હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી

[1]
મુલ્લાં નસરુદ્દીન એમની યુવાનીમાં એક વાર બીબીને તેડવા સસુરાલ ગયા. બે મહિનાના વિરહ પછી મુલ્લાં અને એમનાં બીબી એક રૂમમાં ભેગા મળી બેઠાં હતાં. અને જોડેના રૂમમાં ટાંગેલી દીવાલ-ઘડિયાળમાં રાતના નવના ટકોરા પડ્યા. પછી અગિયાર ટકોરા ને પછી બાર…
‘જાનેમન ! તારી સાથે હોઉં ત્યારે સમય કેટલો ઝડપથી વીતી જાય છે ?’ ટકોરા સાંભળી મુલ્લાંએ બીબીને ભાવભર્યા સ્વરે કહ્યું.
‘બસ, હવે મારા પ્યારા નસરુદ્દીન, પાગલ ન બનો ! આ ટકોરા તો મારા અબ્બાહજૂર પાસેની રૂમમાં ઘડિયાળ ઠીક કરી રહ્યા છે એના છે, સમયના નહિ.’ બીબીએ છણકો કરતાં કહ્યું.

[જન્મથી મૃત્યુ સુધી પાણીના રેલાની જેમ ઝડપથી વહી રહેલા સમયના ટકોરા આપને સંભળાય તો કદાચ આપણે અત્યારે જેવા છીએ તેવા ન હોઈએ.]

[2]
શૈલેન્દ્રનો પ્યારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો. ખૂબ શોધવા છતાં પત્તો ન લાગવાથી શૈલેન્દ્ર સ્થાનિક અખબારમાં જાહેરાત આપવા ગયો. જાહેરાતમાં લખ્યું હતું ‘…..કૂતરાને શોધી આપનારને રૂપિયા દસ હજાર ઈનામ.’

અખબાર કાર્યાલયમાં જાહેરાત આપી પાછા ફરતાં શૈલેન્દ્રને વિચાર આવ્યો, દસ હજાર રૂપિયામાં તો બીજા દસ કૂતરા ખરીદી શકાશે. એટલે દસ જ મિનિટમાં એ જાહેરાત કૅન્સલ કરાવવા અખબારની કચેરીએ પાછો ગયો, અને પૃચ્છા કરી, ‘અહીં જે સાહેબને હું જાહેરાતનું એક મૅટર હમણાં આપી ગયો હતો એ ક્યાં ગયા ?’
‘એ તો બહાર ગયા છે.’
‘એમના આસિસ્ટંટ ?’
‘એ પણ નથી.’ ચપરાસીએ ઉત્તર આપ્યો.
‘અચ્છા એમના વિભાગના હેડ ક્યાં છે ?’
‘એ પણ ચાલી ગયા.’
‘સારું તો તંત્રીસાહેબ તો છે ને એમની કૅબીનમાં ?’
‘ના જી, એ પણ ગયા.’
‘અરે ભાઈ, આખરે બધા જ એકસાથે ક્યાં ચાલી ગયા ?’ શૈલેન્દ્રે એના લશ્કરી મિજાજ મુજબ ગરમ થઈ ચીસ પાડતાં કહ્યું,
‘તમારા ખોવાયેલા કૂતરાને શોધવા. અને હવે હું પણ જઈ રહ્યો છું એ માટે.’ ચપરાસીએ જતાં જતાં કહ્યું.

[જેનું દુનિયાની કોઈ સંપત્તિથી મૂલ્ય ન આંકી શકાય એવા ‘સર્વવ્યાપી’ની તલાશ માટે આપણામાં આવી પ્યાસ ક્યારે જાગશે ?]

