નવી નવાઈનાં છાપાં ! – મન્નુ શેખચલ્લી

[‘હવામાં ગોળીબાર’ પુસ્તકમાંથી લેખનો કેટલોક અંશ સાભાર.]

[1] પતિઓ માટે ‘પતિ સમાચાર’

મહિલાઓ તથા પત્ની માટે દુનિયાભરમાં જાતજાતનાં છાપાંઓ અને મેગેઝિનો બહાર પડે છે, પણ બિચારા પતિઓ માટે હજુ સુધી કોઈ સ્પેશ્યલ છાપું નીકળ્યું નથી. આ ખોટ પૂરી કરવા માટે હવે હાજર છે… ‘પતિ સમાચાર !’ આ સમાચારના પહેલા જ પાના ઉપર આઠ કોલમના વિસ્તારમાં પથરાયેલી હેડલાઈન સાથેના આ સમાચાર વાંચો :

‘લગ્નભથ્થાંની માગણી બુલંદ કરવા માટે સરકારી પતિઓ એક દિવસની હડતાળ પાડશે !’

સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓ પરણેલી મહિલાઓને મેટરનિટી લીવ તો આપે છે, પરંતુ પરણેલા પુરુષોની માગણીઓ ઉપર હજુ સુધી પૂરતું ધ્યાન અપાયું નથી. અખિલ ભારતીય પતિમંડળના અધ્યક્ષ શ્રી. બૈ. રી. ઘેલા જણાવ્યું હતું કે કુંવારા કર્મચારીની સરખામણીમાં પરણેલા કર્મચારી ઉપર બમણો બોજ હોય છે. ઘરે જતાં પહેલાં રોજ શાકબકાલુની ખરીદી કરવા ઉપરાંત પત્નીની સાડી-સેન્ડલ અને મેકઅપના સામાનની ખરીદીનો બોજ પણ પતિના ખિસ્સા પર જ પડતો હોય છે. આ ઉપરાંત રવિવારે તેને ઘરઘાટીની એકસ્ટ્રા ડ્યુટી કરવી પડતી હોય છે. જો બાળકો મોટાં થઈ ગયાં હોય તો નિશાળનું હોમવર્ક પણ પતિઓએ ઓવરટાઈમ લીધા વિના કરી આપવું પડતું હોય છે.

ઑફિસના કામ ઉપરાંતના આ બોજાઓને પહોંચી વળવા માટે તમામ પરણેલા કર્મચારીઓને ‘લગ્નભથ્થું’ આપવાની અમારી માગણી છેલ્લા એક વર્ષથી સરકારના બહેરા કાને અથડાઈને અથડાઈને પાછી ફરી છે તેમ જણાવતાં શ્રી. બૈ. રી. ઘેલાએ આજે તમામ સરકારી પતિઓને એક દિવસની હડતાળ પાડવાનું એલાન કર્યું હતું. સરકારી પતિઓની આ હડતાળમાં દેશભરના ‘ખાનગી પતિઓ’ પણ જોડાનાર છે. જો કે આ રાષ્ટ્રવ્યાપી હડતાળની તારીખ હજી નક્કી નથી. હડતાળની તારીખ હજી સુધી કેમ નક્કી નથી તેવા એક પ્રશ્નના જવાબમાં શ્રી બૈ. રી. ઘેલાએ શરમાઈને જણાવ્યું હતું કે ‘એ હું મારી વાઈફને પૂછીને જણાવીશ !’

આ ‘પતિ સમાચાર’ ના ચર્ચાપત્ર વિભાગનું નામ છે : ‘અહીં મોં ખોલવાની છૂટ છે !’ જેમાં એક ચર્ચાપત્રી (ચર્ચાપતિ) એ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. એ મુદ્દો છે : ‘પત્નીના ત્રાસથી બચવા ક્યાં જવું ?’

