વાચકોના વિચારો…. – તંત્રી

પરમ દિવસે રીડગુજરાતીના વાચકોને ઉદ્દેશીને લખાયેલા લેખના પ્રતિભાવમાં આપ સૌના મંતવ્યો અને સૂચનો વાંચીને ઘણી માહિતી પ્રાપ્ત થઈ. આ સાથે ઘણા વાચકમિત્રોના ફોન અને એથીયે બમણા ઈ-મેઈલ મળ્યા. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ અને રીડગુજરાતી માટેના આ લગાવ બદલ હું આપ સૌનો ખૂબ આભારી છું.

વાસ્તવમાં મારા તે લેખનો હેતુ વાચકોને માત્ર એટલી નમ્ર વિનંતી કરવાનો હતો કે જો તેઓ કોઈ સંસ્થા, કંપનીના સંપર્કમાં હોય અને તેઓ રીડગુજરાતીના આ નવા જાહેરાત વિભાગને જો જાહેરખબર અપાવી શકે તો ધીમે ધીમે રીડગુજરાતી આર્થિક રીતે સક્ષમ બને અને તેની સાથે જોડાયેલ વ્યક્તિ પણ નિશ્ચિંત બનીને પૂરા ઉત્સાહથી કાર્ય કરી શકે. ડોનેશનની રકમ આર્થિક સહાયતામાં ઉપયોગી જરૂર થઈ શકે છે પરંતુ રીડગુજરાતીનો લાંબાગાળાનો આધાર નથી બની શકતું. તેથી એક નિશ્ચિત સ્ત્રોતની આવશ્યકતા રહે છે જે આર્થિક પાસાને મજબૂત બનાવે અને તે આવક રીડગુજરાતીને જાહેરાત કે પછી લેખોના સંકલિત સ્વરૂપે પ્રકાશિત કરીને પુસ્તક દ્વારા મેળવી શકાય. વળી, ‘માર્કેટિંગ’ કે ‘એડ-એજન્સી’ પાસે જઈને ગુજરાતી સાઈટ માટે જાહેરાત મેળવવાનું કાર્ય ઘણું કપરું બને છે તેમજ તે માટેનો સમય પણ રહેતો ન હોવાથી ‘સેલ્ફ એડવરટાઈઝિંગ’ નામની સુવિધા રીડગુજરાતી પર વિકસાવવામાં આવી છે, જેથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.

મારી દષ્ટિએ રીડગુજરાતીને paid site બનાવવી કે સાઈટ પર લેખો મૂકવાનું ઘટાડી દેવું અથવા અન્ય વ્યવસાય તરફ ધ્યાન આપવું – તે પ્રકારના પગલાં લેવા એ તો સાવ સહેલી વાત છે. પરંતુ વધારે મહત્વનું છે કે આ વિપરિત પરિસ્થિતિઓ સામે શક્ય હોય ત્યાં સુધી એ જ બળથી ટકી રહેવું. વળી, વર્તમાન સમયમાં આ પ્રકારના સાહિત્યને લઈને લોકો સુધી પહોંચવું એ સામા પવને દીવો લઈને ફરવા જેવું અઘરું કામ છે એટલે થોડો સંઘર્ષ તો રહેવાનો જ. આ સંઘર્ષમાં પણ આપણને સ્વસ્થતાથી વિચારતા રાખે છે તે જ આ સાહિત્યનો પ્રભાવ છે. ઈશ્વરની ઈચ્છા હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કોઈ પણ માર્ગ નીકળી આવતો હોય છે. તેથી ચિંતાને કોઈ અવકાશ નથી. જેણે આ કાર્ય કરવા માટે પ્રેરણા આપી હોય, તે કાર્યને નિભાવવાની જવાબદારી તેની હોય છે. તેથી રીડગુજરાતી પર બે લેખો મૂકવાનું કાર્ય ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી ચાલુ જ રહેશે.

