સરખામણી – સુમંત રાવલ

મારા સાળાનું નામ યજ્ઞેશ. તેણે એમ.બી.એ. કર્યું હતું, પણ હજુ નોકરી મળી નહોતી. તેની સગાઈની વાત લતા નામની એક છોકરી સાથે ચાલતી હતી. સૌથી પહેલાં લતાનો ફોટો બતાવતાં તેણે મને કહ્યું, ‘સુરેશકુમાર… આ છોકરી વિષે તમારો શો અભિપ્રાય છે.’
મેં ફોટામાં જોયું. યજ્ઞેશ કરતાં તે વધુ ગોરી અને રૂપાળી દેખાતી હતી. છતાં મેં કહ્યું : ‘ફોટામાં તો સરસ દેખાય છે, પણ સ્વભાવ અને સંસ્કારની ખબર ફોટા પરથી ન પડે !’
‘તેણે એમ.એ. કર્યું છે અને એક કૉલેજમાં પાર્ટટાઈમ લેકચરરનું કામ કરે છે. છ મહિના પછી કાયમી થઈ જશે…’ યજ્ઞેશની આંખમાં અભિમાન હતું.
‘છતાં હું જોયાજાણ્યા વગર અભિપ્રાય ન આપી શકું.’ મેં ફોટો પાછો આપતાં કહ્યું. તેનું મોં પડી ગયું. પછી ધીમેથી કહ્યું : ‘બનેવીસાહેબ… તમે મારા કરતાં ઉંમરમાં પણ મોટા છો અને સ્ત્રીની બાબતમાં પણ વધુ અનુભવી છો…. એટલે પૂછું છું…’
‘એટલે જ કહું છું કે સ્ત્રીને ફોટામાં ન ઓળખી શકાય !’ મેં કહ્યું અને જાણે તેની આશા પર ઠંડું પાણી ફરી વળ્યું હોય તેમ તે નિરાશ થઈ ગયો.

‘હું એક વાર લતાને મળું, તેના વિષે જાણકારી મેળવું પછી અભિપ્રાય આપી શકું…’ આ જિંદગી આખીનો સવાલ છે, તરવાનું શીખ્યાં છતાં પણ કૂવાની ઊંડાઈ, પાણીની સપાટી અને ઘેરાવ બધું જોયાજાણ્યા પછી જ કૂવામાં ઝંપલાવાય… મેં એક વાર આંધળૂકિયો ભૂસકો માર્યો હતો…. અને ડૂબતો હતો, ત્યાં તારી બહેને હાથ પકડીને ઉગારી લીધો !’
તે હસી ગયો. ‘એટલે તો કહું છું કે તમે આ બાબતમાં અનુભવી છો…’
‘તું ચિંતા ન કરતો, હું મારી રીતે માહિતી મેળવી લઈશ, પછી તને રિપોર્ટ આપીશ ! તું ફક્ત લતાનાં માબાપનું નામ સરનામું મને આપ !’ તેણે લતાના બાયોડેટાનો કાગળ મને આપી દીધો અને ચાલ્યો ગયો.

તેની બહેન પદમા સાથે મારાં બીજા લગ્ન હતાં. તે પહેલાં હું વિપાશા સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો. હું અને વિપાશા એક સરકારી કચેરીમાં સાથે નોકરી કરતાં હતાં. સામસામાં ટેબલ હતાં, આંખો મળી, હૈયું મળ્યું અને લગ્ન કરી લીધાં, પણ બહુ ટૂંકાગાળામાં અમારી વચ્ચે મતભેદ પડવા લાગ્યા. વાંધાવચકા શરૂ થઈ ગયા, ટંટાફિસાદ વધી ગયા, કોર્ટે ચડ્યાં અને છૂટાં પડી ગયાં ! લગ્નજીવનના એક વર્ષના ગાળામાં જ ડાઈવોર્સ થઈ ગયા. મેં તે દિવસે પદમાને કહ્યું : ‘તારો ભાઈ યજ્ઞેશ કોઈ લતાની પાછળ પાગલ બન્યો છે…’ તે હસી પડી, ‘પાગલ બનનારને કોણ રોકી શકે છે….’

