શોપિંગ મૉલની સફરે – મૃગેશ શાહ

‘ચલો ઊઠો…. આમ રજાના દિવસે પણ ઊંઘણશીની જેમ શું ઊંઘ્યા કરો છો ?’ સુધાએ ચાદર ખેંચતા કહ્યું.
‘શું આમ દર રવિવારની સવારે મંડી પડે છે ? તમે લોકો ભેગા થઈને મારી ઊંઘ પૂરી જ નથી થવા દેતા. તેના લીધે મારે દુકાનના કામમાં ગોટાળા થાય છે. એક વાર એક ગ્રાહકને મેં આવી કાચી ઊંઘમાં જ સિંગતેલની જગ્યાએ સરસીયાનું તેલ પધરાવી દીધું હતું.’ મેં મોં મચકોડ્યું.
‘તમારી ઊંઘ ક્યા દિવસે પૂરી થાય છે ? કામના દિવસે પણ ઊંઘવાનું અને રજાના દિવસે પણ ઊંઘવાનું ! પણ આજે હું એ નહિ ચલાવી લઉં.’ સુધાએ હુકમ છોડ્યો.
‘કેમ આજે શું છે ? પેલો મહમદ તઘલખ પાછો આવ્યો કે શું ? એની સાથે હું કોઈ જગ્યાએ નથી જવાનો સમજી લે જે…..’ મેં આંખો ચોળતા કહ્યું.
‘ચૂપ રહો…… મારા ભાઈને મહમદ તઘલખ નહીં કહેવાનું. બિચારો કેટલો હોંશિયાર છે. થોડો નાદાન છે તો શું થયું ?’
‘નાદાન ? એનો જગતમાં જોટો જડે એમ નથી. ભાજી મંગાવો તો કોથમીર લઈને આવે એવો છે. પેલા દિવસે મેં એને કીધું કે આ કોમ્પ્યુટરનું કી-બોર્ડ બરાબર સાફ કરી આવ. એમાં તો એણે કી-બોર્ડ ખોલ્યું, તેની સર્કીટ કાઢી અને બાથરૂમમાં જઈને સાબુના પાણીએ ઘસી ઘસી ધોવા બેઠો ! બોલો ! મારું તો આખું કી-બોર્ડ જ પૂરેપૂરું સાફ કરી નાખ્યું !’
‘મેં તમને નહોતું કહ્યું એ જે કામ કરે એ પૂરું જ કરે !….’
‘હેં…?..હેં ?…’
‘હવે તમે એની વાત છોડો…. હું એમ કહેતી હતી કે આજે મમ્મી આવી છે અને રવિવાર છે તો સાંજે આપણે બધા સાથે નવો મૉલ જોવા જઈએ. આમ પણ આપણા શહેરમાં આ પહેલો મૉલ ખૂલ્યો છે અને રેખા કહેતી હતી કે બહુ જ સરસ છે.’ સુધાએ અવાજમાં નમ્રતા ધારણ કરીને કહ્યું.

‘ગામ આખામાં રેખા ફરે અને અહીં ખિસ્સા મારા ખાલી થાય છે. એનું નામ ‘રેખા’ ની જગ્યાએ ‘વર્તુળ’ હોવું જોઈતું હતું. વર્તુળની જેમ બધે ગોળ ગોળ ફર્યા કરે છે. ફરતી હોય તો ભલે ફરે, પણ બધી વાતો તને કહેવાની શું જરૂર છે ? ચોક્કસ એ મૉલવાળાએ એને કમીશન આપ્યું હશે.’ મેં ડોળા કાઢી કહ્યું.
‘તમે આડીઅવળી વાતો કર્યા “હા” કે “ના” બોલો ! તમે નહીં આવો તો હું, મારી બહેન રચના, ચીન્ટુ અને મમ્મી એકલાં જઈશું.’
‘તો તો થઈ રહ્યું. કાલે છાપામાં પહેલા પાને તમારા ચારેય જણનો ફોટો છપાશે અને નીચે લખ્યું હશે કે – આ ચારેય જણ દૂરથી આવતા દેખાય તો તમારી દુકાનનું શટર પાડીને તુરંત રફુચક્કર થઈ જજો….’
‘બસ… બસ….., બહુ થયું. હવે હું છેલ્લી વાર કહું છું કે તમે…..’
‘હા બાપા હા, આવીશ જ ને. આવ્યા વગર છૂટકો છે ? આમ પણ મેનેજર કેશિયર વગર શું કરે ?’ મેં નમતું ઝૂકયું અને તુરંત સુધાને જાણે વ્હાલનું પૂર ઊમટી પડ્યું. મારા ખભે હાથ મૂકીને કહે : ‘તમે કેટલા સારા છો ! મને ખાત્રી જ હતી કે તમે હા પાડશો….’
‘બસ….બસ, હવે ખોટા મસકા નહીં મારવાના…. તમે લોકો રસોડાના કામ પતાવો હું પરવારીને મદનને મળવા જાઉં છું. બપોરે ચાર વાગે નીકળીશું. બધા તૈયાર થઈને રહેજો.’ કહેતા હું સીધો બાથરૂમ તરફ ગયો.

