અઢી અક્ષરનો શબ્દ – ગિરીશ ગણાત્રા

કૉલેજમાં લેક્ચરર તરીકેની મારી પહેલીવહેલી નિમણૂંક થઈ ત્યારે મને આનંદ કરતાં ગભરાટ વધુ હતો. આમેય કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારી પ્રકૃતિ શરમાળ. ચાલુ કલાસે ક્યારેય પ્રશ્ન પૂછવાનું મન થાય તો પણ હું પૂછી શકતો ન હતો. સદાય ડર રહ્યા કરતો કે વિદ્યાર્થીઓ મારી મશ્કરી કરશે તો ? પ્રોફેસર મને ઉતારી પાડશે તો ? આનું કારણ કદાચ મારી લઘુતાગ્રંથિ પણ હોઈ શકે. એટલે મારી શંકાનું નિવારણ હું પ્રોફેસર્સ-ખંડમાં જઈને મારા પ્રાધ્યાપકને પૂછીને કરી લેતો. જોકે મારી ગણના સ્કોલર તરીકે થતી હોઈ, મારા અધ્યાપકો હંમેશાં મને મદદ કરવા તત્પર રહેતા.

મારી આ સ્વભાવગત પ્રકૃતિને કારણે હું લેકચરર તરીકે સફળ થઈશ કે અસફળ એવી આશંકાઓ સાથે હું અધ્યાપક બન્યો ત્યારે મેં આશા રાખી હતી કે મારા સહઅધ્યાપકોનો સહકાર મને જરૂર મળી રહેશે એટલે મને વર્ગમાં લેવામાં કોઈ મુશ્કેલી નહિ પડે, પણ મારા આ સાથી મિત્રોએ મને કોઈ પણ જાતના ઉમળકા વિના પ્રોફેસર્સખંડમાં આવકાર આપ્યો. સિનિયર પ્રાધ્યાપકોએ મને ‘છોકરડો’ ગણી લીધો. હા, એમની વયના પ્રમાણમાં હજુ હું છોકરો જ હતો. જો કે મારું શારીરિક બંધારણ એકવડું હોવાને કારણે પણ હું છોકરા જેવો જ લાગતો હતો. પ્રોફેસરો કે વિદ્યાર્થીઓ સામે હું બહુ પ્રભાવયુક્ત સાબિત થઉં એમ ન હતો. મારા સિનિયર સાથીઓ મને મજાકનું સાધન ગણી, ‘પધારો પ્રોફેસર સાહેબ’ જેવાં સંબોધનોથી મારી ટીખળ કરતા.

નવા સત્રનો આરંભ થયો. કોઈપણ માર્ગદર્શન વિના, ઉત્સાહપ્રેરક ઔપચારિક શુભેચ્છા વિના હું ઈન્ટરના વર્ગમાં શીખવવા ગયો. પચાસ સાઠ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા વર્ગને મારે દર્શન શાસ્ત્ર શીખવવાનું હતું. હું નવોસવો લેકચરર હતો એટલે મને એવી આશા હતી કે મારા કોઈ સિનિયર પ્રોફેસર મારી સાથે વર્ગમાં આવી વિદ્યાર્થીઓને મારો પરિચય કરાવશે, પરંતુ કૉલેજમાં એવી કોઈ પ્રથા હોય એવું મને ન લાગ્યું. થોડું થોડું તરતા શીખેલાને કોઈ ઊંડા પાણીમાં ધક્કો મારી દે અને એની જે હાલત થાય, એવી મારી હાલત થઈ ! હું વર્ગમાં પ્રવેશ્યો. એક વખત આવી રીતે જ હું વર્ગમાં ભણતો હતો ત્યારે મારી સાથે, મારી આજુબાજુ મારા પચાસ-સાઠ સહાધ્યાયીઓ હતા. પણ આજે અહીં હું એ સૌની સામે એકલો હતો.

