- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રીડગુજરાતીના વાચકોને….. – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના સાહિત્ય વિભાગના કુલ વાચકોની સંખ્યા ગઈકાલે 6,00,000 થી વધી તેનો ખૂબ આનંદ અનુભવું છું પરંતુ સાથે સાથે એક દુ:ખ અને આઘાતની વાત પણ મારે આપને જણાવવી છે.

રીડગુજરાતી પર લેખોની સંખ્યા હવે 1500થી આગળ વધતી જાય છે ત્યારે ગુણવત્તાને ટકાવી રાખીને લેખોના ચયનનું કામ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. જ્યારે સાઈટની શરૂઆત થઈ ત્યારે લેખો પસંદ કરીને મૂકવા માટે મારે દિવસનો માત્ર 25% સમય આપવો પડતો અને બાકીનો 75%નો સમય મારા વ્યવસાય તરફ આપીને આ શુભપ્રવૃત્તિ તેમજ રોજગાર – એમ બંનેનું પલ્લુ સમાન કરી શકાતું. પરંતુ અત્યારે પરિસ્થિતિ જુદી છે. હવે સાઈટના તમામ વિભાગો, સુવિધાઓ, લેખોની પસંદગી, પુસ્તકોની શોધખોળ, લેખોનું ટાઈપિંગ વગેરે તમામ કામો મારે એકલા હાથે કરવાના હોઈને દિવસનો લગભગ નેવું ટકા જેટલો સમય રીડગુજરાતીને આપવો પડે છે. આમ કરવાં જતાં ગતવર્ષથી મારે મારા રોજગાર અને વ્યવસાય છોડીને રીડગુજરાતી પર આવકનો આધાર રાખવો પડ્યો છે.

સમાજને ઉત્તમ સાહિત્ય મળે અને મને મારા શોખની ગમતી પ્રવૃત્તિ મળે તે હેતુથી રીડગુજરાતીને જ મારું કેન્દ્રસ્થ કાર્ય બનાવવાનો નિશ્ચય કર્યો ત્યારે મનમાં એક વિચાર હતો કે આ વેબસાઈટને અદ્યતન બનાવીને તેના પર જાહેરખબરો દ્વારા જીવનખર્ચ માટે જરૂરી આવક પ્રાપ્ત કરવી (અને તેમ કરતાં વેબસાઈટનું સંપૂર્ણ વાંચન તમામ લોકો માટે વિનામૂલ્યે જ રહેવું જોઈએ.) જાહેરાત આપનાર વ્યક્તિને ઉત્તમ વળતર મળે તે હેતુથી આપ જોઈ શકો છો કે રીડગુજરાતીના સંપૂર્ણ લે-આઉટમાં ફેરફાર કરવાનું કાર્ય પૂરા બે માસ સુધી ચાલ્યું. તે પછી પ્રત્યેક દિવસના 12 કલાક લેખે પૂરા 22 દિવસની જાહેમત બાદ ‘જાહેરખબર વિભાગ’ ગત સપ્તાહે રીડગુજરાતી પર શરૂ કરવામાં આવ્યો. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે તે શરૂ કરાયા બાદ હજી પાંચ દિવસ સુધી એક પણ જાહેરાત પ્રાપ્ત થઈ શકી નથી. વળી, રીડગુજરાતીને છેલ્લા છ માસથી કોઈ ડોનેશન પ્રાપ્ત થયું નથી. તેથી આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે.

રીડગુજરાતીનો કુલ વાર્ષિક ખર્ચ રૂ. 15,000 છે અને જો ટાઈપિંગનું કાર્ય બહાર કોઈ ટાઈપિસ્ટને આપવામાં આવે તો તે પ્રતિમાસ રૂ. 3,000 સુધી થતું હોય છે. સાઈટના લે-આઉટ અને ડિઝાઈનિંગનો ખર્ચ આશરે 8000 થી 10,000 રૂ. થવા જાય છે તેમજ નવા ‘જાહેરાત વિભાગ’ જેવા વિશિષ્ટ પ્રોગ્રામિંગનો ખર્ચ આશરે 15,000 થી 20,000 રૂ. થતો હોય છે. આર્થિક ક્ષમતાના અભાવે આ તમામ કાર્યો બહાર આપી શકાતા નથી. રીડગુજરાતીનો ખર્ચ પહોંચી વળાય તેથી હું જાતે જ આ તમામ કાર્યોનું કામ શકય એટલી ક્ષમતાથી કરવા પ્રયત્ન કરું છું. આમ કરતાં રીડગુજરાતી ચલાવવા માટે કોઈ રકમ કે ડોનેશનની જરૂર નથી પડતી પરંતુ સંપૂર્ણ સમય તેમાં જવાથી મારું ગુજરાન પૂરું કરવાની કે ઘરખર્ચની રકમ પ્રાપ્ત થઈ શકતી નથી. આ રકમ સરળતાથી મળી શકે તે માટે જ ‘જાહેરાત વિભાગ’ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ ન મળતાં પરિસ્થિતિ થોડી ગંભીર બની છે. હું રીડગુજરાતીના વાચકોને મારા કુટુંબીજનો ગણું છું તેથી જ આજે તેમની પાસે સલાહ લેવા ઈચ્છું છું કે આ પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય ?

