મન એક નદી જેવું છે – સુધીર દેસાઈ

આપણામાંથી ઘણા લોકો એવા છે જે એમ કહે છે, ‘મારાથી આમ ના થાય અને તેમ ના થાય’ – આ આમ ના થાય એમને કોણ કહે છે ? અને ખરેખર એ લોકો એમ નથી કરતા. એમનું મન એમને નથી વર્તવા દેતું. આ મનમાં ગજબની શક્તિ છે. એનો જો તમે સદઉપયોગ કરો તો તમે શક્તિશાળી બની જાઓ. આ મન કેવી રીતે વર્તે છે એનો દાખલો હમણાં જ મારા દીકરા ચિ. સંસ્કારે કહ્યો. એ એક બાળનાટકનું દિગદર્શન કરી રહ્યો હતો. અગાસીમાં બધા બાળકો ભેગાં થયાં હતાં.

સંસ્કારે જે બાળકો નાટકમાં ભાગ લઈ રહ્યાં હતાં એમને અગાશીના એક ભાગને આંગળી કરીને બતાવતાં કહ્યું, ‘આ આટલું આપણું સ્ટેજ છે. આપણે આ હદની બહાર નથી જવાનું. આ બાજુએથી સ્ટેજ ઉપર આવવાનું.’ નાટકનું રિહર્સલ ચાલુ થઈ ગયું. થોડીવાર થઈ હશે અને એક છોકરો જે નાટકમાં ભાગ લેતો ન હતો એ પેલી કાલ્પનિક રેખાની અંદર આવીને ઊભો રહ્યો. જેવો એ છોકરો એ સ્ટેજની કાલ્પનિક રેખાની અંદર આવ્યો કે નાટકમાં કામ કરતા બાળકોએ એને સ્ટેજની બહાર જવા કહ્યું. પેલા છોકરાને કંઈ સમજ પડે નહીં. એને થાય કે અહીં સ્ટેજ તો છે નહીં અને આ લોકો મને શેની બહાર જવા કહે છે ?

કેટલાક બાળકો એને સ્ટેજની કાલ્પનિક રેખા સમજાવવા લાગ્યા અને આમ એ બાળકને સ્ટેજની કાલ્પનિક રેખાની બહાર રાખ્યો. સ્ટેજ ઉપર કામ કરતી વખતે જો કોઈ ભૂલથી એ રેખા પાર કરી જાય તો પણ બધા બાળકો બૂમો પાડી ઊઠતા. એ લોકોના મને એ વાતને પકડી લીધી હતી કે અગાશીનો આટલો ભાગ એ સ્ટેજ છે. હવે જો નાટકમાં કામ કરતો છોકરો એ કાલ્પનિક રેખાને માન્ય ન રાખે અને અગાશીને બીજે ખૂણે જઈને પોતાના સંવાદ જો બોલવા લાગે તો ? તો નાટક ન થાય. નાટકની શક્તિ વેડફાઈ જાય, અને જે અસર ઉપજાવવી છે એ અસર ઉપજી ન શકે.

આ બંધનો જરૂરી છે. એ જ પ્રમાણે નાટકનો જે સંવાદ બોલવાનો છે એ સંવાદ સિવાયના બીજા શબ્દો કે વાક્યો જો કોઈ નટ બોલવા માંડે તો ? તો નાટક ન થાય. નાટક દ્વારા એક શક્તિનું નિર્માણ થાય છે. એ શક્તિના પ્રભાવથી પ્રેક્ષકો રસ પામે છે, બોધ પામે છે. જે વ્યક્તિ નાટકનું બંધન ન સ્વીકારે એ નાટક કરી પણ ન શકે અને જોઈ પણ ન શકે. પ્રેક્ષકો પણ જો સ્ટેજ ઉપર ફરવા માંડે તો ? તો એ પ્રેક્ષકો પણ કંઈ ન પામી શકે. એક જગ્યાએ બેસીને શાંતિથી નાટક જો પ્રેક્ષક જુએ તો જ એ પ્રેક્ષક નાટકને પામી શકે. આમ પ્રેક્ષકે પણ નાટકનું બંધન સ્વીકારવું જરૂરી છે. એનાથી જે શક્તિ ઉત્પન્ન થાય છે એ શક્તિ જ આનંદ આપે છે, બોધ આપે છે.

