વાત સુશીલાબેનની…. – મહેશ યાજ્ઞિક

‘તમે ત્યાં પાલડી બસસ્ટેન્ડ પાસે જ ઊભા રહો. અર્ધા કલાકમાં આવું છું….’ સામેની વ્યક્તિને આટલી સૂચના આપીને ગૌતમ પટેલે મોબાઈલ ટિપોઈ પર મૂક્યો. એની પત્ની ગીતા સામે સોફા ઉપર બેઠી હતી. એની આંખમાં સળવળતો સવાલ શબ્દો બનીને હોઠ પર આવે એ અગાઉ ગૌતમે જવાબ આપી દીધો. ‘પપ્પાના ખાસ મિત્ર છે. જામનગરમાં બહુ મોટો કારોબાર છે. અત્યારે અમદાવાદ આવ્યા છે ને મારું કંઈક કામ છે એમને…’
એણે કારની ચાવી હાથમાં લીધી. ‘તું રસોઈની તૈયારી કર…’ એણે ગીતા સામે જોયું. ‘વડીલ આપણે ત્યાં જ જમશે.’
‘આમેય ઘરડા માણસને હોટલ કે લોજમાં તકલીફ પડે. પપ્પા જેટલી તો ઉંમર હશે ને એમની ?’
‘રમણિક અંકલ પપ્પાથી પાંચેક વર્ષ નાના હશે. બંનેના સ્વભાવમાં પણ આસમાન-જમીનનું અંતર. પપ્પા બિચારા ગાંધીવાદી અને આ અંકલ ચરતા ઘોડા વેચી આવે એવા ગિલિન્ડર…. !’ ગૌતમે હસીને માહિતી આપી. ‘એ તો તું મળીશ એટલે તરત ખ્યાલ આવી જશે.’

એક કલાક પછી ગૌતમ રમણિકભાઈને લઈને પાછો આવ્યો ત્યારે ગીતા કિચનમાં હતી. ‘આ રમણિકભાઈ ઠક્કર. પપ્પાના ખાસ દોસ્તાર…..’ ગૌતમે પરિચય કરાવ્યો. ‘રાજકોટમાં આપણી પડોશમાં એમનું ઘર હતું. એ પછી પપ્પા અમદાવાદ આવ્યા અને એમણે જામનગરમાં ધંધો જમાવ્યો…’

ગીતાની નજર રમણિકભાઈના નિરીક્ષણમાં રોકાયેલી હતી. સત્તાવન-અઠ્ઠાવનની ઉંમર, ડાઈ કરેલા કાળા ભમ્મર વાંકળિયા વાળ, આંગળીઓમાં ચમકતી હીરાની બે વીંટીંઓ, સ્ટીલ ગ્રેરંગના સફારીનું ઉપરનું બટન ખુલ્લું હતું એટલે સોનાની જાડી ચેન દેખાતી હતી. બેઠી દડીનું સ્થૂળ શરીર… એમની આંખો જોઈને ગીતાને ગૌતમની વાત સાચી લાગી. માણસ ભરોસાપાત્ર નથી. પોતાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો બીજાને પાંચ હજારનું નુકશાન આરામથી કરાવી નાંખે ! ગીતાએ ઝૂકીને એમનો ચરણસ્પર્શ કર્યો. રમણિકલાલે આશીર્વાદ આપીને પોતાની બેગ ખોલી. ‘વરસ અગાઉ તમારા મેરેજમાં આવવાની બહુ ઈચ્છા હતી પણ એ જ વખતે હાર્ટમાં પ્રોબ્લેમ થયો. ના અવાયું……’ બેગમાંથી સાડીનું પેકેટ કાઢીને એમણે ગીતાને આપ્યું. ‘આજે આવવાનું થયું એટલે યાદ કરીને આ બાંધણી લેતો આવ્યો… વ્યાજ સાથે લગ્નની ભેટ…..’ બીજું પેકેટ પણ એમણે ટિપોઈ પર મૂક્યું. ‘આ સૂકી કચોરી. બાંધણી ને કચોરી એ બેઉ અમારા જામનગરની ઓળખાણ છે….’