વળી, રીડગુજરાતી તાત્કાલિક કોઈ ભયંકર આર્થિક વિડંબણામાં આવી ગયું હોય એવું કાંઈ નથી. આ વાતચીતનો ઉદ્દેશ વાચકોને રીડગુજરાતીની આર્થિક સ્થિતિથી વાકેફ કરવાનો અને વાચકમિત્રો તરીકે તેમની પાસેથી સાઈટને વધુ સક્ષમ બનાવવાના ઉપાયો માટેની માહિતી પ્રાપ્ત કરવાનો છે. રીડગુજરાતી દેશ-વિદેશમાં હજારો વાચકો વાંચે છે. સૌના પોતપોતાના જુદા જુદા મંતવ્યો હોય છે. ગત બે દિવસમાં રીડગુજરાતીને જે મંતવ્યો પ્રાપ્ત થયા છે તે રીડગુજરાતી માટે, અન્ય ગુજરાતી વેબસાઈટ માટે, ગુજરાતી સામાયિકો માટે તેમજ આવનારા ગુજરાતી કોઈ પણ પ્રકારના પ્રકાશનો માટે ઉપયોગી થઈ શકે તેવાં છે. તેથી જુદા જુદા વાચકોનાં તે મંતવ્યોમાંથી ચૂંટેલા કેટલાક મુદ્દાઓ આપની સાથે વહેંચવાનો પ્રયાસ કરું છું. વિવિધ આશ્ચર્યજનક મુદ્દાઓ નીચે મુજબ છે :

[1] વિશ્વમાં વસતા અનેક લોકો, તેમાં માત્ર ગુજરાતીઓ, તેમાં ઈન્ટરનેટ જાણનારા ગુજરાતીઓ અને વળી તેમાંય સાહિત્યના શોખીન ઈન્ટરનેટ જાણનારા ગુજરાતીઓ અને એથીયે વધુ વિચારીએ તો પોતાના આ શોખ માટે જેમની પાસે રોજેરોજ વાંચનનો સમય મળતો હોય તેવા અને તેમાંય વળી મનોરંજન સિવાયનું ઉચ્ચ પ્રકારનું સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતો વર્ગ પ્રમાણમાં ખૂબ ઓછો હોય તેથી રીડગુજરાતીના વાચકોની સંખ્યા મર્યાદિત રહે તે સ્વાભાવિક છે અને તેથી જાહેરાત મેળવવી તે પ્રમાણમાં અઘરી બાબત છે.

[2] ગુજરાતી ભાષા માટે જેટલી વેબસાઈટો ખૂલે, સંગઠનો રચાય, અધિવેશનો થાય, ગ્રુપો બને, ચર્ચાઓ થાય તે એક સારી વસ્તુ છે. તે ભાષાને ટકાવી રાખે છે, પરંતુ ભાષા માત્ર ટકે એટલું જરૂરી નથી, ભાષાનો સતત વિકાસ થવો જોઈએ. અને તે વિકાસ તો જ શક્ય છે જો યુવાની તેમાં આગળ આવે. યુવાનો જે ક્ષેત્ર છોડીને જતા રહે છે તે ક્ષેત્ર મંદ પડતું જાય છે. જેવી રીતે વૃક્ષને પુષ્ટ કરવા માટે મૂળમાં પાણી રેડવું જોઈએ, તેના પાંદડાઓ ઉપર નહીં; તેવી જ રીતે ભાષાને પુષ્ટ કરવા માટે નાના બાળકોમાં ગુજરાતી વાંચનની ભૂખ ઊભી કરવી જોઈએ અને તેઓને ગુજરાતી માધ્યમમાં મૂકવા જોઈએ અથવા અંગ્રેજી માધ્યમ હોય તો પણ તેમને ગુજરાતી વાંચવાની ટેવ પાડવી જોઈએ. એક બાજુ બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવામાં આવે તેથી આવનારા 10-15 વર્ષ પછી આપણે કરોડો ગુજરાતી વાચકો ગુમાવીએ, અને બીજી બાજુ ભાષાના પ્રચારને નામે હજારો સંગઠનો બને….તો એનો કોઈ અર્થ નથી. એ સંગઠનો સંગઠનો જ રહે છે અને જેમ કાણી ડોલમાં પાણી રેડવાથી કંઈ થતું નથી તેમ લાંબાગાળે ભાષાને પુષ્ટિ મળતી નથી, માત્ર સંગઠનોની જ ‘વાહ-વાહ’ થાય છે. વાંચનવર્ગ માત્ર વાંચનભૂખ વધારીને જ કરી શકાય છે.

