‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા

હવે કક્કામાં સગડીના ‘સ’ને બદલે સફરજનનો ‘સ’ બોલાવાય છે. ગૅસ અને માઈક્રોવેવના જમાનામાં આજના બાળકો સગડી વિશે ક્યાંથી જાણે ? તેથી તો એક નાનું બાળક સગડીમાં સળગતા લાલ કોલસાને પહેલી વાર દીઠીને બોલી ઊઠે છે : ‘મારે લાલ-લાલ કોલછા ખાવા છે !’ સગડીમાં જાદુથી મક્કાઈ બનતી હોય એમ બીજું બાળક કહે છે : ‘મક્કાઈ આપો ને !’ ત્રીજું તો વળી હાંડવાને માંડવો કહી બોલે છે : ‘જલદી માંડવો ખાવા આપો ને !’

અલબત્ત, અમનેય સગડી, કોલસા, તેની કાકડી, તડતડ ઊઠતાં તણખાં, વીંઝાતો પંખો, એનું સળગવું – ન સળગવું વગેરે વિશે પેલાં બાળકો કરતાં લગીરે ઓછું કૌતુક નહોતું ! હતો તો એ જ એકધારો રવિવાર. પણ, ગમતું અખબાર બુકસ્ટોલ પર લેવા જવાના દર વખતના ક્રમ વચ્ચે લાકડાની વખાર અમારા ધ્યાનમાં આવી ગઈ. ‘કોલસા મળે કે ?’ લાકડાં ભેગાં લાકડાં જેવાં સ્વભાવના થઈ ગયેલા એક માણસે હા પાડતાં કહ્યું : ‘કોથળી લઈ આવો તો આપું.’ અમારા હાથ ખાલી હતા. રસ્તા પર ક્યાંક કોથળી ઊડતી હોય એ જોવા નજર દોડાવી. અરે ! પ્લાસ્ટીકની રૂપાળી ડસ્ટબીનમાં છાનુંમાનું જોઈ લીધું. કોલસા જ લઈ જવા હતાને ! છેવટે એક દુકાનમાં કશું ખરીદીને કોથળી મેળવી. કોલસા લીધા અને ભેગો કાળોકાળો રોમાંચ પણ લીધો. ઘરે આવી ગૅસ પર ચઢવાની તૈયારી કરતાં હાંડવાના વાસણને અટકાવ્યું. ઘૂળ ખાતી એક સગડી બહાર કાઢી.

સગડી, માટલાનું ઊંધિયું, કોડિયામાં કરાતાં વઘારવાળી દાળ, ચૂલામાં શેકેલો રીંગણનો ઓળો વગેરેના ભારે શોખીન મિત્ર પણ સગડી સળગાવવાના અમારા ભગીરથ પ્રયાસમાં જોડાયા. અડધો કલાકે ચાર-પાંચ કાકડી, ડઝનેક દિવાસળી બાળ્યાં પછી સગડી બરાબર સળગી. ધૂળવાળા પિત્તળના તપેલાને માંજી તેને સગડી પર મૂક્યું. તેમાં વધાર મૂક્યો. અરે ! અહીં તો બધું સાવ નિરાંતવું હતું. ગૅસ પર ઝપાટાભેર તડતડ કરી રઘવાટ કરી મૂકતી રાઈ પણ આજે એયને નિરાંતજીવે ઝીણું-ઝીણું તડતડ તતડી. હાંડવાનું ખીરું રેડ્યા પછી ઉપર તાવી ઢાંકી થોડા કોલસા ઉપર પણ મૂક્યા. બસ, હવે કલાક પછી જ એને જોવાનો. પડ્યોપડ્યો નિરાંતે થયા કરે. પણ, અમારા અધીરાં જીવોને ક્યાં નિરાંત હતી ? થોડી થોડી વારે કોઈ પંખો વીંઝતું. કોઈ કોલસા ચીપિયા વડે ઉપરતળે કરતું. કોઈ નીચે બળી તો નહિ જાય એની ફિકર કરતું. પણ પછી ખાસ્સી વારે ઉપર ગુલાબી-ગુલાબી પોપડો થયો.

