બસ-સ્ટોપ – પ્રીતમલાલ કવિ

વાસંતી તેના ઘરની પરસાળમાં ખુરશી નાખીને બેઠી હતી. આગળ નાનકડી ટિપોઈ પડી હતી. ખુરશીના હાથા પર જમણો હાથ ટેકવ્યો હતો અને હથેળીમાં મુખ રાખ્યું હતું. કોઈ ઊંડા વિચારોના જલરાશિમાં તે ઊતરી રહી હોય તેવું લાગતું હતું. તેના ગૌર ચહેરા પર રણ જેવી રિકતતા છવાઈ હતી. આંખોમાં પણ ઉદાસીનતાનો પડછાયો ચમકી જતો હતો. કપાળમાં ચમકતો મોટો ચાંદલો ચહેરાને શોભાયમાન બનાવતો હતો. તેની દષ્ટિ ઘડીકમાં આકાશમાં લટાર મારી આવતી હતી તો ઘડીકમાં જાણે કે ગુમરાહ બની જતી હતી. હૈયું ઘેરાતાં વાદળોનું જાણે કે આવરણ ઓઢી રહ્યું હતું.

બપોર નમી ગયા હતા. અનિલ લહેરોમાં શીતળતાનો સ્પર્શ હતો. હવામાં ભીનાશ તરતી હતી. વાસંતી આજે ઑફિસ ગઈ નહોતી. બપોર જમી પણ નહોતી. તેની મમ્મી સુમિત્રાબહેને સચિંત બની તેને પૂછ્યું ત્યારે તેણે કહેલું : ‘મારી તબિયત સારી નથી.’ માતાએ વધુ પૂછવાને બદલે ઘરકામમાં ધ્યાન પરોવ્યું હતું. વાસંતી તેમની લાડકવાયી પુત્રી હતી. વાસંતીના પિતા રમણલાલ અને સુમિત્રાબહેન તેના પ્રત્યે ખૂબ લાગણી ધરાવતા હતા. હવે તો તે ગ્રેજ્યુએટ થઈને નોકરી કરતી હતી. રમણલાલ બૅન્ક મેનેજર હતા. તેમણે પુત્રને ઍન્જિનિયર બનાવ્યો હતો. તે અન્યત્ર રહેતો હતો. વાસંતી નોકરીમાં લાગી ગઈ હતી. તેની નાનીબહેન પ્રતિમા ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. ઘરમાં સુખ-શાંતિની આબોહવા પ્રગટી હતી પણ અત્યારે અચાનક ઝંઝાવાત ફુંકાવા લાગ્યો હતો….

