મોતી વેરાણાં ચોકમાં – રસિકભાઈ ચંદારાણા

[1] મનનું પાત્ર

મન વિશે ઘણું ઘણું કહેવાયું છે. મનસવિદો અને માનસશાસ્ત્રીઓ પણ એનો તાગ પામી શક્યા નથી. મન ઉપરથી માનસ અને મનુષ્ય શબ્દો ઉદ્દભવ્યા. એ મન, મનમાં જ સમજવા જેવું જણાય છે ને ?

એક શ્રીમંત અને સાધુનું દષ્ટાંત મનનીય છે. એ શ્રીમંત સાધુના કમંડળમાં પોતાની સંપત્તિમાંથી દાન કર્યા જ કરે છે છતાં ગાયબ જ થઈ જાય છે. કારણ કે એ પાત્રને તળિયું જ નથી ! ગર્વ-નિરસન માટે આ પ્રયોગ કરવામાં આવેલો. મનના સુવર્ણ પાત્રને પણ તળિયું હોતું નથી એટલે તે કદી ભરાતું નથી ! વળી, તળિયું ન હોવાથી તેને બેઠક પણ નથી, એટલે એ ગમે તેમ લથડી જાય છે – અડૂક દડૂક છે – દિશા વિહીન છે !

આપણું મન અનેક ઉધામા કરે છે, ઈચ્છિત પ્રાપ્ત થવાની ઘડી આવે છે ત્યાં એ બીજે વળગે છે, આમ શાંતિ પ્રાપ્ત થતી નથી. મનને મારવાનું નહીં, પણ એને સમજીને વાળવાનું ક્યારે ગોઠવીશું ?

[2] એકાંતની સાધના

એકલતા અને એકાંત બન્ને વિપરીત શબ્દો છે. એકલતાને સમજવા માટે પણ એકાંત જરૂરી બને છે. આજે માણસ એકલો બની રહ્યો છે. સમાજમાં એ જીવે છે, વસે છે અને ફેલાયે જાય છે, છતાં એકલતા એને ગ્રસી રહી છે. એકાંત સાધવાની સાધના એ ખોઈ બેઠો છે. માનવી ધારે તો – એવી કલા હસ્તગત કરે તો જરૂર એકાંતને પામે. એકાંત એટલે પોતાપણું અને એકલતા એટલે જુદાપણું !

આજે કોલાહલ, ટોળાશાહી અને દોડ-ધમાલ વધી રહ્યા છે, ત્યારે પોતાની સાથે એકત્વ સાધવું જરૂરી બન્યું છે. આ તાદાત્મય જ હૃદયિક શાંતિ આપી શકે, અને આટલા ઘોંઘાટ વચ્ચે પણ માનવી એકાંત સાધી શકે છે – માણી શકે છે. એકાંત એટલે સ્વદોસ્તી અને એકલતા એટલે દુશ્મનાવટ !

એકલો માનવી અકળાઈ જાય છે. ટી.વી, સિનેમા, રેસ્ટોરાં, કલબ કે માનવ-મિલન વગર એ રહી શકતો નથી, અગર એ વ્યસનોનો કે રમત-ગમતનો ગુલામ બને છે. છતાં એને સાચી શાંતિ પ્રાપ્ત થતી નથી. પોતાની સાથે વાત કરી શકે એટલો એની પાસે સમય નથી – એટલે જ એકાંતની સાધના જરૂરી બની છે. માનવીએ સ્વસ્થ – સ્વમાં સ્થિત થવું એ આજની તાતી જરૂરત છે.

[3] હસતું દર્પણ

‘તમારા આયનાને સ્વચ્છ રાખો’ – સુત્રમાં કેટલું ઊંડાણ રહેલું છે ! કોઈ કવિએ ‘મુખડા ક્યા દેખો દર્પણમેં…’ એટલે જ ગાયું હશે ને ? માત્ર મુખ જ નહીં, અંતરને તપાસતાં રહેવાનું – બાહ્યદર્શન જ નહીં પણ આંતરદર્શન – માંહ્યલો આરસો ! આપણે અરીસામાં નિહાળતી વખતે ડાઘને કાચ પરનો સમજી મોઢું સ્વચ્છ કરવાને બદલે આયનો સાફ કરવા લાગી જઈએ છીએ ને ?

સ્વચ્છ દર્પણમાં, આપણે હોઈએ તેવું પ્રતિબિંબ ઊપસે છે. સુંદર ચહેરો સારો અવશ્ય ભાસે છે, પણ ભીતર કોણ જાણે ? ભીતર કી રામ જાણે ! આ ભીતરનાં રંગો અને પ્રવાહો તો ભીતર જ સમજાય – ઊંડા ઊતરીએ તો ! કેટલો કૂડો-કચરો અને મેલાશ અંદર ભરેલાં પડ્યાં છે અને મહોરું સુંદર સુઘડ અને સ્વચ્છ બનાવીને ફરીએ છીએ, અને નિહાળીએ પણ છીએ ! આપણું બાહ્ય દર્શન સ્થૂળ આરસામાં કરીએ અને પીઠ ફેરવતાં જ એ દર્પણ આપણાં પર હસતું તો નથી ને ?

[4] જીવનમાં ક્યારે ઉતારીશું ?

