- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આંખે ભરી હૃદય – ઈલા આરબ મહેતા

[ આપણે સૌ વાચકો જાણી છીએ કે નવલકથા વાંચવાનો એક અલગ જ રોમાંચ હોય છે. પાત્રો, ઘટના અને સંવાદોમાં આપણે ઘણીવાર એટલા ખોવાઈ જઈએ છીએ કે અમુકવાર એક બેઠકે પુસ્તક પૂરું કરવાનું મન થઈ જાય છે. વળી, ઘણીવાર સુંદર નવલકથાઓ વાંચીને આપણે પણ એવું લખવાની ઈચ્છા થઈ આવે છે. પરંતુ પ્રશ્ન થાય છે કે શરૂઆત કેમ કરવી ? નવલકથાઓ કેવી રીતે લખાતી હશે ? તેના સર્જકની શું અનુભૂતિ હશે ? – આ બધા જ પ્રશ્નોનો સંતોષકારક જવાબ મળી રહે તેવો એક સુંદર દળદાર દિવાળી અંક તાજેતરમાં ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકે બહાર પાડ્યો છે. આ અંકનું શીર્ષક છે ‘નવલકથા અને હું’, જેમાં ગુજરાતી સાહિત્યના લગભગ તમામ પ્રતિષ્ઠિત નવલકથાકારોએ પોતાની અનુભૂતિના વર્ણનો લખ્યા છે. જેને સર્જનના ક્ષેત્રમાં આગળ વધવું હોય તેને કાયમ માટે સાચવી રાખવા જેવો આ સુંદર અંક છે. પ્રસ્તુત છે તેમાંથી લેખિકા ઈલા આરબ મહેતાની નવલકથાના સર્જન સમયની અનુભૂતિની રસપ્રદ વાતો… સાભાર. – તંત્રી ]

શું જોઈએ એક નવલકથા લખવા ?
એક ફાઈન રાઈટિંગ ઈન્સ્ટ્રુમેન્ટ, – બૉલપેન કે ઈન્ડિપેન – કોરા કાગળો અને હા, ફુરસદ લખવા માંડો ! કેટલી અપરંપાર શક્યતાઓ છે આ જીવનમાં ! લાખો માણસોના જીવનની લાખો ઘટનાઓ, ભૂત, વર્તમાન અને ભાવિના માનવોની કથાઓ, વ્યથાઓ, વીતકો. એક પામર જંતુ જેવા માણસની ભીતર ઉદ્દભવતા પરપોટા જેવા જન્મતા ને ફૂટતા ક્ષુલ્લક વિચારોથી માંડીને પિંડનાં અને બ્રહ્માંડનાં ઊંડાં રહસ્યોને તાગવા સુધી નવલકથાનો વ્યાપ છે. છૂટ છે લેખકને કાદવના કીડા જેવાં પાત્રોથી માંડી સ્વયં પરમાત્માના પાત્રને આલેખવાની.

આટલી સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જ્યારે હું લખવા બેસું છું ત્યારે સમજાય છે કે આ સ્વતંત્રતા માત્ર ‘કાચી સામગ્રીની’ છે. એક શિલ્પ ઘડવાને શિલ્પકાર કોઈ પણ ઉપાદાન લઈ શકે તેમ. પણ તે બધા સાથે અતિ આવશ્યક છે તે છે એક સર્જકની દષ્ટિ, સંવેદનશીલતા અને એક ખાસ સમજણ – જિંદગીને સમજવાની. મારે જે કંઈ કહેવાનું છે તે મારી વિશિષ્ટ સેન્સીબિલિટી – સંવેદનાથી રસાયેલું હોવું જોઈએ. તે માટે નવલકથા રચવાનો પહેલો પડકાર છે એક સ-રસ વાર્તા. મારે જે કહેવું છે તે મારે રસપૂર્ણ વાર્તા દ્વારા જ કહેવાનું છે. વાર્તા એ નવલકથાની કરોડરજ્જુ છે.