ઘડિયાળમાં પાંચના ટકોરા પડ્યા.
‘સુધા… ઓ સુધા…. ક્યાં ગયા બધા ?’
‘શું છે જમાઈરાજ ? સુધા તૈયાર થાય છે… બસ હમણાં આવે જ છે….’ સાસુમાએ પ્રવેશ કર્યો !
‘હમણાં હમણાં કરતાં કલાક થઈ ગયો. આ શું સાસુમા ? તમે કેમ આજે આટલી ભારે સાડી પહેરી છે ? આપણે મૉલ જોવા જવાનું છે… કોઈના લગ્નમાં નહીં.’
‘એ તો મનેય ખબર છે પણ રેખા કહેતી હતી કે બહુ મોટો મૉલ છે. ત્યાં તો બહુ મોટા લોકો સારા કપડાં પહેરીને આવે એટલે ભારે કપડાં પહેરીને જજો. ગોદડીમાં નાખવાના સાલ્લા પહેરીને કંઈ શૉપિંગ મૉલમાં ન જવાય !’
‘આ રેખા છે ને કોઈ દિવસ મારા હાથમાં આવી જોઈએ. એને રેખામાંથી હસ્તરેખા ના કરી દઉં તો મારું નામ નહીં !’, મેં દાંત ભીંસીને ફરી બૂમ મારી, ‘સુધા…. હજી કેટલીવાર ?’ એટલામાં તો સોળે શણગાર સજીને સુધા અને રચના બેઉ જણ બહાર આવ્યા. ઘરમાં જાણે કોઈ ફિલ્મના શુટિંગમાં જવાનું હોય એવો માહોલ હતો. નાનકડો ચીન્ટુય સફારીસુટ પહેરીને તૈયાર થઈ ગયો હતો.

મોડે મોડે છ વાગ્યે અમારી સવારી શોપિંગ મૉલના દરવાજે પહોંચી. ભપકાદાર પ્રવેશદ્વાર, ઝળહળતી લાઈટોનું ડેકોરેશન, અદ્યતન વસ્ત્રોમાં સુસજ્જ માણસોની ભીડ વગેરેથી અંજાઈને બધા આંખો ફાડીને જોઈ રહ્યાં. સુધા તો ઉત્સાહમાં ડગ માંડતા અમારાથી આગળ પ્રવેશદ્વાર પાસે પહોંચી. ત્યાં તો પાછળથી બૂમ પડી…
‘બેન… ઓ બેન….’
સુધાએ ચમકીને પાછળ જોયું તો સિકિયોરીટીવાળો સુધાને બૂમ પાડીને બોલાવી રહ્યો હતો.
‘બહેન, આ થેલી અહીં કાઉન્ટર પર જમા કરાવો… અંદર નહીં લઈ જવાય…’
‘અલ્યા, પણ હું થેલી અંદર નહીં લઈ જઉં તો બધું મારા માથે મૂકીને લાઈશ ?’ સુધાએ બાફયું ! એટલે મેં વચ્ચે પડીને સુધાને સમજાવ્યું ‘સુધા, આ મૉલ છે. અહીં થેલી અંદરથી આપે. આપણે કોઈ ચિંતા નહીં કરવાની.’
‘અને જો ના આપી તો…’
‘સુધા….’ આજુબાજુ ઊભેલાઓને ખબર ન પડે એમ મેં દબાયેલા ગુસ્સાભર્યા અવાજે સુધા સામે રાતી આંખે જોયું એટલે સુધાએ ન છૂટકે થેલી કાઉન્ટરવાળા ભાઈના હાથમાં આપી અને બધાના દેખતા જ પોતાની સલાહ ઠોકી દીધી : ‘જો જો હોં… મારી થેલી ખોવાય નહીં. એક હજાર રૂપિયાની ખરીદી દિવાળી પર કરી ત્યારે આ એક થેલી માંડ માંડ મળી છે !…’ આજુબાજુમાં બધા સુધાને જોઈ રહ્યા.

