- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

અંગ્રેજીમાં જેને ‘ટંગ ટવિસ્ટર’ કહે છે એવી ઘણી લાઈનો કે શબ્દસમૂહો ગુજરાતીમાં છે, જે એકધારું બોલવાનો પ્રયાસ કરવામાં આવે તો જીભના લોચા વળવા માંડે. આવી જાણીતી એક લાઈન છે ‘કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ’

માત્ર ગુજરાતમાં જ નહિ, દેશની લગભગ તમામ પ્રજાના ભોજનમાં પાપડનું એક અલાયદું મહત્વ છે. તેને કારણે તો પાપડ લગભગ તમામ ભાષાઓની કહેવતોમાં પણ છે. હવે તો જમાનો ઘણો બદલાઈ ગયો છે. તેમ છતાં આજે પણ ઘણા સમાજમાં દીકરા માટે કન્યા પસંદ કરવાની વાત આવે ત્યારે કન્યા પાપડ કેવો શેકી શકે છે તેના આધારે તે કેવી ગુણવાન છે એ નક્કી થતું. પાપડ શેકવામાં શી મોટી ધાડ મારવી છે એવું જો કોઈ માનતું હોય તો તેમણે ઘરમાં બેચાર પાપડ શેકીને પ્રયોગ કરવા જેવો છે. બધા પાપડ એકસરખા ભાગ્યે જ શેકાશે. એમાંય જો કન્યાને ખબર હોય કે પોતે જે પાપડ શેકવાની છે તેના આધારે તે કેવી ગુણવાન છે એ નક્કી થવાનું છે તો પાપડ શેકતી વખતના એની માનસિક તાણની કલ્પના કરી જોજો.

પાપડ શેકતી વખતે કન્યાએ જો પૂરી કાળજી ન રાખી હોય તો પાપડ પૂરેપૂરો કે થોડોઘણો કાળો થઈ જાય. તેનું અર્થઘટન એવું થાય કે છોકરીનો સ્વભાવ તેજ છે ને આવી છોકરી જો ઘરમાં આવે તો કુટુંબમાં વિખવાદ થાય. જો પાપડ નો કેટલોક ભાગ બરાબર શેકાયો ન હોય અને કાચો રહી ગયો હોય તો તેનો અર્થ એવો નીકળે કે છોકરી ફૂવડ છે અને તેની પોતાની પણ સંભાળ લઈ શકે તેમ નથી. આવી છોકરી જો વહુ બનીને ઘરમાં આવે તો સંયુક્ત પરિવારમાં તે દેરાણી-જેઠાણી, સાસુ-નણંદ વગેરે સ્ત્રીઓ વચ્ચે રહી ન શકે. પાપડની કોઈ એક બાજુ કે બંને બાજુ જો કાચી રહી ગઈ હોય, પાપડની ઘાર કાળી થઈ ગઈ હોય, તો તેનો અર્થ એ કે છોકરી નાની અમથી સમસ્યા હોય તો પણ વિચલિત થઈ જાય તેવી છે અને તેનો સામનો કરી શકે તેમ નથી. આવી છોકરી જો ઘરમાં આવે તો ઘરનાં વડીલો તેને પોતાની ઈચ્છા પ્રમાણે ઢાળવી હોય તેમ ઢાળી શકે ખરા, પણ જો પાપડ વચ્ચેથી કાળો પડી ગયો હોય કે બળી ગયો હોય તો તેનો અર્થ એ થાય કે આ છોકરી સમસ્યા નાની હોય કે મોટી, બધા સામે મોરચો માંડી શકે તેમ છે, હિંમત હારે તેવી નથી.

પાપડ શેકતી વખતે કન્યા પાપડની બંને બાજુઓને વારાફરતી કઈ રીતે અને કેટલી ઝડપથી બદલે છે તેના પણ વધારાના માકર્સ ઉમેરાતા કે ઘટતા. એકલો શેકેલો પાપડ જોઈને આવાં તો કેટલાંયે અર્થઘટનોને આધારે કન્યા પસંદ કરવી કે નહિ તે નક્કી થતું. દેશનાં કેટલાંક ગામડાઓમાં આજે પણ આ પ્રથા છે.