ભારતીય ચલણમાં આજે સરેરાશ ઘરખર્ચ ચલાવવા માટે રૂ. 10,000 ની માસિક આવક હોવી આવશ્યક ગણાય છે. કદાચ તેનાથી અડધી રકમ પણ રીડગુજરાતીના જાહેરાત વગેરે વિભાગમાંથી મળી રહેશે તો બાકીની રકમ થોડો નાનોમોટો વ્યવસાય કરીને મેળવી લેવાશે – એવી આશાથી રીડગુજરાતીને મેં મારું સર્વસ્વ આપી દીધું હતું. પરંતુ એ આશા ઠગારી નિવડતા હવે કઈ દિશા તરફ આગળ વધવું તે એક પ્રશ્ન બની રહે છે. સમાજને ઉત્તમ સાહિત્યની આવશ્યકતા છે અને તે સાથે લોકોની વાંચનભૂખને પણ હું સમજું છું પરંતુ સાથે-સાથે મારા કુટુંબીજનોનું પૂરું કરવાનો સ્વધર્મ પણ હું છોડી શકતો નથી. વળી, જરૂરી રકમ મારા અંગતખર્ચ માટે વાપરવાની હોઈ હું તે માટે કોઈપાસે ડોનેશન માંગી શકતો નથી તેમજ જો તે માટે નોકરી કે વ્યવસાયને સમય આપું તો રીડગુજરાતીનું કાર્ય બરાબર થઈ શકતું નથી. તેથી બંને બાજુ પ્રશ્ન વણઉકલ્યો રહે છે. આ દ્વિધામાં કઈ બાજુનો માર્ગ અપનાવવો તે ખ્યાલ આવતો નથી.

રીડગુજરાતીને કોઈ પ્રકારનું ‘માર્કેટિંગ ડિવિઝન’ ન હોવાથી માર્કેટમાં જઈને જાહેરાત મેળવવાનું શક્ય બનતું નથી. વળી, આ ઉત્તમ પ્રકારના સાહિત્યના લાખોની સંખ્યામાં વાંચકો ન હોવાથી સાઈટની ‘હિટસ્’ અંગ્રેજી વેબસાઈટો કરતાં તો ઓછી જ રહે છે અને તે ઓછી ‘હિટસ્’ના કારણે કોઈ જાહેરખબર આપવા તૈયાર થતું નથી. (કદાચ આવી જ પરિસ્થિતિઓ વચ્ચેથી સાહિત્યના ગુજરાતી સામાયિકોને પસાર થવું પડ્યું હશે.) જાહેરાત લખવા, બનાવવા, મૂકવા માટે પણ ટીમની આવશ્યકતા રહે છે. આવકના સ્ત્રોતના અભાવમાં આ બધા જ કામ જાતે કરવા પડે છે તેથી કામનું ભારણ ખૂબ વધી જાય છે. વાચકોને તો કદાચ બે લેખ વાંચવામાં 15 થી 20 મિનિટ સમય લાગતો હશે પરંતુ એ બે લેખો નિયમિત આવે તે માટે તેના પુસ્તકો શોધવા, પરવાનગી લેવી, ટાઈપ કરવા, સાઈટ પર મૂકવા સુધીની મહેનત માટે દિવસના 12 કલાકથી વધુ કામ કરવું પડે છે. વળી, એમાં સાઈટના લે-આઉટ બદલવાનું કે જાહેરાત વિભાગનું નવું કામ આવે તો કામના કલાકો ઓર વધી જાય છે. ઘણા વાચકો મને પૂછે છે કે ‘સમાચાર વિભાગ’ અને ‘પુસ્તક પરિચય વિભાગ’ કેમ અપડેટ કરવામાં નથી આવ્યા ? તેનું મૂખ્ય કારણ આ જ છે.

રીડગુજરાતીના આ નવા જાહેરાત વિભાગની વિશિષ્ટતા એવી છે કે તેમાં માત્ર $1 માં એક દિવસ માટે કોઈ પણ પ્રકારની જાહેરાત કોઈ પણ વ્યક્તિ આપી શકે છે. અખબારોમાં આવતી હોય છે તેવી ટચૂકડી જાહેરખબર કોઈ પણ વ્યક્તિ જાતે બનાવીને પોતાના નક્કી કરેલા સમયે મૂકી શકે છે. ગમે તે દેશનો વ્યક્તિ પોતાના ચલણમાં રકમ ઓનલાઈન ચૂકવી શકે છે. તેથી રીડગુજરાતીની આ સુવિધાનો જો વધુમાં વધુ ઉપયોગ થાય તો રીડગુજરાતીને તેમજ મારા પરિવારને આવકનો સ્ત્રોત મળી રહે. વાચકોને નમ્ર વિનંતી છે કે આપના સંપર્કમાં જો કોઈને આ પ્રકારની જાહેરખબર આપવાની હોય તો રીડગુજરાતીને મદદ કરવા જરૂરથી આ સુવિધામાં સહયોગ કરે.

જાન્યુઆરી-2008 સુધીમાં જો જાહેરાતો ન મળે અને આ સુવિધા ફેઈલ જાય તો તેવા સંજોગોમાં મારે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે કોઈ અન્યત્ર વ્યવસાય શોધવાની જરૂરિયાત રહેશે અને તેવી પરિસ્થિતિમાં કદાચ મારે રોજના બે લેખમાંથી ઘટાડીને એક લેખ મૂકવો પડે તેમ લાગી રહ્યું છે તો વાચકો એ માટે મને ક્ષમા કરશે. ઉંમરમાં તો હું રીડગુજરાતીના વાચકોથી ઘણો નાનો છું તેથી વધુ વિગતે ન કહેતા, હું આશા રાખું છું કે આ સમસ્યા માટે મારા વડીલ વાચકમિત્રોનું મને માર્ગદર્શન મળી રહેશે અને કોઈક રસ્તો જરૂરથી નીકળશે. આવતીકાલથી લેખો રાબેતા મુજબ આપવામાં આવશે.

આપ સૌને વંદન સાથે,

લિ. મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