રાજા-રાણી-રૉકી – પ્રો. પ્રિયકાન્ત પરીખ

હિમાલયનાં બર્ફીલાં શિખરોની ગોદમાં આવેલું ગૌરીકુંડ કેદારનાથની જાત્રાએ જતા ભાવિકોના બસરૂટ અટકસ્થાન છે. ભાવિકોનું રેનબસેરા છે. ગૌરીકુંડથી મંદાકિની નદીના કાંઠે ઊંચે ને ઊંચે ચઢતો રસ્તો હિમશિખરોની ગોદમાં આવેલા, સદીઓથી અડીખમ ઊભેલા કેદારનાથના મંદિરે લઈ જાય છે. આ હિમછાયા પહાડી મુલ્કમાં વસતા મહેનતપરસ્ત ઈમાનદાર શ્રમજીવી પુરુષની, કેદારનાથ-બદરીનાથની યાત્રા દરમિયાન સાંપડેલી પ્રણયકથા રજૂ કરતાં નિર્ભેળ પ્રેમનું તર્પણ કર્યાના પરિતોષની લાગણી અનુભવું છું.

મારા ઘોડાવાળો પ્રૌઢ રાજા અઢારેક વર્ષની ઉંમરથી ઘોડાની લગામ પકડી, કેદારનાથના માંડ પાંચ ફૂટની પહોળાઈ ધરાવતા આરોહ-અવરોહયુક્ત જોખમી માર્ગો પર યાત્રા કરાવતો થઈ ગયો હતો. રાજાના બાપદાદાએ પણ આ જ વ્યવસાયમાં જીવન ગુજાર્યું હતું. રાજાના બાપુ મૃત્યુ પામતાં રાજાના માથે વૃદ્ધ વિધવા માતા અને પોતાના જીવનનિર્વાહની જવાબદારી આવી પડી હતી. બાપદાદાના ધંધામાંથી મુક્તિ મેળવવા માટે, રાતદિવસ મહેનત-મજદૂરી કરીને પણ દિલ્હીની કૉલેજમાં અભ્યાસ કરી, ‘સાહેબ’ બનવાનું રાજાનું સ્વપ્ન ‘બાપુ’નું મરણ થતાં રોળાઈ ગયું હતું. સ્વપ્નભંગની વેદના, સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન નામે ઓળખાતી ગંગામૈયાના ધસમસતા પ્રવાહમાં વહાવી દઈ, રાજાએ કર્તવ્યનું પાલન કરવા ઘોડાની લગામ પકડી લીધી હતી.

કાળીભમ્મર અણીદાર આંખો, તલવારકટ મૂછો અને કસાયેલું ગૌર શરીર ધરાવતો રાજા સોહામણો યુવાન હતો. એક બાજુ હિમથી પીગળતા પહાડોની કતાર. બીજી બાજુ ઊંડી ઊંડી ખીણોમાં પુરજોરથી વહેતી ગંગામૈયા અને વચ્ચે સાંકડા માર્ગો પર ઘોડાની પીઠ પર બેઠેલા મારા ચહેરા પર ચિંતાનાં ચિહ્નો જોતાં રાજાએ હસીને કહેલું : ‘સા’બ, ડરીએ મત. અગર ડર લગતા હૈ તો ઝીલમેં મત ઝાંખીએ. યે વફાદાર જાનવરકા આજ તક પાંવ ફિસલા નહીં હૈ. બડા હોશિયાર હૈ મેરા યાર.’ અને રાજાએ ઘોડાની પીઠ થપથપાવી. પ્રતિભાવરૂપે ઘોડો હણહણ્યો. રાજા મોજીલો યુવાન હતો. અલકમલકની વાતો હસી હસીને કરતા રાજાએ કેદારનાથના મંદિર નજીક ક્યારે લાવી દીધો એની ખબર ન પડી. ચૌદેક કિલોમીટરનું અંતર ટેન્શન વગર સરળતાથી કપાઈ ગયું હતું.
 