[3] ભણેલો ઘણો વર્ગ એવો છે જે ગુજરાતીમાં વાત કરવામાં નાનમ અનુભવે છે. ગુજરાતી પુસ્તકોનું વાંચન થતું નથી. ગુજરાતી પુસ્તકો ખરીદનારા પણ પ્રમાણમાં જૂજ હોય છે. લોકો રૂ. 100ની મલ્ટીપેક્ષની ટિકિટ જેટલી સહજતાથી ખરીદે છે એટલી સહજતાથી 100 રૂનું પુસ્તક ખરીદતા નથી. વાંચવાનો સમય કોને છે ? ઘણી વાર પુસ્તકો વેચાય તો પણ વંચાતા નથી. લોકો રીંગટોન્સ ડાઉનલોડ કરવા માટે પૈસા ખર્ચશે પરંતુ પુસ્તક માટે…. ?

[4] વર્તમાન સમયમાં મોટે ભાગે માતા-પિતા બંને નોકરી કરતા હોય છે. જોબ-અવર્સ મોટે ભાગે હવે 10 થી 12 કલાક થઈ ગયા છે. તેથી મોડી સાંજે થાકીને ઘરે આવનાર વ્યક્તિ પોતાનું મન હળવું કરવા ટી.વી. ફિલ્મ કે અન્ય મનોરંજનના સાધનો તરફ આસાનીથી ઢળી પડે છે. તેને કારણે પ્રત્યેક ઘરોમાં વાંચન ઓછું થતું જાય છે. માતા-પિતા બંને આ ઘરેડમાં જીવતા હોય માટે સંતાનોમાં આપોઆપ વાંચનનો શોખ કેળવાતો નથી. શનિ-રવિ લોકો ધરકામમાં વ્યસ્ત બને છે. તેથી સરવાળે વાંચન સતત ઘટતું જાય છે અને કદાચ એની અસરો જ આ પ્રકારની વેબસાઈટો અને ગુજરાતી સામાયિકોને થતી જોવા મળે છે.

[5] પહેલાના સમયમાં કલાના તમામ ક્ષેત્રોમાં કાર્યો કરતા કલાકારોને રાજાઓ તરફથી નિશ્ચિત વર્ષાસન બાંધી આપવામાં આવતું. જેથી તેઓને કોઈની પાસે માંગવા જવાની જરૂરિયાત ન રહે. તેઓ ઘરખર્ચની કોઈ પણ ચિંતા કર્યા વગર પોતાનો સંપૂર્ણ સમય કલાની સેવામાં ગાળી શકે અને તેમ થવાથી સમાજને અને દેશને ઉત્તમ તેજસ્વી અને ઓજસ્વી કલાકારો પ્રાપ્ત થતા જેના નામ લેતાં પણ આપણે આજે પણ ગર્વ અનુભવીએ. અત્યારે કલાકારો તો જ આવક પ્રાપ્ત કરી શકે છે જો તેને પોતાની કલાનું માર્કેટિંગ કરતાં આવડતું હોય. બધી જ કલા નહોય તો ચાલે પરંતુ માર્કેટિંગની કલા હોવી અતિઆવશ્યક ગણાય છે ! સર્વ ગુણો ધનમાં સમાયા છે ! તે કેળવીને જ જાહેરાતો વગેરે લઈ શકાય અને આર્થિક સમસ્યાનું નિરાકરણ આવી શકે. તેના વગર તમામ ગુજરાતી સામાયિકો અને વેબસાઈટો ક્યારેક ને ક્યારેક તો ‘ઓક્સિજન’ પર આવી જાય તેવો ભય રહેલો છે.

