તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર

રોજ કરતાં આજે એ વહેલી ઊઠી. નાનાં શિશુનાં સૂર્યકિરણો હજી ડોકિયાં કરતાં હતાં. એણે કેલેન્ડરનું પાનું દીઠું અને મલકી ઊઠી. ડાઈનીંગ ટેબલ પર કૉફીનો મગ અને પ્યાલા મૂક્યા. બ્રેડબટર, ફ્રૂટ્સ અને નટ્સ પણ. ઘડિયાળે સાતના ટકોરા કર્યા. દાદરનાં પગથિયાં પર એણે પગરવ સાંભળ્યો. એણે રોમાંચ અનુભવ્યો.
‘રેખા, આજે તું વહેલી ઊઠી ગઈ કે શું ?’ દાદર ઊતરતાં જ કેતને પૂછ્યું. પ્રત્યુત્તરમાં એણે સ્મિત વર્યું. કેતન ટેબલ પાસેની ખુરશી પર બેઠો. આર કરેલાં ઈસ્ત્રીબંધ વસ્ત્રોમાં સજ્જ એની ગૌર કાયા શોભતી હતી. માથાના શ્વેત કેશ ફરફરતા હતા.

રેખાના હોઠ પર સ્મિત ફરફરતું હતું. દોડતી એ ગાર્ડનમાં ગઈ. ગુલાબ લઈ આવી. કેતનને સોંપતાં બોલી, ‘યાદ છે તને ? આજે આપણી લગ્નતિથિ !’
‘લગ્નતિથિ ભૂલી જવાય કૈં ? બોલ, તારે શું જોઈએ છે ?’ એ કેતનને તાકી રહી. ગુલાબ સૂંઘી, બુશશર્ટ પર બટન હોલ્સમાં નાખવાને બદલે ટેબલ ઓઅર આડું અવળું મૂકી, કૉફી ગટગટાવી કેતન ઊભો થયો. આજે પ્રેસ પર વહેલા જવું છે. સૌમિલ આવે તે પહેલાં કેટલાંક ડિલ્સ તારવી લેવાં છે, પણ હું ઈસ્કોન દર્શન કરીને પ્રેસ પર જવાનો છું. તારે આવવું છે ?’
રેખા કીચનમાં દોડી ગઈ. પાછી ફરી ત્યારે કેતન ચાલ્યો ગયો હતો. એ ટેબલને નીરખી રહી. આવા જ ટેબલ પર વર્ષો પહેલાં પહેલી લગ્નતિથિએ કેતને હોંશભેર કહ્યું હતું, ‘આજે આપણી લગ્નતિથિ. લે, આ. અને એણે ડાયમંડનો નેકલેસ એને પહેરાવ્યો હતો. પછી બોલ્યો હતો, ‘આજે પ્રેસ પર નથી જવું. આપણે બંને આખો દિવસ ઘૂમીશું. હું અને તું બે જ. કલબમાં જમીશું.’

એને આ સાંભર્યું, ત્યારે આટલો મોટો બંગલો નહોતો, ફલેટ હતો. અને આજે ? એ ટેબલને – નિર્જન ટેબલને નિહાળી રહી, આંખોમાં ઘૂમતા સૂનકાર સાથે. મેડીએથી પુત્ર-પુત્રવધૂ ઊતર્યા.
‘પપ્પા ગયા ? મારે એમની સાથે જવાનું હતું.’ પુત્રે કહ્યું.
પુત્રવધૂએ કહ્યું : ‘હું આમની સાથે જાઉં છું. આજે મારી ફ્રેન્ડની લગ્નતિથિ છે. ત્યાં જમવાની છું. એ પણ સાંજે ત્યાં આવશે અને સાંજે બેબીને ય આયા લાવશે. ત્યાં સુધી બેબીને સાચવજો, રમાડજો.’ બંને બહાર નીકળી ગયાં. કારનો ઘૂર્રરાટ…. આંખોમાં સૂનકાર ભરીને એ કીચનમાં ગઈ. આજે એનીય લગ્નતિથિ હતી પણ….

