- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હેપી દિવાળી – નિર્મિશ ઠાકર

[આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com ]

[1] હાલ્લો આન્ટી, હલ્લો અંકલ !

‘આ ઘરડી ઘોડી ઓછી નથી હોં !’ કામવાળી કામ પતાવી ગઈ કે તરત જ શ્રીમતીએ હૈયાવરાળ કાઢી.
‘પાછું શું થયું ?’ મેં પૂછવા ખાતર કહ્યું.
‘અરે, એ મને તો બહેન કહી બોલાવે છે, પણ તમારે માટે ‘અંકલ’ શબ્દ વાપરે છે, હરામખોર !’
‘મને હરામખોર પણ કહે છે ?’ મને ભયંકર ચિંતા થઈ.
‘હરામખોર તો હું એને કહું છું, કારણ કે એ તમને અંકલ કહે છે !’
‘… ને તું બહાર ગઈ હોય છે, ત્યારે એ મને તો ભાઈ કહે છે, પણ તારા માટે ‘આન્ટી’ વાપરે છે !’
‘હાય હાય ! ખરેખર ? તો કામ છોડાવી દઈએ ! તમે તો આ વાત મને કહી જ નથી !’ શ્રીમતી આકળવિકળ થઈ ગયાં.
‘મારા મનમાં કે મને ભાઈ કહે છે, ત્યાં સુધી બાબત ચિંતાજનક ન કહેવાય, એટલે…’

પછી તો મારા સ્વાર્થીપણા પર પણ એક મોટું ભાષણ મારે સાંભળવું પડેલું, પણ અહીં જે મુદ્દો ઉપસ્થિત થાય છે, તે આન્ટીત્વ અને અંકલત્વનો છે ! સમાજને લાલબત્તી દેખાડતો આ મારો લેખ દરેક ઉંમરનાઓએ વાંચવો જોઈએ ( હાલ તો માઈલો સુધી એક બાબત પણ એવી નથી દેખાતી, જેને લીલીબત્તી દેખાડી શકાય. હળાહળ કળજુગ કહે છે, તે આ !) હું જાણું છું કે આપણા સૌના અંતરાત્મા દેવઆનંદ જેવા જ હોય છે એટલે કોઈ ઘડપણને સ્વીકારતું નથી. દર્પણ તો બિચારું રોજ રાડો પાડતું હોય છે કે તું હવે અંકલ થઈ ગયો છે અથવા આન્ટી થઈ ગઈ છે, પણ એનું સાંભળે કોણ ?

હમણાં હમણાંથી તો એક નવી અને ખતરનાક ફેશન શરૂ થઈ ગઈ છે ! તે એ જ કે બીજાને ઘરડો સાબિત કરી આપણે યુવાન દેખાવું ! હમણાં હમણાંથી તો એક નવી અને ખતરનાક ફેશન શરૂ થઈ ગઈ છે ! તે એ જ કે બીજાને ઘરડો સાબિત કરી આપણે યુવાન દેખાવું ! લોકો પચાસમે વર્ષે પપ્પા બનતા હોય છે, એ જમાનામાં હું હજી સાડત્રીસનો જ છું. શું આ ઉંમર છે મારી અંકલ ગણાવાની ?

હમણાં એક ઠેકાણે ઝેરોક્ષ કોપી કઢાવવા ગયેલો. (મારી નહીં, મારા લેખોની !)
‘અંકલ, કેટલી કાઢું ?’ ઝેરોક્ષવાળાએ મને પૂછ્યું ને હું તો સ્તબ્ધ થઈ ગયેલો. આઘાત ફક્ત એનો નહોતો કે એણે મને અંકલ કહ્યો, પણ પૂછનાર ખુદ મારાથી મોટો હતો, એની દાઢી સુદ્ધાં સફેદ થઈ ગયેલી હતી ! ‘બે બે કોપી કાઢી નાંખ. દીકરા, તારી જન્મતારીખ શું છે ?’ મેં બરાબર દાઝ કાઢી. પછી એ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો. પણ મેં એને જતો ન કર્યો. કદાચ એણે પાંચેક વર્ષ ઓછાં થઈ જાય એ રીતે ગોઠવીને એની જન્મતારીખ કહી, છતાં એ મારાથી સાત વર્ષ મોટો નીકળ્યો ! મારા આ પ્રકારના કેટકેટલા ભત્રીજાઓ સમાજમાં પડ્યા હશે, હું વિચારું છું ! વળી આવા ભત્રીજાઓને તમે બે આંખની શરમ છોડી બરાબર સાણસામાં લો, ત્યારે ‘માફ કરજો, પણ તમે ઉંમર કરતાં ઘણા જ મોટા દેખાવ છો, કોઈને પણ પૂછી લો !’ એવું કહી તેઓ આપણને દાઝ્યા પર ડામ આપતા હોય છે. સમાજની સળગતી સમસ્યાઓ પર ચર્ચાઓ કરનારાઓને આ મુદ્દો હજી કેમ દેખાતો નથી ?