પણ ‘વાર્તા’ મેળવવી, આલેખવી તે એટલું સહેલું નથી – મારે માટે તો નહિ જ. ઘણા સર્જકો આખો પ્લોટ બરાબર મગજમાં વિચારી ઝપાટાબંધ લખી નાખી શકે. પણ મારે તો કાગળ પર શબ્દ લખાય તેમ વાર્તા ઘડાતી આવે છે, પ્રસંગો કલ્પનાથી ઉપજાવવા પડે છે, પાત્રો-પ્રસંગો વડે ઘડાય અને પાત્રો દ્વારા પ્રસંગો ઘડાય તે જેમ જેમ લખાય તેમ ગૂંથાતું આવે છે. ક્યારેક પચાસેક – સો પાનાં લખાય પછી સમજાય કે આ આમ નથી લખવાનું. તે બાજુ પર મૂકી નવેસરથી શરૂઆત કરું.

મારી નવલકથાઓ ‘થીજેલો આકાર’, ‘દરિયાનો માણસ’, ‘આવતી કાલનો સૂરજ’, ‘બત્રીસ પૂતળીની વેદના’ કે ‘ધી ન્યૂ લાઈફ’ અને અન્ય કૃતિઓમાં તદ્દન નવી વાર્તા રચવાનો, કહેવાનો આગ્રહ રાખ્યો છે. કેટકેટલાં ભિન્ન ભિન્ન માનવસંબંધોનાં ક્ષેત્રોમાંથી મેં વાર્તાઓ રચી છે ! ‘થીજેલો આકાર’ એક કદરૂપા યુવકની પ્રેમની શોધની વ્યથાકથા છે તો ‘દરિયાનો માણસ’ માં બે ભાઈઓના સંઘર્ષની વાત છે. ‘રાધા’ કર્ણની માતા – પાલક માતા રાધાની કાલ્પનિક કથા કહે છે તો ‘ધી ન્યૂ લાઈફ’ માં પરદેશ જતી – અજાણ્યા યુવાન જોડે લગ્ન કરી જતી લોપાની કથા કહે છે. ‘અને મૃત્યુ’ માં નચિકેતા એક જીવનરસથી તરબતર યુવાન અચાનક એક અકસ્માતમાં ગુફામાં દટાય છે ને તે અનુભવ પછી તેનું આખું વ્યક્તિત્વ કેટલું બદલાઈ જાય છે તેનું નિરૂપણ છે.

હું જાણું છું, મારે ફક્ત ઘટનાઓનું વર્ણન નથી કરવાનું. ઘટનાઓ કે પ્રસંગો સ્થૂળ હોય કે સૂક્ષ્મ પણ તે દ્વારા મારે સાથે સાથે પાત્રોની ભીતર ઊતરવાનું છે. તેમની લાગણીઓ, સંઘર્ષો, દ્વિધાઓને પણ પ્રકાશિત કરવાનાં છે. હું સજાગ છું કે મારી વાર્તાઓમાં કશુંય અણધાર્યું કે ચમત્કારિક હોય તો પણ તેનાં બીજ મારે માનવવ્યવહારમાં, સ્વભાવમાં શોધવાં પડે. વાર્તાને જીવંત કરવા હું પહેલો પ્રશ્ન મને પૂછું છું : ‘આ કોની વાત છે ? આ ક્યાં બને છે ? ક્યારે બને છે ?’

