પ્રેમપત્રો – વિનોદ ભટ્ટ
[1] એક શિક્ષકનો પ્રેમપત્ર
વહાલાં લીનાબ્હેન,
‘બ્હેન’ શબ્દ વાંચીને ચોંકી ન ઊઠશો; કેમકે ‘બ્હેન’ શબ્દ એ અહીં નામના એક ભાગરૂપ છે. (જેમ કે મારું નામ ભાઈલાલભાઈ છે.) એટલે બ્હેન કે ભાઈ કહેવાથી કે લખવા-વાંચવાથી થઈ જવાતું નથી અને એટલા માટે તો મેં ‘બ્હેન’ શબ્દની જોડણી પણ જાણીબૂઝીને ખોટી લખી છે, અને અમારું શિક્ષકોનું તો એવું. બ્હેન કહીને સંબંધ આગળ વધારીએ, એટલે બ્હેન કહેવા બદલ માઠું ન લગાડશો. (એમ તો ગાંધીજીય કસ્તૂરબાને બા ક્યાં નહોતા કહેતા !)
ગઈ કાલે સાંજે છમાં બે મિનિટ અને સત્તર સેકન્ડે ભદ્રકાળીમાતાના મંદિરે હું આવી ગયો હતો, પણ તમે ન દેખાયાં તે ન જ દેખાયાં. ઘડીભર મન શંકામાં પડી ગયું, કેમકે મારી સાથે પ્રહલાદભાઈ સાહેબ હતા અને મને છ વાગ્યાનો સમય આપતી વખતે તમારી નજર એમની સામે હતી એટલે મને ભય લાગ્યો કે મને ઊઠાં ભણાવીને કદાચ તમે પ્રહલાદભાઈ સાહેબને તો નથી મળવાનાંને ?…. એટલે આસપાસ ચક્કર લગાવ્યાં. ઉત્તરમાં છેક એડવાન્સ સિનેમા સુધી અને દક્ષિણમાં મદ્રાસી હોટલ સુધી નજર નાંખી આવ્યો, પણ તમે કે પ્રહલાદભાઈ સાહેબ દેખાયાં નહીં, પણ ત્યાં જ એમનો ભત્રીજો પ્રવીણ મળ્યો. તેને પૂછતાં જાણવા મળ્યું કે પ્રહલાદભાઈ સાહેબ તો રાવલ સાહેબના બંગલે ટ્યુશન આપવા ગયા છે, ત્યારે ‘હાશ’ થઈ.
છ ને સત્તાવીશ મિનિટ અને ત્રેપન સેકન્ડ સુધી તમારી રાહ જોઈ. વિદ્યાર્થીઓ શાળા છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોઈ રહે એટલી, બલકે એનાથીય વધુ અધીરાઈથી, તમારા આવવાની રાહ જોતો ઊભો હતો. પણ તમે ન આવ્યાં. મન નારાજ થઈ ગયું. કોઈ વિદ્યાર્થીને વાલીએ ટ્યુશન-ફી પાંત્રીસો રૂપિયા નક્કી કરી હોય ને મહિનો ભણાવ્યા પછી ત્રણ હજાર જ રૂપિયા હાથમાં મૂકે ત્યારે થઈ જાય એવું દિલ ખાટું થઈ ગયું. સાચું કહું તો થોડો ગુસ્સો પણ આવી ગયો. મનમાં થયું પણ ખરું કે તમને છેલ્લી બેન્ચ પર ઊભાં રાખી અંગૂઠા પકડાવવાની કે ‘કેસાબીઆન્કા’ વાળી કવિતા પંદર વખત લખી લાવવાની શિક્ષા કરું; પણ પછી મન મનાવી લીધું કે તમે કદાચ માંદાં પડી ગયાં હશો કે પછી તમારા પપ્પા…..
હા, તમારા પપ્પા સામે મારી એક ફરિયાદ છે. બે દિવસ પહેલાં રસ્તામાં તે મળેલા ત્યારે બોલેલા, ‘કેમ માસ્તર શી નવા-જૂની છે ?’ તમે તો જાણો છો કે કોઈ મને ‘માસ્તર’ કહે એ મને બિલકુલ પસંદ નથી. પણ આ તો તમારા પપ્પા હતા એટલે ‘લેટ ગો’ કરું છું. એમને કહી દેજો કે મને દેવી હોય તો કોઈ મોટી ગાળ દઈ શકે છે, પણ મહેરબાની કરીને મને ‘માસ્તર’ ન કહે.