[3]
એક પ્રધાનશ્રીને સંસદમાં વક્તવ્ય આપવા માટે કેટલીક વિગતો ને આંકડાઓની જરૂર હતી. એમના સેક્રેટરીએ કહ્યું, ‘સર, આ આંકડા ભેગા કરતાં તો લગભગ બે વર્ષ નીકળી જશે.’
‘સારું, જવા દો’ પ્રધાનશ્રીએ ઉત્તર આપ્યો, પણ સેક્રેટરીના આશ્ચર્ય વચ્ચે પ્રધાનશ્રીએ સંસદમાં એમના વક્તવ્યમાં ભરપૂર આંકડા આપ્યા. નવાઈ પામેલા સેક્રેટરીએ પ્રધાનશ્રીને પૂછ્યું, ‘આ બધા આંકડા આપે ક્યાંથી મેળવ્યા ?’
‘મારા ભેજામાંથી જ. જો સાચા આંકડા મેળવવામાં બે વર્ષ લાગે તેમ હોય તો વિરોધ પક્ષોને એ આંકડા ખોટા સાબિત કરવામાં તો મારા પ્રધાનપદનાં પાંચ વર્ષ પૂરાં થઈ જશે.’ પ્રધાનશ્રીએ હસતાં હસતાં કહ્યું.

[જૂઠ તરીકે સાબિત ન થઈ શકે એવાં કેટલાં જૂઠાણાં ‘સત્ય’ તરીકે આ દુનિયામાં ચાલી જાય છે અને પૂજાય પણ છે.]

[4]
ચમન મારવાડીના ફૉનની ઘંટડી રણકી. સામે છેડેથી મગન મારવાડી ટ્રંક કૉલ પર બોલતો હતો : ‘અરે ચમન, મારે તાત્કાલિક પાંચ હજાર રૂપિયા જોઈએ છે.’
‘અરે ભાઈ, સંભળાતું નથી. ફૉનમાં કંઈક ખરાબી લાગે છે.’ ચમન મારવાડીએ ફૉનમાં બૂમ પાડી કહ્યું. આ સાંભળી ટેલિફોન ઑપરેટર વચમાં બોલી : ‘સર, પેલા ભાઈ આપની પાસે પાંચ હજાર રૂપિયા માગી રહ્યા છે. ફૉન તો બરાબર છે.’
ચમન મારવાડીએ ખિજાઈને ઑપરેટરને કહ્યું, ‘તને સંભળાય છે ને પેલો શું બોલે છે એ ?’
‘યસ સર.’ ઑપરેટરે કહ્યું.
‘તો પછી તારી પાસેથી આપી દે એને પાંચ હજાર.’ ખિજવાયેલા સ્વરે બોલી ચમને ફૉન મૂકી દીધો.

[સ્વાર્થ હોય ત્યાં ગણગણાટ પણ સાંભળવો ને બે પૈસા કાઢવાના આવે ત્યાં બૂમ સાંભળીનેય બહેરું થઈ જવાનું નાટક આપણેય રોજિંદી જિંદગીમાં કુશળતાથી ભજવીએ જ છીએ ને ?]

[5]
પતિએ ગુસ્સામાં આવી જઈને થપ્પડ મારી દેતાં રિસાયેલી પત્ની ફરિયાદ લઈને પોતાના બાપ પાસે પહોંચી. પિતાએ પૂછ્યું, ‘તારા પતિએ થપ્પડ ક્યાં મારી ?’
‘જમણા ગાલ પર’ ઉત્તર મળ્યો. જવાબમાં પિતાએ એના ડાબા ગાલ પર સટાક કરતો એક તમાચો ચોડી કહ્યું : ‘જા, હવે તારા પતિને કહેજે કે એણે મારી બેટીને માર્યું તો મેં એની પત્નીને મારીને બદલો વસૂલ કરી લીધો છે.’

[દુનિયાની થપ્પડો ગમે તે સંબંધમાં આવે, પણ ગાલ તો… આપણો જ.]

