દિવાળી મીઠાઈ વિના ઊજવો – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય

[હળવો રમૂજી લેખ – આ દિવાળી મીઠાઈ વિના જ ઊજવો. કેટલાંક વાંચવા જેવાં ચર્ચાપત્રો ]

[1] મીઠાઈ ન ખાવ – શ્રી સેવકરામ સદાચારી.

તંત્રી શ્રી,
હમણાં જ્યારે મોંઘવારી ખૂબ વધી રહી છે અને ગત બે વર્ષ દરમ્યાન ગુજરાતમાં ખૂબ વરસાદ થતાં લોકો બધી રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે મારી એક ભલામણ છે કે આ વર્ષે દિવાળી પર મીઠાઈનો ખર્ચ ન કરવો ને એ રકમ ગરીબો અને પીડિતો માટે મોકલી આપવી. આપણાં જ ભાઈ-બહેનો જ્યારે અસહ્ય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં હોય ત્યારે મીઠાઈ ખાઈ જલસા કરવા તે માનવતાની દષ્ટિએ પણ યોગ્ય નથી. પીડિતો પ્રત્યે પ્રેમભાવના દાખવી એમને બને તેટલી વધુ મદદ પહોંચાડવા દરેક નાગરિકે તૈયારી રાખવી જોઈએ. મારી તો સલાહ છે કે ‘મીઠાઈ-બંધ’ નું એક આંદોલન જ શરૂ કરવું જોઈએ.

[2] હાય ! હાય ! મીઠાઈ વિનાની દિવાળી ! – અ.સૌ. મીઠીબહેન સ્વાદિયા

શ્રી સદાચારીનો પત્ર વાંચ્યો. આંચકો અનુભવ્યો. દિવાળી જેવો પ્રસંગ વર્ષમાં એક વાર જ આવે છે ને એ શુભ અવસર પર ભગવાનને મીઠાઈ ધરવી અને સગાવહાલાંને મીઠું મોં કરાવરાવું એ આપણો પરંપરાગત રિવાજ છે. ગત વર્ષે પૂર તો આવ્યું ને ગયું…. અને જેમના ગ્રહો નબળા હશે તે હેરાનપરેશાન પણ થયા. પણ એ કારણે બાકીના લોકોએ દિવાળી જેવું પર્વ ન ઊજવવું, તે માટે ‘મીઠાઈબંધ’ નું આંદોલન કરવું તે મારા હિસાબે નરી મૂર્ખતા છે. મીઠાઈ ખાવા મળે તો જ ઉજવણી કરી ગણાય. તો મારી નમ્ર વિનંતી છે કે આવી ગાંડી વાતોને તમે પ્રોત્સાહન ન આપો તો સારું.

[3] તદ્દન ખોટી વાત – શ્રી કનુભાઈ કચકચિયા

શ્રી સેવકરામભાઈનો પત્ર વાંચ્યો. દુ:ખ થયું. શ્રી સદાચારીજી પાસે કોઈકે જ આવો પત્ર લખાવરાવ્યો હશે એમ મારું માનવું છે. દિવાળીમાં લોકો મીઠાઈ ન ખાય તો ગરીબોને પુષ્કળ પૈસા મળી રહેશે એ વાત જ ખોટી છે. સરકાર ગરીબો અને પીડિતો માટે આર્થિક સહાય કરે જ છે… પછી ‘મીઠાઈ બંધ’ ની વાતો કરવી તે પ્રજાને ગેરમાર્ગે દોરવાની જ ગાંડી વાત છે. દિવાળી કેવી રીતે ઊજવવી તે વ્યક્તિગત પ્રશ્ન છે. એમાં કોઈ પણ જાતની દખલગીરી કરવી તે યોગ્ય નથી. ખરું કહું તો લોકોએ ઘરે મીઠાઈ બનાવી, રેલપીડિતોમાં મફતમાં વહેંચવી એવી ચળવળ શરૂ કરવી જોઈએ. આમ કરવાથી બધા લોકો દિવાળી સારી રીતે ઊજવી શકશે.

[4] આવી મૂર્ખામી ન કરાય ! – શ્રી મોહનલાલ મીઠાઈવાલા

શ્રી સદાચારીની વાતનો અમારું ‘મીઠાઈ વેપારી મંડળ’ સખ્ત વિરોધ કરે છે. આ વરસાદની સિઝનમાં મીઠાઈ બનાવનાર-વેચનારના ધંધાને પણ માઠી અસર થઈ હતી. એ અસરમાંથી બહાર નીકળવા દિવાળી પર ખૂબ ધંધો કરી લેવા અમારી ઈચ્છા છે. અમે કમાઈશું તો એમાંથી જરૂર અમુક ટકા રાહતફંડમાં આપીશું, પણ ‘મીઠાઈબંધ’ ની વાતનો અમલ થાય તો તો અમને વધુ ફટકો પડશે. ખરું કહું તો પૈસે ટકે સુખી હોય, એમણે આ શુભપ્રસંગે મીઠાઈ ખરીદી ગરીબોને મફતમાં વહેંચવી જોઈએ. ‘મીઠાઈ બંધ’ આંદોલન શરૂ કરાશે તો અમારું મંડળ ‘મીઠાઈ વહેંચો’ કાર્યક્રમ શરૂ કરશે એ ચોક્કસ છે. નકારાત્મક વલણ છોડી સમાજસેવાની વાત જ કરો તો સારું.

