તિ ઘટી ગઈ છે. એવો જમાનો આવશે જ્યારે સારું પુસ્તક મફત વાંચવા માટે પુસ્તક ઉપરાંત એ વાંચવાની સબસીડી આપવી પડશે. ટી.વી. અને વીડિયોના આક્રમણથી એક મોટું નુકશાન એ થશે કે મોટા ઘરની મહિલાઓ અને બાળકો નવરાશનાં સમયમાં ભંગાર જેવી ફિલ્મો જોશે પણ એકાદ સારું પુસ્તક નહીં વાંચે. પુસ્તક વાંચવાની ટેવ ઘટતી જાય છે એ આપણી સંસ્કારીતાની સામેનો મોટો ખતરો છે.

આપણે ત્યાં પુસ્તકો નહીં ખપવાનું એક મોટું કારણ મોંઘી કિંમતનું છે. અમેરિકામાંથી ત્રણ ડૉલરની કિંમતનું એક પુસ્તક ભારત આવીને 45 રૂપિયાનું થઈ જાય છે. આપણાં અંગ્રેજી પુસ્તકો સોથી દોઢસોની કિંમતના હોય છે. હવે સરેરાશ ગુજરાતી નવલકથા પચાસ કે તેથી વધુ કિંમતની થઈ ગઈ છે. આટલી કિંમતે ઘરમાં લાયબ્રેરી વસાવવાનું સાધારણ માણસનું તો ગજું જ નહીં. પણ જેને પોસાય છે, એવા ધનિકો પણ પુસ્તકો ક્યાં ખરીદે છે ? પોતાનાં સંતાનો માટે ત્રણસો રૂપિયાની રમકડાંની પિસ્તોલ ખરીદી શકનાર ધનિકો સો રૂપિયાનું પુસ્તક ખરીદતાં પહેલાં સો વાર વિચાર કરશે. જોકે આ વાત પણ હંમેશ માટે દરેક પુસ્તક માટે સાચી નથી. પુસ્તકની યોગ્ય પસંદગી, પ્રકાશન અને પ્રચાર થાય તો અત્યંત મોંઘુ, પુસ્તક પણ વેચાઈ શકે એવો પુરાવો હમણાં પ્રગટ થયેલા ‘ભગવદ ગૌ મંડળ’ ના નવ ભાગ ઉપરથી મળી રહે છે. ત્રણથી ચાર હજારની કિંમતનો સેટ ચપોચપ ઉપડી ગયો એ બતાવે છે કે પુસ્તક પ્રકાશનની દુનિયામાં સર્વત્ર અંધકાર નથી છવાયો. આપણા ઘણાં પ્રકાશકો સાહસ અને સૂઝવાળા છે.

અંગ્રેજીમાં ‘એનસાયકલોપીડિયા બ્રિટાનિકા’ ના 33 દળદાર ગ્રંથો માત્ર બાર કે તેર હજારની કિંમતે મળી શકે છે અને એ એક ગ્રંથ પાછળ કેટલી મહેનત, કેટલું સંશોધન થાય છે ? આપણે ત્યાં કોઈ ગિનેસ બુક કેમ નથી છપાતી ? અંગ્રેજીમાં શેક્સપિયરનાં બધાં નાટકો એક નાનકડા પુસ્તકરૂપે મળે છે અને એ પુસ્તક પંદર વર્ષ પહેલાં મેં 17 રૂપિયામાં ખરીદ્યું હતું. આપણે ત્યાં ઉમાશંકરની સમગ્ર કવિતા પ્રગટ થઈ. આ ‘સમગ્ર’ નો પ્રયોગ વિસ્તારવા જેવો છે. મુનશીની સમગ્ર રચનાઓ એક જ પુસ્તકમાં કેમ ન મળે ? રમણલાલ દેસાઈની બધી નવલકથાઓનો એક મહાગ્રંથ બનાવ્યો હોય તો ? હેરલ્ડ લાસ્કીના શબ્દો વાપરીએ તો પુસ્તકોએ બજારમાં વેચાણ માટેની ‘શ્રેષ્ઠ કોમોડીટી’ છે. મુદ્રણની અવનવી પદ્ધતિઓ શોધાઈ એ પછી પુસ્તકોમાં તસવીરો મૂકવાનું ચલણ વધ્યું છે અને પરિણામે પુસ્તકો હવે પહેલાંની જેમ શુષ્ક નથી રહ્યાં. હાથમાં લઈએ એટલે હાથ ફેરવવાનું મન થાય એટલા લીસ્સા કાગળ અને જોઈએ એટલે આંખ ઠરી જાય એવી ઉઠાવદાર તસવીરોને લીધે પુસ્તક હવે ‘ખૂબસુરત’ બન્યું છે.

