સર્જન-વિસર્જન – હરકિસન મહેતા

[શ્રી સૌરભ શાહ દ્વારા સંપાદિત અને પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત ‘સર્જન-વિસર્જન’ પુસ્તકમાંથી સાભાર. કલ્પનાશીલ અને ખંતીલા તંત્રી તથા માનવમનની આંટીઘૂંટીને પારખી ગયેલા અદ્વિતિય નવલકથાકાર શ્રી હરકિસનભાઈ મહેતાના ઉતારચડાવભર્યા જીવનકર્મની આ સંઘર્ષગાથાનો આલેખ લેખન-પ્રકાશન-પત્રકારત્વ ઉદ્યોગની ટોચની હસ્તીઓએ આપ્યો છે. ભરપૂર વાચનસામગ્રી સાથે આ પુસ્તકમાં તેમની રંગીન અને બ્લેક ઍન્ડ વ્હાઈટ દુર્લભ તસવીરોનો પણ સમાવેશ થાય છે.]

માનવીના બે સંબંધો ચિરંજીવ ગણાય છે. એક જન્મ આપનાર માતાનો અને બીજો જન્મભૂમિ ગામનો. મા અને ગામ માણસને એક સરખાં વ્હાલાં લાગે છે કારણ કે એ બંને પાસેથી તેને બાળપણથી મુગ્ધાવસ્થા સુધી ભરપૂર માયા-મમતા આપી હોય છે. એકને યાદ કરતાં બીજું આપોઆપ સાંભરી આવે છે.

એટલે જ કોઈ મહુવાનું નામ ઉચ્ચારે ત્યાં હૈયામાં સંભારણનો સમુદ્ર ઉછળવા લાગે છે. માતાનો ખોળો ખૂંદતાં વીતાવેલી શિશુ વયની સંભારણ તો હોતી નથી પણ ગામની શેરીની ધૂળમાં પાડેલી પગલીઓની યાદ પચાસ વર્ષ પછી પણ ગલીપચી જેવી લાગે છે. ચકુભાઈના ખાંચામાં વીતેલું મારું બાળપણ મનના અનેક ખાંચા-ખૂંચીમાં એવું જ અકબંધ સંઘરાયેલું રહ્યું છે.

‘પૂર આવ્યું હાલો નદીએ !’ નો સાદ પડતાં જ લંગોટિયા ભાઈબંધો હારે નદી તરફ દોટ મૂકતા આગલા દિવસે કોરીધાકોર જોયેલી માલણ નદીને ધસમસતાં પૂરનાં પાણીથી બે કાંઠે છલકાયેલી નિહાળીને પહેલો વિચાર એ આવતો કે સવારે પૂર ઓસરી જશે એટલે વૉશિંગઘાટના ધુનામાં ધૂબાકા મારવા દોડી આવશું. લૂગડાં ઉતારી માએ જણ્યા હોય એવા નાગાપૂગા થઈને માલણમાં નહાવા પડવાનું, નાહી લઈએ એટલે સૂરજના તડકાના ટુવાલથી આપમેળે જ ડિલ કોરું થઈ જાય. છીપર ઉપર ભૂતડાના સાબુથી ધોયેલા ચડી-ખમીસ વેકરામાં સુકાઈ જાય ત્યાં સુધી નદી કાંઠે નાગાપૂગા બઘોલા વીણવાનાં અને ભૂખ લાગે એટલે ઘરભણી પાછા ફરવાનું…

પરંતુ બાળપણ એમ દોટ મૂકીને ઘેર પાછા ફરવા દે નહીં. રસ્તામાં સંઘેડિયા બજાર આવે એટલે સંઘેડા પર લાકડાના રમકડાંનો ઘાટ ઘડાતો જોવામાં ચિત્ત ચોંટી જાય. લાકડાના રમકડામાંથી ક્યારેક ઘોડિયે લટકાવવાનો પોપટ આકાર પામતો હોય તો ક્યારેક પાન-સોપારીની રકાબી ઘડાતી હોય. એ કારીગરીની એવી સચોટ અસર મન પર રહી ગઈ છે કે આજે કોઈ સરસ વાર્તા વાંચીને બોલી જવાય છે : વાર્તાનો ઘાટ સંઘેડા ઉતાર જેવો સચોટ છે.

