કેટલાક વણલખ્યા રિવાજો ! – મન્નુ શેખચલ્લી
[જેવી રીતે નવા ઘરમાં રહેવા જઈએ ત્યારે ઘરમાં ઘડો મૂકવાનો રિવાજ હોય છે, વરસે એકાદ વાર સત્યનારાયણની કથા કરાવવાનો રિવાજ હોય છે, તેવી રીતે આજના જમાનામાં કેટલાક નવા વણલખ્યા રિવાજો બન્યાં છે. આ રિવાજોનું સૌકોઈ અક્ષરશ: પાલન કરી શકે તેવા ઉમદા હેતુથી અમે તેમને શબ્દબદ્ધ કરી રહ્યા છીએ.]
[1] ‘પછી આવો કોક દિવસ શાંતિથી !’
તમે સ્કૂટર લઈને જતા હો અને તમારી નજર બસ-સ્ટોપ પર ઊભેલા મિત્ર ઉપર પડે. તમે એને લિફટ આપો અને છેક ઘર સુધી મૂકી આવો ત્યારે તમારો ભાઈબંધ સ્કૂટર પરથી ઊતરીને તરત જ કહેશે, ‘પછી કોક દિવસ ઘેર આવો શાંતિથી !’
(અલ્યા ભઈ, ‘પછી’ શા માટે ? અને ‘કોક દિવસ’ શા માટે ? અને ‘શાંતિથી’ એટલે વળી શું ?)
જો તમે ભૂલેચૂકે એમ પૂછી બેસો કે ‘પછી શું કામ ભઈ ? ચલને હમણાં જ આવું છું ચા પીવા !’ તો તરત જ તમારો ભાઈબંધ બોલી ઊઠશે, ‘બસને ? આપણને ચામાં જ પતાઈ દેવા છે ને ? આ ન ચાલે હોં બોસ ! તમે તો કોક દિવસ જમવા આવો….શાંતિથી !’ હજી તમે આનો શું જવાબ આપવો તે વિચારી રહ્યા હો કે તરત જ પેલા ભાઈ રોકડું પરખાવશે, ‘ચાલો બસ ? આવજો !’ એમ કહી તે તરત જ ચાલતી પકડશે !
[2] ‘કાલે જ તમને યાદ કર્યા’તા !’
બજારમાં શોપિંગ કરતી વખતે અથવા રવિવારે સાંજે બગીચા પાસે કોઈ ઓળખીતા મળી જાય તો તરત તમને કહેશે, ‘ઓ હો હો હો હો મુકેશભાઈ ! બોલો, તમને કાલે જ યાદ કર્યા’તા !’
‘એમ ?’
‘હા, હા ! કાલે તો તમને બહુ જ યાદ કર્યા’તા.’ વળીને પોતાની વાઈફને પૂછશે, ‘હેં ને સ્મિતા ? કાલે જ આપણે મુકેશભાઈને યાદ કર્યા’તા ને ?’ એમના વાઈફ તરત જ સૂરમાં સૂર પુરાવશે, ‘હા, હોં ! મુકેશભાઈ, કાલે તો તમને બહુ યાદ કર્યા’તા !’
‘ખરેખર ?’ તમારાથી તરત જ પુછાઈ જાય, ‘એવું તે શું હતું ?’
‘એ શું હતું સ્મિતા ?’ એ ભાઈ પત્નીને પૂછશે, ‘સાલું અત્યારે યાદ નથી આવતું, પણ કાલે તમને બહુ યાદ કરેલા !’
ટૂંકમાં, કહેવાનો મતલબ એ કે અત્યારે એ યાદ નથી આવતું કે કાલે તમને કેમ યાદ કરેલા, પરંતુ એટલું તો ચોક્કસ યાદ છે કે કાલે તમને બહુ જ યાદ કરેલા ! અને હવે જ્યારે યાદ આવશે કે તમને કેમ યાદ કરેલા ત્યારે અમે જરૂર તમને ફરી વાર યાદ કરીશું ! અને ફરી વાર આ રીતે રસ્તામાં મળી જઈએ ત્યારે તમને કહીશું કે ‘તે દિવસે તમને કેમ યાદ કરેલા તે એક દિવસ યાદ આવ્યું ત્યારે પણ તમને બહુ યાદ કરેલા, પણ પહેલી વાર તમને કેમ યાદ કરેલા તે… સાલું, અત્યારે યાદ નથી આવતું ! પણ યાદ આવે ત્યારે તમને ચોક્ક્સ યાદ કરીશ ! લો ચાલો ત્યારે, અડોશપડોશમાં બધાને મારી યાદ આપજો !’