આપણાં દેશમાં સામાયિકોમાં સૌથી વધુ વેચાણ ‘રીડર્સ ડાયજેસ્ટ’ નામના વિદેશી સામાયિકનું છે. એ જ રીતે, ભારતીય વિષય ઉપર લખાતું અને છપાતું ભારતીય પુસ્તક બે-ચાર વર્ષે માંડ વેચાય છે ત્યારે એ જ વિષય ઉપરનું વિદેશથી આવેલ પુસ્તકની 15 થી 20 હજાર નકલો ઝડપથી ખપી જાય છે. આ પરિસ્થિતિનાં કારણો તપાસવાં જોઈએ. આપણે ત્યાં અંગ્રેજી પુસ્તકનું બજાર આખો દેશ છે, અને હિંદી પુસ્તકનું બજાર સહેજે 20-25 કરોડ લોકોનું છે અને છતાં પુસ્તકો કેમ ખપતાં નથી ? એની ગુણવત્તામાં કચાશ છે ? કે વાંચક સુધી એને માહિતી યોગ્ય સ્વરૂપે પહોંચતી નથી. એનું ‘પ્રોડકશન’ નબળું છે ? કિંમતની બાબતમાં પ્રકાશકો કહેશે કે પુસ્તકની ઓછી નકલો ખપે છે એટલે ઉત્પાદન ખર્ચ વધુ આવે છે, પરિણામે કિંમત ઊંચી રાખવી પડે છે. બીજી બાજુ વાચક કહેશે કે પુસ્તકની કિંમત પરવડે તેવી હોત તો અમે જરૂર ખરીદત. આપણે ત્યાં પુસ્તકની લાઈબ્રેરી આવૃત્તિ અને વાચક માટેની સસ્તી ‘પેપરબેક’ આવૃત્તિ અલગ કાઢવાનો રિવાજ હજુ બહુ પ્રચલિત થયો નથી. એમ થાય તો સામાન્ય વાચકોને પુસ્તક સસ્તી કિંમતે મળી રહે. એમ થાય તો એનું ખર્ચ પણ ઓછું આવે. સારા પુસ્તકો વેચાતા નથી એ વાત શ્રી મહેન્દ્ર મેઘાણીએ ખોટી પાડી છે. ‘અરધી સદીની વાચનયાત્રા’ નામના એમના પુસ્તકની ત્રણ આવૃત્તિઓ ખપી ગઈ છે. આ પુસ્તક મૂળ કિંમતમાં છપાયું છે.

પુસ્તક છાપવામાં કાગળ અનિવાર્ય છે અને આપણી સરકારની કાગળનીતિ હંમેશા અસ્થિર રહી છે. કાગળના ભાવ વિનાકારણ સતત વધતા રહ્યા છે. આપણો ઈતિહાસ, આપણી પરંપરાઓ, આપણું સંગીત, આપણાં નૃત્યો, આપણી ફિલ્મો, આપના જોવાલાયક સ્થળો આ બધા ઉપર સુંદર પુસ્તકો છાપી શકાય તેમ છે. ‘લાઈફ’ અને ‘ટાઈમ’ જેવા વિદેશી સામાયિકો દર વર્ષે ઉત્કૃષ્ટ પુસ્તકો પણ છાપે છે. આપણાં મોટાં દૈનિકો અને સામાયિકોએ પુસ્તક પ્રકાશનમાં પણ પ્રવેશ કરવો જોઈએ.

