- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નવું વર્ષ, નવી વૃત્તિ, નવી પ્રવૃત્તિ – ગુણવંત શાહ

કરોડો વર્ષોથી પૃથ્વી સૂર્યની ફરતે ગરબો ગાતી રહી છે. હજી સુધી ક્યારેય કોઈ નવું વર્ષ ઠરીને બેઠું નથી. કાળચક્ર વિસામો લેતું નથી. એને રીવર્સ ગીઅર હોતો નથી. જેને આપણે બેસતું વર્ષ કહીએ તે ખરેખર તો ચાલતું અને દોડતું વર્ષ હોય છે. સત્યજીત રે ની આત્મકથામાં વિધાન થયું છે – ‘બધાં કામો પતાવવા માટે એક જીવનગાળો પૂરતો નથી.’ સરી જતી રેતી જેવો સમય વેડફાઈ જાય તે માટે દિવાળીનું નિર્માણ નથી થયું. જે દિવસે વહેવાર ઘટે અને વિચાર વધે તે દિવસને તહેવાર કહેવાય.

નવું વર્ષ નવી વૃત્તિ વિના જૂનું જાણવું. દક્ષિણ મહારાષ્ટ્રમાં સાંગલી શહેરમાં એક સાંગલી શહેરમાં એક રળિયામણી ઘટના બની હતી. એક વિચારવંત પત્રકાર પોતાની સગર્ભા પત્નીને મળવા ત્યાં ગયો ત્યારે ત્યાં રસ્તાનું રીપેરકામ ચાલતું હતું. સવારે ચાલવા નીકળતી વખતે તે પત્રકારે મજૂરોનું ટોળું જોયું. કામ શરૂ થવાની તૈયારીમાં હતું. એ મજૂરો પથ્થફોડા હતા અને મજૂરી માટે ગામેગામ ભટકનારી ટોળીનાં સભ્યો હતાં. તેઓ ગરીબ હતા, ખૂબ જ ગરીબ હતા. રસ્તાની બંને બાજુએ ખુલ્લા આકાશ નીચે ચૂલા સળગેલા હતા. એમનાં બાળકો પાસે લટકતી ચાદરમાં પોઢેલાં હતાં. રાતે સૂવા માટે ચાદર વડે ઢંકાયેલા નાના તંબુઓ પણ નજરે પડતા હતા. કામ શરૂ થાય તે પહેલાં એક અભણ સ્ત્રીએ પથ્થર પર કંકુ-હળદર વડે નિશાન કર્યું અને પૂજા પૂરી થઈ પછી સૌ મજૂરો કામે લાગી ગયા. પત્રકારે એ અભણ સ્ત્રીને પૂજા કરવાનું કારણ પૂછ્યું. ગામઠી મરાઠીમાં એ સ્ત્રીએ જવાબમાં કહ્યું : ‘આ પથરા અમારે મન કેવળ પથરા નથી. એ પથરા તો દેવત્વથી ભરેલા છે. એ પથરા તો અમારું ઉદરભરણ કરનારા છે. એ જ પથરાને કારણે રસ્તા પર વાહનો સડસડાટ દોડી શકે છે.’ જે પત્રકાર એ અભણ સ્ત્રીની સાથે વાત કરી રહ્યો હતો એનું નામ સુધીન્દ્ર કુલકર્ણી. એ પત્રકાર કહે છે કે : ‘આપણે જે કંઈ કામ કરીએ તેને દિવ્યતાથી અને સામાજિકતાથી વિખૂટું કેમ પાડી દઈએ છીએ ?’
 