વાર્તા સૂઝી આવે તે કોઈ પ્રસંગ સાંભળીને, વાંચીને, કલ્પીને કે ગમે તેમ. ‘પરપોટાની આંખ’ મારી એક મિત્રએ કહેલા એક પ્રસંગ પરથી લખાઈ. આ મિત્રે તેમના એક સંબંધીની વાત કરી. તેમના સંબંધી સંતાનહીન હતા. પડોશીને ત્યાં જ્યારે પાંચમી પુત્રી અવતરી ત્યારે તે સંબંધી દંપતીએ તેને અપનાવી લીધી. પોતાની પુત્રી ગણી ઉછેરવા માંડ્યાં. પછી તેમની બદલી થઈ. વર્ષો વીતી ગયાં. આ બાજુ સાચી જનેતા બીમાર પડી. ત્યારે પાલક માતાને લાગ્યું કે હવે તેને સાચી વાત કરવી જોઈએ. તેમણે સત્ય તો કહ્યું. પણ સાથે દીકરીને તેની જનેતાને મેળાપ કરાવવા પણ લઈ ગયા. ત્યાં પહોંચ્યા પછી દીકરીએ સગી માને મળવાનો કોઈ ઉલ્લાસ દર્શાવ્યો નહિ. માએ પાસે બોલાવી, વહાલથી હાથ ફેરવ્યો ત્યારે આ દીકરીએ એક જ વાક્ય કહ્યું : ‘મા, પાંચ દીકરીઓમાં એક જ હું તને ભારે પડી ?’
આ એક વાક્ય પરથી કૃતિ રચતાં મેં કેટલા તાણાવાણા ગૂંથ્યા. પણ નવલકથાની પરાકાષ્ઠા ક્યાં ને કેમ ? આ વાક્ય પર ? પરાકાષ્ઠા આવી જુદી રીતે. મેં પાલક માતાનું પાત્ર સર્જ્યું જેમાં થોડો પાગલપણાનો અંશ છે. પુત્રી જેને પ્રેમ કરે છે તે નાયક સાશંક બને છે. કદાચ આ પાગલપણાનો વારસો તેને પણ મળે તો ? નાયિકાને છોડીને ચાલ્યો જાય છે. ત્યારે પાલક માતાપિતા સાચી હકિકત કહી શકતાં નથી. આમ પ્રેમ – તીવ્ર ઝનૂની પ્રેમ માનવકરુણાંતિકામાં પલટાઈ જાય છે.

દરેક નવલકથા જુદી જુદી રીતે મનમાં પ્રગટે છે, ઘડાય છે, રચાય છે. ક્યારેક તે જન્મે છે કોઈ વિચારમાંથી, કોઈ દશ્ય વિડિયો કેસેટની જેમ આંખ આગળ ભજવાયા કરે તો વળી એક પછી એક દશ્યોમાંથી વાર્તા પ્રગટે. જૂહુના ઘરમાં બાલ્કની હતી. ત્યાં હીંચકા પર એક બાજુ નાનો સલિલ તો બીજી બાજુ નાની સોનાલી બેસે. વાર્તા હું પોપટની કરું પણ મારી નજર સામે તો ‘રાધા’ ની વાત આકાર ધરતી જાય. કર્ણને કર્ણ બનાવનાર તેની માતા રાધા. કુંતી તો એક રાજરમતની ચાલાક ક્ષત્રિયાણી. કર્ણને કર્ણ બનાવતા સઘળા ગુણો તો પાલક માતાએ જ તેમાં રોપ્યા હશે. કોણ આ રાધા ? આખી કથા મેં કલ્પનાથી ઉપજાવી. તેમાંય કુંતી રાધાને મળવા આવે છે ને કર્ણને સમજાવવાની વિનંતી કરે છે તે દશ્ય તો દિવસો સુધી આંખ સામે ભજવાયા કર્યું. તેવી રીતે અનૂપા અને મિહિર, લોપા અને સુધાબહેન, દેવાંગ અને હેમાંગ વચ્ચેનાં દશ્યો મનમાં ભજવાયાં છે. તે બધા દિવસો હું જાણે નવનવાં રૂપો ધારણ કરું છું. મનમાં સ્તો. તે પાત્રો પણ હું છું ને તે બધું ‘જોનાર’ ત્રીજી આંખ પણ હું છું ને કથનાર પણ હું છું. પણ આ આખી પ્રક્રિયા દરમિયાન મારો ‘હું’ વચ્ચે ક્યાંય ન આવે તે માટે પાછો એક સજાગ સર્જક તે પણ હું છું.

