સિંહાસનબત્રીસી – શિવલાલ જેસલપુરા

માળવા દેશમાં ધારાનગરીમાં ભોજરાજા રાજ કરતો હતો. એ નગરમાં બે મિત્રો રહેતા હતા. એક સોની અને બીજો બ્રાહ્મણ હતો. એક વાર પરદેશ જઈ નસીબ અજમાવવાનો બંનેને વિચાર આવ્યો. એટલે તેઓ ઘર છોડી નીકળી પડ્યા. પશ્ચિમ દેશમાં આવેલા કનકપુર નગરમાં તેઓ આવી પહોંચ્યા. નગરની રિદ્ધિસિદ્ધિ સારી હતી. તે જોઈને સોનીનું મન માન્યું. એણે બજાર વચ્ચે દુકાન કરી, સોનારૂપાનાં એકેકથી ચડિયાતાં ઘરેણાં બનાવવા માંડ્યાં ને ઘરાકી જમાવી.

બ્રાહ્મણે નિશાળ ઉઘાડી. તેની વિદ્વતાનાં વખાણ રાજાએ સાંભળ્યાં. વિજયપાળ રાજાનો કુંવર તેજપાળ નાનો હતો. તેને ભણાવવા બ્રાહ્મણને રોકાયો. બાર વરસ વીતી ગયાં. સોનીએ ઘણું ધન ભેગું કર્યું. એક દિવસ તેણે બ્રાહ્મણ પાસે જઈને કહ્યું : ‘આપણે હવે ઘરે જઈએ. તમે રાજાની રજા લઈ લો.’ બ્રાહ્મણે રાજાના કુંવરને વાત કરી : ‘તેજપાળ કુંવર ! તમે રજા આપો તો ઘેર જાઉં. ગોરાણીને દીકરો વાટ જોતાં હશે.’ કુંવર કહે : ‘એમાં તમારે જાતે જવાની શી જરૂર છે ? તમે ઘેર પૈસા મોકલી આપો. અમારું ભણતર હજી અધૂરું છે એ પૂરું થાય એટલે ખુશીથી જજો.’ બ્રાહ્મણે કુંવરની વાત કબૂલ કરી ને પછી પોતાના મિત્ર સોની સાથે ધન મોકલવાની ઈચ્છા બતાવી. રાજાના કુંવરે બ્રાહ્મણને ચાર રત્ન આપ્યાં, અને કહ્યું : ‘આ રત્નો એવાં મૂલ્યવાન છે કે તમારી સાત પેઢીનેય ખાતાં ખૂટશે નહિં અને વધુમાં ચેતવણી આપી કે સોની ઉપર ભરોસો ના રાખતા !’

બ્રાહ્મણે સોનીને ચાર રત્નો આપ્યાં અને થોડે સુધી વળાવીને એ પાછો ફર્યો. રસ્તે જતાં સોનીને વિચાર આવ્યો : ‘આ રતન બહુ કીમતી લાગે છે. ઠીક થયું કે બ્રાહ્મણે મને સોંપ્યાં. કંઈક એવી યુક્તિ રચું કે જેથી રતન હજમ થઈ જાય.’ આવા વિચાર કરતો કરતો સોની પોતાને ઘેર આવ્યો. સોનારણ તો રાજી રાજી થઈ ગઈ. એના હાથમાં પેલાં રતન આપતાં તેણે કહ્યું : ‘ધન તો લાવ્યો છું પણ આ રતન બહુ કીમતી છે, એને ખાટલા હેઠળ દાટી દો.’ પછી સોની બ્રાહ્મણીને ઘેર ગયો. સાથે પાંચ પટેલિયાનું પંચ લઈ ગયો. પંચની સાક્ષી રાખીને સોનામહોર બ્રાહ્મણીને આપી અને બ્રાહ્મણના કુશળસમાચાર કહ્યા. બ્રાહ્મણી તો બિચારી આ સમાચાર સાંભળી રાજી રાજી થઈ ગઈ. સોનામહોર જોઈને તેના આનંદનો પાર ન રહ્યો. એક સોનામહોર વટાવીને એણે કપડાંલત્તાં કરાવ્યાં, બીજી મહોર વટાવીને અનાજ ભરી લીધું, ત્રીજી મહોર વટાવીને દેવું ભર્યું, અને ચોથી મહોરમાંથી ઘર સમું કરાવ્યું.