મારા મનમાં એ જ ક્ષણે વીસ વર્ષના પોપડા ઊખડી ગયા. જૂના રસોડાની બારી પાસે સગડી સામે અબોટિયાની રેશમી પીળી સાડી પહેરી પાતળા ચીપિયા વડે રોટલી શેકતાં દાદી સમક્ષ નાની પિત્તળની થાળી જાણે મેં ધરી દીધી. ફટ્ટ દઈને ફૂલેલા દડા જેવી રોટલે થાળીમાં પડી. વરાળ નીકળી ગઈ. રોટલી સંકોરાઈ ગઈ. કોલસા ઉપરતળે કરતાં દાદીના હાથ પર તડતડ તણખા ઝર્યા ને હું સહેજ બીને આઘી ખસી ગઈ. વર્ષોનાં વર્ષો એ સગડી ઉપર હજારો રોટલીઓ થઈ હશે. સમજણી થઈ ત્યારથી જોતી આવતી એ બેઠા ઘાટની નાજૂક-નમણી સગડી મને બહુ ગમતી, દાદીની જેમ જ. બપોરે બધાં જંપી ગયાં હોય ત્યારે લીંપણવાળી પાછલી ઓરડીમાં ધોવાઈને એકલી બેઠેલી એ સગડી પાસે હું પહોંચી જતી. તાપ વઘધટ કરવા માટે વપરાતા નાનકા બારણાને ધીમેધીમે ખોલબંધ કરતી. સગડી વચ્ચે જાળી હતી એથી કે કોણ જાણે કેમ, હું એની સાથે જેલ-જેલ રમતી ! ક્યારેક જેલમાં પુરાઈ જતી તો ક્યારેક બહાર નીકળી જતી. કોઈ આવવાનો ભાસ થાય કે ઝપ્પ દઈને સગડી પાસેથી ખસી જતી.

બીજે દહાડે સવારે અગાસીમાં સળગવા મૂકેલી સગડીને પંખો વીંઝતા આશ્ચર્યપૂર્વક કોલસા વચ્ચેની કાકડી હું જોઈ રહેતી. ભમભમિયા પ્રાઈમસને કાકડો અને નાજુકડી સગડીને કાકડી ! રેશમી સાડી પહેરેલાં દાદી અદ્ધરથી અમારી થાળીમાં રોટલી નાખતાં, ત્યારે પાટલા પર અર્ધગોળાકારે બેઠેલાં અમને ત્રણેને વારાફરતી રોટલી ઝીલવાની મજા પડતી. ખરી-ખરી, થોડી બળેલી રોટલી ખાવાની શોખીન બહેન દાદીને ‘હજી કડક, હજી કડક કરો’ કર્યા કરતી. તે એક દહાડો દાદીએ મીઠા ગુસ્સામાં આખ્ખી રોટલી કાળીમેંશ બાળીને એની થાળીમાં નાખતાં કહ્યું : ‘લે મૂઈ ! ખા હવે !’ એ બળેલી રોટલીનો કાળો રંગ, દાદીનો કૃત્રિમ ગુસ્સાવાળો ચહેરો, બહેનનું રડમસ છોભીલું મોઢું, થાળીમાં પડેલી એ ન ખાઈ શકાય તેવી રોટલી – બધું કાળના કાળા રંગમાં સેળભેળ થઈ ગયું.

સગડી ઉપર બા પણ દાદીની જેમ જ રોટલી કરતી. એની એ બારી, એની એ સગડી, એની એ રોટલી – હાથ બદલાયા. દાદીની નમણાશ અને બાનું ખડતલપણું રોટલીના બે પાતળા પડ વચ્ચે આબાદ રીતે હળીમળી જતું. ઘરમાં ગૅસ આવ્યો છતાંય ક્યાંય સુધી સગડી પર માત્ર રોટલી કરવાનો ક્રમ ચાલુ રહ્યો. દાયકાઓથી વપરાઈ-વપરાઈને, તપી-તપીને, ધોવાઈ-ધોવાઈને પેલી નાજુક સગડી પણ હવે દાદીના શરીર જેવી ઘરડી થઈ ગઈ હતી. તેનું તળિયું કટાઈને કાણું થયું હતું. જે નાના બારણાને ખોલ-બંધ કરીને હું રમતી હતી તે એક છેડેથી તૂટીને નમી જતાં વસાતું જ નહોતું. સગડીને ખબર ન પડે એમ હું એની તૂટેલી જાળીમાંથી હંમેશા માટે બહાર નીકળી ગઈ હતી. મારા મન અને શરીરનું કદ હવે પેલી ગમતીલી જેલમાં સમાઈ શકે એવું રહ્યું પણ નહોતું. પથારીવશ રહેતા દાદીના નિષ્પ્રાણ હાથની જેમ સગડી પણ ઠંડીગાર રહેવા લાગી. એની ઉપર નિરાંતે શેકાતી ‘નિરાંત’ ક્યારે પેલી કાળી રોટલીની જેમ બળીને ખાખ થઈ ગઈ તેની સરત પણ ન રહી. સગડી ઘરના કદી ન વપરાતાં એક ખૂણે સરી ગઈ. લીંપણની ભોંયનો જે ભાગ કોલસાની ગુણી પડી રહેવાને કારણે સદા કાળોમેશ રહેતો ત્યાં હવે કોલસાની કણી પણ લાધવી મુશ્કેલ બની. કદીમદી બાને કંસાર બનાવવો હોય ત્યારે સગડી સળગાવવાનો જુસ્સો ચઢતો. પણ પછી તો નૉનસ્ટીકની બોલબાલામાં એય ચોમાસાના પલળી ગયેલા કોલસા જેવો ટાઢો પડી ગયો.

