મઠિયાંનું રહસ્ય ! – હર્ષદ પંડ્યા
હવે આપણે ઉદારીકરણના જમાનામાં જીવીએ છીએ એટલે દિવાળીના ‘સુપરસ્ટાર’ મનાતા મઠિયાને દિવાળીના ‘લિમિટેડ’ દિવસોમાંથી બહાર કાઢી લેવાનો સમય પાકી ગયો છે. મન થાય ત્યારે વડાં ખાઈ શકાતાં હોય તો મઠિયાં કેમ નહીં ? પણ મઠિયાંનો સ્વભાવ જ એવો છે કે સામાન્ય દિવસોમાં આપણે ખાઈએ તો મજા ના આવે. મને તો એવું જ લાગે છે કે મઠિયું અને દિવાળી – ધે આર મેઈડ ફોર ઈચ અધર ! કોઈ સામાન્ય માણસના ઘેર તમે લાભપાંચમ કે પછી દેવદિવાળીએ જાવ તો પણ મઠિયાં તો તમને તાજાં જ – એટલે કે ચાલુ વરસનાં જ મળશે ! પણ વરસ બે વરસ જૂના ચોખા કે જૂના દારૂની જેમ તમને જૂનાં મઠિયાંનો આગ્રહ હોય તો તમારે પશ્ચિમ અમદાવાદમાં અથવા અન્ય શહેરોના પોશ વિસ્તારમાં જવું પડે !
હમણાં અમે સપરિવાર આવા જ એક પોશ એરિયામાં રહેતા પોશ ફેમિલીને ત્યાં ગયા. પોશ ફેમિલી એટલે મારો આમરણાંત મિત્ર લાલુ લક્કડનું ફેમિલી ! ગોળમેજી પરિષદ ભરાય એમ અમે અને યજમાન પરિવાર રૂમમાં જ્યાં જગા મળી ત્યાં ગોઠવાઈ ગયા. ‘બેસવામાં અગવડ પડે છે’ એવી ફરિયાદ કરવાની હિંમત કોઈએ કરી નહીં કારણ કે વચ્ચે ટિપોય પર મઠિયાં, સુંવાળી અને મગસ ભરેલી એક જ થાળી હતી. સૌનું લક્ષ્યવેધ એક જ હતું. કુલ તેર સભ્યો હતા. ચાર અમે અને બાકીના યજમાન ! થાળીમાં મઠિયા પાંચ હતાં. પાંચ સુંવાળી હતી અને મગસના ત્રણ ક્યુબ્સ !
યુદ્ધના રણમેદાનમાં ‘આઆઆ…ક્ર…મણ….’ એમ રાડ પાડીને સૈનિકો તૂટી પડે. અહીં તો બધા મનોમન બોલ્યા હશે એવું બધાંની આક્રમણ વૃત્તિ અને એ પછીની પ્રવૃત્તિ પરથી લાગ્યું ! જેમ કુરુક્ષેત્રમાં યુદ્ધવિરામ પછી માનવદેહોના અવશેષો પડી રહ્યા’તા, એમ ઘડીના છઠ્ઠા ભાગમાં ‘થાળીક્ષેત્ર’ માં મઠિયાં, સુંવાળી અને મગસના અવશેષો પડી રહ્યાં…. એ અવશેષો જ કહી રહ્યા’તા કે ધમસાણ કેવું ભયાનકપણે રચાઈ ગયું હશે !
‘લાવો, લાવો….’ લાલુ લક્કડે એની વાઈફ સામે જોઈને કહ્યું, ‘મઠિયાં લાવો…’
તરત જ લાલીભાભીએ એમની સૌથી નાની પુત્રી ઢબુને લાડથી કહ્યું : ‘ઢબુઉઉડીઈઈ… જા તો મઠિયાં લઈ આવ તો દીકરા…. પંડ્યા અંકલને બહુ જ ભાવ્યા લાગે છે !’
‘મો..મ !’ કિચનમાંથી ઢબુએ બૂમ પાડી, ‘કયા ડબામાંથી મઠિયાં લાવું ? એલ.ડી લખ્યું છે એ ડબામાંથી કે પી.ડી. લખ્યું છે એ ડબામાંથી ?’
‘હમણાં તેં આ થાળીમાં મૂકેલાં એ શેમાંથી કાઢેલા ?’
‘એલ.ડી. માંથી.’
‘બસ ત્યારે…. એમાંથી જ લેતી આવ… અને સાંભળ, જેટલાં હોય એ બધાં જ લેતી આવ.’
