પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ

[ ‘હાસ્ય વસંત’ પુસ્તક (1968) માંથી સાભાર.]

આ અસાર સંસારમાં કોણ કોનું સગું રહ્યું છે એવો પ્રશ્ન ઘણી વાર મારા મગજમાં ઊઠતો. લોકોની સ્વાર્થવૃત્તિ જોઈને ઘણી વાર મને વિશ્વ ખારું ખારું લાગતું. કોઈ કોઈ વાર એવો વૈરાગ્ય આવી જતો કે ભભૂતિ ચોળીને બાવા બની જવાની વૃત્તિ પ્રબળ બની જતી. પરંતુ ખારા સમુદ્રમાં ય મીઠી વીરડી ક્યાં નથી હોતી ? એ મીઠી વીરડી તે આપણા પાડોશી.

કહેવતમાં કહ્યું છે કે ‘પહેલો સગો પાડોશી’ એટલે મારા પાડોશીઓને હું સગાની દષ્ટિથી જ જોવા માંડેલો. તેનું ફળ પણ મને પ્રાપ્ત થવા માંડેલું. કેટલાક કિસ્સાઓમાં તો મારા પાડોશીઓએ પણ મારી સાથે અતિ નિકટનું સગપણ બતાવવા માંડેલું. અમારા મુરબ્બી જેવા અમારા પાડોશી જગમોહનદાસ મારે ત્યાં આવતાં વર્તમાનપત્રો ઉપર પાડોશી-સગપણને દાવે ‘પ્રાયોરીટી કલેઈમ’ કરતા. વર્તમાનપત્ર નાખવા આવનાર છોકરાને જ તેમણે બારોબાર કહી દીધેલું કે અરવિન્દભાઈ વહેલી પરોઢમાં ઊંઘતા હોઈ તેમને ખલેલ પહોંચાડવી નહિ, પરંતુ છાપાં પોતાને ત્યાં નાખી જવાં !

છોકરાએ બે-ત્રણ દિવસ તેમ કરી જોયું, પરંતુ મારા તરફથી કંઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહિ એટલે તેણે છાપાં જગમોહનદાસને ઘેર જ નાખવા માંડ્યાં ! એ છાપાં વાંચી લઈને મારે ત્યાં જાતે જ આપવા આવતા અને હું વાંચું તે પહેલાં તે બધું ‘રીપોર્ટીંગ’ કરી નાખતા ! એ બધું સગપણને નાતો સાચવવા જ ને !

અમારાં બીજા પાડોશી શાન્તાબહેને તો અમારી સાથે ઘરોબો જ કરી નાખેલો – ખાસ કરીને એમના બાબાની બાબતમાં. બાબો હતો દોઢ બે વરસનો, પણ શાન્તાબહેનને કંઈ કામ કરવા દેતો નહિ. એ ઉપાધિમાંથી છૂટવા તેઓ એને અમારે ત્યાં મૂકી જતાં. અલબત્ત, તેમણે અમારી સાથે જુદાઈ માનેલી નહિ, નહિ તો કોઈ પોતાના વહાલા બાળકની સોંપણી અમને કરે ખરું ? પણ એ નંગમાં વિટામીન ‘ડી’ ભરપૂર ભર્યું હશે કે કોણ જાણે, પરંતુ એ આવે ત્યારથી સાપોલિયાની પેઠે આખા દીવાનખાનામાં આમતેમ ફર્યા કરે. અરે મારે તથા સુધાને એની પાછળ દોડાદોડી કર્યા જ કરવી પડે !

એનું આગમન થાય ત્યારે ઘણી વસ્તુઓ અમારે ઊંચી મૂકી દેવી પડતી, પરંતુ તે છતાં ય કંઈ ને કંઈ નીચે રહી જતું અને એનો ભોગ બની જતું. એ ટેબલનો રૂમાલ ખેંચી નાખતો, કિંમતી ચોપડીઓનાં પાનાં ફાડી નાખીને તેના ડૂચા વાળી નાખતો, પંખાની જાળીની અંદર આંગળાં નાખ્યા કરતો, તો વળી તેલની શીશી હાથમાં આવે તો તે ઊંધી વાળીને ઢળેલા તેલમાં હાથ બોળી બધે લગાડી આવતો ! છતાં અમે તો શાન્તાબહેન સાથે સગાં જેવો સંબંધ રાખેલો એટલે બાબાભાઈનાં પરાક્રમો અમે મોટું મન રાખીને સહન કરી લેતાં અને મન વાળતાં કે અમારો પોતાનો બાબો હોત અને આવું કરતો હોત, તો અમે એ સહન કરી ના લેત !

