ચમત્કારની કિંમત – ડૉ. આઈ. કે. વીજળીવાળા

ટેઝી નામની એ છોકરીની ઉંમર હતી ફકત આઠ વરસ. ન્યૂયોર્કના એક પરગણામાં એ, એનો બે વરસનો ભાઈ એન્ડ્રયુ અને એનાં માતા-પિતા એમ ચાર જણ રહેતાં હતાં. ટેઝીને એન્ડ્ર્યુ ખૂબ જ વહાલો હતો. એમાંય જ્યારથી એ બરાબર ચાલતાં શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલી ગઈ હતી. નિશાળેથી આવ્યા પછી છેક સૂવાની ઘડી સુધી એન્ડ્ર્યુ સાથે એની ધિંગામસ્તી ચાલતી જ હોય. નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથાં ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું. આખો દિવસ ભાઈ-બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું. એન્ડ્ર્યુ માંદો પડી ગયો હતો. મા-બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્ર્યુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી. પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી. ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી.

એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ન આવે તેવી રીતે ચૂપચાપ એ બારણાંની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા ઊભી હતી.
‘તો ? આપણે એન્ડ્ર્યુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ? ખરેખર ?’ એની મમ્મી રડતાં રડતાં બોલી.
‘બીજો કોઈ છૂટકો જ નથી. અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ.’ એના પપ્પાએ નિસાસો નાખ્યો.
‘તો હવે શું થશે ? આપણો એન્ડ્ર્યુ….’ એની મમ્મીનાં આંસુ અટકતાં જ નહોતાં. એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી.
‘બસ, હવે તો એને ફકત ચમત્કાર જ બચાવી શકે.’ એના પપ્પા બોલ્યા પછી માબાપ બંને આંસુ સારતાં બેસી રહ્યાં.

ગમે તે હોય, પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો (પિગીબૅંક) બહાર કાઢ્યો. એમાં એકઠા કરેલ પૈસા એણે પોતાની પથારી પર ઠાલવીને ગણ્યા. બરાબર એક ડૉલર અને તેર સેંટ થયા. (આશરે અડતાળીસ રૂપિયા). બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી. પછી એક હાથમાં કોથળી પકડી હળવેથી એ પાછળના બારણેથી નીકળી ગઈ.

ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો. એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી. કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગૂલ હતો એટલે એણે ટેઝીના આવવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આમેય ટેઝીનું માથું માંડ કાઉન્ટર સુધી પહોંચતું હતું. ખાસ્સી વાર થવા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું. એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી ! એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી. થોડીક ચીડ સાથે એણે કહ્યું : ‘અલી છોકરી, શું જોઈએ છે તારે ? શું કામ આવો ખખડાટ કરી રહી છો ? મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે, એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે !’
‘હું પણ મારા ભાઈની વાત કરવા માગું છું. એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે. મારા પપ્પા કહે છે કે હવે તો એને ચમત્કાર જ બચાવી શકે તેમ છે. એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું.’
‘ફરી વખત બોલ તો બેટા, શું કહ્યું તેં ?’ દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું.
‘મારા નાના ભાઈનું નામ એન્ડ્ર્યુ છે. એને મગજમાં કંઈક બીમારી થઈ છે. અમે એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ. તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફકત ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જુઓ, મારી પાસે મારી બચતના પૈસા છે, એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને ! મને મારો ભાઈ એન્ડ્ર્યુ ખૂબ વહાલો છે. જો ચમત્કાર નહીં મળે તો….’ નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એનાથી થોડી વાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં.

દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ટેઝી તરફ ઝૂકીને બને એટલી નરમાશથી એણે કહ્યું : ‘મને માફ કરજે બેટા ! પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા. સૉરી બેટા !’
‘જુઓ અંકલ ! મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો. હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ. ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય ?’

અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલ દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘દીકરી, ચમત્કારો તો ઘણા પ્રકારના મળે છે. મને ફકત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે ?’
અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી. થોડી વાર રહીને એ બોલી, ‘એ તો મને ખબર નથી અંકલ ! પણ એને કોઈક ઑપરેશનની પણ જરૂર છે. એના મગજમાં કંઈક તકલીફ થઈ છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. બસ, મને એનાથી વધારે કંઈ પણ ખબર નથી. પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફકત ચમત્કાર જ બચાવી શકશે. એટલે મારી પિગીબૅંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા, એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું !’

પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી એણે ટેઝીને કહ્યું : ‘હમ્….મ્…મ્… ! તો એમ વાત છે ? અચ્છા દીકરી, તું અત્યારે કેટલા પૈસા લાવી છો ?’
‘એક ડૉલર અને તેર સેંટ’ ટેઝીએ જવાબ આપ્યો.
‘એક ડૉલર અને તેર સેંટ ?! શું વાત છે !’ પેલા માણસે જાણે કે એ ખુશીથી ઊછળી પડ્યો હોય તેમ કહ્યું. ‘અરે બેટા ! આ તો એકદમ બરાબર રકમ છે. નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડૉલર અને તેર સેંટ જ થાય છે. કેવો યોગાનુયોગ ! હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ. પણ એ પહેલાં ચાલ, તું મને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જા !’

પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો. ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ. એ માણસે ટેઝીનાં મા-બાપ સાથે બધી વાતો કરી. બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્ર્યુનું ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું. એ માટે ટેઝીનાં મમ્મી-પપ્પાને ઘર પણ વેચવું ન પડ્યું. ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ – જાણીતો ન્યુરોસર્જન. ટેઝીની વાતે એને એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડૉલર અને તેર સેંટમાં ચમત્કાર કરી દીધો !

બીજા અઠવાડિયે એન્ડ્ર્યુ ઘરે આવી ગયો. સાવ સાજોસારો. એ દિવસે રાતના ભોજન વેળા બધાં બેઠા હતાં ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતાં એન્ડ્ર્યુને જોઈને એની મમ્મીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એ એટલું જ બોલી શકી, ‘ખરેખર, એન્ડ્ર્યુને ચમત્કારે જ બચાવ્યો છે. નહીંતર ખબર નહીં, એની કેટલી કિંમત ચૂકવવી પડત ?’
‘એક ડૉલર અને તેર સેંટ !’ બાજુમાં બેઠેલી ટેઝી બોલી ઊઠી, ‘નાના ભાઈ માટેના ચમત્કારની કિંમત થાય એક ડૉલર અને તેર સેંટ ! તમને એની ક્યાંથી ખબર હોય ?!’
‘અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને !’ ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા. આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્ર્યુ પહેલાંની માફક જ એકબીજાં સામે જોઈને ખડખડાટ હસતાં હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અરમાન અને પંખી – નરેન્દ્ર વેગડા
વાચકોના વિચારો…. – તંત્રી Next »   

20 પ્રતિભાવો : ચમત્કારની કિંમત – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Mihir shah says:

  Great Piece.

 2. Tarang Hathi says:

  “ચમત્કાર”

  આજ થી લગભગ બાર વર્ષ પહેલા ની વાત છે, મારુ આકાશ એટ્લે કે મારા પિતા સિવિયર બ્રેઇન હેમરેજ ના શિકાર થયા. ડોકટરો ના કહેવા પ્રમાણે માત્ર ૧૬ % બચવા ના ચાન્સ હ્તા. ડોકટરો તો પોતાની રીતે પ્રયાસ કરતા હતા તેમને જોવા આવનાર લોકો મારા પિતા ના ઓશિકા પાસે શિરડી સાઈબાબા ની ભભુતી વગેરે ખુબ આસ્થા સાથે મુકી જતા. આમ લોકો નો ભગવાન પ્રત્યે નો વિશ્વાસ, અમારી માનતા બાધા આખડી ને કારણે આજે મારા પિતા સ્વસ્થ છે.

  આજના વૈજ્ઞાનિક યુગ મા પણ ચમત્કાર શક્ય છે.

 3. bhavi shah says:

  simply superb, excellent vijiliwala saheb, your most of articles are really nice, it touches the heart

 4. urmila says:

  prayers from heart and faith in god does do miracles – Sai baba has proved that many times

 5. chirag says:

  ખુબ સરસ્ .

 6. ભાવના શુક્લ says:

  પુરેપુરો શ્રદ્ધાપુર્વકનો સ્નેહ પણ ચમત્કાર જ છે. સૌ પ્રથમતો આવો બાળ સુલભ નિખાલસ સ્નેહ હૃદયમા ધરી શકવો, ટકાવી પોષી શકવો એ પણ જીવનમા ચમત્કાર છે જે ચમત્કારોની હારમાળ સર્જી શકે છે.
  સંદેશ સાપ્તાહિકમા(વર્લ્ડ ન્યુઝ) ગઈકાલેજ વાચ્યુ કે ૬ માસ (અધુરા માસે) જન્મેલી બાળકી જેનુ હૃદય દસ સેકન્ડે એકવાર ધબકતુ હતુ અને ડોક્ટર્સે કહી દિધુ કે ૨૦ મિનિટથી વધુ નહિ જીવી શકે આ બાળકી ત્યારે માતાએ હાથની મુટ્ઠીથી જરાક જ મોટા દેખાતા એ ટચુકડા જીવને બ્લેન્કૅટ માથી બહાર કાઢી હૃદય સરસુ લગાડ્યુ અને આંખ માથી અશ્રુધારા…… અને ચમત્કાર થયો. બાળકીના ધબકારા થોડીવારમા નોર્મલ થયા અને પછી તો વાર્તાજ બની. ચાર મહીના હોસ્પિટલમા રહ્યા બાદ ૧૦ માસની તદ્દન નોર્મલ બાળકીને તેની જનેતા હસતા હસતા ઘેર લઈ ગઈ. કેવી તાકાત હશે એ અશ્રુઓમા કે જ્યારે તેણે મૃત્યુની સમીપે જઈને બાળકીને પાછી આણી..