[6]
‘જુઓ છોકરાઓ !’ શિક્ષકે વર્ગના છોકરાઓને ઉદ્દેશીને કહ્યું, ‘હું તમને મારતો હોઉં તો પણ એટલા માટે મારું છું કે મને તમારા પર પ્રેમ છે. હું ઈચ્છું છું કે તમે જિંદગીમાં કંઈક બનો.’
અને એક વિદ્યાર્થીનો પ્રત્યુત્તર :
‘સર, પ્રેમ તો મને પણ આપના પર એટલો જ છે જેટલો આપને અમારા પર છે, પણ હું નાનો છું એટલે આપની જેમ મારા પ્રેમનો પુરાવો નથી આપી શકતો.’

[કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.]

[7]
‘હેલો ! સ્ટેશન માસ્તરસાહેબ આસામ મેલ ક્યારે આવે છે ?’
‘ત્રણ વાગ્યે ને દસ મિનિટે.’
‘ચોક્કસ ?’
‘હા ભાઈ હા’
‘અચ્છા પ્લેટફોર્મ નંબર કયો છે ?’
‘ચાર’
‘ચાર નંબર પર જ આવશે, એ ચોક્ક્સને ?’
‘તમે કહો તો તમારા ઘેર મોકલી આપું.’ કંટાળેલા સ્ટેશન માસ્તરે રિસીવર પછાડતાં કહ્યું.

[ઈશ્વર વિષેના આપણા આવા બે-તૂક સવાલો સાંભળીનેય જ્ઞાની પુરુષો કંટાળતા નથી એ નવાઈજનક નથી લાગતું ? ]

[8]
જીવલેણ બીમારીમાંથી સાજા થયેલા દર્દીને દાક્તરનો આભાર માનતાં કહ્યું : ‘ડોક્ટરસાહેબ આપે ઘણો જ પરિશ્રમ લઈને મને તંદુરસ્તી બક્ષી છે. તમારો આભાર હું શી રીતે માનું ! ઈશ્વર તમને….’
‘બસ, બસ’ ડૉક્ટરે એને વચ્ચેથી રોકતાં કહ્યું, ‘ઈશ્વરને કંઈ કહેવાની જરૂર નથી. મારી ફીનો ચૅક ફાડી આપો – રિટર્ન ન થાય તેવો.’

[ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં ઈશ્વર કરતાંય માણસનાં બનાવેલાં નાણાંનું મહત્વ વધુ છે એ આપણેય ક્યાં નથી જાણતા ? ]

[9]
નાનો નટુ સ્કૂલની લાઈબ્રેરીમાંથી લાવેલું એક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચતો હતો. નટુની મમ્મીએ પુસ્તકનું નામ વાંચતાં આશ્ચર્યથી પૂછ્યું : ‘અરે નટુ, આ તો નાનાં બાળકોનો ઉછેર કેમ કરશો ? એ પુસ્તક છે, તું શું કરવા એ વાંચે છે ?’
‘એ જાણવા માટે કે મારો ઉછેર તું એ પુસ્તક મુજબ બરાબર કરી રહી છે કે નહીં ?’ નાના નટુએ ગંભીર ચહેરે ઉત્તર આપ્યો !

[પુસ્તકોમાંથી ઈશ્વરની પામવાના આપણા પ્રયત્નોય નાના નટુ જેવા બાલિશ છે ને ?]

