પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત

[1] કર્મનિર્ઝરા – શાહબુદ્દીન રાઠોડ

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર. ]

અમદાવાદમાં શ્રેયાંસ પ્રસાદ જૈન પરિવારમાં મારો કાર્યક્રમ. મારવાડી પ્રજાને ભલે લોભી ગણવામાં આવે, પણ લગ્ન પ્રસંગે આ પરિવારો ખર્ચ કરવામાં જરા પણ કરકસર નથી કરતા. કીમતી વસ્ત્રો, મૂલ્યવાન આભૂષણો, વિશાળ પાર્ટી પ્લોટો, ભવ્ય ડેકોરેશન, ભોજનમાં અવનવી વાનગીઓ, સીટિંગ એરેન્જમેન્ટમાં સોફાઓની સુવિધા. પ્રત્યેક વાતમાં બંને પરિવારનો વૈભવ જણાઈ આવતો હતો. મને ખાસ આગ્રહ કરી બોલાવવામાં આવ્યો હતો. કારની સુવિધા આપવામાં આવી હતી. મને થયું શ્રીમંત પરિવારમાં કાર્યક્રમ છે આપણે પણ સજધજ થઈને જવું એટલે સાદા સફેદ લેંઘાઝભ્ભાને બદલે મેં વળી સૂટ પહેર્યો. વિદેશ પ્રવાસ માટે મેં એક જમાનામાં ઉધાર કાપડ લઈ સિવડાવેલ સૂટ આવા ખાસ પ્રસંગે હું પહેરું છું. બ્લુ સૂટ, બૂટમોજાં, ટાઈ અને બેલ્ટમાં સજ્જ થઈ હું કાર્યક્રમના સ્થળે પહોંચ્યો, સીધું સ્ટેજ પર ન જવું, પ્રથમ ઓડિયન્સમાં કોઈ સીટ પર બેસવું અને પછી કલાકારોનાં નામો એનાઉન્સ થાય ત્યારે મોભાસર ઊઠીને જવું અને વિડિયોમાં ઝડપાઈ જવું આમ વિચારતો હું મારી સીટ પર બેસવા જતો હતો ત્યાં એક સજ્જને મને બોલાવી હુકમ કર્યો, ‘એય પાણી લઈ આવ’. હું સ્તબ્ધ થઈ ગયો, એ જ ક્ષણે ક્રોધની અગનજાળ મનમાં ઊઠી પણ ભગવાન મહાવીરની ‘કર્મનિર્ઝરા’ ફિલસૂફી મને યાદ આવી. જીવનમાં જે ઘટના બને તેનો જે પ્રત્યાઘાત પડે તેની અભિવ્યક્તિ કર્યા પહેલાં તેનું નિરીક્ષણ કરી લેવું. કર્મનિર્ઝરા થઈ જશે.

મેં પણ મારા મનમાં ઊઠેલા પ્રતિભાવનું નિરીક્ષણ કર્યું અને મને એ જ ક્ષણે બધું સમજાઈ ગયું. મહેમાનોની સરભરામાં જે નોકરો ત્યાં હતા એ બધા બ્લુ સૂટ અને ટાઈ બાંધીને સેવા આપતા હતા. ત્યાં શ્રેયાંસ પ્રસાદજી, મારા સ્નેહી જૈનસાહેબ. મને જોઈ ગયા, તરત મને પૂછયું : ‘ક્યારે આવ્યા ? અમે તો બહાર સત્કાર કરવા માટે ઊભા હતા.’ તરત તેમણે મારો પરિચય તેમના વેવાઈ શ્યામ પ્રસાદજી સાથે કરાવ્યો, જેમણે મારી પાસે પાણી મગાવ્યું હતું. વેવાઈ શરમાઈ ગયા, પણ મેં ઈશારાથી તેમને કાંઈ ન કહેવા સૂચન કરી દીધું. તેઓ તરત સમજી ગયા. ત્યાર પછી કાર્યક્રમ શરૂ થયો, કલાકારોનો સત્કાર સમારંભ-હારતોરા-પરિચય બધું પૂરું થયું.

