એકવીસમી સદીનું જ્યોતિષશાસ્ત્ર – મૃગેશ શાહ

માનવી મંત્રયુગથી યંત્રયુગમાં આવી પહોંચ્યો છે. પ્રત્યેક યુગના સંજોગો અને સમસ્યાઓ ભિન્ન ભિન્ન હોય છે. પોતાની ક્ષમતા અનુસાર માણસ તે સમસ્યાઓ સામે ઝઝૂમતો રહે છે. વિપરીત પરિસ્થિતિઓનો જો તે સામનો કરીને સફળતા મેળવે તો સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે, પરંતુ એથી ઊલટું, જો સંજોગો માનવી પર હાવી થઈ જાય તો તે નિષ્ફળતાના કારણો તપાસતો ક્યારેક ભાગ્યને દોષ દઈ બેસે છે. સુખ અને દુ:ખના નામે આવી રમત યુગોથી ચાલતી આવે છે અને ચાલ્યા જ કરે છે.

જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં જ્યારે કોઈ વ્યક્તિ સફળ નીવડે ત્યારે તેનો શ્રેય તે પોતાના કુટુંબીજનો, પોતાના ઈષ્ટદેવ કે પછી પોતાની સમયસૂચકતા વાપરીને પરિશ્રમ કરવાની દીર્ઘદષ્ટિને આપતો હોય છે. અને વાત પણ સાચી છે, કારણકે વ્યક્તિની સફળતામાં તેની સાથે જોડાયેલા અનેક લોકો અને ઘટનાઓનો સવિશેષ ફાળો હોય છે. પરંતુ એ જ વ્યક્તિ જીવનના કોઈ અન્ય ક્ષેત્રમાં નિષ્ફળ નિવડે ત્યારે તેનો પહેલો પ્રહાર ‘નસીબ’ પર થતો હોય છે. આ નસીબ એટલે જ બીજા શબ્દોમાં ‘યોગ’. કોઈ કાર્ય નિષ્ફળ નિવડે ત્યારે આપણે ઘણાને એવું કહેતા સાંભળીએ છીએ કે ‘મહેનત તો ઘણી કરી, પણ જવા દો ને યોગ જ નહોતો !’ આ યોગોને ઓળખવાનું અને જાણવાનું શાસ્ત્ર એટલે જ જ્યોતિષ !

‘જ્યોતિષ’ શબ્દ આવે એટલે સમાજમાં બે પ્રકારની વિચારસરણી ઉદ્દ્ભવે છે. અમુક પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો એમ કહે છે કે અમે તેમાં માનીએ છીએ અને અમુક વિચારસરણી ધરાવતા લોકો એમ કહે છે કે અમે તેનો સદંતર અસ્વીકાર કરીએ છીએ. ‘જ્યોતિષ’ સાચું કે ખોટું ? શું ગ્રહો છે ? શું ગ્રહોની અસરો થાય છે ? માનવીય જીવનમાં ગ્રહોની શું અસરો છે ?’ વગેરે વિષય પર અત્યાર સુધીમાં અનેક વાદ-વિવાદો થઈ ગયા છે. તેના પર અનેક સંગઠનો રચાયા છે. માત્ર એટલું જ નહિ, આ વિષય પર અનેક લેખો લખાયા છે અને ટિપ્પણીઓ થઈ છે. જો લખનાર વ્યક્તિને તેમાં શ્રદ્ધા હોય તો તે પોતાનો મત પ્રસ્થાપિત કરે છે અને જો લખનાર વ્યક્તિ તેની વિરુદ્ધમાં હોય તો તે તેને અંધવિશ્વાસ કહીને તેનું સખત શબ્દોમાં ખંડન કરે છે.

‘વિદ્યા’ અને ‘શિક્ષણ’ શબ્દનો અર્થ થાય છે : ‘સમજવું’ અથવા ‘ઓળખવું’ અને તેને યોગ્ય રીતે ઊપયોગમાં લેવું. નાના બાળક સામે જ્યારે કોઈ નવું રમકડું મૂકવામાં આવે છે ત્યારે પહેલાં તે ધ્યાનથી તેને જુએ છે. તેને ઓળખે છે. તેનો સ્પર્શ કરે છે. તેને જાણવાની કોશિશ કરે છે. વસ્તુનો રંગ, આકાર, કદ વગેરેને વિચારીને તેનું એક ચિત્ર મનમાં અંકિત કરે છે. એ રીતે ‘જ્યોતિષ’ ને એક વિદ્યા તરીકે જો લઈએ તો તેને સમજ્યા, જાણ્યા અને ઓળખ્યા વગર કોઈ પણ વિધાન કરવું તે અધૂરી બાબત કહેવાશે. જો આપણે એમ કહીએ કે રસાયણવિજ્ઞાન ખતરનાક છે અને તેનાથી પર્યાવરણનું પ્રદુષણ વધે છે માટે રસાયણવિજ્ઞાનનો (chemistry) વિષય જ બંધ કરી દેવો જોઈએ તો તે એક અસત્ય બાબત કહેવાશે. વળી, કોઈ એમ કહે કે રસાયણવિજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે માટે વિજ્ઞાનની બીજી બધી શાખાઓ બંધ કરીને માત્ર તેને જ મહત્વ આપવું જોઈએ તો તે વાત પણ એટલી જ અસત્ય પૂરવાર થશે. એવી રીતે કોઈ એમ કહે કે જ્યોતિષ સર્વસ્વ છે, માનવીને આધીન કંઈ છે જ નહિ, તો તે અસત્ય છે અને સાથે સાથે જ્યોતિષ જેવું કંઈ છે જ નહિ – એ વાત પણ એટલી જ અસત્ય છે.

વિષયને તમે ક્યારે, કેવી રીતે અને કઈ જગ્યાએ ઉપયોગ કરો છો તેના પરથી તેની શ્રેષ્ઠતા નક્કી થાય છે. તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સજાગ હોવો જોઈએ. તેને તે વિષયનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. સમાજનો મોટા ભાગનો વર્ગ એવું માનતો હોય છે કે જ્યોતિષ એટલે માત્ર ભવિષ્ય જોવાનો વિષય ! પૈસા કેવી રીતે મળે, લગ્ન ક્યારે થાય, અભ્યાસ કેટલો થશે, સંતાનનો યોગ છે કે નહિ, પ્રતિષ્ઠા કેટલી મળશે – આવા બધા પ્રશ્નોના જવાબ મળી જાય એટલે લોકોની દ્રષ્ટિમાં જ્યોતિષ પૂરું ! તેને એક ‘સબ્જેકટ’ની દષ્ટિએ જોવો જોઈએ. માત્ર ભવિષ્યનું જ્ઞાન માટે નહિ, પરંતુ વ્યક્તિના ચરિત્ર, લક્ષણો, સંકેતો અને સંજ્ઞાઓની અજાયબ ભાષાનો રસપ્રદ ઈતિહાસ અને પર્યાવરણના અનેક તત્વોનો પૂર્ણ વિકાસ થાય તેવી દષ્ટિથી આ વિષયને જોવો જોઈએ. જ્યોતિષ માનવીય જીવનના અભાવો જાણવા માટે નથી, પરંતુ માનવીના સ્વભાવો જાણવા માટે છે. તેનાથી વ્યક્તિ પ્રકૃતિના તત્વોની ઓળખ મેળવીને તે પ્રમાણે કાર્ય કરે તેવા સંકેતો તેમાં રહેલા છે.