મૉલની અંદર પગ મૂકતાં તો જાણે બધા સ્વર્ગમાં પહોંચી ગયા.
‘મમ્મી… કેવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે…’ ચીન્ટુ બોલી ઊઠ્યો.
‘બહુ મોટી દુકાન લાગે છે…’ સાસુમાએ ચશ્મા સરખાં કરીને ખૂણે ખૂણે નજર ફેરવી.
‘હું તો મારું બધું શૉપિંગ અહીંથી જ કરીશ.’ રચનાએ એની મમ્મીનો હાથ પકડતાં કહ્યું.
‘જો મેં કહ્યું હતું ને કે રેખા જે કહે એ ખોટું હોય નહીં. કેવી સરસ દુકાન છે.’ સુધાએ પોતાનો સુર પૂરાવ્યો.
‘તમે બધા દુકાન દુકાન શેની કરો છો. આ મૉલ છે. દુકાન નથી યાર….’
‘એ બધું સરખું જ અવે. તમે ચૂપ બેસો !’
‘તમે લોકો કદી સુધરવાના નહીં. આ બધા લોકો અહીં આવે છે એમની વાતચીત કરવાની રીત જોઈને કંઈક શીખો…. અને…’ હું આગળ બોલું એ પહેલાં સુધા હારબંધ ગોઠવેલા ડ્રેસિસના વિભાગ પાસે પહોંચી ગઈ. તેને જતી જોઈ પાછળ ચિન્ટુએ દોટ મૂકી અને પગ સરકી જતાં ધડામ દઈને પડ્યો. એમાં સાસુમાએ જોરથી બૂમ પાડી : ‘અલ્યા ચીન્ટુડા, ધમાલ ઓછી કરને….’ સાસુમાનો એક અવાજ સાંભળીને આગળ પાછળ જતા લોકો સ્તબ્ધ થઈ ગયા. મને થયું કે આ ટોળકીને હું વળી અહીં ક્યાં લઈ આવ્યો ? અત્યારે આ હાલ છે તો આગળ શું થશે ?
‘સાંભળો છો ? જરા અહીં આવો ને…’
‘હા બોલો… શું છે ?’
‘આ લાલ કલરનો ડ્રેસ કેવો લાગે છે જુઓ તો જરા….’
‘બહુ સરસ હોં સુધા. તું રાત્રે આ ડ્રેસ પહેરે ને તો આપણે આખા ઘરમાં નાઈટલેમ્પની જરૂર જ ના પડે !’
‘સીધું બોલો ને ? અચ્છા તમને લાલ રંગ ના ગમતો હોય તો આ પોપટી રંગનો જુઓ…’
‘મને ગમવા ન ગમવાથી શું છે ? મારે થોડો પહેરવાનો છે ?’
‘જુઓને… આવું શું કરો છો… એક તો દિવાળી પછી મેં કંઈ જ ખરીદી કરી નથી અને પેલી રેખા તો…’
‘બસ, રેખાની વાત નહીં… વાતે વાતે આખું ઘર શું રેખાને લઈને મંડ્યા છો. ?!’ મેં કહ્યું.
‘તમે મારી એક વાત સાંભળતા નથી. આ ડ્રેસ કેવો છે કહો ને !’
‘સરસ છે. તને ગમતો હોય તો ચોક્કસ લે જે.’ મેં સાક્ષીભાવે કહ્યું.
‘ઓ ભાઈ….. હેલ્લો…..’ સુધાએ સેલ્સમેનને બૂમ મારી.
‘હવે એનું શું કામ છે તારે ?’
‘એનો ભાવ પૂછવો પડશે ને…’
‘સુધા, અહીં દરેક ચીજવસ્તુના ભાવ લખેલા હોય… તું આ સ્ટીકર છે એની પર વાંચ.’
‘ઓ માડી રે… આ તો રૂ. 1800 છે….’
‘હા તે હોય જ ને. આ મૉલ છે. તારી મંગળબજારની ખખડધજ દુકાન નથી.’
‘પણ તોય આટલો બધો ભાવ ?’
એટલામાં પેલો સેલ્સમેન આવી પહોંચ્યો…. ‘Yes madam, may I help you ?’
‘આની કિંમત જરા કહેશો ?’
‘ફક્ત રૂ. 1800 મેડમ.’
‘રૂ.600 માં આપવો છે ?’ સુધાએ ફરી બાફ્યું.
‘હેં ?’ પેલો સેલ્સમેન બાઘો બનીને મારી સામે જોઈ રહ્યો. મારે કોની સામે જોવું એ સમજાયું નહીં એટલે મેં સુધાને ચીમટો ભરીને બાજુ પર ખસેડતાં કહ્યું : ‘બોલવાનું કંઈ ભાન છે ? અહીંયા ભાવ કરવાનો ના હોય. આ મૉલ છે. જરાક તો સમજ… મેં તને પહેલા કહ્યું હતું કે આ તારા મંગળબજારની ખખડધજ દુકાન નથી.’
‘પણ આટલો બધો ભાવ શાનો ?’
‘એ તું આ ઠંડી હવા ખાય છે, આ લોકોને તારી માટે ખડે પગે ઊભા રાખ્યા છે ને એનો.’
‘તેં એનાં આપણે શેના આપવાના ?’
‘એ બધું એવું જ હોય. એ તને નહીં સમજાય…’
‘બળ્યું ત્યારે… મારે નથી લેવો આવો મોંઘો ડ્રેસ.’ સુધાએ મોં બગાડ્યું.
હું સુધાને સમજાવતો હતો ત્યાં સાસુમા મોંમાંથી ચોકઠું બહાર કાઢી હાથમાં હલાવતા આવી પહોંચ્યા.
‘હું એમ કહેતી હતી જમાઈરાજ કે….’
‘આ શું છે ?’
‘ચોકઠું છે ?’
‘તે ? આ મૉલમાં તમારે ચોકઠું બદલાવાનું છે ?’ મેં તેમની હરકતોથી રોષે ભરાઈને કહ્યું.
‘એ તો મને નવરાશની પળોમાં ચોકઠું કાઢવા-નાખવાની ટેવ છે.’
‘સાસુમા…. તમારી ટેવોનું જરાક તો ભાન રાખો. આ આજુબાજુ કેવા લોકો ઊભા છે અને તમે જાણે હોરર ફિલ્મનો સીન ચાલતો હોય એમ ચોકઠા કાઢ્યે રાખો છો…. આ મૉલ છે. અહીં એવું બધું સારું ન દેખાય. નાખો ચોકઠું તમારા મોઢાની દાબલીમાં !’
‘નાખું છું અવે. એમાં આટલી બૂમો શેની પાડો છો… અમને શું ખબર કે મૉલ માં શું કરાય ને ન કરાય ? એવું કોઈ જગ્યાએ લખ્યું છે કે અહીં ચોકઠા કાઢવા નહીં ?…..’
‘હેં….તે હવે તમારા જેવા માટે એ પણ નોટિસ મરાવવી પડશે કે અહીં ચોકઠા કાઢવા નહીં !!’
‘હવે એ બધું છોડ. મને એ કહે કે આ ઉપર શું દેખાય છે ?’ સાસુએ પહેલા અને બીજા માળે દેખાતી દુકાનો તરફ આંગળી ચીંધીને કહ્યું.
‘ઉપર જુદી જુદી વસ્તુઓના બીજા વિભાગો છે.’ મેં કહ્યું.
‘તે ઉપર શું મળે ?’
‘સાસુમા, ઉપર બાળકોના, જેન્ટસના, લેડિઝના કપડાંનાં અને અન્ય જુદા જુદા વિભાગો હોય.’
‘મારા રોયાઓ, ઉપર શેની દુકાનો રાખતાં હશે. અહીં બધું નીચે એક જગ્યાએ રાખતા હોય તો.’
‘એ એવું જ હોય સાસુમા…’
‘તે ચલો ને આપણે બધા ઉપરનુંય જોઈ આવીએ….’ સાસુમાના ઉત્સાહમાં જાણે વધારો થયો અને ઓછું હોય તેમ રચનાએ ટહુકો પૂર્યો : ‘હા મમ્મી, ચલો ને…. મારે જીન્સ અને ટોપ લેવા છે એ તો અહીં દેખાતા જ નથી….’