સૂર્ય સતત પ્રકાશે છે. તમામ સૃષ્ટિને-સચરાચરને જીવન બક્ષે છે – નિર્માણ કાર્ય ચાલુ રાખે છે. ચાંદની અહોનિશ શિતળતાનું પ્રદાન કરે છે. વનસ્પતિને જીવાડે છે. મેઘરાજા અમીધારા વરસાવે છે. એ પહાડ પર, દરિયા ઉપર, સપાટ મેદાનો, ખેતરો કે ખાડાં-ટેકરાં પર પણ વરસે છે. ધરતીને તૃપ્ત કરી હરી-ભરી અને હરિયાળી બનાવે છે. જીવમાત્ર માટે જળના ભંડારો ભરી આપે છે. રંગબેરંગી પુષ્પો પોતાની સુગંધ વહાવ્યાં જ કરે છે – કુદરતનો આ સ્વભાવ છે.

નાનકડું વૃક્ષ, પશુ-પક્ષી, જંતુ કે કોઈ પણ જીવ આ ભર્યા ભંડારમાંથી પોષણ મેળવે છે. પ્રકાશ, હવા-પાણી તમામ તત્વો પ્રદાન કરતું આ કુદરતી ઘટક એક બનીને સહકાર, તાદાત્મય અને સંગઠન દ્વારા સંગઠિત બનીને સંચાલન કરે છે. આ સમર્પણને વૈશ્વિક સંવાદિતા કહી શકાય. આ સમગ્ર એકતાલ સંવાદિતામાં જગતનાં સર્વ તત્વો ભાગ લઈ રહ્યાં છે. બધાં જ સક્રિય છે અને પરસ્પર પૂરક તેમજ ઉપયોગી છે. વિવિધતા હોવા છતાં એક બીજાનો ભાગ બનીને સમગ્ર ઘટકમાં મહાયજ્ઞ દ્વારા એકતાનું પ્રદાન કરી રહ્યા છે.

અન્ય જીવ-સૃષ્ટિની જેમ માનવી પણ આ સૃષ્ટિનો જ એક ભાગ છે. કુદરતનાં આ અસીમ અને અપાર કૃપાનો માનવીએ વિવેક બુદ્ધિથી ઉપયોગ અને ઉપભોગ કરવો ઘટે. કુદરતની આ સમર્પણ અને એકત્વની ભાવનામાંથી પ્રેરણા લઈને એને જીવનમાં ક્યારે ઉતારીશું ?

[5] કંટાળો અને આળસ

આધુનિક યુગને બહુ જ પીડતો હોય તો તે મહારોગ છે – કંટાળો અને આળસ ! માણસ ‘મૂડ’ ગુમાવી દે છે – તેને ક્યાંય ગમતું નથી – કોઈ જ બાબતમાં રસ પડતો નથી – માત્ર નિરાશા… નિરાશા… અને નિરાશા… આ કંટાળો અને નિરાશા એક સહોદરિયાં લાગે છે – બન્ને જોડકાં ! કંટાળામાંથી નિરાશા જન્મે છે અને નિરાશા જ કંટાળો ઊભો કરે છે ! એકની હાજરી બીજાને નિમંત્રી લાવે છે. કહો કે, એક બીજા વગર રહી શકે જ નહીં !

કંટાળો અને નિરાશા લાંબો સમય ચાલુ રહે તો એ માણસને પ્રમાદ અને એદીપણાની ગર્તા તરફ ધકેલે છે, અને પછી તો જીવનના અધ:પતન તરફ ફેંકી દેતાં અનેક પરિબળો પોતાનું કામ કરવા માંડે છે. આ પ્રમાદ વ્યસનો અને લતો, અયોગ્ય વિચારો, ખોટા મોજ-શોખ, હરામી વૃત્તિ, ઈર્ષ્યા, વેર-ઝેર વગેરે અનેક કષાયોને ખેંચી લાવે છે – કંટાળો અને આળસ એના સુંદર આવાસ બની રહે છે.

માનવીની પ્રગતિને રૂંધતા આ રોગને કાબૂમાં લેવા જીવન-મૂલ્યોમાં પરિવર્તન-વૈચારિક ફેરફારો જરૂરી બન્યાં છે. જો જાગૃતિ લાવવામાં નહીં આવે તો ભાવિ ખૂબ જ અંધકારમય ભાસે છે. પોતાની ફરજ-નિષ્ઠા, કાર્ય પ્રતિની રસવૃત્તિ અને માનવ ગુણોના વિકાસ પ્રતિની યાત્રા પુન: શરૂ થાય તો આ માનવ-રિપુઓને મારી હટાવી શકાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શોપિંગ મૉલની સફરે – મૃગેશ શાહ
સર્જન-વિસર્જન – હરકિસન મહેતા Next »   

9 પ્રતિભાવો : મોતી વેરાણાં ચોકમાં – રસિકભાઈ ચંદારાણા

 1. Pragnaju Prafull Vyas says:

  રસિકભાઈ ચંદારાણાએ સરળ રીતે —
  મનને મારવાનું નહીં, પણ એને સમજીને વાળવાનું ,એકાંતની સાધના,માંહ્યલો આરસો
  કુદરતની આ સમર્પણ અને એકત્વની ભાવના,ફરજ-નિષ્ઠા, કાર્ય પ્રતિની રસવૃત્તિ અને માનવ ગુણોના વિકાસની વાત સમજાવી-
  ધન્યવાદ-આવા લેખો અવારનવાર આપવા વિનંતી

 2. Trupti Trivedi says:

  Very useful introgation with self is being explained in these thoughts. Thanks.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.