પગ ઉપાડીને ખૂની ખાંચામાં વળીએ એટલે સામેના ચોક પાસે ફરી ઊભા રહી જવાય. તાજિયાના દિવસોમાં ચોકમાં ખોદેલા ખાડામાં ધગધગતા લાલચોળ અંગારા ઉપર ઉઘાડા પગે સડસડાટ દોડી જતા મુસલમાન મોટેરા અને છોકરાઓને ‘યા હૂસેન યા હૂસેન’ ને બદલે ‘ધાવસેન’ જ બોલતા હતા. એવા એ ખૂની ખાંચાનું નામ ક્યા ખૂની પરથી પડ્યું એનું કૌતુક હજુ ય શમ્યું નથી. ક્યારેક કોઈ વાર્તામાં એ ખૂની ખાંચો નહીં લાવું ત્યાં સુધી મનને જંપ નહીં વળે. એ ખાંચામાંથી બહાર નીકળ્યા એટલે કન્યાશાળા દેખાય. છોકરીઓની એ નિશાળમાં છોકરાઓને જવા દેતા નહીં એટલે બહાર ઊભા ઊભા અંદર ડોકિયાં કરવાનું ખેંચાણ થયા કરતું. એ સ્થળનું બીજું આકર્ષણ હતું અવારનવાર ત્યાં સાંભળવા મળતાં આખ્યાનો પેટ્રોમૅક્સનાં અજવાળે અને પેટીવાજાના સથવારે કુંવરબાઈનાં મામેરાંથી નળ આખ્યાન સુધી સાંભળેલી વાર્તાઓની કથન શૈલી આજે કદાચ મારા વાર્તા સર્જનમાં અનાયાસ સહાયરૂપ થતી હોય તો નવાઈ નહીં.

મારી સર્વ પ્રથમ નવલકથા ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ લખાઈ રહી હતી ત્યારે જગ્ગાના બાળપણના ગામ તરીકે મારું પોતાનું ગામ મહુવા જ ઘુંટાયું હતું. જગતસિંઘ જગ્યાનું બાળપણ તો હાલના પાકિસ્તાનમાં આવેલા રતિયા ગામમાં વીત્યું હોવાથી ત્યાં જઈને નજરોનજર નિહાળવાનું શક્ય નહોતું. એટલે મારા બાળમાનસમાં જડાઈ ગયેલાં મહુવા તથા તેની આજુબાજુનાં ગામડાંનાં દશ્યો સાહજિકપણે વાર્તામાં ઊપસી આવ્યાં.