અમારાં પાડોશી સુરભીબહેને તો અમારી સાથે એટલી બધી આત્મીયતા કેળવેલી કે તેઓ અડધી રાત્રે અમારું બારણું ઠોકીને જરૂરી વસ્તુ માગી જતાં. ચા, ખાંડ, લોટથી માંડીને કોઈ વાર ઘીની માગણી પણ તેઓ કર્યા વિના રહેતાં નહિ. અને અમે પાડોશીને સગા જેવાં જ માનીએ, એટલે એમની બધી માગણીઓ ગમે તેવા સંજોગોમાં પણ સંતોષતાં. કમનસીબે તેઓ અડધી વસ્તુઓ તો પાછી વાળવાનું જ ભૂલી જતાં, પણ તેઓ જાતે જ કબૂલ કરતાં કે, ‘ભઈ, હું તો બહુ ભૂલકણી છું ! કંઈ પાછું ના વળાયું હોય તો કહેજો. જરાય સંકોચ રાખશો નહિ’
પરંતુ સગા સાથે એમ કંઈ ભેદભાવ રખાય છે ? એટલે અમે કંઈ સંભારણાં પણ નહિ. સુધા ઘણીવાર મને કહેતી કે ‘પડોશીઓ પ્રત્યેનો તમારો આ સદભાવ બહુ ખતરનાક છે. એ લોકોને તમે હજી ઓળખતા નથી. મોઢે મીઠું બોલે એટલું જ.’ આમ છતાં મારા મનમાંથી સગપણની સ્નેહગાંઠ છૂટતી નહિ.

પરંતુ એક દિવસ એવું બન્યું કે મારાં પડળ ખૂલી ગયાં. અને ત્યારથી હું પાડોશીઓને નવી જ દષ્ટિથી જોતો થયો છું. વાત એમ હતી કે પાડોશમાં મનહરરાયને ત્યાં તેમના દીકરા સાથે પોતાની પુત્રીનો વિવાહ કરવા માટે રસિકલાલ આવવાના હતા. આગલે દિવસે તેઓ સમય નક્કી કરવા માટે મનહરરાયને મળી ગયા. ત્યાંથી પાછા ફરતા હતા, તે વખતે પાડોશી કનુભાઈએ તેમને ચા-પાણી માટે બોલાવ્યા. કનુભાઈના દીવાનખાનામાં અમે ત્રણ જ જણ હતા. તે વખતે કનુભાઈએ વાત ઉપાડી : ‘રસિકભાઈ, તમે તો કંઈ વિવાહની ધમાલમાં પડ્યા છો, એમ સાંભળ્યું છે. ભલા માણસ, જરા ગળ્યું મોઢું તો કરાવો !’
રસિકભાઈએ સ્મિત કરીને જવાબ વાળ્યો : ‘હું તો આઘે રહ્યો ! અમારા કરતાં તો તમારા પાડોશી મનહરરાય વધારે નજીકના ! કાલે એ જ તમને ગળ્યું મોઢું કરાવશે !’
‘એ મારવાડી શું કરાવવાનો હતો ? એની તો વાત જ જવા દો ને !’ કનુભાઈએ પોતાના પાડોશીનાં વખાણ કરી પાડોશી-ધર્મ બજાવવાની શરૂઆત કરી !

પોતાના ભાવિ વેવાઈને ‘મારવાડી’ નું પદવીદાન પ્રાપ્ત થયેલું સાંભળી રસિકભાઈ ચમક્યા. તેમના મનમાં ઊંડે ઊંડે શંકાનો કીડો સળવળી ઊઠ્યો. તેમણે આતુરતાથી પૂછ્યું : ‘કેમ ? મનહરરાય બહુ કંજૂસ છે શું ? પાડોશીઓને પહેલી ખબર પડે, તેથી પૂછું છું.’
‘બધું ય ઠીક છે તમને તો હું ઘરના માનું છું તેથી કહું છું. બાકી જવા દો ને વાત ! કોઈ દહાડો ચાનો પ્યાલો ય એણે પાયો નથી !’ રસિકલાલના પેટમાં ફાળ પડી. લાગ જોઈને સોગટી મારવા માટે કનુભાઈએ અજાણ્યા બની જઈ પ્રશ્ન કર્યો : ‘તમે મોટા છોકરા સાથે ગોઠવવાના છો કે નાના સાથે ?’
‘કેમ વળી ? મોટા સાથે ! મોટાનું હજી ક્યાં થયું છે ? તમને એ કેવો લાગે છે ?’
જવાબમાં કનુભાઈએ પોતાના ડોકાને એક બાજુ ઝોક આપીને પછી સ્થિર કરી દીધું ! મૌન સાથે એમણે આવો ‘પોઝ’ ધારણ કર્યો, તેથી રસિકભાઈને વધારે ચટપટી થઈ ! તેમણે કહ્યું : ‘જે હોય તે કહી દો ને, કનુભાઈ ! તમે નહિ કહો ત્યારે કોણ કહેશે ?’

