સાયબરયુગ અને સંવેદના – ઈન્દુકુમાર જાની

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

જે દિવસથી ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં તે દિવસથી જ સંવેદનક્ષમતાની ચિંતા સેવવી પડે એવા શાસન અને સમાજનું નિર્માણ થવા લાગ્યું. મૂડીવાદ, શોષણ, શેરબજારથી માંડીને ઉપભોક્તાવાદ આપણને ભરડો લેવા લાગ્યો. માર્કસના ચિંતન અને સામ્યવાદે એક ભિન્ન વિચારધારા રજૂ કરી પણ આજના વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ અને સાઈબરના માહોલમાં બધું છિન્નભિન્ન થતું જોવા મળે છે. આધુનિક સુધારા અંગે ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ માં એને ‘ચાંડાળ સુધારા’ કે ‘પશ્ચિમના સુધારાવાદ’ તરીકે ઓળખાવીને લાલ બત્તી ધરી હતી. પરંતુ 21મી સદીનો હાલનો મૂડીવાદ ‘સર્વાઈવલ ઑફ ફિટેસ્ટ’નો ડાર્વિન કથ્યો સિદ્ધાંત ચરિતાર્થ કરવા ઈચ્છે છે. એમ તો જૉન સ્ટુઅર્ટ મિલે યુરોપિયનોની સંસ્કૃતિ બહેતર હોવાથી તેઓ એશિયા-આફ્રિકા જેવા પછાત સંસ્કૃતિના લોકો પર રાજ કરે એને ઉચિત ગણાવ્યું હતું.

અમેરિકા પોતાની ઉપભોક્તાવાદી સંસ્કૃતિ અને જીવનશૈલી અંગે કોઈ ચર્ચા કે બાંધછોડ કરવા રાજી નથી. સમૂહ માધ્યમો દ્વારા એ સંસ્કૃતિનો બેરોકટોક પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. અમેરિકા પોતાની સર્વોપરિતા સ્થાપવા ઈચ્છે છે. ભારતનો આમઆદમી એની રોજબરોજની જંજાળોમાંથી ઊંચો આવતો નથી. સંપત્તિવાનો સ્વાર્થી, આરામપ્રિય અને નર્યા સ્વકેન્દ્રી થતા જાય છે. સમાજમાં ધનવાનોની પ્રતિષ્ઠા અગાઉ કરતાં આજે વધુ પ્રમાણમાં જોવા મળે છે, યેનકેનપ્રકારેણ સંપત્તિવાન થાવ….. કરોડપતિ-અબજપતિની યાદીમાં સ્થાન મેળવો એવી એક હોડ લાગી છે. કોર્પોરેટ જગત આજે એકને નોકરીએ રાખે છે, એને બે જણ જેટલો પગાર ચૂકવે છે અને ઓછામાં ઓછું ચાર જણ જેટલું કામ લે છે. માણસની સંવેદનાનો તો કૂચો નીકળી જાય છે. આજે ઝડપી પરિવહનનાં સાધનો વધ્યાં, સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ થઈ, ટેકનોલોજીએ અનેક ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ સાધ્યો….. માનવીની બૌદ્ધિક ક્ષમતા તીક્ષ્ણ થતી ગઈ અને સંવેદનક્ષમતા બુઠ્ઠી થતી ગઈ !

કૃષિ-ક્રાંતિ પછી ઔધૌગિક ક્રાંતિ અને ત્યારબાદ માનવીય ક્રાંતિનું ‘ત્રીજું મોજું’ આવશે એવું એલવિન ટોફલરે ભાખ્યું હતું. બજારવાદનો અંત આવશે અને વિજ્ઞાન, ટૅકનોલોજી, ઉદ્યોગ-ધંધા બધાને માનવીય સ્વરૂપ મળશે એવી કલ્પના રજૂ કર્યા બાદ ખુદ એણે જ ગુલાંટ મારી અને ‘પાવરશિફ્ટ’ માં અમેરિકી મૂડીવાદનું મહિમાગાન કર્યું. આ સંજોગોમાં અસમાનતા વધી જાય અને ન્યાયી સમાજરચના પાછળ ઠેલાતી જાય એવું બનવાનું જ. આ માનવીય પડકાર દિલમાં છલોછલ સંવેદના થકી જ ઝીલવો રહ્યો. જોકે સંવેદનક્ષમતાની આ કટોકટી આજકાલની નથી. જ્યારે આઝાદી બિલકુલ ઢૂંકડી હતી ત્યારે ગાંધીજી દેશના ભણેલા લોકોની હૃદયહીનતાથી દુ:ખી દુ:ખી હતા. અસ્પૃશ્યતા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં સુશિક્ષિત સુધારક વર્ગ પ્રમાણિક નથી એવી ડૉ. બી. આર. આંબેડકરની પણ ફરિયાદ હતી. એટલે શિક્ષણક્ષેત્રે માનવીય મૂલ્યોનું સ્થાપન કરવું જરૂરી બનતું જાય છે. શિક્ષિત ઈજનેર કે ડૉક્ટર તેના વ્યવસાયમાં નામ કાઢવાની સાથોસાથ સારો માનવી બને તો કામનું !