નવલકથાના સ્વરૂપનું ફોર્મેટ મેં ઘણું ખરું કલાસિક સ્વીકાર્યું છે. વાર્તાનો આરંભ – પાત્રોના જીવનની ઘટનાઓના તાણાવાણા – ધીરે ધીરે તે વધુ કોમ્પ્લિકેટેડ બને કે ઉગ્ર થાય અને અંતે ફાઈનલ – અંતિમ – પરાકાષ્ઠા – કોઈ વાર સમાપન તો કોઈ વાર પછી પાત્રોનું શું થયું તેની ઈતિશ્રીનો અહેવાલ – એમ તે પૂરી થાય. વાચકો ગોથાં ખાય તેવી પ્રયોગખોરી હું ટાળું છું. ‘આધુનિકતાના પૂરા રંગે રંગાયેલી’ છતાં ‘દેહનાં, દેહની ભૂખનાં, વિવિધ વ્યસનોની મઝા’ નાં વર્ણનોય હું ટાળું છું. ચોખલિયા મનોવૃત્તિ છે એવું નથી પણ આવાં વર્ણનોથી આકર્ષાઈને આવતો ને પ્રશંસા કરતો ખોટો વાચકવર્ગ મારે માટે હાનિકારક છે.

આગળ મેં જણાવ્યું તેમ વાર્તા જન્મે છે તે હવામાં નથી રહેતી. મારે જિવાતા જીવનનો સઘન પાયો તેમાં હોય તે રીતે તેની ઈમારત ઊભી કરવાની છે. મારે વાર્તાને વાચકોને જકડી રાખે તેવી, કંઈક નવીનતાનો અનુભવ કરાવે તેવી રીતે લખવી છે. પહેલો પ્રશ્ન હું મને પૂછું છું કે આ ક્યાં બન્યું ? બીજો પ્રશ્ન ક્યારે થયું ? ત્રીજો ને મહત્વનો પ્રશ્ન કેવી રીતે બન્યું ? આ જવાબો તો જોકે પ્રશ્નોની પહેલાંય મનમાં ઊગી નીકળ્યા હોય છે. કાવ્યપુરુષ તો સાલંકાર જ જન્મે છે એમ રામનારાયણભાઈ પાઠક કહેતા તેમ નવલકથાની વાર્તા પણ સ્થળ-કાળના નિર્દેશ સાથે મનમાં ઊગી આવતી હોય. પણ આ ક્યાં, ક્યારે, કેમના જવાબો મેળવવા મારે ‘મહેનત’ કરવી પડે છે – હોમવર્ક કરવું પડે છે. કારણ મારી પ્રત્યેક નવલકથામાં કંઈક નવીનતા સાથે જ વાર્તા રચાતી હોય છે. પાત્રોનો વ્યવસાય, કે સ્થળ કે સમયગાળો કંઈક નાવીન્ય સાથે નિરૂપાતો હોય છે.

પણ જે ‘નૂતન તત્વ’ હું નિરૂપું તેને પૂરી રીતે ન્યાય આપવા મારે હોમવર્ક કરવું પડે છે. એક સર્જક તરીકે મારાં આંખ-કાન તો હું ખુલ્લાં રાખું છું જ. પણ ડીટેલ – જરૂરી વિગતો મેળવવા ફિલ્ડ વર્ક પણ કરવું પડે. મારા પતિ ડૉક્ટર હોવાને કારણે તેમની જોડે ઘણી મેડિકલ કૉન્ફરન્સમાં જવાનું બનતું. તે લોકોની અંદરોઅંદરની વાતચીતો અને અનુભવો પરથી મને ‘બત્રીસલક્ષણા’ ની કૃતિ સૂઝી. પણ જેમ તે લખાતી ગઈ તેમ તેમ હું મારા પરિચિત ડોક્ટરમિત્રોને મળતી ગઈ. રોગો અને ટ્રીટમેન્ટ વિશે જાણતી ગઈ. તેઓ રમૂજ પામતા પણ ધીરજપૂર્વક મને બધી માહિતી આપતા.