હા, હવે અગત્યની વાત પર આવું છું. મોસ્ટ આઈ. એમ. પી. આ અગાઉ લગભગ છ વાર તમને કહી ચૂક્યો છું કે હું તમારા પ્રેમમાં છું. વિદ્યાર્થીઓને વેકેશન ગમે એથીય વધુ તમે મને ગમો છો. નવમા ધોરણમાં જે શીખવું છું અને દુનિયામાં જે મને વધુમાં વધુ વહાલી છે એવી ભૂગોળના સોગંદ ખાઈને કહું છું કે તમારા જેટલો પ્રેમ મને કોઈના પ્રત્યે નથી. હું તમારો હાથ માંગુ તો ? (આ ‘હાથ માંગવો’ એ રૂઢિપ્રયોગ ક્યારેક પરીક્ષામાં પુછાય એવો છે એટલે તમારા ભાઈ નીતિનને એનો અર્થ સમજાવી દેજો, પણ એ પહેલાં તમે પણ સમજી લેજો.)
અમારી શિક્ષકોની બીજી એક ખાસિયત એ છે કે અમે લગ્ન કર્યા પછી પ્રેમ વધુ કરીએ છીએ એટલે લગ્ન પહેલાં થોડીક ચોખવટ થઈ જાય તો સારું, એમ માનીને તમારી સામે કેટલાક પ્રશ્નો મૂકું છું. જુઓ, પહેલો પ્રશ્ન ફરજિયાત છે અને બાકીનામાંથી ગમે તે ચારના ઉત્તર તમારે આપવાના રહેશે. બધા જ પ્રશ્નના ગુણ સરખા રાખવામાં આવ્યા છે. સ્વચ્છતાના પાંચ માર્ક્સ અલગ રાખવામાં આવ્યા છે. તો મારા નીચેના પ્રશ્નોના ઉત્તર કાળજીપૂર્વક આપશો :
પ્રશ્ન 1 : તમને હું ગમું છું ? હા કે ના ? સવિસ્તર જણાવો.
પ્રશ્ન 2 : નીચેના ત્રણમાંથી ગમે તે એક વિષય પર ટૂંક નોંધ લખો :
(1) મોંઘવારી (2) કરકસર (3) મને કેવો પતિ ગમે.
પ્રશ્ન 3 : તમને ધોતિયાવાળો પતિ ગમે કે પાટલૂનવાળો ? તમારા જવાબ માટેનાં યોગ્ય કારણો આપી સમજાવો. (નોંધ : બે પાટલૂન સિવડાવવાનો મેં વિચાર કર્યો છે. તમારો જવાબ મેળવ્યા પછી કાપડ ખરીદવાનો વિચાર કરીશ.)
પ્રશ્ન 4 : લગ્ન પછી હું છીંકણી સૂંઘું તેની સામે તમને વાંધો છે ? જવાબ હા કે નામાં આપો. તમારો જવાબ જો હા હોય તો તેનાં કારણો આપો.
પ્રશ્ન 5 :
(અ) બી.એડ. પદ્ધતિથી પ્રેમ કરી શકાય ?
(બ) ચા પીવાનું વ્યસન તમે છોડી શકો ખરાં ?
પ્રશ્ન 6 : લાલ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે કે સમદ્વિબાજુ ? તમને ત્રિકોણ ગમે કે અષ્ટકોણ ?
પ્રશ્ન 7 : પ્રેમને ઈતિહાસ સાથે સંબંધ છે કે ભૂગોળ સાથે ? (આ પ્રશ્ન અઘરો લાગે તો ઓપ્શનમાં કાઢી નાખશો.)
પ્રશ્ન 8 : ભૌગોલિક કારણો આપી સમજાવો :
(પ્રશ્ન રૂબરૂમાં પૂછવામાં આવશે.)
