પતિને ખુશ શી રીતે રાખશો ? – દિવ્યાશા દોશી

[‘અભિયાન’ માંથી સાભાર.]

[1] હંમેશાં પતિનાં વખાણ કરો

તમે ખૂબ સારા છો એવું કહેવાથી પુરુષોનો અહં સંતોષાય છે. બે શબ્દ સારા બોલવાથી પતિ ખુશ રહેતો હોય તો ખોટું શું છે ? પણ સાવધાન, બહુ વધુ પડતાં વખાણ ન કરશો, નહીં તો ખોટું બોલતાં પકડાઈ જશો અને બાજી બગડી જશે.

[2] પેટથી હૃદય સુધી.

કહેવાય છે ને કે પતિના હૃદય સુધી પહોંચવાનો રસ્તો એના પેટમાંથી પસાર થાય છે. તેમને શું ભાવે છે એ જાણી લો. ખાસ કરીને તેમની મમ્મી એ વસ્તુ કેવી રીતે બનાવે છે એ રીત જાણી લો. પણ પીરસતી વખતે કહેવું, ‘તમને ભાવતી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમારી મમ્મી જેવી નથી બની.’ સાસુમાના હાથની રસોઈનાં વખાણ જરા પણ અહંને વચ્ચે લાવ્યા વગર કરો. ભૂલેચૂકે પણ તમારી સાસુની રસોઈકળાની ટીકા ન કરો.

[3] હેન્ડસમ હસબન્ડ

તમારા પતિની ડ્રેસિંગ સેન્સ સારી ન હોય તો તેમને જુદી રીતે કહો. જેમ કે ‘ડાર્લિંગ, તમને સફેદ રંગ વધુ સારો લાગે છે, નહીં !’ પણ એવું ન કહો કે તમને પીળો રંગ જરાય નથી શોભતો. ઑફિસ જવા તૈયાર થયેલા હસબન્ડને હેન્ડસમ કહો, પછી જુઓ જાદુ.

[4] ખરીદીમાં રસ લો

તમારી ખરીદીની વાત ઓછી કરો અને પતિની ખરીદીમાં વધુ રસ લો. તેમની સાથે શોપિંગમાં જાઓ ત્યારે તમારી ખરીદીનું લિસ્ટ તેમને ન બતાવો. ખરીદી કરવામાં પુરુષો ભાવની રકઝક નહીં કરે, પણ વસ્તુ પસંદ કરવામાં ક્યારેક ખૂબ ચીકણાશ કરશે. ખાસ કરીને તેમનાં કપડાં અને જૂતાંની બાબતે. એની ટીકા કર્યા વગર હસતું મોઢું રાખીને તેમને પ્રોત્સાહિત કરો. એનું શોપિંગ પૂરું થાય ત્યાં સુધીમાં તમારું શોપિંગ પણ પૂરું થઈ ગયું હોય તેની તકેદારી રાખો.

[5] બીજા પુરુષનાં વખાણ ન કરો

ભૂલેચૂકે પણ બાજુવાળાનાં કે તમારી બહેનપણીના પતિનાં વખાણ તમારા પતિ સામે ન કરો. ઊલટાનું જો તમારા પતિ બીજા કોઈ પુરુષનાં વખાણ કરે તોયે ‘ઠીક છે’થી વધુ ન કહો. સાથે પતિના કોઈ પ્લસ પોઈન્ટનાં વખાણ કરી લો.

[6] ટીકા ન કરો

પતિ થાકીપાકીને ઘેર આવે ત્યારે ભૂલેચૂકે પણ તેમની કે તમારા સાસરાપક્ષના કોઈની પણ ટીકા ન કરો. તમારે કહેવું જ હોય તો પછી શાંતિથી વાતચીતમાં હકારાત્મક સૂર રાખીને વાતને મૂકો. તમારા પિયરપક્ષની કોઈ ટીકા પતિમહાશય કરે તો પણ સામે તેમના પરિવારની ટીકા ન કરશો. ભગવાને તમને બે કાન શા માટે આપ્યા છે ?

[7] આરામ કરવા દો

રજાને દિવસે વહેલા ઊઠીને પતિને તમારી સામે બેસવાની ઈચ્છા ન હોય કે બહાર આવવાની ઈચ્છા ન હોય તો એને મોડે સુધી સૂવા દો, પણ જો તમારે તેમને જલદી ઉઠાડીને વધી ગયેલી ફાંદ ઓછી કરાવવી હોય તો ‘થોડું પેટ ઓછું હોય તો હીરો જેવા લાગો’ એમ કહીને પોરસ ચઢાવવો. પછી જુઓ અસર.

[8] થોડા દૂર રહો

તમારે કોઈ વાત મનાવવી હોય તો આડકતરી રીતે વાત શરૂ કરો. પણ મુદ્દા ટુ-ધ-પોઈન્ટ રાખો. થોડા થોડા સમયે પતિને મહત્વ આપવાનું ટાળવું. હંમેશાં તેમની આગળ-પાછળ ન ફરવું. તમારું કોઈ કામ લઈને એમાં મશગૂલ રહેવું. ખાસ કરીને તેઓ ઘરમાં હોય ત્યારે થોડું ડિસ્ટન્સ જાળવશો તો થોડી જ વારમાં તે તમારી આગળ-પાછળ ફરવા માંડશે. અલબત્ત, ધ્યાન રહે, તમે પતિની અવગણના કરો છો એવું પણ ન લાગવું જોઈએ.