તેઓ લખે છે : ‘આપણી સમાજવ્યવસ્થાને ધરમૂળથી બદલવાનો સમય હવે પાકી ગયો છે. પત્નીઓ જ્યારે પતિથી કંટાળી જાય છે ત્યારે માઈન્ડ ફ્રેશ કરવા માટે પિયર જઈ શકે છે, પણ પત્નીથી કંટાળી ગયેલો પતિ જાય તો ક્યાં જાય ? સાસરે ? પત્નીઓના રોજબરોજના ત્રાસથી પીડાઈ રહેલા પતિઓ માટે ‘ઘરડાઘર’, ‘બાલઘર’ તથા ‘ઘોડિયાઘર’ ની જેમ ‘પતિપીડાશમનકેન્દ્રો’ ખોલવાનું કોઈ સેવાભાવી સંસ્થા વિચારશે ?’ લિખિતંગ : ભા. રે. મૂંઝાણા.

[2] ભિખારીઓ માટે ‘ભિખારી વર્તમાન’

આજકાલના ભિખારીઓ છાપું વાંચે છે કે નહીં તે ખબર નથી, પરંતુ જ્યારે ભિખારીઓ માટેનું સ્પેશ્યલ છાપું ‘ભિખારી વર્તમાન’ બહાર પડતું થઈ જશે ત્યારે ભિખારીઓ રોજ ભીખ માગતાં પહેલાં ‘ભિખારી વર્તમાન’ અવશ્ય વાંચી લેશે ! સામાન્ય રીતે છાપાના નામની આસપાસ ઝીણાં અક્ષરે લખેલું લખાણ કોઈ વાંચતું નથી. પરંતુ ‘ભિખારી વર્તમાન’નું આ લખાણ તો વાંચવું જ રહ્યું.

છાપાના મથાળે ફાટેલાતૂટેલા અને થીંગડાં મારેલા અક્ષરો વડે લખ્યું હશે, ‘ભિખારી વર્તમાન’. બાજુમાં નાના છતાં બોલ્ડ અક્ષરે લખ્યું હશે : ‘આ છાપું ભીખમાં મળશે નહીં. રોકડેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. કિંમત રૂ. 1.75 (છુટ્ટા આપો ! તમારી પાસે બહુ છે !) તંત્રી : કરોડપતિ. સંપાદક : લખપતિ. માલિક : અબજપતિએ ‘સખાવતી’ પ્રેસમાં છાપીને હનુમાનજીના મંદિરની સામેની ફટપાથ પરથી પ્રગટ કર્યું.

‘ભિખારી વર્તમાન’ ના પહેલા જ પાને તંત્રીલેખ હશે કે – ‘વર્લ્ડ બૅન્ક નાના ભિખારીઓને કેમ ભીખ નથી આપતી ?’ જગતના ભિખારીઓ જાગો ! ‘તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા’ જેવાં ગીતો ગાઈગાઈને એક એક પૈસાની ભીખ માંગવાના દિવસો હવે પૂરા થયા છે. હવે ભિખારીસમાજ સામે નવા નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. હવે તો આપણે કબૂલ કરવું રહ્યું કે આંદ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ જેવો ભડવીર ભિખારી પેદા થયો છે. અને આ માણસ જગતના તમામ નાના ભિખારીઓ માટે એક પડકાર બનીને ઊભો છે ! વર્તમાનપત્રોના અહેવાલો જણાવે છે કે ચંદ્રાબાબુ નાયડુએ વર્લ્ડ બૅન્ક આગળ એવી ચતુરાઈભરી રીતે ભીખ માગી છે કે વર્લ્ડ બૅન્કે તેને 150 મિલિયન ડૉલર્સ સાયક્લોન-વાવાઝોડાની રાહ્ત માટે, 325 મિલિયન ડૉલર્સ નહેરયોજના નામે અને 350 મિલિયન ડૉલર્સ રાજ્યમાં હાઈવે બાંધવાના નામ પર ભીખમાં આપી દીધા છે ! ફકત આંદ્ર પ્રદેશમાં જ નહીં, હવે તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પણ વર્લ્ડબૅન્ક પાસે લાખો ડૉલર્સની ભીખ માગવા માટે કમર કસી રહ્યા છે, સોરી, ઝોળી કસી રહ્યા છે.