આ વખતે સુરભીબહેન ચાના પ્યાલા મૂકીને પાછાં ગયાં. કનુભાઈએ જવાબ આપ્યો : ‘આ ચા લો, પછી બધું કહું છું.’ પ્રથમથી જ પથરો પડેલો એટલે બિચારા રસિકભાઈને ગળે ચા ઉતારતાં નવ નેજાં થયાં ! જેમ તેમ ચા ગટગટાવી જઈને એ સ્વસ્થ થઈને બેઠા. પછી કનુભાઈએ ધીમે સાદે શરૂ કર્યું : ‘રસિકભાઈ, છોકરો તો તદ્દન માવડિયો છે, ને એને ખોડ પણ છે. તમે જોઈ ?’
‘ખોડ ?’
‘હા, હા, ખોડ !’
‘એ….મ ? ખોડ છે ? ક્યાં ?’
જવાબમાં કનુભાઈ ખંધુ હસ્યા. પછી તેઓ બોલ્યા : ‘એ જ ખૂબી છે મહેરબાન ! તમે જોયું શું ત્યારે ? મૂરતિયા આવી રીતે જોવાતા હશે ?’
રસિકલાલ તો ઠંડા જ બની ગયા. તેમણે કાનની બૂટ પકડતાં કહ્યું : ‘કબૂલ કરું છું કે હું હજી એ બાબતમાં ઘડાયેલો નથી. પણ હવે કહી દો. તમારા જેવા સ્નેહી નહિ કહે તો બીજું કોણ કહેશે ?’

કનુભાઈ ખૂબ ધીમે સાદે બોલ્યા : ‘એને પગે સહેજ ખોડ છે. જ…..રા…ક જેટલી ! તમારા જેવાને તો ખબર ના પડે ! પણે એ ચાલે ત્યારે ઝીણવટથી જોજો. તરત પગ સહેજ લંઘાતો દેખાશે. અહીં તો ભાઈ, મનમાં ચચર્યું એટલે તમને કહી નાખ્યું. દીકરી મોટી થાય અને કહે કે બાપાએ મને આ લંગડા જોડે ક્યાં પરણાવી ? એમ થાય અને દીકરીનો ભવ બળે, તેથી મેં તો કહ્યું. બાકી તમારે વિવાહ કરવાની ઈચ્છા હોય તો તમારી મરજીની વાત છે-દીકરી તમારી છે !’ કનુભાઈએ એવી સિફતથી પથરો નાખ્યો કે, હું તો આશ્ચર્યથી એ પાડોશી તરફ જોઈ રહ્યો. કનુભાઈના પાડોશી ધર્મનું પરિણામ એ આવ્યું કે બીજી સવારે મનહરરાય એમનાં સગાંવહાલાંને નોંતરીને વાટ જોતા બેસી જ રહ્યા, પણ વિવાહ કરવા માટે કોઈ ફરક્યું જ નહિ !

સુધા રોજ કહ્યા કરતી હતી, તે હવે મને સાચું લાગવા માંડ્યું. અનુભવે મને ખાતરી થવા લાગી કે પહેલો સગો નહિ પડેલો શત્રુ પાડોશી જ છે !

થોડા દિવસમાં તો મને પોતાને એ સત્યનો અનુભવ થઈ ગયો. સિમેન્ટની છૂટ થઈ ગઈ એટલે મારા મકાનના ધાબા ઉપર મેં એક નાનકડી બંગલી ચણાવી અને તેનું ઉદ્દઘાટન અમારા પાડોશી પ્રભુદાસભાઈને શુભ હસ્તે કરાવ્યું. એ બંગલીમાં બેસીને અમે પેંડા તથા ચેવડો પણ ઉડાવ્યાં. પણ ગેરકાયદે અને વગર પરવાનગીએ ચણતરકામ કરવા બદલ સુધરાઈ તરફથી એ બંગલી સાત દિવસમાં તોડી નાખવાની મને નોટિસ મળી, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો ! એ હકીકત સુધરાઈ સુધી એકદમ પહોંચી કેવી રીતે ? બે દિવસ તો મન ગમગીન રહ્યું. પણ ત્રીજે દિવસે ટેલિફોનના ગોટાળાએ બધો ભરમ ફોડી નાખ્યો ! ટેલિફોનની ઘંટડી રણકી એટલે હું મેડેથી નીચે આવ્યો. પણ તે દરમ્યાન ઘંટડી વાગતી બંધ થઈ ગઈ. થોડીવાર મેં વાટ જોઈ પણ ફરીથી ઘંટડી ના વાગી, એટલે કુતૂહલ ખાતર મેં ભૂંગળું ઉપાડીને કાને ધર્યું તો ઓટોમેટિક ટેલિફોનમાં નીચે પ્રમાણેનો અદ્દભુત સંવાદ સાંભળવા મળ્યો !
‘હા, યાર હા ! એ તો આ બંદા ખરાને !’
‘પછી શું થયું ?’
‘થાય શું વળી ? બંગલી તોડી નાખવાની નોટિસ એ ભાઈસાહેબને મળી ગઈ !’
‘વેરીગુડ ! ક્યા એ અરવિંદભાઈ ?’
‘કેમ વળી ? મારાથી પાંચમું જ મકાન ! અરવિન્દલાલ ઓથમીર ! હું તેમને વારંવાર “ઓથમીર”ના નામથી ઓળખાવું છું તે !’
‘આઈ સી ! હવે ખ્યાલ આવી ગયો !’
‘જરા બહુ ઠાંસમાં ફરતા હતા ને ! હવે લેતા જાઓ બચ્ચાજી ! અને હલ્લો ! તે દિવસે એમના જ પેંડા અને ચેવડો અમે ઠોકેલાં, હં કે !’
‘યાર ! તમને નહિ પહોંચાય ! તમે કોણ ! પ્રભુના દાસ ! કંઈ જેવા તેવા છો ! ઠીક કર્યું તમે. ચાલો, પછીથી મળીશું. સાહેબજી !’
‘સાહેબજી !’ ફોન મૂકી દેવાનો અવાજ સંભળાયો.