મલ્ટિનેશનલ કંપનીઓમાં ‘કવોલિટી કંટ્રોલ’ ડિપાર્ટમેન્ટ હોય છે. જેનો અર્થ થાય છે ‘તૈયાર થયેલી વસ્તુની ગુણવત્તાના ધોરણે ચકાસણી.’ જો માનવીઓ દ્વારા બનાવાયેલી આવી કંપનીઓમાં ગુણવત્તાના ધોરણોની આટલી સઘન પરીક્ષા લેવાતી હોય, તો જેણે આ માનવીને બનાવ્યો છે તે પ્રકૃતિના શું કોઈ ગુણવત્તાના ધોરણો નહીં હોય ? અહીં પ્રત્યેક માનવી પૂર્ણ છે. તેને બરાબર ચકાસણી કર્યા બાદ જ મોકલાયો છે. કોઈની પણ કુંડલીમાં નબળા ગ્રહો છે જ નહિ, અને કોઈ ગ્રહોના અંશો ઓછા છે જ નહીં. જ્યોતિષ એટલા માટે નથી જોવાનું કે કઈ કુંડલીમાં શું નડતર છે અને શેના અંશો ઓછા છે. ખરેખર તો એ રીતે જોવાવું જોઈએ કે જે પ્રાપ્ત અંશો કુંડલીમાં બતાવે છે, જે યોગો કુંડલીમાં પડ્યા છે તેને આધારે આપણે આપણા જીવનની દિશા કઈ તરફ લઈ જવાની છે. જે વ્યક્તિ એ રીતે જ્યોતિષ જુએ છે તેના માટે આ વિષય હોકાયંત્રનું કામ કરે છે. તે માત્ર દિશા આપે છે, ગતિ વ્યક્તિએ પોતે કરવાની રહે છે. બિનઅનુભવી જ્યોતિષ જોનાર વ્યક્તિઓ મોટે ભાગે જાત જાતના યોગોથી લોકોને ભડકાવવાનું કામ વધારે કરતા હોય છે. જે વિદ્યા આપણને ડરાવે એ વિદ્યા શું કામની ? જે કોઈ પણ યોગો આપણી કુંડલીમાં પડ્યા હોય, તેના વિશે એમ માનવું જોઈએ કે તે યોગોની જ આપણને ખાસ જરૂર છે.

જ્યોતિષમાં યોગોના જુદા જુદા નામ હોય છે જેવા કે પાપકર્તરીયોગ, ગ્રહણયોગ, કાલસર્પયોગ, ચાંડાળયોગ વગેરે. અડધા તો નામ જ એવા છે જેના શબ્દો સાંભળીને લોકો ગભરાઈ જાય. હકીકતમાં તેમાં ગભરાવા જેવું કાંઈ હોતું નથી. થોડાક ઉદાહરણો લઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ‘તમારી જન્મકુંડલીમાં ભણવાનું સ્થાન બે અશુભગ્રહો વચ્ચે ભિંસાય છે અને પાપકર્તરીયોગ બને છે માટે તમે ભણી નહીં શકો….’ હવે આમ જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે તે વ્યક્તિ અને તેના માતા-પિતા ચિંતામાં મૂકાય. આજના જમાનામાં ભણાશે નહીં તો પછી કમાણી કેવી રીતે થશે ? લગ્ન કેવી રીતે થશે? તેથી વ્યક્તિ તેને દૂર કરવા માટે બને એટલા ઉપાયો કરે. તેની માટે જાતજાતની વિધિઓ કરે. પરંતુ વ્યક્તિ એ નથી વિચારતો કે ‘મારા જીવનમાં આવું શા માટે થાય છે ?’ કુદરત કોઈને ઓછું આપતી નથી. એક વસ્તુ નથી આપી તો તેની સામે બીજી ચાર વસ્તુ તમારી પાસે પડેલી હશે. વ્યક્તિએ તે તરફ ધ્યાન આપવું જોઈએ. નેગેટિવ રીતે જે જ્યોતિષ જોવાય છે તેમાં લોકોને હંમેશાં નુકશાન થાય છે. હવે એ વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં એટલી પ્રચંડ સફળતા મેળવે છે કે તેને ભણવામાં સમય જ નથી રહેતો. તો શું એ વ્યક્તિ નિષ્ફળ થઈ ગયો ? આપણે સચીન તેન્દુલકરને નિષ્ફળ કહીશું ? બિલ ગેટ્સને નિષ્ફળ કહીશું ? “મારા ધાર્યા પ્રમાણે અને મારી રીતે થાય તો જ સફળતા” એમ વ્યક્તિ કેમ વિચારતો હશે ? એ પાપકર્તરીયોગ એને ન ભણાવીને બીજા અન્ય ક્ષેત્રોથી બમણું રળી આપે છે.

ઘણાંને લગ્નના યોગ નથી, ઘણાંને સંતાનના યોગ નથી, ઘણાંને આરોગ્યનો પ્રશ્ન છે – આ બધાં જ અભાવો સદીઓથી મનુષ્યના જીવનમાં ચાલ્યા જ આવે છે. એમાં કોઈ અભાવ જેવું જીવનમાં છે જ નહિ. વસ્તુત: એ અભાવો જ આપણને અન્ય ક્ષેત્રોમાં સફળતા અપાવે છે. આપણે ત્યાં એવા કેટલાંય મહાનુભાવો છે જેમનાં લગ્ન નથી થઈ શક્યા, તો તેઓનું જીવન શું નિષ્ફળ ? ઘણાં એવાં છે જેમની તબિયત નરમ-ગરમ રહેતી હતી અને તેઓએ વિશ્વને ઉત્તમ સાહિત્ય આપ્યું છે. પ્રાચીનકાળમાં ઘણાં લોકો નાની ઉંમરે મૃત્યુને ભેટ્યા હતાં – અને તેમનાં લીધે જ વિવિધ પ્રકારની રસીઓ શોધાઈ છે. આજે પણ એવી ઘણી હોસ્પિટલો છે જે કોઈને કોઈ વ્યક્તિની યાદમાં બની હોય. કોઈકના જીવનનો મૃત્યુયોગ પણ હજારોની જાન બચાવનારો આટલો મંગલકારી હોય તો પછી નાના મોટા યોગથી ડરીને આજનો માનવી જ્યોતિષીઓ પાસે કેમ દોડી જતો હશે ? જ્યોતિષ ડરવા માટે નથી પરંતુ આપણામાં પડેલી ક્ષમતાને ઓળખીને તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે છે.