આપણે ત્યાં આવી ‘યાદગાર મુલાકાતો’ નો રિવાજ છે.
[3] ‘તમારું કાર્ડ આપોને, બોસ ?’
મુસાફરી કરતી વખતે, અને ખાસ કરીને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઓળખાણો કાઢવાનો રિવાજ હોય છે. બાજુમાં બેઠેલા ભાઈની પાંચની નોટ લઈને બારી આગળ બેઠેલા ભાઈના હાથમાં પકડાવીને પાડોશી માટે ભજિયાં મગાવવાનું ‘કામ પતાવી આપો’ એટલે ઓળખાણ માટેનું પ્લેટફોર્મ પાકે પાયે તૈયાર થઈ જાય ! ‘તમે આમ… ક્યાંના ?’
‘ગાઝિયાબાદના.’
‘ગાઝિયાબાદના ? અચ્છા ? ગાઝિયાબાદમાં ગાંધી રોડ પર અમારા એક ઓળખીતાની કરિયાણાની દુકાન છે !’
હવે આમાં મજાની વાત એ છે કે ભારતનાં તમામ શહેરોમાં કમસે કમ એક ગાંધી રોડ તો હોય જ છે. અને ગાંધી રોડ પર કમસે કમ એક કરિયાણાની દુકાન તો હોય, હોય ને હોય જ ! આવી રીતે ટ્રેનમાં ઓળખાણો કરવાથી આપણો ભજિયાં, ખારી શિંગ અને પાણીનો ખર્ચો છૂટી જાય છે !
‘ગાઝિયાબાદમાં તમે શું કરો છો ?’
‘ટાઈપિંગના કલાસિસ ચલાવું છું.’
‘એમ ? તો તમારું કાર્ડ આપોને બોસ ? કારણ શું કે, અમારા એક સંબંધી છે ને, એમના એક ઓળખીતાના ખાસ ક્લાયન્ટનો ગાઝિયાબાદની કોર્ટમાં ઓકટ્રોયનો કેસ ચાલે છે. આ તો શું છે કે ઓળખાણમાં હોય તો કોર્ટનાં કાગળિયાનું ટાઈપિંગ તમારે ત્યાં કરાઈ શકાય ને ? પૈસા તો બીજાને આલવાના છે ને તમનેય આલવાના છે… પણ ઓળખાણ હોય તો ફેર પડે !’
મારા એક મિત્રને આ રીતે જેનાં ને તેનાં કાર્ડ માગી લેવાનો ગાંડો શોખ છે. એક દિવસ મારાથી ન રહેવાયું એટલે મેં પૂછી જ લીધું.
‘અલ્યા, છેક ગાઝિયાબાદમાં ટાઈપિંગના કલાસિસ ચલાવતો હોય એવા માણસનું કાર્ડ લઈને શું કરવાનું ?’
‘તું સમજતો નથી. મારે આવાં ફાલતું વિઝિટિંગ કાર્ડો બહુ કામમાં આવતાં હોય છે.’
‘શું કામમાં આવે ?’
‘સેવ-મમરા ખાવાના કામમાં આવે !’ મારા મિત્રે મને રહસ્ય સમજાવ્યું, ‘એમાં એવું છે કે અમારી ઑફિસમાં દર બીજે દિવસે બબ્બે રૂપિયા ઉઘરાવીને સેવ-મમરા મગાવવાનો રિવાજ છે. હવે દર વખતે હાથ વડે સેવ-મમરાના બૂકડા કોણ ભરે ? એટલે આવાં ફાલતું વિઝિટિંગ કાર્ડ વાળીને એની ચમચી બનાવી દેવાની ! ખાઈને ફેંકી દેવાનું !’
આ રહસ્ય જાણ્યા પછી જ્યારે જ્યારે મારી પાસે કોઈ કાર્ડ માગે છે ત્યારે મને સેવ-મમરાનો ઢગલો દેખાય છે !
[4] ‘કંઈ કામકાજ હોય તો કહેજો !’
અમદાવાદમાં તો હવે કહેવત થઈ ગઈ છે કે ‘કંઈ કામકાજ હોય તો મને અડધી રાતે યાદ કરજે, હું સવારે આઈ જઈસ !’
આવાં ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ વાળા ઓળખીતાનું જ્યારે ખરેખર કામ પડે ત્યારે આવી વાતચીત કરવાનો રિવાજ છે.
‘હલો, ગુણવંતભાઈ, મુકેસ બોલું !’
‘બોલ ભઈલા !’
‘આપડે અમદાવાદ ઈલેક્ટ્રીસિટીમાં ઓળખાણ ખરી ?’