‘ઝીલી મેં કૂંપળ હથેલીમાં’ તે ‘અખંડ આનંદ’ માં લખાયેલી એક ટૂંકી વાર્તા પરથી લખાઈ. વિષય ‘કન્યાભ્રૂણહત્યા’ નો છે. નજર સામે એક આધુનિક આદર્શવાદી ગાયનેકોલોજિસ્ટ શિવાંગી – ડૉ. શિવાંગી પરીખ – પાઠકનું પાત્ર હતું. આ પાત્રને આલેખવામાં મારે કેટલી જાણકારી મેળવવી પડે ! ડોક્ટર મિત્ર ડૉ. અશ્વિનભાઈને પૂછ્યું. તેમણે ડો. માધુરીબહેન પટેલનું નામ સૂચવ્યું. કેટલો અમૂલ્ય સહકાર તેમણે આપ્યો ! એબોર્શનની પૂરેપૂરી મેડિકલ પ્રક્રિયાઓ, સિઝેરિયન ઑપરેશન, ગાયનેક પ્રેક્ટિસની અવનવી વાતો – કેટલું જાણવા મળ્યું. ના, ઘણુંખરું તો તેમણે પોતે વ્યવસ્થિત નોંધ રૂપે લખી આપ્યું. જે. જે. અને કામા હોસ્પિટલમાં તેમની ઓ.પી.ડીમાં કલાકો બેસી મેં સ્ત્રી-દર્દીઓને તપાસવાની પ્રક્રિયા સવાલ-જવાબ બધું નિહાળ્યું. સામગ્રી ખૂબ ભેગી થઈ. પણ તેમાંથી જરૂરી સામગ્રી જ ‘વાર્તા’ માટે આવશ્યક – એક નવલકથાકાર તરીકે મારે વાપરવાની હતી.

‘અને મૃત્યુ’ માં નાયકને લગભગ મૃત્યુનો અનુભવ થાય છે તે માટે હિમાલયનો અફાટ વિસ્તાર મારે આલેખવો હતો. હિમાલયપ્રવાસનાં પુસ્તકો વાંચ્યાં. આવો અનુભવ ગંગોત્રીથી ગૌમુખ જતાં થઈ શકે તેવો જાણકાર પાસેથી અભિપ્રાય મેળવ્યો. આ થઈ બાહ્ય વિગતો અને સ્થળનાં વર્ણનની વાત. પણ મારે તો આવા ‘અનુભવ’ પછીની માનવીની બદલાયેલી માનસિકતા, તેના વ્યક્તિત્વમાં થયેલા ફેરફારની આંતરિક છબી આલેખવી હતી. બલ્કે તે નવલકથાનું હાર્દ હતું. તે માટે હું ત્રણચાર માનસશાસ્ત્રીઓને મળી. ચોકસાઈ કરી. આ બધી ‘વિગતો’ ને મેં મારી જીવનદષ્ટિ કે કલ્પના કે સર્જનશક્તિ – જે કહો તે – ની દષ્ટિથી ઘડી ને રચાઈ એક નવલકથા.