વાસંતીની દષ્ટિ આસપાસ ઘૂમવા લાગી. તે બેઠી હતી ત્યાં પાળ ઉપર ફૂલછોડનાં કૂંડા ગોઠવ્યાં હતાં. બહારના ભાગમાં જૂઈની વેલ પાંગરી હતી. દષ્ટિ ઘડીક કશું જ જોતી ન હોય તેમ સ્થિર બની જતી. વાસંતીના મન:ચક્ષુ સમક્ષ ધીમે ધીમે દશ્યો ઉપસી રહ્યાં હતાં. ચારેક દિવસ પહેલાંની એ વાત. તે સાંજે ઑફિસ છૂટી એટલે ઘેર જવા નીકળી હતી. કોણ જાણે કેમ તે દિવસે લિફટ બંધ હતી. હવે દાદર ઊતરીને નીચે ગયા સિવાય છૂટકો ન હતો. વાસંતીએ રિસ્ટવૉચ સામે જોયું. મનમાં પ્રતિઘોષ ઊઠયો, ‘ઓહ ! સુનિલ હમણાં જ આવી પહોંચશે. મને નહીં જુએ તો એની બસ પકડી લેશે.’ તે ત્વરાથી નીચે આવી. કમ્પાઉન્ડ વટાવીને ફૂટપાથ પર આવી ગઈ. આમતેમ ઉત્સુકતાભરી દષ્ટિ દોડાવી પણ સુનીલ ક્યાંય દેખાયો નહીં. મનને શાંતિ વળી. તે એની પ્રતિક્ષામાં એકતરફ ઊભી રહી. ફૂટપાથ ઉપર જાણે કે માનવ મહેરામણ ઊભરાયો હતો. ફૂટપાથે અડીને રસ્તો પસાર થતો હતો. સામેની ફૂટપાથ પર સીટીબસના બસસ્ટૉપ આવેલ હતા. સીટીબસો ત્યાં આવતી અને પેસેન્જરોને લઈ ગન્તવ્ય દિશામાં સરકી જતી. લોકો ત્વરાથી રસ્તો વટાવી બસસ્ટૉપ તરફ દોડી રહ્યા હતા. વાસંતીએ પણ ત્યાં જવાનું હતું. પ્રતીક્ષાની લંબાતી ક્ષણો મનમાં અકળામણ પેદા કરતી હતી. તે મનોમન બબડી, ‘માણસો કિડિયારાંની પેઠે ઊભરાય છે. આતંકવાદીઓને એથી જ બૉમ્બવિસ્ફોટ કરવાની ચાનક ચડે છે.’ એક ક્ષણ તેને બૉમ્બ વિસ્ફોટની ઘટનાઓનું સ્મરણ થઈ આવ્યું. તેને લાગ્યું કે આખો દેશ આ સડકો પર ઊમટી પડ્યો છે. ટ્રાફિકસિગ્નલ નિયત ગતિથી કામ કરતું હતું અને વાહનો ઘોંઘાટ કરતા રઘવાયા થઈને દોડતાં હતાં.

સહસા જ તેની દષ્ટિમાં સુનીલ સમાયો. હૈયામાં હરખની હેલી ચડી. સુનીલ તેનો પ્રિયતમ હતો. તે પાસેના બિલ્ડિંગમાં નોકરી કરતો હતો. આમ જ ફૂટ્પાથ પર તેમની મુલાકાત થઈ હતી અને તે હૈયું હારી ગઈ હતી. આ ફૂટપાથ તેમનું મિલનસ્થાન બની ગયું હતુ. સુનીલ દેખાવડો, આકર્ષક વ્યકિતત્વ ધરાવતો યુવાન હતો. કોઈ પણ યુવતી તેના ઉપર મોહી પડે ! વાસંતીએ જોયું કે લોકોની ગિરદીમાં માર્ગ કાઢતો તે ત્વરાથી આવી રહ્યો હતો. માળામાં પાછા ફરતા પંખીઓની પેઠે લોકો તેમના ઘર તરફ દોડી રહ્યા હતા. આખું શહેર જાણે કે દોડી રહ્યું હતું.

‘હલ્લો !’ સહસા જ સુનીલનો અવાજ તેના કાને પડ્યો. હૈયામાં જાણે કે ઘંટડી રણકી ઊઠી. તેણે સુનીલ સામે કામણગારું સ્મિત કર્યું અને આંખોએ આવકાર આપ્યો. તેનો હાથ પોતાના હાથમાં લેતાં તે બોલી : ‘આજે મોડો પડ્યો, નહીં ?’
‘અરે ! શી વાત કરું ?’ સુનીલ હસ્યો, ‘આજે અમારે ત્યાં એક મિટિંગ હતી. તું તો જાણે છે કે આજકાલ મિટીંગોનું કેટલું પ્રભુત્વ છે ! કામ થાય કે ન થાય, મિટિંગ થવી જોઈએ…’ વાસંતી એના ચહેરા સામે જોતી રહી. ‘લિફ્ટ સાહેબો માટે રોકાઈ ગઈ હતી એટલે દાદર ઊતરીને આવવું પડ્યું. બહુ મોડું થયું નથી.’
‘મારી પણ આજે એ જ દશા થઈ…’ વાસંતી હસી પડી.
‘ચાલ, આજે હૉટલમાં જઈએ…’
‘ના, સુનીલ ! મને મોડું થાય છે. મમ્મીની તબિયત સારી નથી.
‘બે પાંચ મિનિટથી કશું થવાનું નથી.’ સુનીલે કહ્યું, ‘થોડીક વાતો કરવાની છે. ના ન કહીશ.’