વરસમાં બે વખત લાડવા જમવા અને વાવમાં ધુબાકા મારવા ગાડામાં બેસીને જતાં એ નેસવડની ભાણાવાવ, પૂરો શ્રાવણ માસ સવારે વહેલાં ઊઠી માલણમાં ખંખોળિયું ખાઈને જેના દર્શને જતાં એ ભૂતનાથ, ખભે કાવડ લઈ બે પગ વચ્ચે લટકતા ઘૂઘરાને રણકાવતો પગને પળભર પણ સ્થિર થવા દીધા વિના ઘેર ઘેર લોટ માગવા આવતો રામપાશરાનો બાવો, વાસી તળાવને નાકે પડાવ નાખી ગામમાં કાંગસિયા વેચવા નીકળતી એ વણઝારી બાઈ જેના તરફ આંગળી ચીંધીને મા અમને બ્હીવડાવતી કે તોફાન કરીશ તો પેલી તેના ઘેરદાર ઘાઘરામાં સંતાડીને તને ઉપાડી જશે, સુવાવડના છેલ્લા દિવસ લગી મહુવા સ્ટેશન સામેની કૃષ્ણકુમાર મિલમાં મજૂરીએ આવતી કત્પરની કોળણ જેને સાંજે ઘેર પાછા ફરતાં રસ્તામાં પ્રસૂતિની વેણ ઊપડે તો છોકરું જણીને કોઈ જાતની આળપંપાળ વિના નવજાત બાળકને તેડી ઘેર પહોંચી જાય, હુતાસણીના દિવસે હોમવા માટે દાણા બજારની દુકાનનાં પાટિયાં ચોરી લાવતા એ ચકુભાઈના ખાંચાની હોળી, મુંબઈથી મહેમાન આવે ત્યારે મૂળજીના ભજિયાંનું પડીકું બંધાવીને જ્યાં ફરવા જતા એ ભવાની મંદિર સામેના રેતીના ટેકરા, પરીક્ષા માથે તોળાતી હોય ત્યારે પાસ થઈ જવાના સ્વાર્થે જેના પ્રત્યે ભક્તિભાવ વધી જતો એ ખીમનાથ મંદિરના મહાદેવ અને હજુ તો મૂછનો દોરો ફૂટુંફૂટું થતો હતો એ અવસ્થામાં સોપારીવાળાની વાડીએ પંદરેક વરસની મુગ્ધાનો અછડતા થઈ ગયેલો પ્રથમ સ્પર્શ….. આવાં તો કેટકેટલાં સંભારણાં છે મહુવાના – કિસે યાદ કરું કિસે ભૂલ જાઉં ?

કહેવાય છે કે લેખકની પ્રથમ કૃતિમાં તેના જીવનની કેટલીક વાત જાણ્યે-અજાણ્યે વણાઈ જતી હોય છે. મારી પ્રથમ નવલકથા તો એક બહારવટિયાની હતી એટલે તેમાં અવળું થયું. જગ્ગાના જીવનની વાતો મહુવામાં વણાઈ ગઈ ! એ જ જગ્ગાને લઈ વર્ષો પછી મહુવા જવાનો પ્રસંગ બન્યો ત્યારે હજારો મહુવાવાસીઓ સમક્ષ મારાથી બોલાઈ ગયું કે વર્ષો પહેલાં હું મહુવામાં વસ્યો હતો, હવે મહુવા મારામાં વસે છે !

મુગ્ધાવસ્થાનાં સંભારણાંને કદી યાદ કરવા પડતાં નથી. બોરડીને જરાક અમસ્તી હલાવો અને પાકાં બોર ટપોટપ ખોબામાં ખરવાં લાગે એમ મહુવાનું નામ લેતાં જ મુગ્ધાવસ્થાનાં મધમીઠાં બોરથી હૈયાનો ખોબલો ભરાઈ જાય. મુગ્ધાવસ્થા એટલે વિદ્યાર્થી અવસ્થા. વિદ્યાર્થી ભલે ગમે ત્યાં ભણ્યો હોય, એની સ્કૂલ ભલે ગમે તેવી હોય, એને એ અદકેરી ગમતી જ હોય છે. ગમે તેવી એટલે જ ગમે એવી.

મિડલસ્કૂલ પાસ કરીને હાઈસ્કૂલમાં આવીએ એટલે ટીનેજ શરૂ થઈ ગઈ હોય. હાઈસ્કૂલે જતાં પહેલાં, ઘરના કબાટના અરીસા સામે ઊભા રહી જ જવાય. માથામાં પટિયા પાડવાની ટેવ પડવા લાગે. પગમાં કેન્વાસના શૂઝ પહેર્યા હોય તેને સફેદો લગાવીને ચમકતા દેખાડવાનું આપણને કોઈએ શીખવવું પડતું નથી. આપોઆપ મહેસૂસ થવા લાગે, હવે હાઈસ્કૂલમાં આવ્યા. મોટા થવા લાગ્યા. હવે દફતર ઊંચકવાના કેવા ? પિરિયડ પ્રમાણે ચોપડીઓ-નોટબૂકો બગલમાં દબાવીને ઊપડવાનું. ભાદ્રોડના ઝાંપે પહોંચીએ એટલે પહેલી આવે ગ્લોબ ટૉકીઝ. નવી ફિલ્મ ચડી હોય તો એનાં પોસ્ટર જોવામાં તલ્લીન થઈ જવાનું. હન્ટરવાલી નાદિયાને જોવાની હજુ ય મજા તો પડે છે. પણ બૉમ્બે ટૉકીઝ કે પ્રભાતની વાત જરા જુદી. સાંભળવાની મોજ પડે એવાં ગાણાંવાળી ફિલ્મ લાગી હોય તો સાંજે બાપાને મસકા મારી ચાર આના કઢાવવાની વેતરણ ત્યાંથી જ ચાલુ થઈ જાય.