દિવસ પછી દિવસ વીત્યા ને વાત વિસારે પડી. આ બાજુ તેજપાળ કુંવરનું ભણતર પૂરું થયું એટલે બ્રાહ્મણે વિદાય લીધી. રાજાએ કહ્યું : ‘મેં તમને રતન આપ્યાં છે એ તમારી સાત પેઢીએ ખાધે ખૂટે તેમ નથી, છતાં તમારી ઈચ્છા હોય તો વધારે ધન આપું.’
બ્રાહ્મણ કહે : ‘મારે વધારે ધનને શું કરવું છે ? પ્રવાસમાં સાથે ધન રાખવું એમાં જીવનું જોખમ સમજવું.’ આમ કહીને બ્રાહ્મણ ઝોળી લઈને ચાલી નીકળ્યો.

બ્રાહ્મણ ઘેર આવ્યો. ઘેર આવીને જોયું તો બ્રાહ્મણી ગરીબાઈમાં દહાડા કાઢે છે, ઘર સમું કરાવવા માંડેલું તે અધૂરું રહી ગયું છે, દીકરાનું અંગરખું મેલું ને ફાટેલું છે. બ્રાહ્મણે બ્રાહ્મણીને પૂછ્યું : ‘તમને ચાર મહામૂલાં રતન મોકલ્યાં છે છતાં દુ:ખ કેમ ભોગવો છો ? આજ સુધી એ વટાવ્યાં કેમ નથી ?’ બ્રાહ્મણી તો સાંભળીને આભી બની ગઈ. બ્રાહ્મણ આ બધું શું બોલે છે એની જ એને ગમ પડી નહિ, તે મનમાં બળી રહી, પણ બ્રાહ્મણ પરદેશથી આવ્યો ને તરત જ હૈયાવરાળ ક્યાં કરવી એમ ધારી તે મૂંગી રહી. રાત પડે ને બ્રાહ્મણ તો ‘રતન રતન’ લવે છે. બ્રાહ્મણીએ વિચાર્યું કે ‘આમ તો બ્રાહ્મણ ક્યાંક ગાંડો થઈ જશે અને જીવ ખોઈ બેસશે.’ એટલે શાંતિથી બ્રાહ્મણને કહ્યું : ‘શાંતિથી સૂઈ જાઓ, પૈસાની આટલી ઝંખના ન કરીએ. તમે સાજા-સારા ઘેર આવ્યા છો એ જ ધન છે.’
આમ બ્રાહ્મણીએ કહ્યું એટલે બ્રાહ્મણ ખૂબ નવાઈ પામ્યો અને બોલી ઊઠ્યો : ‘શું કહો છો ? મેં સોની સાથે ચાર રતન મોકલ્યાં છે તે તમને મળ્યાં નથી ? સાચું ન કહો તો ઈશ્વરની આણ છે.’ બ્રાહ્મણીએ ખરેખરી વાત કરી દીધી.

