પડકાર – બકુલ દવે

‘પછી શું કરશો તમે ?’
‘મને સમજાયું નહીં. પછી શું કરશો એટલે ?’ જયંતે સ્પષ્ટતા માગી.
‘આ મહિનાની એકત્રીસમી તારીખ પછી તમે શું કરશો ?’ હવે જયંતને સમજાયું. આ મહિનાની એકત્રીસમી તારીખ એની નોકરીનો અંતિમ દિવસ છે. તે દિવસે એ નોકરીમાંથી નિવૃત્ત થવાનો છે.

જયંતના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એણે કહ્યું : ‘આવતી એકત્રીસમી તારીખે મારા છૂટાછેડા થશે.’
‘છૂટાછેડા ?!’
‘હા. નોકરીમાં અતિ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં હું સમય નથી આપી શકતો ત્યારે તું મને નથી કહેતી કે હું તને નહીં પણ મારી નોકરીને પરણ્યો છું. પણ હવે તને એ ફરિયાદ નહીં રહે. હું નોકરીને ફારગતી આપી રહ્યો છું….’
‘અચ્છા !’ માલાથી હસી જવાયું. ‘અરે, તમને એક વાત કહેવાની રહી જ ગઈ.’
‘શું ?’
‘યશનો ફોન હતો અમદાવાદથી.’ માલા જયંતની બાજુમાં સોફા પર બેસી ગઈ. યશે આગ્રહપૂર્વક કહ્યું છે કે તમે નિવૃત્ત થાવ પછી આપણે અમદાવાદ એની સાથે રહીએ.’
‘ત્યાં પણ જઈશું….’ જયંત બોલ્યો, ‘પછી આપણે બીજું શું કામ છે ?’
‘હા, પછી આપણે બીજું શું કામ છે….’ માલાએ અમસ્તુ જ જયંતના શબ્દોનું પુનરુચ્ચારણ કર્યું.

જયંતને થયું, આમ જુઓ તો નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ વધુ પ્રવૃત્ત બનશે. નિવૃત્તિ પછી કરવા જેવાં કેટકેટલાં કામ એની રાહ જોઈ રહ્યાં છે. વર્ષોથી એ સારાં પુસ્તકો ખરીદતો રહ્યો છે. એમાંથી થોડાં વાંચી શક્યો છે, પણ મોટા ભાગનાં વાંચી શક્યાં નથી. હવે નિરાંતે એ પોતાના વાંચનની રુચિને સંતોષી શકશે. દીકરી એષાએ અમેરિકાથી મ્યુઝિક સિસ્ટમ મોકલી છે એની પર સંગીત માણવાનું છે ધરાઈને. અને હા, માલા સાથે બેસી ખૂબ વાતો કરવાની છે. માલા પણ ઉત્સાહમાં હતી. હવે એની અને જયંત વચ્ચે નોકરીનો અંતરાય રહેવાનો નથી. કેટલાં બધાં વર્ષો જયંતના સાન્નિધ્યને મન ભરીને માણવા એ તરસતી રહી છે. હવે એનો હિસાબ સરભર કરવા એ બેચેન બની ગઈ છે. એને થયું, એના જીવનમાં નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે.
 

જયંતને પરણી પોતે શ્વશુરગૃહે ગઈ તે પછીના દિવસો માલાના સ્મરણમાં આવી ગયા. જીવન વિષે અને દાંપત્યને લઈને માલાએ એક સુંદર ડિઝાઈન બનાવી હતી. જયંતે એમાં ઊડીને આંખે વળગે એવા રંગ પૂર્યા હતા. પણ કાળની એક જ ફૂંકથી ડિઝાઈન વીંખાઈ ગઈ હતી અને રંગ સેળભેળ થઈ ગયા હતા. ઘોડાની નાળ જેવો ‘યુ’ ટર્ન આવ્યો હતો એમના જીવનમાં. જયંતના પિતા અરવિંદભાઈને બિઝનેસમાં અણધાર્યું મોટું નુકશાન થયું. પૈસો પૂરની જેમ આવ્યો હતો એ જ ગતિથી જતો રહ્યો. કોઈકની સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે અચાનક જ એ મૌન બની ગયા. રિસીવર એમના હાથમાંથી છટકી ગયું ને થોડી વાર સુધી ઝૂલતું રહ્યું ને પછી સ્થિર લટકી રહ્યું. જયંતનાં મમ્મી વંદનાબહેન અને એમની ચાર દીકરીઓની જવાબદારી જયંતના શિરે આવી. ચારેય બહેનો ઉંમરમાં જયંતથી નાની હતી. બે બહેનો હાઈસ્કૂલમાં ભણતી હતી અને બે પ્રાથમિક શાળામાં. વંદનાબહેનનું સ્વાસ્થ્ય અરવિંદભાઈના મૃત્યુ પછી કથળ્યું હતું. જયંતનો પગાર સારો હતો પણ સાત સાત જણના કુટુંબ સાથે એની આવક ઓછી પડતી હતી. વંદનાબહેનની સારવાર અને બહેનોના શિક્ષણ પાછળ વપરાતા પૈસા બાદ કરતાં જયંત પાસે જે રકમ બચતી એમાં મહિનો માંડ પૂરો થતો.