ચા પીધા પછી એ બાથરૂમમાં ઘૂસ્યા.
‘તમે ધ્યાન રાખજો….’ સ્ત્રીસહજ ચિંતાથી ગીતાએ ગૌતમને ચેતવ્યો. ‘માણસ બહુ પાક્કો લાગે છે. લગ્ન વખતે ચાંદલો મોકલી શક્યા હોત. એને બદલે વરસ પછી કામ પડ્યું ત્યારે સાડી લઈને આવ્યા ! એમને કામ શું છે ?’
‘એ હજુ કહ્યું નથી….’ ગૌતમે ઠંડકથી કહ્યું. ‘ચિંતા ના કરતી. હું એમને ઓળખું છું. રાજકોટમાં બહુ નાની ઉંમરે આખી ઓઈલ મિલ સંભાળતા’તા. પપ્પાએ એમની બધી વાતો કહેલી. એમાં કંઈક લોચો થયેલો ને બધું વેચીને જામનગર પહોંચી ગયા. પૈસો પુષ્કળ અને માણસ કાબો એટલે જામનગરમાં નવો ધંધો જમાવી દીધો…. જોઈએ, કેવું કામ છે !’

રમણિકલાલ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે જમવાનું તૈયાર હતું. ત્રણેય ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાયાં. ‘અમદાવાદની ભૂગોળ મારા માટે સાવ અજાણી અને કામ એવું છે કે ઘરના માણસ સિવાય સોંપાય નહીં, એટલે તું યાદ આવ્યો.’ જમણી વખતે રમણિકલાલે પોતાનાં પાનાં ખુલ્લાં કર્યાં. ગૌતમ અને ગીતા ધ્યાનથી સાંભળતાં હતાં.
‘મારે સંતાનમાં એકની એક દીકરી છે, સોનલ એનું નામ. અભ્યાસમાં આખા જિલ્લામાં સૌથી અવ્વલ. ગયા વર્ષે કોમ્પ્યુટર એન્જિનિયર થઈ. અમારા સમાજમાં છોકરી બહુ ભણે તોય તકલીફ… છોકરાઓ ધંધામાં હોશિયાર પણ ભણવામાં ભલીવાર નહીં. થોડુંક ભણીને બાપાનો બિઝનેસ સંભાળી લે. મારી મુશ્કેલી સમજાય છે તમને ?’ એમણે ગૌતમ અને ગીતા સામે જોયું. બંનેએ હકારમાં માથું હલાવ્યું. ‘છોકરી બહુ ડાહી છે પણ એની મા જેવી જિદ્દી છે. કેટલાય છોકરા બતાવ્યા પણ બધે ભણતરના વાંધા પડે. હવે એક આશા છે એટલે દોડીને તારી પાસે આવ્યો…..’

બંને શ્રોતાઓની આંખમાં જિજ્ઞાસા છલકાતી હતી. ‘પંદરેક દિવસ પહેલાં સોનલ અને એની મમ્મી એક સંબંધીની જાનમાં અમદાવાદ આવેલાં. કાંકરિયા તળાવ પાસે અમારા સમાજની બે વાડી અડોઅડ આવેલી છે. એકમાં આ લગ્ન હતાં એ વખતે બીજી વાડીમાં લોહાણા સમાજનો યુવામેળો હતો. બધા જુવાનિયાઓ સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપે એવો કંઈક પ્રોગ્રામ હતો. સોનલ મારા જેવી જબરી. વગર ટિકિટના પેસેન્જરની જેમ બોર્ડ વાંચીને એ અંદર ઘૂસી ગઈ. એ કાર્યક્રમ તો હજુ ચાલો હતો પણ જાન વિદાય થવાની હતી એટલે એકાદ કલાકમાં એણે ઊભા થઈ જવું પડ્યું – પણ એ એક કલાકમાં તો એણે એક મુરતિયાને પસંદ પણ કરી લીધો !’
ગૌતમે હસીને પૂછ્યું : ‘તો પછી તકલીફ ક્યાં છે ?’
‘તકલીફ ?….’ એમને નિરાશાથી માથું ધુણાવ્યું. ‘છોકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એનું નામ સૌમિલ ગણાત્રા છે એટલી એને ખબર છે. બાકી કોઈ માહિતી નથી. બીજી બધી રીતે મારી છોકરીની સૂઝ અને પરખ ઉપર મને પૂરો ભરોસો છે પણ આખા અમદાવાદમાં એ સૌમિલ ગણાત્રાને શોધવો ક્યાં ?….’ સહેજ અટકીને એમણે આશાભરી આંખે ગૌતમ સામે જોયું. ‘હવે બધો આધાર તારા ઉપર છે.’

