લોકગીતોમાં દાંપત્યજીવન – પ્રા. ડૉ. રમેશ મહેતા

આપણે જાણીએ છીએ કે લોકગીતોમાં તત્કાલીન લોકજીવન નિર્ભેળ રીતે વ્યક્ત થયું હોય છે. જીવાતા જીવન સાથે તેનો પ્રગાઢ પ્રત્યક્ષ સંબંધ છે. જીવાતા જીવન દરમ્યાન અનુભવેલી સંવેદના લોકગીતની સામગ્રી છે. એથી વિદ્વાનો લોકગીતને ‘જીવાતા જીવનનો જીવંત દસ્તાવેજ’ કહે છે. જીવનનો નિબિડ અનુભવ સીધા કથન રૂપે તો ક્યારેક કૃષ્ણ-રાધા, રામ-સીતા, શંકર-પાર્વતી, કૃષ્ણ-ગોપી કે પશુ, પક્ષીના પ્રતીક રૂપે અભિવ્યકત થયેલો જોઈ શકાય છે.

બીજું, લોકગીતો બહુધા સ્ત્રીઓ દ્વારા વ્યક્ત થતો, તેમની નિજી જિંદગીને ઉજાગર કરતો – બોલતો પુરાવો છે. જયમલ પરમાર નોંધે છે :
‘સ્ત્રીઓના મનોભાવ લોકગીતોમાં વધુ ભાગે વ્યકત થયા છે. કારણકે લાગણીઓના ઊર્મિઓના આઘાતો સહન કરવા પડે એવી એની સમાજિક સ્થિતિ રહી છે. સ્ત્રી જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે સ્ત્રી છે. સ્ત્રી હોવાને કારણે તે એવી સામાજિક સ્થિતિમાં મૂકાઈ છે કે તેના સંવેદનમાંથી અઢળક સાહિત્યનું સર્જન થયું છે.’ સ્ત્રી જીવનનાં પ્રત્યેક પાસાંને, સ્ત્રી જીવનની પ્રત્યેક પાસાંને, સ્ત્રી જીવનની પ્રત્યેક અવસ્થાને વ્યક્ત કરતાં લોકગીતો મળે છે. સ્ત્રીએ હર હાલતમાં ગીત ગાયું છે. માત્ર સુખ નહીં પરંતુ વેદના પણ ગાન બનીને પ્રગટી છે. જીવનની મધુરતા, સેવેલાં સ્વપ્નો, મીઠાશ, પ્રસન્નતા, મિલનની અભિપ્સા, મિલનનો આનંદ, તો સામે કુટુંબ જીવનના રાગ દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, અપમાન, ઉપેક્ષા વગેરે પર સમાંતરે પ્રગટેલાં જોઈ શકાય છે.

કેવું હતું આ સ્ત્રીનું જીવન ? જે સમાજમાં દીકરીનો જન્મ જ અળખામણો ગણાતો હોય, દૂધ પીતી કરી દેવાની રાક્ષસી પરંપરા ઊભી થઈ હોય, જેને અગાઉ ક્યારેય ન જોયો હોય તેવા પુરુષ સાથે જીવન જોડવાનું હોય, સાસરિયાના બધા જ સભ્યોને રાજી રાખવાના હોય, પતિની જોહુકમી અને તાડનનો ભાગ બનવાનું હોય, વાંઝીયાપણા માટે તેને જ દોષિત ગણવામાં આવતી હોય, પુત્ર પ્રાપ્તિ ન થાય તો પતિ બીજી પત્ની કરતો હોય, આજીવિકા માટે પતિ બહારગામ જતો હોય ને પાછળથી તેના અસ્તિત્વની સતત અવહેલના થતી હોય, તેની ઈચ્છા જાણ્યા વિના તેનાથી બહુ જ મોટી ઉંમરના પતિ સાથે પરણાવી દેવામાં આવતી હોય, વ્યસની પતિ સાથે ‘પડ્યું પાનું’ નિભાવી લેવાનું હોય, અને ક્યારેક તો સ્ત્રીને મારી નાખવા સુધીની પશુતા વ્યકત કરતો સમાજ હોય ત્યાં સ્ત્રીની વેદનાનો પાર કેમ પામી શકાય ?