સવાર પડતાં બ્રાહ્મણ સોનીને ઘેર પહોંચ્યો અને જતાંવેંત બોલ્યો : ‘ધન્ય છે તારી બુદ્ધિને દોસ્ત ! તેં સ્ત્રી જાણીને ભાભીને તે નથી આપ્યાં તે સારું કર્યું. નહિ તો એ ગમે તેમ વેડફી મારત. હવે મને આપી દે એટલે ઘરબાર બરાબર ઠીકઠાક કરાવું.’
સોની કહે : ‘એમ ગળે ન પડો, બ્રાહ્મણભાઈ ! મારી સાથે એ નહિ ચાલે. મેં પંચની સાક્ષીએ ચારે રત્ન મારી ભાભીને હાથોહાથ આપ્યાં છે.’ સોનીને બ્રાહ્મણ વચ્ચે તકરાર થઈ. બ્રાહ્મણે ભોજરાજાને ફરિયાદ કરી. રાજાએ બ્રાહ્મણ, સોની ને બ્રાહ્મણીને રાજદ્વારે બોલાવી વારાફરતી બધી હકીકત પૂછી. બ્રાહ્મણ કહે : ‘મેં રતન આપ્યાં છે.’
બ્રાહ્મણી કહે : ‘મને મળ્યાં નથી.’
સોની કહે : ‘મેં સોંપ્યાં છે.’
રાજાએ સોનીને ફરીથી પૂછ્યું : ‘તેં કોઈ સાક્ષી રાખ્યા છે કે ?’
સોનીએ કહ્યું : ‘સાક્ષી એક નહિ, પાંચ રાખ્યા છે, મહારાજ ! મારું કામ કાચું ન હોય.’

રાજાએ સાક્ષીને બોલાવ્યા. પહેલેથી જ લાંચ લીધી હતી એટલે સાક્ષીઓને તો સાક્ષી સોનીના લાભમાં જ પૂરી. રાજાએ બ્રાહ્મણને જૂઠો ઠરાવ્યો અને ગામ છોડવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ થતાં સિપાઈ છૂટ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પકડ્યાં, બાંધીને હદપાર કરવા ઊભી બજારે લઈ ચાલ્યા. પાછળ પાંચે સાક્ષી ને સોની હસતા હસતા ચાલવા લાગ્યા. ગામની ભાગોળે બધાં આવ્યાં. ત્યાં એક ખેતરને શેઢે ટીંબા ઉપર ગોવાળિયાનો છોકરો ઢોર ચારવા આવેલો તે બેઠો હતો તેણે આ જોયું, સૌને પાસે બોલાવ્યા અને બધી હકીકત પૂછી. ન્યાયાધીશ જેવી ગંભીરતાથી તેણે કહ્યું : ‘ખરી વાત કહી દેજો. અહીં તમારું જૂઠાણું નહિ ચાલે.’ પછી પાંચે સાક્ષીઓને કહ્યું : ‘તમે કહો છો કે તમારી હાજરીમાં સોનીએ રતન આપ્યાં છે, તો લો આ માટી અને પાણી. સહુ જુદા જુદા થઈ જાઓ અને જેવા ઘાટનાં રતન તમે જોયાં હોય એવાં બનાવી લાવો.’

પાંચે સાક્ષી મનમાં મૂંઝાયાં. રતન જોયાં નથી પછી ઘાટ ક્યાંથી ઘડવા ? સૌ જુદા જુદા ઘાટ બનાવી લાવ્યા. કોઈ શંખ જેવો, કોઈ માછલીના જેવો, કોઈ કાચબા જેવો, તો કોઈ કમળ જેવો. પાંચેયના ઘાટ જોતાં ગોવાળે કહ્યું : ‘આ લોકો તદ્દન જુઠ્ઠા છે.’ પાંચે મનમાં ડરી ગયા હાથ જોડીને સાચી વાત કબૂલ કરી દીધી. સોનીને મારવા લીધો એટલે એ પણ ઘરેથી દાટેલાં રતન કાઢી લાવ્યો અને પગે લાગીને બ્રાહ્મણને સોંપી દીધા.