‘સા’બ, આરામસે દર્શન કરના, બેઠના, ઘૂમના. ખાના. કોઈ હર્જ નહીં હૈ. લેકિન સા’બ, સૂરજ ઢલનેસે પહેલે ગૌરીકુંડ પહુંચ જાના જરૂરી હૈ.’ રાતના પહેલા અંધકારના પડછાયા પહાડો પર, માર્ગો પર, ખીણોમાં, શિખરો પર પથરાઈને જોખમી ડરામણું વાતાવરણ જન્માવે એ પહેલાં તો રાજાએ મને ગૌરીકુંડમાં મારો મુકામ હતો એ ધર્મશાળામાં સલામત રીતે પહોંચાડી દીધો. મેં રાજાને પચાસની નોટ બક્ષિસ તરીકે આપવા માંડી ત્યારે રાજાએ હસીને કહ્યું : ‘સા’બ, મૈં બક્ષિસ નહીં લેતા. મહેનતકી કમાઈ કાફી હૈ. શુક્રિયા.’ અને રાજા બેફિકરાઈથી ઘોડાને ડચકારતો, પીઠ થપથપાવતો ચાલ્યો ગયો, ‘ચલ, મેરે દોસ્ત, ચલ’

કેદારનાથના માર્ગે જતાં-આવતાં રાજાના જીવનમાં રસ લેતાં સરસ પ્રેમકથા મળી આવી : રાજા ગૌરીકુંડમાં ચાની હાટડી ચલાવતા બાપુને ચાના કપ ધોઈ ધોઈને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ કરતી, પહાડી મુલ્કમાં બિનધાસ્તપણે ઘૂમતી, મધુર કંઠે પહાડી ગીતો ગણગણતી રાણીના પ્રેમમાં પડ્યો. રાણીના બાપુએ, ‘અચ્છા હૈ, અચ્છા હૈ, કહેતાં સંમતિ આપી દેતાં રાજા મુલ્કની રીતરસમ મુજબ રાણીને પરણી ગયો.’ રાજાએ રાણી સાથે લગ્નજીવનનાં બે વર્ષ સુખચેનથી વિતાવી દીધાં. રાજા મળસકે ઘોડો લઈને નીકળી પડતો, ભાવિકોને યાત્રા કરાવી, અંધારાં ઊતરે તે પહેલાં ઘેર પહોંચી જતો. રાણી ઘર સંભાળતી. રાજાની વૃદ્ધ વિધવા માની સેવા કરતી.

રાજાના સુખમય સંસારમાં વિધિનિર્મિત આપત્તિઓની શરૂઆત થઈ. રાણીની પ્રસૂતિના અંતિમ દિવસોમાં રાજાની મા મૃત્યુ પામી. પ્રસૂતિની વેદનાથી કણસતી રાણીની વેદનાની પરાકાષ્ઠાએ દાયણે છુટકારો કરાવ્યો. પણ અતિ પીડાથી રાણીના શરીરની સાથે આંખો પણ ખેંચાઈ ગઈ. વિચિત્ર લાગે છતાં હકીકત હતી કે રાણીની આંખોનાં ઓજસ બુઝાઈ ગયાં. રાણી અંધ બની ગઈ. રાજાએ આઘાત અનુભવ્યો. તેને ક્ષણભર તો લાગ્યું કે, રાણી નહીં, પોતે અંધ થઈ ગયો છે, પણ આઘાત બરદાસ્ત કરી લીધો, ‘ઈસમેં રાની કા ક્યા કસૂર ?’ આંખોનું નૂર ગુમાવી બેઠેલી રાણી પ્રત્યેનો પ્રેમ હિમાલય જેટલો જ અડગ રહ્યો. રાણીની અપાહીજ દશામાં રાજાનાં પ્રેમ અને સહાનુભૂતિ ઓર વધી ગયાં.

રાજા સવારના ત્રણ વાગ્યે ઊઠીને રસોઈ બનાવી નાખે, પોતે તૈયાર થઈને રાણીને તૈયાર કરે. વસ્ત્રો બદલાવે, તેના ગૌર લલાટ પર લાલચટક ચાંલ્લો કરે. પાડોશની વૃદ્ધ વિધવા ‘અમ્મા’ને રાણીની અને પુત્ર રૉકીની સંભાળ રાખવા બોલાવી લાવે અને મળસકે ઘોડાને તૈયાર કરી, ગોળ-ચણા ખવડાવી, પીઠ થાબડી ભાવિકોની શોધમાં નીકળી પડે, ક્યાં આગલી સાંજે ગૌરીકુંડ પર રાતવાસો કરનાર યાત્રિકોની સેવામાં ચહેરા પર સ્મિત છલકાવી હાજર થઈ જાય. યાત્રિકોને સલામતીથી, કિસમ કિસમની વાતો કરી-કરાવી સાંજ ઢળે એના મુકામ પર લઈ આવે. ઉત્તર પ્રદેશની સરકાર જાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરે ત્યારથી બંધ થવાના સમય સુધી રાજાનો આ રોજનો ક્રમ.