અલબત્ત સ્ત્રીના આનંદમય અસ્તિત્વને પણ જીવાતું જોઈ શકાય છે. દીકરીના કુવારા દિવસો મુગ્ધાવસ્થાના દિવસો પ્રસન્ન હોય છે અને પતિનો નિતાંત, વિબિડ પ્રેમ પામવાના દિવસો પણ રંગદર્શી હોય છે. સહીયરો સાથે ઉત્સવોમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, ભાઈભાભીના હેતથી તરબોળ બનતી, દીયર સાથે મજાક-મસ્તી કરતી, પ્રેમાળ પતિની આકાંક્ષા કરતી – તેવાં સ્વપ્નો જોતી, પતિના પ્રેમમાં ઓળઘોળ થતી, પરદેશથી આવેલા પતિને જોઈ હર્ષથી આંદોલિત થઈ જતી સ્ત્રીનું રંગીન ચિત્ર પણ મળે છે. ઉક્ત તમામ મનોભાવો લોકગીતમાં વ્યક્ત થયેલા જોવા મળે છે. એ ભાવના પ્રગટીકરણમાંથી આપણે સ્ત્રીના તેના પતિ સાથેના સંબંધોનું મિશ્ર ચિત્ર અંકાયેલું જોઈ શકીએ.

સ્ત્રીની મુગ્ધાવસ્થામાં સારો પતિ મળે તે માટે અલૂણા વ્રત અને ગોરમાંના વ્રત સંદર્ભે લોકગીતનું ગાન શરૂ થાય.
‘વર દેજો દેરા માયલો દેવ
વર દેજો કાંઈ વાડી માયલો મોરલો…..’
પ્રત્યક્ષ જીવનમાં પતિ વિશેનો પોતાનો અભિપ્રાય, અપેક્ષા વ્યકત ન કરી શકતી દીકરી લોકગીતમાં કહે છે :
‘ઊંચો તે વર ના જોજો, દાદાજી
ઊંચો તે નીત નેવાં ભાંગશે….’
અંતે જતાં પોતાની અપેક્ષા વ્યક્ત કરતાં કહે છે :
‘કેહયે પાતળિયોને વાતે ઘઉંવર્ણો
મારી સૈંયરું એ વખાણિયો….’
અથવા
‘લાડડી ચડી રે કમાડ,
સુંદરવરને નીરખવા રે.
દાદા મોરા રે વર પરણાવ,
એ વર છે વેવારીઓ….’

આવા વ્યવહારકુશળ અને પ્રેમાળ પતિની સંપ્રાપ્તિ હોય તો એ પછીનો સમય આનંદ અને મિલનના આવેગનો હોય છે.
‘આજ રે સપરનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો
ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં….’
સ્વપ્નમાં આવેલા સાસરિયાના એક પછી એક સભ્યોની લાક્ષણિકતા પછી –
‘આજ રે સપનામાં મેં તો ગુલાબ ગોટો દીઠો જો
ફુલડાની ફોર્યુ રે સાહેલી મારા સપનામાં.
ગુલાલ ગોટો ઈ તો મારો પરણ્યો જો
ફૂલડિયાની ફોર્યુ સાહેલી મારી ચુંદડીમાં….
શૃંગારની સંયત અભિવ્યક્તિ કેટલી સુંદર પ્રતીકાત્મક રીતે વ્યકત થઈ છે ! લોકજીવનમાં પતિ-પત્નીનું મિલન-સહવાસ માત્ર રાતે જ શક્ય બને. દિવસે પુરુષ ખેતી, ગોપાલન કે અન્ય કામમાં રોકાયેલો હોય ને પત્ની ઘરકામમાં ગળાડૂબ હોય. બન્ને રાત્રીના સાન્નિધ્યની પ્રતિક્ષા કરતા હોય. પ્રતિક્ષા પછી પ્રાપ્ત થયેલા સહવાસ સમયે પત્ની દૂર રહી પતિને ચીડવે. આવી મીઠી વડછડ આ રીતે લોકગીતમાં વ્યક્ત થાય :
‘ગોરી મોરી રજની વીતી જાય, પરોઢિયું કોણે દીઠું રે લોલ
વ્હાલા મારા હૈયું હિલોળા ખાય, હિલોળું લાગે મીઠડું રે લોલ’

પતિને સાનિધ્યની ઝંખના, ક્યારેક રામના પાત્ર રૂપાંતરણ રૂપે આ રીતે પ્રગટે છે.