અરવિંદભાઈના નિધન પછી જયંત ગામ જઈ વંદનાબહેન અને પોતાની ચારેય બહેનોને પોતાની સાથે રહેવા માટે લઈ આવ્યો હતો. માલાએ જ એને કહ્યું હતું, ‘જાઓ, મમ્મી અને ચારેય બહેનોને અહીં તેડી આવો. હવે એ સૌ આપણી સાથે જ રહેશે. આપણા સિવાય બીજું કોણ છે એમનું ?’ જયંત કશું બોલી શક્યો નહોતો. એણે માલાનો હાથ પકડી રાખ્યો હતો. એ સ્પર્શ દ્વારા એણે ઘણું કહી દીધું. વંદનાબહેન અને ચારેય બહેનોના આવ્યા પછી ત્રણ રૂમવાળું મકાન સાંકડું જણાવા લાગ્યું. જરૂરિયાતો વધી હતી અને સગવડો વધુ વહેંચાઈ ગઈ હતી. આર્થિક રીતે પણ જયંત પાછો પડી ગયો હતો. સાત જણાના કુટુંબમાં બે જણ વધુ ઉમેરાયાં. એ હતાં જયંત અને માલાનાં સંતાનો, યશ અને એષા. હવે જયંતની આવકના પલડા સામે જાવકનું પલડું ખાસ્સું નીચે ઊતરી ગયું.

જયંતે પાર્ટ ટાઈમ જોબ શોધી કાઢી. ઑફિસે જતાં પહેલાં અને ઑફિસેથી છૂટ્યા પછી એ પાર્ટ ટાઈમ જોબ કરતો. સાત વાગ્યે સવારે એ ટિફિન લઈ ઘરેથી નીકળી જતો અને રાત્રે સાડા-નવ-દસે ઘરે પાછો ફરતો. ખૂબ થાકી જતો. જમીને એ તરત જ સૂઈ જતો. સમયના વહેણમાં અગણિત ક્ષણો તણાઈ ગઈ. દિવસો મહિનાઓમાં અને મહિના વર્ષોમાં પરિણમવા લાગ્યા. જયંત અને માલાના ચહેરા પર વીતેલા સમયની છાપ દેખાવા લાગી. માલાના વાળમાં સફેદી આવી ગઈ. જયંતના વાળ સાવ ઝડી ગયા. વંદનાબહેન પણ અનંતના પ્રવાસે ચાલી ગયાં. ચારેય દીકરીઓને સારું શિક્ષણ મેળવી, યોગ્ય ઘર અને વર પામી સુખમાં પડેલી જોયા પછી એમણે સંતોષથી આંખો મીંચી દીધી, હંમેશ માટે.

યશ અને એષા પણ ચાંચાળાં-પાંખાળાં થઈ ઊડી ગયાં. એષા એના સોફટવેર એન્જિનિયર પતિ સાથે અમેરિકામાં છે. યશ અમદાવાદમાં છે. એમ.ડી. થયા પછી એ ત્યાં જાણીતી હોસ્પિટલમાં કામ કરતો હતો. પોતાની સાથે કામ કરતી સુનિધિના પ્રેમમાં પડી એની સાથે પરણી ગયો હતો. એમને બે સંતાન છે. ટવિન્સ, વિસ્મય અને વિનીત. જયંત અને માલાને ખબર જ ન રહી કે આટલાં વર્ષો કેવી રીતે પસાર થઈ ગયાં. ખૂબ ચાલ્યા પછી હવે એમના માટે વિશ્રાંતિની પળો આવી રહી હતી. જયંત નિવૃત્ત થઈ રહ્યો હતો. એકત્રીસમી ઑગસ્ટે સહકર્મચારીઓએ જયંતને ભવ્ય વિદાય આપી. એની સેવાઓને બિરદાવતાં ભાષણો થયાં. શાલ ઓઢાડાઈ. શાલ ઓઢાડતી વેળાએ મુખ્ય મહેમાનો ઊભા થઈ જયંત અને માલાબંનેને સાથે – જોડાજોડ ઊભાં રાખી એમને ફરતે શાલ લપેટી દીધી. ‘હવે તમે બંને આમ જ એકબીજાની હૂંફમાં રહેજો જીવનપર્યંત.’ કરતલ ધ્વનિથી સભાખંડ ગુંજી ઊઠયો.