વીસ ડગલાં ચાલો એટલે ડાબી તરફ પ્રાથમિક શાળા આવે જ્યાં ચાર ચોપડી ભણી ઊતર્યા પહેલાં હથેળીમાં પડેલી માસ્તરની ફૂટપટ્ટી અચૂક યાદ આવે. એ નિશાળની સામે પાછી પોલીસ ચોકી અને ફોજદારનું ઘર એટલે પગ આપોઆપ ઝડપથી ઊપડે. પછી તરત આવે અડખેપડખે ઊભેલી મિડલસ્કૂલ અને હાઈસ્કૂલ. અત્યાર સુધી નિશાળે જઈએ છીએ એવું બોલતા. હવે નિશાળ બોલાય ? એમએનવાળા થયા, કાંઈ જેવી તેવી વાત છે ! એના ગેટ પણ મોટા અને પ્રાંગણ તો ફૂટબોલ રમાય એટલું વિશાળ. મકાન જુઓ તો મનજી નથુભાઈએ માત્ર દાન આપી દીધું એવું ન લાગે, દાન લેખે લાગ્યું હોય એવી આલીશાન ઈમારત. મુગ્ધાવસ્થાની મજા જ એ છે. બધું મોટું મોટું લાગે, ગમતું ગમતું લાગે.

પહેલો બેલ વાગે એટલે મિડલસ્કૂલના ક્લાસમાં ઘૂસી જવા માટે દોડી જતાં એવું હવે નહીં કરવાનું. પગમાં ચોંપ રાખીએ પણ દેખાવ તો એવો જ કરવાનો કે હાઈસ્કૂલમાં ભણીએ છીએ, એમ ઘાંઘા ન થવાનું હોય. ક્યારેક મોડા પડી જવાય તો શિક્ષકને મે આઈ કમ ઈન સર કહીને પરવાનગી માગવાનો ય લહાવો લઈ લેવાય. જો કે શરૂઆતમાં અંગ્રેજી બોલવાનો લહાવો માણવા જતાં, મે આઈ કમ ઈનને બદલે આઈ એમ કમિંગ સરનો છબરડો વળી જાય ખરો. શિક્ષક મલકે, કલાસના છોકરાઓ હસે અને પચ્ચીસ-ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં સમ ખાવા એકાદ છોકરી આવું જોઈને હસી પડે તો સાંજ સુધી એનું ચચળ્યા કરે. જો કે એકની એક વિદ્યાર્થીની તરફ પણ આંખ ઊંચી કરીને જોવાનો એ જમાનો નહોતો. છતાં હોઠ પર મૂછના કોંટા ફૂટે એ પહેલાં મનમાં મુગ્ધતાના અંકુર ફૂટવા લાગ્યા હોય. ‘ચલ ચલ રે નવ જવાનની’ સાથોસાથ ‘ચલે પવન કી ચાલ’ અને ‘ધીરે ધીરે આ રે બાદલ….’ પણ ગાવાનું મન થયા વિના રહે નહીં. જો કે એકની એક વિદ્યાર્થીની સાંભળે એમ ગાણું ગાવાની ગુસ્તાખી ન જ થાય. આપણે સારા ઘરના છોકરા રહ્યા, સિસોટી સુદ્ધાં ન વગાડીએ. હા, સારા ઘરના છોકરાને ય ક્યારેક દિલ બહેલાવવાનું મન થાય ખરું. અમારા કલાસમાં અન્તુ ગાંધી ભણે. કલાસમાં શિક્ષક ભણાવતા હોય ત્યાં અધવચ્ચે જ પટાવાળો પરબીડિયું લઈને આવે. શિક્ષકના હાથમાં આપે. સ્કૂલના સરનામે પત્ર ? બહારગામથી ભણવા આવેલાને એના ઘરનાએ લખેલો હશે એવું માનીએ તો ભોંઠા પડીએ. શિક્ષક પરબીડિયા પર નામ વાંચે, મિસ્ટર અનંત ગાંધી અને અન્તુ શર્ટના કૉલર ઊંચા કરતો પત્ર લેવા જાય. પછી બેન્ચ પર બેસતાં પહેલાં અમને ઈર્ષા જાગે એવું મલકે – જાણે કહેતો હોય, લવ લેટર !