બપોરે, ડ્રોઈંગરૂમમાં એણે રેડિયો ટ્યૂન કર્યો. ગીત સરતું હતું, ‘બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ.’ એક ઝાટકે રેડિયો બંધ કરી દીધો. આજેય એનો મહેબૂબ…. એ સોફા પર આડી પડી. કેતનના શબ્દો પડઘાતા હતા – તારે શું જોઈએ છે ? મનમાં તો – ? દીવાલ પર લટકતા ફોટાઓ પર એની દષ્ટિ પડી. અને એની સ્મૃતિ – સંવેદનાની સૃષ્ટિમાં ડૂબી ગઈ. આ ફોટો માનો હતો. ફોટામાં હતી તે મા હતી તેવું સ્વજનોએ કહ્યું હતું એટલે એ તેને મા કહેતી હતી. એણે ક્યાં માને નિહાળી હતી ? માનું દૂધ એણે ક્યાં પીધું હતું ! સાંભળ્યું હતું કે એ જન્મી અને સત્વરે જ ઈશ્વરે મા છીનવી લીધી. ત્યારે તો એને જોઈતો હતો માનો ખોળો, માનો પાલવ, માનું વહાલ એ ઝંખતી હતી. પણ જોઈતું હતું તે બધું…. એની આંખો ભીની થઈ. અંતરની સ્મૃતિ તોય રણકતી હતી. આ પપ્પા ! પપ્પાએ જ બે બહેનોને ઉછેરી. અમને એ જ જાળવતાં. પણ પપ્પા ‘મા’ બની શકે ? પપ્પા અમને વહાલ કરતાં પણ માનું વહાલ પપ્પા આપી શકે ? એ રોજ પૂછતા – ‘તમારે શું જોઈએ છે ?’ રોજ રોજ નિશાળે મૂકી જતા. રસોઈયાને કહેતા, ‘નિશાળેથી બંને પાછાં ફરે ત્યારે નાસ્તો કરાવી એમનાં નાની પાસે મૂકી આવજો. હું તેડી લાવીશ.’ રાત્રે એ આવતા નાનીને ઘેર ત્યારે ચોકલેટ, કૅડબરી, નવાં ફ્રૉક્સ લઈને આવતા. મોડી રાતે અમે પાછાં ફરતાં. પપ્પા અમને બંનેને સુવાડી દેતા.

નાની સદા કહેતી ‘તમે બંને પરણશોને ત્યારે….’ મોટીબહેનને પપ્પાએ પરણાવી. કન્યાવિદાય વખતે નાની અને મોટીબહેનની આંખોમાં વરસાદ હતો. બંને એકમેકને વીંટળાઈ વળ્યાં હતાં. એક ખૂણામાં પપ્પાની આંખો ભીની થતી હતી. હું મોટીબહેનને વીંટળાઈ પડી. બે વર્ષ પછી મારાં લગ્ન લીધાં પપ્પાએ, પણ ત્યારે નાની નહોતાં. માના ફોટા સામે નિહાળતાં પપ્પાએ વિદાયવેળાએ એટલું જ કહ્યું : ‘આ તમારું જ ઘર છે. આવતા રહેજો.’ લગ્નને બીજે જ વર્ષે હું અને કેતન ગયાં. પપ્પા હતાં હોસ્પિટલમાં – કેન્સર ! લાસ્ટ સ્ટેજ અને…. પપ્પા હતા એટલે મહિયરનું સુખ હતું પણ એ ય ક્યાં રહેવા દીધું ઈશ્વરે ! મા જેવી મોટીબહેન ખરી પણ એનું ઘર મહિયર કેમ બને ?