ખાસ નોંધ : આ પત્ર તમારા નાના ભાઈ નીતિનની ભૂગોળની નોટના પાછળના પૂંઠાના ફ્લૅપમાં મૂકું છું. કાઢી લેજો. તમારો જવાબ તમે નીતિનની ઈતિહાસની નોટના આગળના પૂંઠાની પાછળ મૂકી દેજો. કાલે નીતિનને ઈતિહાસનો પિરિયડ છે. ટ્યુશને જવાનો સમય થઈ ગયો છે એટલે પત્ર અહીં પૂરો કરું છું.
એ જ તમારો
(પોતાનાં ટ્યુશનો કરતાંય તમને વધુ ચાહનાર)
ભાઈલાલભાઈ.
[2] એક ક્રિકેટરનો પ્રેમપત્ર
ડિયર શીલુ,
બે નંબરના બસ-સ્ટૉપ પર ક્યાંય સુધી ફિલ્ડિંગ ભરતો ઊભો રહ્યો. તું ન આવી એટલે વરસાદ પડ્યા પછીની ‘પીચ’ જેવો ખરાબ મૂડ લઈને ઘેર આવ્યો અને ‘લોન્ગ ઓફ’ માં ઊભેલા મામાની નજર ચુકવીને મામીએ તારો પત્ર મારા હાથમાં મૂક્યો.
મને ડ્રોપ કરીને પેલા સિતાંશુ સાથે તું પરણવા માગે છે એ જાણ્યું. નેટ પ્રેકટિસ મારી સાથે ને મેચ કોઈ બીજા જ સાથે ? અમારે ત્યાં તો લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. મંડપ પણ બંધાઈ ગયો છે. ટેન્ટસ બંધાઈ ગયા હોય, બેટસમેને પૅડ પણ બાંધી દીધાં હોય અને એકદમ તેને કહેવામાં આવે કે તું ‘પૅડ’ કાઢી નાખ ત્યારે એની દશા કેવી થાય ? ‘પેડ’ છોડી નાખવાં, કુંવારી પીઠી ઉતરડવી લેવી, એ એટલું બધું સહેલું છે શું ?… જેને હું ટેસ્ટમેચ ધારતો હતો તેને ફ્રેન્ડલી મૅચ ગણીને મારા હૃદય પર તેં જોરદાર ફટકો માર્યો છે ! તું હંમેશાં ‘ક્રીઝ’ની બહાર રમ્યા કરતી હતી, પેલા ગૌતમ સાથે ફર્યા કરતી હતી, છતાંયે એ બાબત મેં ક્યારેય અપીલ નથી કરી…
તારું વલણ મૅચને ડ્રોમાં કાઢવા તરફ છે એની મને પહેલેથી જ જો ખબર હોત તો તારી સાથે મૅચ મેં ક્યારેય ગોઠવી જ ન હોત. મારી જાતમાં અનહદ વિશ્વાસ પેદા કરાવ્યા પછી મારો તેં કૉલેપ્સ કરાવી દીધો. તારા માટે આપણી પોળના કેટલાય છોકરાઓ ટાઈટ ફીલ્ડિંગ ભરતા હતા છતાં એ બધાયને નિગ્લેક્ટ કરીને તું મારી સાથે પહેલી વાર પિક્ચર જોવા આવી ત્યારે મને પ્રથમ વખત ખાતરી થયેલી કે હું એક સારો ફિલ્ડર છું; પણ આજે મને થાય છે કે તારે મન હું માત્ર ફિલ્ડર જ છું. તને દોષ નથી દેતો. મારું ‘લક’ જ એવું છે. બધા મને બારમા ખેલાડી તરીકે જ ટ્રીટ કરે છે. મારે મેદાનમાં આવવાનું તો થતું જ નથી. બૅટિંગ લેવા તો ક્યારેય નહીં, માત્ર ફીલ્ડિંગ ભરવા પૂરતું જ મેદાનમાં આવવાનું થાય છે….
