સુખીરામનું ખમીસ – અનુ. સુમન શાહ

એક રાજા હતો. એને એકનો એક દીકરો. રાજાને થાય, જગ જીત્યા. પણ ભાઈ રાજકુમાર તો કાયમનો દુખિયો. બારીએ બેસીને અવકાશને તાક્યા કરે. ને એમ, વીતે એના દહાડા….
‘તને ભઈલા, કઈ વાતનો અભાવો છે ?’ રાજાએ પૂછેલું : ‘તને થયું છે શું ?’
‘પિતાજી, મને મારી પોતાની જ કશી ગમ નથી તાં….’
‘તું કોઈના પ્રેમમાં છું ? કોઈ છોકરી ગમી ગઈ હોય તો કહી દે. રાજા-મહારાજાની હોય કે રાંક કોઈ ખેડુની – હું તારાં ઘડિયાં લગ્ન લેવડાવું.’
‘ના પિતાજી, હું કોઈનાય પ્રેમ માં નથી.’
રાજાએ કુમારને ખુશ કરવાના લાખ પ્રયત્ન કર્યા. નાટકચેટક, નાચગાન, જલસા, ગાયનવાદન, હજાર વાનાં કર્યા પણ એકેયની કારી વાગી નહિ. બન્યું એવું કે ધીમે ધીમે કરીને રાજકુમારના ગાલની લાલી શોષાઈ ગઈ. પછી તો રાજાએ કાયદેસરની દાંડી પિટાવી. એટલે પછી દુનિયાભરના ફિલસૂફો, વૈદો અને પ્રાધ્યાપકો-આચાર્યો આવી પૂગ્યા. રાજકુમારને રજૂ કરાયો. રાજાએ સલાહ પૂછી; પરંતુ પંડિતો વિચારી વિચારીને થાકી ગયા. કહ્યું રાજાને : ‘મહારાજ, આખી વાતનું અમે ઊંડું અધ્યયન કર્યું છે, કુંવરના ગ્રહો પણ તપાસી જોયા છે. તમારે રાજન, આ કરવું ઘટે –’
‘શું ?’
‘તમે રાજાજી, કોઈ સુખિયાને શોધી કાઢો. જીવનભરના કોઈ સુખીરામને.’
‘પછી ?’
‘એવા સુખીરામના ખમીસ જોડે કુંવરનું ખમીસ બદલાવી લો.’

એ – ને – એ દિવસે રાજાએ ચારે દિશામાં રાજદૂત મોકલ્યા. રાજદૂત એક વાર એક પાદરીને પકડી લાવ્યા. રાજાએ પાદરીને પૂછ્યું.
‘તમે સુખી છો ?’
‘જી, રાજાજી, સુખી છું.’
‘સરસ. તમને મારા રાજ્યમાં રાજગુરુ બનાવું તો કેવું ?’
‘ગમે રાજાજી, એથી વળી રૂડું શું….’
‘જાઓ જાઓ, ચાલ્યા જાઓ ! દૂર થાઓ મારી નજરથી ! તમારા જેવાની જરૂર નથી મારે. હું તો એવાને ઢૂંઢું છું જે આપોપો ને પૂરો સુખી હોય – ખરો સુખીરામ. તમારા જેવા વધારે સુખી થવા નીકળેલા લોભિયાની મારે જરૂર નથી.’

સુખીરામ માટેની શોધ આવી ને આવી ચાલ્યા કરી…. એવામાં રાજાને અમુક લોકોએ ખબર આપ્યા કે તમારા પાડોશી રાજવી ખરા સુખી છે, એમની રાણી સુંદર છે. એટલી જ ભલી છે. એમનાં કુંવર-કુંવરી બાલગોપાલ બધાં સૌએ મોજમાં છે. બધા શત્રુઓને એમણે માત કર્યા છે. એમના રાજમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે છે. સાંભળીને રાજા વળી પાછો આશાવાદી થયો ને ઝટપટ દૂત મોકલ્યા : ‘લઈ આવો, પાડોશી રાજાનું ખમીસ.’
પાડોશી રાજા રાજદૂતોનું સ્વાગત કરે છે, કહે છે : ‘ખરી વાત છે. માણસનો બચ્ચો માગે એ બધું જ છે મારી પાસે. જોકે મને એક ચિન્તા બહુ સતાવે છે. ચિન્તા એવી કે એક દિવસ તો મારે આ બધું છોડીને મરવું પડશે. બધી સુખસાહ્યબી મૂકીને ચાલી જવું પડશે. એ વાતે રાતો મારી અનિદ્રામાં વીતે છે !’ રાજદૂતો સમજી ગયા કે ખમીસ-બમીસ માગવા કરતાં ઘેર પાછા ફરવામાં ડહાપણ છે.