રિકતતા અનુભવતી એણે સાડલાને છેડેથી ભીની આંખ લૂછી. ફરી પાછી સંવેદના સૃષ્ટિમાં…. આ ફોટો અમુલનો – પહેલા દીકરાનો. અમૂલ અમૂલ્ય હતો કારણ કે માતૃત્વનો આનંદ હું પામી હતી. અને અમૂલ ને બીજે વર્ષે સૌમિલ જન્મયો. ત્યારે આ બંગલો નહોતો, નહોતી આટલી સમૃદ્ધિ, પણ ફલેટ તે અમારું સ્વર્ગ હતું. કેતને એક દિવસ કહ્યું : ‘આપણે બંગલો બાંધીએ.’
‘હા, અમૂલને પરણાવવો પડશે ને ! ત્યાર પછી સૌમિલને પણ. એમને સંતાનો થશે. આપણી લીલીવાડી.’
અમૂલ કહેતો, ‘પપ્પા ! પરણાવવાની શી ઉતાવળ છે ? મને આપણો ધંધો જમાવવા દો ને !’ અમૂલ પ્રેસમાં ઝઝૂમતો હતો. કેતનના સંપર્કો અને અમૂલની મહેનત…. સમૃદ્ધિ વધતી હતી. બંગલો બંધાતો હતો.
‘આ વર્ષે તો અમૂલના લગ્ન લઈએ જ.’ મેં કહ્યું.
‘તને મારી અદેખાઈ આવે છે. અમૂલે મારો ભાર, મારી જવાબદારી ઘટાડ્યાં. તારે પણ તારી જવાબદારી કમ કરવી છે, ખરું ને ?’
ટેલિફોન રણકતો બંધ થઈ ગયો. એની નજર અમૂલના ફોટા પર સ્થિર થઈ….. અને… અને એક હીબકું સરી ગયું. ત્યારે, આમ જ ટેલિફોન રણક્યો હતો. કેતનનો. અમૂલને એક્સિડન્ટ થયો હતો. એની બાઈક સાથે ટ્રક અથડાઈ હતી.
‘ચિંતા ન કરતી. હું ત્યાં પહોંચું છું.’… અને કેતન અમૂલના મૃતદેહને કારમાં લઈ પાછો ફર્યો હતો.

મારું સ્વપ્ન હતું અમૂલની પુત્રવધૂના આગમનનું. મેં ઝંખી હતી લીલી વાડી. પણે તે બધું જ છીનવાઈ ગયું. પછી તો કેતને લગભગ વૈરાગ્ય અપનાવ્યો. ડીનર ટેબલ પરનો બિયર અદશ્ય થયો. ને દેશવટો દેવાયો. દીકરો બાપને ‘ઈસ્કોનનો વારસો’ દઈ ગયો હતો. સવારનો નાસ્તો બંધ. વહેલાં ઊઠી, ગાર્ડનના પુષ્પો સાથે ઈસ્કોનગમન. પ્રેસની જવાબદારીઓ પણ કમ કરી. પ્રેસ જવાનું પણ ધ્યાન સૌમિલે રાખવાનું. જવાબદારી હવે સૌમિલની.
એકવાર મારાથી બોલાઈ ગયું : ‘આ સૌમિલના લગ્ન….’
‘કૃષ્ણને કરીશું…’
‘તું ગાંડો થયો છે કે શું ?’
‘અમૂલનાં લગ્ન લેવાં હતાં. લઈ શકાયાં ?’
ત્યાં જ સૌમિલ ટપક્યો, ‘પપ્પા, હું ગૌરીને પરણવાનો છું. અમે સિવિલ મેરેજ કરવાનાં છીએ.’ મારે તો ધામધૂમથી તેનાં લગ્ન લેવાં હતાં. હવે તો તે જ એકનો એક દીકરો હતો ને ! અમૂલની લીલી વાડી ? સૌમિલનાં લગ્નની ધામધૂમ – આ મારી ઝંખનાઓ….