રાજાને આ વાતની જાણ થઈ. પ્રધાનને બોલાવી તેણે હુકમ કર્યો : ‘આ ન્યાય કરનારો કોણ છે તેની તપાસ કરો.’ પ્રધાન વાજતેગાજતે ગોવાળના છોકરાને રાજદરબારે લઈ આવ્યો. તેને જોઈને રાજા વિચારવા લાગ્યો કે ‘આ તો ભારે નવાઈની વાત કહેવાય. એક અક્કલ વગરનો ગોવાળનો છોકરો રાતદિવસ વગડામાં રઝળ્યા કરે છે તેણે આવો ન્યાય કેવી રીતે કર્યો ?’ પ્રધાન બુદ્ધિશાળી હતો. તેણે રાજાને કહ્યું : ‘કહો ન કહો, પણ મને તો આમાં છોકરા કરતાં એ ન્યાય ચૂકવાયો એ સ્થાનનો મહિમા લાગે છે.’ રાજાએ એ સ્થાન ખોદાવવા હુકમ કર્યો. પ્રધાને જઈને ખોદાણ કરાવ્યું તો એક અણમોલ સિંહાસન દેખાયું. એ બત્રીસ ગજના અર્ધ ગોળાકારમાં હતું, અને ગજ-ગજને અંતરે એક એમ બત્રીસ પૂતળીઓ તેમાં કોતરેલી હતી. એ પૂતળીઓને રત્નજડિત આભૂષણો પહેરાવેલાં હતાં. ઉપર દંડનું વિશાળ છત્ર શોભતું હતું. આવું સુંદર સુશોભિત સિંહાસન જોતાં જ ભોજરાજાનું મન મોહ્યું. તેણે જોશીઓને તેડાવ્યા અને તેના પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. મુહૂર્ત આવ્યું, સભા ભરાઈ, આનંદ-મંગળ ગવાયાં, પૂજાપાઠ થયા, દાન દેવાયાં. પછી રાજા સિંહાસન ઉપર પગ મૂકવા જાય છે ત્યાં એક પૂતળી બોલી : ‘સબૂર રાજા !’

રાજા ભોજ આભો બનીને ઊભો રહ્યો. આખી સભા સ્તબ્ધ થઈને જોઈ રહી. રાજાએ હાથ જોડીને પૂછ્યું : ‘આપ કોણ છો ? અને આ સિંહાસન ઉપર બેસવાની કેમ ના પાડો છો ?’
પૂતળીએ જવાબ આપ્યો : ‘મારું નામ નંદા છે. આ સિંહાસન વિક્રમ રાજાનું છે અને તેના જેવો રાજવી જ તેના પર બેસી શકશે.’
ભોજરાજાએ કહ્યું : ‘કેવા હતા એ વિક્રમરાય તે કહો.’
નંદા પૂતળીએ વાત શરૂ કરી, અને આખી સભા તે એકચિત્તે સાંભળી રહી.

નંદા પૂતળીએ કહ્યું : ‘ઉજેણી નગરમાં વિક્રમરાજા રાજ કરતો હતો. એ વખતે ત્યાં એક શિકારી રહેતો હતો. રોજ શિકાર કરીને ચાર છોકરા અને બે જણ પોતે – એમ છ જણનાં એ પેટ ભરતો હતો. એક દિવસ શિકારી આખા જંગલમાં ભમ્યો. સંધ્યાકાળ થયો પણ કોઈ પશુ હાથ આવ્યું નહીં, એટલે તેણે મનમાં વિચાર્યું કે ‘ખાલી હાથે ઘેર જઈશ તો સ્ત્રી અને બાળકોને શું મોં બતાવીશ ? માટે આખી રાત વનમાં ગાળવી. સવારે કંઈક મળી રહેશે.’ મનમાં આવો ઘાટ ઘડીને એક જબરદસ્ત વડ પર તે ચડ્યો. વાઘ-વરુની બીકે આખી રાત વડ ઉપર બેસી રહ્યો.

રાતનો એક પહોર, બે પહોર અને ત્રણ પહોર વીત્યા તેવામાં એક કૌતુક થયું. એકાએક સાત પુરુષો હાથમાં સળગતી મશાલ લઈને આવી પહોંચ્યા. એની પાછળ સંખ્યાબંધ માણસો સોનાનું સિંહાસન ઉપાડી લાવ્યા. વડના થડ પાસે તે મૂક્યું. એવામાં એક હરણ આવ્યું. હરણનું સ્વરૂપ દેવતાઈ હતું. સુકોમળ શરીર, મોટી નિર્દોષ આંખો, સોનેરી શિંગડા અને માથે મોતીની ઝૂલ ઓઢાડી છે. પગમાં ઘૂઘરીઓ ઘમકે છે. હરણ સિંહાસને બેઠું, એટલે થોડી વારમાં તો ત્યાં એક નાનકડું ગામ વસી ગયું. ગામ ફરતો ગઢ ને ગઢને દરવાજા, વચ્ચે રૂપાળા ચોક, પહોળાં બજારો, વચ્ચે જાત-જાતની દુકાનો, દુકાનોમાં જાતજાતનો માલ વેચાય છે. રસ્તાની બેય બાજુ ઊંચી મેડીઓ અને સુંદર શોભીતા ગોખ-ઝરૂખા. શિકારી આ જોઈને દંગ થઈ ગયો. આ તે સાચું કે સ્વપ્નું એનો એને વિચાર થઈ પડ્યો. એમ કરતાં રાત વીતી ગઈ.