ખરેખર તો પરિસ્થિતિ દેખાય છે એ કરતાં ઘણી જ ગંભીર છે ! જે લોકો ખરેખર મારાથી વીસ-પચીસ વર્ષ મોટા હોય છે. ‘અંકલ-આન્ટી’ કહેવાવા માટે યોગ્ય હોય છે, તેઓ પણ ઓવર સ્માર્ટનેસ બતાવી જાય છે. હમણાં અમે ઘર બદલ્યું છે. આજુબાજુનાં લગભગ બધાં જ પાડોશીઓ દાદા-દાદી બની ચૂકેલાં છે, એમનાં પરણેલાં સંતાનો પણ લગભગ મારી વયનાં અથવા મારાથી બે-પાંચ વર્ષ નાનાં છે. આઘાતજનક વાત તો એ છે કે અમે કોઈને અંકલ કે આન્ટી કહીએ એ પહેલાં જ એ લોકોએ પોતાનાં મોટા ઘોડા જેવા થઈ ચૂકેલાં સંતાનો દ્વારા અમને ‘અંકલ-આન્ટી’ કહેવડાવી દીધું ! જોકે મેં પણ હવે નિર્દય થઈને વળતાં પગલાં લીધાં જ છે. ‘અંકલ, તમારા બાબાને કહેજો કે હવેથી મને અંકલ ના કહે…’ એવું મેં જેમને જેમને મોઢામોઢ કહ્યું છે, એમણે તરત અમારી સાથે અબોલા લીધાં છે. જો આ રીતે સમગ્ર સમાજ અમારો બહિષ્કાર કરે તો પણ ભલે, પણ અમે આ વિષચક્રના સાતેસાત કોઠા ભેદીને જે સત્ય છે તેને પ્રસ્થાપિત કરીને જ જંપીશું.

આ સૌને સતાવતી સમસ્યા છે, છતાં મોટા ભાગના લોકો શાહમૃગવૃત્તિ સેવ્યા કરે છે. એમ તો અમારા ગણપતલાલનેય કોઈ અંકલ કહે તે જરાય નથી ગમતું. આ કારણે એ પોતાની ઉંમરનાઓ સાથેય બેસતા નથી. પણ આ કોઈ ઉકેલ ન ગણાય ! ગણપતલાલનાં ધર્મપત્ની વીરબાળાબહેન આ બાબતે નોંધપાત્ર વીરતા બતાવે છે, એથી હું પ્રભાવિત પણ થયો છું. એમને જો કોઈ આન્ટી કહે તો તરત ‘તારે મા-બહેન છે કે નહીં ડફોળ ? જા એને જઈને આન્ટી કહેજે…’ ની ત્રાડ સાથે એ એવાં તો ત્રાટકે છે કે એમની યુવાની આપોઆપ સાબિત થવા લાગે છે. ઘણી વાર તો ગણપતલાલને મળવા આવનાર પૂછે… ‘વીરબાળાબહેન, ગણપતઅંકલ ઘેર છે ?’

કહેવાય છે કે, અન્યાય કરનાર કરતાં અન્યાય સહન કરી લેનાર મોટો ગુનેગાર હોય છે. દુનિયા તો હંમેશાં આપણા પર ‘અંકલત્વ’ અથવા ‘આન્ટીત્વ’ નો સિક્કો મારી દેવા તત્પર રહેવાની, પણ એ સિક્કાને અવળા કરી દુનિયાના મોઢે જ ચોડી દેવાની જાગૃતિ અને હિંમત હવે આપણે કેળવવી જ પડશે. આપણે બધું ચલાવી લેનારાં છીએ માટે જ આવું બધું આઘાતજનક બન્યે જતું હોય છે. કેમ કોઈ ફિલ્મસ્ટાર રેખાને યા હેમામાલિનીને આન્ટી નથી કહેતું ? રેખાને મળનારાં તો ચાપલૂસી કરતાં એમ પૂછતા હોય છે કે ‘મેડમ, આપ કી સુંદરતા કા રાઝ ક્યા હૈ ?’ હું ગેરંટીથી કહું છું કે આજકાલ હેમામાલિની ભલે નૃત્યનાટિકામાં ‘મા દુર્ગા’ બનતી હોય, પણ તમે એને એકવાર “હે મા !” કહી જોજો, એ તમને અચૂક ત્રિશૂળ મારશે !

