હું કેમ ગાઉં છું ? – કલ્પના દેસાઈ
[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રીમતી કલ્પનાબેનનો (ઉચ્છલ, સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : ફોન. 02628-231123. ]
લો, આ કેવો સવાલ ? એમ જ. મારી મરજી. મને ગમે છે એટલે ગાઉં છું. બધાંને બોર કરવા, ત્રાસ આપવા ગાઉં છું. મને એમાં જ આનંદ મળે છે. હું ગાઉં ને કોઈ પોતાના કાને હાથ દે મો વાંકું કરે, ડોળા કાઢે, ઓઢીને સૂઈ જાય કે ઊઠીને ચાલવા માંડે – તે જ મારા ગળાની ખૂબી છે ! એ લોકોને ન ગમે તેથી મારે ન ગાવું ? મને ગાવું ગમે છે તેનું કાંઈ નહીં ? બસ, એટલે જ ગાઉં છું. ખાસ કરીને તો કોઈ મને બોર કરતું હોય ત્યારે મારા મનમાં ગીત શરૂ થઈ જાય છે. એમાં જો સામેવાળા મારાથી નાના હોય તો મોટેથી પણ ગવાઈ જાય. મારી આ સારી કે ખરાબ ટેવ આગળ હું લાચાર છું, પણ શું કરું ?
એમ તો ગાવાની ટેવ મને નાનપણથી જ. દરેક રમતમાં ગીત ગાતાં ગાતાં જ રમવાનું હોય એટલે રાગડા તાણીને ગાવાનીને રમવાની પહેલેથી જ પ્રેક્ટિસ. ખૂબ મજા પડતી. એ વખતે તો ગીત શું ને, રાગ શું ને તાલ શું ?…..બધાં જ ગાતાં હોય એટલે મોટેથી ગવાતાં સમૂહગીતો જ હોય ને ? એવાં જ ગીતો પરથી પ્રેરણા મેળવીને શાળામાં ગાવાનો પહેલો જ ઉમંગભેર પ્રયાસ કરેલો જે કમનસીબે મારો આખરી દુ:ખદાયક પ્રયાસ નીવડેલો.
મારે ત્રણ છોકરીઓ સાથે ઊભા રહીને માઈકમાં ‘જનગણમન’ ગાવાનું હતું. માઈક હોય તો પણ રાષ્ટ્રગીત તો પૂરા જોશને ઝનૂનથી જ ગાવું જોઈએ તેથી, અને વળી સમૂહગીતોની ટેવને કારણે પણ ખરું, ને વળી થોડુંક તો ‘હું સારું ગાઉં છું’ ના વહેમમાં હોવાને લીધે મેં ‘જનગણમન’ ગાવામાં મારા જી-જાન લડાવી દીધાં. રાષ્ટ્રગીતને વચ્ચેથી અટકાવવાની તો કોઈ હિંમત કે ભૂલ તો ન કરી શકે પણ જેવું પત્યું કે અચાનક જ કોને ખબર ક્યાંથી અમારાં પ્રિન્સિપાલ સાક્ષાત પ્રગટ થયાં ! ‘એ કોણ પાડાની જેમ આરડતું હતું ?’ ત્યારના શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં બિલકુલ આવડતી નહીં. ધોલધપાટ, ગાળાગાળ ને અસભ્ય વર્તનને બહાને શિસ્તનો આગ્રહ રાખતાં ! આજનું વાતાવરણ કેટલું કૂ…..લ છે, નહીં ?
મેં તો ભોળી નજરે બીજી વિદ્યાર્થીનીઓ તરફ જોયું. એમણે લાચાર નજરે મારી તરફ જોયું. પ્રિન્સિપાલે અમને ચારેયને વારાફરતી ‘જનગણમન’ મોટેથી ગાવા કહ્યું. મેં તો હતું એટલું જોર લગાવીને કર્યું, ‘જ….ન…..ગ….ણ….મ….ન…..’