આચાર્ય રજનીશ વારંવાર એમનાં પુસ્તકોમાં કહે છે કે તમારામાંથી સતત ઊર્જા બહાર જતી રહે છે, એને રોકો. જો તમે એક સ્થળે બેસી રહેશો તો તમારામાં શક્તિ વધી જશે. આંખો બંધ કરશો તો આંખ દ્વારા બહાર ચાલી જતી ઊર્જાને તમે તમારામાં વધારી શકશો અને પરિણામે તમે તમારી આગળ ચાલતા માનવીની બોચી ઉપર દષ્ટિ કેન્દ્રિત કરીને મનમાં જ કહેશો કે પાછળ ફરીને મારી સામે જો તો તે તરત તમારી સામે પાછળ ફરીને જોશે. ભલે તમે મોં ખોલીને એક શબ્દ પણ ન બોલ્યા હો. તમે જે લાંબો સમય આંખો બંધ રાખવાની ટેવ પાડી એને પરિણામે આ શક્તિ ઉત્પન્ન થઈ. આમ અનેક માર્ગો દ્વારા વહી જતી શક્તિને આપણે રોકવાની છે. એ રોકવા માટે આપણા મન ઉપર કાબુ મેળવવાનો છે.

આ મન માંકડા જેવું છે. એ સતત કંઈ ને કંઈ કર્યા કરતું હોય છે પણ એ કંઈ ને કંઈ કરે એને માટે જેટલો વાંધો છે એના કરતાં એ આપણને ઉંઘે રસ્તે લઈ જાય છે એને માટે આપણને વધારે વાંધો હોય છે. આપણે જો નક્કી કરીએ કે આજે સાંજે અરધો કલાક ચાલવું છે, તો મન નહીં ચાલવા માટેનાં બહાનાં શોધવા પાછળ તરત પડી જાય છે. અને આપણે એ અરધો કલાક ન ચાલીએ એને માટે સતત આપણું મન પ્રયત્ન કરતું હોય છે. આપણે જ લીધેલા નિર્ણયને તોડીને આપણે એક આસુરી આનંદ માણીએ છીએ. થોડા સમય પછી આપણને દુ:ખ થાય છે કે આપણે શા માટે બહાનું કાઢીને અરધો કલાક ચાલવાનું ટાળ્યું ? આમ આપણે આપણી જાતને જ શક્તિહીન બનાવીએ છીએ. કોઈ આપણને બનાવે શક્તિહીન એ બીજી વાત છે પણ આપણે જ આપણા દુશ્મન બનીએ છીએ, એ એક બહુ મોટી વાત છે, અને એટલે જ સામાન્ય માનવી અસામાન્ય માનવી મહામાનવ નથી બનતો. નાની નાની બાબતમાં આપણે નિર્ણયો ફેરવ્યા કરીએ છીએ, એટલું જો આપણે સંભાળી લઈએ અને એકવાર નક્કી કર્યા પછી વારે ઘડીએ નિર્ણય, કોઈ અતિશય મહત્વના કારણ વગર ન બદલીએ તો કુદરતી રીતે આપણામાં એક શક્તિનું નિર્માણ થશે. આપણી આજુબાજુના લોકોને આપણા બોલવામાં આપણા વર્તનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થશે અને એમ આપણી બહાર પણ એક શક્તિનું નિર્માણ થશે. આમ એક વર્ગ એવો ઊભો થશે જેના ઉપર બીજા લોકો વિશ્વાસ મૂકતા થઈ જશે. આમ જ એક વિશાળ અને શક્તિશાળી રાષ્ટ્રનો જન્મ થાય છે.

અંગ્રેજીમાં એક વાક્યપ્રયોગ છે “This is simply could not be done” – આમ કદી થઈ શકે જ નહીં. એવી છાપ આપણે જો ઊભી કરીએ શકીએ તો ? છાપ બે જાતની હોય છે, એકમાં લોકો કહે છે એના ઉપર વિશ્વાસ મુકાય જ નહીં. અને બીજી છાપ એવી હોય છે, ‘આને તમે કંઈ પણ સોંપોં, કોઈ પણ ચિંતા પછી આપણે કરવાની નહીં.’ આપણી આજુબાજુ શોધશો તો એવા કેટલાક મનુષ્યો મળશે જેને તમે કોઈપણ કામ સોંપોં તો એ કામ થાય જ. શું એ લોકોને મન નહીં થતું હોય એ કામ નહીં કરવાનું કે અધવચ્ચે છોડી દેવાનું ? પણ એ લોકોએ એમના મનને કહ્યું છે, ‘એકવાર નક્કી કર્યા પછી એ કામ ન કરીએ એવું કદી થાય જ નહીં, એ પ્રમાણે વર્તવું એ અસંસ્કારી વૃત્તિ છે.’ અને બસ એમનું મન એ વાત સ્વીકારી લે છે. પછી એ નિયમ મન ક્યારેય તોડતું નથી. આપણે જો આપણા મનને કહીએ કે જો બનશે તો કરીશું તો પછી મન પણ ઢીલો દોર છોડી દેશે. અને પરવા નહીં કરે. અને એક બે વખત તમે ખોટા પડ્યા પછી તમારા મનને જુઠા પડવા માટે શોક નહીં થાય. વસવસો નહીં થાય.