હે જગતના ભિખારીઓ ! જો આવા મુખ્યમંત્રીઓને લાખો ડૉલર્સની ભીખ મળી શકતી હોય તો આપણા જેવા નાના ભિખારીઓએ શું પાપ કર્યા છે ? આપણને પણ વર્લ્ડ બૅન્કની ભીખ મળવી જ જોઈએ ! એટલું જ નહીં, પણ પોલીસોને ભરવા પડવા કમરતોડ હપતા માટે પણ વર્લ્ડ બૅન્કની લોન મળવી જોઈએ !

પહેલાં પાના ઉપર ‘ભિખારી વર્તમાન’ માં જાહેરખબર આપવા માટેની લોભામણી જાહેરખબર અડધા પાનામાં પથરાયેલી હશે :
‘દે દે ! અલ્લા કે નામ પે જા ટ ખ દે દે !’
‘ભિખારી વર્તમાન’ માં જાહેરખબર આપો અને દસગણો ફાયદો મેળવો ! કારણ કે –
‘તુમ એક જાxખ દોગે, વો દસ લાખ જાxખ કા બજેટ દેગા !’
જી હાં, ‘ભિખારી વર્તમાન’ માં જાહેરખબર આપવાથી આપને લાખો ઘરાકોની ઘરાકી જ નહીં, પરંતુ કરોડો ભિખારીઓના આશીર્વાદ પણ મળી રહે છે. અમારી ‘ભવ્ય જાહેરખબર ભેટ યોજના’ મુજબના ભાવો આ મુજબ છે :
આખું પાનું : રૂ. 10,000 (સાથે સ્વર્ગલોકમાં રહેવાનું પુણ્ય બિલકુલ મફત !)
અડધું પાનું : રૂ. 5,000 (સાથે વૈતરણી પાર કરવાનો પાસપોર્ટ સપ્રેમ ભેટ !)
પા પાનું : રૂ. 2,500 (સાથે ‘મા ભવાની તમારી રક્ષા કરશે.’ વીમા યોજનાની મેમ્બરશીપ ફ્રી !)
ટચૂકડી જાxખના રૂ. 500 (જાxખના આપનારને નામે ચિત્રગુપ્તના ચોપડામાં એક પુણ્યની એન્ટ્રી કરાવી આપવામાં આવશે.) ખાસ નોંધ : જાxખના પૈસા રોકડા લેવામાં આવે છે. પૈસા મળી ગયા બાદ જ આશીર્વાદ આપવામાં આવશે !

[3] ભટકતી ગાયો માટેનું છાપું

‘લો આવી ગયું ભટકતી ગાયો માટેનું એકમાત્ર છાપું…દૈનિક ઘાસચારો !’
‘વાહ ! કહેવું પડે ! પણ ‘દૈનિક ઘાસચારો’ ની ઉપર આ શું લખેલું છે ?’
‘લખ્યું છે કે, ભટકતી ગાયો માટે સ્વાદિષ્ટ, મજેદાર અને વિટામિન “ડી” યુક્ત અખબાર ! અલ્યા ભઈ, છાપું તે કંઈ વિટામીન “ડી” યુક્ત હોય ? સ્વાદિષ્ટ હોય ?’
‘કેમ ન હોય ? ભટકતી ગાયો છાપાંઓ વાંચે કે ન વાંચે, ચાવી ચાવીને ખાઈ તો જાય છે ને ?’

[4] હાથીઓ માટેનું છાપું.