સગડી સળગાવવાની, તેનો માફકસરનો તાપ રાખવાની અને તેમાં નિરાંતે રસઝરતી રસોઈ કરવાની કલા વીસરાઈ ગઈ. કલા કડાકૂટ બની ગઈ અને છેવટે કડાકૂટ પણ ભૂંસાઈ ગઈ. પરંતુ, સદનસીબે રવિવારની એ સાંજે મારી સમક્ષ એક સગડી સળગી. પેલી વહાલી સગડી જેવું અનુસંધાન આ બીજી સગડી સાથે ન સધાયું છતાં બીજે દહાડે મેં પણ દાદીની માફક વિશિષ્ટ રંગ-રૂપ-ગંધવાળી નમણી રોટલી બનાવી. રાતે ગૅસની ઉપર બનાવેલી ઊની ભાખરીની જગ્યાએ દાદી સવારની વધેલી ટાઢી રોટલીનો આગ્રહ કેમ રાખતાં તે આટલા વર્ષે સમજાયું. રોટલી કરી લીધાં પછી નિત્ય અગ્નિદેવને આહુતિ આપતાં દાદીને યાદ કરી મેં પણ લાલચોળ અંગાર પર ઘી અને ભાત મૂક્યાં. તડતડ અવાજ કરતો ધુમાડો સગડીમાંથી ફૂટી નીકળ્યો. મારી આંખમાં પાણી આવ્યાં. ધીમે રહીને કોલસા પણ હોલવાઈ ગયા. તેની ઉપર રાખોડી રંગની રાખ રહી હતી. દોઢ દાયકામાં દાદીના દેહની રાખ તો ક્યાંની ક્યાં ઊડી ગઈ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બારેમાસ – ખલીલ ધનતેજવી
સુખીરામનું ખમીસ – અનુ. સુમન શાહ Next »   

19 પ્રતિભાવો : ‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા

 1. ranjan pandya says:

  ૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળામાં ચુલા પર અને સગડી પર ઘણી રસોઇ બનવી ચે.બધુ જ યાદ આવી ગયુ.આહા કેવા હતા એ દિવસો!!!કોઇ લા દે મેરે બીતે હુએ વો દિન– એ જમાનાની વાતો આજે પૌત્રને નવાઈ જેવી લાગે ચે.ગેસના ચુલા વાપરવાના ટાઈમમાં સગડીની રાખ ભુલાઈ જ ગઈ—-!!!!!

 2. સાચી વાત પણ.. અત્યારે સગડી કરવી પોસાય નહી..સગડીના બદલામા બીજુ ઘણુ પ્રદુષણ થાય છે….પણ હા સગડીની રોટલી વધારે મીઠી લાગે….

 3. pragnaju says:

  તે જમાનો યાદ કરાવ્યો
  સાથે અનુષ્ટુપ છંદમાં કવિતા યાદ આવી
  વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
  અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
  સરસ

 4. Lata Hirani says:

  ગરમ સગડીની વાત મનમાઁ કેવી હુઁફ અને ઠઁડક પ્રસરાવી ગઇ !!

 5. Dhaval B. Shah says:

  I didn’t understand the context of the statement “દોઢ દાયકામાં દાદીના દેહની રાખ તો ક્યાંની ક્યાં ઊડી ગઈ ? “

 6. mayuri_patel79 says:

  રિના મહેતા લેખિત લેખ વાચિ ને બા નિ બના વે લિ સગડી નિ.ખીચડી,સેકેલિ પાપડી,ભાખરિ,યાદ આવિ ગયા, ને બા ખુબયાદ આવ્યા,કેટલા પ્રેમ થિ ભોજન કરાવતા તે હેત યાદ આવિ ગયુ,આવા સમભારણા આપણા બાળકો ને કહિ એ ,તો પિઝા ના યુગને સગડી ના રોટલા નો સ્વાદ ના સમજાય,

 7. […] લેખો સાઈટ પર માણ્યા છે, જેવા કે ‘સ સગડીનો સ’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકા’, ‘તાળું […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.