પણ મૂળ વાત છે પાપડની.
ભોજનથી માંડીને સંસ્કૃતિમાં વણાઈ ગયેલો અને કહેવતોથી માંડીને ‘ટંગ ટવિસ્ટર’ સુધી પહોંચેલા પાપડની એક બ્રાન્ડ ‘લિજ્જત’ તો દેશ અને દુનિયામાં વખણાય જ છે અને અનેક નિરાધાર બહેનોને પગભર બનાવવામાં તેણે મહત્વનું યોગદાન આપેલું જ છે, પણ પાપડને કારણે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાનું એક નાનકડું નગર પણ દેશ અને દુનિયામાં જાણીતું બન્યું છે એ બહુ ઓછા લોકોને ખબર છે. આ નગર છે ઉત્તરસંડા. ‘પાપડ બેલના’ એ હિંદીની બહુ જાણીતી કહેવત છે. સખત મહેનતના સંદર્ભમાં આ કહેવત વપરાય છે. આ કહેવતે કોઈનું કિસ્મત બદલ્યું હોય કે નહિ એ તો ખબર નથી, પણ મધ્ય ગુજરાતના આ નાનકડા નગર ઉત્તરસંડાનું કિસ્મત તો જરૂર બદલી નાંખ્યું છે. અમદાવાદ-મુંબઈ રેલ્વેલાઈન પર અને નેશનલ હાઈવે આઠ પર નડિયાદથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું ઉત્તરસંડા આજે ત્યાં ઉત્પન્ન થતા પાપડને લઈને દેશમાં અને વિદેશમાં જાણીતું થઈ ચૂક્યું છે. અહીં પાપડનો વ્યવસાય એવો ફાલ્યોફૂલ્યો છે કે દરેકને પોતાના જોગું કામ મળી રહે છે. આમ પણ મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં જોવા મળે છે તેમ અહીં વસતો ભાગ્યે જ કોઈ પરિવાર એવો હશે, જેનું કમસે કમ એક જણ વિદેશમાં નહિ વસ્યું હોય.

લગભગ સત્તર હજારની વસ્તી ધરાવતા ઉત્તરસંડામાં પાપડના નાનામોટા 22 જેટલા ઉત્પાદકો છે, અને તેમણે બનાવેલા પાપડ દેશમાં અને વિદેશમાં ખૂબ વેચાઈ રહ્યા છે. ખેડા જિલ્લાના આ નાનકડા શહેર ઉત્તરસંડામાં વિકસેલો પાપડ ઉદ્યોગ હજી બે દાયકા જેટલો જ જૂનો છે. 1986માં અહીં વ્યાવસાયિક રીતે પાપડ બનાવવાની શરૂઆત થઈ હતી. ઉત્તરસંડાની નજીકના એક ગામના રહીશ દીપક પટેલે અહીં પહેલી વાર એક કારખાનું નાખીને ‘ઉત્તમ પાપડ’ બ્રાન્ડના પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું. દીપક પટેલના પુત્રો અમેરિકામાં વસ્યા છે અને હવે તો દીપક પટેલ પણ અમેરિકા જતા રહ્યા છે. તેમના વિશ્વાસુ માણસો હવે કારખાનું સંભાળી રહ્યા છે. ‘ઉત્તમ પાપડ’ નો વ્યવસાય ચાલી નીકળતાં બીજા લોકોને પણ આ વ્યવસાયમાં ઝંપલાવવાનું સૂઝ્યું હતું, પરિણામે એક પછી એક નાનાંમોટાં કારખાનાં શરૂ થતાં ગયાં. હવે તો ઉત્તરસંડામાં પાપડ બનાવવાનાં ઓટોમેટિક મશીનો પણ આવી ગયાં છે, જેમાં માત્ર પાપડ વણાતો જ નથી, તે પૂરો સુકાઈને બહાર આવે છે. પણ ‘ઉત્તમ પાપડ’ હજી પણ સામાન્ય મશીનથી જ બનાવાય છે અને તેને તડકામાં સૂકવવામાં આવે છે. આ કારખાના સાથે સંકળાયેલા લોકો કહે છે કે પાપડને તડકામાં સૂકવવાથી તેમાં નાખેલાં મરીમસાલાની સોડમ જળવાઈ રહે છે. આવી રીતે બનેલો પાપડ હંમેશાં તાજો અને સ્વાદિષ્ટ લાગે છે. જો કે ઉત્તરસંડામાં પાપડના જાણકારો કહે છે કે પાપડનો અસલી સ્વાદ લગભગ 25 દિવસ પછી બદલાઈ જાય છે.