‘રામ તમારે બોલડિયે હું બળીને ઢગલો થઈશ જો,
તમે થાશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો…’

પતિના સાન્નિધ્યનો આનંદ લોકજીવનની સ્ત્રીને લમણે ઝાઝો લખાયો નથી હોતો કારણ કે એ સમયની જીવનશૈલી અનુસાર પતિ આજીવિકા માટે સતત બહાર રહેતો. રાજની નોકરી, ગમે ત્યારે રાજના તેડાં આવે, વાણિજ્યનું સાહસ કરવાની પ્રબળ જનપ્રકૃતિ, વહાણવટાનો વ્યવસાય, ગોપાલન વગેરે કારણે પુરુષવર્ગના પરદેશાટનના કાળમાં સ્ત્રીઓ ઘેરે એકલ જીવન ગાળતી અને પતિના વિયોગની આપદા અનુભવતી. આ ભાવનાં લોકગીતોમાં વિરહના સબળ ભાવો ગાન રૂપે પ્રગટ્યાં.

ગમે ત્યારે રાજનું તેડું આવે
ઊભી ઊભી ઉગમણે દરબાર રે
કાગળિયા આવ્યા રાજના રે લોલ.

અને રાજનું તેડું આવતાં પતિ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના જવા તત્પર બને. સૈયરની સાથે રાસ રમતી સ્ત્રીની રાહ પણ ન જુએ.
‘આવી રૂડી શરદપૂનમની રાત
રાતે રે રમવા નીસર્યા રે માણારાજ…
રમ્યાં રમ્યાં પો’ર બે પો’ર
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ…
ઘેર આવો ઘરડાની નાર !
અમારે જાવું ચાકરી રે માણારાજ…
આવો રૂડો સૈયરું નો સાથ
મેલીને સાહ્યબા નહીં આવું રે માણારાજ…
સાયબાને ચડિયલ રીસ
ઘોડે રે પલાણ નાખિયા રે માણારાજ….’

સાયબો તો જવા ઉતાવળો થાય છે પણ પત્નીને તેના આવનારા વિરહની, એકલતાની યાતનાનો અણસાર છે તેથી તે કહે છે –
‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી
નહીં જાવા દઉં વેરણ ચાકરી રે…’
દેશાટને, ઘીંગાણે કે ચાકરીએ જતા પુરુષની હેમખેમ પાછા આવવાની ખાત્રી કેટલી ? એની કરુણ મનોદશા તૈયાર થતી તો બીજી બાજુ પતિના વિયોગનો ઝુરાપો સહન કરવાનો હોય. આવી મનોદશામાં સ્ત્રીને ઘર પણ ખાવા ધાતું હોય તેવો અનુભવ થાય

‘નણદલના વીર વિના એકલાં હો જી રે
સુના મંદિર ખાવા જાય હો જી રે
કે’દુની જોતી’તી વાટ, વ્હેલા વ્હાલમ ઘેર આવજો….’
અથવા –
‘મોર બોલે મધુરી રાત રે નીંદરા ના’વે રે
હું તો સુતી’તી સેજ પલંગ, ઝબકીને જાગી રે….

માત્ર રાજની ચાકરીએ ગયેલા માટે જ નહીં, કે પછી ધીંગાણે ગયેલા માટે જ નહીં પરંતુ વહાણવટે ગયેલો પતિ પાછો હેમખેમ આવશે કે કેમ એની આશંકા પણ હોય જ ને !
‘વહાણવટી વહાલા, આજના ચડ્યા તે ક્યારે આવશો રે ?
રમજો મરજો રે ગોરી તમે પાંચીકે
વાદળ ચડ્યે પાછા આવશું…..’