બીજા દિવસથી જ મેં ખાનગીમાં લતા વિષે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. ઢાળવાળી શેરીમાં તે રહેતી હતી. આ ઢાળ પરથી યજ્ઞેશને ધક્કો મારતાં એ બિચારો ગુલાંટો ખાતો છેક નીચે જઈ પડે ! મારા સસરાનું ગયા વરસે જ નિધન થયું હતું. ફકત સાસુજી હતાં, પણ એ વાની બીમારીથી પીડાતાં હતાં, યજ્ઞેશ માટે મારે બનેવીની જ નહીં, મા-બાપની ફરજ પણ નિભાવવાની હતી. એટલે મારાં સઘળાં કામ છોડીને મેં ફકત લતા વિષે સંશોધનનું કામ હાથ પર લીધું હતું. મેં લતાને દૂરથી જોઈ, તે સ્કૂટી પર બેસીને કૉલેજ તરફ જતી હતી. મેં સ્કૂટર તેની પાછળ કર્યું. તે સ્કૂટીથી વારંવાર ડોક મરડી મારી તરફ જોઈ લેતી હતી. તેની તીરછી નજર જોતાં મારા શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. કોણ જાણે ગમે તેમ પણ મને વિપાશા યાદ આવી ગઈ. પહેલીવાર અમે મળ્યાં ત્યારે વિપાશા પણ કાતર નજરે મને આ રીતે જ જોતી હતી… હું કૉલેજના દરવાજા સુધી પાછળ પાછળ ગયો. તેણે સ્કૂટી પાર્ક કર્યું અને મારી તરફ જોતાં હોઠ ફફડાવ્યા. કદાચ તે મને ગાળો દઈ રહી હતી. શહેરથી કૉલેજ સુધી સ્કૂટર દોડાવતો હું તેની પાછળ ગયો હતો એટલે કદાચ તે મને આવારા મુફલિસ સમજી બેઠી હતી. કૉલેજમાં મારા એક પ્રોફેસર મિત્ર મારફત તેની ‘હિસ્ટરી’ મેળવવાની કોશિશ કરી. પ્રોફેસરે કહ્યું : ‘તેના ખાનદાનની ખબર નથી, પણ “પ્રાઉડી વુમેન” છે ! કોઈની સાથે ભળતી નથી અને પોતાની જાતને સમથિંગ માને છે !’ મને વિપાશા યાદ આવી ગઈ. લતા તો પોતાની જાતને ‘સમથિંગ’ માનતી હતી, જ્યારે વિપાશા તો પોતાની જાતને ‘એવરીથિંગ’ માનતી હતી !

એક વાર તેણે પગ પછાડતાં કહ્યું હતું : ‘હું મારા પગ પર નિર્ભર છું, મને તમારી કે તમારા પરિવારની સાડીબાર નથી ! તમારે રહેવું હોય તો મારી સાથે રહી શકો છો !’ જાણે એક નિર્જીવ વસ્તુ હોય તેમ મારી સામે જોતાં તેણે કહ્યું હતું. લતાની નજરમાં પણ મને એવું ગુમાન દેખાતું હતું ! હું યજ્ઞેશને મળવા જવાનું વિચારતો હતો ત્યાં એ પોતે જ મને મળવા દોડી આવ્યો…. આ વખતે તેણે લતાની બાબતમાં મારો અભિપ્રાય ન પૂછ્યો, પણ પોતાનો અભિપ્રાય જ આપી દીધો.
‘શી ઈઝ સ્માર્ટ ! કેરેકટરની બાબતમાં તો બહુ સજાગ રહે છે. કૉલેજમાં છે, છતાં કોઈ તેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી.’
‘જોબ કરનાર લેડી હમેશાં બોલ્ડ હોવી જોઈએ’ મેં પણ લોલમલોલ ચાલુ રાખ્યું, ‘અચ્છા તારે તેની સાથે ક્યા ક્યા વિષય વિષે વાતો થાય છે ?…’
‘વિષય….?’ તે થોડીવાર ગૂંચવાયો, ‘વિષય તો… હા જોઈન્ટ ફેમિલી… જોઈન્ટ ફેમિલી વિષે તેના બહુ સાફ અને કડક વિચારો છે. તે કહે છે હું અને તમે…. ફકત આપણે બે અને આપણો સંસાર…. બીજી વધારાની ઝંઝટ ન જોઈએ…..’