હાથી સવારનો ઊઠ્યો ત્યારનો બેચેન હતો. કમ્પાઉન્ડના આ છેડેથી પેલા છેડા સુધી આંટા મારી રહ્યો હતો. ‘કહું છું, ચા તો પી લો ?’ હાથણીએ ટહુકો કર્યો.
‘છાપું આવે તો પીઉં ને ? છાપા વિના ચા પીવાની મજા નથી આવતી.’ હાથીએ જવાબ આપ્યો.
ત્યાં જ છાપાંની ફેરી કરતો વાંદરો સાઈકલ પર જતો દેખાયો.
‘એય વાંદરા ! આજનું છાપું ક્યાં ?’ હાથીએ બૂમ પાડી.
‘નાખ્યું તો ખરું ? જુઓ તમારા પગ નીચે દબાઈ ગયું હશે !’
‘મારા પગ નીચે ?’ હાથીએ પગ નીચે શોધી જોયું, ‘ક્યાં છે ?’
‘જરા ધ્યાનથી જુઓ હાથીકાકા !’ વાંદરાએ કહ્યું : ‘ખાસ્સું બે ઈંચ બાય બે ઈંચનું છાપું છે !’
‘બે ઈંચ બાય બે ઈંચ ? અરે વાંદરા, અમારા હાથીઓનું છાપું તો તંબુ જેવડું મોટું હોય છે ! આ બે ઈંચનું છાપું કોનું છે ?’
‘કીડીઓનું છાપું છે !’ વાંદરાએ ફોડ પાડ્યો, ‘તમારું હાથીઓનું છાપું તો બંધ થઈ ગયું.’
‘કેમ ? શું થયું ?’
‘લો ! ખબર નથી ? ન્યુઝપ્રિન્ટના ભાવ ડબલ થઈ ગયા !’ વાંદરાએ કહ્યું : ‘હવે આ ભાવમાં તો કીડીસાઈઝનું છાપું જ પોસાય તેવું છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનલક્ષીવાતો – સંકલિત
સાયબરયુગ અને સંવેદના – ઈન્દુકુમાર જાની Next »   

14 પ્રતિભાવો : નવી નવાઈનાં છાપાં ! – મન્નુ શેખચલ્લી

 1. mayuri_patel79 says:

  હસો અને હસાવો લેખ,હાસ્યસાથે કટાક્શ વાચિ મજા આવિ

 2. “ha ha ha”

  From:
  Gaurang M. Goradiya,
  Web Designer in Mumbai,

 3. અતુલ જાની (આગંતુક) says:

  વાહ ભાઈ વાહ, આ હવામાં ગોળીબાર તો બહું સારા, કોઈને ગોળી વાગે ય નહીં ને પાછો ગોળી ફોડ્યાનો અને અવાજ સાંભળવાનો આંનદ થાય. આવા ને આવા ધડાકા કરતાં રહેજો.

 4. dipika says:

  વાહ, મજા પડી ગઈ..

 5. pragnaju says:

  …નાના નાના રોજના પ્રસંગોમાંથી હળવા હાસ્ય બદલ મન્નુ શેખચલ્લીનેધન્યવાદ

 6. Dolly Thakkar says:

  બધાયનું છાપા કાઢ્યા…
  રીડ ગુજરાતીઓનું ક્યારે કાઢશો મન્નુભાઈ?

 7. Amit Lambodar says:

  ગાયો નું છાપુ કોઈ લલ્લૂ ચરી જશે , હા…હા…હા….

 8. ranjan pandya says:

  દુઃખી અને પત્નિઓથી ત્રસ્ત્ર (ત્રાસ પામેલ) પતિઓ માટે વીચારવાનો સમય પાકી ગયો ચે.!!!

 9. biren chokshi says:

  Bahu sara lekh che.vanchva ne maza padi gai.
  koik divas nri mate pen lakho

 10. nayan panchal says:

  લલિતભાઈ,

  તમારા મગજમાં આવા આવા વિચારો આવે છે ક્યાંથી!!

  મજા આવી ગઈ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.