પરમ ભક્તની પરખ – જૉસેફ મેકવાન

મહાન મુનિવર લેખાતા નારદજીને એક વાર વિચાર સ્ફૂર્યો કે, સમગ્ર સંસારમાં એમના સરીખો કોઈ હરિભક્ત નહીં હોય. પોતે વીણાધારી. વીણાના તારની હરેક ઝંકૃતિમાંથીય એ નારાયણ પ્રગટાવતા તો શ્વાસોચ્છવાસે નારાયણ….. નારાયણનો જાપ તો અખંડ કીર્તનની જેમ ગુંજ્યા જ કરે. કદાચ આ જ કારણે પરમાત્માએ એમને ત્રણે-ત્રણ ભુવનમાં અવર-જવરની અદ્દભુત ગતિ બક્ષી હતી. મનોમન પોતે જ પ્રભુના પરમ ભક્ત છે એવી પ્રતીતિ હોવા છતાં નારદને થયું કે, પ્રભુજીના શ્રીમુખે જ જો આ સત્ય હું સાંભળું તો જ મારી ભક્તિ, મારો હરિપ્રેમ અને મારું ઋષિપણું સાચું.

હરિના ધામમાં પહોંચવા માટે ન’તી એમને કોઈની રજા લેવાની, ન’તો ખુદ પ્રભુવરનોય આદેશ મેળવવાનો. એ તો જ્યારે એષણા જાગે ત્યારે તત્ક્ષણ વૈકુંઠધામે પહોંચી જ જતા. દ્વારપાળો, પાર્ષદો, ગાંધર્વો ને કિન્નરો – અરે અપ્સરાઓ સુદ્ધાં નારદજીને લળી લળીને નમન કરતાં. સૌને ઉચાટ રહેતો, નારદજી કઈ વેળાએ કોને ક્યાં ભેરવી દે એનું નક્કી નહીં. ને એક વાર ભેરવાયા એટલે અભિશાપિત થયા વિના, માનવકુળમાં યા કોઈ ઉતરતી યોનિમાં જન્મ લીધા વિના છૂટકારો ના થતો. વસ્તુત: નારદ પરત્વેનો સૌનો આ આદર અને વિનમ્રતા પેલા ભયને કારણે જ હતાં. બાકી આમ કોઈને એમના નારદવેડા પસંદ જ ન હતા. પણ નારદજીય એવા કે પોતિકી ધૂનમાં જ ગુલતાન રહેતા. સૌ નમે છે એટલું જ પર્યાપ્ત હતું. શા કારણે નમે છે એની એમને તમા ન હતી.

મનમાં સંકલ્પ ઊઠતાં જ એમણે હરિસ્મરણ કર્યું ને એ વૈકુંઠની વાટે સંચર્યા. ને જોતજોતામાં તો છેક કરુણાનિધાન પ્રભુજીના સ્વર્ગીય આવાસમાં પહોંચી ગયા. અંતર્યામિ હોવાને કારણે નારદજીનું આગમન કયા હેતુસર થયું છે એથી તો પ્રભુ વિદિત હતા જ, છતાં પૃચ્છાતુર નેણે નારદ પર દષ્ટિ ઠેરવતાં પ્રભુએ એમને સત્કાર્યા : ‘પધારો નારદ ! કદી નહીં ને આજે તમારા ભવ્ય મુખારવિંદ પર મને કશીક જિજ્ઞાસાના ભાવ કળાઈ રહ્યા છે. હે ઋષિવર ! કહો, તમારે તે વળી શેની જિજ્ઞાસા હોય ?’
‘નારાયણ ! નારાયણ !!’ ઉદ્દગારતાં નારદે બેઉ હસ્ત જોડી, શિર નમાવી હરિને વંદન કર્યાં અને બોલ્યા : ‘પ્રભો ! આપ તો સર્વાંતર્યામિ છો. આપનાથી છાનું શું હોય ? છતાંય આપના એક અદના આરાધક લેખે મારી એ જાણવાની પ્રબળ જિજ્ઞાસા ખરી કે, આપ આપનો પરમ ભક્ત કોને માનો છો ? હું અકિંચન, એ પરમભાગ્યવાનનું શુભ નામ જાણી શકું ?’