મારા વડીલોને આ લેખ દ્વારા ગંભીર ચેતવણી કે હું કલમ છોડીને હાથમાં કંઈક બીજું લઉં એ પહેલાં મને અંકલ કહેવાનું છોડીને જરા દર્પણમાં પોતાનાં હાફુસ કેરી જેવાં મોઢાં જોઈ લે ! વાચકમિત્રોનેય વિનંતી કે લેખને હાસ્યલેખ ન સમજતાં કાંઈક ગંભીરતાથી વિચારતા થાય અને કંઈક અમલમાં પણ મૂકે !

[2] સવાર પડી ગઈ ને ?

પૃથ્વી પર વધુ એક સવાર પડી છે, ને હૃદય ખાતે વધુ એક ફાળ પડી છે કે આજનો દા’ડો કેવો જશે ? સૂર્ય પણ જરૂર ઊગ્યો હશે અને કદાચ પૃથ્વીવાસીઓને જોઈ મલકતો હશે કે આમના તો દા’ડા ઊઠ્યા છે ! ઊંચા ઊંચા મકાનો વચ્ચે મારો ફલેટ ઘેરાઈ ગયો છે. એટલે સવારનો સૂર્ય જોઈ શકતો નથી. હા, બાલ્કનીમાં ઊભો રહું, ત્યારે માથા પર ઝાકળનાં ટીપાં પડવા લાગતાં મન મુગ્ધ થવા લાગે છે. પણ એ ટીપાંમાં ડિટર્જન્ટ પાવડરની વાસ આવવા લાગતાં હું અચાનક ઊછળું છું ! ઊંચે જોઉં છું તો… ઉપરવાળાએ સૂકવેલાં કપડાં દેખાય છે. મનમાં એક ઊંડો સંતોષ થાય છે કે ઉપરવાળાએ કપડાં ધોવામાં વધુ પાણી વાપર્યું નથી. ગયે અઠવાડિયે જ મેં એમને ધમકી આપેલી કે સવારના પહોરમાં જો વધારે પાણી વાપરી નાંખી, અમને હેરાન કરશો, તો હું પાણીની બધી લાઈનો તોડી નાંખીશ !

ઉપરવાળાને હું ગાંઠતો નથી (પ્રભુની વાત નથી, અમારી ઉપર રહે છે તે ફલેટવાળાની વાત છે.) પહેલાં તો એ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની કૅસેટ જોરથી વગાડી, અમારી સવાર ખરાબ કરવા ટેવાયેલો હતો. હવે ચારસો વૉટના સ્પીકર સાથેના મારા સી.ડી. પ્લૅયરમાં હું ઈલા અરુણનું ગીત ‘હાં હાં દિલવાલી હું, દિલવાલી કે નખરે તું સહે લેએએ….’ વગાડું છું ને પેલાનાં પ્રભાતિયાંની વરાળ થઈ જાય છે ! ટૂંકમાં, સવારના પહોરમાં આપણને કોઈની ખોટી મગજમારી પસંદ નથી.

જો કે અમારે ત્યાં સહેલાઈથી સવાર પડતી નથી, એ પહેલાં તો ઘણું ઘણું પડે છે ! ‘ચલો સૂઈ જાવ, સવારે વહેલા નોકરીએ જવાનું છે !’ એવી શ્રીમતીની ત્રાડ તો રાત્રે જ પડી ગઈ હોય છે. ત્યાર પછી કબરમાં પડવાનું હોય, એમ પથારીમાં પડી મોડી રાત સુધી જાગતા પડ્યા રહેવાનું હોય છે. કારણ કે સતત ‘એલાર્મ’ નહીં વાગે તો ? એવા ધ્રાસકા પડતા હોય છે ! હવે તો એલાર્મ જ વાગ્યું છે, એવી શંકા પડતાં હંમ અચાનક પથારીમાં ઊછળી પડું છું. ‘એં એં એં પપ્પાજીઈઈ હું પડી ગયો…’ ની ચીસો બાજુના રૂમમાંથી સંભળાય કે તરત સમજી જાઉં છું કે બાબલો ઊંઘમાં પલંગ પરથી પડ્યો છે ! ‘એ આવું દીકરા…’ કહેતાંકને મારો પિતૃપ્રેમ ઊભરાય છે. હું બંધ આંખે જ ત્યાં જવા દોટ કાઢું ત્યાં મોટા કડાકા સાથે કશુંક તૂટી પડે છે અને હું કોઈ જાળમાં લપટાઈને તરફડિયાં મારતો જમીન પર પડ્યો હોઉં છું ! રાત્રે આડી-અવળી લાકડીઓના માળખા સાથે મચ્છરદાની બાંધેલી એ વાત અચાનક યાદ આવે છે. વારંવાર ઊભું કરાયા છતાં રાબેતા મુજબ તૂટી પડતા લોકશાહીના માળખા જેવું અમારું મચ્છરદાની માટેનું માળખું ફરી શ્રીમતીના માથે તૂટી પડ્યું હોય છે ! સપડાયેલું હિંસક પ્રાણી જાળ ફાડીને માથું બહાર કાઢે એમ શ્રીમતી મચ્છરદાનીમાંથી માથું બહાર કાઢી ત્રાડ પાડે છે : ‘પાડ્યું ને ફરી ? મગજમાં પથરા પડ્યા છે ?’ ‘ના, પેલા રૂમમાં બાબલો પડ્યો છે….’ કહી હું બાબલા પાસે દોડી જાઉં છું.’