સૌમિલની બેબી પ્લેહાઉસમાંથી આવી ગઈ હતી. દોડતી દોડતી તે મારી પાસે રમવા આવી. રમતાં રમતાં એકાએક બોલી, ‘મમ્મા ! હું મોટી થઈશને ત્યારે તારે માટે શું લાવીશ તે ખબર છે ? તું જોતી જ રહીશ, મમ્મા ! તું જોતી જ રહીશ.’
મેં બેબીને ચૂમી ભરી. ‘મમ્મા ! તું ઉપર ઓરડામાં કેમ નથી આવતી ? મમ્મી-પપ્પાએ ના પાડી છે ?’ એક વેધક પ્રશ્ન. ના જ પાડી હતી ગૌરીએ. ઉપરના એમના ઓરડામાં પગ મૂકવાની ના પાડી હતી. કેતન વારંવાર કહેતો : ‘તને તે આયા માને છે, સાસુ નહીં.’ અને દીકરોય માને જાણે કે ભૂલી ગયો હતો. વહુ સામે કશું જ બોલી શકતો નહોતો.

ત્યાં જ બેબી બોલી : ‘મમ્મા ! હું મમ્મી-પપ્પાને કહી દઈશ કે મમ્મીને આવવાની ના પાડી છે તો હું તમને કાઢી મૂકીશ.’ હું બેબીને બાઝી પડી.
‘ચાલ, બહાર ચોકલેટ લેવા જઈશું ?’
‘ના. મમ્મી કહેતી’તી કે ચોકલેટ-કેડબરી નહીં ખાવાનાં. દાંત બગડે !’ એનીય ના ?
‘આપણે લતામાસીને ત્યાં જવાનું છે. મમ્મી-પપ્પા ત્યાં રાહ જોતાં હશે.’ કહીને આયા બેબીને લઈ ગઈ.

ફરી પાછો સૂનકાર.
સાંજનો અંધાર.
ત્યાં જ ડોરબેલ રણક્યો. એણે બારણું ખોલ્યું. કેતન પ્રવેશ્યો.
‘સોરી ! હું ભૂલી જ ગયો કે આપણી લગ્નતિથિ છે. ઈસ્કોનમાં આજે મહાપૂજા હતી એટલે ત્યાં જ હતો. પ્રેસ પણ ના ગયો. લે આ મહાપૂજાનો પ્રસાદ.’
પ્રસાદ નેત્ર-મસ્તક અડાડી એણે મોમાં મૂક્યો. એ બોલી : ‘તું આપે છે એટલે જ આ લઉં છું, પણ કેતન મારે તારો પ્રસાદ જોઈએ – તારો પ્રેમ, તે જ મારો પ્રસાદ. સવારે તેં પૂછયું હતું ને કે તારે શું જોઈએ ? મારે જોઈએ તારો પ્રેમ જ. જિંદગીમાં કશું જ પૂરું પામી નથી ત્યારે મારે પામવો છે તારો પ્રેમ જ. ઝંખ્યું ન પામનારી તારા – તારા જ પ્રેમને ઝંખે છે’….. અને ભીની આંખે એ કેતનને વળગી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર
હાથી અને સસલો – યશવંત મહેતા Next »   

15 પ્રતિભાવો : તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર

 1. Dhaval B. Shah says:

  સરસ નિરુપણ.

 2. pragnaju says:

  ” મારે જોઈએ તારો પ્રેમ જ. જિંદગીમાં કશું જ પૂરું પામી નથી ત્યારે મારે પામવો છે તારો પ્રેમ જ. ઝંખ્યું ન પામનારી તારા – તારા જ પ્રેમને ઝંખે છે’….. અને ભીની આંખે…
  રવીન્દ્ર ઠાકોરની સુંદર વાર્તા

 3. અતુલ જાની (આગંતુક) says:

  તારે શું જોઈએ છે ?

  શું આપણે આપણી જાતને કદીએ પુછ્યું છે કે – તારે શું જોઈએ છે ?

  અને કદાચ પુછશું તો જવાબ કાંઈક આવો જ હશે – પ્રેમ.

