ડોરિસ લેસિંગ – ચંદ્રિકા થાનકી

[‘હલચલ’ સામાયિક માંથી સાભાર.]

જે મહિલાએ જીવનની 87 વસંતો જોઈ લીધી હોય અને જીવનની અનેક હાડમારીઓ વેઠી લીધી હોય તેના માટે કોઈ પણ ઘટના નવી નવાઈની ન હોય, પણ જો એ મહિલા ખ્યાતનામ બ્રિટિશ લેખિકા ડોરિસ લેસિંગ હોય તો વાત જુદી જ બને.

બ્રિટિશ લેખિકા ડોરિસ લેસિંગને તેમના જન્મદિનના થોડાક દિવસ પહેલાં જ સાહિત્યના નોબેલ પારિતોષિક માટે પસંદ કરાયાની જાહેરાતથી મોટી ભેટ બીજી કોઈ ન હોઈ શકે. 2007ની 22મી ઓક્ટોબરે ડોરિસ 88 વર્ષનાં થઈ ગયાં છે. નોબેલ પારિતોષિકના 106 વર્ષના ઈતિહાસમાં ડોરિસ સૌથી મોટી ઉંમરનાં પારિતોષિક વિજેતા બન્યાં છે. તે સાથે તેઓ સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર 11માં અને સમગ્રતયા નોબેલ પારિતોષિક મેળવનાર 34માં મહિલા બન્યાં છે. રસપ્રદ વાત એ છે કે આ ઉંમરે પણ ડોરિસનું લેખનકાર્ય ચાલુ જ છે. 1949માં તેમણે લખવાનું શરૂ કર્યું હતું એ વાતને આજે લગભગ છ દાયકા થવા આવ્યા છે, પણ તેમની લેખની અટકવાનું નામ નથી લેતી. ડોરિસે છેલ્લી અડધી સદીથી જે લખ્યું છે અને વિશ્વભરમાં તેની જે રીતે નોંધ લેવાતી રહી છે તે પછી એ વાતનું તો કોઈ મહત્વ રહેતું નથી કે ડોરિસે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી.

1919માં ઈરાનના ખેરમનશાહમાં જન્મેલાં તથા રોડેશિયામાં વિતાવેલ બાળપણની સ્મૃતિઓ ધરાવતાં ડોરિસ લેસિંગ બ્રિટિશ માતા-પિતાનું સંતાન છે. 2007ના વર્ષે સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમને મળવું એ એક મહત્વની ઘટના લેખાય છે. પાંચ દાયકાથી પણ વધુ સમયથી સતત લેખનકાર્ય સાથે સંકળાયેલાં ડોરિસને આ પારિતોષિક 1962માં પ્રગટ થયેલી તેમની ત્રીજી નવલકથા ‘ધ ગોલ્ડન નોટબુક’ ને ધ્યાનમાં રાખીને એનાયત કરાયું છે. જોકે ડેરિસ તો તેમની પહેલી નવલકથા ‘ધ ગ્રાસ ઈઝ સિંગિંગ’ થી જ ચર્ચામાં આવી ગયાં હતાં. તેમની ખૂબ ચર્ચાસ્પદ બનેલી નવલકથા ‘ધ ગોલ્ડન નોટબુક’ ને નારીવાદી નવલકથા તરીકે જોવામાં આવે છે. નોબેલ પારિતોષિક આપતી અકાદમીએ ડોરિસને વિભાજિત સંસ્કૃતિનાં વિભિન્ન બિંદુઓને પોતાના લેખનના માધ્યમથી સશક્ત ઢંગે નિરૂપતાં લેખિકા તરીકે ગણાવ્યાં છે.