નારદના એ ધૃષ્ટ વિનય પ્રત્યે પ્રભુજી મર્માળુ મલક્યા અને બોલ્યા : ‘હા નારદજી ! પૃથ્વીલોક મધ્યે ભારતદેશ વિશે ફલાણા મુલકમાં મારો એ પરમ ભક્ત વસે છે. તમે એનો દર્શનલાભ લઈ શકો !’ નારદના મનમાં તો એમ કે પ્રભુજીના શ્રીમુખે પરમભક્ત લેખે એમનું જ શુભનામ અવતરશે. પણ ‘પ્રભુ ઉવાચ’ સુણી એ મહાન વિસ્મયમાં ડૂબી ગયા. મારાથીયે અદકો-અધિકો પરમભક્ત અને તેય કાળામાથના માનવીઓના મુલકમાં ! કિંચિત સાત્વિક ઈર્ષ્યાવશ એ ઉદ્દગારી ઊઠ્યા : ‘હું એની કસોટી કરીશ, પ્રભો !’
‘ના, નારદજી ! મારો એ અનુરાગી કોઈ પણ કસોટીથી પર છે. હું તમને એવી છૂટ નથી આપતો. હા, તમે ચાહો તો મેં કહ્યું એમ એનો દર્શનલાભ લઈ શકો.’ નારદના આશ્ચર્યની અવધિ ના રહી. પ્રભુજી પોતે એમના એ મહાન ભક્તની કસોટીની મનાઈ ફરમાવી રહ્યા હતા. આ પહેલો અવસર એવો હતો કે ખુદ પ્રભુએ નિષેધ ફરમાવ્યો હોય ! ખાસ્સી અવઢવમાં પડેલા એવા એમણે મસ્તક નમાવી ઝુહાર ભણ્યા ને તત્કાળ પૃથ્વીલોક મધ્યે ભારતદેશ વિશે એ સરર કરતા ઊતરી આવ્યા.

ત્યાં એક નાનકડું ગામ હતું. પ્રકૃતિમાતાની ગોદમાં ખેલતા નિર્દોષ શિશુ સમું. કૃષિકારોનો પરિશ્રમ-પ્રસ્વેદ લીલીકુંજાર વાડીઓમાં અને હરિયાળાં ખેતરોમાં ફળ-ફસલરૂપે મબલક મોલે લચી રહ્યો હતો. અરુણોદયનાં રશ્મિ ધરતીને અજવાળી રહ્યાં હતાં ને આળસ મરડીને ગામ જાણે બેઠું થઈ રહ્યું હતું. નારદજી તો સીધા પહોંચી ગયા. પેલા ખેડૂતના ઘર પાસે. વહેલી પરોઢ જાગેલો એ, બળદોને નીરણ કરી રહ્યો હતો. બંને બેલોની ખંધોલ પસવારી પ્રફુલ્લ ચહેરે એ ઘરમાં જઈ ત્રાંબાકૂંડીમાં ગરમ પાણી લઈ આવ્યો, એક ટીપુંય અવર્થા ના જાય એમ નાહ્યો અને માત્ર એક વાર જ હરિનામ સ્મરણ કરી, શીરામણ પતાવી એણે હળ જોતર્યું અને ખેતર ભણી હંકારી ગયો. નારદ ઘોર આશ્ચર્યમાં પડી ગયા. ન પૂજા, ન અર્ચના. નહીં ધૂપ, નહીં દીપ, કોઈ મંત્ર, જાપ કે માળાય નહીં. એ એની પાછળ ગયા. ખેતરે પહોંચી એણે હળ જોડ્યું. બળદોને ‘બાપ્પો મારો ! ભઈલો મારો’ કરતો પોરસાવતો જાય અને ખેતર ખેડતો જાય. સૂરજદાદા મધ્યાને આવ્યા કે છીંડામાં એની સ્ત્રી ડોકાણી. એને માથે ભાતું હતું.

