- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ભાઈને હાથે માર – જુગતરામ દવે

મીર આલમ નામે એક પઠાણ દક્ષિણ આફ્રિકામાં રહેતો. ગાદલાંગોદડાં ભરાવી વેચવાં અને તેમાંથી ગુજરાન મેળવવું એ એનો ધંધો હતો. આ મીર આલમને ગાંધેજીની ઠીક પિછાન હતી. કામકાજ પડતાં એ તેમની સલાહ લેતો અને તેમનું માન રાખતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત આદરી હતી તેમાં આ પઠાણ રસ લેતો.

હવે બન્યું એવું કે સત્યાગ્રહ કરતાં ગાંધીજી અને બીજા ઘણા હિંદીઓ બહાદુરીથી જેલમહેલમાં ગયા. આખરે સરકાર નમી અને સમાધાન થયું. કેટલાકને સમાધાન ગમ્યું નહીં. મીર આલમને પણ ન ગમ્યું અને ગાંધીજી ઉપર તેને ગુસ્સો ચડ્યો. એ દેશમાં એક ઘણો જ ખરાબ અને અપમાનજનક કાયદો થયો હતો. આપણા લોકોએ બધાએ સરકારી પરવાના કઢાવવા અને તેમાં દશ આંગળાની છાપ આપવી. તે સાથે લઈને જ ફરવું; પરવાનો પાસે ન હોય તેને સજા થાય ! આવો તે કાયદો હતો. હિંદીઓએ એ કાયદા સામે સત્યાગ્રહ ઉપાડ્યો હતો. સમાધાની એવી થઈ કે જેની ખુશી હોય તે પરવાના કઢાવે. ન કઢાવવા હોય તેને ન કઢાવવાની છૂટ.

સત્યાગ્રહની જીત થઈ. સરકારે ગાંધીજીને જેલમાંથી છોડી મૂક્યા. બીજા બધા સત્યાગ્રહીઓને પણ છોડ્યા પછી જીત ઊજવવા સભા ભરાઈ. સભામાં મીર આલમે ઊભા થઈને કહ્યું : ‘આમાં આપણી કઈ જીત થઈ ? પરવાના કઢાવવા તો રહ્યા જ ને ?’
ગાંધીજીએ સમજાવ્યું : ‘જેને ન કઢાવવા હોય તેને માટે છૂટ છે જ. તમે ભલે ન કઢાવશો.’
‘અને આપ ?’
‘હું તો સૌથી પહેલો કઢાવીશ અને દશ આંગળાં આપીશ.’
‘લોકોને વહેમ છે કે તમે સરકાર પાસેથી લાંચ ખાધી છે.’
‘એવું મારે માટે કોઈ ન માને.’
‘ઠીક છે, પણ હું ખુદાના કસમ ખાઈને કહું છું કે જે કોઈ પરવાનો કઢાવવા પહેલો જશે એને હું ઠાર કરીશ.’ ગાંધીજીએ કહ્યું : ‘ભાઈને હાથે હું આનંદથી મરીશ, પણ સત્ય નહીં છોડું.’

આ વાતને ત્રણેક માસ થઈ ગયા. પરવાના કઢાવવાની તારીખ આવી. ગાંધીજી અને બીજા આગેવાનોએ સૌથી પહેલાં પરવાના કઢાવવા જવું એમ સંતલસ કરી રાખી હતી. મીર આલમ સભામાં ખાધેલા કસમ ભૂલી ગયો ન હતો. ક્રોધે ભરાઈને તે મનમાં બોલ્યો : ‘જોઉં છું એ કેવા પરવાના કઢાવે છે !’ આમ કહી બેત્રણ પઠાણ દોસ્તોની સાથે તે રસ્તામાં ઊભો રહ્યો. રસ્તામાં ગાંધીજી નીકળ્યા. પહેલાં તો એમને મળે ત્યારે મીર આલમ સલામ ભરીને માન બતાવતો, પણ આજે તેણે સલામ ન ભરી. ગાંધીજીએ તેની આંખ પારખી, તેમાં ખૂન હતું, જાણ્યું કે આજે કંઈક નવાજૂની થવાની હતી. પઠાણે સલામ ન કરી તો ગાંધીજીએ પોતે જ કરી અને પૂછ્યું : ‘કૈસે હો ?’
તેણે ગુસ્સામાં માથું નમાવી કહ્યું : ‘અચ્છા હૈ.’
વખત થયો એટલે ટોળી પરવાના કઢાવવા ચાલી. મીર આલમ અને એના દોસ્તોય પાછળ પાછળ ચાલ્યા. થોડું છેટું રહ્યું ત્યાં મીર આલમ ગાંધીજીને પડખે ચડ્યો ને બોલ્યો : ‘કહાં જાતે હો ?’
‘દશ આંગળાં આપી પરવાનો કઢાવવા. તમારે આવવું હોય તો તમે પણ ચાલો. તમારે આંગળાં આપવાની જરૂર નથી.’ આટલું બોલ્યા ત્યાં તો પાછળથી ગાંધીજીની ખોપરી ઉપર ડંડાનો સખત ફટકો પડ્યો. તેઓ પહેલે જ ફટકે બેભાન થઈને પડ્યા. બેભાન થયા પછી પણ પઠાણોએ લાકડીઓ અને પાટુઓનો માર માર્યો. ગાંધીજી સાથે બીજા આગેવાન હતા, તેમને બચાવ કરવા જતાં માર પડ્યો. મારીને પઠાણો નાઠા, પણ રસ્તે જનારાઓએ તેમને પકડી પોલીસને સ્વાધીન કર્યા.