[5] જાહેર ચળવળ ન બનાવાય ! – શ્રી ‘ડીટેક્ટિવજી’

અમારી ઈન્વેસ્ટિગેશન ટીમ તરફથી તપાસ કરાવતાં માહિતી મળી છે કે ‘મીઠાઈ બંધ’ ની જે વાત શ્રી સેવકરામભાઈએ કહી છે તેની પાછળ બે કારણો છે. એક તો એ કે પોતે ‘મધુપ્રમેહ’ એટલે કે ડાયાબિટીઝના દર્દી છે તેથી એમને મીઠાઈ ખાવાની મનાઈ છે ને એ જ કારણે બીજા મીઠાઈ ખાય તે તેમને ગમતું નથી ને બીજું કારણ એ છે કે એમણે એક મીઠાઈવાળાને રૂપિયા પાંચ હજાર ઉધાર આપ્યા છે ને એ દુકાનવાળો દોઢિયા પાછા આપતો નથી. તેથી એમણે ‘તારો ધંધો જ બંધ કરાવરાવી દઈશ’ એવી ધમકી પણ આપી છે. અમારા સ્ટાફ તરફથી હજી તપાસ ચાલુ છે ને વધુ માહિતી મળતાં પ્રજા સમક્ષ એ રજૂ કરીશ.

[6] સસ્તા દરે મીઠાઈ આપો – શ્રી ભાનુભાઈ ‘સમાજવાદી’

‘મીઠાઈબંધ’ ની વાત જ તદ્દ્ન ખોટી છે. એમ કરવા જતાં મીઠાઈ બનાવનારા કારીગરો બેકાર થઈ જશે. મીઠાઈ વહેંચવા માટે સુંદર ને આકર્ષક બોક્ષ બનાવનારા પણ કામ વગરના બની જશે ને મીઠાઈપ્રેમીઓ ગળી વસ્તુ ખાવા ન મળતાં બાવરા બની જશે ને સમાજમાં ભયંકર અસંતોષ વ્યાપી જશે. એક સમાજવાદી તરીકે મારી તો સલાહ છે કે સમાજમાં શાંતિ, સહકાર અને સુખાકારી જળવાય તે માટે જાહેર સંસ્થાઓ આગળ આવે ને ખૂબ જ પડતર ભાવે મીઠાઈ બનાવી, જનતાને સસ્તા ભાવે વેચે આમ થશે તો જ દિવાળી બરોબર ઊજવાશે.

[7] મીઠાઈ બંધ : આર્થિક લાભ – અર્થશાસ્ત્રી

‘મીઠાઈ બંધ’ ચળવળ શરૂ થતાં મને ખાતરી છે કે દેશને ખૂબ લાભ થશે. ખાંડની માંગ ઓછી થશે ને પરદેશ એક્સપોર્ટ કરવાથી સારું એવું હૂંડિયામણ પણ કમાઈ શકાશે. લોકો ‘ખાંડ’ ઓછી ખાશે તો ડાયાબિટીઝ રોગ નહિ થાય ને નવી પેઢી વધુ તંદુરસ્ત ને ભેજાંવાળી બનશે. મીઠાઈ ખવડાવવાથી સંબંધોમાં મીઠાશ વધે છે એ વાત સાચી નથી. ઘણી વાર મીઠાઈમાં મીઠાશ ઓછી હોય તો સંબંધ બગડે પણ છે. ખાંડની એક્સપોર્ટ વધશે તો ખાંડ ઉદ્યોગનો વિકાસ થશે ને દેશ પ્રગતિના પંથે આગળ વધશે. મારું તો માનવું છે કે ‘મીઠાઈ એક્સપોર્ટ’ કરવામાં આવે તો પરદેશમાં તો મોટું માર્કેટ મળી જ રહે એમ છે તો એ રસ્તે આગળ ધપવું જોઈએ.

નોંધ : દિવાળી આવી ગઈ હોવાથી આ ચર્ચા અહીં બંધ કરવામાં આવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હેપી દિવાળી – નિર્મિશ ઠાકર
સંવત 2064નું આપનું રાશિ ફળ – બી. એન. દસ્તૂર Next »   

7 પ્રતિભાવો : દિવાળી મીઠાઈ વિના ઊજવો – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય

 1. અતુલ જાની (આગંતુક) says:

  [૮] દિવાળી આવી ગઈ હોવાથી આ ચર્ચા અહીં બંધ કરવામાં આવે છે. (અતુલભાઈ કોમેન્ટિયા)

  ચર્ચા શા માટે બંધ કરવી જોઇઍ? દિવાળી તો આવે અને જાય અને ઘરમાં મીઠાઈ પડી હોય તો તે ખાતા ખાતા પણ ચર્ચા કરી શકાય અને મીઠાઈ ન હોય તો કોને ઘરે જવાથી મળી શકે તેમ છે તે જાણવા માટે પણ ચર્ચા તો જરુરી જ છે. વળી કોઈને ડાયબિટિસ હોય તો તે ભલેને મીઠાઈ ન ખાય પણ ખવરાવી તો શકે ને? ગળ્યું તે ગળ્યું અને બાકી બધું બળ્યું – મીઠાઈ કદાચ ન ખાવા મળે પણ તેની ચર્ચાથી રસાસ્વાદ તો આવે જ ને. માટે મીઠાઈ ખાવી હોય તે ખાય અને ન ખાવી હોય તે ન ખાય પણ તેને વીશે ચર્ચા તો ચાલું જ રહેવી જોઇએ.

 2. pragnaju says:

  સચિત્ર કેટલાંક વાંચવા જેવાં ચર્ચાપત્રો વાંચી મઝા આવી

 3. New research on actos….

  Actos class action. Lantus actos. Actos. Riesgo actos delictivos en construccion….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.