અવારનવાર એકલા મિસ્ટર અનંત ગાંધીના નામે જ ગુલાબી પરબીડિયું આવે અને અમારા જીવ બાળે. મારો વહાલો પાછો કહે પણ નહીં કે કાગળ લખનારી કોણ છે, ક્યાંની છે ? થોડો વખત આમ ચાલ્યા કર્યું. પછી કોઈએ ભાંડો ફોડ્યો કે એ ભાઈસાહેબ પોતે જ પોતાના નામે પત્ર લખી, ચાલુ ટપાલ પેટીને બદલે છેક પોસ્ટ ઑફિસની પેટીમાં પરબીડિયું સરકાવીને સ્કૂલે આવે છે. મુગ્ધાવસ્થામાં પોતાની જ આવી મીઠી છેતરામણમાં મોજ પડતી હોય છે.

પરંતુ રવીન્દ્રભાઈ, ભાઈલાલભાઈ, કપિલરાય જેવા શિક્ષકો ભણતરની સાથે ઘડતરનો આગ્રહ રાખનારા એટલે રિસેસમાં લાઈબ્રેરી તરફ આપોઆપ પગ ઊપડે. અંગ્રેજી મૅગેઝિન ‘મોર્ડન રિવ્યૂ’ વાંચવાનું જરા અઘરું તો પડે છતાં વાંચતાં વાંચતાં આવડતું જાય એવું માનીએ. ખાસ તો ‘કુમાર’ વાંચવું જ જોઈએ એવી માન્યતા. વિજયગુપ્ત મોર્યની અનેક શિકાર-સાહસ કથાઓ એનએમની એ લાઈબ્રેરીમાં જ વાંચેલી. પ્રથમ પુરુષ એક વચન (હું)થી લખાયેલી કથાઓ વાંચીને એવું જ માની લીધેલું કે આ વિજયગુપ્ત મૌર્ય પોતે જ શિકારી છે. વર્ષો પછી પહેલી વાર વિજય શંકર વાસુ તરીકે એમને મળવાનું થયું ત્યારે બાલિશ ઉત્સાહથી પુછાઈ ગયું હતું : તમે આટલા બધા શિકાર કર્યા છે ? ત્યારે એ હસી પડ્યા હતા. ભાઈ, મારી આંખ પર લાગેલા ચશ્માંના જાડા કાચ જોઈને લાગે છે કે હું દસ ફૂટ દૂરનું ય નિશાન લઈ શકું ? શિકાર તો માત્ર કલમથી જ કરું છું…. એ સાંભળીને આપણને સમજાય કે વિદ્યાર્થી અવસ્થામાં આપણે થોડા ભોળા પણ ખરા.