ફરી પરિસ્થિતિને સંભાળી લેવા હું મચ્છદરદાનીનું માળખું રિપેર કરીને જેમ-તેમ ઊભું કરી દઉં છું. ગડમથલમાં ખાસ્સો સમય વીતી ગયો હોય છે. ‘હા…શ’ કહેતાંકને ઓશિકા પર ફરી માથું મેલું કે તરત એલાર્મ ગાજી ઊઠે છે !
‘હું તો થાકી તમારાથી ! જાવ હવે તૈયાર થાવ, સવાર પડી ગઈ તમારા નામની….!’ કહી શ્રીમતીજી મને બેઠો કરી દે છે. ‘જોજો… આંધળી ખિસકોલીની જેમ ફરી ના દોડતા, આ મચ્છરદાની બાંધેલી છે તે….’ મને ચેતવળી પણ મળે છે.

….ને ત્યાર પછી અમારે ત્યાં વિધિવત સવાર પડે છે ! ‘ઊંચે નીચે રાસ્તે ઔર મંઝીલ તેરી દૂર….’ જેવું કાંઈક ગણગણતાં મારા વાંકાચૂકા દાતમાં અટવાઈ ન જાય, એ રીતે બ્રશ ફેરવી લઉં છું. યુવાની ટકાવવા નિયમિત કસરત જરૂરી છે, એવું અચાનક યાદ આવી જતાં ‘યુવાની’ છે એટલું પાકું કરી લેવા, બંડી કાઢીને મોટા આયના સામે ઊભો રહી જાઉં છું. છાતીનો આકાર વી-શેઈપ જ જોઈએ ! પેટ સંકોચીને છાતી ફુલાવવા માટે ઊંડો શ્વાસ લઉં છું, પણ ધાર્યા કરતાં અવળું જ બને છે. થોડો મુડ આઉટ થઈ જાય છે, આ અવળો વી-શેઈપ જોઈને ! પછી હાથ વાળીને ગોટલા ફુલાવું છું, પણ એ પાણી ભરેલા નાના ફુગ્ગા જેવા દેખાતાં કસરતનો વિચાર જ માંડી વાળું છું. માણસ તો મનથી યુવાન હોવો જોઈએ, એમ વિચારતાં રસોડામાં જાઉં છું.

‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે….’ ગાતાં ગાતાં ગૅસ પર નહાવા માટેનું ગરમ પાણી પણ ચડાવી દઉં છું. સોમવારની સવાર ને બુધવારની બપોરથી માંડી છેક રવિવારની રાત સુધીના ધડમાથા વિનાના વિચારો મને બાથરૂમમાં જ આવતા હોય છે. પાણીનું પ્રથમ ડબલું માથે ઢોળતાંની સાથે મારાથી ઊછળીને ઊભા થઈ જવાય છે, કારણકે વિચારો કરવાના ગાળામાં જ પેલા ગરમ પાણીમાં બેહિસાબ ઠંડુ પાણી ભળી ગયું હોય છે ! ‘ગીત ગાઆઆવુંઉઉ ગમે, મને સૂરના સરોવરમાં ન્હાવુંઉંઉં ગમે….’ જેવા કોઈ જૂના ગીતની એકની એક લીટી દરેક ડબલું રેડતાં ગાતાં જઈ, બધું પાણી અને શરીરની ધ્રુજારી, એકબીજામાં ઉલેચી નાખું છું. છેલ્લે લક્સ સાબુ દેખાતાં પેલી હિરોઈનની તીવ્ર યાદ આવી જાય છે. એ પણ આજ સાબુ વાપરે છે, એમ યાદ આવતાં ફરી નાહવા બેસી જવાનો ઉત્સાહ ચડી આવે છે, પણ પેલા પાણીની અસહ્ય ઠંડક મને એમ કરતો રોકે છે. ટૂંકમાં જેને ‘નહાવું’ કહીએ છીએ તે કામ પતી જાય છે !