ઈ.સ 1975માં ને પછી ઈ.સ. 1985માં હું લંડન ગયેલી. ત્યાંના ગુજરાતી સમાજનો પરિચય પણ થયેલો. ’85 પછી મેં ‘કેમ ? બધું ઑલરાઈટ ને ?’ એવા કંઈક નામ સાથે એક નવલકથા લખવી શરૂ કરી. પાંચેક પ્રકરણો લખાયાં. પછી નવલકથાએ આગળ વધવાની ના પાડી દીધી. ઈ.સ. 2000માં લંડન એક મહિનો ત્યાંની ગુજરાતી સાહિત્ય અકાદમીના આમંત્રણથી ગયેલી. ત્યારે લંડન શહેરનો ‘અનુભવ’ થયો. ત્યાંના ગુજરાતી સમાજ સાથે ત્રણ દિવસના સંમેલન દરમિયાન ને પછી ઘણા અનુભવોનું આદાન-પ્રદાન થયું. પછી લખાઈ ‘ધી ન્યૂ લાઈફ’.
ભારતથી લગ્ન કરીને લંડન જતી એક યુવતીનો પતિ ત્યાં ત્યાગ કરે છે. તે વખતે તે એક દુ:ખિયારી સ્ત્રી ન બની રહેતાં કઈ રીતે નવી જિંદગીનો સ્વીકાર કરે છે તેનું મેં લંડન શહેરની પશ્ચાદભૂમિકામાં ચિત્રણ કર્યું છે. લખતી વખતે ખ્યાલ આવતો ગયો કે આ ન્યૂ લાઈફ માત્ર લોપાની – નાયિકાની નથી. આ યુગાન્ડાથી ભાગીને લંડન સ્થિર થયેલા ગુજરાતી સમાજની – ડાયાસ્પોરાની ન્યૂ લાઈફ છે. પછી મેં યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટીનાં પુસ્તકો વાંચ્યા. ઈદી અમીનના લશ્કરી શાસનનો ઈતિહાસ વાંચ્યો. તે ઈતિહાસને ‘કથા’ માં બદલ્યો. ગુજરાતી સમાજના વિવિધ સ્તરોનાં પાત્રો તેની મેળે સર્જાતા ગયાં. ચારસો પાનાંનો રફ ડ્રાફ્ટ બે વાર થયો. કશુંય છેકું નહિ. ઊંડે ઊંડે ખ્યાલ આવે કે આ વાત કે પાત્રને પછીથી ઊમેરવું પડશે. કંઈ નહિ તો વાક્યો કે શબ્દોનો ખપ પડશે.

મારી કૃતિમાં નવાં સ્થળો, પાત્રોના નવા વ્યવસાયો લાવવાનો મારો પ્રયત્ન છે. તે રીતે વાચકને કોઈ નવી કથાસૃષ્ટિમાં હું લઈ જવા માગું છું. ‘દરિયાનો માણસ’ માં દેવાંગ એક તેલવાહક જહાજમાં રેડિયો ઑફિસર છે. તેના અનુભવો અને જહાજનો માહોલ મારા પતિના બે-ત્રણ જહાજના કેપ્ટનો પાસેથી મેળવ્યો. ‘આવતી કાલનો સૂરજ’ માં નાયક હવાઈ જહાજનો પાયલોટ છે, તો ‘નાગપરીક્ષા’ માં ઊડિપીના ફાર્મહાઉસનું બેકગ્રાઉન્ડ છે. ‘બત્રીસ પૂતળીની વેદનાઓ’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘વારસદાર’ તો આસપાસના સમાજનું પ્રતિબિંબ પાડે છે ત્યાંય પાત્રો સામાન્ય તોય અસામાન્ય, પ્રસંગો સાધારણ તોય અસાધારણ એ નવલકથાની શરતો પૂરી પાડવા મેં યત્ન કર્યો છે.