આવાં વિપ્રલંભ શૃંગારનાં લોકગીતોથી આપણું લોકસાહિત્ય અભરે ભર્યું છે. આવાં લોકગીતો ખરા અર્થમાં વિરહની વેદનાને પ્રગલ્ભ રીતે મુકી આપે છે. અહીં વિરહની વેદના ભલે દારુણ હોય પણ એમાં પ્રણયની ઊંડી અનુભૂતિ-આશા-પ્રસન્ન જીવનનો આશાવાદ પ્રચ્છન્ન રૂપે પડેલો તો હોય ! પરંતુ સાંસારિક જીવનની વરવી વાસ્તવિકતાનો સામનો કરી રહેલી સ્ત્રીને વેદના તો નર્યા અરણ્યરુદન જેવી લાગે છે. પતિ-પતિના કુટુંબીઓ તરફથી થતો ત્રાસ, કજોડું, શોક્યનું સાલ, વ્યસનમાં ગરકાવ પતિ વગેરે અનેક સ્થિતિનો સામનો સ્ત્રીએ કરવો પડે છે અને ત્યારે તેની વેદના એક નિરાધાર સ્થિતિમાં મૂકી દે છે.

દીકરીના કુટુંબની આર્થિક રીતે નબળી સ્થિતિ હોય, ધનિક મોટી ઉંમરનો પુરુષ પિતાને લાલચ આપી પરણી જતો હોય, ક્યાંક સામાજિક રીત-રિવાજો કે અન્ય કોઈ કારણ હોઈ શકે પણ દીકરીને પોતાનાથી ખૂબ મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ કેવી થાય ?

‘માડી હું તો સોળ વરસની નાર,
પરણ્યો એંશી વરસનો રે લોલ.
માડી મારે દાડમ જેવા દાંત,
પરણ્યાના પડી ગયા રે લોલ
માડી મારે ધમધમ હલવાના હેવા
ને પરણ્યો ડગમગે રે લોલ
માડી મારે સાતમ આઠમ પરબ
પરણ્યાની હોળી જગે રે લોલ…’

તો વળી ક્યારેક નાની ઉંમરના પતિ સાથે પણ ઘર માંડવું પડે ત્યાર !

‘અઢી વરસનો પઈણોને બાર વરસની કૈના મારા રામ
કરમનું કજોડું માડી ! દુ:ખ કેને કઈએ ? રામ….’

સ્ત્રીનું ભર જોબન અને પતિની નાની ઉંમર હોય ત્યારે દાંપત્ય સુખની અતૃપ્તિ આ રીતે પ્રતીકાત્મક રૂપ લે –
‘સોળ વરસની સુંદરી રે કાંઈ નાવલિયો નાનેરું બાળ !
અખોવન રોઝડી રે… રંગમાં રેલી જાય…
વાંદરા ઠેકે વાડિયું ને કાંઈ હણકાં ઠેકે વાડ
મારી જુવાની ઠેકે ધરતી રે, મારું મન હીંચોળા ખાય….’

પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તેવી સ્થિતિમાં પણ આક્રોશપૂર્વક તેને કશું કહી ન શકાય, માત્ર વિનંતી જ કરવાની રહે –

‘તમારા સમ જો તમે મને વ્હાલા
જૂઠડા સમ શીદ ખાવ છો ?
તમારું મન માને ત્યાં જાવ છો.
આવા તે રૂડા ભોજન મુકી
ટાઢા ટુકડા ખાવા જાવ છો….’

અને એ પરિસ્થિતિ આગળ વધતી વધતી શોક્યના આગમન સુધી પહોંચી જાય. એક બીજી સ્ત્રીને પોતાના ઘરમાં, પોતાની સાથે રાખવાની આ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે તેવી લાચારી પણ લોકગીતમાં વ્યક્ત થઈ છે.-

‘જમો તો જમાડું જીવણ વા’લા
રંગમાં રમાડુ જીવણ વા’લા
વ્હાલા જી તમે શોક્યું ની શેરીએ ન જાજો…’

આવી લાચારીમાં પતિને અનુનયપૂર્વક જ સમજાવવાનો રહે, અન્યથા તેના તાડનની તૈયારી રાખવી પડે.