યશનો આગ્રહ હતો કે જયંત અને માલા હવે એની સાથે જ રહે. પણ જયંત અને માલાને સાવ એકલાં – પરસ્પરના સંગાથમાં રહેવું હતું. વરસોથી વણછીપી રહેલી એકમેકના સાન્નિધ્યની તરસને ઘૂંટડા ભરી ભરીને છિપાવવા એ ઉત્સુક હતાં ને અધીર પણ. યશનો આગ્રહ પણ તીવ્ર હતો : ‘ના, હવે તમારે બે જણે એકલાં ત્યાં નથી રહેવાનું. અહીં આપણું મકાન મોટું છે. તમને અલગ રૂમ ફાળવી શકાય તેની સગવડ છે. તમે તમારી રીતે રહી શકશો. અમારો સંગાથ અને તમારું એકાન્ત બધું એક સાથે જળવાઈ રહેશે.’ યશના ઘરમાં પગ મૂકતાં જ જયંત અને માલાને આત્મીયતાનો સુગંધિત સ્પર્શ થયો ને ખુશીથી એ છલકાઈ ગયાં. યશનું ઘર પણ મજાનું હતું. મોટું અને બધી જ સગવડોવાળું. યશ અને સુનિધિ માતાપિતાનો બોલ ઝીલવા તત્પર રહેતાં. જયંત અને માલાનો સમય મજામાં પસાર થવા લાગ્યો. વિસ્મય અને વિનીત સાથે એ સ્નેહના તાંતણે એવા બંધાઈ ગયાં હતાં કે હવે એ બંને વગર એ રહી શકે તેમ નહોતાં. પૌત્રોથી દૂર ક્યાંય જવાનો વિચાર પણ એમનાથી થઈ શકે તેમ નહોતો.

ત્યાં અચાનક જ એક ઘટના બની.
એક દિવસ હોસ્પિટલથી યશ વહેલો ઘરે આવી ગયો. એનું શરીર તાવથી ધગતું હતું. યશે પોતાની જાતે જ નક્કી કરીને દવા લઈ લીધી. પણ તાવ ન ઊતર્યો ને રાત્રે સખત આંચકાથી એનું શરીર ખેંચાવા લાગ્યું. અને હોસ્પિટલમાં દાખલ કર્યો. સઘન સારવાર પછી યશનો તાવ ઊતરી ગયો ને એને આંચકી પણ ન આવી, પણ મૂર્છામાંથી એ બહાર ન આવી શક્યો. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા : ‘હવે યશની સ્થિતિમાં ઝાઝો ફરક નહીં પડે. એને મેનિન્ગો એનકેફિલાઈટિસ વાયરસનું ઈન્ફેકશન છે. તેને લઈને મગજમાં સોજો આવી ગયો છે. આવું જવલ્લે જ બને. સારું થવા માટે ચમત્કાર થાય તેની રાહ જોવાની.

માલા અને જયંત સ્તબ્ધ થઈ ગયાં. હવે ? શું થશે હવે ? પણ તરત જ એમણે વિચાર્યું કે આઘાતમાં ડૂબી રહેવાથી કશો સુધારો નથી થવાનો. યશની સ્થિતિમાં એનાથી કશો ફરક નથી પડવાનો. હવે એમણે સુનિધિ અને બેય પૌત્રોનો વિચાર કરવાનો છે. પડકાર ઝીલી લેવાનો છે ચૂપચાપ. જયંત અને માલા યશની સેવામાં પરોવાઈ ગયાં. ઈશ્વરે સ્વજનોની સેવા કરતાં જીવવાનું નિર્માણ કર્યું છે તો ભલે તેમ. યશને સ્નાન કરાવવું, ખવડાવવું, ક્રશ કરેલો ખોરાક મોંમાં રેડવો, સમયે સમયે એને પાણી આપવું, દવા આપવી અને કુદરતી હાજતોનું ધ્યાન રાખી એને સ્વચ્છ રાખવો એ પ્રવૃત્તિમાં પતિપત્ની ભવિષ્ય અંગે પોતે જોયેલાં સપનાં ભૂલી ગયાં.