[10]
રામજીને એક વખત રામલીલામાં રાવણનું પાત્ર મળ્યું. પાત્ર ભજવવાનું મહેનતાણું બસો રૂપિયા આવ્યું હતું, પણ રામલીલાના ડાયરેક્ટરે રામજીને ફક્ત સો રૂપિયા જ આપેલાં. રામલીલાનાં દશ્યોમાં રામ-રાવણનું યુદ્ધ આવ્યું. રામ બનેલા રામલીલાના ડાયરેકટરે જોયું કે રાવણે હવે હણાઈને પડી જવું જોઈએ, પણ પડતો નથી. એટલામાં એકાએક રાવણ બનેલા રામજીએ લડાઈ અટકાવી દીધી ને ધીમેથી ડાયરેક્ટરને કહ્યું : ‘પેલા બાકીના સો રૂપિયા લાવો, પછી લડાઈ આગળ ચાલશે.’
‘મળી જશે, લડાઈ જલદી પતાવ’ ડાયરેકટરે ગુસ્સાભર્યા દબાયેલા સ્વરે કહ્યું.
‘અરે હમણાં તો હું મરી જવાનો છું. હણાઈ ગયા પછી રૂપિયા લેવા ક્યાં આવવાનો હતો. ચાલો જલદી કરો, સો રૂપિયા કાઢો.’

ડાયરેક્ટરે આખરે ધીમે ધીમે રહીને સોની નોટનું પત્તું રાવણ બનીને લડતા રામજીના હાથમાં સરકાવ્યું. જુસ્સાભેર લડતાં લડતાં રાવણ ઢળી પડ્યો. રાવણના અભિનયને જોઈને ખુશ થયેલા પ્રેક્ષકોએ તાળીઓ લગાડી. ‘વાહ-વાહ’ એક જણે કહ્યું. ‘વન્સ-મોર’ બીજાએ કહ્યું. અને ‘વન્સ-મોર’ સાંભળતાં જ રાવણ બનેલા રામજીએ સ્ટેજ ઉપરથી ઊભા થઈને ફરી રામ સામે લડાઈ આદરી.

[વૃત્તિઓનો ‘વન્સ-મોર’ સંભળાતા આપણે પણ આપણી અંદરના ‘રામ’ સાથે આ જ રીતે વારંવાર લડાઈ છેડ્યા જ કરીએ છીએ ને ?]

[11]
મુલ્લાં નસરુદ્દીનને એક સમયે કોઈ ગોડાઉનના ચોકીદારની નોકરી મળી ગઈ. ગોડાઉનના માલિકે મુલ્લાંને ગોડાઉનની આસપાસ ફેરવ્યા અને પછી આગળના દરવાજે લઈ આવ્યો.
‘મુલ્લાં અહીં આગળના દરવાજે તમારે ઊભા રહીને આખી રાત ગોડાઉનની ચોકી કરવાની છે. એ તમારી ડ્યુટી.’ ને મુલ્લાં માલિકને સલામ મારીને ચોકીદારી પર લાગી ગયા.

એ જ રાત્રે ગોડાઉન તૂટ્યું અને ચોરો ગોડાઉનમાંથી માલ ઉઠાવી ગયા. સવારના પહોરમાં જાણ થતાં જ માલિક દોડતો આવી પહોંચ્યો અને મુલ્લાં પર ખીજવાયો.
‘મુલ્લાં, તમે અહીં દરવાજે ચોકી કરતા હતા તો ગોડાઉન તૂટ્યું શી રીતે ? માલ ચોરાયો કઈ રીતે ? જરૂર તમે ચોરો સાથે મળી ગયા હોવા જોઈએ. અને મુલ્લાંનો મિજાજ ગયો.’
‘જુઓ શેઠ, મારા જેવો નમકહલાલ નોકર તમને સિનેમામાંય જોવા નહીં મળે. હું આખી રાત આગળના દરવાજેથી ચસક્યો નથી. ચોરો ગોડાઉનનો પાછલો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા એમાં હું શું કરું ? હું તો આગળના દરવાજે બરાબર ચોકી કરતો હતો.’