‘ઢગલો ઓળખાણો છે. તું કામકાજ હોય ત્યારે કહેજે ને !’
‘એટલે એવું છે કે મારા ઘરનું લાઈટ બિલ સાત હજાર રૂપિયાનું આયું છે.’
‘અં હં…’ તરત જ ગુણવંતભાઈનો અવાજ ફરી જશે.
‘તો…’
‘તો શું ભઈલા ? બોલને.’
‘તો આપડે કંઈ ઓળખાણ ખરી ?’
‘ઢગલો ઓળખાણો છે. તું મને કહેવડાવજે ને.’ ગુણવંતભાઈ તરત જ ‘કહેજે’ માંથી ‘કહેવડાવજે’ પર આવી જશે.
‘પણ ગુણવંતભાઈ, આ સાત હજારનું બિલ…’
‘બધું થઈ જશે તું ચિંતા ના કરીશ. તું મને કહેવડાવજે ને. આપડે કરાઈ દઈસું !’
‘પણ હલો ! બિલ ભરવાની છેલ્લી તારીખ તો કાલે જ છે.’
‘હા, તો હજી એક દિવસ છે ને ? આજે ન ભરાય તો કાલે બિલ ભરી દેજે. બોલ, બીજું કંઈ કામકાજ ?’
‘પણ હલો, આ પૈસાની વ્યવસ્થા….’
‘હા, તે તું મને કહેવડાવજે ને ?’
(અલ્યા ભાઈ ગુણવંત, પેલો ભઈલો અત્યારે જ ‘કહી’ રહ્યો છે ! તોય પાછું ‘કહેવડાવજે ?’)
‘પણ બિલ ભરી દઈએ પછી-’
‘પછી તો આપડે ઢગલાબંધ ઓળખાણો છે. તું કહેવડાવજે ને. બોલ, બીજું કંઈ કામકાજ ?’
કહેવાનો મતલબ એમ કે આ કામ તો નહીં થાય, પણ ‘બીજું કંઈ’ કામકાજ હોય તો કહેજો !
[5] ખબર કાઢવાનો રિવાજ
ખબર કાઢવા જવાનું આ શ્રેષ્ઠ દષ્ટાંત છે :
‘રણછોડકાકાનો પગ ભાંગી ગયો હતો, કેમ છે હવે ? આમ તો જો કે અમને ખબર મળી જ ગયેલા. પણ વચ્ચે શ્રાવણ મહિનો હતો ને ? શ્રાવણ મહિનામાં અમે એકટાણું કરીએ છીએ. અને અમે ખબર કાઢવા આવીએ ત્યારે તમે નાસ્તાનો આગ્રહ તો કરો જ ને ! છેક તમારે ત્યાં ખબર કાઢવા આવીએ અને નાસ્તો પણ ન લઈએ તો પાછું તમને ખોટું લાગે ! એટલે પછી અમને થયું કે આ શ્રાવણ મહિનો જવા દઈએ, પછી જ ખબર કાઢવા જઈશું ! કેમ છે રણછોડકાકાને હવે ?’
તમે કહો કે ‘હવે તો સારું છે. મંદિરે પણ રોજ જાય છે.’
‘લો બોલો ! ખરેખર તો રણછોડકાકાને એક્સિડેન્ટ થયો તે વખતે હું ત્યાં જ હતો ! સ્કૂટર લઈને ઑફિસે જતો’તો ! લોકોનું ટોળું ભેગું થયેલું જોયું એટલે મેં કીધું, શું થયું ? જોઈએ તો ખરા ? પછી રણછોડકાકાને પડેલા જોયા એટલે મેં કીધું અત્યારે મારે ઑફિસ જવાનું મોડું થાય છે, અને આમેય પછી ખબર કાઢવા તો જવાનું જ છે ને ? ત્યારે પૂછી લઈશું કે શું થયેલું ? કેમ બરાબર ને ?’
[6] રાજકારણની ચર્ચા કરવાનો રિવાજ
છેલ્લાં પચાસ વરસથી અને હમણાં હમણાં તો ખાસ આપણા દેશના રાજકારણની ચર્ચા કરવાના રિવાજે જોર પકડ્યું છે. લગ્ન હોય કે મરણ, કથા હોય કે બેસણું, રાજકારણની ચર્ચા કરવી અનિવાર્ય છે. બધી ચર્ચાઓનો છેલ્લે એક જ નિષ્કર્ષ આવતો હોય છે કે ‘બધા જ ચોર છે. બધાને શૂટ કરી દેવા જોઈએ !’ આવે વખતે આપણે તરત જ કહેવું જોઈએ, ‘બોલો, ખરેખર શૂટ કરી દેવા છે ? એક બંદૂકવાળાની દુકાનમાં આપણી ઓળખાણ છે !’