હસતાં-હસતાં ખેડૂતે બળદ છોડ્યા. સુંઢિયાના બબ્બે પૂળા નીર્યા અને પોતે હાથ ધોઈ બપોરા કરવા બેઠો. પ્રથમ કૌર મોંમા મૂકતાં પહેલાં એણે ફરી એક વાર ‘હે હરિ !’ નો ઉદ્દગાર કર્યો ને પૂરી તન્મયતાથી ખાવમાં પરોવાઈ ગયો. પત્ની કંઈક પૂછતી રહી, એના ખુશખુશાલ જવાબ વાળતો રહ્યો. નહીં પરિશ્રમની ફરિયાદ, નહીં તાપ-વરસાદની, ન કશી હાય-વરાળ, ન કશો-અસંતોષ. ખાધા પછી ઘડીભર પોરો ખાઈને એણે ફરી ‘હેંડો મારા ધણી’ કરતાં બળદો હળે જોડ્યા અને ખેડ કેમની પહેલા ચાસની મોથ ભાંગે એમાં જ દત્ત-ચિત્ત થઈ ગયો.’ નારદનું વિસ્મય વધતું જતું હતું. એમના મનમાં એમ કે, કામ કરતી વેળા ખેડૂત હરિનામના જાપ કરતો રહેતો હશે. પણ ખેડૂતના દિલોદિમાગમાં તો હરિના બદલે એનું ખેતર ને ખેડ જ રમમાણ રહેતાં.

સંધ્યા ઢળવા આવી કે ખેડૂતે હળ છોડી નાખ્યું. તળાવે લઈ જઈ બંને બળદોને પાણી પાયું. ઘસી-ઘસીને નવડાવ્યા. થોડુંક તરાવીને એમનો થાક દૂર કર્યો. પછી ઘેર જઈ પહેલાં બળદોને દાણ પીરસી, નાહી-ધોઈ વાળુ કરવા બેઠો ને સૂતી વેળા એણે પુન: એક વાર ‘હે પ્રભુ ! મારા ધણી ! ભાળજે મારા ભણી’ ઉદ્દગારતાં પથારીમાં લંબાવ્યું ને ઘસઘસાટ ઘારણમાં પડી ગયો.

નારદજીની નવાઈનો પાર ના રહ્યો. આખા દા’ડામાં કેવળ ત્રણ જ વાર ગણીને આ ખેડૂતે ભગવાનું નામ લીધું હતું. અને તેય વિધિવત નહીં કે નહીં કશા વિશેષ ભાવે, ને તોય ભગવાન એને શ્રેષ્ઠ-મહાન ભક્ત ગણે છે ! ભગવાનને કશી ભ્રમણા તો નથી થઈ, એવો નારદને સંદેહ પણ જાગ્યો. પણ પોતે દેવર્ષિ હોઈ વિચારમાંય આવો અક્ષમ્ય અપરાધ ના થાય એમ વિચારી ‘નારાયણ ! નારાયણ !!’ કરતા એ ભગવાનના આવાસ ભણી ધસી ગયા. એ ભગવાનની ઊલટતપાસ કરવાના આવેગમાં હતા. ને એમને આવકારતાં પ્રભુ પોતે જ હસતાં-હસતાં ઓચર્યા :
‘હું જાણું છું નારદજી ! તમે જે પૃચ્છાની તીવ્રેચ્છા સહિત પધાર્યા છો તે. પણ કેવળ તમને જ સુપરત કરી શકાય એવું એક કામ આવી પડ્યું છે ને મારે ઝટ એનું નિરાકરણ લાવવું છે. જુઓ, ‘સામે પેલું પાત્ર પડ્યું છે. એ તેલથી છલોછલ ભરેલું છે. એને લઈ, એક પણ ટીપું ઢળે કે છલકાય નહીં એની કાળજી રાખી પૃથ્વી ફરતો એક આંટો મારી આવો. પછી એનું રહસ્ય પણ સમજાવીશ.’