[6] સાહિત્ય તો જ સમૃદ્ધ બને છે જો નવા નવા લેખકો તેમાં ઉમેરાતાં જાય. કારણકે દરેક લેખકની શૈલી, દષ્ટિકોણ જુદા જુદા હોય છે. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ લેખકો છે તે મંજૂર, પરંતુ તે સાથે નવા લેખકો સતત વધતા જતા હોય એવું અનુભવાતુ નથી. આંગણીના વેઢે ગણાય એવા પચીસ-ત્રીસ લેખકોના લેખો વર્ષોથી અખબારોમાં ચાલ્યા જ કરે છે. નવોદિતોને કોઈ પ્લેટફોર્મ મળતું નથી. વળી, નવોદિતોને એક લેખની નજીવી રકમ આપવામાં આવતી હોય તો તે સંજોગોમાં કોઈ વ્યક્તિ લેખક બની ને તો ગુજરાન ન જ ચલાવી શકે. આ કારણથી યુવાનો તેમાં રસ લેતા નથી. સાહિત્ય માત્ર નવરાશ સમયનો શોખ બની રહે છે. જેઓ લખે છે તેઓ પણ આવક માટે તો પોતાના વ્યવસાયનો જ આધાર લેતા હોય છે માટે એકલા સાહિત્યથી કોઈ જીવનમાં સફળ નીવડ્યું હોય એવા દાખલા વર્તમાન સમયમાં નોંધાયા નથી. પ્રકાશકો પ્રતિષ્ઠિત લેખક સિવાય નવોદિતના પુસ્તકને બહાર પાડવામાં સો વખત વિચાર કરે છે. ગુજરાતી પુસ્તકો વેચતી કોઈ દુકાન પર કોઈ પુસ્તક લેવા માટે ટોળાં વળ્યા હોય એવું જોવા નથી મળતું. જ્યારે ‘હેરી પોર્ટર’ નું નવું પુસ્તક આવે ત્યારે ગુજરાતમાં જ દુકાનો પાસે એક કિ.મી લાંબી લાઈનો લાગે છે !
********

વાચકમિત્રો, આમ જુદા જુદા નિયમિત વાચકોએ પોતપોતાની જાણકારી પ્રમાણે ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતી અનેક વાતો અને વ્યથાઓ પોતાના પત્રોમાં રીડગુજરાતીને વર્ણવી છે. માત્ર એટલું જ નહિ, તેની સામે જે શુભ પ્રયત્નો થયા છે તેની પણ લોકોએ નોંધ લીધી જ છે પરંતુ આ મંતવ્યો અહીં એટલા માટે આપવામાં આવ્યા છે જેથી ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં કાર્ય કરનાર વ્યક્તિને સમગ્ર પરિસ્થિતિનો એક ચિતાર મળી શકે.

ટૂંકમાં, આપણે સૌ રોજેરોજ સાહિત્ય વાંચતા હોઈએ તો એ સાહિત્યના ક્ષેત્રમાં વર્તમાન સમસ્યાઓ શું છે ?, સર્જકોની શું પરિસ્થિતિ છે, સંચાલકોની મન:સ્થિતિ શું છે, વાચકોના વિચારો શું છે – તે સમગ્ર વાતોથી લોકોએ વાકેફ રહેવું જોઈએ જેથી તેને લગતી સમસ્યાઓ વિશે યોગ્ય દિશામાં વિચારવાની શરૂઆત કરી શકાય. કદાચ આ સંઘર્ષ અને આ પ્રશ્નો કોઈ એક સાઈટના નહીં પરંતુ અન્ય વેબસાઈટના તેમજ અનેક ગુજરાતી સામાયિકોના પણ હોઈ શકે છે. અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચમત્કારની કિંમત – ડૉ. આઈ. કે. વીજળીવાળા
મન એક નદી જેવું છે – સુધીર દેસાઈ Next »   

14 પ્રતિભાવો : વાચકોના વિચારો…. – તંત્રી

 1. Lata Hirani says:

  આપની વાત સાથે સઁપૂર્ણ સહમત છુઁ. પણ જેમ બીજા વ્યવસાય તેમ આમાઁ પણ ધાર્યુઁ કામ સાધતાઁ વાર લાગે. ધીરજ રાખવી પડે.આ નવી સ્કીમને મુકાયા થોડો સમય થયો છે.