બેભાન સ્થિતિમાં જ લોકોએ ગાંધીજીને ઉપાડી નજીકના ઘરમાં લઈ જઈ સુવાડ્યા અને સારવાર કરી. તેમનો હોઠ ચિરાઈ ગયો હતો, દાંતને ઈજા થઈ હતી અને પાંસળીઓમાં દર્દ થતું હતું. થોડી વારે ભાન આવ્યું ત્યારે ગાંધીજીએ પહેલો જ સવાલ કર્યો કે : ‘મીર આલમ ક્યાં છે ?’
સારવાર કરનારે કહ્યું : ‘તમે આરામ કરો, એને અને એના ગોઠિયાઓને પોલીસે પકડ્યા છે.’
‘નહીં, નહીં. એ લોકોને તરત છોડાવવા જોઈએ.’ એમ કહી તેમણે પોલીસના વડાને પત્ર લખી ભલામણ કરી કે આ પઠાણ ભાઈઓને સજા થાય એવું હું ઈચ્છતો નથી; તેમને છોડી દેવાની મારી વિનંતી છે. આ ભલામણનું માન રાખી પોલીસે મીર આલમ અને તેના સાથીઓને છોડી મૂક્યા. જોકે પાછળથી ગોરા લોકોએ ટીકા કરી તેથી પોલીસે તેમને ફરીથી પકડ્યા અને છ માસની સજા કરાવી. આ મારને પરિણામે ગાંધીજીના આગલા દાંત ગયા. એ ખાડો તેમના મુખનો સુંદર અલંકાર છે. તે સત્ય પાળતાં મળેલો છે, ભાઈએ આપેલો છે અને પ્રેમથી ઝીલેલો છે.

આ કથાનો ખરો ભાગ તો હવે આવે છે.
દક્ષિણ આફ્રિકાની સરકારે પોતાનું વચન પાળ્યું નહીં એટલે ગાંધીજીએ ફરીથી લડત આપી. લોકોને ખબર આપી દીધી કે સરકારે દગો કર્યો છે. બધાએ ફરીથી સત્યાગ્રહ કરવાનો હતો, બધાએ રાજીખુશીથી પરવાના કઢાવ્યા હતા તે ભેગા કરીને તેની હોળી કરવાની હતી. માટે જેમણે લડતમાં ભળવાનું હતું તેમણે પોતાના પરવાના મોકલવાના હતા. લોકો ગાંડા ગાંડા થઈ ગયા. ગાંધીજીને ત્યાં પરવાનાઓનો વરસાદ થયો.

હોળી કરવાનો દિવસ નક્કી કર્યો. તે દિવસે મોટી સભા ભરી અને સભાની વચમાં પરવાનાઓનો ઢગલો કર્યો. ગાંધીજીએ પૂછ્યું : ‘બોલો ભાઈઓ, સૌએ રાજીખુશીથી પરવાના બાળવા આપ્યા છે ને ?’
‘હા જી. રાજીખુશીથી આપ્યા છે ને.’
‘હજુ કોઈને પાછા લેવા હોય તો કહેજો.’
‘ના, ના. અમારે પાછા નથી જોઈતા.’
‘જો જો, લડત સહેલી નથી, જેલમાં જવું પડશે.’
‘કાંઈ ફિકર નહીં, હોળી કરો.’
એટલામાં એક પઠાણ સભામાંથી ઊભો થયો. ‘ગાંધીભાઈ, લો આ મારો પરવાનો પણ બાળો. મારા ગુના માટે મને માફ કરો. મેં આપને ઓળખ્યા નહોતા. આપ ખરેખરા બહાદુર છો !’ આ પઠાણ તે બીજો કોઈ નહીં, પણ આપણો મીર આલમ જ !

ગાંધીજીએ તેનો હાથ જોરથી દબાવ્યો. આખી સભા તાળીઓના ગડગડાટથી ગાજી રહી અને ગાંધીજીએ ગ્યાસતેલ છાંટી પરવાનાઓની હોળી કરી. ત્યારથી મીર આલમ ગાંધીજીનો ભક્ત બન્યો અને ગાંધીજી ન ઈચ્છે તો પણ તેમનો અંગરક્ષક થઈ સાથે રહેવા લાગ્યો.