આ શાસ્ત્ર તમને માત્ર એટલું કહી શકે છે કે આ પ્રકારના યોગો તમારી કુંડલીમાં પડ્યા છે. પરંતુ એ કેમ પડ્યા છે ? એનો ઉકેલ કોઈ આપી શકતું નથી. તેની માટે તો વ્યક્તિએ પોતે ચિંતન કરવું રહ્યું. એ યોગોને જાણીને એનો લાભ આપણે લઈએ તો જ ખરા. ખરાબમાં ખરાબ દરિદ્રતાનો યોગ હોય તો પણ વ્યક્તિએ ડરવા જેવું નથી, કારણ કે એ પણ આપણી માટે જરૂરી જ હશે. તમારી માટે જે જરૂરી છે એ જ ઈશ્વરે તમને આપ્યું છે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ જેવા અનેક લોકસેવકોની કુંડલીમાં શું સુખ અને સંપત્તિના સ્થાન દુષિત નહીં હોય ? હશે જ. કારણ કે એ લોકોએ પોતાની સુખસંપત્તિનો કોઈ દિવસ વિચાર કર્યો નથી અને સમાજ માટે જ જીવ્યા છે. હવે એમની કુંડલી જોઈને કોઈ એમ કહે કે એમના જીવનમાં કશું સુખ નહીં હોય તો એ વાત અસત્ય જ બનવાની. કારણકે વ્યક્તિને સમગ્રતાથી જોવો પડે છે. તેઓએ સમગ્રજીવન આશ્રમોમાં અને જનસેવામાં વ્યતિત કર્યું, પોતાનું ધર કે મકાન ન બનાવ્યું પરંતુ આ અભાવ એ જ એમનંર ભૂષણ છે. આપણને આપણી નિષ્ફળતાઓનું ખાતર કરી નાખીને એમાં જ સફળતાના બીજ વાવતા આવડવું જોઈએ તો કોઈ યોગ દુષિત નથી. દુનિયામાં પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ થાય છે. એમાં બે અંશ ઓછા નથી થતા કે બે અંશ વધારે નથી થતા.

જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતાં આવડે તો એક વિજ્ઞાન છે. તેમાં વિધિઓની નહીં પરંતુ વિચારની જરૂર છે. પ્રત્યેક ગ્રહ આપણને કંઈક શીખવે છે. સૌરમંડળનો તેજસ્વી ગ્રહ, સૂર્ય આપણને શીખવે છે કે તું કર્મમાં નિષ્ઠા રાખ. નિયમિત બન. પોતાના કાર્યમાં સાતત્ય કેળવ અને લોકોના જીવન માટે તપવું પડે તો તપી લે. પોતાની ઊર્જા બીજા માટે ખર્ચ કર. એમ કરીશ તો તારી કીર્તિ દશે દિશામાં નક્કી જ છે. કીર્તિ માટે લોકો તરફથી વાહ-વાહની અપેક્ષા ન કરીશ. (સૂર્યને જ્યોતિષમાં કીર્તિ માટેનો ગ્રહ કહ્યો છે.) ચંદ્ર કહે છે કે તું શીતળ બન. તારા વિચારોથી (કારણકે ચંદ્ર મનનો કારક છે) તું બીજાને સૌમ્યતા અને પ્રસન્નતા આપ. બુધ કહે છે કે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તેના સારા-નરસા પરિણામો વિશે વિચાર કરતા શીખ (બુધ – બુદ્ધિનો કારક ગ્રહ.) અને કાર્યમાં સુક્ષ્મ બુદ્ધિનો ઉપયોગ કર. શનિ કહે છે કે (શનિ કર્મના ફળ આપનારો અત્યંત કડક, શિસ્તનો આગ્રહી અને તટસ્થ ગ્રહ કહ્યો છે.) તારા જીવનમાં નિયમિતા હોવી જોઈએ. ‘બોલવું કંઈ અને કરવું કંઈ’ – એ નહીં ચાલે. તું જેવો છે એવો જ બન. તારો ખોટો અહંકાર છોડી દે. રાહુ (રાહુને ભોગોનો ગ્રહ કહ્યો છે) કહે છે કે દુનિયાના દરેક પ્રકારના ભોગોને જાણીને એ સમજી લે કે એનાથી કદી તું તૃપ્ત નહીં થાય. મંગળને આક્રમક ગ્રહ કહ્યો છે. તે સૂચવે છે કે જીવનમાં જે ‘બોલ્ડ’ નિર્ણય લેવા પડે તે લેવામાં પાછો ના હટીશ. ‘એક ઘા અને બે કટકા’ કરી નાખ, પરંતુ મુશ્કેલીઓનો એવી રીતે જ સામનો કરતાં શીખ. તારામાં સાહસ હોવું જ જોઈએ. કેતુ કહે છે કે તું (કેતુને રાક્ષસી ગ્રહ કહ્યો છે) મનમાં ખરાબ વિચારો આવતા હોય, પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે પણ જીવતા શીખ. બધી જ વખતે બધી અનુકૂળ પરિસ્થિતિ હોય એવું કંઈ જરૂરી નથી. ગુરુ કહે છે કે આ બધું કરવા છતાં જીવનમાં વિવેક, ડહાપણ અને ઈશ્વરતત્વને ન ભૂલી જઈશ. – એમ તમામ ગ્રહો આપણને કેવો સરસ બોધ આપે છે. નવગ્રહોની સ્થાપના અને તેનું પૂજન કરીએ એ તો સારી વસ્તુ છે પરંતુ એ સાથે તેમાંથી આપણે કંઈક શીખીએ તો તેઓનું સાચું પૂજન થયું ગણાશે.

આપણું દર્શનશાસ્ત્ર કહે છે કે તમામ ગ્રહો દેવતાઓનું સ્વરૂપ છે અને જ્યોતિષ એક વેદાંગનો વિષય છે. તો પછી દેવતાઓ કોઈ દિવસ નડે ? વળી, આપણને પ્રશ્ન થાય કે તો પછી માનવીને નડે છે શું ? માનવીને તેની વિચારસરણી અને વૃત્તિ નડે છે. ગામડામાં ખેતરમાં બેઠેલો અભણ ખેડૂત પોતાના નોકરોને માટે માણસાઈની દષ્ટિએ દિવાળી વખતે પગાર કરતાં વધારે રકમ ચૂકવતો હોય અને તેની સરખામણીમાં એ.સી. કેબિનોમાં બેઠેલો ભણેલો વર્ગ કેમ કરીને પોતાના કર્મચારીને નિચોવી લેવો એવી વૃત્તિ રાખતો હોય તો પછી હવે તમે જ કહો કે ‘કાલસર્પયોગ’ કોને નડવો જોઈએ ? યોગો તો ઘણાની જન્મકુંડલીમાં જાત જાતના અને કેવા પડેલા હોય છે ! પણ સવાલ એ છે કે માણસ કેવી રીતે જીવે છે. અત્રે એટલું યાદ રાખવું જરૂરી છે કે ગમે તેવા યોગો પડ્યા હોય તો પણ તેની માત્રા નક્કી કરવાનું કામ ઈશ્વરના હાથમાં છે. હવામાન ખાતું માત્ર એટલી જ આગાહી કરી શકે કે આજે વરસાદ પડશે કે નહીં (અને એ આગાહી પણ સાચી પડે તો પડે !) પરંતુ એ કંઈ ચોક્કસ પ્રમાણમાં ન કહી શકે કે ક્યાં કેટલા મિલિમીટર વરસાદ પડશે. એવી રીતે કોઈ જ્યોતિષી તમને એવું કહે કે તમને ફલાણા સમયે ફલાણી ઘાત છે તો બની શકે કે તમારી વૃત્તિ અને સ્વભાવને આધારે તમે એ ઘાતના સમયે એવી સુરક્ષિત જગ્યાએ હોવ કે તમને તેની જરા જેટલી પણ આંચ ના આવે. કુદરતના પ્રગતિપત્રકમાં માર્કસ માનવીની વૃત્તિના આધારે મૂકાય છે. અહીં કર્ણ પાંડવ હોવા છતાં કૌરવ પક્ષે હોય છે અને આચાર્યો કૌરવપક્ષે હોવા છતાં તેમની ઈચ્છા હોય છે કે પાંડવો જ જીતે ! માનવીય જીવનનું આવું અટપટું ગણિત તેની વૃત્તિ અને વિચારોને આધારે ચાલે છે. ગ્રહો આપણને એ વિચારો અને વૃત્તિઓને બદલવાનું શીખવાડે છે તેથી આપણી જોડે એ રીતે કામ લે છે.