એમ બાબત હતી ત્યારે ! પહેલા સગા પાડોશી પ્રભુદાસે જ આ કૌંભાંડ રચેલું ! વળી મારું નામ તેમણે ‘ઓથમીર’ પાડ્યું છે, તે પણ આમ અનાયાસે ટેલિફોનની ક્ષતિને લીધે જાણવા મળ્યું. એમને હવે હું પહેલા સગા કેમ કહું ? અનુભવે સમજાયું છે કે પાડોશીઓ પા-ડોશી જેવા નહિ પણ પા- સવા પાંચ ડોશી જેવા હોય છે ! ઘરની ઝીણામાં ઝીણી હકીકત પાડોશી મારફતે જ બધે ‘બ્રોડકાસ્ટ’ થાય છે. તેમ ના હોય તો તમે કાલે મુંબઈ જવાના છો કે તમારા વેવાઈ સાથે તમારે બોલાચાલી થઈ એ હકીકત પારકું માણસ કેવી રીતે જાણવાનું હતું ? તમે આજે સાંજે દાળઢોકળી જમ્યા હતા એની ખબર, તમે જમીને પોળને નાકે પાન ખાવા માટે જાઓ ત્યારે ત્યાં કેવી રીતે પહોંચી ગઈ હોય ? પનુ પાનવાળો તમને તરત પૂછશે કે ‘કેમ, આજે દાળઢોકળી ઉપર સવારી હતી ને ?’ તમારા સગાકાકા ગુજરી ગયા છે અને તમે શોક પાળો છો છતાં ઘરને ખૂણે તમે શિખંડપૂરી ઉડાવ્યાં હતાં, એ બાતમી ધીમે ધીમે તમારી આખી ન્યાતમાં ક્યાંથી ફેલાઈ જાય ?

એ બધાં કારસ્તાન આપણા પાડોશીઓનાં જ હોય છે. એમની લીલાનો પાર પામી શકાતો નથી. તમે માનો કે ના માનો પણ આપણો પહેલો શત્રુ પાડોશી જ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંખે ભરી હૃદય – ઈલા આરબ મહેતા
વાત સુશીલાબેનની…. – મહેશ યાજ્ઞિક Next »   

13 પ્રતિભાવો : પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ

  1. pragnaju says:

    સુંદર રમુજ
    ‘એ બધાં કારસ્તાન આપણા પાડોશીઓનાં જ હોય છે. એમની લીલાનો પાર પામી શકાતો નથી. તમે માનો કે ના માનો પણ આપણો પહેલો શત્રુ પાડોશી જ છે’ રમુજી શૈલીમાં જાણે બાઈબલનો સંદેશ આપ્યો કે પડોશીને પ્રેમ કરો!’વળી ત્રણ નજીકનાં પતિ-પત્ની,પડોશી અને પિત્રાઈને શત્રુતા ન થાય તેની ખાસ કાળજી માંગે છે!

  2. ભાવના શુક્લ says:

    સરસ… મજા આવી પાડોશ પુરાણ વાચવાની…. આમા નુ ઘણુ ખરુ એક યા બીજી રીતે બનતુ જ આવે છે આપણી સાથે અને યાદ રાખવુ કે આપણે પણ ન્યાત બહાર નથી માટે કોઇ સર્ટીફીકેટ લઈને ફરવુ નહી….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.