એક નવીન રહસ્ય જાણવા મળશે એના ઉમંગમાં નારદજી તેલભરપૂર વાસણ લઈ ધરતીની પરિક્રમા કરવા ઊપડ્યા. કઢાઈના આકારનું પાત્ર અને તરલ પ્રવાહી તેલ. જરાકશી ચૂક થતાં જ તેલ છલક્યા વિના ના રહે. પરિણામે દેવર્ષિ નારદજીની તમામ જ્ઞાનેન્દ્રિયો તેલ ન ઢળે એની ચીવટમાં તલ્લીન બની ગઈ. પરિશ્રમ ખાસ્સો પડ્યો અને અત્યંત સમતુલા રાખી ત્યારે જ નિર્વિધ્ને એ કામ પૂરું થયું. વૈકુંઠમાં લક્ષ્મી સંગે બિરાજેલ વિશ્વનિયંતા એમની પ્રતિક્ષા કરી રહ્યા હતાં.
‘લો પ્રભુ ! આપનું આ તેલપાત્ર. આપના આદેશ અનુસાર એમાંથી ટીપું સરખુંય છલકાવા નથી દીધું.’ ‘તમારી કર્તવ્યપરાયણતાથી હું પ્રસન્ન છું, નારદજી ! મારું સોંપેલું કામ તમે તમારી પૂરી યોગ્યતાથી પૂર્ણ કર્યું; પણ મને કહો, આ તેલપાત્ર લઈને પરિક્રમા કરતી વેળા તમે કેટલી વાર મારું નામસ્મરણ કર્યું હતું ?’

અનહદ આશ્ચર્યમાં નારદનાં લોચન પહોળાં થઈ ગયાં. એ માંડ-માંડ બચાવ કરી શક્યા : ‘પ્રભુ ! કામ તો તમે જ સોંપેલું હતું !’
‘તો સાંભળો દેવર્ષિ ! પેલા ખેડૂતને સોંપાયેલ કામ પણ મારું જ છે, મેં જ સોંપ્યું છે. પૂરી નિષ્ઠાથી એ કરતાં કરતાંય દિવસમાં ત્રણ વાર સહજભાવે મને યાદ કરે છે. મને લાગે છે કે, શા માટે હું એને મારો પરમ ભક્ત લેખાવું છું એ રહસ્ય તમને સમજાયું હશે.’ ફરી એક વાર નારદજી નારાયણ… નારાયણ…. કરવાનું પળવાર વીસરી ગયા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી
બારેમાસ – ખલીલ ધનતેજવી Next »   

6 પ્રતિભાવો : પરમ ભક્તની પરખ – જૉસેફ મેકવાન

 1. pragnaju says:

  આધ્યાત્મિક વાતો આવાં સરળ દૃષ્ટાંતથી સારી રીતે સમજાવી શકાય છે
  ‘પેલા ખેડૂતને સોંપાયેલ કામ પણ મારું જ છે, મેં જ સોંપ્યું છે. પૂરી નિષ્ઠાથી એ કરતાં કરતાંય દિવસમાં ત્રણ વાર સહજભાવે મને યાદ કરે છે”
  તેમાં જૉસેફ મેકવાનનીઘડાયલી કલમ!
  ખુબ સુંદર

 2. અતુલ જાની (આગંતુક) says:

  સંસારથી સરસો રહે ને મન મારી પાસ
  સંસારથી લેપાય નહી તેને જાણ મારો દાસ

  કર્મયોગના ઉત્તમ દ્રષ્ટાંત સમી જોસેફ મેકવાનની સિદ્ધહસ્ત કલમે આલેખાયેલી આ કથા ખરે જ પ્રેરણાત્મક રહી.

 3. ભાવના શુક્લ says:

  આપણી અંદરના નારદત્વને સમુળગુ ઉવેખીને કર્મયોગ નુ મહત્વ સમજાવતી આ વાર્તા જોસેફ મેકવાનની સરળ અને ઉત્તમ કૃતી બની રહે છે. શબ્દોની સરળતા અને ભાવોની પકડ, આધ્યાત્મિક વાર્તાતત્વ ને લોકલાડિલા પાત્રોનો સુભગ સમન્વય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.