મારા માથામાં સબાકો આવ્યો. વિપાશાના શબ્દો મારા કાનમાં પડઘાવા લાગ્યા. ‘મને તમારી કે તમારા પરિવારની સાડીબાર નથી…. તમારે રહેવું હોય તો મારી સાથે રહી શકો છો !…’ મારું માથું ધમધમી ઊઠયું. વિપાશા જાણે ફરીવાર નાગણી બની અમારા પરિવારને ડસવા આવી રહી હોય તેવું લાગતું હતું. ‘યજ્ઞેશ… તારી બીમાર મા…’
‘એનું થઈ પડશે !’ યજ્ઞેશે એવી રીતે કહ્યું કે જાણે મા એક મીઠુંમરચું ભરવાનો ડબો હોય અને તેને ખસેડીને બીજી જગ્યાએ લઈ જવાનો હોય !
એ રાતે મેં પદમાને વાત કરી. ‘યજ્ઞેશ જાણી જોઈને આગમાં કૂદી રહ્યો છે….’ મને ચિંતા થતી હતી.
‘હું કે તમે શું કરી શકવાનાં છીએ ? આ તો પૂર છે – પ્રેમનું પૂર. કોઈનું રોક્યું રોકાતું નથી….’ પદમાની આંખમાં પણ પૂર ઊમટી આવ્યું. હું એ પૂરમાં તણાઈ જાઉં એ પહેલાં બહાર નીકળી ગયો, યજ્ઞેશ મને સામો મળ્યો.
‘ચાલો, હું તમને લેવા આવતો હતો !’
‘કેમ ?’ મને ફાળ પડી…..
‘લતાએ તેના ઘેર ટીપાર્ટી યોજી છે. હું તમે અને લતા…. થ્રી પીપલ્સ પાર્ટી ! તમારે જે પૂછવું હોય તે પૂછી લો. લતાને મેં કહ્યું કે મારા બનેવીસાહેબનો અભિપ્રાય લેવો જોઈએ અને તે તૈયાર થઈ ગઈ અને કહ્યું કે બોલાવો, તમારા બનેવીસાહેબને !’ હું તો ડઘાઈ ગયો, શિયાંવિયાં થઈ ગયો. ઢીલોઢફ થઈ ગયો, કોઈ સ્ત્રી આ રીતે બેધડક બની મને આહવાન કરશે એવી મને કલ્પના પણ નહોતી ! હતી મર્દનો કટકો !

અમે પહોંચ્યા. લતાએ પોતાના હાથે સરસ ચા બનાવી હતી, છતાં મને તે બેસ્વાદ લાગી…. મેં યજ્ઞેશ વિષે અભિપ્રાય આપ્યો. ‘મારો સાળો યજ્ઞેશ જરા વધુ પડતો ભોળો છે, ઘણી વાર સામા પાત્રને ઓળખવામાં એ થાપ ખાઈ જાય છે, એટલે મને આગળ ધર્યો છે….’ હું હસવા જતો હતો, ત્યાં તેણે મારું મોં તોડી લીધું, ‘જુઓ, મિસ્ટર સુરેશકુમાર !’ તેણે તીખી નજરે તાકતાં કહ્યું, ‘તમારા જીવનમાં બનેલી ઘટનાના આધારે બધી સ્ત્રીને સરખી ન મૂલવો….!’ હું સમસમી ગયો. યજ્ઞેશને અપમાન ન લાગે એટલે ચા પીધી અને નીકળી ગયો…. ખરેખર યજ્ઞેશના જીવનમાં વિપાશા લતા બનીને આવી રહી હતી…. કદાચ લતા યજ્ઞેશની પાંખો કાપી રહી હતી. પણ યજ્ઞેશ તો તેની પાછળ આંધળો બન્યો હતો !