ગૌતમનું મગજ ઝડપથી વિચારતું હતું. ‘જરાયે ચિંતા ના કરતા…’ એણે હસીને આત્મવિશ્વાસથી રમણિકલાલ સામે જોયું. ‘અંદરના રૂમમાં એસી ચાલુ કરી આપું છું. આરામથી ઊંઘી જાવ. હું અને ગીતા જઈએ છીએ. ત્રણ કલાકમાં એ મુરતિયાની આખી જન્મકુંડલી તમારા હાથમાં હશે !’

‘એ દિવસે એ સ્વયંવરનો કાર્યક્રમ રઘુવંશી યુવક મંડળ તરફથી યોજાયેલો…’ સાડા ત્રણ કલાક પછી ગૌતમ અને ગીતા ઘેર આવ્યાં ત્યારે રમણિકલાલ આતુરતાથી એમની રાહ જોઈને બેઠા હતા. ગૌતમે ધીમે ધીમે આખી કથા સમજાવી. ‘વાડીમાંથી એ મંડળનું સરનામું લઈને ત્યાં પહોંચ્યા. ત્યાં આખું રજિસ્ટર જોઈને એ છોકરાનો અતોપતો મેળવી લીધો. નસીબજોગે મારો એક ભાઈબંધ પણ એ જ સોસાયટીમાં રહે છે. સીધા પહોંચી ગયા એના ઘેર. ભાઈબંધની મિસિસે રજેરજની માહિતી આપી….’ સુખદ આશ્ચર્યમાં ડૂબેલા રમણિકલાલ શ્વાસ રોકીને ગૌતમની વાત સાંભળી રહ્યા હતા.

‘છોકરો હીરા જેવો છે. આખી સોસાયટીમાં બધાને એના માટે માન છે.’ સહેજ અટકીને ગૌતમે રમણિકલાલ સામે જોયું. ‘માત્ર એક પ્રોબ્લેમ છે.’ રમણિકલાલ અદ્ધર જીવે એની સામે તાકી રહ્યા. ‘છોકરાનો બાપ નાનપણમાં ગુજરી ગયો છે અને મા થોડીક ઘનચક્કર છે !’
‘ગાંડી છે ?’
‘ગાંડી નથી. પ્રાથમિક શાળાની આચાર્યા છે પણ મગજની ચસકેલ છે. લગરિક એબનોર્મલ છે….’
‘એટલે ?’
‘તમે દર મહિને ઘરની કામવાળીને પગાર આપો એ વખતે એની સહી લો છો ? તમારી સોનલ દસ-બાર દિવસે તમારી પાસેથી પૈસા લે એ નોટબુકમાં નોંધીને આપો છો ?’ રમણિકલાલે નકારમાં માથું ધુણાવ્યું. એમના ચહેરા પર ગૂંચવણ તરવરતી હતી. ‘એ બહેન આવું બધું કરે છે. આખી સોસાયટીમાં એમની આ વિચિત્રતાની બધાને ખબર છે. નવરાત્રિ વખતે ફાળો લેવાય કોઈ એમની પાસે નથી જતું. છેલ્લાં પાંચ વર્ષનો હિસાબ માગે… પસ્તી-પેપરવાળા અને શાકવાળા પણ એમનાથી ગભરાય છે. એકએક આર્થિક વ્યવહારમાં ચીકણી લેંટ જેવી છે….’
આટલું કહીને ગૌતમ અટકયો. ‘તને તકલીફ ના હોય તો એક કામ કરીએ….’ વીસેક સેકન્ડ વિચાર્યા પછી રમણિકલાલે જવાબ આપ્યો. ‘છોકરાને ઘેર જઈએ. સાંભળેલી વાત અને અનુભવેલી વાતમાં ક્યારેક રામ-રાવણ જેટલો ફેર હોય છે !’
‘નો પ્રોબ્લેમ….’ ગૌતમે તરત કહ્યું, ‘ગાડી તૈયાર છે.’