Print This Article
·
Save this article As PDF
extremely superb…an eye to tiny comedy of life..superb..alldabest
રિવાજો લેખ બહુ ગમ્યો.ખરે ખર આવુ જ હોય ,દરેક આવુ કહેતા હોય આવુ ચાલે અને બધા ને ગમે,
એક નવો રીવાજ
—————-
હમણાં હમણા ઇન્ટરનેટ ઉપર ગુજરાતી BLOG ની બોલબાલા છે. કેટલાંક અતુલભાઈ જેવા “આગંતુક” વાચકો હોય, જે આમ તો લગભગ આખો દિવસ નવરાં જ હોય. ઍટલે સમય પસાર કરવા જુદા જુદા BLOG ઉપર આંટા માર્યા કરે. પછી તેને લેખ સમજાય કે ન સમજાય – સાહિત્ય વિષે ખબર પડે કે ન પડે, લેખ પણ પુરો વાંચ્યો હોય કે નહી તે ખબર નહી પણ નીચે કોમેન્ટ તો લખવી જ પડે. કેટલીક વાર આપણે એમને પુછીએ કે અલ્યા આ લેખમાં કાંઈક લખ્યું છે ને તું કોમેન્ટમાં કાઈક ઘસડે છે તો મલકાઈને કહે કે ઈ તો એમાં એવું છે ને કે લેખ લખવાનું તો આપણું ગજુ નહીં અને સાહિત્યમાં વળી આપણને શું ખબર પડે? પણ આ તો કોમેન્ટ લખી હોય તો આખી દુનિયામાં વગર પૈસે આપણું નામ વંચાય કે નહીં?
લ્યો બોલો, નામ વંચાવવા કોમેન્ટ લખવાની !
બાકી મન્નુભાઈ અવનવા રીવાજો વાંચવાની મજ્જ્જ્જ્જા આવી ગઈ.
કાલેજ હાસ્ય લેખ યાદ ક્રાર્યાતા……!!!! 🙂
મઝા આવિ ગઈ. આવિ કોમેન્ટ આપવાનો પણ એક રિવાજ જ ગણાય ને?
નવા વર્ષમા હાસ્યની આ રોજ બરોજ ની લહાણી ખુબ ગમી મૃગેશભાઇ. ખરેખર તો ૨-૩ દિવસથી કોઇ ને યાદ કરવાનૉ ને રાખવાનો પિરિયડ ચાલતો હતો તે આજ થી રુટીન શરુ થયુ.
મજા આવી ગઇ.
દિવાળીનાં દિવસોમાં એન્ડોરફીન ઝરપાવવાની મઝા જ મઝા
ઘણી મઝા આવી ગઈ..!
બહુ સુન્દેર રિતે પ્રસન્ગો વર્નવ્ય ચ્હે. ધન્યવાદ્!
Nicely described normal lifestyle.
‘પછી આવો કોક દિવસ શાંતિથી !’ અને ‘કંઈ કામકાજ હોય તો કહેજો !’ બન્ને ‘રિવાજો’ બહુ જ સરસ અને ઍક્દમ સાચી રીતે રજૂ કર્યા.
Nice ones.
ખુબ સુન્દર રિતે સામાજિક રજુઆત કરિ ,ઘણી મઝા આવી ગઈ..!
મઝા પડી રીવાજો વિષેનો કટાક્ષ લેખ વાંચવાની
રિલેશન નિ સાચિ વ્યાખ્યા સમજાવતા લેખ, આમ પન પેલુ ગિત અમથુ થોડૂ લખયુ,,, કસ્મે, વાદે, પ્યાર, વફા સબ બતે હે, બાતો ક ક્યા, કોઇ કિસિ કા નહિ યે જુથે નાતે હે, નાતો કા ક્યા,,,
everyday i read manushekhchalli in gujarat smachar and do not miss to read it.
bapu kevu pade
rivaz atle rivaz bhai bhai…
બેસ્ત લખાન બહુ મજા આવેી ગયે અબાર થેન્કુ
મન્નુભાઈ કોઇ રીતે મુન્નાભાઈથી કમ નથી. તમારા હવામાં ગોળીબાર અને વાતવાતમાં તો મારા પ્રિય છે.
લલિતભાઈ, તમે આવુ ઉપનામ કેમ ધારણ કર્યુ તે જણાવશો.
નયન
Simply Superb, really really good one,
હુ ઍવુ તો નહિ કહુ કે
બિજો લેખ કોક દિવસ શાંતિથી આપો!