‘ચાલો મોટાંની વહુ ઘેર, મોટાંના ઘર આપણા મોરા રાજ
દીધી છે સોટીયું દશવીસ, આગળ થઈ વહુ ચાલિયા મોરારાજ.’

અનેક પરિસ્થિતિમાં સ્ત્રીને પતિ તેમજ અન્ય દ્વારા મહેણાં-ટોણાં સાંભળવાં પડે. પોતાના પિયર વિશે, માતા-પિતા વિશે સતત લાગતા વાક બાણોથી વીંધાવું પડે તેથી સ્ત્રીને કહેવાનું થાય –
‘કાંકરીના માર્યા કદિ ન મરીએ
મેણાં ના માર્યા મરીએ.’
સંતાન પ્રાપ્તિ ન થાય તો એ માટે સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે. વાંઝણી સ્ત્રી કુટુંબ અને સમાજમાં તિરસ્કૃત થાય, સામાજિક પ્રસંગોએ તેની અવહેલના થાય અને ઉપરથી વાકબાણોનો માર તો ખરો જ !
‘લૂપ્યું ને ગૂપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દે ને રન્નાદે મા….
વાંઝીયાં મેણાં માજી દોહ્યલાં…..’

ક્યારેક દીકરીને – તેના કુટુંબને છેતરીને – સમૃદ્ધિનો દેખાડો કરીને લઈ આવવામાં આવે. સાસરે આવીને જુઓ તો કશું જ હોય નહીં ત્યારે તે કહે –
‘કે’તો તો રે રોયા, ઈંટોના મો’લ છે
ઘેર આવીને જોયું, રો’યા છાપરું મળે નહીં…’
અથવા ઈચ્છિત – અપેક્ષિત સમૃદ્ધિના અભાવમાંથી જન્મેલી સંવેદના પદાર્થ-વિરોધ રૂપે આ રીતે વ્યકત થાય. –
‘મારે ખાવાના કોદરા રે ચોખિલિયે મન જાય
મારે સુવાનો ખાટલો રે પલંગિયે મન જાય.’

વ્યસની પતિ સાથે પનારો પડે ત્યારે સ્ત્રીની સ્થિતિ વધુ લાચાર અને કરુણ બની જાય. દારૂ, જુગાર કે અન્ય વ્યસનોથી ઘેરાયેલો પતિ પોતાને તો તોડે જ, સાથે સાથે કુટુંબને ગરીબીની દોજખ માં ધકેલી દે. આ વેદના લોકગીતમાં આમ ગવાય છે –
‘કોશ કોદાળી, પાવડો, પીટ્યો સડકે કામે જાય.
સાંજ પડે ત્યારે પાવલી લાવે, ભાંગ્ય તમાકુ ખાય
બાયું જીને ભાયડો ભૂંડો,
તેને કૂવો ગોતવો ઊંડો…’
કે પછી –
‘માડી વાડીમાં પાથરેલ ચોપાટ, જુગાર કોઈ રમશો નઈ
ઈ રે જમાદાર છોકરા રે હાર્યો
બાયડી સીકે હાર્યો.
જમાદાર જુગારીઓ….’
આવી સ્ત્રી બહુ બહુ તો પોતાની માતાને ફરિયાદ કરે કે –
‘માડી ! મુને અફીણિયાને શું દીધી ?
સવ લોક ઓરે માડી જાર ને બાજરી
અફીણિયો ચોરે નકરો ગાંજો રે.

