- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વિચારપ્રેરક વ્યક્તિત્વ – સંકલિત

[1] પ્રૌઢોના પેટનો ખાડો પૂરવા….

ભારતમાં હજારો લોકો માટે ખુલ્લી જમીન તેમની પથારી અને આકાશ તેમની ચાદર હોય છે. તેઓ કચરાટોપલીમાં જે વધેલું-ઘટેલું નાખ્યું હોય છે એ ફેંદીને પેટમાં પધરાવીને પેટ ભરતાં હોય છે. પશુથી પણ બદતર દશામાં જીવતા માનવીઓની અવદશાથી સમાજના અન્ય કોઈ દ્રવિત થયા હોય કે નહીં, પરંતુ ક્રિષ્ણન ચોક્કસપણે થયો છે.

એક જમાનામાં ફાઈવસ્ટાર હોટેલમાં શેફનું કામ સંભાળનાર કૃષ્ણન રસ્તે રઝળતા લોકો પ્રત્યે આંખમીંચામણાં કરવાની જગ્યાએ કંઈક કરી છૂટવા પ્રેરાયો. આ કારણસર પાંચ વર્ષ અગાઉ ફાઈવસ્ટાર હોટેલને ટાટા-બાય બાય કહીને કૃષ્ણને એક બિનસરકારી સંસ્થાની શરૂઆત કરી. 32 વર્ષના કૃષ્ણને પોતાની તગડો પગાર તથા માનમરતબો આપતી નોકરીને રામ-રામ કરીને મદુરાઈમાં રસ્તે રઝળતા લોકોના પેટનો ખાડો પૂરવાની પ્રવૃત્તિ શરૂ કરી. આ સંદર્ભમાં કૃષ્ણન જણાવે છે કે ‘એક દિવસ મેં પ્રૌઢ વ્યક્તિને તેના જ નકામા થયેલા અંગ ખોતરીને પેટનો ખાડો પૂરતા જોયો. એ જોઈને મારું હૃદય દ્રવી ઊઠ્યું. તાબડતોબ બાજુની હોટેલમાં જઈને તેના માટે ઈટલી સાથે અન્ય ત્રણચાર વાનગી લઈ આવ્યો. તમે માનશો નહીં, એટલી ઝડપથી મેં આજપર્યંત કદી કોઈને ખાતા જોયા નથી. વધુમાં ભોજનના કોળિયા ભરતી વખતે તેની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. અલબત્ત, એ હર્ષાશ્રુ હતાં.’

અક્ષય ટ્રસ્ટના સ્થાપક કૃષ્ણનના જણાવ્યા મુજબ તે જેમને ખોરાક પ્રદાન કરે છે, એ પૈકી મોટા ભાગના લોકો માનસિક રીતે વિકલાંગ છે. તેઓ મોંમાંથી એક પણ હરફ ઉચ્ચાર્યા વગર ચૂપચાપ ભોજન આરોગી લે છે. કૃષ્ણન પોતાના રસોઈઘરને ‘અક્ષય ટ્રસ્ટ’ તરીકે સંબોધે છે અને હંમેશાં નિતનવી વાનગીઓ બનાવવા માટે સારા રસોઈયા પણ રાખ્યા છે.

આ સંબંધમાં તે લોકોને સણસણતો પ્રશ્ન પૂછે છે કે ‘શું તમે કદી વધેલો ભાત કે કચરાટોપલીમાં નાખવામાં આવેલો ખોરાક ખાશો ?’ જો પ્રશ્નનો ઉત્તર નકારાત્મક હોય તો હું શા માટે મારી જેવા જ અન્ય માનવજીવને પણ એ આપું. કૃષ્ણન હંમેશાં સ્થાનિક દાતાઓના સંપર્કમાં રહે છે, જેઓ મોટા ભાગે વર્ષગાંઠ કે તિથિ કે તહેવાર નિમિત્તે ગરીબ-ગુરબાંઓના પેટનો ખાડો પૂરવા માટે સ્વેચ્છાએ નાનીમોટી રકમનું દાન આપવા તૈયાર હોય. એ રકમમાંથી કૃષ્ણન સેવાભાવી પ્રવૃત્તિ ચલાવે છે. (http://www.akshayatrust.org/)

[2] આઈ.આઈ.એમની વિદ્યાર્થીનીએ પગારની ઑફર ફગાવી.