બન્ને હોટલમાં આવ્યા. એક ખૂણામાં ટેબલ પર ગોઠવાયા અને બે કપ કોફીનો ઑર્ડર આપ્યો. વાસંતીનું હૃદય નર્તન કરતું હતું. તે પ્રેમની ઉષ્મા અનુભવી રહી હતી. સુનીલે તેનો હાથ પોતાના હાથમાં લીધો. એ સ્પર્શસુખની અનન્ય અનુભૂતિએ વાસંતીને ભાવવિભોર બનાવી દીધી. તેના રોમરોમમાં વીણાનો ઝંકાર પ્રગટ્યો. આ કંઈ નવું નહોતું. તેઓ ઘણી વખત અહીં આવતા અને ચાંચમાં ચાંચ પરોવી ઘૂટરઘૂ કરતા કબૂતરોની પેઠે પ્રેમભીની ગુસપુસ કરતા. એક વખત વાસંતીએ સુનીલની આંગળીઓને રમાડતાં લાડભર્યા સ્વરે પૂછ્યું હતું, ‘તું મને સાચે જ પ્રેમ કરે છે, સુનીલ ! કે પછી મારો પ્રેમ એકપક્ષીય છે ?’
‘તારા મનમાં શંકાની નાગણ પ્રવેશી લાગે છે…’
‘ના એવું નથી.’ વાસંતી સ્તબ્ધ બની ગઈ, ‘હું તારા મુખે સાંભળવા માગું છું, માય લવ !’
‘હું તને સાચે જ દિલોજાનથી ચાહું છું.’ તે બોલ્યો, ‘તારી વાસંતી સુગંધને હું મારા જીવનમાં ભરી લેવા માગું છું’
‘મારે એક અગત્યની વાત કરવી છે, વાસંતી !’ કોફીના ઘૂંટ ભરતાં સુનીલે કહ્યું. વાસંતી કંઈક અસમંજસમાં અને કંઈક ઉત્સુકતાભરી દષ્ટિએ તેને નીરખી રહી હતી.
‘આપણે હવે લગ્ન કરી લેવાં જોઈએ, ડાર્લિંગ !’
‘કેમ ? એવી તે શી ઉતાવળ છે ?’
‘મને નહીં પણ મારા મમ્મી-પપ્પાને ઉતાવળ છે’ સુનીલ બોલ્યો, ‘તેમણે મારા માટે એક કન્યા પણ પસંદ કરી રાખી છે.’
‘પણ..’ વાસંતી બોલતાં અચકાઈ ગઈ. હૈયામાં ઉથલપાથલ થઈ રહી હતી. ધરતી વલોવાઈ રહી હતી. ‘પણ બણ કશું જ નહીં.’ સુનીલે કહ્યું, ‘મારે તેમને જવાબ આપવાનો છે. મેં તારા પ્રત્યેના પ્રેમની તેમને વાત કરી. આખરે તેમણે સંમતી આપી છે પણ લગ્ન તરતમાં જ લેવાનાં છે. તું શું કહે છે ?’
‘વાસંતીના ચહેરા પરથી રંગો ઊડી ગયા.’
‘મારી વાત તો તું જાણે છે, સુનીલ !’ તે મંદ સ્વરે બોલી.
‘જ્યાં સુધી પ્રતિમાનાં લગ્ન ન થાય ત્યાં સુધી હું લગ્ન કરી શકીશ નહીં. મારા પપ્પા બિલકુલ માનતા નથી.’
‘તું એમને સમજાવ.’
‘મેં કોશિશ નહીં કરી હોય ?’ વાસંતીના સ્વરમાં લાચારીનો રણકો હતો. ‘આપણી જ્ઞાતિઓ અલગ છે. તે એમને સ્વીકાર્ય નથી. તેઓ કહે છે કે સમાજ શું કહેશે ? મારી પ્રતિષ્ઠાને કલંક લાગે. તને હું સારા ઘરમાં પરણાવીશ…’
‘પણ જ્યાં પ્રેમ ન હોય ત્યાં સુખ પણ ન હોય.’ મેં હિંમત કરીને તેમને કહેલું, ‘હું પરણીશ તો સુનીલને જ…’
‘તો પછી પ્રતિમાનાં લગ્ન પહેલાં લેવાં પડશે.’ મારા પપ્પાએ ગુસ્સે થઈને કહેલું, ‘તારા કારણે એને મૂરતિયો મળશે નહીં.’
‘ડેમ ઈટ…!’ સુનીલ ગુસ્સે થઈ ગયો. ‘આ એકવીસમી સદીમાં આ જ્ઞાતિ અને સમાજની વાતો બકવાસ લાગે છે. તારા પપ્પા તો ઑફિસર છે….’
‘હા, પણ એ હઠાગ્રહી છે, સુનીલ !’ તે કરગરતાં બોલી, ‘થોડાક દિવસ રાહ જો…’
‘આજકાલ કરતાં આઠેક માસથી તું મને રાહ જોવડાવે છે’ તે બોલ્યો, ‘મારા માબાપને હું હવે જવાબ આપી શકું તેમ નથી. માતાપિતાની લાગણીઓનો પણ મારે વિચાર કરવો પડે ને ! હું તેમનો એકનો એક પુત્ર છું. તેમના મનમાં પણ પુત્રને લાડકોડથી પરણાવવાની હોંશ હોય ને !’
‘તું મને સમજવાની કોશિશ કર, સુનીલ !’
‘ના, હવે ઘણું થયું.’ તેણે રોષભર્યા સ્વરે કહ્યું, ‘આજે શનિવાર છે. તું આવતા શનિવાર સુધીમાં મને તારો નિર્ણય જણાવજે. હું હમણાં તને મળી શકીશ નહીં. આવતા શનિવારે અહીં આવીશ. ઓ.કે.’ અને તે ઊભો થઈ ગયો. વાસંતી તેને અનુસરતી બહાર આવી. સુનીલ ઝડપથી આગળ નીકળી ગયો હતો. તે ભારે હૈયે એની બસમાં બેઠી અને ઘેર પહોંચી.