મેં પદમાને વાત કરી તો ઊલટાની એ મારા પર ગુસ્સે થઈ ગઈ. ‘તમેય શું લઈ દઈને યજ્ઞેશની પાછળ પડી ગયા છો….’
‘પદમા, મારા પર વીતી ચૂકી છે. લતામાં મને વિપાશા દેખાય છે.’
‘તમારા મગજમાંથી હજુ વિપાશા નામનું ભૂત ગયું નથી. તેનાથી છૂટા પડ્યાને પાંચ વરસ થઈ ગયાં !’
પછી શ્વાસ ખેંચતાં તેણે કહ્યું, ‘જુઓ યજ્ઞેશ નાનું બાળક નથી. તેનું ભલું-બૂરું એ ખુદ વિચારી શકે છે….’
‘પણ મારી ફરજ બને છે કે બનેવી તરીકે સાળાને સાચો અભિપ્રાય આપવો….! એ ખુદ અભિપ્રાય માગી રહ્યો છે…. હું સામે ચાલીને આપવા જતો નથી….’
‘અભિપ્રાય આપવાની છૂટ, પણ પહેલાં તમારા મગજમાંથી પૂર્વગ્રહ દૂર કરજો…. વિપાશા નામના ભૂતને ભસ્મ કરજો…. એકબીજાની સરખામણીથી મુક્ત થજો અને પછી અભિપ્રાય આપજો !’ પદમાએ પીઢ થઈ ગઈ હોય તે રીતે મને શિખામણ આપતાં કહ્યું. હૂં મૂંગો થઈ ગયો.

અઠવાડિયા પછી યજ્ઞેશની લતા સાથે સગાઈનું મુહૂર્ત પણ નીકળી ગયું. હવે વિલંબ કરવો પાલવે તેમ નહોતો. યજ્ઞેશ જાણી જોઈને પોતાનું માથું સિંહણના મુખમાં મૂકી રહ્યો હતો. છેવટે મેં તેની સગાઈ રોકવાનો અટલ નિર્ણય કર્યો. હું તેને બધું સાફસાફ કહી દેવા માગતો હતો. હું તેની રૂમ પર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. આસપાસ સૂનકાર હતો, રૂમ અંદરથી બંધ હતી. મેં બંધ રૂમના બારણા પર કાન માંડ્યો તો અંદરથી ધીમો દબાતો લતાનો હસવાનો અવાજ સંભળાયો… મેં કાન સરવા કર્યા, યજ્ઞેશ કંઈક કહેતો હતો… મને સમજતાં વાર ન લાગી. બંને જણ મારા વિષે જ વાતો કરી રહ્યા હતા….
‘લતા તું ધારે છે એવા મારા બનેવી નથી !’
‘તમને પુરુષોને પુરુષની ખબર ન પડે, અમને સ્ત્રીને પુરુષ પર એક નજર પડતાંની સાથે ખબર પડી જાય કે તેનામાં કેવા સંસ્કાર છે !’ પછી થોડીવાર તે શ્વાસ ખાવા થંભી. મેં મારા કાન બારણા પર બીડી રાખ્યા, ‘તમે ગમે તેમ માનો, પણ મેં તમારા બનેવીને પહેલી નજરે જ પારખી લીધા, મારા પર તેમની નજર મેલી છે.’ મારા કાનમાં ધાક પડી ગઈ. થોડીવારે ધાક ઓછી થઈ. ‘વોટ યુ સે ?’ યજ્ઞેશ કહેતો હતો, ‘આઈ ડોન્ટ બિલીવ !’
‘તમે માનો કે ન માનો…. શો ફરક પડવાનો છે ?’