મારા કાકાના દીકરા મુ. અરવિંદભાઈ દેસાઈએ એક સરસ વાત કરી હતી. એ કહેતા હતા : ‘આપણે સરસ ધોળા ઉજળા કપડાં પહેરીને ફરતા હોઈએ છીએ ત્યારે આપણા કપડાંની ઘણી કાળજી લેતા હોઈએ છીએ કે એના ઉપર કોઈ ડાઘ ન પડે. એકવાર જ્યારે પહેલો ડાઘ પડે છે ત્યારે આપણું મન બહુ વ્યથિત થઈ જાય છે. બીજીવાર કાળજી રાખવાનું આપણે નક્કી કરીએ છીએ. પણ અંદરથી આપણું જ મન આપણને કહે છે એક ડાઘ તો પડી ગયો. બીજો પડે તો ય શું ? અને એમ મન નબળું પડતું જાય છે. અને એમ એક દિવસ બધાં જ કપડાં ગંદા થઈ જાય છે. પછી ગમે તેટલો કચરો આપણાં કપડાં ઉપર પડે આપણને એકવાર કપડાં ગંદા થયા પછી સહેજે અરેરાટી થતી નથી.’ આજ વાત છે મન માટેની. ધીમેધીમે મનને સારી બાજુ વાળતા જવાનું છે. અનેક નિયમો એવા છે જે કદી તોડાય જ નહીં. એવું કહે છે પરદેશમાં પેપરવાળાના સ્ટોલ ઉપર કોઈ બેઠું હોતું નથી. તમારે જો કોઈ પેપર જોઈતું હોય તો એની કિંમતના પૈસા ત્યાં મૂકેલા વાસણમાં મૂકી પેપર લઈ લેવાનું. સાંજે જ્યારે પેપરવાળો આવે ત્યારે પૈસા અને પેપર હિસાબ પ્રમાણે જ હોય. એક પણ પૈસો ઓછો ન હોય.

એ જ પ્રમાણે ત્યાં જો કોઈ પેપરવાળો બે કલાક એનો સ્ટોલ છોડી જમવા જાય તો પાછો આવે ત્યારે ત્યાંથી બધું ઉપડી ગયું હોય. શક્ય છે આપણે ત્યાં એવા ઘણા માણસો છે જેમની પાસે એક ટંક ખાવાના પૈસા નથી. આપણે એમની વાત છોડી દઈએ આપણે આપણી જ વાત કરીએ. ટિકિટ વગર બસમાં મુસાફરી ન કરાય. પણ જે દિવસે કંડકટર તમારી પાસેથી ટિકિટના પૈસા લેવાનું ભૂલી જાય છે ત્યારે તમને આનંદ નથી થતો ? શું તમારી પાસે એક બે રૂપિયા જેટલા પૈસા નથી ? એક બે રૂપિયા બચાવવાથી તમારી મિલ્કતમાં બહુ મોટો તફાવત પડી જવાનો છે ? એવું નથી. આપણી પાસે એટલા પૈસા છે જ અને આપવાની દાનત પણ છે. પણ જો એ બસની ટિકિટના પૈસા બચી જાય છે તો આનંદ પણ થાય છે. પણ આપણે તે વખતે એ ભૂલી જઈએ છીએ કે એ આસુરી આનંદ છે. આજે નાનકડો નિયમ તોડવાથી આનંદ આવે છે. કાલે આપણું મન આપણને મોટો નિયમ તોડવા ખેંચી જશે. આપણે ભલે આપણી જાતને સમજાવીએ કે એવા મોટા નિયમો તોડનાર હું નથી પણ એ સાચા અર્થમાં બનાવટ છે.

