ખોવાયાને ખોળવા – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી ગોલ્ડફેડરના ‘રીડર્સ ડાયજેસ્ટ’માંના લેખને આધારે ]

ખોવાયેલાઓને ખોળી આપવા એ મારો વ્યવસાય. વરસોથી વિખૂટા પડી ગયેલા કેટલાયને મેં ભેળા કરી આપ્યા છે. તેનું વ્યાવસાયિક વળતર તો મને મળે જ છે. પરંતુ તે મિલન વખતે જે હૃદયસ્પર્શી દશ્યો સર્જાય છે. તે મારા જીવનને ભર્યું-ભર્યું બનાવી દે છે. જાતજાતના કિસ્સા મારા હાથમાં આવ્યા છે. તેમાં આ એક કિસ્સો તો શિરમોર છે.

તેની શરૂઆત થઈ એક પત્રથી. પીટર નામના માણસનો પત્ર હતો : ‘તમે મને મદદ કરશો, તો તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. સાત-આઠ વરસ પહેલાં મારાં ને મેરીનાં લગ્ન થયાં. તેનાથી ચારેક વરસ પહેલાં મેરીના પહેલા પતિનું અવસાન થયેલું. તેની દીકરી સોફિયા ત્યારે આઠ વરસની હતી. પણ પોતે તેનો સારો ઉછેર નહીં કરી શકે, એમ લાગતાં મેરી સોફિયાને એક અનાથાશ્રમમાં મૂકી આવેલી. થોડો વખત તો તેના સમાચાર મળતા રહ્યા, પણ એકાદ વરસ પછી કોઈક તેને દત્તક લઈ ગયું. ત્યાર બાદ તેનો કોઈ પત્તો નથી. મેરી પોતાની દીકરી માટે ઝૂરે છે. એક વાર તેને મળવા ઈચ્છે છે. તે સાજી-સારી તો છે ને ! મેરીને હું બહુ ચાહું છું. તેનો ઝુરાપો મારાથી જોવાતો નથી. સોફિયાની ભાળ કાઢવા હું બહુ મથું છું. મા-દીકરીને મેળવી આપવામાં તમે મદદ કરશો ?’

કામ બહુ અઘરું હતું. ફોન કરીને મેં પીટર પાસેથી સોફિયા વિશે વધુ માહિતી મેળવી. અનાથાશ્રમનું સરનામું લઈને ત્યાં સંપર્ક કર્યો, પણ તેઓ પાલક માતાપિતા વિશે કશું જણાવવા તૈયાર નહોતાં. મેં મારી બધી કુશળતા વાપરી, તો વાતચીતમાં એટલું જાણવા મળ્યું કે સોફિયા બહુ સારું ગાતી હતી. તેનાં પાલક માતા પિતાએ તેને સંગીતમાં પારંગત કરી છે, અને સોફિયા હવે સંગીતના કાર્યક્રમ આપતી થઈ છે, પગભર થઈ છે. બસ, આટલા સંકેત સાથે મેં સોફિયાની શોધ આદરી. હવે વીસેક વરસની થયેલી અને સંગીતના કાર્યક્રમ આપનારી સોફિયાને મારે શોધવાની હતી. એક સોફિયા સંગીતના સ્વતંત્ર કાર્યક્રમ આપતી હતી, પણ એ તો કોઈ ઉચ્ચ કુટુંબની હતી અને મને જોઈતી સોફિયા નહોતી. બીજી સોફિયા એક સંગીત મંડળી સાથે જોડાયેલી હતી, અને તે પણ મારી સોફિયા નહોતી.