બહાર ચકલીઓનું ટોળું ચક ચક કરતું ધસી આવ્યું, વાસંતી ધ્યાનભંગ બની તેમને જોઈ રહી. મનમાં થયું આ ચકલીઓ કેટલી મુક્ત છે ! તેનાથી એક નિ:શ્વાસ નંખાઈ ગયો. વાસંતીને એના પિતા રમણભાઈ સાથે થયેલ વાતનું સ્મરણ થઈ આવ્યું. રમણલાલ સોફામાં બેસીને અખબાર વાંચતા હતા. વાસંતી મંદમંદ પગલે તેમની સમીપ આવી ઊભી રહી. વાતનો પ્રારંભ શી રીતે કરવો તેની ભાંજગડ ચાલતી હતી. તેને ઊભેલી જોઈ રમણલાલે પૂછ્યું, ‘કંઈક કામ છે, બેટા !’
‘એક વાત કરવી છે….’
‘શી ? લગ્નની જ ને ?’
‘હા. સુનીલના માતાપિતા ઉતાવળ કરે છે.’ તે બોલી, ‘એને આવતા શનિવાર સુધીમાં જવાબ આપવાનો છે.’
‘તે આપી દે !’ રમણલાલના સ્વરમાં તીખાશ ભળી, ‘તને અનેક મૂરતિયા મળી રહેશે.’
‘પ્રેમમાં બાંધછોડ ન હોય, પપ્પા !’ તે બોલી, ‘હું સુનીલને જ પરણીશ. તમે સંમતિ આપો….’
‘પ્રતિમાને જોવા માટે વડોદરાથી મૂરતિયો આવ્યો હતો તે તું જાણ છે. એમનો જવાબ આવવા દે. પછી વિચારીશું.’
‘પણ શનિવાર સુધી જવાબ ન આવે તો ?’
‘તો તને ઠીક લાગે તેમ કરજે…’ તે ક્રોધાવેશમાં બોલ્યા, ‘સમાજને હું શું મોઢું બતાવીશ ? મારે ઝેર ખાઈને મરવું પડશે.’
‘તમે એ હઠ છોડોને, પપ્પા ! હું વિનંતી કરું છું.’
‘તું અહીંથી જા…’ કહીને રમણલાલ ઊભા થઈ પોતાના રૂમમાં જતા રહ્યા. રૂમ અંદરથી બંધ કરી દીધો. સુમિત્રાબહેન આ સાંભળતાં રહ્યા. તેમના હૈયામાં ઉચાટ, અજંપો છવાઈ ગયો. તે બબડ્યા, ‘આ છોકરી બાપનો જીવ લેશે !’

