પ્રારબ્ધ અને પુરુષાર્થ – સ્વામી આનંદ

પ્રારબ્ધ અને પુરુષાર્થ સાથે હોય છે તેથી જ તો ‘ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી’ એવી કહેવતો પડી હશે ને ? જે લોકો પુરુષાર્થ ન કરનારાં એદીપ્રમાદી હોય છે તે જ પ્રારબ્ધની વાતો મોટે ભાગે કરે છે. પુરુષાર્થ કરનારાને તો પ્રારબ્ધની કારવાઈઓ તપાસવાની ફુરસદ જ નથી હોતી.

પણ સાચી વાત તો એ છે કે માણસ ડાબું જમણું કશું જોયા વગર અમુક ઉમર સુધી બાબરા ભૂતની પેઠે કામ કર્યા કરે એ જ સાચી જિંદગીનો પાયો છે. એવા માણસની જ સમાજમાં ઈજ્જત આબરૂ બંધાય ને લોકો એના તરફ માનની નજરે જોતા થાય. કારણ એણે પુરુષાર્થની સાચી પૂંજી એકઠી કરી છે. બીજી બધી પૂંજી ખોટી છે.

મારાં માસી કોઈક કુટુંબની વાત કરતાં. છોકરીને ગામડે પરણાવેલી. ઘેર ખેતીવાડી. સવારથી મોડી રાત લગી કામ પહોંચે. દીકરીને વળાવતી વખતે માએ એને શિખામણ આપી : ‘બેન, તને કમ્મરપૂર કામ અને છાતીપૂર રોટલા જોઈને આપી છે. કામથી નૉ થાકતી, રોજ સવારે દાતણની ચીરી ફેંકી મોં ધોઈ સૂરજનારાયણની વંદના કરીને બેઉ હાથની હથેળી જોવી કે કાલના કામથી કેટલી ઘસાઈ, જ્યાં સુધી તે ઘસાયેલી માલમ ન પડે ત્યાં સુધી હિમ્મત હારવી નહિ.’

કહે છે કે આને ઘરે રિધ્ધિ સિધ્ધિ હતી તે બધી કાળચક્રના ફેરામાં આથમી ગઈ ને કુટુંબ બધું વેરવિખેર થઈ ગયું. બાઈને માથે વિપદનાં વાદળાં આવ્યે જ ગયાં પણ એ માની શિખામણ પ્રમાણે રોજ સવારે હાથની હથેળીઓ જોવાનું કદી ન ભૂલી ને એકલ પંડે રેંટિયો કાંતીને અને દળણાં દળીને એણે અરધો ડઝન પોતરાદોતરાંને ઉછેર્યાં ને આથમી ગયેલ વેળાને એણે પાછી વાળી. ઘરડી ખખ થઈને મૂઈ ત્યારે લીલીછમ આડીવાડી મૂકીને અને પોતરાંનાં પોયરાંને ચાંદીને ધુધરે રમતાં મૂકીને ગઈ. પ્રારબ્ધ આ બાઈની અડફેટે કદી ચડ્યું નહિ હોય ને ચડ્યું હશે ત્યારે એણે એને ઓળખ્યું નહિ હોય.

માયા તો ઈશ્વરની છાયા છે. જ્યાં ઈશ્વર ત્યાં એ. એના જ જેટલી સર્વવ્યાપી. પણ માણસ જેમ પડછાયો નથી અને છતાં પડછાયો જેમ માણસ વગર સંભવતો નથી એમ ઈશ્વર માયાનો માલિક છે, ને માયા ઈશ્વરની શક્તિ છે.

તેથી ઈશ્વરને આધીન જે માણસ તેને માયા નચાવે તેમ નાચવું પડે છે. ઈશ્વરને ‘मायाविन्’ એટલા સારૂ કહ્યો કે તે માયાનો માલિક છે. વળી માણસને તો એ માયાની શક્તિ વડે વાડીના રેંટના ડોલચાની જેમ ફેરવે છે.

भ्रामयन सर्वभूतानि यंत्रारूढानि मायया

પણ આનો એ અર્થ નથી કે માણસ પ્રારબ્ધવશ છે. કર્મના કાયદાએ એને આઝાદી બક્ષી છે. કર્મ કરવાની ફરજ પાડીને ઈશ્વર એને અંતે પાર ઉતારશે. ‘The power that determines events is not a blind, unfeeling un thinking will which we call Fate or Chance. The Lord, who presides over the evolution of the cosmic plan, is seated also in the heart of every being and will not let him rest’ અર્જુનનું ચાલ્યું નહિ. તેને પોતાની ફરજ બજાવવી જ પડી.

એટલે એ માયાવીની યોજનામાં માણસ રેંટનું ડોલચું છે. છતાં ડોલચા જેવો જડ helpless નથી. એને કર્મનું પુરુષાર્થનું સ્વાતંત્ર છે. પોતાની યોજનામાં પ્રભુ એનું Co-operation ઈચ્છે છે, જો કે ઈશ્વરી યોજના એના Co-operation ની ઓશિયાળી નથી કે એના ઉપર અવલંબતી નથી. માણસના પોતાના જ વિકાસ અર્થે યોજાયેલી એ process છે.