આપણે શાથી નિષ્ફળ થઈએ છીએ એ પાછળ આપણે આપણી વૃત્તિને તપાસવી રહી. પહેલાના સમયમાં પ્રત્યેક કાર્ય પાછળ માનવીની શુભવૃત્તિ રહેતી, તેથી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેને સફળતા મળતી અને માત્ર એટલું જ નહિ, એ સફળતાની સુગંધ પણ એને અનુભવાતી. કોઈ વિદ્યાર્થી ડૉકટર બને તો તેનો ધ્યેય જીવનના સમર્પણનો હોય. કોઈ કુટુંબમાંથી કોઈ ડૉકટર હોય તો એમ કહેવાતું કે એક દીકરો તેમણે દેશસેવામાં આપી દીધો. અત્યારે ડૉકટરના ધ્યેયથી ભણનારના મનમાં એક જ વૃત્તિ હોય છે કે ‘ડૉક્ટર બની જઈએ એટલે જલસા !’ સમાજ માટે હું કંઈક શુભ કરું એવી વૃત્તિથી જો વ્યક્તિ કોઈ પણ કાર્ય કરશે તો પ્રકૃતિ ખુદ એને તેના જરૂરી સાધનો પૂરા પાડશે. એનાથી વિપરીત, જો એ માનવીય મૂલ્યોના હિતમાં નહીં હોય તો તમારી પાસે હજારો પુસ્તકો, ગાઈડો પડી હશે તો પણ ખરા સમયે મગજ નહીં ચાલે. ભણતાં પહેલાં જ કઈ લાઈનમાં કેટલો પગાર મળશે એવી વૃત્તિ રાખનાર વિદ્યાર્થી પરીક્ષામાં ટ્રાયલ લઈને પછી ગ્રહોનો દોષ કાઢે તો એમાં વાંક કોનો ? કોઈ પણ કાર્યની શરૂઆતમાં આપણા મનમાં શુભ સંકલ્પ કેમ નથી હોતો ? માત્ર પોતાનું ખિસ્સું ભરવાની વાત હોય ત્યાં તો પછી બધા જ યોગો નડે !

તમામ વસ્તુઓ આપણને સરળતાથી મળી જાય એવું માની ન લેવું જોઈએ. સંઘર્ષ અને સખત મહેનત દરેકમાં જરૂરી છે. નિષ્ફળતા જેટલું જરૂરી તો બીજું કશું જ નથી ! એ આપણને આપણી અંદર જોતા શીખવાડે છે. વળી, જે લોકો સફળ થાય છે તેમણે તો આ બાબતને ગંભીરતાથી વિચારવાની સવિશેષ આવશ્યકતા રહે છે. જો એમ કરવામાં ન આવે તો એ સુખ જ દુ:ખ બની જાય છે. વિદ્વાન પુરુષો કહે છે કે સુખની એક અત્યંત ચરમસીમા એ દુ:ખ છે અને દુ:ખની એક અત્યંત ચરમસીમા એ જ સુખ છે. મુંબઈના નેપ્યન્સી રોડ, મલબાર હીલ જેવા વિસ્તારમાં ધનના ઢગલામાં આળોટતા લોકોને સર્જનાત્મક વિચારો પ્રમાણમાં ઓછા આવે છે જેટલા એક ઘર ચલાવવા માટે ધંધો-રોજગારી માટે મથતા મધ્યમવર્ગના યુવાનને… ક્યારેક અત્યંત વૈભવમાં કંઈ જ કામ કર્યા વગર પડ્યા રહેવાનું સુખ જ દુ:ખ થઈ જાય છે અને નોકરીની શોધમાં સતત સંઘર્ષ કરવાનો અને નોકરી મળે પછી આનંદથી ઝૂમી ઊઠવાનું એ દુ:ખને સુખમાં ફેરવી નાખે છે. આ તમામ પરિસ્થિતિઓમાં ગ્રહો તમને દિશા બતાવે છે પરંતુ કોને કેટલી તીવ્રતા ભોગવવી પડશે તેનું માપ તો માનવીય વૃત્તિઓને આધારે કુદરત નક્કી કરે છે.

અત્યારે ‘કાલસર્પયોગ’ નું નામ સાંભળીને જાણે મેડિકલ રીપોર્ટમાં ‘ટી.બી.’ નું નિદાન થયું હોય એમ લોકોના હાંજા ગગડી જાય છે. જ્યોતિષીઓ કહે છે કે તેનાથી તમામ ગ્રહો રાહુના મુખમાં જાય છે અને વ્યક્તિને તેના કાર્યનું ફળ નથી મળતું. ધંધો હોય તો ધંધામાં બરકત નથી આવતી. હવે એના ઉપાય રૂપે જે વિધિ કરાવવામાં આવે છે તેમાં ભગવાન શંકરનું પૂજન સવિશેષ હોય છે. તાત્વીક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન શંકર કોણ છે ? એ વિશ્વાસના દેવતા છે. માનવી પોતાના ધંધામાં વિશ્વાસ રાખે, ગ્રાહકો પર વિશ્વાસ રાખે, ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ વેચે, યોગ્ય પ્રમાણમાં નફો લે તો એ તેનું કાર્ય પણ ઈશ્વરના પૂજન કર્યા બરાબર જ છે. આ બધું કરીને પણ જો પ્રગતિ ન થાય તો માનવીએ પરમ તત્વનું ચિંતન કરતા થોડો સમય પ્રતિક્ષા કરે અને યોગ્ય સમય આવે ત્યારે શક્ય છે કે તેને તેનાથી બમણું મળી શકે. આ રીતે ન જીવતા જો વ્યક્તિ કાલસર્પની વિધિ કરાવીને પછી પણ સ્વકેન્દ્રીય વિચારસરણી ચાલુ જ રાખે તો એને કઈ વિધિ ફળશે ? આમાં કોઈ વિધિનો નિષેધ કરવાની વાત નથી પરંતુ એ વિધિથી એની આત્મજાગૃતિ ન થાય તો એ એક માત્ર શુભક્રિયા બની રહે છે. પૂજન અને વિધિના ખર્ચને બહાને મૂળ હેતુ તો સમાજને કંઈક આપવાનો હોય છે. જે વ્યક્તિ સમાજને સતત કંઈક આપતો રહે છે તેને વગર માગ્યે બધું જ મળતું રહે છે.