તેમના આ શબ્દોએ વાસંતીના મર્મસ્થાનને ભેદી નાખ્યું. વાસંતીની આંખોમાંથી ટપટપ જળબિન્દુઓ ટપકવા લાગ્યા. મનમાં ભારે તોફાન મચ્યું હતું. ઝંઝાવાતી પવન ફૂંકાતો હતો અને વૃક્ષો ધરાશાયી થતા હતા. સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળતાં. સૂસવાટાથી જાણે કે વાતાવરણ ધ્રૂજી રહ્યું હતું.
‘આ નવા જમાનામાં તું હજી ક્યાં સુધી આમ રીબાયા કરશે, વાસંતી ! ઊઠ નિર્ણય લે… તારું જીવન સુધારી લે…’ તેની ભીતરમાંથી કોઈ બોલી રહ્યું હતું.
‘હું શું કરું ?’ તે મનોમન બોલી, ‘માતાપિતા સામે બળવો કરવા હું તૈયાર હતી. મેં સુનીલને કહ્યું હતું કે આપણે આર્યસમાજમાં લગ્ન કરી લઈએ પણ તે માનતો નથી. તે કહે કે એના માતાપિતાને તે છેહ દઈ શકે તેમ નથી. એનાં લગ્ન તેઓ ધામધૂમથી કરવા માગે છે.’
‘તો તું શું કરીશ ? શો જવાબ દઈશ ?’
‘મારા પપ્પા આટલા જૂનવાણી હશે તેની મને કલ્પના નહોતી. મારા કારણે તેમને આત્મહત્યાઅ કરવી પડે…!’

આજે શનિવાર હતો.
પ્રતિમાના મૂરતિયાનો વડોદરાથી કોઈ જવાબ આવ્યો નહોતો. વાસંતી પાષાણ પ્રતિમાશી બેઠી હતી. સાંજ આથમવા આવી હતી. વાસંતીને ગૃહત્યાગ કરવાનો વિચાર વારંવાર આવતો હતો. પણ ગૃહત્યાગ કરીને એ જાય ક્યાં ? સુનીલ એને સ્વીકારવા એ રીતે તૈયાર નહોતો. મનમાં પ્રશ્ન ઘુમરાયો, ‘એનો પ્રેમ કેવો ? એ મને દિલોજાનથી ચાહે છે તો મારા માટે એટલો ત્યાગ ન કરી શકે ? એ પ્રેમ હતો કે છલના ? કે પછી માતાપિતાના નામે એ કોઈ અન્ય છોકરીને પરણવા માગે છે ?’
‘એણે કદાચ તારી સાથે વિશ્વાસઘાત કર્યો લાગે છે….’
‘હું હા પાડું તો એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે…’
‘તારા પિતાની શરત એ જાણે છે, વાસંતી !’ મનના ઊંડાણમાંથી પ્રશ્ન ઊઠતા હતા, ‘કદાચ એ છલના જ હશે…!’
‘મને કશી જ સમજ પડતી નથી. હું શૂન્યાવકાશમાં ડૂબી રહી છું…. દિશાશૂન્ય…. વિચારશૂન્ય….!!’