બાળચિત્તમાં નાનપણથી સમભાવના, સંવેદનાનું આરોપણ-જતન-સંવર્ધન થતું રહેવું જોઈએ. એક વાર નિશાળે જતા બાળકે એની માને કહ્યું કે ‘મમ્મી ! આજે નાસ્તો વધારે મૂકજે, મારી સાથે એક દોસ્ત ભળવાનો છે.’ મમ્મીએ ઠપકો આપ્યો, ‘તારે એવી કોઈ ચિંતા સેવવાની જરૂર નથી. એ તારો દોસ્ત નથી, હરીફ છે.’ એક વાર એક બહેને સોસાયટીનાં ટાબરિયાંઓને જુદા જુદા રંગોની પીપરમિન્ટ આપી. બે બાળકોએ એક ખાસ રંગની ટીકડી બાજુએ મૂકી દીધી. પીપરમિન્ટ જેવી બાળકોને લલચાવનારી વસ્તુને પણ ધિક્કારનું સ્વરૂપ અપાયેલું જોવા મળ્યું. બાળકોના મનમાં ‘એ તો બીજી કોમનો રંગ છે’ એવું ઠસાવાયેલું. પેલાં બહેને કુદરતના જુદા જુદા રંગો વિશે પ્રેમથી સમજાવ્યું પછી બાળકો નકારેલી ટીકડી ખાઈ ગયાં. આ બંને બિનાઓ પહેલી નજરે નાની લાગે પણ તે સંવેદનક્ષમતા પર કુઠારાખાત કરે છે અને જે જાતની માનસિકતા જન્માવે છે એ માટે જવાબદાર કોણ, માતા-પિતા, શિક્ષકો, અખબારો કે સમગ્ર સમાજ ? બાળપણથી શિક્ષકોએ અને વાલીઓએ શિક્ષણ દરમ્યાન સંવેદનક્ષમતાનું સિંચન કરવું રહ્યું.

આ સમગ્ર પ્રશ્નને જરા જુદા દષ્ટિકોણથી પણ જોવો જોઈએ. આજના યુગમાં અતિકુશળ (હાઈલી સ્કિલ્ડ) યુવાનો જ ટકી શકશે. બાણું ટકા અસંગઠિત વર્ગ ધીરે ધીરે ગર્તામાં ખોવાતો જાય છે.ઔદ્યોગિક ક્રાંતિ પછી શરૂ થયેલું શહેરીકરણ વેગ પકડતું જાય છે. શહેરોમાં મલ્ટિપ્લેક્સ, સુપરમોલ, રોશનીથી ઝળહળતા માર્ગો, સ્કાયસ્ક્રેપર્સ વધતાં જાય છે. સાથોસાથ ગંદી ઝૂંપડપટ્ટીઓ પણ વધતી જાય છે. ગામડાંઓ ભાંગતાં જાય છે. ખેતીની જમીનો છીનવાતી જાય છે. આદિવાસીઓ, દલિતો, મીઠાના અગરિયાઓ, માછીમારો, સ્થળાંતરિત મજૂરો વગેરેની બેહાલી વધતી જાય છે. ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ’ જાગી રહ્યો છે અને નકસલવાદનું બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય નહોતી એટલી સર્વાશ્લેષી અને સાર્વત્રિક સંવેદનાની આજે જરૂર છે. કહેવા પૂરતું આજે કોર્પોરેટ ક્ષેત્ર ‘સામાજિક ઉત્તરદાયિત્વ’ નું ગાણું ગાઈ રહ્યું છે પણ એ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ જેવું છે. આ ચાલી શકે નહિ. વિશાળ વંચિત વર્ગની અવહેલના માઠાં પરિણામો લાવશે. સુખી લોકો અને કોર્પોરેટ ક્ષેત્ર આ વંચિત જનસમૂહો ભણી, માત્ર દયા નહિ, સાચા દિલની સંવેદના દાખવે એ સમયનો તકાજો છે. સંપત્તિવાનોએ પોતાની સલામતી ખાતર પણ વંચિતો ભણી સંવેદનશીલતા દાખવવી રહી. સમૃદ્ધિના ટાપુ પર પોતે સુખેથી જીવી શકશે એમ માનવું ભૂલભરેલું ગણાશે.