ડોરિસને સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ત્યારે તેઓ બજારમાં ખરીદી કરી રહ્યાં હતાં. ગયા વર્ષે જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયું હતું એ હેરોલ્ડ પિન્ટરની જેમ ડોરિસને પણ તેમના આક્રમક લેખન માટે પારિતોષિક અપાયું છે. ડોરિસના લેખનનો પ્રભાવ કેવો છે તેનો ખ્યાલ એટલા પરથી પણ આવી જશે કે 1956માં દક્ષિણ આફ્રિકામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ લદાયો હતો તે 1995 સુધી જારી રહ્યો હતો. વીતેલાં વર્ષોમાં વિવેચકો ડોરિસ પર હંમેશાં નારીવાદી, સામ્યવાદી, વિજ્ઞાનકથા, આત્મકથાત્મક અને સૂફીવાદી લેખિકા તરીકે લેબલ લગાવવાના પ્રયાસો કરતા રહ્યા છે. જો કે આ બધાં લેબલોને ડોરિસ ધરમૂળથી ફગાવતાં રહ્યાં છે. ખરેખર તો ડોરિસના લેખનમાં એક વિકાસયાત્રા નિહાળી શકાય છે. અને તે કોઈ એક વિચારસરણી સાથે બંધાઈને રહ્યા નથી. નારીવાદી આંદોલનોથી તેમનો મોહભંગ થયો, પણ તેમની લેખનયાત્રા સતત જારી રહી અને નવા નવા અનુભવો તેમના લેખનમાં પરિલક્ષિત થતા ગયા. નારીમુક્તિ આંદોલનોના માધ્યમથી જે જોયું તેમાંથી તેમને ઘણું શીખવા મળ્યું.

ડોરિસે જીવનનાં સત્યોને નજીકથી નિહાળ્યાં છે. તેમના પિતા બૅંકમાં કારકુન હતા. માતા પ્રશિક્ષિત નર્સ હતાં. ડોરિસનો જન્મ થયો ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. તેમના પિતાએ એ યુદ્ધમાં ભાગ લેતાં પગ ગુમાવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌનિક તરીકે ભાગ લઈને તેમના પિતા ઘાયલ થયા હતા. માતાએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે લશ્કરમાં નર્સ તરીકે ફરજ બજાવી હતી. પિતાએ એ પછી ફરી બેંકમાં નોકરી કરવા માંડી હતી, પણ મૂળ ખેડૂત પિતા પોતાના પરિવારને લઈને રોડેશિયા (હાલનું ઝિમ્બાબ્વે) જતા રહ્યા હતા અને ત્યાં મકાઈની ખેતી શરૂ કરી હતી.

ડોરિસે 13 વર્ષની ઉંમર સુધી હરારેની એક કોન્વેન્ટમાં અભ્યાસ કર્યા બાદ નર્સ, આયા વગેરે જાતજાતનાં કામ કર્યાં હતાં. સ્વધ્યાય અને અનુભવને આધારે જ તેમણે પોતાનું આંતરિક વિશ્વ વિસ્તાર્યું હતું. તેમનું બાળપણ અને કિશોરાવસ્થા ખાસ્સા સંઘર્ષમાં વીત્યાં હતાં. એક બાજુ તો પરિવારની આર્થિક સંકડામણ અને બીજી બાજુ રૂઢિચુસ્ત વિચારો ધરાવતાં માતા સાથેનો કલેશ. આ કલેશનું મૂળ કારણ તો એ હતું કે નાનપણથી મુક્ત વિચારો ધરાવતાં ડોરિસ કદી તેમનાં માતાના રૂઢિચુસ્ત વિચારો સાથે મેળ બેસાડી શક્યાં નહોતાં. ડોરિસને શાળાનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો તેનું કારણ પણ તેમના મુક્ત વિચારો જ હતાં. જેમજેમ સમજણ વિકસતી ગઈ તેમ તેમ ડોરિસ તેમની આસપાસની દુનિયામાં શોષણ અને અન્યાય જોઈને કકળી ઊઠતાં. રોડેશિયામાં મહિલાઓ પરના દમન અને રંગભેદને કારણે દક્ષિણ આફ્રિકાના નાગરિકોના નારકીય જીવનના અનુભવોએ ડોરિસને હચમચાવી દીધાં હતાં. એવું માનવામાં આવે છે કે ડોરિસે તેમની નવલકથાઓમાં જીવનનાં આ જ સત્યોને ઉજાગર કર્યા છે.