પૈસા કરતાં સંગીતને વધુ વહાલું ગણતી એક યુવતીની અજોડ વાત છે કે જેણે સંગીતના શોખ માટે અમેરિકન બેન્કની 1 કરોડ રૂપિયાના પગારની નોકરીની ઑફર ફગાવી દીધી છે.

બૅંગલોરની ઈન્સિટટ્યૂટ ઑફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની 25 વર્ષીય માનસી પ્રસાદે ન્યૂયોર્કમાં ઈન્ટર્નશીપ કર્યા બાદ તેને અમેરિકન ગોલ્ડમેન સાસની રૂપિયા એક કરોડના પગારની નોકરીની ઑફર થઈ હતી પરંતુ માનસીના મનમાં કંઈક બીજું જ હતું. તેણે એ ઑફરને ફગાવી દીધી અને કહ્યું કે પોતે બૅંગલોરમાં જ નોકરી કરી રહેવા માંગે છે, કે જેથી પોતે નોકરીની સાથે સાથે કર્ણાટકી સંગીત અને ભરતનાટ્યમ શીખી શકે. સંગીત ક્ષેત્રે માનસીની પ્રથમ ગુરૂ તેની માતા તારાપ્રસાદ હતી. હાલમાં માનસી સ્થાનિક સંગીતકાર ગુરૂ પાસે તાલીમ લઈ રહી છે. તે કહે છે કે, પોતે ચાર વર્ષની નાની વયથી જ સંગીત પ્રત્યે આકર્ષાયેલી હતી અને ઘણી સિદ્ધિઓ મેળવેલી છે.

માનસીના અત્યાર સુધીમાં 10 મ્યુઝિક આલ્બમ પ્રકાશિત થયાં છે. તાજેતરમાં મીરામાધુરી આલ્બમ પ્રસિદ્ધ થયેલ છે. માનસીએ ભારત તેમજ સિંગાપુર, અમેરિકા અને યુરોપમાં સંગીત અને નૃત્યના કાર્યક્રમો આપેલાં છે. એક અખબારને આપેલી મુલાકાતમાં માનસીએ કહ્યું હતું કે, પોતે બૅંગ્લોરમાં એક સંગીત શાળા સ્થાપવા માંગે છે. કર્ણાટકી સંગીતની મૂળ પરંપરાને જાળવી રાખવા તે આઈ.આઈ.એમ. જેવી સંગીત સંસ્થા સ્થાપવા માંગે છે. પોતાની ભવિષ્યની યોજના વિશે તે કહે છે કે, આઈ.આઈ.એમ.માં ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ તેના જ્ઞાન સાથે પોતાની સંગીત સર્જનકલાનો સમન્વય સાધી તે કંઈક વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માંગે છે.

[3] નિષ્કામ કર્મયોગી યશોદા – હેમલતા માધવરાવ

[‘સ્ત્રી’ સામાયિક માંથી સાભાર.]

યશોદા એક ધોબણ, માત્ર પાંચ ચોપડી ભણેલી. દાદી માંદા પડતા શાળા છોડી દીધી અને પાછળથી તેમનું કામ પણ ઉપાડી લીધું. રાત-દિવસ એક જ કામ ! કપડાં ધોવા ઈસ્ત્રી કરવી અને ઘેર-ઘેર પહોંચાડવા. તેના કડક ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી યુવાનો વટબંધ કૉલેજ જતા. સ્ત્રીઓ લગ્ન કે પાર્ટીઓમાં મહાલતી પણ એ બધું જોવાનો કે માણવાનો યશોદા પાસે સમય જ નહોતો. બસ કામ, કામને કામ !