તમામ ગ્રહો બદલતા રહે છે, જેને ગોચર ભ્રમણ કહે છે. એ ગોચર ભ્રમણ શાથી હોય છે ? એનું કારણ એ છે કે પ્રત્યેક ગ્રહો તમને ‘ક્રેશ કોર્ષ’ કરાવે છે. શનિગ્રહનો કોર્ષ સાડા સાત વર્ષનો હોય છે. એ તમને માથાથી લઈને પગ સુધી ‘સ્કેન’ કરે છે. તમે જે જે ઈન્દ્રિયોના દુરઉપયોગ કર્યા હોય તેનો સદઉપયોગ કેવી રીતે કરવો એ શીખવાડે છે. તેમની શીખવાડવાની પદ્ધતિ એવી છે કે તે પહેલાં તમારી પાસે જે હોય એ બધું લઈ લે છે અને પછી તમને એ બધું શુદ્ધ કરીને નવી રીતે આપે છે. બંગલો હોય તો એ જતો રહે, ગાડી હોય તો એ જતી રહે. એક સમયે રોડ પર આવી જાઓ ત્યારે તમને સમજાય કે માનવીય જીવન શું અને શેને માટે છે. મંગળ ગ્રહનો કોર્ષ ટૂંકા ગાળાનો હોય છે. તેમને પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, કારણ કે એ ભૂમિપુત્ર છે. વળી, એ જ રીતે રાહુ કેતુ પણ સમય સમય પર આવીને તમને પાઠ ભણાવતા રહે છે. માતા-પિતા ગમે એટલા વ્યસ્ત હોય પરંતુ એમની એક આંખ તો જે ચાલતા ના શીખ્યું હોય તેવા બાળક પર સદા રહે છે. એમ આપણે જ્યારે જીવનમાં ચાલવાનું ભૂલી જઈએ ત્યારે આ પરમ તત્વો આપણને જુદા જુદા સ્વરૂપે આવીને જુદી જુદી રીતે શીખવાડે છે. નવાઈની વાત તો એ છે કે તેઓની શીખવાડવાની રીત (જેને ગ્રહોની ચાલ) કહે છે, એ દર વખતે જુદી જુદી હોય છે. જેમ શિક્ષક એક જ દાખલો જુદી જુદી રીતે ગણીને બતાવે એમ આપણી અત્યંત કાળજીરાખીને તેઓ સતત શીખવતા જ રહે છે. એ કંઈ ઓછું છે ? આપણો આટલો ખ્યાલ કોણ રાખે ?

એકવીસમી સદીમાં જ્યોતિષ સાચું કે નહિ એ બધા વિચારો કરવાના છોડીને પ્રત્યેક વિષયને નવીનતાથી જોતા શીખવું જોઈએ. પ્રત્યેક ગ્રહો આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. ગ્રહોએ આપણને ગુલામ તરીકે નથી રાખ્યા કે આપણને હેરાન કરી કરીને ખલાસ કરી નાખે ! એ તો આપણા પરમ મિત્રો અને સૃહ્રદ છે. પ્રકૃતિ પ્રમાણે આપણને ચાલવાનું શીખવનાર ‘ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ’ છે. વર્તમાન સમયમાં અનેક વસ્તુઓ ‘વ્યવસાય’ નું રૂપ ધારણ કરી લે છે ત્યારે સમાજે આ વિષયને જાગૃતતાપૂર્વક સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવાની કળા શીખવાની તાતી જરૂરિયાત છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનરંગ – સંકલિત
પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના Next »   

30 પ્રતિભાવો : એકવીસમી સદીનું જ્યોતિષશાસ્ત્ર – મૃગેશ શાહ

 1. આ લેખ મુખ્યત્વે જ્યોતિષ વિશે હોય એમ લાગે છે.

  તન્મે મનઃ શિવસઁકલ્પમસ્તુ !આભાર મૃગેશભાઇ…!

 2. અતુલ જાની (આગંતુક) says:

  સમય પ્રમાણે શાસ્ત્રોનો ઉપયોગ બદલાય છે. નવા સમય મુજબ જ્યોતિષશાસ્ત્રનો નવી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું સચોટ દીશા-સૂચન સુંદર રીતે કરવામાં આવ્યું છે.

 3. Ami says:

  માત્ર મહેનત જ તમને સફળતા અપાવે છે.

 4. જ્યોતિષમાં ન માનનારાને માનતા કરવા માટેનો સરસ લેખ.

 5. सुखस्य दु:खस्य न को’पि दाता, परो ददातिती कुबुद्धिरेषा ।
  अहं करोमीति वृथाभिमान: स्वकर्म सूत्रे ग्रथितो हि लोक: ॥

  સુખ કે દુ:ખનો કોઇ અન્ય દાતા નથી. અન્ય સુખ દુ:ખ આપે છે એ ખોટી સમજણ છે.
  ‘હું મહેનત કરીને મેળવીશ જ’ એ મિથ્યાભિમાન છે. લોકો પોતાના કર્મોને આધીન ફળ ભોગવે છે.

  જીવનમાં બે ભાગ પાડી શકાય.
  1) માણસને મળતા ભોગ (સગવડ, મા-બાપ, ઘર, સમૃદ્ધિ,) – તેની ઉપર આપણી સત્તા નથી.
  2) માણસે કરવાના કર્મો, (મહેનત, સેવા, યજ્ઞ, જે કહો તે. ) – તેની ઉપર આપણી સત્તા છે.

  મનુષ્યનું આધિપત્ય કર્મ પર છે, તેના ફળ, ભોગ પર નહીં. कर्मण्ये बाधिकारस्ते मा फलेषु कदाचन
  અને,
  प्रारब्धस्य भोगात् एव क्षय:
  નસીબમાં લખેલું ભોગવ્યે જ છૂટકો. (તો પછી શુક્રવાર, શનિવાર કે નંગ, વીંટી પહેરવાથી શું થાય? જો ફેર પડે તો શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા સમજાવવાને બદલે, કર્મનું મહત્વ સમજાવવાને બદલે કોઇ પોખરાજનો નંગ suggest કર્યો હોત! પરંતુ તેના બદલે કૃષ્ણ ભગવાને એક-એક દુ:ખ પોતે ઉપાડીને demonstrate કર્યુ છે કે દુ:ખનો સામનો જ કરવો જોઇએ.)

  સુખ અને દુ:ખ એ બંને પાઠશાળા છે. જેવી રીતે graduate થવા માટે પરીક્ષાઓનો સામનો કરવો પડે તેવી રીતે આત્માને ઉન્નત કરવા માટે સુખ અને દુ:ખનો સામનો કરવો જોઇએ. અને મહેનત કરવાનું ન ચૂકવું જોઇએ.

  અંતે, prime minister ની ઓળખાણ હોય તો clerk ની ચાંપલૂસી કરવાની જરૂર નથી.