મારો નિર્ણય મારા મનમાં જ રહી ગયો, હું ત્યાંથી જ પાછો ફરી ગયો. પછી તો બંનેની સગાઈ પણ થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયાં…. વરસો પસાર થઈ ગયાં, વચ્ચે વચ્ચે મને એ બંનેના સમાચાર પણ મળતા ગયા કે યજ્ઞેશ બેકાર છે, ફક્ત લતા નોકરી કરે છે અને લતાના પગાર પર ઘર ચાલે છે એટલું જ નહીં, લતા યજ્ઞેશની માને પણ પોતાની સાથે રાખે છે અને સાચવે છે, બંને સુખી છે, પણ બંનેના સુખની ચિંતા કરતાં હું દુ:ખી થઈ ગયો છું… !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પડકાર – બકુલ દવે
પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત Next »   

11 પ્રતિભાવો : સરખામણી – સુમંત રાવલ

 1. pragnaju says:

  ચાલો છેવટે…”યજ્ઞેશ બેકાર છે, ફક્ત લતા નોકરી કરે છે અને લતાના પગાર પર ઘર ચાલે છે એટલું જ નહીં, લતા યજ્ઞેશની માને પણ પોતાની સાથે રાખે છે અને સાચવે છે, બંને સુખી છે, પણ બંનેના સુખની ચિંતા કરતાં હું દુ:ખી થઈ ગયો છું… !
  …જ્ઞાન થયું!
  યજ્ઞેશ બેકાર છે- વાંચતા બેકાર સાહેબનો શેર યાદ આવ્યો
  એજ હુઁ ;બેકાર; છુઁ ,દર્શન કરીને ધન્ય થા,
  ઓળ્ખ્યો ના મને? જા તુઁ ગુજરાતી નથી.

 2. ભાવના શુક્લ says:

  ઓહ !!! સુમંતજી……
  આટલી સુંદર અને ખરેખર રસપ્રદ વાર્તા લખી અને પછી કોઇ રસપ્રદ નાટ્યાત્મક વળાંકની સુખદ્ કળ્પનામા અંત સુધી પહોચ્યા અને પછી માત્ર એક જ પેરેગ્રાફ મા અચ્યુતમ કેશવમ્!!!!!!!!
  સુંદર રસપ્રદ વાર્તા પણ અધુરી અથવા ફરજીયાત અંત લાવી દીધો હોય તેમ લાગે છે.
  સુરેશકુમારનુ પાત્ર સરસ ડેવલપ થયુ હતુ.
  ……………………………
  – વિપાશા જાણે ફરીવાર નાગણી બની અમારા પરિવારને ડસવા આવી રહી હોય તેવું લાગતું હતું.
  – ખરેખર યજ્ઞેશના જીવનમાં વિપાશા લતા બનીને આવી રહી હતી…. કદાચ લતા યજ્ઞેશની પાંખો કાપી રહી હતી. પણ યજ્ઞેશ તો તેની પાછળ આંધળો બન્યો હતો !
  – યજ્ઞેશ જાણી જોઈને પોતાનું માથું સિંહણના મુખમાં મૂકી રહ્યો હતો. છેવટે મેં તેની સગાઈ રોકવાનો અટલ નિર્ણય કર્યો.
  ………………………………
  કેટ-કેટલુ મનોમંથન હતુ સુરેશભાઇનુ!!!!!!
  પણ લતાબહેનેતો બ્રહ્માસ્ત્ર છોડી મુકેલુ જ હતુ!
  ……………………………….
  ‘તમે ગમે તેમ માનો, પણ મેં તમારા બનેવીને પહેલી નજરે જ પારખી લીધા, મારા પર ….તમે માનો કે ન માનો…. શો ફરક પડવાનો છે ?’

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story

 4. અતુલ જાની (આગંતુક) says:

  ભાઈ કોઈ ના જીવનમાં માથુ ન મારવું, આપણે આપણું સંભાળીને બેસી રહેવું સારું.

  જેહ ના ભાગ્યમાં જે સમે જે લખ્યું – તેહને તે સમે તે જ પેખે.

 5. Priyank Soni says:

  Nice comedy ending….!! 🙂

 6. Gira says:

  lollllll nothing else! 😀 chakachak baaki!! 😀

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.