ઉત્તરસંડામાં પાપડનાં 22 જેટલા ઉત્પાદકો પૈકી ચાર મુખ્ય ઉત્પાદકોમાં ઉત્તમ પાપડ, શ્રીજી પાપડ, યશ પાપડ અને હર્ષ પાપડનો સમાવેશ થાય છે. ઉત્તમને બાદ કરતાં બાકીના તમામ પાપડ ઉત્પાદકો પાસે પાપડ માટે લોટ બાંધવાથી માંડીને પાપડ વણવાનું, સૂકવવાનું અને પેકિંગ કરવાનું કામ મશીન દ્વારા થાય છે. શ્રીજી પાપડના માલિક કનુભાઈ પટેલ કહે છે કે રોજ 500 કિલો પાપડ બનાવવાનાં બે મશીન અને 1000 કિલો પાપડ બનાવતું એક મશીન લગાતાર ધમધમતાં રહે છે તો પણ અમે માંગને પહોંચી વળી શકતા નથી. કનુભાઈના કારખાનામાં લગભગ એકસો માણસો કામ કરે છે. તેઓ કહે છે કે અમારો સંપૂર્ણ કારોબાર રોકડમાં ચાલે છે, કોઈ ઉધાર નહિ. રોજ એક હજાર કિલો પાપડ બનાવતા યશ પાપડના માલિક દેવેન્દ્ર પટેલ કહે છે કે અમે 1997માં રોજના એકસો કિલો પાપડ બનાવવાની શરૂઆત કરી હતી, આજે અમારા પાપડ લંડન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રિયા, ચીન, અમેરિકા અને અખાતના દેશોમાં ખૂબ વેચાઈ રહ્યા છે. યશ પાપડે ગયા વર્ષે ચાર લાખ કિલો પાપડ વેચ્યા હતા જે પૈકી દસ ટકા પાપડ વિદેશોમં વેચાયા હતા. યશ પાપડ સિંગલ મરી, ડબલ મરી, લસણિયા, પંજાબી, જીરૂ, જીરૂમરી, પૂરી પાપડ, ડિસ્કો પાપડ, ઓનલી ગાર્લિક, રેડ ચિલી, ગ્રીન ચિલી, સહિત બાર જાતનાં પાપડ, મઠિયાં અને ચોળાફળી બનાવે છે. સાઈડ બિઝનેસ તરીકે પાપડ બનાવવાનું શરૂ કરનાર હર્ષ પાપડનાં માલિક વૈશાલી પટેલ અને પ્રીતેશ પટેલ માટે હવે પાપડ જ મુખ્ય બિઝનેસ બની ગયો છે. ઉત્તરસંડાના પાપડ ઉત્પાદકો કહે છે કે આ ગામનાં હવાપાણી પાપડ ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ છે. તે પાપડને સફેદ નરમ, પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. ઉત્તરસંડાના પાપડ ઉત્પાદકોને અડદ અને મઠની દાળ તથા મસાલાઓ પૂરા પાડનાર હિતેશ દલાલ કહે છે કે ઉત્તરસંડામાં રોજ ચાર હજાર કિલોથી વધુ પાપડ બને છે અને વેચાય છે.

પાપડને કારણે જાણીતું બનેલા ઉત્તરસંડાનો કોઈ દસ્તાવેજી ઈતિહાસ નથી, પણ લોકોક્તિ મુજબ બે ભાઈઓ તલસીદાસ અને વનારસીદાસે સૌ પહેલાં અહીં વસવાટ કર્યો હતો. અહીં ફતેહપુર જતા માર્ગ પર રક્ષેશશ્વર મહાદેવ અને પગથિયાંવાળી એક વાવ આવે છે. એ જમાનામાં ખૂબ ધીકતા ખંભાત બંદરેથી આવતા અને જતા વ્યાપારીઓએ આ વાવ બંધાવી હોવાનું માનવામાં આવે છે. આક્રમકો અથવા તો કુદરતી હોનારતમાં આ જગ્યા વેરાન થયા બાદ નજીકમાં ઉત્તરસંડા ગામ વસ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં ખોદાકામ દરમ્યાન જે કેટલાક નમૂનાઓ મળી આવ્યા છે તેના આધારે એવું અનુમાન કરાયું છે કે અહીં કોઈ સમયે પ્રજાપતિઓની વસાહત હતી.