…. અને તું મને આશ્વાસન પણ કેવું આપે છે ! આપણી મૈત્રી તો ચાલુ જ રહેશે. ના, હવે બારમા ખેલાડી તરીકે તારી સાથે સંબંધ રાખવામાં મને જરાય રસ નથી…. હા, હવે તને હું ભૂલી જવા માગું છું. તારી સાથે ખેલેલ રોમાન્સનું સ્કોર કાર્ડ મારી આંખ સામે તરવરે છે પણ હવે એ સ્કોર કાર્ડ પર હેવી રોલર ફેરવી દેવા માગું છું. મનેય હવે તો લાગે છે કે, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. જે ભગવાને હારવાને ટાણે વરસાદ મોકલીને આપણા ભારતીય ક્રિકેટરોને વારંવાર બચાવ્યા છે એ ભગવાને મનેયે જીવનની મેચ હારતાં બચાવ્યો હોય એમ લાગે છે. નહીં તો તારી સાથે જીવનની મેચ રમવામાં હું કાયમ ઈનિંગ્સની હાર ખાતો રહેત. કહેવતમાં ખરું કહ્યું છે કે વિકેટકીપર પાંચ કૅચ કરે એથી કંઈ તેને બોલિંગ તો ન જ અપાય.
આ અગાઉ તને લખેલ મારા બધા જ પત્રો પરત કરી દેજે; કેમ કે તારી કઝીન સિસ્ટર મીના સાથે હું ફ્રેન્ડલી મેચ ગોઠવી રહ્યો છું. એને માટેની નેટ પ્રેકટિસ પણ અમે શરૂ કરી દીધેલ છે એટલે એ પત્રો કામ આવશે. એમાં માત્ર તારું નામ જ ઉડાડવાનું રહેશે. તને ગમે તે માટે તારી નજર સામેથી ખસીને મીનાના હૃદય-ટેન્ટ તરફ ચાલ્યો જાઉં છું. દુ:ખ કરતાંય કચવાટ માત્ર એટલો જ છે કે તેં મને ખોટો એલ.બી.ડબલ્યૂ જાહેર કર્યો છે.
એ જ –
(બારમા ખેલાડીનું નામ જાહેર ન થાય એ જ યોગ્ય છે.)
Print This Article
·
Save this article As PDF
ભાઈ, આ તો જબરા પ્રેમ-પત્રો !!!! : આ પ્રશ્નપત્રમાં તો ગ્રેસીંગ સાથે પણ પાસ થવાના ફાંફાં પડે .. !! 😀
પહેલા પત્રનો પ્રશ્ર ૩ નો જવાબઃ-મને પરણાવો પાટ્લુનવાળો ઓ બાપુ મને પરણાવો પાટ્લુનવાળો, ધોતી ના પહેરે ને ટોપી ના પહેરે, હોય ચશ્માને પહેરવાવાળો–ઓ બાપુ—!!! બીજા જવાબ સાનમાં સમજી લેવાના ઓ.કે.
પ્રેમપત્ર કે પ્રશ્નપત્ર?
મજા પડી…
such a funny article…couldnt resist my laughing..heee heee heeee
હા.. હા. હા… ખરા પ્રેમપત્રો.. મજા પડી ગઈ…
જલ્સો પડી ગયો હો બાપુ
મૉટા ગજાના હાસ્યકાર વિનોદ ભટ્ટનાં કોઈ પણ હાસ્ય લેખ વાંચીએ ત્યારે કોઈની પણ લાગણી દુભવ્યા વગર મરક મરક કરાવે છે. શિક્ષક અને ક્રિકેટરનો પ્રેમપત્ર કેટલી બારીકાઈથી તેઓના મનોભાવ વ્યક્ત કરે છે!
આવા બીજા લેખો આપવા વિનંતિ..
શિક્ષણનિતી શિક્ષકો નથી ઘડતા… હા ધે આર ગુડ ફોલોઅર!!!! અને જેના કારણે શિક્ષકો આજે સરદારજીની જેમ હળવી રમુજ (ઉપર કહેવાયુ તેમ લાગણી ના દુભાય તેમ) નુ નિશાન બની રહ્યા છે.
પ્રેમ પત્રો ઘણા જ રમુજી રહ્યા.
વિનોદભટ્ટ ના હાસ્ય લેખ વાચ વાનિ મજા આવિ
વાહ વિનોદભાઇ, મજા આવિ ગઇ…
ખુબ જ સરસ…………!
સુપરબ ખુબ જ સરસ પ્રેમ પત્ર અમે પન કોઇક ને આવો પ્રેમપત્ર લખ્શુ
માસ્તર વાલો લેટર ખુબ જ ગમ્યો.