હું નાનકડા પ્લેટફોર્મ પર ચડ્યો. ટેબલ પર રેફરન્સ બૂકો મૂકી મેં સ્વયં મારો પરિચય આપવાનું શરૂ કર્યું. માંડ બે-અઢી મિનિટ બોલ્યો હોઈશ ત્યાં કોઈને મને ‘નાણી જોવાનું’ મન થયું, એટલે હળવેકથી એક તીણી સિસોટી સંભળાઈ. મેં અવાજની દિશા પકડી એ તરફ ડોકું ફેરવ્યું તો બીજી બાજુથી વ્હીસલો શરૂ થઈ. એ પછી તો સિસોટીઓના જુદી જુદી દિશાઓમાં મોરચા ખૂલવા માંડ્યા. બેન્ચ નીચેથી આવતા ટરરર ટરરર અવાજોનો પણ ઉમેરો થયો. દર્શન શાસ્ત્રના આરંભ સાથે જ વિદ્યાર્થીઓને દર્શન થઈ ગયું કે આ સાહેબ તો ગાય-બકરી જેવા છે વાઘ-સિંહની જમાતના નથી. બસ, પછી તો જાતજાતના ચિત્ર-વિચિત્ર અવાજો, ગણગણાટ, બગાસાં, ઉધરસ વચ્ચે મેં મારું વક્તવ્ય ચાલુ રાખ્યું અને પૂરું પણ કર્યું.

નોકરીના પ્રથમ દિવસે પહેલો પિરિયડ પૂરો થયો ત્યારે હું પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. બીજો પિરિયડ પણ એવો જ રહ્યો. ત્રીજા-ચોથા પિરિયડમાં પાંખી હાજરીને કારણે હું જેમ તેમ ટકી ગયો પણ પહેલો દિવસ તો જરાય સારો ન રહ્યો. પછીના દિવસોમાં જેમ જેમ વિદ્યાર્થીગણમાં મારા નમ્ર સ્વભાવની જાણ થતી ગઈ તેમ તેમ વિદ્યાર્થીઓ વધુ ને વધુ મસ્તી તોફાન કરવા લાગ્યા. મને પણ લાગવા માંડ્યું કે મારો વર્ગ અભ્યાસ માટેનો વર્ગ નથી પણ કોઈ સર્કસનો શો છે. પણ હું શું કરું ? હું કડક બની શકતો નહોતો. મને એ આવડતું નહિ. હવે તો સિનિયર પ્રોફેસરો પણ કહેવા લાગ્યા કે તમારા લેકચર વખતે તમારી બાજુના ખંડમાં અમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવી શકતા નથી. બહુ ઘોંઘાટ થાય છે તમારા કલાસમાં.

મને થયું કે મારા વિરુદ્ધની આ બધી ફરિયાદો જરૂર એક વખત પ્રિન્સિપાલને કાને પહોંચશે જ. આટલા દિવસના મારા સાથીઓના મારી સાથેના વર્તાવથી મને લાગ્યું કે આવું કામ એ લોકો ત્વરિત ગતિથી કરતા હોય છે. એ દિવસે હું છેલ્લો પિરિયડ લેતો હતો ત્યારે ચાલુ વર્ગે પ્યૂન આવીને મને એક ચિઠ્ઠી આપી ગયો. પ્રિન્સિપાલે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારો પિરિયડ પૂરો થયા પછી મારે એમને મળવું. એ પિરિયડ એવા જ ઘોંઘાટ સાથે મેં પૂરો કર્યો. પ્રોફેસર-રૂમમાં જઈ પાણીના બે ગ્લાસ એકીસાથે ગટગટાવી ગયો ને પછી હું પ્રિન્સિપાલની ચેમ્બર તરફ જવા ચાલી નીકળ્યો. હું જતો હતો ત્યારે બે-ત્રણ પ્રોફેસરો હસ્યા પણ ખરા. પ્યૂને મને જે ચિઠ્ઠી આપી હતી એના લખાણની માહિતી એમણે જરૂર પ્યૂન પાસેથી મેળવી લીધી હોવી જોઈએ. મારી નિષ્ફળતાના એકરારને હૃદયમાં ભરી હું પ્રિન્સિપાલની ચેમ્બરમાં દાખલ થયો.