પછી તો કિંકર્તવ્યમૂઢ રાજા શિકારે ચડી ગયો. એક વાર એણે એક સસલાનો શિકાર કર્યો. બન્યું એવું કે સસલું મર્યું નહીં પણ માત્ર ઘવાયું. ત્રણ લગે લંગડાતું લંગડાતું, દોડવા લાગ્યું. બધો રસાલો પડતો મેલીને, મદદગારોને આઘા કરીને, રાજાએ સસલાનો પીછો કર્યો. એટલામાં એક મેદાન આવ્યું. ક્યાંક કોઈ ગીત ગાતું’તું, તે સંભળાયું રાજાને. છેડેથી ઝિલાતી રહે એવી ધ્રૂવપંક્તિ – એવું સરળ મધુર ગાન. રાજા થંભ્યો. એને થયું – આવું ગીત ગાનારો સુખી જ હોય ! ગાનને અનુસરતો અનુસરતો રાજા જ્યાં અટક્યો તે એક દ્રાક્ષની વાડી હતી. જોયું તો કોઈ જુવાન ગાતો’તો. વળી, ગાતાં ગાતાં ડાળ-ડાળખાં કાપ્યે જતો’તો – બધું સરખું કરવા. રાજાને જોઈને જુવાન સ્વાગત કરે છે, ‘જય-જય મહારાજ.’ પૂછે છે : ‘આટલે આઘે આપશ્રી જાતે પધાર્યા તે….’
‘શુભાશિષ ! હું તને મારી રાજધાનીમાં લઈ જાઉં તો તને ગમે ને ?’
‘એ તો મોટી કૃપા કહેવાય, રાજાજી પરંતુ મેં એવું કદી કલ્પ્યું નથી….’
‘……..’
‘આમ જુઓ તો, હું કોઈનીય જોડે ક્યાંય ગયો જ નથી.’
‘એવું શા માટે ? તારા જેવા સુંદર મજાના યુવકે તો…’
‘ના જી, ના. નમ્રતાપૂર્વક જણાવું આપને કે મારી કને જે કંઈ છે તેથી હું સંતુષ્ટ છું. જેમ છું એમ ઠીક છું. મારે વધારે કશું ન જોઈએ….’

આ જ ખરો સુખિયો છે, રાજાને થયું, આ જ છે સુખીરામ….
‘સાંભળ જુવાન, સાંભળ, મહેરબાની કર મારા પર..’
‘થઈ શકે એ કંઈ પણ કરવા તત્પર છું રાજાજી.’
સુખીરામ જડી ગયાની ખુશીથી ઘાંઘો થઈ ગયેલો રાજા, ‘જરા ઊભો રહે, આવું છું.’ બોલતો દોડ્યો – પોતાના રસાલાને બોલાવવા : ‘ચાલો ચાલો, મારો કુંવર ઊગરી ગયો, સુખીરામ મળી ગયો – બચી ગયો મારો કુંવર….’ બધાને રાજા લઈ આવ્યો પેલા જુવાન પાસે. ને કરગરવા લાગ્યો :
‘મારા વ્હાલા, તને જે જોઈએ એ આલું. પણ મને તારું આ ખમીસ આપ – ખમીસ !’
‘શું રાજાજી ?’
‘ખમીસ ! મારો એકનો એક દીકરો મરવા પડ્યો છે. માત્ર તું જ છું એનો તારણહાર; સમજ્યો ?’

તરત રાજાએ યુવકને જકડી લીધો ને એના જાકીટનાં બટન ખોલવા માંડ્યા – જેથી નીચેનું ખમીસ કાઢી લેવાય. પણ રાજા એકાએક અટકી પડે છે – એના હાથ હેઠા પડી જાય છે, ઝૂલતા…. કેમ કે સુખીરામે ખમીસ પહેર્યું જ નહોતું !

[ઈટલો કાલ્વિનો – પ્રણિત ઈટાલિયન લોકકથા, જ્યોર્જ માર્ટિન (2000, પેન્ગ્વિન) ના અંગ્રેજી અનુવાદ પરથી. કાલ્વિનોએ આવી બસો લોકકથા કથી છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા
પ્રેમપત્રો – વિનોદ ભટ્ટ Next »   

17 પ્રતિભાવો : સુખીરામનું ખમીસ – અનુ. સુમન શાહ

 1. pragnaju says:

  લેખક ઈટલો કાલ્વિનોનું નામ ન હોય તો પણ ચાલ્યા કરે તેવી લોકકથા
  કોઈ પણ દેશનાં,સમાજનાને સુખ વિષે સરળતાથી સમજાવી જાય છે
  સુંદર

 2. ભાવના શુક્લ says:

  ખરુ સુખ મનનુ છે. સુખ અને દુખની સ્થુળ અને મારા તમારા જેવાઓએ ઘડેલી વ્યાખ્યા માથી બનાવેલ વાઘા પહેરાવી અને તેના પ્રમાણદંડો દ્વારા સુખી કે દુખી હોવાના ખ્યાલમા રાચનારાને ખરેખર માર્મીક રીતે સમજવા જેવુ છે કે સુખ કે દુખ એ કોઇ પહેરી/કાઢી શકાત વસ્ત્રો નથી. જે છે તે સુખ કે દુખની અનુભુતી આપણી અંદર જ છે. મનથી માણો તે સુખ કે દુખ!!!
  બહુ સુંદર રહી વાર્તા…

 3. mayuri_patel79 says:

  સુખ દુઃખ ઘટ સાથે ઘડીયા ટાળ્યા કોઇના ટળે પ્રભુ નાથના ઘડિયા.ખમિસ બદલે ના બદલય,ટૂકી વાતા વાચ વાનો આન્ંદ થયો,,,,,,

 4. Nayan says:

  Nice story. Thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.