વાસંતીએ આંખો મીંચી દીધી. તેની બંધ પાંપણોમાં એને સુનીલ દેખાયો. ફૂટ્પાથ પર તે પ્રતીક્ષા કરતો હતો. વાસંતી તેને ભેટી પડી. આસપાસની માનવમેદનીનું અસ્તિત્વ પણ તે ભૂલી ગઈ. બન્ને મંદ પગલે પેલી હૉટેલ પાસે આવ્યા. સુનીલે તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેણે પૂછ્યું, ‘તું લગ્ન માટે તૈયાર છે ને ?’
‘ના. મારા પિતાની હઠ હજી ઓછી થઈ નથી.’ તે બોલી, ‘પ્રતિમાનાં લગ્નનું નક્કી થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે.’
‘બસ, સ્ટૉપ… સ્ટૉપ ઈટ….’ સુનીલ તાડૂકી ઊઠયો. પગ પછાડી તેના તરફ એક ઘૃણા ભરેલી દષ્ટિ નાંખી તે ચાલતો થયો. વાસંતીએ તેને રોકવા માટે હાથ લંબાવ્યો પણ…. પણ હાથ નીચે પડ્યો. અરે ! આ તો દિવાસ્વપ્ન ! આ તો ભ્રમણા…. ! તેના મનમાં હાહાકાર મચી ગયો. જાણે કે ક્યાંક બૉમ્બ વિસ્ફોટના ઘડાકા થતા હતા. ઊંડી ગુફામાં પડછંદા ગાજતા હતા. ‘મારું જીવન પણ એક ભ્રમણા જ છે ને ? મારું જીવન પણ મારું ક્યાં છે ? મારું અસ્તિત્વ… એનું શું છે ?’

ઘરમાં વાસણો પડવાનો અવાજ બહાર ધસી આવ્યો. વાસંતીની આંખો ખૂલી ગઈ. તેણે રિસ્ટવૉચ સામે જોયું. પળવાર જોતી જ રહી. એની દષ્ટિ જૂઈની વેલ પર પડી. તેના અંતરની કળીઓ જેવી કોમળ કળીઓનું ઝૂમખું એની સામે ટગર ટગર જોઈ રહ્યું હતું. તેણે એ કળીઓને ચૂંટીને હથેળીમાં રાખી એક પળ… પછી સહસા જ તેણે હાથની મૂઠ્ઠીમાં એ કળીઓને મસળી નાખી. તેના મુખે ન સમજાય તેવું સ્મિત ચમકી ગયું. એ જ પળે આકાશમાં વાદળો અથડાયા અને એક મોટો કડાકો થયો. અગ્નિની રેખા જેવી વીજળી ચમકીને અદશ્ય થઈ ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આસપાસમાં – સતીશ ડણાક
પડકાર – બકુલ દવે Next »   

10 પ્રતિભાવો : બસ-સ્ટોપ – પ્રીતમલાલ કવિ

 1. pragnaju says:

  એક બાજુ-એ બોલ્યા, ‘સમાજને હું શું મોઢું બતાવીશ ? મારે ઝેર ખાઈને મરવું પડશે.’ ત્યારે બીજી બાજુ તદન અજાણ્યામાં કુદી,છૂટા છેડામાં અંટવાતા કે આપઘાતનો રસ્તો લેતા પતિભાશાળી યુવાનોને જોઈએ છીએ ત્યારે લાગે છે કે સમાજમાં શું થઈ રહ્યું છે!
  તેનો ચિતાર આ લેખમાં આપી લેખક પોતાનું કર્તવ્ય પુરું કરે છે.
  ‘એ કળીઓને ચૂંટીને હથેળીમાં રાખી એક પળ… પછી સહસા જ તેણે હાથની મૂઠ્ઠીમાં એ કળીઓને મસળી નાખી. તેના મુખે ન સમજાય તેવું સ્મિત ચમકી ગયું. એ જ પળે આકાશમાં વાદળો અથડાયા અને એક મોટો કડાકો થયો. અગ્નિની રેખા જેવી વીજળી ચમકીને અદશ્ય થઈ ગઈ.”
  ઉપદેશ આપવાની તેની જવાબદારી નથી
  સુંદર ઘટના વર્ણન
  પ્રીતમલાલ કવિ તે જ પ્રીતમલાલ પારેખ?