ફરતાં ફરતાં ટોળકીએ હવે પહેલ માળે જવાની ઈચ્છા વ્યક્ત કરી. બધા પગથિયાં પાસે આવી પહોંચ્યા એટલામાં સાસુમાએ સુધાનો હાથ પકડ્યો.
‘બેટા… મને કંઈક થાય છે.’
‘જુઓ જુઓ… મમ્મીને કંઈક થાય છે…’ સુધાએ હાંફળા બનીને મારું ધ્યાન દોર્યું. હું એકદમ ગભરાયો. હવે અહીં સાસુમા કંઈક ઉપાધી કરશે તો બધાની ભેગી રીલ ઉતરશે. એમને લઈને હવે મારે ક્યાં દોડવું ? આ ચીન્ટુને સાચવવો સારો પણ આ સાસુમા તો…. ત્રાસ છે યાર…’
‘શું થાય છે સાસુમા ?’ મેં હમદર્દીથી પૂછ્યું.
‘બેટા… મને ચક્કર જેવું લાગે છે….’
‘આમ અચાનક ચક્કર ?’ હું ગભરાયો.
‘બી. પી. લો થઈ ગયું હશે મારા ભઈલા…’ સાસુમા તો જાણે મરણપથારીએ પડ્યા હોય એમ બોલતા હતા. મને કંઈક ગરબડ લાગતા મેં ફરી સાસુમાને પૂછ્યું : ‘આમ ખરેખર શું થાય છે એ કહો ને…’
‘ભઈલા, આ દાદરો સામે ગોળ ગોળ ફરતો હોય એવું દેખાય છે.’
મેં મારું કપાળ કૂટ્યું…. ‘સાસુમા, એ દાદરો ગોળ ગોળ જ ફરે છે. તમને જે દેખાય છે ને એ જ બધાને દેખાય છે એટલે હવે સુધાનો હાથ છોડીને ટટ્ટાર બનીને ચાલો…’ સાસુમા જાણે યમદ્વારથી પાછા ફર્યા હોય એમ સ્ફૂર્તિથી મારી સામે જોઈને બોલ્યા : ‘તે હેં, આ તે કેવું ?’
‘એ એવું સાસુમા. એને “એસ્કલેટર” કહેવાય.’
‘તે ચાલો ને આપણે એ એક્સીલેટરમાં જઈએ….’ સુધાએ અંગ્રેજીનો કૂચો કરી નાખ્યો.
‘ “એક્સીલેટર” નહીં સુધા એને “એસ્કલેટર” કહેવાય….. એની પર ઊભા રહો એટલે આપોઆપ ઉપર ચઢી જવાય….’ હું મારું વાક્ય પૂરું કરું ત્યાં તો ચીન્ટુ દોડતો આવીને ઍસ્કલેટર પર ઊભો રહીને ઉપર પણ પહોંચી ગયો. સુધાને લઈને રચના ઉપર ચઢી અને મારા ભાગે આવ્યા સાસુમા !

