અરમાન અને પંખી – નરેન્દ્ર વેગડા

[‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહમાંથી સાભાર.]

[1] અરમાન

જિંદગીના અવસરો મેં એમ ટાળ્યા.
લો બધા શમણાં તમારા તરફ વાળ્યા.

રોજ મારી આંખ ખૂલે’ને નિહાળું,
દુ:ખના કિસ્સા ભલે મેં આજ ખાળ્યા.

યાર સઘળાં વચન તારા પોકળ હતાં,
રાહમાં બાકી વરસ બેકાર ગાળ્યા.

એક ઘટના ભૂલવાનું ક્યાં સરળ છે ?
દર્દ ઘૂંટી શેષ દિવસો એમ ઢાળ્યા.

અટકળોમાં રાચતા એ દોષ કોનો ?
લો, પત્રો સાથે ઘણાં અરમાન બાળ્યા.

[2] પંખી

સ્હેજ અડકી ક્યાંક ઊડી જાય પંખી.
આંખ સામે આમ ઊભી જાય પંખી.

છોડશે માળો ફરીથી સાવ ખાલી,
સ્મૃતિ વરસોવરસ મૂકી જાય પંખી.

પ્રેમની આખી નદીને પાર કરતું,
હૃદય પાસે આવી ડૂબી જાય પંખી.

નજર સહુની ચૂકવીને, લો અચાનક;
આંગણાની ધૂળ ચૂમી જાય પંખી.

ક્યાંક ચકરાવે ચડેલું હોય મન’ને,
દશ્યમાં જીવંત ઘૂમી જાય પંખી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીડગુજરાતીના વાચકોને….. – તંત્રી
ચમત્કારની કિંમત – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

10 પ્રતિભાવો : અરમાન અને પંખી – નરેન્દ્ર વેગડા

 1. નીલા says:

  છોડશે માળો ફરીથી સાવ ખાલી,
  સ્મૃતિ વરસોવરસ મૂકી જાય પંખી.

  સુંદર શબ્દો છે.

 2. ભાવના શુક્લ says:

  કૈક ભુલ્યા ને કૈક ભુલી રહ્યા, છોડવાના નામ પછી જે સ્મૃતિસમ વળગી રહે તેવા દરેક અરમાનો પત્રોની સાથે ક્યા બળી શકે તેવા હોય છે.
  જીવનમા બનતી દરેક ઘટના પંખી સમાન છે. ઉડી ગયા પછી પણ સ્મૃતિ સમ વળગી રહે.
  બહુ મજાના કાવ્યો નરેન્દ્રજીના.

 3. pragnaju says:

  સરસ
  એક ઘટના ભૂલવાનું ક્યાં સરળ છે ?
  દર્દ ઘૂંટી શેષ દિવસો એમ ઢાળ્યા.
  અટકળોમાં રાચતા એ દોષ કોનો ?
  લો, પત્રો સાથે ઘણાં અરમાન બાળ્યા.
  પંક્તીઓ ગમી
  યાદ આવી
  કેવાં કેવા વચન પ્રણયાનંદનાને વ્યથાનાં
  આખાં હૈયા પરબીડિયુ થઈ કાળને સ્થાન કેરા,
  વીંધીને અંતર અહીમ સુધી લાવતા લોક છાનાં
  ઊંના આંસુ તણું લવણને લાસ્ય આનંદપ્રેર્યા
  ******************************
  પ્રેમની આખી નદીને પાર કરતું,
  હૃદય પાસે આવી ડૂબી જાય પંખી.
  પંક્તીઓ ગમી
  યાદ આવ્યું
  પ્રાતઃકાળે કલરવ કરી ઉઠે
  ત્યજી જાય પંખી માળો,
  ખૂલ્લે વ્યોમે ફર ફર ઉડી
  શોધવા જાય દાણો.

  દાણો મળતાં કૂજન મીઠું કરી
  પહોંચી જાય પાછું માળે.
  બચ્ચાં તેનાં ચીખ ચીખ કરી કહે
  જોઇએ દાણો એક મારે.

  વળી મધ્યાન્હે સૂરજ ધખ ધખે
  ચાહે પંખી કયાંક છાંયો,
  તરૂવર ડાળે ગુપચૂપ બની
  કરી લે થોડો વિસામો.

  સંધ્યાકાળે સૂરજ મૃદુથતાં
  ઘૂમે પંખી ચારે કોરે.
  ઘૂમી ઘામી નીજ ઉદર ભરે
  પંખી નમતે પહોરે.

  ડૂબે જયારે રવિ ક્ષિતિજમાં
  પહોંચી જાય પંખી માળે,
  ‘ને ઢાળી માથું નીજ શરીરમાં
  પોઢી જાય પભુને ખોળે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.