‘બત્રીસ પૂતળીની વેદનાઓ’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’ ની આખી રજૂઆતરીતિ, દશ્યો, સંવાદો કૉલેજથી હું બસમાં ઘરે જતી તે દરમિયાન ઘોડાપૂરની પેઠે ધસી આવ્યાં હતાં. આ બધાં પરથી રખે એમ ધારી લેવાય કે નવલકથાકારના મનમાં જે ઊગી આવ્યું તે સીધું કાગળ પર લખી દીધું. ના, સત્ય તેનાથી સાવ વેગળું છે. મનમાં જે ઊગે છે, જેને હું શબ્દદેહ આપું તે પહેલાં પેલા બહુ વપરાયેલા, ચવાયેલા શબ્દો વાપરીને કહું તો મારે તેને સત્યમ, શિવમ અને સુન્દરમની કસોટીએ ચડાવવા પડે છે. ના, એ પણ સાચું નથી. સાચું તો એ છે કે જ્યારે સર્જક સર્જનપ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય છે ત્યારે તેની સાથે સાથે તેનો એક વિવેચક – જાગ્રત માંહ્યલો – પણ પ્રવૃત્ત હોય છે. જે રચાતું જાય છે તે આ કસોટીએ ચડતું જાય, ગળાતું જાય, તેની ફેરતપાસ થાય, તેને સમગ્ર જીવનના સંદર્ભમાં મૂકવાની, મૂલવવાની ક્રિયા થતી જાય…. – અને આ બધું સમજી-વિચારીને, અતિ બુદ્ધિપૂર્વક ગોઠવેલી વ્યૂહરચનાની જેમ થતું નથી. આ થાય છે તે પેલી સર્જન-પ્રક્રિયાના એક ભાગ રૂપે જ. પ્રત્યેક નવલકથાકારની શક્તિ અને સજ્જતા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે.

પણ એવું નયે બને. ઘણી વાર નવલકથાકાર પોતાની ભાવનાઓ, રચેલી પાત્રસૃષ્ટિના સંમોહનમાં તણાઈ જતો હોય છે. વાર્તાનો પ્રવાહ બે-ત્રણ દિશામાં ફંટાઈ જતો હોય છે. કાલ્પનિક પાત્રો સાચાં બની લેખકને દબાવી દે છે. હઠ કરી તેઓ પોતાની વાત, પ્રસંગો લંબાણથી લખાવડાવે છે. ‘બત્રીસ પૂતળી’ કે ‘પાંચ પગલાં’ માંના નારીપાત્રો ન ધારેલા સંદર્ભમાંથી પ્રગટી આવતાં હતાં. વંધ્યા, ત્યકતા, ડિવૉર્સી, વિધવા કેવાં અભદ્ર અને અમંગળ લેબલો આ પાત્રો પર લગાડેલાં હતાં ! આમાંનાં થોડાં પાત્રોની કથાઓ લખાઈ પણ ખરી. પણ રફ ડ્રાફટમાંથી જ્યારે પ્રેસ-કોપી તૈયાર કરવા લાગી ત્યારે મારે તેમને, તેમની વાતોને છોડવી પડી. ‘તમારા માટે હું જરૂર લખીશ’ એવું આશ્વાસન આપ્યું ને ‘હું છું ને ?’ , ‘એક મૃત્યુ’, ‘પૅરેશૂટના સીવનારા’ જેવી નવલિકાઓ રચાઈ. પણ નવલકથાકાર તરીકેની એક શિસ્ત – જરૂરી પાત્રો ને જરૂરી પ્રસંગો – જાળવવા હું કોશિશ કરું છું.

ભાષા – કથન, વર્ણન અને સંવાદો – તે આજના નવલકથાકારને માટે એક પડકાર છે. મારે માટે પણ. પાત્રોના સંવાદો રોજબરોજની ભાષામાં હોય પણ નીરસ અને ફિક્કા તો ન જ બનવા જોઈએ. ક્યાંક કટાક્ષ, વ્યંગનો પ્રયોગ થાય પણ તે પાત્રના સ્વભાવ મુજબનો. કથન કરતાંય પાત્રોના સંવાદો દ્વારા વાર્તાપ્રવાહ આગળ વધતો જાય તે મને વધુ પસંદ છે.