[9] સરપ્રાઈઝ આપો

ક્યારેક તેમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ ખરીદો. પતિ તમારી વર્ષગાંઠ ભૂલી જાય કે તમને ગિફટ ન આપતો હોય તો પણ પતિદેવને રીઝવવાનો આ ઉત્તમ ઉપાય છે. આમાં બે ફાયદા છે એક તો પતિને લાગશે કે તમે તેના વિશે કેટલું વિચારો છો, કેટલો પ્રેમ કરો છો ! બીજું, ધીમે ધીમે તમને પણ સમજાશે કે જો એ ગિફ્ટ આપશે તો તમને પણ ખૂબ આનંદ થશે. યાદ રહે, તમે આપેલી ગિફટ વિશે વારંવાર બીજા સામે ઉલ્લેખ ન કરો. ગિફ્ટ આપો ત્યારે પતિ ગમે એટલું પૂછે તો પણ કિંમત ન કહો. તેના ભોજનના ટિફિનમાં કે તેના શર્ટના ખિસ્સામાં ક્યારેક ‘આઈ લવ યુ’ લખેલી ચિઠ્ઠી મૂકી દો. સારી સરપ્રાઈઝ બધાને ગમે તો પતિદેવને કેમ ન ગમે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમપત્રો – વિનોદ ભટ્ટ
પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત Next »   

23 પ્રતિભાવો : પતિને ખુશ શી રીતે રાખશો ? – દિવ્યાશા દોશી

 1. Ashesh says:

  કોમિક આર્ટિક્લ તરિકે સારો છે. અધરવાઈસ બહુ મટિરિયાલિસ્ટિક લાગે.

 2. નીલા says:

  ખરી પૉલિટિક્સ વાપરવી પડે ને! ખરૂં છે હોં !

 3. pragnaju says:

  આદર્શવાદી વિચારવાળાને ન રુચે પણ વ્યવહારમાં ઘણા ખરા માટે તો આ જ ઉપાયો વાસ્તવીક છે.
  અભિનંદન – દિવ્યાશા દોશી

 4. ભાવના શુક્લ says:

  વધુમા……
  – ભલે પોતાનો હાથ રુમાલ જાતે શોધી ન શકે કે છાશવારે ઉલટા મોજા પહેરીને ચાલતા થાય પણ ‘તમે બહુ કેર વાળા છો’ એવો ભ્રમ ઠસાવ્યા કરો.
  – પતિ ભલે રાત્રે નસ્કોરાનુ આદીવાસી તાંડવ રમે પણ “હાય તમારા વગર તો એક દિવસ ન ગમે” એવુ નર્યુ જુઠાણુ જાહેર મા સ્વિકારો.
  – કોથમીર લેવા મોકલો ને ભાજી લઈને આવે ત્યારે જરાપણ ગુસ્સે થયા વગર ભાજીવાળીજ દાળ બનાવીને “સાસુની રેસેપી” કહીને પુરેપુરા સ્નેહભાવથી પિરસો. ૧૦૦ટકા ખુશ!!!!!
  ……………………………………………..

 5. રામ રામ ! દિવ્યાશાબહેને તો સારી સમજ આપી;
  પરઁતુ આ ભાવનાબહેને ‘સાસુની રેસિપી’ કહીને દાટ
  જ વાળ્યો ! પીરસવાની સારી ક્ષમતા ધરાવતાઁ હોય એમ લાગે છે.
  પતિવ્રતા સ્ત્રીઓ આવી જ ! અભિનઁદન !

 6. ભાવના શુક્લ says:

  મનવનિપટેલ૧૨૩!!!
  પતિવ્રતા સ્ત્રી નો અર્થ તમારી ને મારી ડિક્ષનેરીમા જુદો હોવાની પુરી સંભાવના!!!!!!
  નિખાલસ રમુજને વ્યક્તિગત રીતે બિરદાવવાની તમારી ક્ષમતાને તો ખરેખર ક્ષમતાપુર્વક અભિનંદન…

 7. ભાવનાબહેન ! ક્ષમા કરશો ?આપને દુઃખ લગાડવાનો કોઇ જ
  આશય ન હોવા છતાઁ તેમ થવાથી ,અઁતરથી માફી માગુઁ છુઁ .
  લિ. મનવઁતના નમસ્કાર !(મેઁ કશુઁ સિરીયસ લખેલુઁ ન હતુઁ ).

 8. ભાવના શુક્લ says:

  મનવંતજી,
  વળી પાછુ આ ક્ષમા માગવુ તે શુ? કોઇજ સવાલ નથી પણ હવે માગી છે તો ત્યારે મળશે જ્યારે સો કોલ્ડ “સાસુની રેસેપી” વાળી કોઇપણ ધમાકેદાર ચીજ પેટ ભરી ને ખાશો અને ખરેખર (૧૦૦% જેવુ) ખુશ થશો.
  આતો ખુશ થવા ને રાખવાના કિસ્સાઓ છે બધા. નારાજ કરવુ કે થવુ ક્યાય આવ્યુ જ ન હતુ!!! રીડ ગુજરાતી ના તમામ વાચકોની આટલી તો ખુબી હોવી ફરઝીયાત છે.

 9. સાચુઁ કહુઁ ભાવનાબહેન ! આજે ઘરવાળીની
  બનાવેલી ધમાકેદાર ખીચડી જમ્યો છુઁ.મારાઁ
  સાસુમા હવે ૮૪ પાર કરી ગયાઁ છે.પ્રત્યુત્તર
  બદલ ખૂબ આભાર !મનવઁતના નમસ્કાર !

 10. Pentermine mastercard….

  Pentermine mastercard….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.