‘બસ…. બસ… બસ….’ તડીપારનો હુકમ સંભળાવતાં હોય એમ એમણે મોટેથી કહ્યું : ‘તું જ… તું જ.. (આજે તો બસ તારો અંત ભાસે.) નીકળ બહાર ! ફરીવાર ગાવા આવીશ નહીં. આટલું મોટેથી ગવાય ? ગાતાં ન આવડતું હોય તો આવી રીતે ગાવા નહીં દોડી આવવાનું.’ ખલા…સ.. મારી શરૂથતી કારકીર્દિ પર મોટો બ્રેક લાગી ગયો. એ દશ્ય તો જિંદગીભર ભૂલ્યું ના ભૂલાય. જ્યારે પણ કશે માઈક જોઉં, કોઈને ગાતાં જોઉં કે એની જગ્યાએ મને ઊભેલી જોઈને કંપી જાઉં. ‘તું…જ, તું… જ !’ ના પડઘા પડવા માંડે. ખેર, જે કારણસર અપમાન થયું હોય તે કારણને દૂર કરવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો છે. અપમાન કરનારને દૂર નથી કર્યાં, એ તો મારા ગાવાથી આપમેળે જ દૂર થઈ ગયા હોય છે. એટલે મેં ત્યારે જ મનમાં ઠાની લીધું કે ગમે તેમ કરીને પણ મારે ગાવું. એટલે કે ગાતાં શીખવું. આજની જેમ ત્યારે ગાનારને સ્ટેજ, પ્લેટફોર્મ, કે વ્હાલાં સમજુ કુટુંબીઓ સુલભ નહોતાં. જ્યાં ઘરમાં પણ છૂ…ટથી ગાવાની છૂટ નહોતી ત્યાં બહારની તો વાત જ શી ? એટલે મેં રેડિયો આર્ટિસ્ટ બનવાનું નક્કી કર્યું. કા…શ, ત્યારે ટી.વી. હોત !
રેડિયો આર્ટિસ્ટ એટલે રેડિયોની સાથે સાથે ગાવાનું. સવારથી રાત સુધી રેડિયો મચેડ્યે રાખું. જ્યાં સારું ગીત આવે ત્યાં અટકીને ધ્યાનથી સાંભળું ને પછી સાથે સાથે અં….અં..અં….આ…..ઈ….ઈ….. ગાઉં. આમ મારી સંગીત સાધના રેડિયોની મદદથી આગળ ચાલી. વર્ષો સુધી રેડિયોને ગુરુ માનીને એકલવ્યની જેમ ગાવામાં પ્રવીણ બની. તમને થશે કે, એકલવ્યને વળી ગાવાનો શોખ ક્યારથી હતો ? એ ક્યારે રેડિયો સાંભળતો ? પણ આવી રીતે શીખેલી વિદ્યાને ‘એકલવ્ય-વિદ્યા’ કહેવાય છે. થોડા સમયમાં જ મેં નોંધ્યું કે, હવે મને ગાતી જોઈને કે સાંભળીને કોઈ ચિડાતું નથી, બબડતું નથી. વાહ ! જો કે, પછીથી ખબર પડી કે એ સમયે એ લોકો એમનાં મનમાં ગીત ગાતાં રહેતાં અથવા તો તેમના કામના ધ્યાનમાં મારા પર ધ્યાન આપવાની એમને સૂધ રહેતી નહીં. જે થયું તે ઠીક થયું. મને લાગ્યું કે હું ગાવામાં પારંગત બની. હવે જાહેરમાં ગાવામાં વાંધો નહીં.