સહુ લોક સુડે માડી કાળિયાં ખેતરાં
અફીણિયો સુડે નકરા વાડા રે
માડી મુને…
આછી કથાતંતુવાળાં લોકગીતોમાંથી દાંપત્યજીવનનાં ચિત્રો પણ મળે છે. જેમાં ક્યારેક પુરુષની પૌરુષેય ખુમારી તો ક્યારેક સ્ત્રીની કરુણ ખુવારી પ્રગટ થઈ છે. ‘સોનલ ગરાસણી’ લોકગીતમાં –
‘સોનલ રમતી ગઢડા કેરી ગોખ જો
રમતાં ઝલાણી સોનલ ગરાસણી…’
પછી એની વ્હારે કાકા-દાદા-મામા આવે છે. બધા સોનલને છોડાવવા કંઈ ને કંઈ ‘વસ્તુ’ આપે છે પરંતુ સોનલ છૂટતી નથી ત્યારે –

પરણ્યા એ દીધી માથા કેરી મોડ્યું જો
ધબકે છૂટી રે સોનલ ગરાસણી

જ્યારે એક બીજા લોકગીતમાં પરદેશ ગયેલા પતિની રાહ જોઈ જોઈ રોજ ગોખમાં દીપ જલાવતી સ્ત્રીને સાસરિયામાં સાસુ મારી નાખે છે. પતિ આવે છે ત્યારે માતાને પ્રશ્ન કરે છે :

‘માડી હું તો બાર બાર વરસે આવીયો
ક્યાંય નવ દીઠી મારી પાતળબંડી પરમાર્થ રે.
જાડેજી મા….. મોલ્યું માં દીવડો રાગ રે બળે….’

પતિને જ્યારે જાણ થાય છે કે તેની માતાએ જ પત્નીને મારી નાખી છે ત્યારે પત્નીની ચુંદડી ઓઢીને ગૃહ-ત્યાગ કરે છે. આ બન્ને લોકગીતોમાં પતિનું શૌર્ય-બલિદાન અને પ્રેમ નિબિડ રીતે પ્રગટ થયાં છે. જ્યારે ‘વહુ એ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ’ માં સ્ત્રીજીવનની ઘેરી કરુણતા વિહવળ કરી દે છે. સાસરે ગયેલી દીકરી સાસરિયામાં અનેક કષ્ટનો સામનો કરે છે. એવામાં એક દિવસ મળવા આવેલો ભાઈ પૂછે છે ! ‘સુખી તો છો ને બહેન ?’ તેના જવાબમાં દીકરી માત્ર એટલું કહે છે :
‘સુખના દાડા તો વીરા વહી ગીયા રે લોલ
દુ:ખના ઉગ્યા છે ઝીણાં ઝાડ જો
આ કવળા સાસરિયામાં જીવવું રે લોલ….’

જે ક્યારેય ‘સવળા’ નથી રહ્યા એવા ‘કવળા’ સાસરિયામાં જીવવાનું દુ:ખ પોતાના ભાઈને કહ્યું ને ત્યાં નણંદ સાંભળી જાય છે –
‘આ વહુ કરે છે આપણા ઘરની વાત જો
આ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ’
અને વાત સાસુ-સસરા-જેઠ વગેરે પાસે વગડતી વગડતી તરઘાયાની જેમ પડઘાય છે – બસ.

‘આ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ….’ એ વાત પતિ પાસે આવતાં પતિ શું કરે છે ! ગાંધીડાની હાટેથી ઝેર લઈ આવે છે અને વાટકામાં ધોળી પત્નીને કહે છે –
‘પીયો ગોરી નહીંતર હું પી જાઉં.’
અને-
‘ઘટક દઈને રન્નાદે પી ગયાં રે લોલ
પાનેતરની લાંબી તાણી સોડ જો
આ વહુ એ વગોવ્યાં…..’
આ ગીતમાં ‘વહુ એ વગોવ્યાં…’ એ ખંડ સતત પૂનરાવર્તિત થાય છે. ત્યારે છેલ્લે ભાવકને પ્રશ્ને તો એ થાય કે એક વાત પોતાના ભાઈને કહી તેમાં વહુને ઝેર આપી મારી નાખવામાં આવે તેવું કુટુંબ – તેવું ખોરડું શું ‘મોટું ખોરડું’ કહેવાય ? આ છે મોટાં ખોરડાં ? જ્યાં આટલી વાતે પત્નીને ઝેર આપી દેવાતું હોય ? ત્યારે એ પૂનરાવર્તિત થતી પંક્તિ સાસરિયાની નફફટાઈ પર કટાક્ષ કરતી લાગે છે !