મારે બોલવાનું આવ્યું ત્યારે મેં જણાવ્યું. રશિયાનું એક રેલ્વેસ્ટેશન, ટ્રેન આવી, એક શ્રીમંત રુઆબદાર બાનુ કમ્પાર્ટમેન્ટમાંથી ઊતર્યાં. આજુબાજુ નજર કરી અને ગામડિયા જેવાં વસ્ત્રો ધારણ કરેલ એક પ્રૌઢને તેમણે કહ્યું : ‘એય કુલી, આ સામાન ઉપાડી લે.’ પ્રૌઢે તરત આવી મહિલાનો સામાન ઉપાડી લીધો, તેમના નિવાસસ્થાને ઉતારી દીધો અને મજૂરીના પૈસા માટે બહાર બેઠા. એટલામાં ઘરધણી બહાર નીકળ્યા. પોતાના ઘરની બહાર બેઠેલી વિશ્વની મહાન વિભૂતિને જોઈ તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘કાઉન્ટ આપ ? મારે આંગણે ? પધારો પધારો…’

આ સજ્જ્નનું નામ હતું કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. બહારની વાતચીત સાંભળી મહેમાન મહિલા દીવાનખંડમાં આવ્યાં. બધી વિગત જાણી, ટોલ્સ્ટોય સમક્ષ દિલગીરી વ્યક્ત કરી અને ક્ષમા માગી. પરંતુ ટોલ્સ્ટોયે કહ્યું : ‘હું આપને માફ કરી શકું, પણ મજૂરીના પૈસા જતા નહિ કરી શકું કારણ એ મારી મહેનતની કમાઈ છે.’ પછી મેં કહ્યું : ‘હું એક વાર એક લગ્નમાં બ્લુ સૂટ પહેરીને ગયો હતો ત્યાં વેવાઈએ મારી પાસે નોકર સમજી પાણી મગાવ્યું.’ સૌ ખડખડાટ હસી પડ્યા. કોણે પાણી મગાવ્યું હતું તે હું ને વેવાઈ બે જણ જાણતા હતા. જે માનવી પોતાની મૂર્ખામી પર હસી શકે છે તે સૌથી નિખાલસ માનવી છે.


[2] લેખોનો ખજાનો – કિશોર ડોડિયા

[સત્ય ઘટના ‘સૌજન્ય માધુરી’ માંથી સાભાર.]

સવારથી સાંજ સુધી કારખાનામાં સખત મજૂરી કર્યા પછી મોટા ભાગના મજૂરો ટી.વી. અથવા ફિલ્મ જોઈને થાક ઊતારે છે તો કોઈ વ્યસની હોય તો દેશી દારૂનો નશો કરીને સૂઈ જાય છે….. પણ સાત ધોરણ સુધી ભણેલા અને લેથના કારખાનામાં મજૂરી કરતાં કાંતિલાલ તુલસીભાઈ વાડોલિયા કારખાનામાંથી છૂટ્યા પછી થાક ઉતારવા રાત્રે બે વાગ્યા સુધી વાંચન કરે છે, એટલું જ નહીં બપોરે રીસેસના સમયે પણ ઘેર જમવા આવે ત્યારે જમીને તુરત જ વાચવા બેસી જાય છે.

આપને એમ થશે કે કાંતિલાલ જુદા જુદા પુસ્તકો વાચતા હશે અને એમાંથી જ વાચનવૃત્તિ કેળવાઈ હશે પણ ના….. કાંતિલાલને વાચતા કર્યા છે જુદા જુદા અખબારના જુદા જુદા કટાર લેખકોએ. આમ, તો કોલમીસ્ટોને વાચતો એક ચોક્કસ વર્ગ હોય છે, આ વર્ગમાં મોટા ભાગે બુદ્ધિજીવીઓ હોય છે, પણ શ્રમજીવીઓ બહુ ઓછાં હોય છે. આ બહુ ઓછામાં જ કાંતિલાલનો સમાવેશ કરી શકાય.

સર્વોદય સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં કાંતિલાલનો પુત્ર માર્શલ વાડોલિયા હોંશિયાર છે, દર વર્ષે સારા પરિણામ બદલ તેને શાળાના તેજસ્વી વિદ્યાર્થી તરીકે બિરદાવાય છે. શાળાના તેજસ્વી છાત્રોના આવા જ એક સન્માન સમારંભમાં એક વખત કાંતિલાલ જઈ ચડ્યાં. ત્યાં શાળાના અગ્રણી ભરતભાઈ ગાજીપરાનું પ્રવચન સાંભળ્યું અને હૃદય સોંસરવું ઉતરી ગયું. કાંતિલાલને મનોમન એમ થયું કે હું વધારે ભણ્યો હોત તો અનેક બાળકોને ભણાવવામાં મદદરૂપ થઈ શકત. શાળાનો સમારંભ તો પૂરો થઈ ગયો, સૌ વાલીઓ છૂટાં પણ પડી ગયા, પણ કાંતિલાલમાં પ્રવચનના એક-એક શબ્દો ગુંજતા હતા અને બાળકો માટે શું કરવું ? તે સતત વિચાર આવતા રહ્યા.