 2. ભાવના શુક્લ says:

  ફરી ફરીને એજ વાત….. સાણસામા લીધા સિવાય સ્ત્રી વિશે બીજી વાર્તા પણ ન બને. જેમ બ્રાહ્મણ હંમેશા વાર્તામા પણ ગરીબ જ હોય તેમ સ્ત્રી પણ હંમેશા વાર્તામા પણ ગરીબડી Immotional fool બની રહે…. જેને પિતા કે પ્રિયતમ ગમે ત્યારે હૃદયની બરાબર આળી કિનાર પર ધગધગતુ H2So4 નુ ટીપુ મુકી દે અને કહેવાનુ પણ નહી કે આહ્!!!!!!!!!!!!!!!!!!!!!!!

 3. Bhavin says:

  Regarding Bhavna Shukal Commnets :-

  જેને પિતા કે પ્રિયતમ ગમે ત્યારે હૃદયની બરાબર આળી કિનાર પર ધગધગતુ H2So4 નુ ટીપુ મુકી દે અને કહેવાનુ પણ નહી કે આહ્!!!!!!!!!!!!!!!!!!!!!!!

  🙂 really nice expression

 4. dharmesh Trivedi says:

  જેને પિતા કે પ્રિયતમ ગમે ત્યારે હૃદયની બરાબર આળી કિનાર પર ધગધગતુ H2So4 નુ ટીપુ મુકી દે અને કહેવાનુ પણ નહી કે આહ્!!!!!!!!!!!!!!!!!!!!!!!

  વાર્તા કરતા તો વાચક નુ જલદ વિશ્લેશણ વધુ ગમે તેવુ ….

 5. Dipika says:

  જેને પિતા કે પ્રિયતમ ગમે ત્યારે હૃદયની બરાબર આળી કિનાર પર ધગધગતુ H2So4 નુ ટીપુ મુકી દે અને કહેવાનુ પણ નહી કે આહ્!!!!!!!!!!!!!!!!!!!!!!!

  સાચી વાત છે… આ સિવાય કોઈ તોપિક કેમ મળતો નથી?

 6. mayuri_patel79 says:

  આપણા રિવાજો અબલા માટૅ જ ?મા બાપે પણ રિવાજો બાળકો પર ના થોપવા જોઈ એ ,દરેક ને જિન્દગિ જિવા નો હક ,પોતાનો નિણૅય જાતે લેવા નો અધિકાર,

 7. અતુલ જાની (આગંતુક) says:

  અહીં વાર્તાનો કરૂણાંત આવ્યો છે અને તેનુ કારણ પિતા અને પ્રિયતમ બંને છે. ભાવનાબહેનની કોમેન્ટ એકદમ બંધબેસતી છે.

  હવે ઘણા કુટુંબોમાં નાના સંતાનોના લગ્ન પણ વહેલા કરી દેવામાં સમાજ કે જે તે કુટુંબો સંકોચ નથી અનુભવતા. વળી જો સંતાનો બળવો કરીને લગ્ન કરી લે તો તેમને પછીથી સ્વીકારવા, તેના કરતા યોગ્ય પાત્ર હોય તો માતા – પિતા સંમતી આપીને લગ્ન કરાવી આપે તે જ વધારે યોગ્ય ગણાય.

  અમારા એક સ્નેહી પરિવાર માં એવું જ બન્યું કે જેમાં મોટી બહેનને યોગ્ય મુરતિયો નહોતો મળતો જ્યારે નાની બહેનને પોતાની પસંદગીનો યોગ્ય જોડીદાર મળી ગયો. તો બંનેના માતા – પિતાએ એક બીજાની સંમતીથી સાદગીથી વિધિપુર્વક સગા સંબધીઓની હાજરીમાં બંનેના લગ્ન કરાવી આપ્યાં અને તેના સાસરે બીજા દિવસે ભવ્ય રીસેપ્શન ગોઠવવામાં આવ્યુ. મોટી બહેનને થોડું દુઃખ થયુ તેમ છતા તેણે પણ લગ્નમાં હાજરી આપી. થોડા વખત પછી મોટી બહેનને પણ યોગ્ય જોડીદાર મળી આવતા તેના ધામધુમથી લગ્ન થયાં. અને આજે બધાં જ સુખી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.