હવે સાસુમાએ જાત જાતના ખેલ શરૂ કર્યા : ‘મારા રોયા, આ તો હારું બંધ જ નથી થતું. આની પર પગ કેમ નો મૂકવો ?’
‘તમ તમારે આંખ મીંચીને પગ મૂકી દો. લાવો હું તમારો હાથ પકડું છું.’ મેં કહ્યું.
‘ના. અહીં પેલા વોચમેનને કહે કે આને થોડી વાર બંધ રાખે. હું ઊભી રહું પછી સ્વીચ પાડે.’
‘એમ ના થાય સાસુમા. આ કંઈ ચગડોળ નથી.’
‘અલ્યા પણ જો ને એના પગથિયાં જ જતા રહે છે તો આપણે એની પર કેમનું ઊભા રહેવું.’
‘એ પગથિયાં જતાં નથી સાસુમા, એ એવું જ ફરે.’
‘મને તો બહુ બીક લાગે છે ભૈ’સાબ. મારે નથી જવું ઉપર. હું પડીશ તો ઠેઠ ઊપર પહોંચી જઈશ.’
‘અરે સાસુમા, કંઈ ન થાય. એમાં કશું ગભરાવાનું નહોય.’ મેં હિંમત આપી.
‘ભલે ઠીક. તમે કહો છો તો હિંમત રાખું છું પણ જો મને કંઈ થઈ જાય તો સુધાનો ખ્યાલ રાખજે. ચીન્ટુના બે જોડી કપડા મારે સીવડાવાના છે એ એને આપજે. પડોશમાંથી પ્રેમિલા ખાંડ માંગવા આવે તો ના આપતો. એ બે વાટકી પહેલેથી લઈ ગઈ છે તે હજી આપી નથી ગઈ…. મારી પાછળ ચકલાને ચણ નાખજો….’ સાસુમા તો જાણે સ્વર્ગની સીડી ચઢતા હતા.
મહામહેનતને અંતે મેં સાસુમાનો એક પગ એસ્કલેટર પર મૂકાવ્યો અને ઝપડથી બીજો પગ મૂકાવીને સાસુમાને બેઉ હાથે પકડી લીધાં એટલામાં તો એમણે જોરથી ચીસ પાડી : ‘ઓ માડી… મરી ગઈ રે….’
‘તમને કંઈ નથી થવાનું. જરા ચૂપ રહો ચીસો પાડ્યા વગર…..’ મેં ઘૂરકિયું કર્યું. થોડીક ક્ષણોમાં અમે પહેલા માળે જઈ પહોંચ્યા. લાંબી તરવાની હરીફાઈમાં સ્પર્ધક ભારે મહેનત કરીને સામે કિનારે પહોંચે ત્યારે લોકો તેને સત્કારવા ઊભા હોય તેમ સુધા અને રચના સાસુમાને વેલકમ કરવા ઊભા હતા !