બીજા દિવસે કારખાનેથી આવી રાત્રે જુદા જુદા અખબારોની કોલમ વાંચી જોગાનુજોગ ‘રાજકોટ રફતાર’માં સેવાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ વિષે લખાયેલાં લેખો વાંચ્યા અને એકાએક ચમકારો થયો કે આ અખબાર સહિત જુદા જુદા અખબારોમાં આવતી કોલમો દ્વારા બાળકોને જ્ઞાન મળે અને ભારતના આ ભાવિ નાગરિકોમાં સદપ્રવૃત્તિની ભાવના વિક્સે અને એકબીજાને મદદરૂપ થવાની વૃત્તિ પણ કેળવાય તે શુભ આશયથી જુદા જુદા અખબારોની કોલમના કટીંગ્સ કરી કલેકશન શરૂ કર્યા, અને આ કટીંગ્સ બાળકોના જન્મદિવસે કે બાળકોના કાર્યક્રમોમાં જઈને કાંતિલાલ બાળકોને ભેટમાં આપવા લાગ્યા.

દસ બાય પંદરની ઓરડી અને ઓરડી પર સિમેન્ટનું છાપરું, એમાં બે ભાઈ, માતા-પિતા, પત્ની અને બે સંતાનોના પરિવાર સાથે રહેતાં કાંતિલાલ જેવા એક શ્રમજીવી યુવાનનું કટીંગ્સ કલેકશન એટલું બધું વધવા લાગ્યું કે પલંગ નીચે, શેટી નીચે, કબાટમાં અને અભેરાઈ પર ચારે તરફ છાપાના ઢગલાં થવા માંડ્યા. આ શોખ દરમિયાન કાંતિલાલને એવો વિચાર આવ્યો કે જે કટારલેખકો લેખો કે પત્રકારોના અહેવાલ પ્રગટ થયા હોય અને પોતાને ગમી ગયાં હોય તેના કટીંગ્સ કરી આ કટીંગ્સ લઈ જે તે કોલમીસ્ટ કે પત્રકારને રૂબરૂ મળવું અને અભિનંદન આપવા. તેની સાથે જે તે લેખક અને કટાર લેખકના તેના જ લેખ કે અહેવાલ પર ઓટોગ્રાફ લેવાનું શરૂ કર્યું. રામાયણી મોરારીબાપુ જ્યારે જ્યારે રાજકોટ આવ્યા હોય અને તેમના વકતવ્ય કે કથાના અહેવાલો પ્રગટ થયાં હોય તે તમામ ફોટાં સાથે એક આલ્બમની જેમ સાચવનાર કાંતિલાલે આ કલેકશન જ્યારે મોરારીબાપુને બતાવ્યું ત્યારે બાપુએ પણ ઓટોગ્રાફ આપી કાંતિલાલને આશીર્વાદ આપ્યાં હતાં.

પિતા તુલસીભાઈ વાડોલિયા પણ મજુરી કામ કરે છે. પિતાની ઓળખાણથી સ્વાતિ ઈન્ડસ્ટ્રીઝ વાળા પરસોત્તમભાઈ હીંગળાજીયા અને તેના ભાઈ ગિરીશભાઈએ કાતિલાલને કારખાનામાં નોકરીએ રાખ્યા પછી કાંતિલાલ આ છાપા એકત્ર કરવાના શોખની જાણ થતાં ઠપકો આપવાના બદલે શેઠને પણ કંઈ સારું વાંચવા મળે તો કાંતિલાલને તેના કટીંગ્સ આપતાં એટલું જ નહીં. ગિરીશભાઈ ક્યારેક બહારગામ જાય તો ત્યાં પણ કોઈ અખબારમાં સારી કોલમ વાંચવા મળે તો કાંતિલાલ માટે લઈ આવતા. આ રીતે કાંતિલાલ પાસે અત્યારે એક નાની લાયબ્રેરી ઉભી થઈ શકે તેટલાં કટીંગ્સ એકત્ર થઈ ગયાં છે. કાંતિલાલના બાળપણના મિત્ર શૈલેષ પુરોહિત અને કમલેશ સાકરીયા તો કાંતિલાલને આ માટે કોઈ લાયબ્રેરી ઉભી કરે તો મદદ કરવા તૈયાર છે. પણ કાંતિલાલ કહે છે, ‘હું તો સામાન્ય માણસ છું. લાયબ્રેરી કેવી રીતે બનાવવી, કેવી રીતે તેનું સંચાલન કરવું…. એ બધું આપણું કામ નહીં, પણ હા… કોઈ સંસ્થા જો આ માટે તૈયાર થાય તો મારી મહેનત એળે નહીં જાય.