ડોરિસની કલમમાંથી જીવનના અનુભવ મુખર થઈને પ્રગટ થવા માંડ્યા અને એક પછી એક લગભગ 80 નવલકથાઓ, નાટકો, વિજ્ઞાનકથાઓ અને રાજકીય પ્રતિક્રિયાઓને હિંમતભેર વ્યક્ત કર્યા. 19 વર્ષની ઉંમરે ડોરિસે ક્રેન્ક વિસડમ સાથે લગ્ન કર્યા હતાં અને બે બાળકોની માતા બન્યાં હતાં, પણ 1943માં તેમનું લગ્નજીવન પડી ભાંગ્યું હતું. દરમ્યાન ડોરિસ સોશિયાલસ્ટ બુક કલબના માધ્યમથી સામ્યવાદ તરફ ઝૂક્યાં. એ અરસામાં જ ગોટફીલ્ડ લેસિંગ સાથે તેમનાં લગ્ન થયાં. આ દાંપત્યજીવનના પરિપાક રૂપે તેઓ એક બાળકનાં માતા બન્યાં, પણ તેમનું લગ્નજીવન ઝાઝું ટકી શક્યું નહિ. છૂટાછેડા બાદ ડેરિસ પોતાના નાના પુત્ર સાથે 1949માં લંડન આવીને સ્થાયી થયાં અને હંમેશ માટે લંડનવાસી થઈ ગયાં. ડોરિસને રોડેશિયામાંના વસવાટ દરમ્યાન રંગભેદ અને લિંગભેદ વગેરેના જે અનુભવો થયા હતા એ તેઓ કદી ભૂલી શક્યાં નહિ. તેની સક્ષમ અસર 1950માં પ્રગટ થયેલી તેમની પહેલી નવલકથા ‘ધ ગ્રાસ ઈઝ સિંગિંગ’માં જોવા મળે છે. તેમાં તેમણે એક ગોરી માલિકણ અને અશ્વેત નોકર વચ્ચેના સંબંધો નિરૂપ્યા હતા. ‘ધ ગોલ્ડન નોટબુક’ માં પણ એક નારી પોતાની શરતે જીવવા ઈચ્છે છે. સમીક્ષકો આ નવલકથાઓને એક રીતે ડોરિસના જીવનના સંઘર્ષોની અભિવ્યક્તિ જ માને છે.

ડોરિસના લેખનનો વ્યાપ અસીમિત છે. તેઓ આત્મકથાત્મક નવલકથાઓ પણ લખે છે, નારીશોષણના વિરુદ્ધ અવાજ પણ ઉઠાવે છે અને સાથોસાથ રોડેશિયાના રંગભેદ અને દક્ષિણ આફ્રિકાના દુષ્કાળની ભયાનકતાને પણ ભૂલતાં નથી. રસપ્રદ વાત તો એ છે કે પરંપરાગત શિક્ષણને લાગેવળગે છે ત્યાં સુધી ડોરિસ હાઈસ્કૂલ પણ પાસ નથી, તે છતાં વિશાળ કેનવાસ પર લખવાની હિંમત ધરાવે છે. 1999માં પ્રગટ થયેલી તેમની નવલકથાના કેન્દ્રમાં તો દક્ષિણ આફ્રિકાનો દુકાળ જ છે. ખરી વાત તો એ છે તે ડોરિસ પોતાની જાતને કોઈ એક વાદ પૂરતી બાંધી રાખવાને બદલે સમગ્ર માનવતા માટે સમર્પિત લેખિકા માને છે. નોબેલ પારિતોષિક મળ્યું તે પહેલાં ડોરિસને સંખ્ય પારિતોષિકો અને સન્માન મળી ચૂક્યાં હતાં.

નોબેલ પારિતોષિક પેટે તેમને પંદર લાખ ડોલર એનાયત કરાશે. આ પહેલાં અનેક એવોર્ડ મેળવી ચૂકેલાં ડોરિસ નોબેલ પારિતોષિક અંગે કહે છે કે, ‘મેં યુરોપનાં તમામ પારિતોષિકો મેળવ્યાં છે, પણ આ ઉંમરે નોબેલ પારિતોષિક મળવું એ ખૂબ મોટી વાત છે અને હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અઢી અક્ષરનો શબ્દ – ગિરીશ ગણાત્રા
વિચારપ્રેરક વ્યક્તિત્વ – સંકલિત Next »   

13 પ્રતિભાવો : ડોરિસ લેસિંગ – ચંદ્રિકા થાનકી

  1. ભાવના શુક્લ says:

    ડોરીસજીને અભિનંદન અને હૃદયપુર્વક આવી હસ્તીઓને અને તેમના યોગદાન ને પ્રણામ.

  2. Hetal says:

    Very nice way to describe woman.

  3. pragnaju says:

    પ્રેરણાદાઈ ડોરિસ લેસિંગની વાત વિગતે જણાવવા બદલ ચંદ્રિકા થાનકીને ધન્યવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.