તમે તો જાણો છો કે દરેક સવારે છાપામાં એના એ જ સમાચારો આપણા માથે મરાય છે. છાપું યાદ આવે એ પહેલાં તો સત્તર પાનાની પૂર્તિ સાથેનું આખું બીડું બરાબર માથામાં આવી ભટકાય છે ! ને એને ખોલો ત્યારે એ જ સમાચારો દેખાય છે, જે કાલે પણ હતા ! છાપાવાળો તાકે છે તે નિશાન (એટલે કે માથું !) પણ એ જ હોય છે, ને તેય સવારના પહોરમાં ! છાપાની શી વિસાત, જ્યાં જીવન જ માથે પડ્યું છે – એમ વિચારતાં ફરી મારે જ રસોડામાં જવું પડે છે (કારણ કે પત્ની પણ માથે….), ચા બનાવવા !

અમે નાનપણમાં પ્રભાતિયાંની એક પંક્તિ ખૂબ રસપૂર્વક ગાતાં. ‘ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો !’ પત્નીને જગાડતાં પહેલાં પણ ઘણી સાવચેતી રાખવી પડે છે. ગૅસના ચૂલે ચા ચડાવી, હું ડ્રોઈંગરૂમમાં આવું છું. તમારી જેમ મારી પત્નીને પણ જૂનાં કાવ્યોની એલર્જી છે. પત્નીને જગાડવા હું એવાં કાવ્યોને ખપમાં લઉં છું. એક ઊંડો શ્વાસ ખેંચ્યા પછી છેક બેડરૂમ સુધી સંભળાય એ રીતે હું ગાઉં છું…

‘ઊગે છે સુરખિ ભર્યો રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં
ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દિસતી એકે નથી વાદળી…’

મારા સામાન્ય સૂરોની એના પર અસર ન જ થાય, સ્વાભાવિક છે ! ત્યાર પછી એ જ પંક્તિના દરેક શબ્દના દરેક અક્ષર પર અનુસ્વાર ઉમેરી સાયગલના અવાજમાં ગાવાનું શરૂ કરું છું. (તમેય એમ કરી જુઓ, આ પંક્તિ સાયગલના અવાજમાં ખરેખર ફીટ બેસે છે !)
‘આ શું બકવાસ માંડ્યો છે સવારના પહોરમાં ?’ બેડરૂમમાંથી ઓરિજિનલ ત્રાડ સંભળાય છે.
‘ઊઠી ગઈ ? લે ચા પણ તૈયાર જ છે….’ હું રસોડામાં જઈ જોઉં, ત્યારે ચા ઉભરાઈ ગયેલી હોય છે ! ફટાફટ એ જ તપેલીમાં બચેલી સામગ્રીમાં એક કપ પાણી અને એક ચમચી દૂધ ઉમેરી ફરી ઊકાળું છું. પાંચ જ મિનિટમાં ચા જેવા રંગનું દ્રાવણ તૈયાર થઈ જાય છે, જેને કપમાં ભરી દઈ હું પત્નીના હાથમાં ઝલાવી દઉં છું. થોડી વારે કપ છુટ્ટો ફેંકાવાનો છે, એની મને જાણ હોય છે જ, એટલે હું બાલ્કનીમાં ઊભો રહી સૂર્યને શોધું છું. ને પછી તો તમે જાણો છો કે મારે માથે ઝાકળનાં ટીપાં પડે છે, જે ખરેખર ઝાકળનાં ટીપાં હોતાં નથી !

તમારે ત્યાંયે આવી જ સવાર પડતી હશે, એની મને ખબર છે. સવાર સુધારવી હોય તો પહેલાં આગલી સાંજને સુધારવી પડે મિત્ર. શાયર ‘બેફામ’ પણ કહી ગયા છે… ‘હશે એ રંગ સંધ્યામાં, નીકળશે જે ઉષામાંથી !’ ટૂંકસાર એટલો જ કે કૂવામાં હોય તો હવાડામાં આવે !