એક ડાઘો કપડા ઉપર પડે છે પછી એ ડાઘાઓ વધતા જ જાય છે. આપણે કાળજી નથી જ રાખતા પણ જો ખરેખર આપણે સજાગ થઈ જઈએ તો ? તો આપણે અસુર બનતા અટકી જઈએ અને સુર બની જઈએ. દેવ જ નિયમ પાળે દાનવો નિયમ નથી પાળતા. નિયમ પાળીએ તો જ આપણે ઉત્તમ નાટક રજુ કરી શકીએ કે જોઈ શકીએ. ઘોંઘાટ કરવાથી કે ગમે ત્યાં ગમે ત્યારે ચાલવાથી નાટકની શિસ્ત તૂટી જાય છે. આ આપણો સમાજ પણ આ નાટક જેવો જ છે. નિયમમાં રહીશું તો આપણી આજુબાજુ નંદનવન સર્જી શકીશું નહીં તો અરાજકતા અને આપણા બાળકો સતત આપણને જોતા હોય છે. આપણામાં રહેલો નાનકડો દોષ એમનામાં ફૂલીફાલીને મોટા વૃક્ષરૂપે પણ જોવાનો ભવિષ્યમાં વખત આવે ત્યારે બાળકોને દોષ દેવાથી કંઈ ફાયદો નથી.

મન એક નદી જેવું છે. એના ઉપર બંધ બાંધીશું તો ફાયદો જ ફાયદો છે. નહીં તો એનું પૂર સત્યનાશ ચોક્કસ નોંતરી શકે એમ હોય છે. મન જ આપણને તારે છે અને ડુબાડે છે. આપણે ખરેખર શક્તિશાળી થવું હશે તો મનને નાથ્યા વગર નહીં ચાલે. નક્કી આપણે જ કરવાનું છે અને પછી એને વળગી રહેવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોના વિચારો…. – તંત્રી
લોકગીતોમાં દાંપત્યજીવન – પ્રા. ડૉ. રમેશ મહેતા Next »   

10 પ્રતિભાવો : મન એક નદી જેવું છે – સુધીર દેસાઈ

 1. Payal Parikh says:

  ઘણુ જ સરસ..

  વાંચતી વખતે એવા ઘણા પ્રસંગો યાદ આવ્યા કે જેમાં આપણે આપણા જ મનને નબળુ પડવા દીધુ હોય…
  સાચે જ મનને મક્કમ રાખીને લીધેલા નાના નિર્ણયો ક્યારેક ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જરુર છે માત્ર મનને મકકમ રાખવાની..

  લેખ વાંચીને એક નવા જ આત્મવિશ્વાસથી મન છલકાઇ ગયું.

  લેખકને ખૂબ ખૂબ અભિનંદન…..

 2. urmila says:

  good artical – Thanks to Mr Sudhir Desai for writing ‘high quality’ article n Mrugeshbhai to publish it

 3. pragnaju says:

  સરસ
  મન નશો કરેલ,જેને ખેંચનો વ્યાધી છે તેવા માંકડા જેવું છે
  થોડું આંતરમન વિષે
  અંતરમનને મજબૂત કરવા માટે માણસે જ્ઞાન મેળવવું જરૂરી છે,આત્મચિંતન કરવું જરૂરી છે.આપણા હાથે ઘટિત થનારી ઘટનાઓનું પરીક્ષણ કરવું.આપણે પોતે નક્કી કરવું જોઈએ કે બનેલી ઘટનામાંથી સુખ મળ્યું કે દુ:ખ? મળનારું સુખ શાશ્વત છે કે ક્ષણિક?
  હરીન્દ્રભાઈનું કાવ્ય યાદ આવે છે
  રે મન, ચાલ મહોબ્બત કરીએ
  નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

  રહી રહીને દિલ દર્દ ઊઠે ને
  દોસ્ત મળે તો દઇએ
  કોઇની મોંઘી પીડ ફક્ત
  એક સ્મિત દઇ લઇ લઇએ

  પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.

  દુનિયાની તસવીર ઉઘાડી
  આંખ થકી ઝડપી લે
  છલક છલક આ પ્યાલો મનભર
  પીવડાવી દે, પી લે

  જીવનનું પયમાન ઠાલવી દઇ શૂન્યતા ભરીએ.

 4. mayuri_patel79 says:

  લેખ બહુ ગમ્યો,મનો બળ મજબુત હોય તો,કોઈ વસ્તુ અસક્ય નથિ,

 5. ભાવના શુક્લ says:

  ઉર્જાને રોકવાની, એકત્ર કરવાની અને ટકાવવાની વાત ખરેખર બહુ સરસ છે. વિચારોને સંકલિત કરવા, કેન્દ્રિત કરવા તે આત્મવિશ્વાસ કેળવવાનુ પ્રથમ પગથિયુ છે. મન મક્કમ તો બધુજ અંડર કન્ટ્રોલ….

 6. absolutely true…i ll start self assessment everyday for some time…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.