નવું જાણવું અને શીખવાની ઉત્કંઠા રાખવી એ માણસ જાતની પાયાની વૃત્તિ છે અને જ્ઞાન પ્રાપ્તિનું મોટામાં મોટું માધ્યમ પુસ્તક છે. એ રીતે, પ્રકાશકો એ જ્ઞાનના સંવાહકો છે. પ્રકાશન એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે. આપણું સાંસ્કૃતિક પર્યાવરણ બદલવાની જવાબદારી અખબારો, સામાયિકો અને પુસ્તકોની છે. પર્યાવરણપ્રેમીઓ આ સમતુલા જાળવવાની ચિંતા કરશે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિવાળીની મીઠાઈઓ – સંકલિત
પૈસા, પૈસા ને પૈસા – યાએનો કવાઈ Next »   

12 પ્રતિભાવો : જ્ઞાનપ્રાપ્તિનું માધ્યમ પુસ્તકો – યાસીન દલાલ

 1. ramesh shah says:

  દરેક વાંચકે સમજવા જેવો લેખ્.કદાચ લેખ લખાયો ત્યારે internet નું માધ્યમ આટલું વિકસિત ન હોય બાકી યાસીન દલાલ જેવાં સિદ્ધહસ્ત લેખક એનો ઉલ્લેખ જરૂર કરતે.ગુજરાતી વાંચન ની ભૂખ અમુક અંશે internet પુરી કરે છે એનો સ્વિકાર,પણ ત્યાં પણ સારી પસંદગી જરૂરી છે.

 2. અતુલ જાની (આગંતુક) says:

  આપણું સાંસ્કૃતિક પર્યાવરણ બદલવાની જવાબદારી અખબારો, સામાયિકો અને પુસ્તકોની છે.

  હા લગભગ બધાં જ માધ્યમો આ સાંસ્કૃતિક પર્યાવરણ બદલવાનો ભરપુર પ્રયત્ન કરે છે. પરંતુ ગણ્યાં ગાંઠ્યા માધ્યમો જ આ પર્યાવરણને સુધારવાનો પ્રયત્ન કરે છે જ્યારે બાકીના માધ્યમો તો પોતાની પ્રકાશન પ્રવૃત્તિ બંધ રાખે તો આ પર્યાવરણ જળવાઈ રહે તેવું છે. ફક્ત આર્થિક દ્રષ્ટિને જ ધ્યાનમાં રાખીને થતું અશિષ્ટ અને અભદ્ર પ્રકાશન તો આ સાંસ્કૃતિક પર્યાવરણમાં પ્રવેશી ગયેલી ઉધઈ જેવા છે જો તેનો સમયસર નીકાલ કરવામાં નહી આવે તો આખીયે સાંસ્કૃતિક ધરોહરને ફોલી ખાશે.

  સારું છે કે લીમડામાં એક ડાળ મીઠીની જેમ થોડાંક કેસરીયા કરનાર આ ક્ષેત્રમાં હજુ છે અને તેથી જ કાંઈક શ્વાસ લેવાય તેવું રહ્યું છે.

  શ્રી યાસીન દલાલ નો આ લેખ ગંભીર વિચારણા માગી લેવો છે.

 3. pragnaju says:

  યાસીન દલાલ જેવા સિધ્ધહસ્ત લેખમાં કડવું સત્ય-પ્રકાશન સાથે આર્થિક,સામાજિક,શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે તે કહે છે.તેમાં સાઈબર ઉમેરીએ તો હવે આપણા સાંસ્કૃતિક પર્યાવરણ બદલવાની જવાબદારીઓ અંગે સંતોષજનક પ્રગતિ દેખાય છે.તે આનંદનો વિષય છે.

 4. ભાવના શુક્લ says:

  ખુબ જ ઉપયોગી સમજવા જેવો લેખ. પુસ્તક એ ચાહવાની, પ્રેમ કરવાની વસ્તુ છે. સારુ વાચન એ જીવનનો એક બહુ કાળજી માગી લેતો એવો ખુણો છે કે તેના પર યાસીન દલાલના આ પીછાને ફેરવવાથી વધુ સુંદર અને સુઘડ બને છે. જે ખુણા માથી ચારીત્ર્ય ઘડતરનો અવિરત સ્ત્રોત વહાવી શકાય.

 5. Percocet….

  Half life of percocet. Percocet addiction recovery. Percocet. Percocet dependency….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.