મનનો અભિગમ – સુરેશ દલાલ

કેટલાક માણસો એવા હોય છે કે જે બગીચામાં જાય છે ત્યારે એને હર્યાભર્યા ફૂલો ન દેખાય, પણ એમની નજર પહેલી કાંટાઓ પર પડે. આવા માણસો જીવનમાં નકારાત્મક વલણ લઈને જીવતા હોય છે. આવા માણસો માટે એમ કહેવાય છે કે રડતો જાય ને મોકાણના સમાચાર લાવે. માણસ પોતે શું માને છે, જીવન પ્રત્યેનો એનો અભિગમ કેવો છે એના પર એની સફળતા, નિષ્ફળતા કે એની નિયતિનો આધાર હોય છે. મૂળ તો માણસને જીવનમાં રસ અને શ્રદ્ધા હોવી જોઈએ. આ જીવન જીવવા જેવું છે એની એને પ્રતીતિ હોવી જોઈએ.

સવારના સૂરજ ઊગે અને એ જાગે ત્યારે પહેલો વિચાર જો એમ કરે કે છેવટે તો રાત પડવાની જ છે ને, તો આ વિચાર માત્રથી એ દિવસ જેવા દિવસને, દિવસની સુષમા અને ઉષ્માને, દિવસની સક્રિયતાને ગુમાવી બેસશે. એક જણે તો એટલે સુધી કહ્યું છે કે જો તમે સતત માંદગીના વિચાર કર્યા કરો તો માંદા પડ્યા વિના રહેશો જ નહિ. તમારા શરીરની પાછળ તમારું મન છુપાયું છે. તમને પોતામાં શ્રદ્ધા હોવી જોઈએ. વિલિયમ જેમ્સે એટલે સુધી કહ્યું કે મારી પેઢીની મોટામાં મોટી શોધ એ છે કે માત્ર મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગીને બદલી શકો છો.

મનનો અભિગમ બદલવો એટલે શું ? આ દુનિયામાં બધું જ બૂરું છે અને કશું સારું જ નથી એવા વિચારથી જિવાય નહીં. દષ્ટિ એવી સૃષ્ટિ એ ઉક્તિ સાર્થક છે. હું મારી આંખ પર નેગેટિવ એટિટ્યૂડના – નકારાત્મક વલણના ગોગલ્સ પહેરું તો મને આખું જગત નકારવા જેવું લાગશે. જગત આપણે માનીએ છીએ તેવું સાંકડું અને સીમિત નથી હોતું. જગત તો અરીસા જેવું છે. અરીસા સામે તમે જીભ કાઢીને ઊભા રહો તો તમને એવું જ પ્રતિબિંબ મળશે. અરીસા સામે તમે સ્મિત સાથે ઊભા રહો તો તમારી આંખ સામે સ્મિતભર્યો ચહેરો આવશે. તમે સ્વાર્થી હો અને જગત નિ:સ્વાર્થ હોય એ કઈ રીતે બની શકે ? તમને તમારા સુખ વિશે પણ પૂરતી સ્પષ્ટતા હોવી જોઈએ. મોટા ભાગના માણસોને જીવનમાં શું જોઈએ છે એનો પણ કોઈ ખ્યાલ નથી હોતો. ખ્યાલ વિના જીવતા માણસો કાં તો સંત કે ઓલિયા હોય, પણ આવા માણસો વિરલ હોય છે. માણસો શ્વાસ લે છે, પણ જીવતા નથી. એમને ક્યાંય સૌંદર્ય લાગતું નથી. ક્યાંય સુખ નથી લાગતું. નરી બેચેનીથી જીવતા હોય છે. હોઠ પર હોય છે રાવ-ફરિયાદ, અકળામણ અને વિસામણ. એક અંગ્રેજી કહેવત છે કે જે લોકો મુસીબતોને શોધતા હોય છે એ લોકો પાસે મુસીબત આપમેળે આવે છે.