એક પ્રચલિત લોકકથા એવી છે કે કોઈ એક સમયે એક ગાયના આંચળમાંથી એકાએક દૂધની ધારા થવા માંડી. ગોવાળો તરત જ ભેગા થઈ ગયા. દૂધની ધારા અવિરત ચાલુ હતી. દૂધ જમીન પર પડીને વેડફાઈ જતું જોઈ ગોવાળો તેને પોતાની પાસેનાં ઘડાઓમાં એકઠું કરવા માંડ્યા. જેમ ઘડા ભરાતા ગયા તેમ તેઓ તેને એકના પર બીજો એમ ગોઠવતા ગયા. આ રીતે ગોઠવાતા ઘડાને ‘ઉતરડ’ કહે છે. એક રબારી મહિલા આ જોઈને ‘ઉતરડ ઉતરડ’ બોલી ઊઠી. આ જગ્યા પવિત્ર છે એટલે ગાય આ રીતે દૂધ આપી રહી છે એવું માનીને એ સ્થળે ગામ વસાવાયું. જેને ઉત્તરસંડા નામ અપાયું. જે સ્થળે ગાયે દૂધ આપ્યું હતું તે સ્થળે મહાદેવનું મંદિર બંધાયું.

અંગ્રેજોએ ઈ.સ 1826માં આ ગામ ઉત્તરસંડા શેઠ સુંદરજીને ભેટ આપ્યું હતું. એ જમાનામાં આ ગામની મહેસૂલી આવક વર્ષે દસ હજાર રૂપિયા જેટલી હતી. શેઠ સુંદરજીને જે દસ્તાવેજ અપાયો હતો તેમાં જણાવાયું હતું કે આ પરિવારના સાત પુરુષો પૈકી એક પણ જ્યાં સુધી હયાત રહેશે, ત્યાં સુધી તેઓ ગામની મહેસૂલી આવક એક્ઠી કરી શકશે. 1882ના અંતે ઉત્તરસંડા ફરી અંગ્રેજોના તાબા હેઠળ જતું રહ્યું હતું. એ વખતે ગવર્નર્સ કાઉન્સિલનો મુખ્ય સચિવ લોર્ડ ન્યુહામ હતો. એ વખતે ગામમાં મુખ્ય વસ્તી બ્રાહ્મણો અને વાણિયાઓની હતી. તેમના કુળદેવી કુલેશ્વરીદેવીનું સ્થાનક પણ અહીં નજીકમાં છે. સમય જતાં બ્રાહ્મણો અને વાણિયાઓના ઘણા પરિવારો અન્યત્ર જતા રહ્યા, પણ આજે પણ તેમના પરિવારોમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે નવદંપતીના છેડાછેડી છોડવા તેઓ અહીં આવે છે.

1900ના વર્ષમાં પડેલા દુષ્કાળમાં એક બ્રાહ્મણ મહિલા પાર્વતીબેને ઘણાં લોકોને કામે રાખીને એક ઊંડો કૂવો ખોદાવ્યો હતો, જેમાંથી ગામનો પાણીનો પ્રશ્ન હલ થયો હતો. એ સમયે બ્રાહ્મણો બ્રહ્મપોળ અને જદુ ભટ્ટની ખડકીમાં રહેતા, જ્યારે વાણિયાઓ વાણિયાફળીમાં રહેતા. પણ આજે તો આ બધું ભૂતકાળ બની ગયું છે. હવે તો ગામમાં તમામ જ્ઞાતિની વસ્તી છે તેમ છતાં બહુમતી વસતી પટેલોની છે. અગાઉ કહ્યું તેમ લગભગ દરેક પરિવારમાંથી ઓછામાં ઓછું એક જણ વિદેશમાં વસે છે. ઉત્તરસંડાના આ પટેલો આજે તો યુગાન્ડા, તાન્ઝાનિયા, કેન્યા, ઝિમ્બાબ્વે, યુકે, કેનેડા અને અમેરિકામાં વસે છે. ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ગોકુળ ગ્રામ યોજના અમલી કરી હતી. તે વખતે 1998માં ખેડા જિલ્લામાં પ્રથમ ગોકુળ ગ્રામ બનાવાનું ગૌરવ ઉત્તરસંડાને મળ્યું હતું. એ દરમ્યાન અહીંનો પાપડ ઉપરાંત મઠિયાં, ચોળાફળી અને અથાણાં ઉદ્યોગ ધમધમવા માંડ્યો હતો.

હવે પછી ભોજનની સાથે જ્યારે પણ તમે પાપડનો સ્વાદ માણતાં હો ત્યારે બનવાજોગ છે કે એ પાપડ ઉત્તરસંડામાં જ બનેલો હોય.