બેઠા ઘાટના નાનકડા ટેનામેન્ટ પાસે ગૌતમે કાર ઊભી રાખી. ‘આ જ ઘર…’ એણે રમણિકલાલને કહ્યું. ગીતા સૌથી પહેલાં ઊતરી. એની પાછળ બંને પુરુષો પણ ઘરમાં પ્રવેશ્યા. ડ્રોઈંગરૂમમાં છવ્વીસેક વર્ષનો સોહામણો યુવાન કંઈક લખી રહ્યો હતો. આ ત્રણેયની સામે એ આશ્ચર્યથી જોઈ રહ્યો.
‘સૌમિલ ગણાત્રા ?’ ગૌતમે પૂછ્યું.
‘જી…’ એણે ઠાવકાઈથી કહ્યું, ‘આપ ?’
‘તમારાં મમ્મી છે ?….’ ગીતાએ એને પૂછ્યું.
‘જી તમે લોકો બેસો….’ સોફા તરફ ઈશારો કરીને એ અંદરના રૂમમાં ગયો. ત્રણેય સોફા ઉપર ગોઠવાયાં. અંદરના રૂમમાંથી સૌમિલ સાથે એક સ્ત્રી બહાર આવી. પચાસેક વર્ષની ઉંમર, સૂકલકડી દેહ, સોનેરી ફ્રેમનાં ચશ્માં, માથા ઉપર ચાંદી જેવા સફેદ વાળ, સુતરાઉ વાદળી રંગની સાડી અને એ જ રંગનું કોણી સુધીનું બ્લાઉઝ… રૂમની વચ્ચે ઊભી રહીને એ સ્ત્રી આ ત્રણેયની સામે ટગર ટગર તાકી રહી.

‘બહેનજી, આપને મળવા છેક જામનગરથી આવ્યો છું….’ રમણિકલાલે તરત બાજી પોતાના હાથમાં લઈ લીધી. એમણે ઊભા થઈને એ સ્ત્રી સામે બે હાથ જોડ્યા. ‘આપણી જ્ઞાતિમાં ભણેલા મુરતિયાની અછત છે અને મારી દીકરી કમ્પ્યુટર એન્જિનિયર છે. રૂપ-રંગ કે સંસ્કારમાં કોઈ ખામી નથી. એણે તમારા દીકરાને જોયો છે અને પસંદ પણ કરી લીધો છે….’ રમણિકલાલનું બોલવાનું ચાલુ હતું એ દરમિયાન એ સ્ત્રીની નજર એમના ચહેરા સામે સ્થિર હતી. ‘કન્યાના બાપ તરીકે બે હાથ જોડીને કહેવા આવ્યો છું કે તમે જામનગર પધારો અને અમારી દીકરીને જુઓ. આપને મારો પરિચય આપું….’
‘કોઈ જરૂર નથી….’ એ સ્ત્રીનો અવાજ ધીમો હતો પણ એના તીણા અવાજમાં સામેના માણસને વહેરી નાખે એવી તીક્ષ્ણતા હતી. ‘તમે મને ના ઓળખી પણ મેં તમને ઓળખી લીધા છે રમણિકભાઈ !’ પગ પાસે બોમ્બ ફૂટ્યો હોય એમ રમણિકલાલ ચમક્યા. ગૌતમ અને ગીતા પણ સ્તબ્ધ બનીને વારાફરતી બંનેના ચહેરા સામે તાકી રહ્યા. સૌમિલની આંખમાં પણ અચરજ હતું. ‘પચીસ વર્ષનો અંતરાલ વીતી ગયો છે એ છતાં હું તમને ભૂલી નથી… મારું નામ સુશીલા…. સુશીલા જસવંતલાલ ગણાત્રા…. પડી ઓળખાણ ?’