કથન અને વર્ણનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કઈ રીતે કરવો તે આજની તારીખે એક પ્રશ્ન બની રહે છે. સંસ્કૃતનો સ્પર્શ પામેલી શુદ્ધ ગુજરાતી તો કોણ બોલે છે ? લોકો – વાચકોને હવે અંગ્રેજી શબ્દો, અંગ્રેજી લઢણ, આધુનિક શહેરીજીવનની તમામ સગવડો અને સાધનોના ઉલ્લેખોવાળી ભાષા જોઈએ છે. સજ્જ રહેવું પડે છે. નવલકથાકારને તેની ભાષાના ભાથામાં આવાં શબ્દબાણો રાખીને. ગ્રામ્યજીવનનો અનુભવ નથી પણ નક્કી ત્યાં પણ પરિવર્તન થયું જ હશે ને તે નવલકથાકારો પણ હવે નવા યુગની, નવી ગ્રામજીવનની ભાષા પ્રયોજતા હશે. આજના ટી.વી સિરિયલના યુગમાં હવે નવલકથાનું મહત્વ કેટલું ? જવાબ છે ઊલટું વધારે. નવલકથાકાર એવા લોકો માટે લખે છે જે જીવનને વધુ ઊંડાણથી અનુભવવા માગે છે, જેઓ સપાટી પરના સ્માર્ટ સંવાદો વડે નહિ પણ સંવેદનાઓ દ્વારા પાત્રોને પામવાનો પ્રયત્ન કરે છે. નવલકથ વિશે વિચારું છું ત્યારે મેં વિચારેલું ( કે વાંચેલું) એક દશ્ય-અવતરણ મને યાદ આવે છે.

માનવી ઘરમાં રહે છે ને તેની સાથે થોડાં સ્વજનો છે. આ માનવીના ઘરની બહાર સમાજ છે, નીતિનિયમો છે, આંગણું છે ને પ્રકૃતિ છે. આ પ્રકૃતિની હરિયાળી જ્યાં વિસ્તરી છે ત્યાં દૂર ક્ષિતિજમાં ઊંચા ગિરિશિખરો છે. નવલકથાકારની નવલકથામાં માનવી અને તેનાં સ્વજનોની કથા છે. નવલકથાકાર તે કથાની પાર્શ્વભૂમિકામાં તેની આજુબાજુનો પરિસર, સમાજ, સામાજિક નિસ્બત નિરૂપે છે. દૂર ક્ષિતિજમાં દેખાતાં શિખરો એટલે માનવસંસ્કૃતિનાં સનાતન જીવનમૂલ્યો. ભલે લેખક તેને વાર્તામાં ન લાવે તોય આ ‘શિખરો છે’ તેનો અહેસાસ તો વાચકોને જરૂર કરાવે જ છે.

ઉમાશંકર જોશીએ ‘આંખે ભરી હૃદય, ઘૂમ તું સૃષ્ટિચોક’ જે કવિને કહ્યું છે તે નવલકથાકાર માટે પણ એટલું સાચું છે.

[નોંધ : ઈલા આરબ મહેતાની નવલકથાઓ ]

[1] ત્રિકોણની ત્રણ રેખાઓ (1969)
[2] થીજેલો આકાર (1970)
[3] રાધા (1972)
[4] એક હતા દિવાન બહાદુર (1976)
[5] બત્રીસલક્ષણો (1976)
[6] આવતી કાલનો સૂરજ (1977)
[7] વારસદાર (1978)
[8] શબને નામ હોતું નથી (1981)
[9] અને મૃત્યુ (1979)
[10] બત્રીસ પૂતળીની વેદનાઓ (1982)
[11] મૃત્યુ નામ પરપોટો મરે (1984)
[12] દરિયાનો માણસ (1985)
[13] વસંત છલકે (1987)
[14] પરપોટાની આંખ (1988)
[15] ભાગ્યરેખા (1991)
[16] પાંચ પગલાં પૃથ્વી પર (1995)
[17] નાગપરીક્ષા (1995)
[18] બળવો બળવી બળવું (1998)
[19] ધી ન્યૂ લાઈફ (2004)
[20] ઝીલી મેં કૂંપળ હથેલીમાં (પ્રેસમાં)