 7. Javed says:

  its very very nice and so touchy .. Children are too cute and they do every task with heart. so emotional story. Thanks a lot for the story!

 8. એવુ નથી લાગતું કે અટલ વિશ્વાસ એ ચમત્કારનુ પહેલુ પગલું છે..
  કે પછી કોઇ અગમ્ય ચમત્કાર એ અટલ વિશ્વાસનુ બીજ છે…..
  એક શ્રધ્ધાનો પૂંજ વહેતો થાય તેવી નાની પણ સચોટ વાત
  માટે અભિનંદન….વીજળીવાળા સાહેબ…!!

 9. pragnaju says:

  ડૉ.આઈ.કે.વીજળીવાળાની ઘડાયલી કલમની-કોકવાર જુદા જુદા સ્વરુપે અનુભવાતી-સુંદર વાર્તા..બાકી
  ચમત્કાર હંમેશા આધ્યાત્મિક વિકાસના પરિણામરૂપે જ થાય છે એવું નથી હોતું.તેની પાછળ હાથચાલાકી તથા બીજી નાનીમોટી તંત્રોપાસના અને બીજી વિદ્યાઓ પણ કામ કરતી હોય છે, એટલે એવા ચમત્કારોથી અંજાઈ જવું બરાબર નથી.
  ચમત્કાર કરવાની શક્તિ કોઈ બજારૂ ચીજ કે જાદુના ખેલોની પેઠે વેપાર કે પ્રદર્શન કરવાની વસ્તુ નથી કે તેનો પ્રયોગ જ્યાં-ત્યાં અને જ્યારે-ત્યારે થઈ શકે.જેમનામાં ચમત્કારો કરવાની સાચી શક્તિ હોય છે તેઓ પણ જ્યાં-ત્યાં એનું પ્રદર્શન કર્યા કરતા નથી.એ તો કોઈવાર,બહુ અનિવાર્ય થઈ પડે ત્યારે, સહેજે થઈ જતા હોય છે. સાચી રીતે જોતાં તો આ જગત આખું ચમત્કારરૂપ છે.
  એમાં મોટામાં મોટો ચમત્કાર માનવશરીરનો છે. એ શરીર ધારણ કરી, જે કામ,ક્રોધ,રાગ-દ્વેષ અને પોતાની પ્રકૃતિનાં બીજા મલિન તત્વો સામે લડીને વિજયી બને છે, સંસારના વિષયોની મોહિનીમાંથી મનને પાછું વાળી, ઈશ્વરના સ્વરૂપમાં જોડે છે, મન તથા ઈન્દ્રિયો પર સંયમ સાધે છે અને એ રીતે ઈશ્વરના સાક્ષાત્કારનો સ્વાદ લઈ અજ્ઞાન તેમજ અશાંતિમાંથી મુક્તિ મેળવી ધન્ય બને છે, તેમણે કરેલો ચમત્કાર અમુલખ, અનેરો તથા આશીર્વાદરૂપ છે.
  એ ચમત્કાર જ અનુકરણીય તેમજ ઈચ્છવાજોગ છે.એની પાસે,જીવનના શ્રેય સાધનાના એ મહાન ચમત્કાર પાસે, બહારના કોઈ ગેબી ચમત્કારો કાંઈ જ વિસાતમાં નથી.

 10. rajesh says:

  સરસ્

 11. Maitri Jhaveri says:

  As usual, Dr.Vijliwala’s article r always superb!!!
  This is also very heart touching & emotional story.
  I am big fan of ur articles Doctor Saheb, can u or anyone tell me about any regular column of Dr.Vijaliwala?

 12. prashant oza says:

  saras…laagnisabhar patra ane chitra

 13. Suchita says:

  બહુ સરસ……….

 14. Niraj says:

  સલામ એ ડોકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ ને!!!

 15. Amrish Bhatia says:

  ભગવાન કૂરૂપાળઊ છઍ .

 16. Divyesh Parikh says:

  બહુ સુન્દર વાર્તા.
  આન્ખો મા આન્સુ લાવિ દિધા.

 17. kailasgiri varal says:

  સરસ

 18. Veena Dave, USA says:

  આ સરસ વાત, abc પર રવિવારે સવારે ૯ વાગે જોયેલ ઓસ્ટીન, જે ભગવાન વિષે ખુબ સરસ ભાષણ આપે છે તેણે કહી હતી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.