અરુણદોય થતાં હરણ આળસ મરડીને ઊભું થયું. દોડીને જંગલની ઝાડીમાં ભરાયું. આખું ગામ અલોપ થઈ ગયું. શિકારી મનમાં વિચારવા લાગ્યો કે ‘આ બધું મેં શું જોયું ?’ ઘણો વિચાર કર્યો પણ સમજ પડી નહિ. વિચાર કરતો કરતો તે ઘેર ગયો. આવી વાત કહેવાય પણ કોને ? મનમાં સમાય નહિ ને ગમે તેને કહેવાય પણ નહિ ! આખરે પોતાની સ્ત્રીને વાત કરી. સ્ત્રીએ કહ્યું : ‘મને નજરે દેખાડો તો સાચું માનું.’ રાત પડતાં બંને જણાં વનમાં આવ્યાં અને વડ ઉપર ચડીને બેઠાં. આગલી રાતે શિકારીએ જે જોયું હતું એવું જ દશ્ય એની સ્ત્રીએ પણ જોયું. સવારે બંને જણ ઘેર ગયાં. સ્ત્રીએ કહ્યું : ‘આ વાત રાજાને કરીએ.’ શિકારીને એ ઠીક લાગ્યું.

રાજા વિક્રમ સભા ભરીને બેઠા છે, ત્યાં શિકારી બે હાથ જોડી નમીને ઊભો રહ્યો. રાજાએ આવવાનું કારણ પૂછ્યું એટલે શિકારીએ બધી વાત માંડીને કહી દીધી. રાજાએ કહ્યું : ‘મને નજરે દેખાડ તો સાચી માનું.’ શિકારી રાજાને લઈને વનમાં ગયો. સંધ્યા વીતી ત્યાં તો એ જ હરણ, એ જ ગામ ને એ જ સંપત્તિ. સવાર પડ્યું એટલે હરણ ઊઠીને ચાલવા માંડ્યું, ત્યાં વિક્રમે બાણ ખેંચીને હરણને તીર માર્યું. બાણ વાગતાં હરણ નીચે પડ્યું. એટલામાં આકાશમાંથી ખરરર કરતું એક વિમાન ઊતર્યું. હરણને બેસાડીને વિમાન ઊડવા ગયું એટલે રાજાએ વિમાનની પાંખ પકડી લીધી અને કહ્યું : ‘આનો ભેદ મને બતાવો, પછી જવા દઈશ.’ હરણને વાચા ફૂટી અને એ બોલ્યું : ‘મારા પિતાનું વચન મેં લોપ્યું હતું તેથી એમણે મને શાપ આપ્યો હતો કે ‘જા, તું પશુ થઈને વગડે રઝળતો ફર.’ મેં બીકના માર્યા હાથ જોડયા, એટલે મારા પિતાને દયા આવી. એમણે શાપનું નિવારણ કરતાં કહ્યું કે ‘વિક્રમસેન રાજા તારા પ્રાણ લેશે ત્યારે તું એમાંથી છૂટીશ. આજે આપના પ્રતાપે હું શાપમાંથી છૂટ્યો છું.’ આમ કહી પગે લાગીને હરણ વિમાનમાં ચઢ્યું અને ચાલતું થયું.