રાજા આવે એટલે ‘અમ્મા’ ઘેર જાય. રાજા ગરમ ગરમ રસોઈ કરી રાણીને જમાડે, રૉકીને રમાડે. તહેવાર હોય, ઉત્સવ હોય, મેળો હોય, શાદી હોય, રાજા રાણીને તૈયાર કરીને, તેનો હાથ પકડીને લઈ જાય અને બંધ આંખે રાણી જોઈ શકે એવું વર્ણન કરી, રાણીનું હૃદય આનંદથી ભરી દે. રાણીની અંધાવસ્થાથી રાજાએ કદી શરમ-સંકોચ અનુભવ્યાં નહોતાં. રાજાએ કદી રાણીને અંધાપાની પરવશતા મહેસૂસ થવા દીધી નહોતી. રાજાના પ્રેમ અને સમર્પણથી રાણી દ્રવી ઊઠતી. દષ્ટિ ગુમાવનારાં નરી આંખે જગતને ભલે જોઈ શકતાં ન હોય, છતાં પ્રેમ, અવહેલના, ઉપેક્ષા, તિરસ્કાર જેવી લાગણી તો અનુભવી શકતાં હોય છે.

રાજાના પ્રેમ અને સમર્પણથી રાણી દ્રવી ઊઠી. કહેતી, ‘રાજા, મારા માટે તું કેટલું દુ:ખ ઉઠાવે છે ? તું બીજી સ્ત્રીને પરણી જા. હું જ તને કહું છું. તારું સમર્પણ મારાથી સહેવાતું નથી. હું તને બોજારૂપ છું.’
‘રાજાનો પ્રેમ રાણીની આંખો સાથે નહીં, અંતર સાથે હતો – છે. તે રાણીનો હાથ પંપાળતાં કહેતો, ‘રાજાનો પ્રેમ રાણીના શરીર સાથે હોત તો ક્યારનો ગંગાના પ્રવાહમાં તણાઈ ગયો હોત. મને દેખીતી રાણી કરતાં મારી આંખે દુનિયા જોતી રાણી વધારે વહાલી લાગે છે. તને આંખોનો ઉજાસ આપવાનું મારા હાથમાં નથી, પણ અપાય એટલું સુખ આપવાનું તો મારા હાથમાં છે. મારા પ્રેમમાં ક્યાંય કચાશ લાગે છે ?’
‘રાજા, આટલું સુખ તો વનદેવતાઓએ વનદેવીઓને નહીં આપ્યું હોય. તારા પ્રેમનું ઋણ ક્યા જન્મે ચૂકવીશ ?’
‘રાણી, આજ પછી આવી વાત કરીશ તો ખીણમાં કૂદી જઈ, ગંગામૈયામાં સમાઈ જઈશ.’
‘આવું ન બોલીશ રાજા, હું તો ગંગામૈયાને પ્રાર્થના કરું છું કે મને સાત જનમમાં રાજા જેવો પ્રેમાળ પતિ આપજે.’

સમય વહેતો ચાલ્યો.
રાજાએ એ જ ક્રમથી જીવવા માંડ્યું. રાણી પ્રત્યેના પ્રેમમાં વહેતા સમયની ધારા પણ ઓટ ન લાવી શકી. ઉંમર વધતાં પ્રેમ પણ વધવા માંડ્યો. રાજાનો પુત્ર રૉકી યુવાન બન્યો. રાજાએ યુવાન બનતા જતા રૉકીને તૈયાર કરવા માંડ્યો. રૉકી પણ રાજા જેવો જ અલ્લડ, બિનધાસ્ત અને સોહામણો છે. જાણે બીજો રાજા !