ઢબુ બહાર આવી થાળીમાં આખો ડબો ઊંધો વાળ્યો ત્યારે એમાંથી સાત-આઠ મઠિયાં (જેમાંના બે-ત્રણ તો ખંડિત અવશેષોની યાદ અપાવે તેવાં હતાં.) માંડ નીકળ્યાં ! એ મઠિયાં પણ સાફ થઈ ગયાં. જો કે મોટા ભાગે તો અમે ચાર જણાંએ જ મઠિયાંપ્રેમ બતાવેલો. લાલુનો પરિવાર તો મઠિયાં કે સુંવાળીને અડક્યોય નહોતો. હા, મગસ પર એ લોકોનો હાથ સારો એવો ફરી ચૂક્યો હતો.
‘લાલુ,’ મેં સહેજ કુતૂહલથી પૂછયું, ‘આ એલ.ડી અને પી.ડી શું છે ? મઠિયાંની કોઈ પ્રોડક્ટ છે ? કે પછી એવી કોઈ ફ્લેવર છે ?’
‘એ વાત જવા દે,’ લાલુએ ગંભીર થઈને કહ્યું, ‘પહેલાં એ કહે, મઠિયાં તને ભાવ્યાં કે નહીં ?’
‘ભાવ્યાંને !’ મેં હસીને કહ્યું, ‘એટલે તો પૂછું છું કે પેલું “એલ.ડી” અને “પી.ડી.” શું છે ?’
‘આમ જોવા જઈએ તો મઠિયાંના એ પ્રકારો જ કહેવાય,’ લાલુએ ‘એલ.ડી.’ લેબલવાળો ડબો બતાવતાં કહ્યું : ‘આના પર “એલ.ડી” લખ્યું છે એટલે ‘લાસ્ટ દિવાળી’ અને અંદર ‘કી એન્ડ લૉક’માં જે ડબો મઠિયાંથી પેટીપેક ભરેલો પડ્યો છે એના પર ‘પી.ડી.’ લખ્યું છે. ‘પી.ડી.’ એટલે ‘પ્રેઝન્ટ દિવાળી’.
‘એટલે ?’ હું ચમક્યો, ‘અમને તેં ગઈ દિવાળીનાં મઠિયાં….. સાવ વાસી મઠિયાં ખવડાવ્યાં ?’
‘એને વાસી ના કહેવાય યાર,’ થાળીમાં પડેલા મઠિયાંના ભૂકાની ચપટી ભરી સૂંઘતાં કહ્યું : ‘આને વાસી ના કહેવાય, આ ગંધ તો કંઈકેય સહન થાય એવી છે. નોરતામાં આવ્યો હોત તો તને ખબર પડત, કે વાસી મઠિયાં કોને કહેવાય…’
‘કેમ ?’ મને બીજો આંચકો લાગ્યો, ‘તમે લોકો નોરતામાંય મઠિયાં બનાવો છો ?’
‘એવું નથી. 2005માં બનાવેલાં મઠિયાં આ હમણાં ગયાં એ નોરતામાં જ ખલાસ થયાં…. આમ તો એય ના થાત, પણ દશેરાએ અમે એની લ્હાણી કરી નાખી એટલે ! તારા નસીબમાં એ લ્હાણીનું સુખ નહીં હોય, બીજું શું ?’
હું ચૂપ રહ્યો, છેતરાઈ ગયો’તો એટલે નહીં; પણ…. ઘેર પહોંચ્યા પછી વાઈફ મારા સાથે શબ્દોના કેવા કેવા બોમ્બ ફોડવાની છે એ વિચારે હું સહેજ ધ્રૂજતો’તો.
‘ઠંડી લાગે છે નહીં !’ લાલીભાભીએ મારી મનોદશાને રંગેહાથ પકડી પાડતાં કહ્યું, ‘જુઓને, આ વર્ષે તો વરસાદેય કેટલો બધો પડ્યો, નહીં ! ઋતુઓનું માણસ જેવું થઈ ગયું છે, કોઈ ઠેકાણું જ નહીં…. ક્યારે વરસાદ ટપકી પડે એમ ક્યારે દિવાળી આવી ચડે કંઈ કહેવાય નહીં… એટલે જ અમે તો બે-ત્રણ દિવાળીનાં મઠિયાં સુંવાળી બનાવીને ભરી રાખીએ ! મોટો ફાયદો એ થાય કે સસ્તા ભાવના તેલનો ઉપયોગ થઈ જાય…. આ વર્ષે તો જુઓને તેલના ભાવોય કેટલા બધા વધવા માંડ્યા છે…. મઠિયાં તો શું, પાપડ પણ શેકીને જ ખાવા પડે એવું છે !’
મને મૌન બેઠેલો જોઈને લાલુએ કહ્યું : ‘પંડ્યા, આટલો મગસ ખાઈ જા, એ તો આ વરસનો જ છે.’
‘મગસ માટે તમે “એલ.ડી-પી.ડી” જેવા અલગ ડબા નથી રાખ્યા ?’ અત્યાર સુધી મારા ભયાનક ભવિષ્યની કુંડળી બનાવી રહેલી વાઈફે મૌન તોડ્યું.