  “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે
  શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે”

  જય શ્રીકૃષ્ણ!

 6. Suhas Naik says:

  excellent thoughts…Thanks…!

 7. dharmesh says:

  ખુબ સુન્દર લેખ

 8. pragnaju says:

  આર્યભટ એક મહાન જ્યોતિષવિદ્વાન અને ગણિતજ્ઞ હતાં. એમણે આર્યભટીય નામક મહત્વપૂર્ણ જ્યોતિષ ગ્રન્થ લખ્યૉ છે.ભટ નૉ ભારત અને વિશ્વ નાં જ્યોતિષ સિદ્ધાન્ત પર બહુત પ્રભાવ રહ્યૉ છે.
  આપણા દલપતરામ કવિએ લખેલું છે કે,
  ‘કેવો હતો રાવણ શાસ્ત્રવેત્તા,
  નવે ગ્રહો નિકટમાં રહેતા હતા.’
  નવ ગ્રહોના જે અધિપતિ હતા. રાવણ શાસ્ત્રવેત્તા, પાછો નવે ગ્રહો એની પાસે જ પડી રહેતા’તા !
  જ્યોતિષ વસ્તુ બિલકુલ સાચી છે. એ તો વિજ્ઞાન છે. જેટલું ગણિત સાચું છે, એટલું જ્યોતિષ સાચું છે.જ્ઞાની પુરુષમાં આગ્રહ પણ ના હોય. નિરાગ્રહી હોય. એટલે નવેય ગ્રહ ત્યાં નડે નહીં. વીતરાગોને નવેય ગ્રહ નહોતા નડતા.
  અંધશ્રધ્ધાના કારણે ? હમણાં હતા એ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે જેવા પણ ”રાહુકલમ્”માં રાષ્ટ્રપતિપદના શપથ લેવાનો ઈન્કાર કરેલો અને એટલે એમનો શપથ લેવાનો સમય બદલેલો!નિવાસસ્થાને પગ મૂકતા પહેલાં ગૃહશાંતિ અને વાસ્તુશાસ્ત્રી સાથે ચર્ચા કરેલી તથા હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ પણ ઉચ્ચ શિક્ષિત હોવા છતાં વડાપ્રધાનગૃહમાં પ્રવેશતા પહેલા ત્યાં ગુરૃગ્રંથસાહેબનો અખંડ પાઠ કરવાનું જરૃરી ગણેલું.

 9. ભાવના શુક્લ says:

  માનવીને નડે છે શું ? માનવીને તેની વિચારસરણી અને વૃત્તિ નડે છે.
  …………………………………………………………………..
  અદભુત!!! જ્યોતિષ ને માનવુ કે ન માનવુ તેની ભ્રમણાને તોડતો લેખ છે
  જ્યોતિષ ગણિત હોઈ શકે, વિજ્ઞાન હોય શકે પરંતુ જીવન પર પ્રભાવી રહે છે. દરેક પગલે લાલબત્તી ધરે છે. અલગ અલગ કાર્યક્ષેત્રો કે વિચાર ક્ષેત્રો પર દરેક ગ્રહનો પ્રભાવ તેની સાબિતી મેળવવાનો ના હોય પરંતુ જે કઈ નકારાત્મક શક્યતાઓ છે તેને સમજી, સ્વિકારી અને નાથવા માટે તૈયાર થવાનો જરુર બની શકે.
  મૃગેશભાઈ,
  જ્યોતિષ વિશેની કલમ ખુબજ બેલેન્સ્ડ વિચારોની શાહીમા બોળાયેલી છે. ખુબ અભિનંદન જ્યોતિષશાસ્ત્રની ઉમદા સમજણ માટે.

 10. sunil shah says:

  જયોતીષની વીરુદ્ધ અને તરફેણ..બેલેન્સ કરવાના તમારા પ્રયાસ છતાં જયોતીષશાસ્ત્ર(?) તરફ પલ્લું થોડું નમેલું જણાયું. વીવાદાસ્પદ મુદ્દા પર વીગતે ચર્ચા કરવાનો પ્રયાસ સારો છે.
  ‘ જ્યોતિષ જેવું કંઈ છે જ નહિ – એ વાત પણ એટલી જ અસત્ય છે.’ મૃગેશભાઈ તમારી આ વાતના સંદર્ભે…
  અમેરીકન માસીક ‘હ્યુમેનીસ્ટ’ના ઑકટોબર–’૭૫ના અંકમાં વીશ્વના ૧૮૬ વૈજ્ઞાનીકો, જેમાં ૧૯ નોબલ પારીતોષીક વીજેતાઓ હતા તેમણે એક સંયુક્ત નીવેદન બહાર પડી લોકોને જણાવ્યું છે કે….‘દુનીયાભરમાં જયોતીષનો જે રીતે પ્રચાર થાય છે અને ભોળી પ્રજાઓ તેની માયાજાળમાં જે રીતે ફસાય છે તેનાથી અમે ઘણા વ્યથીત અને ચીંતીત થયા છીએ. અમે ખગોળ, ભૌતીક, રસાયણ, જીવશાસ્ત્ર અને વીજ્ઞાનના ક્ષેત્રના વીજ્ઞાનીઓ જાહેર જનતાને તેના હીતાર્થે સાવચેત કરીએ છીએ કે જયોતીષીઓ જાતકોની જે ભવીષયવાણી ભાખે છે તેમાં કશું તથ્ય નથી અને કહેવાતી જયોતીષ–વીદ્યાને કશો વૈજ્ઞાનીક આધાર નથી.’
  ભારતના સર્વ શ્રેષ્ઠ ખગોળ વીજ્ઞાની અને ગણીતજ્ઞ ડૉ.જયંત નારલીકર બીઝનેસ ઈન્ડીયા–૧૯૯૩માં લખે છે…‘…વીજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક ઢબે અને ધોરણે જયોતીષીઓના દાવાઓ, વરતારાઓ, ભવીષ્યવાણીઓની વારંવાર ચકાસણી કરેલ છે અને તેમાં જયોતીષ સદંતર જુઠું પુરવાર થયેલ છે…’
  આપણા અન્ય ખગોળ વીજ્ઞાની શ્રી જે. જે. રાવળ કહે છેઃ ‘જયોતીષ તદન વાહીયાત છે.’

 11. Hiral Thaker 'Vasantiful' says:

  Excellent…!

 12. Chirag Patel says:

  ગ્રહો શત્રુ નથી અને મીત્રો પણ નથી. બસ, એ માત્ર એક પ્રાકૃતીક સર્જન માત્ર છે. એમનામાંથી એથી વીશેષ શીખવા જેવું કશું નથી. આપણે જો આ ગ્રહોનો વૈગ્નાનીક રીતે અભ્યાસ કરીએ તો સર્વે આપણને ભયંકર લાગે.