[ઈન્દ્રિયોના દરવાજે ઉપવાસ-સંયમના ચોકીદારો મૂકતા આપણે સૌ મનના પાછળના દરવાજેથી ઘૂસી જતા વૃત્તિઓરૂપી ચોરો તરફ મુલ્લાં જેટલા જ અભાન હોઈએ છીએને ! ]

[12]
‘પપ્પા, પપ્પા, ગઈ કાલે રાત્રે તો મેં દોઢ વાગ્યા સુધી સતત વાંચ્યું છે, ટી.વી. જોવા જઈ રહેલા બારમા ધોરણના વિદ્યાર્થી અમીને કહ્યું : ‘અમીન બેટા, તું મને ના બનાવ ! રાત્રે અગિયાર વાગ્યા પછી તો આખા એરિયાની લાઈટ ચાલી ગઈ હતી.’ પપ્પાએ ચશ્માંમાંથી ચાર આંખો કરતાં કહ્યું.
‘તે જતી રહી હશે ! હું તો વાંચવાની લગનમાં એટલો મગન હતો કે લાઈટ જતી રહી એનીય મને ખબર નથી પડી. તમે જ નહોતું કહ્યું પપ્પા કે વાંચતી વખતે બીજા કશા તરફ ધ્યાન ન હોવું જોઈએ.’

[અજ્ઞાનના અંધારામાં અટવાતા હોવા છતાં જિંદગીની પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધાનો દંભ કરતા આપણેય ઈશ્વરને આ જ રીતે બનાવતાં હોઈએ છીએને ?]

[13]
બસ-સ્ટોપ પર ઊભેલા એક મનચલા હીરોછાપ યુવાને જોડે ઊભેલી સુંદર યુવતી સાથે વાત કરવાના ઈરાદે કહ્યું : ‘માફ કરજો, પણ મને લાગે છે કે મેં તમને આ પહેલાં પણ ક્યાંક જોયાં છે ને તમારી સાથે વાતચીત પણ કરી છે.’
યુવતીએ મુસ્કુરાઈને મીઠામધ જેવા સ્વરે પ્રત્યુત્તર આપ્યો, ‘આપનો અનુભવ શાયદ સાચો હોઈ શકે. હું અહીંના પાગલખાનામાં નર્સ છું.’

[આમ તો આપણે બધાય આ દુનિયાના પાગલખાનામાં કેદ પાગલો જ છીએ ને ?]

[14]
એક ખ્યાતનામ ચિકિત્સક ધૂમ્રપાનથી થનારા નુકશાન વિષે વિદ્વતાપૂર્ણ ગણતરીબદ્ધ લૅકચર આપી રહ્યા હતા. ‘એક સિગારેટ પીવાથી ત્રણ દિવસનું આયુષ્ય ઘટે છે. એક મોટી સિગાર પીવાથી પૂરા એક અઠવાડિયાનું આયુષ્ય ઓછું થાય છે.’
ઑડિયન્સમાં બેઠેલા અશોકે કાગળ-પેન્સિલ-લઈને કંઈક હિસાબ લગાવ્યો અને તાળો મેળવ્યા પછી ઊભો થઈને બોલ્યો : ‘સાહેબ, તમારી ફૉર્મ્યુલા મુજબ મને અવસાન પામ્યે ત્રણસો વર્ષ થઈ ગયાં. હું જાણવા માગું છું કે આ સાચું છે કે ખોટું ? કેમ કે આગામી એક-બે દિવસમાં મારે એક-બે જરૂરી કામ કરવાનાં છે !’

[સારી શિખામણ પણ જો અતિશયોક્તિભરી રીતે આપવામાં આવે તો આપનારની ગણતરીમાં આમ ગાબડાં જ પડવાનાં. ]

[15]
ચાલતાં ચાલતાં થાકી જતાં આખરે મુલ્લાં નસરુદ્દીનના ટાંટિયા દુ:ખી ગયા, પણ ઈશ્વરપુરા ગામ ન જાણે કેટલું દૂર હતું કે દેખાતું જ નહોતું.
‘ઓ ભાઈ, આ ઈશ્વરપુરા હવે કેટલું આઘું છે.’ મુલ્લાંએ પોતાનાથી પાંચ ફૂટ આગળ ચાલતા સદરુદ્દીનને પૂછ્યું.
‘પાંચ કિલોમીટર’ સદરુદ્દીને કહ્યું ને ઊભો રહી ગયો.
‘પાંચ કિલોમીટર તું ઊભો ત્યાંથી ગણવાના કે અહીંથી ?’ મુલ્લાંએ અડબડિયું ખાઈ ઊભા રહી જતાં થાકેલા સ્વરે પૂછ્યું.