રાજારાણીએ રૉકીને પ્રેમ કરતાં રોકીને પોતાનો ભૂતકાળ યાદ કરી તરુણ વયે પરણાવી દીધો. રૉકી પણ મારી યાત્રા દરમિયાન રાજાની સાથે હતો. એ પણ બિનધાસ્ત રીતે કહેતો, ‘બરાબર તૈયાર થઈ, યુવાન થયા પછી હું ઘરનો બોજ ઉપાડી લઈશ. બાપુ ખૂબ મહેનત કરી થાક્યા છે. એમણે એમના બાપુનો બોજ ઉપાડી લીધો. હું મારા બાપુનો બોજ થોડા સમય પછી ઉપાડી લઈશ. રાનૂ બાપુ અને માની સેવા કરશે. સા’બ, ફરી આપ આવશો ને, ત્યારે રાજા નહીં રાનૂ તમારી હિફાજતમાં હાજર થઈ જશે. આપના કોઈ સંબંધી આવે તો પણ ગૌરીકુંડમાં રાનૂને શોધવા માટે સૂચન કરજો. અમારી પાસે ભણતર નથી, નોકરી નથી. અમારા જેવા મહેનતકશ આદમીઓના જીવનદાતા યાત્રિકો જ છે. અમારે પેટ ભરવા જેટલા પૈસા જોઈએ છે. બૅંકમાં ખાતાં નથી ખોલાવવાં, બંગલા નથી બાંધવા. અમારી દોડ બહુ બહુ તો હૃષીકેશ, હરિદ્વાર કે વધુમાં વધુ દિલ્હી સુધી. મોસમમાં વર્ષ આખાનું કમાઈ લેવું પડે છે.’

કેદારનાથની યાત્રા પૂરી કરી આવ્યાને વખત વહી ગયો છે, છતાં યાત્રાની વાત નીકળતાં રાજા-રાણી, રૉકી-રાનૂની યાદ આવી જાય છે. પતિ-પત્ની, પિતાપુત્ર, સાસુવહુ વચ્ચે કેટલો નિ:સ્વાર્થ પ્રેમ છે ! આજના યુગમાં ‘પ્રેમ’ શબ્દને સાર્થક કરનાર રાજા-રાણી, રૉકી-રાનૂ જેવા ઈન્સાનો કેટલા ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બિઝનેસ કિસ્સાઓ – વનરાજ માલવી
અમીઝરણાં – સં. રમેશ સંઘવી Next »   

13 પ્રતિભાવો : રાજા-રાણી-રૉકી – પ્રો. પ્રિયકાન્ત પરીખ

 1. shivshiva says:

  હૃદયસ્પર્શી માનવો છે.

 2. pragnaju says:

  આપણે કેદારનાથની યાત્રા તો કરીએ પણ વિદ્વાન સાહિત્યકાર તથા વાંચન શિબિરોના સંચાલક પ્રો. પ્રિયકાન્ત પરીખની રાજા-રાણી-રૉકીની વાતના જેવો અનુભવ માટે દ્રષ્ટિ જોઈએ.
  તેમણે- પતિ-પત્ની, પિતાપુત્ર, સાસુવહુ વચ્ચે કેટલો નિ:સ્વાર્થ પ્રેમના પણ દર્શન કરાવવા બદલ ધન્યવાદ્

 3. ભાવના શુક્લ says:

  રાજા, આટલું સુખ તો વનદેવતાઓએ વનદેવીઓને નહીં આપ્યું હોય. તારા પ્રેમનું ઋણ ક્યા જન્મે ચૂકવીશ ?’
  ………………………………………..
  કેટલી સુંદર નૈસર્ગીક સરખામણી!!! કપટથી સાવ જ દુર એક દુનિયા છે જેમા રાજા-રાની-રાનુ જેવા લોકો વસેલા છે. જરુર આ દુનીયાની મુલાકાત લેવી રહી… કદાચ કેદારનાથ સુધી જે લોભ માટે જતા હોઇયે તે આમ અણધાર્યુ રસ્તા માજ આવી મળે!!!

 4. અતુલ જાની (આગંતુક) says:

  રાજા કો રાની સે પ્યાર હો ગયા
  દિલ જીગર દોનો ઘાયલ હુએ
  તિરે નઝર આરપાર હો ગયા

  પ્રિયકાન્તભાઈ તમારા આ લેખે તો મારા દિલ અને જીગર બંનેને ઘાયલ કરી દીધા.

 5. preeti vyas says:

  ખરેખર આટ્લુ પ્રેમ આપનાર માનવિ છે? વિશ્વાસ બેસતો નથિ નહિ તો આજકાલ નિ પ્રજા ફકત શરિર સાથે પ્રેમ હો છે જેટલા દિવસ તમે સુન્દર દેખાઓ એટલા દિવસ પતિ નુ પ્રેમ ઘડતર આવે એટલે બસ્સ સાથે જિવ્યા રાખો…કેમ્કે હવે તમે એ રુપ ગુમાવિ ચુક્યા છો.

 6. piyush upadhyay says:

  truley emotinal

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.