ત્રીજી સોફિયા બ્લેયર એક નાઈટ કલબ સાથે જોડાયેલી હતી, અને ત્યાંની મુખ્ય ગાયિકા હતી. મેં કલબના મેનેજરને પત્ર લખ્યો કે એક ખાસ કામ માટે મારે સોફિયાને મળવું છે. તેનો હકારમાં જવાબ મળતાં ભારે જિજ્ઞાસા સાથે હું મળવા ગયો. ત્યારે તેનો કાર્યક્રમ ચાલતો હતો. સ્ટેજ ઉપર એક યુવાન સુંદર છોકરી ગાઈ રહી હતી. તેનો અવાજ બહુ મીઠો હતો. શું આજ પેલી સોફિયા હશે ? કાર્યક્રમ પૂરો થતાં હું ડ્રેસિંગરૂમમાં તેને મળ્યો. તે ખુરશી પર નીચું માથું રાખીને બેઠી હતી. મેં ઓળખાણ આપી. તે મૃદુ અવાજે બોલી, ‘હા, મેનેજરે તમારો પત્ર વાંચી સંભળાવ્યો હતો. હું જાતે તો વાંચી શકતી નથી.’ ઘડીક તો હું કાંઈ સમજી શકતો નહીં. પણ તેણે માથું ઊંચું કર્યું અને મારા મોઢેથી ઉદ્દગાર સરી પડ્યાં, ‘તમે અંધ છો ?’
‘હા… પણ તમને મળીને ખુશી થઈ. બોલો, મારું શું કામ છે ?’

મને થયું, ફરી હું ખોટી સોફિયાની હડફટે આવી ગયો છું કે શું ? છતાં મેં મારી વાત કરી, તેને મળવા આવવાનું પ્રયોજન કહ્યું. મેં જોયું કે વાત સાંભળતાં જ તેના મોં પર કરડાકી આવી ગઈ. તેનો મૃદુ સ્વર રૂક્ષ થઈ ગયો : ‘હા, હું જ એ કમનસીબ છોકરી છું, જેને આઠ વરસની હતી ત્યારે એની માએ છોડી દીધી હતી.’ એની મા હવે એને મળવા કેવી ઝૂરે છે, એ વાત કરવા હું જેવો ગયો કે મને વચ્ચેથી જ કાપી નાખતાં એ બોલી : ‘હા, મારી આંખો જતી રહેવાની છે એમ જાણ્યું ત્યારે એ બાઈએ મને ફેંકી દીધી !…. મને જ્યારે એની એકદમ જરૂર હતી, ત્યારે જ….’

તેના અવાજમાં અત્યંત કડવાશ આવી ગઈ હતી. એવી માને મળવાનો તેણે સદંતર ઈન્કાર કરી દીધો. પોતાનાં પાલક માતાપિતાએ કેવા પ્રેમથી તેને ઉછેરી છે, તે યાદ કરતાં એ ગળગળી થઈ ગઈ. મેં આ બધું પીટરને જણાવ્યું, ત્યારે ઘડીભર એ મૂંગો થઈ ગયો. મેં પૂછ્યું, ‘સોફિયાને અનાથાશ્રમમાં મૂકી, ત્યારે તે દષ્ટિ ગુમાવી રહી હતી, તેની મેરીને ખબર હતી ?’
પીટર નિસાસો નાખી બોલ્યો : ‘સચ્ચાઈ કેવળ ભગવાન જાણે છે !…. પણ ગમે તેમ કરીને મેરી એક વાર તેને મળી શકે એવું કરો.’ હું સોફિયાનાં પાલક માતાપિતાને મળ્યો. એમને બહુ આગ્રહપૂર્વક સમજાવ્યું. તેઓ બહુ જ પ્રેમાળ અને સમજુ હતાં. છેવટે એમની પ્રેમભરી સમજાવટથી સોફિયા પોતાની જન્મદાત્રી માને એક વાર મળવા તૈયાર થઈ.