જો કે ભોળપણની સાથોસાથ થોડી ચાલાકી જરૂર આવતી જાય છે. એ વખતે મહુવામાં અને બીજે પણ ટાઢિયા તાવનો ભારે ત્રાસ… હાંજા ગગડાવી દે. આપણને પરીક્ષાના ટાંકણે જ મૅલેરિયા લાગુ પડ્યો. માંદા પડ્યા એટલે પરીક્ષા મોડી આપવાની અને તે પણ ટીચર્સ રૂમમાં બેસીને. તેમાં બીજો જોગાનુજોગ એ થયો કે મારી જેમ એક વિદ્યાર્થીની પણ પાછળથી પરીક્ષા આપવામાં જોડાઈ. રશ્મિ એનું નામ (ડૉલર વસાવડાની બહેન). જે વિષયનું પેપર હોય એ વિષયના શિક્ષક પેપર આપી જાય અને અમે બીજા બે-ચાર શિક્ષકોની હાજરીમાં ઉત્તરપત્રો લખવાના ચાલુ કરીએ. એમાં એક વિષયમાં (કદાચ એરિથમેટિકમાં) રશ્મિ મૂંઝવણમાં વારંવાર મારી સામે જોયા કરે. એ વખતે આ રીતે જોવાનો બીજો અર્થ (અનર્થ) થતો જ નહીં. ચશ્માં પાછળથી આંખોથી તેણે સમજાવ્યું કે દાખલાનો તાળો મળતો નથી. મદદ કરવાની માગણી સમજી જઈને મેં આજુબાજુ જોયું. બીજા શિક્ષકો કરતાં ય એચએમ (હેડમાસ્તર)ની હાજરીનો ડર વધારે. શેઠસાહેબ પાછા દેખાવમાં ભારેખમ. છપ્પન ઈંચનો ધોળા બસ્તા જેવો લાંબો કોટ પહેરે, પેટ મોટું અને ગોળ ચહેરા પર પાછી ગોળ ટોપી. લૉબીમાં સામે મળે તો માનથી સલામ કરીએ. બહુ ઓછું બોલે અને હસે પણ માપી માપીને. એટલે એમના મનમાં શું ચાલે એ કળી શકાય નહીં. એક તરફ એ હેડમાસ્તરનો ડર, ચોરી કરતાં પકડાઈ જવાનું જોખમ અને બીજી બાજુ મદદ માટેની માગણી. પકડાઈ ગયાં તો બેઉ સારાં ઘરનાનું વરસ બગડે. ગામમાં ગોકીરો થાય એ જુદો. પરીક્ષામાં ચોરી એટલે એ વખતમાં ભારે નામોશી…. થયું કે જરા હિંમત તો કરવી જોઈએ. મેં લખેલું પેપર ધીમેથી રશ્મિ તરફ સરકાવ્યું. પછી એચએમ તરફ જોયું. કદાચ એ જોઈ ગયા હશે. ઘડીભર મનમાં ફફડાટ થયો પણ એચએમએ જરા અમસ્તું મલકીને આંખ ફેરવી લીધી. આપણે સમજી ગયા. હેડ માસ્તરને પણ પોતાની વિદ્યાર્થી અવસ્થા યાદ આવી જતી હશે ને !

જ્યારે જ્યારે ટીવી પર મેચ જોઉં છું ત્યારે એમએનના વિશાળ પ્લેગ્રાઉન્ડમાં રમાતી ક્રિકેટ અચૂક યાદ આવે અને તેની સાથે નજર સમક્ષ ઊપસી આવે હાથમાં બૉલ લઈને બેટસમેન સામે ધસી આવતો ભગવાન ધોબી. હાફપૅન્ટમાં બૉલિંગ કરવાની તેની ઍક્શનમાં કસાયેલા પગની પિંડીની ઊપસી આવતી નસ હજુ ય નજરે તરવરે છે. રમતગમતમાં ઈન્વૉલ્વ થવાની આપણને એટલી રુચિ નહીં, પણ ભણવામાં ધોબીપછાડ ખાનારા ભગવાન જેવા એકાદ બે વિદ્યાર્થી તો શાળામાં હોય એ ગમે ખરું. ભગવાન દરેક ધોરણમાં નાપાસ થતો તેથી વિદ્યાર્થીઓ તેને શાબાશી આપતા. એમએનને તારા જેવા બૉલરનો બહુ ખપ છે એટલે જ તો તને નાપાસ કરે છે. અને ભગવાનને ય બહુ ભણીગણીને આગળ વધી જવાની ખાસ જરૂર નહીં જણાઈ હોય. ધોબીને વળી ડિગ્રી ધોઈને શું ઈસ્ત્રી કરવાની ?