માલાને જાણ થઈ કે યશની સાથે કામ કરતા એક ડોકટર સાથે સુનિધિને સારું બને છે. માલાએ જયંતને વાત કરી : ‘આપણે આ બંનેનાં લગ્ન કરાવીએ તો કેવું ?’
‘તેં મારા મનની વાત કહી, માલા. સુનિધિનાં પુનર્લગ્ન થવાં જ જોઈએ. એણે હજી લાંબી જિંદગી જીવવાની છે.’
‘બાળકોનું શું કરીશું ?’ માલાએ પૂછ્યું.
‘કેમ ? બાળકો આપણી સાથે જ રહેશે. એ બંને ક્યારેક સુનિધિ પાસે પણ જઈ શકશે. પુનર્લગ્ન પછી સુનિધિ સાથે આપણા સંબંધોમાં ઓટ આવશે એવું કદીયે નથી બનવાનું. એષા સાસરે ગઈ પછી આપણા એની સાથે સંબંધો ઓછા થયા છે ?’ યશ ને બાળકોથી અલગ થઈ લગ્ન કરવાની વાત સુનિધિએ શરૂઆતમાં ન સ્વીકારી. પણ જયંત અને માલાએ ખૂબ ધીરજથી પ્રેમપૂર્વક એને સમજાવી, ‘બેટા, તું અમારી કોઈની સહેજ પણ ચિંતા ના કરીશ. યશનું અમે બરાબર ધ્યાન રાખશું. બંને બાળકોને અમે ક્યાંય ઓછું નહીં આવવા દઈએ. તારું જીવન તું તારી રીતે જીવી શકે, તારાં સ્વપ્નો સાકાર થાય એમાં અમારું સુખ છે…’
સુનિધિ પાસે દલીલ કરવા શબ્દો નહોતા. એ પરણી ગઈ હતી. વિસ્મય અને વિનીત દાદા-દાદી પાસે રહ્યાં.

જયંતને પેન્શન આવતું હતું પણ એટલું પૂરતું નહોતું. બંને બાળકોને ભણાવવાનાં હતાં. યશની સારવાર પાછળ ઘણો ખર્ચ થઈ જતો હતો. એક સાંજે જયંતે માલાને પૂછ્યું : ‘હું નોકરી કરું તો ?’
થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ ગઈ. માલાને થયું, જયંત ફરી નોકરી કરવા જશે ? ફરી બંને જણે એકબીજાથી દૂર રહેવાનું ?
‘કેમ કશું બોલતી નથી ?’ જયંતે પૂછયું ને ઉમેર્યું, ‘મારી પાસે અનુભવ છે. જરૂર કામ મળી જશે.’
માલાએ ઊંચું જોયું. એણે માત્ર માથું ધુણાવ્યું ને હા કહી. એની આંખોમાં ભીનાશ છે. ભીનાશ આંસુ બની ટપકે તે પહેલાં એણે આંખો લૂછી નાખી. હવે એણે રડવાનું નથી, એણે વિચાર્યું. સામે પડકાર ઊભો છે તેને ઝીલી લેવાનો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બસ-સ્ટોપ – પ્રીતમલાલ કવિ
સરખામણી – સુમંત રાવલ Next »   

21 પ્રતિભાવો : પડકાર – બકુલ દવે

 1. gopal parekh says:

  પડકારો ઝીલવા એનું નામ જ જિંદગી જયંત -માલાને સલામ

 2. કલ્પેશ says:

  નવા વર્ષના ટાણે એકદમ પ્રેરણાદાયી લેખ !!

 3. saurabh desai says:

  very good story. u always have to withstand against strom

 4. Himanshu Zaveri says:

  Really Good Story and as Kalpesh said પ્રેરણાદાયી લેખ છે નવા વર્ષ માટે. સતત નવા પડકાર ઝીલવા અને તેમાથી પાર ઉતરવુ એ જ તો જિન્દગી છે. અને તેમા જ જિન્દગી જીવવાની ખરી મજા પણ છે.