પ્રિન્સિપાલે મને હસીને આવકાર આપ્યો અને પ્યૂનને બે કપ ચા લાવવાનું કહ્યું. હું સમજી ગયો કે વાત લાંબી ચાલશે. ચા તૈયાર થઈને આવે ત્યાં સુધીમાં સહેજે પંદર-વીસ મિનિટ તો નીકળી જ જાય. એ સમય દરમિયાન મને ઠપકો આપશે, મારી અણઆવડત, વિદ્યાર્થીઓને કંટ્રોલમાં રાખવાની મારી અશક્તિ, અન્ય વર્ગોનું થતું ડિસ્ટર્બન્સ વગેરેનું લંબાણપૂર્વક વર્ણન કરી મને તતડાવશે, શિખામણ આપશે. પણ પ્રિન્સિપાલ સાહેબે તો વળી જુદી જ કથા માંડી. એમણે કહ્યું : ‘પ્રોફેસર હું જ્યારે સ્ટેટસમાં વિઝિટિંગ-પ્રોફેસર તરીકે હતો ત્યારે સફળ અધ્યાપનના એક અખતરાની મને તે વખતે ત્યાં જાણ થઈ. તમે ફિલોસોફીમાં નિષ્ણાત છો એટલે તમે એ વાત વધુ સારી રીતે જાણી શકશો.’ કહી એમણે ટેબલના ડ્રોઅરમાંથી એક પુસ્તક કાઢી મારી સામે ધર્યું. પુસ્તકનું શીર્ષક હતું – પ્રેમ.

મેં એ પુસ્તકના પાનાં ઉથલાવવા માંડ્યા. એ દરમિયાન પ્રિન્સિપાલ સાહેબે પુસ્તકનું થોડું વિવરણ કરી મને કહ્યું : ‘સરસ પુસ્તક છે. તમે વાંચી જોજો. હું બે ત્રણ વખત એ વાંચી ચૂક્યો છું. પ્રેમની પણ કેવી કેવી અભિવ્યક્તિઓ હોય છે એ એમાં દર્શાવી છે. દા.ત. સ્પર્શ. આપણો એકબીજાનો સ્પર્શ ભલે ગૌણ બાબત કહેવાય, પરંતુ સ્પર્શમાં હૂંફ રહેલી છે, ઉષ્મા રહેલી છે. સ્પર્શ પરસ્પરની વિશ્વાસની કડી છે. આપણા શરીરમાં લાગણીઓને કારણે જન્મતી ઉષ્માને થોડીક ક્ષણો માટે અન્યમાં વહેવા દઈએ ત્યારે અદશ્ય રીતે લાગણીઓના તાણાવાણા ગૂંથાવા લાગે. પ્રેમને શારીરિક અભિવ્યક્તિ તો જોઈએ જ. એ અભિવ્યક્તિને શબ્દોનો જો થોડોક સહારો મળે તો…..’ પ્રિન્સિપાલ સાહેબે એ પુસ્તકનાં દરેક પાસાંઓ અને ફિલસૂફીની ખૂબીઓનું બારીકાઈથી વર્ણન કર્યું. ચા પીને, પુસ્તક લઈ હું છૂટો પડ્યો. આ બધા સમય દરમિયાન એમણે મને મારા કલાસનો ઘોંઘાટ કે વિદ્યાર્થીઓની અશિસ્તનો જરા પણ ઈશારોય ન કર્યો.

હું ઘેર આવ્યો. જમીને પુસ્તક વાંચવાની શરૂઆત કરી.
દર્શનશાસ્ત્રનો અભ્યાસ હોવાને કારણે મને આ પુસ્તકમાંથી પ્રેમની એક નવી જ અભિવ્યક્તિની વાત જાણવા મળી. ત્રણ ટુકડે હું આખુંય પુસ્તક વાંચી ગયો. ફરીફરીને પણ મેં વાંચ્યું. પછીના ત્રણ ચાર દિવસ સુધી હું એનું મનન કરતો રહ્યો. જેમ જેમ વિચારતો ગયો એમ એમાંથી મને સઘન તારણો મળવા લાગ્યાં. દસ-બાર દિવસ વીતી ગયા, પણ પ્રિન્સિપાલે મને ન મળવા બોલાવ્યો કે ન ક્યારેય એ પુસ્તકની યાદ અપાવી. મને થયું – શા માટે એમણે મને આ પુસ્તક વાંચવા આપ્યું હશે ?