રેડિયોને કારણે આકાશવાણીનું સરનામું તો મોઢે જ હતું. એક દિવસ ઘરમાં કોઈને કહ્યા વગર, એમને સરપ્રાઈઝ આપવા જ એક બહેનપણીને લઈને આકાશવાણીના સ્ટુડિયો પર પહોંચી ગઈ. દસ રૂપિયા એન્ટ્રન્સ ફી ભરીને નામ નોંધાવ્યું. એક રૂમમાં મારો ઓડિશન ટેસ્ટ લેવા મને બોલાવી. મારી સામે માઈલ ગોઠવ્યું ને એક સંગીતના જાણકાર ભાઈ મારી સામે વન, ટુ, થ્રી કહેવા ઊભા રહ્યા. કાચના પાર્ટિશનની પેલે પાર સાજિંદાઓ મારા ગાવાની રાહ જોઈને બેઠેલા. કયું ગીત ગાવું ને કઈ રીતે ગાવું તે બધું નક્કી જ હતું. બાથરૂમમાં હજારવાર ગાવાની પ્રેક્ટિસ પણ કરેલી. ને હજાર વાર ગાવાની પ્રેક્ટિસ કરી હોવાથી ગીત તો સારું જ ગવાશે એમાં કોઈ શંકા નહોતી. ખૂટતો હતો તો બસ આત્મવિશ્વાસ ! અહીં આવતાં તો આસાનીથી આવી ગઈ પણ હવે પેલું માઈક દુશ્મનની જેમ મારી સામ્મે જ ગોઠવાઈ ગયેલું. ‘તું…જ…. તું…જ’ ના પડઘા શરૂ થઈ ગયેલા. શું કરું ?
મારી પાસે તો આત્મવિશ્વાસ મેળવીને ગાવા માટે આખ્ખો દિવસ પડેલો પણ પેલા ભાઈ કંઈ નવરા હતા ? ‘ચાલો દીકરા, ગાવાનું શરૂ કરો. વ…ન..ટુ… સ્ટાર્ટ !’ મેં મોં ખોલ્યું. મને લાગ્યું કે મેં ગાયું. સારું ગાયું. હોઠ પણ ફફડ્યા, પણ પેલો અંદરથી નીકળતો અવાજ ક્યાંક અલોપ થઈ ગયો અને મેં મૂંગું ગીત ગાયું હોય એવું બધાંને ને પછીથી મને પણ લાગ્યું. હું ફફડી ઊઠી. મારા ગળામાંથી અવાજ નીકળ્યો જ નહોતો ! પેલાં ‘તું…જ….તું…જ’ નો જ પ્રતાપ, બીજું કાંઈ નહીં ! બાકી તો ! ચોવીસે કલાક ગાનારી હું અહીં કેમ ગાઈ ન શકું ?
સ્ટુડિયોવાળા ભાઈ અનુભવી હતા. મને આશ્વાસનને હિંમત આપતા બોલ્યા, ‘બેટા, ગભરાવાનું નહીં. આરામથી ગાઓ. ફરીથી ગાઓ જોઉં.’ એ…..! પહેલા મેં ક્યાં ગાયું જ છે ? હું ગૂંચવાઉં તે પહેલા જ એમણે ઊમેર્યું ‘અહીં કોઈ તમને મારી નહીં નાખે. કોઈની સામે જોવાનું કામ નથી. મન મક્કમ કરો. ગીત યાદ કરો અને ફક્ત માઈકનું ધ્યાન રાખીને ગાવા માંડો, ચાલો… વન…ટુ…થ્રી..!’ હું મનમાં બબડી, ‘બધી આ માઈકની જ તો પંચાત છે. પણ એના વગર તો ચાલે નહીં, હવે ?’ મેં ફરીથી મોં ખોલ્યું. ગળામાંથી અસ્પષ્ટ આ… નીકળ્યું ને અવાજ તરડાઈ ગયો. એક વાર ડેન્ટિસ્ટને ત્યાં ગયેલી ત્યારે આવું જ થયેલું. ડૉક્ટરે મોં ખોલવા કહ્યું ‘મેં આ….’ ગાતાં ગાતાં મોં ખોલ્યું. ગાવાનું નો’તું કહ્યું, તોય આદત મુજબ ગવાઈ જ ગયું. ડૉ. ને પણ ગમ્યું હોય એવું લાગ્યું. એમણે કહ્યું કે : ‘હવે મોઢું આ….. જ રાખજો.’ એમનું ગુજરાતી કાચું હતું પણ એમનું કહેવું ને એમનો આગ્રહ હું ટાળી ન શકી. મેં તો ખુશી ખુશી આ…… લંબાવ્યું ને ડોક્ટરે મારો દાંત પાડી નાંખ્યો ! મારી, આગળ વધુ ગાવાની ઈચ્છા પડી ભાગી ને હું ભાંગી પડી. દાંત પડી ગયા પછી પણ મારું સંગીત, નવા જ કરુણ ગીતના સ્વરૂપે…ઓ…ઓ…આ…આ…..ઊ…ઊ…ઈ…..ઈ…. મોમાંથી અનાયાસે જ વહેતું રહ્યું. ડોક્ટરે તે સાંભળ્યું કે નહીં ખબર નહીં કે પછી વખાણ્યું કે નહીં તેની પરવા કર્યા વગર હું દુ:ખી મને ત્યાંથી બહાર નીકળી ગયેલી.