જો કે 1941 થી 1945નો એ શાળાકાળ સંક્રાંતિકાળ હતો. દેશ અને દુનિયા માટે પણ ! એક તરફ વિશ્વયુદ્ધ અને બીજી બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામ. ગાંધીજીનો પ્રભાવ પ્રસરતો હતો તેમ જયપ્રકાશ જેવા લડવૈયાની વગ યુવાનો પર વધવાની એ શરૂઆત હતી. ઝાંપે આવેલા ચકુભાઈના શિકંજે ખાસ ‘બ્લિટ્ઝ’ વાંચવા જતો. રુસી કરંજિયાનું એ સાપ્તાહિક ત્યારે સમાજવાદી નેતાઓ પર ઓળઘોળ હતું. જયપ્રકાશ, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી, અશોક મહેતા, યુસૂફ મહેરઅલી યુવાનોના વીર નાયકો હતા. કદાચ એના પ્રભાવે જ જસુભાઈ (જસવંત) મહેતાને મહુવા-ભાવનગરની તળાજા ટ્રેનની ટપાલ બોગી લૂંટવાનું સાહસ પ્રેર્યું હતું. પોલીસને થાપ આપી ભૂર્ગભમાં રહ્યા એથી આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદી મહારથીના હાથે એમનું ઘડતર થયું એ મહુવાના સદભાગ્ય.

બીજી બાજુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ વિદ્યાર્થીઓ મોટેરાઓની આંગળીએ ચલ ચલ રે નવ જવાનનો જુસ્સો દાખવતા. દરરોજ કૅબિન ચોકમાં ગાંધીજીના વિચાર કે સ્વાતંત્ર્ય સંગ્રામના સમાચાર લખાયેલું બ્લૅક બોર્ડ પોલીસની નજર ચૂકવીને મૂકી આવવાનું. જો કે એ કામ બાર-પંદર વરસનાને સોંપાતું. પકડાય તો ધોલધપાટ મારીને છોડી દેવા સિવાય પોલીસવાળા બીજું કરી પણ શું શકે ? મોટેરાઓ સાઈક્લોસ્ટાઈલ પત્રિકાઓ છાપી, કપડાંની ઝોળીમાં નાખી ઠેરઠેર પહોંચાડવાની લડત ચલાવતા. એ માટે વારંવાર ઠેકાણાં બદલવા પડે. યાદ છે, એકવાર અમારા ઘરના ત્રીજે માળે આવી ગુપ્ત પ્રવૃત્તિ થયેલી. કોઈ ચાડી ખાઈ ગયું. પોલીસ પકડવા આવવાની છે એની જાણ થઈ એટલે મોટા ભાઈ જયંતીભાઈ વહેલી સવારની ટ્રેન પકડીને કુંડલા ફરાર થઈ ગયેલા.

સમાજવાદી અને ગાંધીવાદી એ બેઉ વિચારધારા સમાંતર ચાલતી. મારા જેવા બેઉમાં ખેંચાયેલા. રમણલાલ વસંતલાલની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાના આદર્શ ગ્રામની કલ્પના આકર્ષી જતી તો રાહુલ સાંકૃતાયનના ઉદ્દામ વિચારો મગજને ઉત્તેજિત કરી દેતા. અસ્પૃશ્યતા નિવારણનો સંદેશ મારી પ્રકૃતિને વધુ માફક આવી ગયો અને એ વખતે ચાલી રહેલો મૅલેરિયાનો ઉપદ્રવ તેમાં નિમિત્ત બન્યો. બળવંત ત્રિવેદી અને મંજુલાબહેન ગોરડિયા સાથેની અમારી ત્રિપુટી શાળા છૂટ્યા પછી ગામના છેવાડે, કૃષ્ણકુમાર મિલની પછવાડે આવેલા હરિજનવાસમાં પહોંચી જાય. એ સમયે મૅલેરિયા માટેની એક માત્ર અકસીર દવા કવિનાઈનની ગોળીઓ સાથે રાખીએ. હરિજનવાસના ઘેર ઘેર ફરીએ. ઘર ગણીને વીસ-પચ્ચીસ હશે. કોઈને એકાંતરિયો ટાઢિયો તાવ આવ્યો છે એ જાણીને તેની પાસે જઈએ. ખબરઅંતર પૂછીએ અને કવિનાઈનના ડૉઝ આપીને અસ્પૃશ્યતા નિવારણ સાથે સેવા કાર્ય પણ કરવાનો સંતોષ લઈએ.