‘ભઈ સા’બ મારે તો હવે ક્યાંય જઉં નથી. હું તો થાકી ગઈ. ચાલી ચાલીને મારા ટાંટિયાની કઢી થઈ ગઈ…’ સાસુમાએ બધાને ઓર્ડર કર્યો.
‘હા મમ્મી અને અહીંયા તો બધાના ભાવ પણ ત્રણગણા છે.’ સુધાએ મોં બગાડયું.
‘હું તો તમને પહેલેથી કહેતો હતો કે મૉલના મોહ રહેવા દો… એ આપણા ખિસ્સાને પરવડે નહીં…પણ ના, તમારે તો બધુ રેખા કહે એમ જ કરવાનું !’
‘કેમ જીજુ એમાં શું ? જીવ્યાથી જોયું ભલું.’ રચના બોલી.
‘એ ભલું કરવામાં હું ભરવાઈ જઉં છું એનું શું ? હવે આ સાસુમાને કોણ નીચે ઉતારશે ? વળી પાછા એ મોટેથી ચીસ પાડશે.’
‘એની ચિંતા તમે છોડી દો. હું મમ્મીને લીફટમાં નીચે લઈ જઈને દરવાજે ઊભી રહું છું. તમે લોકો ઉપર બધું ફરીને ચીન્ટુને લઈને આવો….’ રચનાએ મોટી જવાબદારી ઉપાડી લીધી.

સુધાને અને ચીન્ટુને જુદા જુદા વિભાગો ફેરવી અને બતાવીને આખરે બે કલાકને અંતે કાઉન્ટર પર આપેલી થેલી લઈને અમે લીલા તોરણે મૉલની બહાર નીકળ્યા ત્યારે મને હાશ થઈ. સાસુમા મને આવતો જોઈને બોલ્યા : ‘તે હેં જમાઈ રાજ ! આ આવડા મોટા મૉલ બનાવે અને મોંઘી વસ્તુઓ વેચે તો આપણા જેવા મધ્યમવર્ગ માટે આ મૉલનો ઉપયોગ શું ?’
‘હું પણ એ જ પૂછું છું, આપણા જેવાને શું ફાયદો ?’ સુધાએ ટાપસી પૂરી.
‘આપણા જેવાને એક જ ફાયદો. ઉનાળામાં ત્રણ કલાક મૉલમાં ફરી આવો તો એટલી ગરમી ઓછી લાગે !’ મેં હસીને ચીન્ટુની આંગળી પકડી ચાલતાં ચાલતાં કહ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખના ખજાનાની ચાવી – અવંતિકા ગુણવંત
મોતી વેરાણાં ચોકમાં – રસિકભાઈ ચંદારાણા Next »   

23 પ્રતિભાવો : શોપિંગ મૉલની સફરે – મૃગેશ શાહ

 1. Kunj says:

  Nice and funny short story. Enjoyed!