નાનકડાં ઝૂપડાંમાં રહેતી યશોદા સમય વહેતાં એકલી પડી ગઈ. કામના બોજ હેઠળ લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એકલો અટૂલો જીવ કામ કરતો રહ્યો. તેની જરૂરિયાતો બહુ ઓછી હતી તેથી વધારાનો પૈસો બૅંકમાં જમા થતો ગયો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ 80 વર્ષની ઉંમરે ભેગી કરેલી પાઈ પાઈની કિંમત રૂ. 1 લાખ 50 હજાર જેટલી થઈ ગઈ. એકવાર બૅંકરે તેને પૂછ્યું : ‘આ પૈસાનું શું કરવું છે ?’
‘આટલા બધા છે ? તેની જરૂર તો મને ક્યારેય પડવાની નથી.’ ધોબણે ભોળાભાવે કહ્યું.
‘તો તારી શું ઈચ્છા છે ?’ બૅંકરે પૂછ્યું, ‘તારા નામે કોઈ ભણે આગળ આવે તો તને ગમે ?’
‘કેમ ના ગમે ? હું તો નિશાળે ના ગઈ, પણ કોઈ ગરીબ પણ હોંશિયાર હોય તે ભલેને ભણે… આગળ આવે…’
‘તો અહીંથી પાસે જ વિદ્યાપીઠ છે તેને દાન આપીશ તો કોઈ ગરીબ વિદ્યાર્થીનું જીવન સુધરશે. તારી બક્ષિસનો લાભ…’ બૅંકર બોલે જતા હતા.
‘મારી હયાતીમાં હું જોઈ શકીશ.’ ધોબણ ઉત્સાહથી બોલી અને ઊમેર્યું, ‘બોલો ક્યારે જઈશું ?’

ભલી ભોળી ધોબણના સીધા સવાલથી બેન્કર પણ દિગ્મૂઢ બની ગયા. બૅંકર તેને લઈને પ્રિન્સિપાલને મળવા ગયા ત્યારે તે બિચારી બહાર ઊભી રહી. કોઈએ તેને અંદર પણ બોલાવી નહીં. બૅંકરની વાત સાંભળી પ્રિન્સિપાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સન્માન સાથે તેને અંદર તેડી લાવ્યા. એક ધોબણ અને રૂ. 1 લાખ 50 હજારનું દાન ! વાત વાયુવેગે પ્રસરી ગઈ. રિપોર્ટરો તેને મળવા આવ્યાં. તેની મુલાકાત છાપવાની ઈચ્છા સેવનાર તેની સાદાઈથી-ગરીબાઈથી અચંબામાં પડી ગયા. સ્કોલરશિપ મેળવવાની ઈચ્છા રાખનારની લાઈન તેની ઝૂંપડી બહાર દેખાવા લાગી. એની વાત વાંચતા એક વેપારીને શરમ લાગી કે આટલી ગરીબ સ્ત્રી આટલું બધું આપી શકે તો હું કેમ સ્વસ્થ બેસી શકું ? તેણે પણ બરાબરીનું દાન કર્યું અને યશોદા ફાઉન્ડેશનની સ્થાપના થઈ. તેના દ્વારા દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી રહી છે.

નિસ્વાર્થી, નિષ્કામ કર્મયોગી ધોબણે જાતે ગરીબ રહીને પોતાના સર્વસ્વનું દાન આપી દીધું. બદલામાં તેને શું મળ્યું ? તેની એક જ ઈચ્છા હતી કે તેણે આપેલી ગિફટનો ઉપયોગ કરી જે વિદ્યાર્થી સ્નાતક થાય તેના કોન્વોકેશનમાં હાજરી આપી તેને પદવી ગ્રહણ કરતાં જુએ અને સંતોષ અનુભવે. કેટલો પવિત્ર જીવ ! આજે તેની ગિફટનો લાભ પામેલી પહેલી વિદ્યાર્થીની સ્મિતાએ યશોદાને જાણે મા તરીકે દત્તક લીધી છે. સ્મિતા જરૂરી સામાન ખરીદી લાવી તેની ઝૂંપડીને સજાવી રહી છે. સુખદુ:ખમાં સાથ આપી રહી છે.

યશોદાના પવિત્ર આત્માને કોઈની-કશાની જરૂર નથી. પણ આવા નિષ્પાપ જીવની સંભાળ લેવાની પ્રેરણા ઉપરવાળાએ કોઈને આપી છે. એ શું ઓછું છે ?