  આપણે કદીએ તે વિચાર કર્યો છે કે જે આપણે ઝંખીએ છીએ તે આપણે આપી પણ શકીએ તેમ છીએ. પણ શું ખરેખર આપણે કોઈને ખરા હ્રદયથી પ્રેમ આપ્યો છે? જો જવાબ હા હોય તો ચોક્કસ જ આપણું જીવન તાજગીસભર હશે અને જો જવાબ ના હોય તો શું આજથી જ આપણે ખરા હ્રદયથી પ્રેમ કરવાની શરુઆત ન કરી દેવી જોઈએ ?

 4. saurabh says:

  Nice story

 5. mayuri_patel79 says:

  એક નારિ પુત્ર,પતિના પ્રેમન પ્યાસિ હોય છે,બાકિ તે સન્તો સિ હોય છે

 6. Viren Shah says:

  Mara ek mitra chhe emni. Lag na na 15 varsh pura thai gaya chhe. E ghani vate sukhi chhe, emne ane patni e bhega thai ne ghano moto dhandho jamavyo chhe ane definition ma he can be considered as a “Rich” guy.

  Emni jode vat thati hati lagn vishe. Emnu kahevu hatu ke aje emne mate lagn etle evu thai gayu chhe ke e loko ek ghar ma jode rahe chhe. Ek bijane jivava mate jaruri chijo khva piva nu etc nu dhyan rakhe chhe pan jivan ma prem nathi. Fakt sathe jivavanu ane, jane ke ek room ma be jan jode rahie chhie. Something like staying together.

  Kadach lagn jivan na 15 – 17 varsh (ke ethi vahela !!) aavu j thatu hashe? Evu bani pan shake…Aama darek ni vicharvanai paddhati pramane pan tamari manni paristhiti badlati hashe.

 7. gopal h parekh says:

  આપણી મોટાભાગની વાર્તાઓમાઁ વહુને જ ખરાબ દેખાડવાનો જાણે રિવાજ લાગે છે તે ન રૂચ્યું

 8. ભાવના શુક્લ says:

  સુંદર સ્વપ્નાઓ એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે પણ ઇશ્વર એ ભેટ દરેકના ખાતામા મુકીને છુટી ગયો છે. દરેક સ્વપ્નો ને સત્યમા બદલવાની શરતમા તે ક્યારેય બંધાયો નથી. પ્રેમનુ કોઈ નિશ્ચિત બીબુ નથી કે જેથી કોઇ નિશ્ચિત આકારમા તે આપણને મળે.. એ નિશ્ચિત!!! આકાર આપણે નક્કી કરી દઈએ છીએ ને પછી પેલા ‘કદી ન મળ્યો’ વાળા સરઘસમા નારા લગાવતા જોડાઈ જઇએ છીએ. લાંબા સમય બાદ પતિ!! દ્વારા લગ્નતિથિ ભુલાઈ જવી કે મહત્વ ઓછુ થઈ જવુ એ દાંપત્ય જીવની મહામુલી ભેટ છે નિરાકાર સત્ય છે અને તેને સાવ પોતીકી ગણવી, સૌભાગ્ય સમજવુ(પ્રેમ ઝારી છે). આનાથી જો ઉલટુ બને તો સમજવુ કે “લે કર વાત…નક્કી દાળ કાળી છે” વ્યંગ નથી નરવી હકિકત છે કારણ કે જો ગળે ઉતરે તો કહુ કે “Men are from the Marsh and Women are from the Venus!!!” આ સ્વભાવગત ભીન્નતાજે ઇશ્વરે મુકી છે તે જ સ્ત્રી અને પુરૂષ વચ્ચેનો રમ્ય નરમ and really very flexible સેતુ છે.

 9. urmila says:

  another short story of daily life

 10. harsh says:

  nice story
  every women want love first then after every thing or may be nothing.
  this is not only story , but it’s reality of life.
  good bye.

 11. Bhavesh says:

  It should be understood that money is not everything.There is something called love in life which makes life running with pleasure.

 12. vijay manek(Manchester) says:

  excellent short story.Thanks for the Gujarati translation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.