 2. કૃણાલ says:

  આજ કાલ ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં મોલ બની ગયા છે. રવિવારે લોકોને ફરવા માટેના સ્થળ બની ગયા છે મોલ. વિદેશોમાં મોલની કોઇ નવાઇ નથી કારણ કે ત્યાં ઇન્ડીયાની જેમ ઓપન માર્કેટ કે દુકાનો નથી હોતા. જે લેવું હોય એ મોટા ભાગે મોલમાં કે રિટેઇલ શોપમાંથી જ લેવું પડે. ઇન્ડીયામાં પણ હવે રિટેઇલિંગ ક્ષેત્રમાં અત્યારે ખૂબ સ્કોપ છે. રિલાયન્સના મૂકેશભાઇ હોય કે આદિત્ય બિરલા હોય કે ગોએન્કા હોય કે ફ્યુચર્સ ગ્રુપના કિશોર બિયાની હોય, દરેક જણ મોટા શહેરોમાં પોતાના મોટા રિટેઇલ આઉટલેટ ચાલુ કરી રહ્યા છે.

  આશા રખાય કે આથી આવનાર સમયમાં પ્રતિસ્પર્ધા વધવાથી લોકોને ફાયદો થશે અને વ્યાજબી ભાવે સારી વસ્તુ લોકોને મળી રહેશે. અને હા સાથે સાથે વાતાનૂકુલિત અને ચમક દમક વાળા વાતાવરણમાં ફરવાનો ફાયદો તો ખરો જ.

  લેખની હળવી રમૂજ શૈલી માણવાની મઝા આવી.

 3. dipika says:

  such a hilarious story…

 4. વાહ રે વાહ ગુરુજી ! તમે તો મોલમાઁ સાસુ-વહુ-સગાઁ
  ઉપરાઁત વાચકોને પણ ફેરવ્યા !મજા કરાવી ! ક્યાઁક
  હસાવ્યા ને રમૂજ કરાવી ! પણ પછી ઘેર ગયા કે નહીઁ ?
  ભવિષ્યમાઁ ચેતીને ચાલજો !

 5. sunil shah says:

  સરસ મૃગેશભાઈ..મઝા આવી. બસ આમ જ લખતાં રહેજો.

 6. Mihir shah says:

  “લાંબી તરવાની હરીફાઈમાં સ્પર્ધક ભારે મહેનત કરીને સામે કિનારે પહોંચે ત્યારે લોકો તેને સત્કારવા ઊભા હોય તેમ સુધા અને રચના સાસુમાને વેલકમ કરવા ઊભા હતા”…….
  મને આ વાક્ય વાંચીને ખૂબ હસવુ આવ્યું…… આભાર

 7. મૉલમાં ફરવાની અને હાસ્યલેખ માણવાની મજા પડી…

 8. Maitri Jhaveri says:

  હાહાહા…
  ખરેખર ખુબ મજા આવિ મોલમા ફરવાની….ને હસવાની….
  ઃ)

 9. pragnaju says:

  મેં સુધાને ચીમટો ભરીને બાજુ પર ખસેડતાં કહ્યું : ‘બોલવાનું કંઈ ભાન છે ? અહીંયા ભાવ કરવાનો ના હોય. આ મૉલ છે.
  તમે અહીં હોય તો ૯૧૧ને ફોન કરી આ દુર્વ્યહવારની સજા થાય! અને અહીં તો મોલમાં પણ ભાવ થાય.અમે જાતે સેલ્સ મેનેજરને મળી, રકઝક કરી સસ્તામા ચીજો લીધી છે!
  અમારા મિત્રનાં મોટાભાઈએ તો રોકડામા તદન સસ્તામાં બારગેન કરેલું…
  સખ્ત ઠંડી કે ગરમીમાં રક્ષણ માટે મોલમાં રહેવાનું સુચન થાય. અમે તથા મિત્રમંડળ હાલની કડકડતી ઠંડીમાં સવારનાં મોલમાં-તેના આમંત્રણ પ્રમાણે, ફરવા જઈએ…