મોં ઉપર સણસણતો તમાચો પડ્યો હોય એમ રમણિકલાલ હચમચી ઊઠ્યા. ફાટી આંખે એ સુશીલા સામે તાકી રહ્યા. ‘મારો વર તો સાવ ભોળિયો હતો એ બિચારો તને એનો ખાસ ભાઈબંધ માનતો’તો. તારી સાથે ઓઈલ મિલમાં ભાગીદારી કરી એ વખતે મને કહેતો’તો કે રમણિક તો મારા મોટાભાઈ સમાન છે. બાપ-દાદા વખતનો અમારો હવેલી જેવો બંગલો ગીરો મૂકીને એણે તારી સાથે પૈસા રોકેલા… મારા બધા દાગીના પણ વેચી દીધેલા તને પૈસા આપવા….’

સુશીલાનો પાતળો દેહ ધ્રૂજી રહ્યો હતો. ‘તે જ્યાં કહ્યું ત્યાં એ બાપડાએ આંધળા વિશ્વાસથી સહી કરી આપેલી. પીઠ પાછળ તેં એવો ઘા માર્યો કે એ જીરવી ના શક્યો. તારી દગાબાજીમાં અમે રોડ ઉપર આવી ગયાં. કોઈ અજાણ્યાએ એને ધૂતી લીધો હોત તો એને આટલી પીડા ના થતી. ઘરમાંથી બહાર નીકળતી વખતે એ ચોધાર આંસુએ રડ્યો’તો… એ જ વખતે એને એટેક આવી ગયો. ત્રણ મિનિટમાં ખેલ ખલાસ થઈ ગયો….. કાળમુખા ! તેં શું કરેલું એનું ભાન છે તને ?’ સુશીલાની બંને આંખ ભીની થઈ ચૂકી હતી. સૌમિલ નીચું જોઈને ચૂપચાપ ઊભો હતો. સાડીના છેડાથી આંખ લૂછીને સુશીલાએ પોતાની જાત ઉપર નિયંત્રણ મેળવ્યું. ‘એમની વિદાય વખતે સૌમિલ એક વરસનો હતો. એને ઉછેરવા માટે મારે જીવવાનું હતું. ઉછીના-પાછીના કરીને પી.ટી.સી કર્યું અને શિક્ષિકા બની. લોકો ગાંડી ગણે એ હદે દરેક વ્યવહારમાં સાવધાની રાખવાનું તેં મને શીખવ્યું. પેટે પાટા બાંધીને છોકરાને ભણાવ્યો. મેડિકલને બદલે આ લાઈનમાં એટલે મોકલ્યો કે એને હિસાબમાં કોઈ છેતરી ના શકે….’

આખા શરીરમાંથી એકસામટું બધું લોહી કોઈએ શોષી લીધું હોય એમ રમણિકલાલનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એ હજુ ઊભા જ રહ્યા હતા. ‘બેસો રમણિકલાલ, આરામથી બેસો….’ સુશીલાનો અવાજ હવે તદ્દન સ્વસ્થ હતો. ‘દીકરીના બાપ તરીકે મહેમાન બનીને તમે આવ્યા એ છતાં જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠેલી. આટલા વરસની પીડા અને સંતાપ બધુંય ઠાલવી નાખ્યા પછી હવે મન ઉપર કોઈ ભાર નથી…’