રાજા વિક્રમને આનંદ થયો. પેલું ગામ ને સંપત્તિ તો એમને એમ જ રહી ગયાં. શિકારીને રાજાએ કહ્યું : ‘તારે આમાંથી જોઈએ તેટલું ધન લઈ જા. તારા કુટુંબનો નિર્વાહ સુખેથી ચાલશે.’ રાજાનાં આવાં વેણ શિકારીએ સાંભળ્યાં, છતાં એ કશું બોલ્યો નહિ. ઉદાસ ચહેરે એ રાજા સામે જોઈ રહ્યો.
રાજાને થયું : ‘આના મનમાં કાંઈક વસવસો રહી ગયો લાગે છે.’ એટલે પૂછ્યું : ‘તારા મનમાં જે કંઈ હોય તે મન મૂકીને કહી દે. જો સાચું નહિ કહે તો તને હરસિદ્ધ માતાની આણ છે.’

રાજાનાં આવાં વચન સાંભળી શિકારી બોલ્યો : ‘હે રાજા ! તમને રાત્રિનું દશ્ય બતાવ્યું ત્યારે તમે આ મૃગલાને બાણ માર્યું અને આ સંપત્તિના તમે માલિક થયા. પણ જો મેં હિંમત કરી બાણ માર્યું હોત તો આ બધું અઢળક ધન મને જ મળત ને ?’ વિક્રમરાજા ઘડીભર વિચારમાં પડ્યો પણ પછી હસીને બોલ્યો : ‘ઓહો ! એમાં તે શું ?’ અને તુરત જ શિકારીને તેનો હાથ પકડી સિંહાસન ઉપર બેસાડી, એની ઈચ્છા પ્રમાણે એ ગામ અને એ સંપત્તિ એને સુપ્રત કર્યાં.’

આમ વાર્તા પૂરી થઈ એટલે પૂતળીએ રાજાભોજને કહ્યું : ‘જે રાજા આવો પરાક્રમ અને પરોપકારી હોય તે જ આ સિંહાસન પર બેસી શકશે.’ આમ કહીને પૂતળી આકાશમાં ઊડી ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાઢી કેમ ઊગે છે ? – હરિપ્રસાદ વ્યાસ
બિઝનેસ કિસ્સાઓ – વનરાજ માલવી Next »   

9 પ્રતિભાવો : સિંહાસનબત્રીસી – શિવલાલ જેસલપુરા

 1. pragnaju says:

  શિવલાલ જેસલપુરાને ભૂતકાળની ભૂલાઈ ગયેલી વારતાને સરળ ભાષામાં મૂકવા બદલ ધન્યવાદ
  હવે તો આવા લેખમાં ચિત્રો મૂકવાનું શક્ય બન્યું છે તો ચિત્રો હોય તો તે કાળની વાતનો વધુ આનંદ લઈ શકાય

 2. ક્રુપા કરી હવે —
  સૂડા બહોતેરી અને
  બત્રીસ પૂતળીની વાર્તા વઁચાવશો ?
  સાભાર અભિનન્દન !

 3. Mahendi says:

  u really remind me my childhood thanx so much

 4. અતુલ જાની (આગંતુક) says:

  જે રાજા આવો પરાક્રમ અને પરોપકારી હોય તે જ આ સિંહાસન પર બેસી શકશે.’ આમ કહીને પૂતળી આકાશમાં ઊડી ગઈ.

  અત્યારે વિક્રમ સવંત ૨૦૬૪ ચાલી રહ્યું છે.

 5. DIPAK says:

  THANK YOU SIR….. BACHPAN NI YAAD DELAVI DIDHI ખુબ ખુબ આભાર તમારો………..

 6. Nilesh Pande says:

  આભાર મને અમ જે પુસતકાલય યાદ આવે છે.

 7. Dhruv says:

  Thank u. Two days back I told this story to some children on way to livingston. They heard such story for the first time and asked where can they get this book. I have promissed them to send such books after I reach Karamsad.
  I the mean while I read this on your site. Thanks for making this available on readgujarati. Pl put more stories
  Dhruv

 8. Dhruv says:

  Mrugesh,
  I found dificulties in writting coments in Gujarati. I should learn from some one or from u after comming to Karamsad

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.