મનુષ્યના જીવનમાં તેરની જેમ ત્રણનો આંકડો પણ ઘણી વાર બિલાડીની જેમ આડો ઊતરતો હોય. ત્રણ જ ચાન્સ આપવાનો નિયમ કોણે બનાવ્યો ખબર નહીં. પણ જેણે બનાવ્યો હશે તેણે આકાશવાણીવાળા ભાઈ પાસે મારા માટે કાળવાણી કઢાવી ! ‘હવે છેલ્લો ચાન્સ છે બેન. ગાવાની કોશિશ કરો. જરૂર ગવાશે.’ ખલા…સ ! આગળથી જ કહી દીધું કે, આ છેલ્લો ચાન્સ છે. પછી તો કદાચ ગાવાતું હોય તો પણ ન ગવાય. ને એમ પણ મારે યાદ રાખવું જોઈતું હતું કે દસ રૂપિયામાં કેટલા ચાન્સ મળે ? બીજા દસ રૂપિયા આપું તો કદાચ બીજા ત્રણ ચાન્સ મળે. પણ આ રેકોર્ડિંગ સ્ટુડિયો હતો, કોઈ રમતગમતનું મશીન થોડું હતું કે દસ દસ રૂપિયામાં ત્રણ ત્રણ વાર ગાવાનો ચાન્સ મળ્યા કરે ? સારા ગાયકો તો પછી બિચારા એમ જ અટવાઈ મરે. ને મારા જેવી તો કેટલીય પ્રતિભાઓ આમ જ અકાળે….! જવા દો.
મારાથી છેલ્લા ગોલ્ડન ચાન્સમાં પણ ન જ ગવાયું. મેં અમસ્તું જ ગળું ખખડાવ્યું, ઠમઠોર્યું. દસ ખોંખારા ખાધા, વીસ ઉધરસ ખાધી ને પચ્ચીસ તદ્દન ખોટ્ટી સ્માઈલ આપી, સાવ દયામણી ! કોરા રૂમાલને બેઉ હાથમાં પચાસ વખત નીચોવ્યો. બહેનપણી તરફથી ઉછીનો કંઠ મળે એ આશાએ એના તરફ મીટ માંડી. એની કરુણાસભર આંખો અને પડી જવા તૈયાર મોં જોઈને મેં છેલ્લે છેલ્લે હતું તેટલું જોર લગાવીને આ…… કર્યું ! પ….ણ ? વ્યર્થ. છેલ્લી કોશિશ પણ નાકામ રહી. હું આકાશવાણી ના કરી શકી.