પીટર અને મેરી આવ્યાં. એક હોટેલમાં ઊતર્યાં. હું સોફિયાને લઈને ગયો. રૂમમાં પ્રવેશ્યો. સોફિયાએ મારો હાથ ઘટ્ટ પકડ્યો હતો. તેના મનમાં ચાલતું ઘમસાણ હું અનુભવી શકતો હતો. મેરી બેઠી હતી, ત્યાં હું તેને લઈ ગયો. સોફિયા માંડ માંડ બોલી, ‘હેલ્લો !’
‘બેટા નજીક આવ, હું તને જોવા માગું છું.’ અને મેરી ઊભી થઈ. તેણે પોતાના બંને હાથ સોફિયાના ખભે મૂક્યા, પછી પ્રેમથી તેના આખા મોઢા પર ફેરવ્યા. પોતાની આંગળીઓથી એ તેને પૂરી સ્પર્શીને અનુભવી લેવા માગતી હતી. ‘આહ, તું હવે મોટી થઈ ગઈ છે ! કેવી મધુર ને મીઠડી !’
સોફિયાએ પોતાના હાથ ઊંચક્યા અને મૃદુતાથી મેરીના હાથ પકડી લીધા. દષ્ટિવિહીનની અનુભૂતિ એ બરાબર જાણતી હતી. ‘તો શું…. તમે પણ મારી જેમ…. ?’
‘હા, હું પણ તારી જેમ જોઈ શકતી નથી.’
‘ઓહ !’ – કહેતી સોફિયા એકદમ રડી પડી, ‘પણ મને કોઈએ કદી આ કહ્યું જ નહીં !’
‘હા, બેટા ! તારા જન્મ પછી મારી આંખની જ્યોતિ ધીરે ધીરે ઓછી થતી જતી હતી. તેમાં મેં જોયું કે છ-સાત વરસની ઉંમર પછી તારી દષ્ટિ પણ ધૂંધળી થતી જતી હતી. હું બેબાકળી બની ગઈ. શું આ વારસાગત હશે ? તો તારી સારસંભાળ કોણ રાખશે ? છેવટે વલોવાતા હૃદયે મારે નિર્ણય લેવો પડ્યો.’

સોફિયાની આંખેથી અશ્રુધારા વહી રહી, અને તેમાં મનની કડવાશ ક્યાંય ધોવાઈ ગઈ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાયબરયુગ અને સંવેદના – ઈન્દુકુમાર જાની
એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર Next »   

20 પ્રતિભાવો : ખોવાયાને ખોળવા – અનુ. હરિશ્ચંદ્ર

 1. bhavi shah says:

  ખુબ સરસ , અત્યન્ત લાગણી સભર લેખ

 2. ભાવના શુક્લ says:

  સુંદર ભાવનાત્મક લેખ. કુદરત પણ ક્યાંક જઈને મળે છે ને?

 3. Dhaval B. Shah says:

  નાની પણ હ્રુદયસ્પર્શી વાર્તા.

 4. હરિશ્ચઁદ્રનીવાર્તા હઁમેશ ઉત્ક્રૂષ્ટ જ હોય એવિશ્વાસમાઁ વધારો કરે તેવીવાર્તા

 5. pragnaju says:

  હરિશ્ચંદ્ર- બન્ને બેનોનું જીવનભર બે દિલોને જૉડવાનું કામ અને અનેક હૃદયસ્પર્શી દશ્યોના સાક્ષી જ્યારે પણ વાર્તા લખે કે અનુવાદિત લેખ હોય તેમાં જીવનને ભર્યું-ભર્યું બનાવી દેવાની સહજતા આવે જ…આ શિરમોર ઘટનામાં-સોફીયા સાથે આપણા મનની કડવાશ પણ ક્યાંય ધોઈ ગઈ …નિયમીત ભૂમિપુત્રમાં છેલ્લે પાને આવતી તેમની વાર્તા અવાર નવાર અહી મૂકવા વિનંતિ.

 6. prashant oza says:

  bahu j adbhuut che………..bahu j saras che…..
  jeevan ma kyaarek aghara nirnaya pan leva pade che….j….koi ne jeevatdaan aapi sake che…

 7. અતુલ જાની (આગંતુક) says:

  ઘણા લોકો કહે છે કે પ્રેમ અંધ હોય છે. પ્રેમીઓને પોતાના પ્રિયપાત્રના દોષ કદી નથી દેખાતા .અને ઘણી વાર પ્રેમમાં આંધળુકીયા કરીને પ્રેમીઓ ઘણા દુઃસાહસ પણ કરી નાખતા હોય છે. પરંતુ અહીં અંધ જનોનો પ્રેમ જોઈને દેખતાઓને પણ ઇર્ષા થઈ આવે તેવું છે.

  કોઈ કહે છે કે પ્રેમમાં હંમેશા ત્યાગ હોય છે પરંતુ અહીં તો ત્યાગમાં પણ પ્રેમ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.