વીસેક સેકન્ડના મૌન પછી એણે રમણિકલાલ સામે જોયું. ‘તમારામાં હજાર ખરાબી હશે એ છતાં ઈશ્વરે એકાદ સદગુણ આપ્યો હશે. તમારી દીકરીમાં માત્ર એ સદગુણ જ વિકસ્યો હશે. એક સ્ત્રી તરીકે જાણું છું કે દીકરી તો સંસારની સારપ લઈને જ ઉછરે છે. તમારે દીકરો હોત અને મારે દીકરી હોત તો હું ધડ દઈને ના પાડતી, પણ એ તો ઊંધું છે. ગુનો તમે કર્યો. સજા મેં ભોગવી. હવે તમારા પાપે દીકરીને સજા કરવાથી શો ફાયદો ? એ ફૂલને ડામ દેવાનો કોઈ અર્થ ખરો ? ભૂતકાળને યાદ કરીને દુનિયામાં કોઈ માણસ સુખી થઈ શકે ખરું ?….’ એણે સૌમિલ સામે નજર કરી. પછી રમણિકલાલ સામે જોયું : ‘રમણિકભાઈ, બોલ્યું-ચાલ્યું માફ કરજો. વહેલામાં વહેલી તકે દીકરીને લઈને આવો. છોકરા-છોકરી એકબીજાને પસંદ કરે તો સાથે મળીને ગોળધાણાં ખાઈશું….’

રમણિકલાલની આંખમાં જે ભીનાશ ચમકતી હતી એ જોઈને ગૌતમને લાગ્યું કે આ માણસ જિંદગીમાં પહેલી વાર સાચું રડ્યો હશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ
શ્રદ્ધામય જીવન – ઈસુ ખ્રિસ્ત Next »   

24 પ્રતિભાવો : વાત સુશીલાબેનની…. – મહેશ યાજ્ઞિક

 1. gopal h parekh says:

  આપણા સમાજમાં આવી સુશીલાઓની તાદાદમાં સતત વધારો થતો રહે જેથી દિકરીઓ સુખી થાય

 2. Paresh says:

  શ્રી મહેશભા યાજ્ઞિકની લઘુ વાર્તાઓ દિવ્યભાસ્કરમાં આવે છે. તેનો નિયમિત વાંચક છું. ખુબ જ સરસ લખે છે. તેમની વાર્તાઓ વધુ વાંચવા મળશે તો આનંદ થશે. આભાર

 3. Himanshu Zaveri says:

  Good Story and there is also one more good story from Mahesh Yagnik on today’s Divyabhaskar’s Online edition. thank for posting it

 4. ખુબ જ સુંદર ….

  પાત્રાલેખન પણ મજાનું …

 5. pragnaju says:

  ખૂબ સુંદર વાર્તા
  તેમાં આ વાત તો બે વાર વાંચી…
  ‘તમારામાં હજાર ખરાબી હશે એ છતાં ઈશ્વરે એકાદ સદગુણ આપ્યો હશે. તમારી દીકરીમાં માત્ર એ સદગુણ જ વિકસ્યો હશે. એક સ્ત્રી તરીકે જાણું છું કે દીકરી તો સંસારની સારપ લઈને જ ઉછરે છે. તમારે દીકરો હોત અને મારે દીકરી હોત તો હું ધડ દઈને ના પાડતી, પણ એ તો ઊંધું છે. ગુનો તમે કર્યો. સજા મેં ભોગવી. હવે તમારા પાપે દીકરીને સજા કરવાથી શો ફાયદો ? એ ફૂલને ડામ દેવાનો કોઈ અર્થ ખરો ? ભૂતકાળને યાદ કરીને દુનિયામાં કોઈ માણસ સુખી થઈ શકે ખરું ?….’ સીધા ઉપદેશ કરતાં આવી વાર્તાથી સહજ ગુણાત્મક પરિવર્તનનો વિચાર ઉતારી શકાય છે

 6. Sapna says:

  I agree with pragnaju. Very nice artical.

 7. ખરેખર સરસ વારતા છે.

 8. zankhana says:

  very very nice story……samaj ma ava j loko ni sachi jarooorrr che…….

 9. ભાવના શુક્લ says:

  બહુજ પ્રેક્ટીકલ ડીસીજન લેનારા સુશીલાબહેન ને લાખો પ્રણામ….

 10. keyur kinkhbwala says:

  Very nice artical.

 11. JITENDRA TANNA says:

  very good

 12. Rajesh says:

  હે ભગવાન,

  મને પણ શુશિલાબેન જેવી હિમત આપજે કે કોઇ ના જુની ભુલ ને આટલી સહજતાથી ભુલી શકિયે.

  રાજેશ શાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.