 5. ભાવના શુક્લ says:

  સંપુર્ણપણે મારા અંગત વિચારો જણાવાની ધૃષ્ટતા જ છે આ…..
  બે પોતાના બાળકો અને ત્રીજા બિમાર બાળક સમાન પતિ અને અન્ય બે બાળક સમાન વૃધ્ધ સાસુ-સસરા, આમ પાંચ નિર્દોષ ભુલકાઓને ભુલીને સુનિધી અન્યત્ર લગ્ન કરી લે અને તેમ કરવા ઉપરાંત આર્થિક જવાબદારીમા પણ કોઈ ભાગ ન લે?????? એક ડોક્ટરની પત્નિ?
  જોકે વાર્તા સુનિધીની નઅઅઅ…..થ્થી જ,
  જયંત અને માલાને જ વાર્તા ના પાત્રો તરીકે લઈએ તો ‘પડકાર..’ અને ‘પ્રેરણા…’ ને એવા સારા શબ્દોથી આશ્વાસન લઈને વાર્તા ખુબ સરસ છે તેમ કહી શકાય… જેમા બે મત નથી!!!
  બાકી જોવા જઈએ તો વાર્તા સીચ્યુએશન પ્રમાણે વાસ્ત્વિકતાથી ઘણી દુર હોય પ્રેરણાદાયી ને બદલે એક સારી વાર્તા માત્ર બની રહે. (કદાચ આનુ નામ જ વાર્તા!!!)

 6. pragnaju says:

  બધું ‘યથાવત’ કરાવીને હવે
  બકુલ દવેનો ‘પડકાર’
  ‘નોકરીને ફારગતી આપી રહ્યો છું….’
  ‘પુનર્લગ્ન પછી સુનિધિ સાથે આપણા સંબંધોમાં ઓટ આવશે એવું કદીયે નથી બનવાનું.’
  ‘પોતાની સાથે કામ કરતી સુનિધિના પ્રેમમાં પડી એની સાથે પરણી ગયો હતો’ની આટીઘુંટી
  નોકરીનાં અને વ્યક્તીઓનાં પ્રેમ,લગ્ન,ફારગતી,પુનર્લગ્નનાં ચક્કરમાં વાર્તાને છેવટે માલાનાં પડકારમાં લાવી …’માલાએ ઊંચું જોયું. એણે માત્ર માથું ધુણાવ્યું ને હા કહી. એની આંખોમાં ભીનાશ છે. ભીનાશ આંસુ બની ટપકે તે પહેલાં એણે આંખો લૂછી નાખી. હવે એણે રડવાનું નથી, એણે વિચાર્યું. સામે પડકાર ઊભો છે તેને ઝીલી લેવાનો છે.’
  એ પણ સ્ત્રીએ “આંચલમે દૂધ ઔર આંખોમેં પાની ” સાથે
  વાર્તાનો સારો પ્રયાસ

 7. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story…….!

 8. અતુલ જાની (આગંતુક) says:

  બે બાળકો થયા પછી જીંદગી ઘણી જીવાઈ ગઈ હોય છે. માલા બહેન અને જયંતભાઈની સાથે રહીને અને પોતાના બાળકો તથા યશની જવાબદારી નીભાવીને સુનિધિએ પણ પડકાર ઝીલવામાં સાથ આપ્યો હોત તો વધારે યોગ્ય ગણાત. નિવૃત્તિની વયે પહોંચ્યા પછી જયંતભાઈ અને માલા બહેને જે પડકાર ઝીલ્યો અને સાથે સાથે સુનિધિના જીવનનો પણ વિચાર કર્યો તેના પ્રતિઘોષરુપે તથા પોતાના બાળકો, પતિ અને સાસુ – સસરા પ્રત્યેના પોતાના કર્તવ્યનો વિચાર કરીને આવા મુશ્કેલ સમયે સુનિધિ સાથે રહી હોત તો તે જ આદર્શ સમાજ માટે વધારે યોગ્ય ગણાત. જીવનમાં સમર્પણ માત્ર અમુક વ્યક્તિઓએ જ નહીં પણ સમાજની દરેક વ્યક્તિઓએ કરવાનું જરુરી છે અને તો જ સમાજ વ્યવસ્થા સુંદર રીતે જળવાઈ રહે.

 9. keyur kinkhbwala says:

  really good article.

 10. Vinod Dabhi says:

  It is too much. Where is our culture. Sunidhi did not think about parents and her children. She should have lived with all and she could have married with that doctor. Very disappointing and a bad example for our generation.
  Only parents have got responsibly?

 11. Tejal says:

  not good ok no one can marry to ohter like sunidhi how can she lives without her children

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.