અહીં મૂકાયેલાં ઉદાહરણો લોકગીતના સાગરમાંથી લીધેલા આચમન જેટલાં જ છે પરંતુ એક નિરિક્ષણ એ મળે છે કે અહીં સ્ત્રીનું દાંપત્યજીવન આનંદની સાપેક્ષમાં વધુને વધુ કરુણ છે. સુખની સાપેક્ષમાં દુ:ખનો અનુભવ વિશેષ રીતે કર્યો છે. કહો કે એક રીતે ‘કેથાર્સિસ’ સાધવા પ્રયત્ન કર્યો છે. ક્યાંય પણ વ્યકત ન થઈ શકાય તેવી સ્થિતિને લોકગીતે વાચા આપી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન એક નદી જેવું છે – સુધીર દેસાઈ
અઢી અક્ષરનો શબ્દ – ગિરીશ ગણાત્રા Next »   

9 પ્રતિભાવો : લોકગીતોમાં દાંપત્યજીવન – પ્રા. ડૉ. રમેશ મહેતા

 1. ડૉ.સાહેબશ્રી રમેશભાઇએ ધબકતુઁ લગ્નજીવન ચીતરીને
  જીવનમાઁ પ્રાણ પાથર્યો છે.કેટલો સુઁદર સઁગ્રહ !આભાર !

 2. chini says:

  very nice article

 3. pragnaju says:

  સુંદર સંગ્રહ બદલ રમેશનો આભાર
  ‘અહીં સ્ત્રીનું દાંપત્યજીવન આનંદની સાપેક્ષમાં વધુને વધુ કરુણ છે. સુખની સાપેક્ષમાં દુ:ખનો અનુભવ વિશેષ રીતે કર્યો છે. કહો કે એક રીતે ‘કેથાર્સિસ’ સાધવા પ્રયત્ન કર્યો છે. ક્યાંય પણ વ્યકત ન થઈ શકાય તેવી સ્થિતિને લોકગીતે વાચા આપી છે.’
  હાઉ હાચી વાત
  એકી શ્વાસે ન માણી શકાય તેવો લોકગીતોનો સંગ્રહ!
  તેની પ્રીન્ટ કાઢી અવાર નવાર કુટુંબ,સગા સબંધીઓ ભેળા થાય ત્યારે અવાર નવાર માણીશું

 4. ભાવના શુક્લ says:

  બહુ જ સુંદર….
  લોક ગીતો અને તેમા દર્શાવાતા સ્ત્રીના બહુધા અંતરંગો ભલે એક નજરે કરુણતા સભર લાગતા પરંતુ એક વાત સક્ષમ છે કે આવા જ લોકગીતોએ સ્ત્રીની મનોદશાને સરેરાશ છતી કરી છે. સ્ત્રીને બહુ ધીમી પરંતુ બહુ મક્કમ ગતી થી અનેક પરંપરાગત રુઢીવાદી બંધનો અને ધારણાઓ માથી બહાર લાવી છે ને હજી પણ ચાલુ જ છે તે ક્રિયા.
  “તારી વાકી રે પાઘલડીનુ ફુમતુ રે મને ગમતુ તે આતો કહુ છુ રે કાનુડા તને અમથુ” એવુ કહી વહાલથી પોતાની લાગણીનો જાહેરમા સ્વિકાર કરતી કે પછી “ઝુરી મરીયે રે અમે કેમ કરીયે, દવ લાગ્યો એવો વનમા અમે કેમ કરીયે” કહી જીવનમા રહેલા અસંતોષ કે અવહેલનાને જાહેરમા પોકારી શકી છે. લખવા ખાતર ઘણુ લખી શકાય ને ચર્ચી શકાય, વિષય જ એટલો વિશાળ છે “સ્ત્રી અને લોક્ગીતો” પણ bottomline is સ્ત્રીને કઈક સમોવડી બનાવવા કે બે ડગલા આગળ પણ સાબીત કરવામા લોકગીતોનો બહુ મોટો ફાળો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.