  નવુઁ લૅ આઉટ ખૂબ જ સુઁદર છે. બેકગ્રાઉઁડમાઁ પુસ્તકો અને આખી નવી
  રચના આકર્ષ છે. અભિનઁદન… લેખોનુઁ ચયન તો ઉત્તમ હોય છે. તમારી મહેનત અને ધગશ કાબિલે દાદ છે….

  લતા હિરાણી

 2. Mohita says:

  મ્રુગેશ ભાઈ,
  તમારી મહેનત અને ઝીંદાદીલી ને દાદ દેવી પડે….રીડ ગુજરાતી ને યોગ્ય પ્રમાણ મા જાહેરાતો મળતી રહે એ માટે બેસ્ટ લક..

 3. mayuri_patel79 says:

  ભાઈ,”રિડ ગુજરાતિ” સરુકરવાનુ સાહસ તમે ક્ર્રયુ તમને સફલતા મલે તે માટૅ અમે સહ કાર આપિ સૂ અમે પુર તા પ્રયત્ન કરિ સુ,તમારિ વાત સાચિ ગુજરતિ વાચન આજ ના યુવાનો વાચતા ન થિ .તે મટે સરકાર પન જવાબ દાર અને માતા પિતા પણ્ આ પ ણિ કમ નસિબિ ‘…..

 4. arvind sudani says:

  very good .good luck

 5. કલ્પેશ says:

  ૧) આપણા લોકો વાંચનભૂખ્યા નથી.
  ૨) વિદેશોમા રહેતા વાચકોને કેટલા પુસ્ત્કો લાયબ્રેરી મારફતે વાંચવા મળે છે એ વિદેશમા રહેતા વાચકો જણાવી શકે.
  ૩) વિદેશમા રહેતા લોકો પુસ્તકો પાછળ કેટલો ખર્ચ કરે છે એ સરખામણી કરવા જેવી ખરી. એમા પણ આપણે ભારતના લોકો કેટલો ખર્ચ કરીએ છીએ એ પણ જોઇએ.
  ૪) આપણી લઘુતાગ્રંથિ. જાપાન/જર્મનીના પ્રધાન એમની ભાષામા ભાષણ કરે અને બે ગુજરાતી અંગ્રેજીમા વાત કરે. સિંગાપૉરમા માતૃભાષામા શિક્ષણ ફરજિયાત.

  લોકોની ટીકા કરવાનો મારો ઇરાદો નથી. પણ આપણુ માનસ હજી ગુલામ છે.

 6. કલ્પેશભાઇ આપના મુદ્દાઓ મને ગમ્યા. ખાસ કરીને (૪)
  હું કેનેડાનો રહેવાસી છુ અને અહી હું આપણા ગુજરતીઓને અંગ્રજીમાં જ વાત કરતા જોઉ છુ ત્યારે હ્રદયમાં ખુબ જ પીડા થાય છે.
  ૧) હુંએ જ્યારે સંસોધન કરવાનું ચાલુ કર્યુ તો ખબર પડી કે આપણા માતા-પિતા અહી ડોલર કમાવવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ બાળકો પર પુરતુ ધ્યાન આપતા જ નથી.
  ૨) જ્યારે હું સમાચાર જોઉ છુ ત્યારે જોઉ છુ કે આપણા નેતાઓ તથા અન્ય કર્મચારીઓ પણ આપણી ભાષા છોડીને અંગ્રજીમાં બોલે છે.