વૃત્તિ બદલાય તો પ્રવૃત્તિની સુગંધનો અનુભવ થાય એમ બને. દૂર દૂરના કોઈ ગામનો પ્રાથમિક શિક્ષક પોતાના કામને બે દષ્ટિએ નિહાળી શકે. એ કેવળ પગાર પામવા માટે મન વિના ભણાવે. એ જ શિક્ષક ઉત્તમ નાગરિકો નિર્માણ કરવાની ભાવનાથી દિલ રેડીને ભણાવે. જે કામમાં દિલ રેડાય છે તે કામ વૈતરું મટીને નિજાનંદનું ઝરણું બની જાય છે. આપણી વૃત્તિનો રંગ આપણી પ્રવૃત્તિને લાગી જતો હોય છે. જડ-ચેતનમાં સર્વત્ર જેને ઈશ્વરના ઈશારા વર્તાય તે મનુષ્ય કામચોરી કે દિલચોરી શી રીતે કરી શકે ? ઑફિસમાં બેઠેલો કર્મચારી પોતાની વૃત્તિ બદલે તો એના કર્મને કૃષ્ણરંગ લાગી જાય. આ જગતમાં મફતના પગારથી વધારે ગંદી બાબત જડવી મુશ્કેલ છે. આપણા દેશની ગરીબીનો ખરો ઉકેલ એક અબજથી વધારે નાગરિકોની વૃત્તિ બદલવામાં રહેલો છે. વૃત્તિ બદલવાનું કામ શિક્ષણનું છે. પરંતુ તે માટે દેવત્વ ભાળનારા શિક્ષકો ક્યાં છે ? પેલી અભણ સ્ત્રીને પથરામાં દેવત્વનો અનુભવ થયો તેવો અનુભવ શિક્ષકને બાળકોને જોઈને ન થાય ? નૂતન વર્ષે જૂનો શિક્ષક કેમ ચાલે ? એક જમાનો હતો જ્યારે ધર્મ શિક્ષણનું વાહન બની રહ્યો હતો. આજે ખરું શિક્ષણ ધર્મનું વાહન બની શકે તેમ છે.

તામિલનાડુમાં વિજયાદશમીને દિવસે લોકો આયુધ પૂજા કરે છે. એમાં કેવળ શસ્ત્રોની નહીં, જીવનમાં ઉપયોગી એવા તમામ ઉપકરણોની પૂજા થાય છે. લશ્કરના જવાનો બંદૂકની પૂજા કરે તેની સાથે મોટરસાઈકલની પણ પૂજા કરે છે. તામિલ ગૃહિણી સાથે ઊભેલો ધર્મપતિ રસોડામાં ગેસના ચૂલાની અને મિક્ષરની પૂજા પણ કરે છે. ઘરમાં જો કૉમ્પ્યુટર હોય તો તેના પર ચાંલ્લો કરીને પૂજા કરવામાં આવે છે. જીવનને સરળ અને સફળ બનાવવામાં કેટલાં બધાં ઉપકરણોનો ફાળો રહેલો છે ! એ ઉપકરણો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો અવસર એટલે વિજયાદશમી. દિવાળીના દિવસોમાં જ્ઞાનની દેવી સરસ્વતીની અર્ચના વાકબારસને દિવસે થાય છે. એ જ રીતે લક્ષ્મીની પૂજા ધનતેરસને દિવસે થાય છે. એ જ રીતે શક્તિની પૂજા કાલીચૌદશને દિવસે થાય છે. જે સમાજ જ્ઞાનશક્તિ, ધનશક્તિ અને ઊર્જાની આરાધના ન કરે તે સમાજ કદી સુખી ન થઈ શકે. જેઓને વિચારવાની ટેવ છે તેઓ તહેવારોને સાવ જુદી રીતે મનાવે છે. જેઓ વિચારશૂન્યતામાં રાચે છે તેઓ ફટાકડા ફોડીને અવાજનું અને હવાનું પ્રદૂષણ વધારતા રહે છે. ફટાકડા ફૂટે ત્યારે ફળિયાનાં વૃક્ષો પર વસનારાં પક્ષીઓ ફફડી ઊઠે છે. પ્રત્યેક પક્ષી માણસને આતંકવાદ ગણવા પ્રેરાય તેવું દિવાળીના તહેવારોમાં રોજ બને છે.

આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે.

પ્લેટો કહેતો કે આ સૃષ્ટિ વિચારોની બનેલી છે. કેટલાંય વર્ષોથી આ દ્વારા વિચારની માવજત થતી રહી છે. વિચાર તો ધર્મ, વાદ, ગ્રંથ, પંથ તમામથી મુક્ત હોય છે. ગમે તેવા ગ્રંથમાં સદીઓ પહેલાં પ્રગટ થયેલું કોઈ પણ વિધાન આખરી નથી. મોબાઈલ ફોન અને ધરતીકંપ કોઈ રાષ્ટ્રીય સરહદ સ્વીકારવા તૈયાર નથી. આખું વિશ્વ એક કુટુંબ સ્વરૂપ છે. નૂતન વર્ષ લાખો વાચકોના જીવનમાં સુંદર વિચારોનું અજવાળું પાથરે તેવી શુભકામના.

અથર્વવેદમાં કહ્યું છે : ‘આખી દુનિયા એક વૃક્ષ છે, બધા દેશો તેની ડાળીઓ છે.’