 10. meeta soni says:

  મ્રુગેશભાઇ , ઘણી સરસ વાર્તા !!! આપણા વડૉડરા મા જ્યારે BARODA CENTRAL MALL ખુલ્યો ત્યારે આ કિસ્સો ઘણા ઘર મા થયો હશે … તમે ખુબ સુન્દર રીતે વર્ણન કર્યુ….મઝા આવી ગઈ….

 11. mayuri_patel79 says:

  હાસ્ય સાથે મોલનિ સફર મજા આવિ,મોલ મા બધુ એકજ સ્થળે મલિ રહે,આજ કાલ બધા નોકરિ યાત માટૅ સારુ અનુકુલ રહે ,અને ગરમિ મા ટડ્ક મલે;

 12. ભાવના શુક્લ says:

  ખુબ હળવા અને અત્યંત રમુજી શબ્દોમા મધ્યમ વર્ગની વિષમતા છતી કરતો હાસ્યલેખ અને તેમા પણ હ્રદય સમા મંગળબજારની યાદ દેવડાવી માત્ર ૨ વર્ષ પાછળના દિવસો યાદ આવી ગયા.
  વાર્તાની શિરમોર સમી લાઈનો
  …………….
  તે હેં જમાઈ રાજ ! આ આવડા મોટા મૉલ બનાવે અને મોંઘી વસ્તુઓ વેચે તો આપણા જેવા મધ્યમવર્ગ માટે આ મૉલનો ઉપયોગ શું ?’
  ‘હું પણ એ જ પૂછું છું, આપણા જેવાને શું ફાયદો ?’ સુધાએ ટાપસી પૂરી.
  ‘આપણા જેવાને એક જ ફાયદો. ઉનાળામાં ત્રણ કલાક મૉલમાં ફરી આવો તો એટલી ગરમી ઓછી લાગે !’ મેં હસીને ચીન્ટુની આંગળી પકડી ચાલતાં ચાલતાં કહ્યું.
  ……………..
  કેટલુ કહી જાય છે!!! જોકે વડોદરામા સ્વપ્ન નગરી સમા મોલ અને અહિ ન્યુજર્સીના મોલ મા એક સ્વાભાવીક તફાવત આંખે વળગે અને એ સ્ટેટસ સીમ્બોલ…. ન્યુજર્સીના મોલમા ફરવુ એ જીવનની આગવી જરુરીયાત છે અને બરોડાના મોલ માથી બહાર નીકળતા બે જણ સામે ગર્વથી જોવાતુ અને એમા પણ કદા વરસને વચલે દહાડે હાથમા ખરીદાયેલા સામાનની થેલીઓ હોય અને તેના પર આવતા-જતાની સુચક નજર કઈ કેટલોય આનંદ આપતી… અહીતો જલ્દી હીટર ચાલુ કરી કારમા ભરાવ અને ચડાવો થેલા એપાર્ટમેન્ટના પગથિયા ચડીને…. અહી મોલનો આનંદ ક્યા… એ તો બરોડામા જ!!!!!

 13. Jyoti says:

  ના. અહીં પેલા વોચમેનને કહે કે આને થોડી વાર બંધ રાખે. હું ઊભી રહું પછી સ્વીચ પાડે.
  બહુ જ સરસ લેખ …..

 14. […] વિશ્વનો સૌથી ઊંચો એસ્કેલેટર Posted in અવનવું, જાણવા જેવું, તડાફડી by અનિમેષ અંતાણી on December 19th, 2007 તાજેતરમાં આપ મૃગેશ શાહની સાથે શોપિંગ મૉલની સફરે જઈ આવ્યા કેમ ખરુંને? હવે આ વિશ્વનો સૌથી ઊંચો એસ્કેલેટર જોઈને સાસુમાની હાલત શું થશે તે વિચારો… […]

 15. Mohit Parikh says:

  Nice and funny!! enjoyed

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.