માણસ માટે કશું અશક્ય નથી. શક્ય કરવાનો એની પાસે સંકલ્પ અને પુરુષાર્થ હોવો જોઈએ. મારી પાસે પૈસા નથી. એને જ હું રડ્યા કરું તો એનો અર્થ એવો થયો કે મારી પાસે કામ કરતા બે હાથ છે એનું હું હડહડતું અપમાન કરું છું. માણસ પાસે હકારાત્મક વિચાર હોવો જોઈએ, જેને આપણે પોઝિટિવ થિન્કિંગ કહીએ છીએ. દોષદેખુઓને તો સ્વર્ગમાં પણ દોષ દેખાશે એવું ચિંતક થોરોએ કહ્યું હતું. જેની પાસે હકારાત્મક વલણ છે એ રણમાં ઝાંઝવાંને જોશે નહીં, પણ રણમાંથી પણ ક્યાંક ઝરણ શોધી કાઢશે. વિચાર એટલે માત્ર એક જ વિચાર. વિચારોનું ટોળું નહીં. એક જ વિચાર તે સ્પષ્ટ વિચાર. હું જે પરિસ્થિતિમાં મુકાયો છું એ પરિસ્થિતિને સ્વીકારીને એને કઈ રીતે બદલી શકું ? કોઈ પણ પરિસ્થિતિ બેઠાં બેઠાં બદલાતી નથી. માણસે ઊભા થવું જોઈએ. યોગ્ય દિશામાં ગતિ કરવી જોઈએ. આપણી અપેક્ષા શું છે અને કેવી છે એના વિશે જાણી લેવું જોઈએ. આ અપેક્ષાને કઈ રીતે પહોંચી વળીશ, એનો એની પાસે પોતાનો અંદાજ હોવો જોઈએ. એમ કહેવાય છે કે અંતે તો માણસ જેમ વિચારે છે એ જ થાય છે. આ વિચારો આપણા શત્રુઓ અને મિત્રો જેવા છે. જો હકારાત્મક વલણ હોય તો તે મિત્રની ગરજ સારે છે.

નિષ્ફળ થયેલો માણસ બેઠાં બેઠાં પોતાની નિષ્ફળતાને વાગોળ્યા કરે. બીજાની સફળતાની ઈર્ષ્યા કરે. એ કદી કશું કરી શકતો નથી. મારે શિલ્પ કંડારવું હોય તો મારી પાસે પથ્થર હોવો જોઈએ અને શિલ્પીની નજર હોવી જોઈએ.

જો તમે એમ જ કલ્પો કે રાતના અંધકારમાં મને ભૂત દેખાશે તો ભૂત હોય કે ન હોય, પણ તમારા મનનું ભૂત એક ભ્રમણા ઊભી કરશે અને તમે ભયભીત થઈને, ધાબળો ઓઢીને, ટૂંટિયું વાળીને સૂવા માટેનાં વલખાં માર્યા કરશો. એક બાજુથી એમ કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય છે એટલે કે મૂળભૂત માણસ કદીય બદલાતો નથી અને બીજી બાજુ એ પણ હકીકત છે કે માણસ જો પોતાના કૅમેરાનો એંગલ બદલે, એને ક્યાંક હકારાત્મક વલણ પર સ્થિર કરે તો એ ધારેલું, સુધારેલું પરિણામ અવશ્ય લાવી શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્યાંનું શું વખણાય ? – સંકલિત
ભાઈને હાથે માર – જુગતરામ દવે Next »   

21 પ્રતિભાવો : મનનો અભિગમ – સુરેશ દલાલ

 1. અતુલ જાની (આગંતુક) says:

  માણસો શ્વાસ લે છે, પણ જીવતા નથી.

  સુરેશભાઈ, બહુ માર્મિક ટકોર કરી – હ્રદય સોંસરવી ઉતરી ગઈ બાપ !

 2. Pragnaju Prafull Vyas says:

  સુરેશભાઈએ -પોઝિટિવ થિન્કિંગ અંગે સહેલાઈથી સમજાય તે રીતે લખ્યું છે. મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગીને બદલી શકો છો!
  સાંપ્રત સમયની તાતી જરુરીઆત જેવા આવા બીજા પણ લેખો આપવા વિનંતિ

 3. gopal h parekh says:

  મળેલી કે આવી પડેલી પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર એના જેવું બીજું એકેય સુખ નથી એ સુરેશભા ઇની વાત સમજાય જાય તો પછી નંદ ઘેર આનંદ ભયો

 4. devarshi says:

  It’s really very nice article…I think everyone should follow this rite?

 5. jitendra says:

  JITENDRA

  THIS IS VERY GOOD THORGHT

 6. jitendra says:

  JITENDRA

  THIS IS VERY GOOD THORGHT.

  THIS IS TEXT EVERY THORHT IS VERY GOOD.

  JITENDRA
  AT-SAKARIYA
  DIS-VADODARA

 7. Hemendra says:

  ગાગરમા સાગર…જેવિ આલોચના…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.