  આ તો થઇ ૧-૨ વાતો આવા તો ગણા બધા તત્વ છે કે જેથી આપણી માતૃભાષાને ખુબ જ નુકશાન થઇ રહ્યું છે.
  — વૈભવ રાણા

 7. કલ્પેશ says:

  મોડાવહેલા લોકોને આ વાત સમજાશે અને લોકો પોતાની ભૂલ સુધારશે.

  “આપણા માતા-પિતા અહી ડોલર કમાવવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ બાળકો પર પુરતુ ધ્યાન આપતા જ નથી.”
  – આજના સમયનો આ સૌથી મોટો વિરોધાભાસ છે. પૈસા આપણા અને બાળકોના ભવિષ્ય માટે અને આપણે એ ધ્યાન આપતા નથી કે ભવિષ્યનો પાયો વર્તમાનમા હોય છે.

  “હું સમાચાર જોઉ છુ ત્યારે જોઉ છુ કે આપણા નેતાઓ તથા અન્ય કર્મચારીઓ પણ આપણી ભાષા છોડીને અંગ્રજીમાં બોલે છે.”
  – આપણી સરકાર ઉધોગપતિઓ માટે કામ કરે છે અને આપણા કામકાજની પદ્ધતિ/કાયદા પશ્ચિમના રીતભાતનુ અનુકરણ છે.

  એક નાનુ ઉદાહરણ – વિદેશમા આપણે રહીએ તો ત્યાના કાયદા, સ્વ્ચ્છતા માટે આપણને માન છે. પણ, ત્યા આ બધુ હોવાનુ કારણ ત્યા રહેતા લોકો જવાબદારી ઉપાડે છે.

  આપણે બીજા પર દોષ નાખતા પહેલા આપણા અંદર ડોકિયુ કરવુ રહ્યુ.

 8. કલ્પેશ says:

  અર્ધી સદીની વાંચનયાત્રામા એક વાર્તા છે. જેનો સાર એટલો છે
  મંદિર/મસ્જિદ બનાવવા કરતા શૌચાલયોની જરુર છે. મંદિરમા મુસલમાન ન આવે, મસ્જિદમા બીજા લોકો ન જાય. શૌચાલયોમા કોઈ ધર્મભેદ નથી.

  એ જ રીતે આજે પુસ્તકાલયોની પરબ બાંધવી જરુરી છે.

 9. વિનય ખત્રી says:

  અભિનંદન! રીડ ગુજરાતી પર સૌપ્રથમ જાહેરાત માટે આપને અને નવકાર ઇન્ફોટેકને…

 10. સુરેશ જાની says:

  એકદમ સાચી વાત. માટે જ આપણે આ કાર્યને પવીત્ર ગણી વીના મુલ્યે, ગુજરાતી ભાશાનો વ્યાપ વધે તે માટે, નીસ્વાર્થ ભાવે પ્રયત્નો કરવા જોઇએ. 100થી ઉપરાંત બ્લોગરો પણ આ કામ કોઈ અપેક્ષા વગર કરી રહ્યા જ છે.

  મૃગેશભાઈને વીનંતી દોહરાવું છું કે બ્લોગરો જે સર્જન કરે છે; તેમાંથી ઉત્તમ અને પ્રેરણાદાયી સર્જનો વીના સંકોચે રીડ ગુજરાતી પર લઈ શકે છે. આનાથી તમારો મહેનત બોજો જરુર હળવો થશે.

  આર્થીક સદ્ધરતા માટે તો તમારે સ્વપ્રયત્નો જ કરવા ઘટે. એમાં જ તમારું અને રીડગુજરાતીનું ગૌરવ છે.

 11. Mohit Parikh says:

  I agree to Mr. Kalpesh on many points. the most important is people’s desire to read. I see many people reading a book while standing in the train, heaps of books are borrowed and read in the libraray, plenty of book shops which are visited by numerous people everyday. this is the scenario in a western country. i am not so concerned about the language as i am with the reading habits of people of our country.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.