‘ના ભાભી,’ કિચનમાંથી બહાર આવી લાલીભાભીએ મારી સામે ખાંડણી અને દસ્તો મૂકતાં કહ્યું, ‘મગસને ત્રણ-ચાર વર્ષ સુધી ભરી રાખીએ તો એને ભાંગવા માટે કાં તો સાંબેલું, કાં તો મિક્ષચર લાવવું પડે. આ તો હજી ગઈ દિવાળીનો જ મગસ છે એટલે ખાંડણી અને દસ્તો લાવવાં પડ્યાં. જુઓને, ચોખ્ખા ઘીમાં બનાવીએ એટલે આવી રામાયણ થાય છે. લો, પકડો દસ્તો અને મંડો ખાંડવા.’ સોપારીના કટકા અને ચૂરાની જેમ મગસના કટકા અને થોડો ચૂરો કરી મમળાવતાં મમળાવતાં મેં કહ્યું : ‘લાલુ, રાજકોટમાં બ્રહ્મસમાજે પરશુરામ અને ફરસીનું પૂજન કરી મહાસંમેલન યોજ્યું’તું. તું ગયો’તો ?’
‘ફરસી ?’ લાલુએ કંઈક યાદ આવ્યું હોય એમ ચમકીને કહ્યું, ‘અરે સાંભળે છે, પેલી ફરસીપૂરી તો પંડ્યાને ચખાડ….’
‘બાપરેએ….’ મારાથી બોલાઈ જવાયું. ‘પ્લીઝ, એ આ દિવાળીએ નહીં….’ ફરસી-પૂરીના ઘાથી બચીને હું સપરિવાર લાલુના ઘેરથી હેમખેમ નીકળી ગયો ! પણ હવે એવું ના પૂછશો કે….. મારા ખુદના ઘેર પહોંચ્યા પછી હું હેમખેમ રહ્યો’તો કે નહીં ?!
Print This Article
·
Save this article As PDF
આજની કરકસર કે કંજૂસાય નો ઉતમ નમૂનો લાલુ લક્કડ અને વાર્તા બહુ ફક્કડ. લેખક ને સાલમૂબારક.
અતિ સુન્દર. લેખક ની રમુજ ખુબ જ સરળ છે.
દિવાળીમાં હોંશે હોંશે બનાવેલી વાનગીઓમાંથી અમુક વાનગીઓ બહું ચિરંજીવી હોય છે. અહીંયા હવે આવી મોટી ઉમરની વાનગી ઍટલે કે દીવાળી પછી લગભગ મહીના સુધી પડી રહેલી વાનગીઓનો ભેળ બનાવવાનો રીવાજ શરુ થયો છે. જેના ઘરે આ વાનગીઓ ખુટી ન હોય તે આડોશી પાડોશીને ભેળ ખાવાનું નિંમત્રણ આપી આવે અને સાંજે બધો વધારો સફાચટ.
ફક્કડ રમુજ!
મરક મરક રમુજ સાથે દિવાળીની વાનગી માણી!
ધન્યવાદ હર્ષદ પંડ્યા
અમે તો આમ પણ ક્યારેય લાભ-પાચમ કે દેવ દિવાળીની ભેળ ખાવામાથી બચવા માટે સતત પ્રત્યત્નશીલ રહેતા. કારણ કે જેમ ઉમરલાયક મિઠાઇ અને મઠિયાની જેમ (વાયડા) મહેમાનોએ (ફેશનમા) ખાતા વધારેલો નાસ્તો પણ કરકસર કે કંજૂસાય નો ઉતમ નમૂનો લાલુ લક્કડ જેવા યજમાનો ભેળ(સેળ) ના વાસ્તવિક અર્થ પ્રમાણે ખવડાવી દેતા અને પછી આખુ વરસ આપણી સામે કોલરુ ઉઉઉઉચ્ચ્ચ્ચા કરીને કહેતા ફરતા કે જોયુ માય વાઇફ ઇઝ વેરી સ્માર્ટ!!!!
મજા આવી ગઇ…આમ પણ લાફ્ટર-કાફે ના માલીક હર્ષદભાઇ કોઇ આવી ફક્કડ વાનગીજ પીરસે ને!!!
આજકાલ ઍ.લડી અને પિ ડી ,નો જમનો પણ બારેમાસ સ્વાદમટીઆ મલે.રહસ્ય જાણીને લેખ વાચિ મજા આવિ
લેખ ઘનો સુન્દર અને રમુજિ હતો….મથેીયા બેીજેી દેીવાલિ સુધઈ ચાલે તે જ રમુજ્ભર્યુ …..
લેખક્ને ખુબ ખુબ અભિનન્દન્