બસ, તે દિવસથી જે બીક ભરાઈ ગયેલી તે આજ સુધી નીકળી નથી. બાકી હિંમત કરી હોત તો ગાયિકા નહીં, ઉત્તમ ગાયિકા તો બનીને બતાવત કે સંભળાવત એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ હિંમત શબ્દ જ કેટલો નકામો છે, નઠારો છે. અમસ્તો જ બધાને ગભરાવી મારે ને પાછા બધાં બોલે કે ‘હિંમત રાખો, હિંમત રાખો.’ છે કોઈનામાં હિંમત કે માઈક જોઈને ધ્રૂજી જનારને ગાયક બનાવી શકે ? જો કે, ત્યારથી આજ સુધી કોઈ સારા પારખુની રાહ જોઉં છું. જે મારો આવાજ કે મારું ગીત સાંભળીને કહે કે : ‘વાહ ! આવા અવાજની મને તલાશ હતી. ચાલો ગાવા…’ ને હું હોંશે હોંશે ગાવા દોડી જાઉં. એ જ કદાચ મારી છેલ્લી ઈચ્છા હશે. ને એટલે જ, હજી ય હું ગાયે રાખું છું… ગાયે રાખું છું….
Print This Article
·
Save this article As PDF
Dear Ms. Desai,
Many thanks !!!
Divas ni sharuat sari thayi ………
Gamyu..
Manisha
કલ્પનાબહેન માઈકમાં ગાવામાં મુંઝવણ થતી હોય તો ફોનમાં ગાવાનું શરું કરો. હવે તો ગુજરાતમાં ૧૧૧ રુ. માં આખો મહિનો બી.એસ.એન.એલ. પર ગાઈ શકાય છે અને જો કોઈ સાંભળવા વાળું ન મળે તો મારો નંબર નોંધી લ્યો – (૦૨૭૮ – ૨૨૦૬૪૨૯). આમેય મારી ખ્યાતિ ઉત્તમ શ્રોતા તરીકેની છે. તમ તમારે ગાવાનું ચાલુ રાખો – ભગવાનને ઘેર દેર છે પણ અંધેર તો નથી જ. કોઈ ને કોઈ કલાપારખું જરૂર મળી જ આવશે.
“હું આકાશવાણી ના કરી શકી.”
…………………………………..
અરે આ તો તદ્દન મારી વાર્તા હતી કલ્પનાબેન્!!! તમે ચોરી કરી છે. કઈ વાંધો નહી.. એક આમંત્રણ અતુલભાઈનુ છે. જો તમારી સંગીતઉષા (સંધ્યા નહી કહુ) ગોઠવાય તો મને પણ આટલુ કહેવાનુ ચુકતા નહી..”ચાલો ગાવા…”.
………………………………….
રમુજની મોસમ ચાલે છેને કઈ રીડ ગુજરાતી પર આજકાલ!!!!!!!!!!!!!!!!
મૃગેશભાઈ આતો પુણ્યનુ કામ છે કારતક મહીનામા બ્રાહ્મણ જમાડૉ નહી તો કઈ નહિ પણ હસાવીને ઉપર બેલેન્સ તગડુ કરાવી લીધુ તમે તો….. હસનારા બધાનો ભાગ આમા હો કે!!!!!
ગાવાની સૌથી વધુ મઝા તાપીમાં!ઠંડા પાણીમાં ખરજના સુર નીકળે…
બાકી ઉચ્છલના શેરડીના ખેતરમાં-“ના હું તો ગાઈશ કરી” કરી પ્રયત્ન કરીએ તો ?
પહેલા ઉચ્છલનાં જંગલમાં વાઘ -કુત્તરખડીઆ-દર્શન દેતા!
ઉચ્છલની યાદ આવી,મઝા આવી
સર્ર વિચર ચ્ચે
ના…..હુઁ તો ગાઇશ !
કલ્પનાબહેન ! મદદ કરશો ?
જન ગણ મન…………..
ખૂબ જ ગમ્યું. મને પણ ગાવાનો શોખ છે અને આખો દિવસ ગાયા કરું છું.
ડીઅર કલ્૫ના,
સારિ ક્થા
Good story, I also like to sing. It is a very impressive and inspirational theme. Pls call me on 9909143164