આપણા શિક્ષણક્ષેત્રની જેમ જ આપણું સાહિત્ય, ટી.વી. સિરિયલ્સ, ફિલ્મો વગેરે માનવીના હૃદયમાં રહેલી સંવેદનાને સંકોરતાં રહે તો સંવેદનક્ષમતાની માવજત સુપેરે થશે. ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, ગાંધીજી વગેરેના પ્રેમ, કરુણા પ્રસરાવતા સંદેશને આપણે સૌએ આત્મસાત્ કરવો રહ્યો. માનવ-સભ્યતા અનેકાનેક અવરોધો વચ્ચે પણ પ્રગતિ સાધતી રહી છે. માનવ અધિકારોની દિશામાં દિવસે દિવસે સંવેદનાસભર સમજ વિકસતી જાય છે….. અંતમાં હું રવીન્દ્રનાથ ઠાકુરને સંભારીશ. એમના આયુષ્યનું અંતિમ વર્ષ. શાંતિનિકેતનમાં એમની એંશીમી જન્મતિથિ નિમિત્તે આપેલું વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’ મારા કાનમાં ગુંજે છે : ‘માણસજાત પ્રત્યેનો વિશ્વાસ ખોઈ બેસવો એ પાપ છે, એ વિશ્વાસ હું આખર સુધી જાળવી રાખીશ… મનુષ્યના પરાભવને અંતહીન અને પ્રતિકારહીન માની લેવો એને હું અપરાધ સમજું છું.’

આપણે માનવજાતમાં શ્રદ્ધા રાખીએ અને સાચા દિલની સંવેદના ‘જ્યોત સે જ્યોત જલે’ની જેમ પ્રગટાવતા રહીએ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવી નવાઈનાં છાપાં ! – મન્નુ શેખચલ્લી
ખોવાયાને ખોળવા – અનુ. હરિશ્ચંદ્ર Next »   

13 પ્રતિભાવો : સાયબરયુગ અને સંવેદના – ઈન્દુકુમાર જાની

  1. pragnaju says:

    એલવિન ટોફલરે ભાખ્યું હતું તેવું માનવીય ક્રાંતિનું ‘ત્રીજું મોજું’ આવશે તેમાં શ્રધ્ધા છે જ.
    અને સાચા દિલની સંવેદનાથી ‘જ્યોત સે જ્યોત જલે’ની જેમ પ્રગટાવતા રહીએ છીએ-તેને થોડા વેગની જરુર છે.થોડી સબૂરીની જરુર છે

  2. અતુલ જાની (આગંતુક) says:

    આપણે માનવજાતમાં શ્રદ્ધા રાખીએ અને સાચા દિલની સંવેદના ‘જ્યોત સે જ્યોત જલે’ની જેમ પ્રગટાવતા રહીએ…..

    માનવજાતમાં શ્રદ્ધા એટલે પોતાની જાતમાં શ્રદ્ધા. કારણ કે આપણે સહું માનવો છીએ. જ્યારે મનુષ્યને પાપી કહીને ધૂત્કારવામાં આવ્યો તેવે વખતે સ્વામી વિવેકાનંદે ગર્જના કરતાં કહ્યું કે મનુષ્ય પાપી? તે કેવી રીતે બની શકે? જો આપણે ઈશ્વરના સંતાનો હોઈએ, અક્ષય સુખના ભાગીદારો હોઈએ, આ પૃથ્વી ઉપરના દિવ્ય અને અમર આત્માઓ હોઈએ તો આપણે પાપી અને અધમ ન જ હોઈ શકીએ અને માટે ફરી એક વાર આપણે માનવજાતમાં શ્રદ્ધા એટલે કે આપણા પોતાનામાં જ શ્રદ્ધા રાખવી જ રહી અને જ્યોત સે જ્યોત જલાવવી જ રહી. બીજો કોઈ વિકલ્પ જ નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.