  આ બધાં ગ્રહો જન્મસમયે જે સ્થીતીમાં હોય એના પરથી માનવીનું ભવીષ્ય સમજવાની આપણા પુર્વજોએ કોશીષ કરી છે. અને આ શાસ્ત્ર માત્ર અને માત્ર અનુમાનો પર આધારીત છે. આ શાસ્ત્રની તરફેણમાં એવૂં કહેવાય છે કે આધુનીક વીગ્નાન પણ ચંદ્રની માનવમન પર અસરને માને છે. ચોક્કસ. એમ જ બીજા ગ્રહો વીશે પણ કહી શકાય. પરંતુ, એ એટલા દુર છે કે એમનાથી આપણા મન પર કોઈ અસર થવી શક્ય નથી લાગતી (સુર્ય સીવાય, એના કદને કારણે). સુર્યની આપણા મન પર થતી અસર આપણે હરહંમેશ અનુભવીએ છીએ (અમેરીકામાં ખાસ). પણ આપણી રોજીંદી ઘટમાળને એ અસર કેવી રીતે કરે? અકસ્માત, સારો/ખરાબ સમય, લગ્ન, મૃત્યુ વગેરે પર કેવી રીતે અસર કરી શકે?

  ગ્રહોની સ્થીતી માનવમનને સમજવામાં મદદ કરી શકે પરંતુ જીવન પ્રસંગોને નહીં.

 13. Jugalkishor says:

  મારા બાપુજી જ્યો.માં માનતા ન હતા. એમને એક જ્યોતીષીએ બતાવ્યું કે એમને ત્યાં બે પુત્રો થશે પણ જીવશે નહીં ! બંને વાત સાચી પડી કે તરત જ એમણે જાતે તે વીદ્યા શીખવી શરુ કરી ને પ્રખર જ્યોતીષી સાબીત થયા. એટલે સુધી કે અમારા ત્રણ ભાઈએની કુંડળીમાંના ‘માતૃવીયોગ’ને આધારે ફેમીલી-ડોક્ટરને મારી માતાનો મૃત્યુદીવસ કહ્યો, જે સાચો પડ્યો હતો ! મારા મોટાભાઈના જન્માક્ષરમાં લખેલું 90 % સાચું પડતું જ રહ્યું હતું….

  છતાં તેઓ પુરુષાર્થને પણ મહત્ત્વ આપતા ! કારણ કે કર્મયોગના કાયદા મુજબ માની લઈએ કે પાછલાં કર્મો એનું ફળ આપે, જે આપણા હાથની વાત કદાચ ન પણ હોય. પરંતુ આવનારા સમયને ઘડવાનું તો (કર્મયોગના કાયદા મુજબ જ)આપણા જ હાથમાં છે ને ?!

  એમની વાત અને આકાશી ગ્રહો પણ જીવન પર અસર કરે છે તે વાતને આ રીતે પણ જોઈ શકાય કે, પુનમને દીવસે જો સાગરમાં ભરતી થાય તો ચાના કપમાં પણ એના પ્રમાણમાં અસર થાય જ. ચન્દ્રને મનનો કારક કહ્યો છે તેથી જ હશે કે દુનીયાભરમાં પુનમે સૌથી વધુ અકસ્માતો અને ઝઘડાઓ થતા હોવાનું નોંધાયું છે.
  જ્ઞાનને અપમાનીત કરવાનો અર્થ જ નથી. એને આધારે બેસી રહેવાનોય અર્થ નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને સાથે જ ચાલે એ વાતનો મર્મ દરેકે પોતાની રીતે બેસાડીને સંતુલન રાખવું રહ્યુ. બાપુજીની આ ક્ષેત્રની પ્રખરતા પછી પણ હું ક્યારેય મારી (એમની જ બનાવેલી) કુંડળીને વારંવાર કોઈ જ્યોતીષીને ક્યારેય બતાવતો નથી ! ક્યારેય મેં નસીબને દોષ દીધો જ નથી. મહેનત ક્યારેય છોડી નથી.
  (આટલું અંગત કહેવું થયું એ આ ચર્ચાની સરસ ગુણવત્તાને કારણે થયું; સૌની ક્ષમા માગીને, આવી સરસ ચર્ચા બદલ મૃગેશભાઈને અને સૌને અભીનંદન !)

 14. સુરેશ જાની says:

  મારી માન્યતા જણાવું તેનો કોઈ અર્થ નથી, કારણકે, માન્યતા દરેકનો પોતાનો અંગત વીશય છે.
  છતાં ચર્ચા ચગી છે તો મારો મત રજુ કરવાનો લોભ જતો કરી શકતો નથી.
  આ શાસ્ત્ર સાચું છે કે ખોટું એવા નીશ્કર્શ ઉપર આવવાને બદલે આપણે એમ વીચારી શકીએ કે, જગતના સર્વ ભાગોમાં શા માટે એક યા બીજા પ્રકારે આવાં કોઈ ને કોઈ શાસ્ત્રની માણસને જરુર જણાઈ છે?
  મારા માનવા પ્રમાણે સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વી. અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. અને દુર્ગમ સંજોગોમાં ફસાયેલ માનવી કોઈક આધાર, કોઈક આશાના કીરણની શોધમાં રહે છે. અંકશાસ્ત્રીય નીયમો પ્રમાણે 50 % ની આજુબાજુ આવી વ્યક્તીઓ રહેવાની જ. આથી આવા શાસ્ત્ર માટે ગ્રાહકો મળી રહે છે. તેમાંના 50% માં નીશ્ણાતનું અનુમાન સાચું પડે જ. અને આમ આ પ્રક્રીયાને વેગ મળતો જ રહે. સરાસરીના નીયમો વાપરી અનુમાનો બધારે સાચાં તજજ્ઞો બનાવી શકે.
  આમ કહેવાતાં શાસ્ત્રો ઉદ્ ભવે. અને તેમને પોશનાર વ્યક્તીઓ મળી જ આવે. આમ આ વ્યવસાય ચાલ્યા જ કરે.
  મારા માનવા પ્રમાણે આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ તે ન્યાયે- આના માટે કારણભુત છે.
  સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વીશ્વાસ પેદા કરવાની, તેવા ચારીત્ર્યના વીકાસની તાતી જરુર છે. જ્યોતીશશાસ્ત્ર આવું માનસીક બળ પુરું પાડતું હોય, સંકટ સમયે જરુરી આશાયેશ પુરું પાડતું હોય, ત્યાં સુધી તેની ઉપયોગીતા તેનો આધાર લેવા માંગતી વ્યક્તી માટે પ્રસ્તુત છે.
  પણ તે અંધશ્રદ્ધા જનક હોય, વહેમોને ઉત્તેજન આપતું હોય તો તે શાસ્ત્ર હાનીકારક છે. તે એક વ્યવસાય જ બની રહે છે. માનવતા અને કરુણા રહીત વ્યવસાય. દુર્ભાગ્યે આમ જ વધારે બન્યું છે અને કોઈ પણ વ્યવસાયના દુર્લક્ષણો તેમાં પણ ઘર ઘાલી બેઠા છે . ( ઈશ્વરમાં શ્રદ્ધા અને સંપ્રદાયોની જેમ ! )
  ———
  આ વીશયની ચર્ચાની બહાર પણ આનુશંગીક એક વાત –
  વ્યક્તીના સ્વભાવનો , અને તેની શક્તીઓ અને મર્યાદાઓનો કસ કાઢી આપવાની પદ્ધતીઓ માનસશાસ્ત્રીય વીજ્ઞાન પાસે મોજુદ છે જ. દુર્ભાગ્યે તેમનો વ્યાપ ખાસ થયો નથી. આ વધારે તર્ક બદ્ધ રીતો છે, અને સાથે તેની પાસે ઈલાજકીય રસ્તાઓ પણ છે. સ્વોટ એનાલીસીસ, પી.એ.સી. એનલીસીસ વી. અનેક પદ્ધતીઓ બહુ જ ખેડાયેલી છે. પણ આપણા સમાજમાં તેમનો વ્યાપ કોર્પોરેટ, શૈક્ષણીક અને તબીબી ક્ષેત્ર પુરતો જ મર્યાદીત રહ્યો છે. આ વીશયોની વીશેશ ચર્ચા થાય અને સમજ કેલાય તેવા પ્રયત્નો થવા ઘટે.