આખરે, મેં આ પુસ્તકના કેટલાક સિદ્ધાંતોને પ્રેકટીસમાં મૂકવાનું શરૂ કર્યું. હવે હું રિસેસ દરમિયાન પ્રોફેસર્સ-ખંડમાં બેસવાને બદલે વિદ્યાર્થીઓ જોડે કેન્ટીનમાં બેસવા લાગ્યો. એક ટેબલ પર વિદ્યાર્થીઓ જોડે ચા પીતાં પીતાં એમના હાથ પર વારંવાર મૃદુ સ્પર્શ કરી મારા વિચારો, મારી લાગણીઓ વ્યકત કરવા લાગ્યો. કેન્ટીનમાંથી બહાર નીકળતાં એમના ખભા પર હાથ મૂકી બહાર નીકળતો. સવારે કૉલેજમાં પ્રવેશ કરતી વેળા કંપાઉન્ડ અથવા બિલ્ડિંગની લોબીમાં જ્યારે જ્યારે મને મારા વિદ્યાર્થીઓ મળે ત્યારે એમની સાથે હસ્તધૂનન કરતો, ક્ષણિક ઊભો રહેતો અને કોઈ બાબતની ચર્ચા કરતી વેળા વારંવાર એમને સ્પર્શીને હું મારા મંતવ્યો જણાવતો.

સ્પર્શના આ જાદુની એટલી બધી અસર થઈ કે વિદ્યાર્થીઓને મારા પ્રત્યે એક અનોખા વિશ્વાસની લાગણી ઊભી થવા લાગી. ધીમે ધીમે મારા વર્ગમાં ઘોંઘાટ ઓછો થવા લાગ્યો. ઓછા ઘોંઘાટને કારણે મારા વિષયને હું સારી રીતે સમજાવી શકતો. અઢી અક્ષરનો શબ્દ-સ્પર્શ મારામાં અને વિદ્યાર્થીઓમાં એક અભૂતપૂર્વ વિશ્વાસ જન્માવી ગયો. સ્પર્શના આ જાદુની અસર મને પોતાને ત્યારે થઈ કે જ્યારે મારા જન્મદિવસે વહેલો સવારે હું તૈયાર થઈ કૉલેજ જવા નીકળ્યો કે પ્રિન્સિપાલ સાહેબ મારા ઘરના દરવાજા પાસે જ મળી ગયા. મને એ પુસ્તકની ભેટ કરી, મારો હાથ એમના બંને હાથમાં દબાવી, એને પંપાળતાં બોલ્યાં : ‘મિત્ર, મેં આ પુસ્તક ફકત વાંચ્યું જ હતું, પણ તમારા દ્વારા હવે મેં અનુભવ્યું છે.’ અને પછી હળવેકથી મારા ખભાઅ પર હાથ મૂકીને કહ્યું : ‘આજે સાથે જ કૉલેજ જઈએ. તમે તૈયાર છો ને ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકગીતોમાં દાંપત્યજીવન – પ્રા. ડૉ. રમેશ મહેતા
ડોરિસ લેસિંગ – ચંદ્રિકા થાનકી Next »   

11 પ્રતિભાવો : અઢી અક્ષરનો શબ્દ – ગિરીશ ગણાત્રા

 1. Ami says:

  જાણીતી વાત જુદા સ્વરુપે ફરી આવી … પેલુ “મુન્નાભાઈ એમ.બી.બી.એસ” ની યાદ અપાવી …

 2. Manali says:

  ખુબ જ સરસ લેખ. સ્પર્શ ચિકિત્સા જાદુ કરે જ તે આ લેખ દ્વારા સાબિત થયુ…

 3. priyank soni,kalol. says:

  ઘણોજ સારો પરિચય આપ્યો પ્રેમનો.પ્રેમ મા જે સક્તિ છે એ બિજા સેમાય નથી.

 4. pragnaju says:

  ગિરીશનો અનુભવ ધર્મ શાસ્ત્રોનો સાર કહી ગયો…
  તેથી તો કબીર સાહેબે કહ્યું,
  ”પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,
  ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.” તેમાં
  ”ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
  અઘટ પ્રેમ હી હ્રદય બસે, પ્રેમ કહીએ સોય.”
  તો જીવન પણ સુંદર થઈ જાય અને
  અમારા ભગવતીભાઈએ લખ્યું છે
  તેમ
  “અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે,
  ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે”.

 5. ભાવના શુક્લ says:

  એક વખત રિસેસ પછીનો ફ્રી પિરિયડ હતો ને અચાનક પ્રિન્સિપાલનુ તેડુ આવ્યુ કે ધોરણ ૧૧ મા પ્રોક્સી કરશો. હુ તો ગઈ મારા મુડ પ્રમાણે… પ્રોક્સી હોવાથી મારો ભણાવવાનો મુડ ના હતો છતા, થોડિવાર ટેબલ પાસે ઉભી રહિ અને ચેર મા બેસવા જતી હતી ત્યા બે-ત્રણ વિદ્યાર્થીઓ ઉભા થઈ મને બોલાવી અને નિખાલસતા પુર્વક વિદ્યાર્થી વર્ગ સાથે ચર્ચા કરવી મને ગમતી તેથી પરીક્ષાનિતિ કે પદ્ધતિ કેટલી વ્યવહારૂ છે તેના પર અને કેમેસ્ટ્રીના પ્રેક્ટીકલ મા પડતી વિવિધ મુશ્કેલીઓ એમ બે વિષયો પર ચર્ચા ચાલતી રહી. મને ધીરે ધીરે લાગ્યુ કે વર્ગમા કઈક અજુગતુ ચાલે છે. કઈક વાત કે વસ્તુ છે. કારણકે ચર્ચા છેડનારા જ પુરતો રસ લઈ શકતા ન હતા ને અંદર અંદર બહુ ધીમી ચર્ચા કોઇક અન્ય વિષય પર ચાલી રહી હતી. સહસા મને હાથ અને પગ ઉપર ખજવાળ આવવી શરૂ થઈ અને તુરત જ ખ્યાલ આવી ગયો કે હમ્મ્મમમમમમ…તો એમ વાત છે. મારી પરિસ્થિતિ અસહ્ય બની. અપમાન અને અવહેલનાની કોઇ હદ ના રહી. છતા મક્કમ રિતે વર્ગ લેવાનો ચાલુ રાખ્યો. સામાન્ય રિતે મારી ગણના સિનિયર સિન્સિયર શિક્ષક તરીકે થતી. વિદ્યાર્થીવર્ગ ને પ્રિય હતી કે નહી ખબર નહિ પરંતુ મારા કાર્યથી સંતુષ્ટ રહેતા. મારી સાથે નિખાલસતાથી કોઇપણ વિષય પર ચર્ચા કરીલેતા. આજનો મારાપર કરવામ આવેલ પ્રયોગે મારા કોન્ફિડન્સને તાર તાર કરી મુક્યો. વર્ગ પુરો થયો ત્યા પટાવાળા ભાઈ ફરી સંદેશો લઈ આવ્યા કે બહેન તમારે અહિ જ વર્ગ ચાલુ રાખવો તેવી પ્રિન્સિપાલશ્રીની સુચના છે. હવે મારો બંધ તુટી ગયો અને આઘાત, ગુસ્સો અને કરુણા સાથે આંખમા પાણી ખાળવા સાથે ચેર પર બેસી જવા પાછળ ફરી અને ત્રણ વિદ્યાર્થીઓ પગ પાસે બેસી ગયેલા જોયા. એક નુ મો ઉચુ કર્યુ તો મારી આંખનુ પ્રતિબિંબ જાણે… મન સમજાયુ નહી કે મારા અશ્રુઓ આમ ત્યા કેવી રીતે પ્રોક્સી કરે છે? વાત એટલીજ હતી કે મારો વર્ગ હતોજ નહી… આ મસ્તીનો પ્રયોગ ઓરિજનલ જેનો પિરિયડ હતો તેના પર હતુ. આતો રિસેસમા મારા સહશિક્ષકને અચાનક ઘરે જવાનુ થયુ ને વર્ગ લેવાનો મારે આવ્યો અને ભોગ હુ બની. હદતો ત્યારે વટી ગઇ કે જેણે મસ્તી કરી હતી તેને બાકીનો પ્રયોગ પોતાના પર કરી અને જાતે જ દંડ કર્યો. શુ કહિયે આને… કેવા પ્રકારનો પ્રેમ… પાછળથી એમ પણ જાણવા મળ્યુ કે બસ મે જરાપણ ગુસ્સો ના કર્યો કે પુછ પરછ પણ ના કરી તે વાતેજ મસ્તીખોરોના મનમા પસ્તાવાનુ ઝરણુ વહાવ્યુ અને જે અનેકવાર સમજાવટ કે શિક્ષા દ્વારા શક્ય ના બનત તે માત્ર મૌન રહેવા અને સહી જવાથી બન્યુ…….પ્રેમને પુરાવાની મોહતાજી શાની વળી!!!!!!!!!

 6. Hiral Thaker 'Vasantiful' says:

  સાવ સાચિ વાત્. મને યાદ છે જ્યારે હુ સાતમા ધોરણમા હ્તી ત્યારે મારા એક ગણીત ના શિક્ષિકા અમને બેટા કહિ સમ્બોધતા….એ સહુથિ વધુ ગમ્તુ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.