જીવનલક્ષીવાતો – સંકલિત

[‘રોજેરોજની વાચનયાત્રા’ ભાગ-1માંથી સાભાર.]

[1] નાનકડી જિંદગીમાં – ડેનિયલ માઝગાંવકર

અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્પ્યુટર પર બેસીને સારી સારી વાતો હૃદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઈ-મેલથી મોકલતી રહે છે. આવી એક ઘટના એના જ શબ્દોમાં રજૂ કરું છું :

કેટલાંક વરસ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ઊભાં થઈ ગયાં. તે નવે નવ જણ જન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભાં રહી ગયાં હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શરૂ કર્યું. દોડવાનું તો શું – લથડતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવે છે, તે જોવાનું હતું. બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો.

બીજાં આઠ જેઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછાં ફરી ગયાં અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો. તેને બેઠો કરી દીધો, અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી, ‘ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.’

ત્યાર બાદ ફરી એ બધાં નવ સ્પર્ધકોએ એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું. તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાજર હતા એમનાથી એ દશ્ય ભૂલ્યું ભૂલાતું નથી; કેમ કે પોતપોતાના હૃદયના ઊંડાણમાં આપણે બધાં એક વાતની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિંદગીમાં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહેવાનું પૂરતું નથી. જરૂર તેની છે કે આપણે સહુ આ જિંદગીમાં બીજાને જિતાડવામાં પણ સહાયક બનીએ, પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.

[2] એક જ દાણામાંથી – મનોહર પ્રભાકર

રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયો હતો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે લેવાનું એને મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે એ વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો – પણ એક જ દાણો !

અને મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એક દાણો વાવ્યો. રોજ તેની કાળજી લેવા માંડ્યો. થોડા દિવસે અંકુર ફૂટયો, છોડ મોટો થવા લાગ્યો અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાક લણ્યો ત્યારે, એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા ! રામનારાયણનું હૈયું હરખે ભરાઈ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂકી દીધી.

બીજે વરસે એ પોણો રતલ દાણા એણે પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના છ-છ ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે તેર ગણો પાક ઊતર્યો ને દસ રતલ ઘઉં નીપજ્યા. પછીને વરસે એ દસ રતલ વાવતાં તેમાંથી ઊંચી જાતના ત્રણ મણ ઘઉં પાક્યા – હા, પેલા એક જ દાણામાંથી !

[3] બાળકના ઘડતરમાં ઘર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશિમ’

બાળક શાળામાં જતો થાય તે પહેલાં એની સમજ અને એના જ્ઞાનનો પાયો સુદઢ રીતે નંખાઈ ગયો હોય છે. અભિમન્યુએ ગર્ભમાં રહ્યાંરહ્યાં કોઠાવિદ્યાનું જે જ્ઞાન મેળવેલું તે કોઈ કવિકલ્પના ન હતી, પણ મનોવિજ્ઞાનનું એક મોટું સત્ય હતું. એ આજના શિક્ષણશાસ્ત્રીઓએ સિદ્ધ કરેલું છે. આથી ઘરની સૌથી પહેલી ફરજ બાળકનો સ્વાભાવિક વિકાસ થઈ શકે એવું વાતાવરણ સર્જવાની ગણાય. બાળક પોતાની આસપાસના વાતાવરણમાંથી પોતાના વિકાસ માટેનાં સાધનો મેળવતું હોય છે. મનુષ્યને મળેલી એક મહાન ભેટ તે વાણી દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્તિ આપવાની એની શક્તિ. ભાષા દ્વારા સર્જાતી આ ક્રિયામાં ઘરમાં વપરાતી ભાષાનો ઘણો મોટો ફાળો હોય છે. આથી ઘરમાં થતી વાતચીત અને અન્ય વાણીવ્યવહાર બાળકોના ભાષાજ્ઞાનના પાયારૂપ બને છે.

ઘરમાં થતી વાતચીત અને તેમાં વપરાતી ભાષાની જેમ બાળક પર અસર થાય છે તેમ કુટુંબમાં એકબીજાં સાથેના વ્યવહારની, આડોશી-પાડોશી સાથેના વ્યવહારની અને માનવસંબંધોમાં થતાં વિવિધ આદાનપ્રદાનનોની પણ બાળકના મન ઉપર સતત અસર થતી રહે છે અને એનાથી એનું રુચિતંત્ર ને વર્તન ઘડાય છે.