આવું માણસનું ઈશ્વર જોડેનું સગપણ છે. ઈશ્વર રેંટ ફેરવનારો વાડીવાળો છે. માયા એ રેંટ ફેરવવા જોઈતી શક્તિ કે ડાયનેમો છે ને માણસ એના રેંટનું ડોલચું છે. અથવા એ ઉપમા જો દળદરી લાગતી હોય તો એમ માનીએ કે માણસ એ ડોલચા ઉપર બેઠેલી માખી છે. ઈચ્છામાં આવે તો ઊડી જાય.

પણ એ બેસે કે ઊડી જાય તેથી કંઈ રેંટ અટકવાનો નથી. પાણી ક્યારાઓને પહોંચતું બંધ પડવાનું નથી ને ઋતુઋતુએ વાડીનાં ફળફૂલ ફુલતાં પાકતાં અટકવાનાં નથી.

વાડીનો માલિક ઈચ્છે છે કે આ સમજીને માણસ એના સરજનહારને સહકાર આપે ને સાચો પુરુષાર્થ કરી સાચી સમજણનો સંતોષ ને શાંતિ પામે.

પણ માણસ અકોણું પ્રાણી છે. ઈશ્વરની સત્તા એને રુચતી નથી. તે સામે હંમેશા દાંતિયાં કરતું રહ્યું છે. એને ઈશ્વરના હરીફ થવું છે. એનું માથું કાળું ને મગજ મેલું છે. હું તો ઘણીયે વાર પ્રાર્થનામાં ભગવાનને કહું છું : ‘હે સરજનહારા ! તારી આંગળીએથી અનંત આકાશ, ચંદ્ર, સૂર્ય ને એક-એકથી સરસાઈ કરતાં અગણિત નક્ષત્રો સમી કૃતિઓ ઉતરી. ને એ બધા પછી તને આ શું સૂઝ્યું કે આ મેલા માનવીને ઘડવા પાછળ આવડો ઉજાગરો કીધો ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છતાં – રસિક ચંદારાણા
ધર્મગ્રંથ – નગીનદાસ સંઘવી Next »   

12 પ્રતિભાવો : પ્રારબ્ધ અને પુરુષાર્થ – સ્વામી આનંદ

 1. Nirav Min says:

  “ઊચી નીચી ફર્યા કરે આ જીવન ની ઘટમાલ;
  ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.”

  જો કોઇ ના પ્રારબ્ધ મા સિદ્ધિ લખેલ પણ હોય ,
  તો તેને મેળવવા માટે પુરુશાર્થ તો કરવો જ ઘટે, તેથી જ તો
  “પ્રારબધ અને પુરુશાર્થ તો એક સિક્કા ની બે બજુ છે.”

  નીરવ મીન – દ્વારાકા
  જય દ્વારાકાધીશ.

 2. nayan panchal says:

  “માણસને કર્મનું પુરુષાર્થનું સ્વાતંત્ર છે. પોતાની યોજનામાં પ્રભુ એનું Co-operation ઈચ્છે છે, જો કે ઈશ્વરી યોજના એના Co-operation ની ઓશિયાળી નથી કે એના ઉપર અવલંબતી નથી. માણસના પોતાના જ વિકાસ અર્થે યોજાયેલી એ process છે.”

  એકદમ સત્ય વાત.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  પ્રારબ્ધ અને પુરૂષાર્થ – યુગોથી ચર્ચાતો આવેલો આ મુદ્દો છે. સ્વામી આનંદે ટુંકા લેખમાં બહું સુંદર રીતે સમજાવ્યું કે પુરુષાર્થી માણસને તો પ્રારબ્ધ વિશે વિચારવાનો ય સમય નથી. રામાયણમાં પણ કહે છે કે – દૈવ દૈવ આલસી પુકારા. પ્રારબ્ધની વાત તો આલસુ લોકો કર્યા કરે છે.

  આપણે ત્યાં પુરૂષાર્થ પણ ચાર પ્રકારના વર્ણવ્યા છે ૧. ધર્મ ૨. અર્થ ૩. કામ અને ૪. મોક્ષ અને જેવો પુરુષાર્થ તેવું ફળ. વળી પુરુષાર્થ એટલે સમજણ વગર કરેલું ગધ્ધા-વૈતરુ નહીં પણ સમજણ પુર્વક, શ્રધ્ધા સહિત કરેલ સતત કર્મ.

  ઘણીયે વાર આ મેલા માનવીના કૃત્યો જોઈને ખરેખર થાય છે કે – બધા પછી તને આ શું સૂઝ્યું કે આ મેલા માનવીને ઘડવા પાછળ આવડો ઉજાગરો કીધો ?’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.