 15. જ્યોતિષની આગાહી સાચી પડતી હોવાના અનુભવ મેં જાતે કર્યા છે. છતાં લખું છું કેઃ

  (૧) જ્યોતિષ ‘શાસ્ત્ર’ ની સત્યતા પૂરવાર કરવાની સામૂહિક જવાબદારી તેમની સંસ્થાની છે. બની શકે તો તેમના આંતરરાષ્ટ્રીય મંડળે નહીં તો રાષ્ટ્રીય મડળે હજારો જાતકોની આગાહી અગાઉથી જાહેર કરી ને પછી તે કેટલી સાચી કે ખોટી પડી તે પણ જાહેર માહિતી ભેગી કરી તેનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરી ને અહેવાલ પ્રગટ કરવો જોઈએ. છૂટા છવાયા પ્રસંગે આગાહી સાચી પડે તેનાથી ફૂલાવાનું યોગ્ય નથી.

  (૨) જ્યોતિષ સાચું હોય કે ખોટું તેનાથી સાચા ઈશ્વરભક્તને કશો ફેર પડવો ન જોઈએ. નાસ્તિક વ્યક્તિ જ નિરાશ થાય કે સફળતાનું અભિમાન કરે. જેને ઈશ્વર પર શ્રધ્ધા હોય તેણે વળી મૂહુર્ત શું જોવાનું હોય?

  (૩) ‘સૂરજ મંગલ સોમ ભૃગોસૂત બુધ અરૂ ગુરૂ વરદાયક તેરો
  રાહુ કેતુકી નાહીં ગમ્યતા ઔર શનિચર હોત ઉચેરો’.

  જાનકીનાથ કાંઈ મુરખ થોડો છે કે આપણે પ્રયત્ન જ ન કરીએ અને બીજી રીતે પણ સુપાત્ર ન બનીએ તો પણ આપણને મદદ કરે?

 16. Hardik Pandya says:

  khub j saras lekh chhe Mrugesh bhai … mara man ni ghani munjvano no aje ukel avyo chhe 🙂 …

  100% truth !

 17. Lata Hirani says:

  ચોક્કસ વિષય પર આટલા ઊઁડા વિચાર અને આટલુઁ ઊઁડુ પૃથક્કરણ- આ તમારી વૃત્તિ માટે મને ખરેખર માન થાય છે. એકદમ વિચારશીલ અને સમજણભર્યો આ લેખ છે. ‘વેબ’વાચકો ઉપરાઁત પ્રિન્ટમિડિયાના વાચકોને પણ આ લેખ વાઁચવા મળવો જોઇએ. કોઇ જાણીતા સામયિકમાઁ જરુર આ લેખ મોકલો, મૃગેશભાઇ…

  જ્યોતિષ વિશે વધારે નથી જાણતી પણ એ એક સાયન્સ છે એ માનુઁ છુઁ. એને સાચુઁ જાણનારા લોકો કરતાઁ ભરમાવનારા વધુ છે એટલે એમાઁ પડ્યા વગર ઇશ્વર જે કરે એ સારુઁ જ કરે એટલી શ્રધ્ધથી જીવુઁ છુઁ. ગૃહપ્રવેશ વગેરેમાઁ મઁગળ કાર્યો કરાવવાથી અઁધશ્રધ્ધળુ નથી થઇ જવાતુઁ.. શ્રધ્ધા જ માનવીનુઁ જીવનબળ અને ચાલકબળ છે.

 18. kulin parikh says:

  ખુબ જ સ્રરસ લેખ.

 19. parshuram chauhan says:

  આપની જ્યોતિષ વિશેની અને સત્ય વિશેની વાત ખરેખર જીવન માં ઉતારવા યોગ્ય છે.

 20. nayan panchal says:

  ખૂબ જ સમતોલ લેખ.

  હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને મને એ કહેવામાં કંઈ શરમ નથી લાગતી કે હું જ્યોતિષશાસ્ત્રમાં માનુ છુ.

  ૫૦૦ વર્ષ પહેલા વિજ્ઞાન માનતુ હતુ કે પૃથ્વી બ્રહ્માંડનુ કેન્દ્ર છે. ૨૦૦ વર્ષ પહેલા ટીવી, મોબાઈલ વગેરે ટાઢી પહોરના ગપ્પા લાગતા હતા. આજે આપણે માનીએ છીએ કે માત્ર પૃથ્વી પર જ જીવન છે. આપણને નથી ખબર કાલે નવી કઈ કઈ શોધ થશે??

  આમ પણ વિજ્ઞાન જે જાણે છે તેના કરતા ઘણુ બધુ એવુ છે કે જે તે નથી જાણતુ, જે તે નથી સમજાવી શકતુ. Refer to Encyclopedia of the Unknown

  જો ખરાબ ડોક્ટરોની જમાત જમા થાય અને તે લોગોને સાજા કરવાને બદલે વધુ માંદા કરી નાખે, તો લોકોનો તબીબો પરથી વિશ્વાસ ઉઠવા માંડે, પરંતુ તબીબશાસ્ત્ર તો એનુ એ જ છે. જ્યોતિષશાસ્ત્ર સાથે પણ આવુ જ કંઇક થઈ રહ્યુ છે.

  નયન

 21. piyush says:

  my always ,eber and most favourite in all i read.. such a great man and great writing ever.

 22. તમે ખુબજ સરસ લેખ

 23. તમે ખુબજ સરસ લેખ લખેલ.

 24. લેખ સરો વચ્હે. વેમ નિકલિ જૈ ચ્હે, અને મહેનત કરવ લગે તો પ્રભુ આપવ બન્ધૈએલ ચ્હે. જૈસદ્ગુરુ.

 25. shaileshkumar Mehta says:

  મ્રુગેશભાઇ
  ખુબ આભાર્
  જ્યોતિષશાસ્ત્રના ચોક્કસ સિધ્ધાન્તોનો જીવનમા ઉપયોગ કરવાથી માર્ગદર્શન મેળવી શકાય છે. જ્યોતિષ એક સાયન્સ જ છે. જ્યોતિષ વિશે એટલુ જ કહેવાનુ કે astrology never rong, may be astrologer

 26. નસિબ સાથે મહેનત કરવિજરુરિ ચ્હે .બનેઈ એક બિજા ના પુરક ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.