મોટેરાંઓ પોતાને મનફાવે ત્યારે નાનેરાંઓ પાસેથી કામ કરાવવાનો પોતાનો અબાધિત અધિકાર લેખે છે. આથી બાળક પર કેવી અસર થતી હોય છે એનો એક નાનકડો કિસ્સો નોંધું : મારા એક મિત્રની સાત-આઠ વર્ષની દીકરી એક ચિત્ર દોરવામાં નિમગ્ન હતી. હું અને તેના પિતા વાતો કરવા બેઠા હતા. તેના પિતાએ એને કહ્યું : ‘નીતા, જા તો પાણી લઈ આવ !’ તેણે જવાબ આપ્યો : ‘પપ્પા ! મારું ચિત્ર અધૂરું છે. તમે જ લઈ આવો ને !’ બાળક પાસેથી કામ જરૂર લેવું, પરંતુ એને પોતાને પોતાનાં રસનાં આગવાં ક્ષેત્રો પણ હોય છે એ ભૂલી જઈ આપણને ઠીક લાગે ત્યારે આપણે એને ગમે તે કામ ચીંધીએ, તો બાળકના વિકાસમાં અવરોધ અવશ્ય ઊભા થાય છે.

બાળકને વાત સાંભળવી અને વાત કહેવી ગમતી હોય છે. જગતનું બાલસાહિત્ય આ દષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. બાળકની કક્ષાને અનુરૂપ ઘરમાં નાનકડું બાળપુસ્તકાલય જો વસાવી શકાય, તો આવું પુસ્તકાલય અનેક રીતે બાળકના વિકાસમાં ફાળો આપી શકે. એ સાથે કુટુંબમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ બાળકોને રોજ એકાદ નાનકડી વાત કહે તો બાળકોની કલ્પના, ઊર્મિઓ અને જીવનદષ્ટિને ઘણી મોટી પ્રેરણા મળે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ની કથાઓ તો બાળકોને ગળથૂથીમાંથી જ મળતી થવી જોઈએ. આમ, શાળા કરતાં પણ વધુ સમૃદ્ધ એવી કેટલી બધી શિક્ષણની સામગ્રી અને સુવિધાઓ ઘરમાં રહેલી છે એનો ખ્યાલ આ થોડાક અછડતા નિર્દેશોથી પણ આવી શકશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માની સાધના – અવંતિકા ગુણવંત
નવી નવાઈનાં છાપાં ! – મન્નુ શેખચલ્લી Next »   

12 પ્રતિભાવો : જીવનલક્ષીવાતો – સંકલિત

 1. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર જીવનલક્ષી વાતો. જીવનને જેમાં લક્ષ્ય તરીકે રાખવામાં આવે છે તેવી વાતો વાંચવાની, કહેવાની, સાંભળવાની, લખવાની મજા અનેરી જ હોય છે. અને પછી આ વાતોને હ્રદયમાં સંઘરી રાખીને સમયે સમયે જીવનના અવનવા પ્રસંગોએ અમલમાં મુકવાની મજા તો વળી કાઈક ઔર જ છે.

 2. pragnaju says:

  અતિસુંદર
  ‘બાળક પર અસર થાય છે તેમ કુટુંબમાં એકબીજાં સાથેના વ્યવહારની, આડોશી-પાડોશી સાથેના વ્યવહારની અને માનવસંબંધોમાં થતાં વિવિધ આદાનપ્રદાનનોની પણ બાળકના મન ઉપર સતત અસર થતી રહે છે અને એનાથી એનું રુચિતંત્ર ને વર્તન ઘડાય છે.’
  તેવું જ દરેક વયનાં માટે આવી વાતો ખૂબ આવશ્યક

 3. ભાવના શુક્લ says:

  આપણી સૌની સામાજીક,વ્યવહારીક,વૈચારીક અને આધ્યાત્મિક મંદતા આગળ મંદબુદ્ધિના બાળકોની માનસીક મંદતા સાવ વામણી હતી. દરેક પ્રસંગ સરસ વાત કહી જાય છે.

 4. Trupti Trivedi says:

  Incedence of Rajasthan farmer is very inspiring.

 5. saurabh says:

  The first One” nanakadi Zindagi ma” is very well executed.
  I always looking for this kind of article in In readgujarati .
  Please upload as much as you can.

 6. nayan panchal says:

  સરસ વાતો.

  મૃગેશભાઈ,

  કંઇક એવી ગોઠવણ feasible ખરી કે દરેક લેખને વાંચકો rating આપી શકે. આવા ખાસ અને જૂના લેખો ફટાફટ મળી જાય એટલા માટે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.