કુંદનલાલ સાયગલથી માંડી હિમેશ રેશમિયા સુધીના ગાયકો વિષે આવેલા લેખો કાંતિલાલે સાચવ્યાં છે. તો ઝવેરચંદ મેઘાણીથી માંડી ચિત્રલેખાના ભરત ઘેલાણી સુધીના લેખો પણ સાચવી રાખ્યાં છે. કાંતિલાલના માતૃશ્રી અમૃતબહેન કહે છે, અમને તો એ વાતની નિરાંત છે કે દીકરો કારખાનેથી આવ્યા પછી ટોળ ટપ્પાં કરવાને બદલે સતત છાપા વાંચ્યા રાખે છે અને સારાં-સારાં લેખોને સાચવે છે. કાંતિલાલના પત્ની મધુબહેન ક્યારેક ચારેબાજુ છાપા જોઈ કંટાળે છે પણ કાંતિલાલ કોઈ લેખ કે અહેવાલ બતાવી એક-બે સારી વાત કરે ત્યારે પતિને આ બાબતે ટપારતાં નથી.

કાંતિલાલનો નાનો ભાઈ અનીલ પણ પુસ્તક પ્રેમી છે. ટૂંકમાં આ શ્રમજીવી પરિવારની આવક ભલે ઓછી હોય અને ભણતર પણ ઓછું હોય પણ અત્યારે મવડી પ્લોટમાં નવલનગર શેરી-8 માં ‘આશુતોષ’ મકાનની બાજુમાં (રાજકોટ) સિમેન્ટના છાપરાંવાળા આ નાના મકાનમાં અખૂટ ખજાનો સંગ્રહાયેલો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરખામણી – સુમંત રાવલ
હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી Next »   

11 પ્રતિભાવો : પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત

 1. gopal parekh says:

  સલામ કાઁતિલાલ તુલસીદાસ વડોલિયાને, ખરેખર મળવા જેવો જણ,શક્ય હોય તો ફોન નઁબર જણાવશો

 2. pragnaju says:

  શાહબુદ્દીન રાઠોડ જેવા સિધ્ધહસ્ત લેખક અને વક્તાનું સાહીત્યમાં તેમનાં જ શબ્દોમાં કહીએ તો
  ” જે માનવી પોતાની મૂર્ખામી પર હસી શકે છે તે સૌથી નિખાલસ માનવી છે.”
  મઝા આવી- અવાર નવાર પીરસવા વિનંતી
  *****************************************
  “કાંતિલાલનો નાનો ભાઈ અનીલ પણ પુસ્તક પ્રેમી છે. ટૂંકમાં આ શ્રમજીવી પરિવારની આવક ભલે ઓછી હોય અને ભણતર પણ ઓછું હોય પણ અત્યારે મવડી પ્લોટમાં નવલનગર શેરી-8 માં ‘આશુતોષ’ મકાનની બાજુમાં (રાજકોટ) સિમેન્ટના છાપરાંવાળા આ નાના મકાનમાં અખૂટ ખજાનો સંગ્રહાયેલો છે. ” કિશોર ડોડિયા ની માહિતીપૂર્ણ લખે બદલ ધન્યવાદ
  હવે રાજકોટ જવાનું થશે તો જરુર આ પુસ્તક મંદિરે જઈશું

 3. કલ્પેશ says:

  શાહબુદ્દીનભાઈ આપને સલામ.
  આપ પણ રીડગુજરાતી પર લખો તો ઘણાને લાભ મળે.

 4. Rupa says:

  Very good & inspiring story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.