[ધર્મ-ધ્યાનની ધમાલ મચાવતાં મચાવતાં આપણે પણ ‘ઈશ્વર-પુરા’ ના અંતર અંગે જ્ઞાની પુરુષોને આવી જ બેવકૂફીભરી પૃચ્છા કરીએ છીએને ?]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત
દાઢી કેમ ઊગે છે ? – હરિપ્રસાદ વ્યાસ Next »   

16 પ્રતિભાવો : હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી

 1. Hetal Vyas says:

  કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.
  અકદમ સાચ વાત

 2. Purvi says:

  Good compilation to make fact simple to understand & get convinced about. Keep repeating this types of articles.

 3. pragnaju says:

  નાની નાની સુંદર વાતો બાદ સરળ બોધ વચનથી -જે મોટા ધર્મનાં થોથા ઉથલાવવાથી પણ સમજ ન પડે તેવી વાતો સરળતાથી સમજાય તેવી ‘હસતાં જડશે હીરા’ –બદલ
  નસીર ઈસમાઈલીને ધન્યવાદ

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Realy nice collection…!

  “જન્મથી મૃત્યુ સુધી પાણીના રેલાની જેમ ઝડપથી વહી રહેલા સમયના ટકોરા આપને સંભળાય તો કદાચ આપણે અત્યારે જેવા છીએ તેવા ન હોઈએ”

  “જેનું દુનિયાની કોઈ સંપત્તિથી મૂલ્ય ન આંકી શકાય એવા ‘સર્વવ્યાપી’ની તલાશ માટે આપણામાં આવી પ્યાસ ક્યારે જાગશે ?”

  “દુનિયાની થપ્પડો ગમે તે સંબંધમાં આવે, પણ ગાલ તો… આપણો જ”

  “કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.”

  “પુસ્તકોમાંથી ઈશ્વરની પામવાના આપણા પ્રયત્નોય નાના નટુ જેવા બાલિશ છે ને ?”

  “અજ્ઞાનના અંધારામાં અટવાતા હોવા છતાં જિંદગીની પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધાનો દંભ કરતા આપણેય ઈશ્વરને આ જ રીતે બનાવતાં હોઈએ છીએને ?”

 5. Ragesh Brahmbhatt says:

  Dear,

  First to say thanks a lot to Mr. Harish Brahmbhatt, Holy Child School,Kalol,Gujarat, India., that he gave/suggested me to visit such a fantastic website: (i.e., http://www.readgujarti.com).

  Wish you very Happy and Prosperous New Year to readgujarati and all friends who connected with readgujarati.com.

  Thakns & regards,

  Dr. Ragesh Brahmbhatt

 6. અતુલ જાની (આગંતુક) says:

  ખરેખર હસતાં હસતાં આટલાં બધા હીરા જડી ગયાં – નસીરજી “ઈ સ્માઈલ” સાથે આભાર.

 7. Very Funny!
  Enjoyed much!
  Looking for more.

  Thank You Readgujarati.com Nasir Ismaili.

  From:
  Gaurang M. Goradiya,
  Web Designer in Mumbai,

 8. Nilesh Shrimali says:

  Dear Nasirbhai,

  Great…
  Everyone has not eye to see a small thing with big view…
  verynice thanks nasirbhai….

  Regards,

  Nilesh Shrimali

 9. piyush upadhyay says:

  goooooooood humour

 10. B.V.Acharya says:

  Dear Sir
  I am glad to read your articals. It is very good for every one. Thanks.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.