પછી કોઈએ કહ્યું કે તમે જેમને ગોળી આપો છો એ લોકોને તમે માત્ર સેવક જ નહીં, ડૉકટર જેવા પણ લાગવા જોઈએ. તો દવાની સાથોસાથ શ્રદ્ધા પણ કામ કરી જાય. એટલે અમે દવા આપતાં પહેલાં દરદીની નાડ તપાસવાનું રાખ્યું. નાડીના ધબકારા સાંભળીએ, સમજ તો પડે નહીં પણ દેખાવ કરીએ. આને કારણે હરિજનો સાથેની નિકટતા વધી. તેની સાથોસાથ મનમાં ડૉક્ટર થવાની મહેચ્છા પણ જાગી. અસ્પૃશ્યતા નિવારણની આ ઝુંબેશને કારણે ઘર અને બહાર બહુ વિચિત્ર વિરોધાભાસ પણ થતો. ઘરના પાયખાનાની સફાઈ કરનાર નથુ મહિના પછી પગાર લેવા આંગણે આવે ત્યારે મા દૂરથી આઠ આના એના તરફ ફગાવે. નીચેથી આઠ આની ઉઠાવી નથુ મારી તરફ જુએ. પછી માને કહે, તમે આભડછેટ પાળો છો પણ અમારા હકુભાઈ હરિજનવાસમાં આવીને અમારી નાડી હાથમાં લે છે.

એ વખતે અંગ્રેજી સાતમી એટલે મેટ્રિક. અને મેટ્રિકની પરીક્ષા આપવા ભાવનગર જવું પડે. ત્યાર પહેલાં સ્કૂલની પ્રિલીમરીમાં પાસ થવું જરૂરી. હેડ માસ્તર શેઠ સાથે ધીરુ ગાંધી, અમુલખ સિલ્હર અને મારા જેવા વિદ્યાર્થીનું પ્રતિનિધિમંડળ મૅટ્રિકના વિદ્યાર્થીઓ વતી વાટાઘાટ કરે. સાહેબ, બે-ચાર સાવ ઠોઠ હોય કે ભગવાન ધોબી જેવા સ્પોર્ટસ્ટાર હોય તેમને ભલે પ્રિલીમરીમાં નાપાસ કરો તો પણ બાકીનાને લીલી ઝંડી આપીને ભાવનગર જવા દો. હેડ માસ્તર નમતું જોખે, અમે હાર્ડ વર્ક કરીને સારું પરિણામ લાવવાની હૈયાધારણ આપીએ એટલે વાટાઘાટ સફળ.

ભાવનગર પંથકના ગામેગામથી પરીક્ષા આપવા જનારાએ એક વાત અચૂક સાંભળવી પડે : અમારી ઘરશાળા જેવી કોઈ શાળા નહીં. વાત પણ સાચી. હરભાઈ ત્રિવેદીએ આદર્શ શિક્ષણ પદ્ધતિ અપનાવી ઘરશાળા ચાલુ કરેલી. તેની વાહવાહ થતી. જૂનવાણી ટીકાય કરતા કે ચારિત્ર્ય ઘડતરના નામે છોકરા-છોકરીઓને બહુ છૂટ આપે છે. કેળવણીમાં મેળવણીના અખતરા કરે છે વગેરે વગેરે. પરંતુ ઘરશાળાને આદર્શ શિક્ષકો મળેલા એને કારણે અનેક વિદ્યાર્થીઓને જીવન-ઘડતરની નવી રાહ સાંપડી હતી તેની કેમ ના પડાય ! એવું જ મહુવામાં નાના પાયે, નવા-જૂનાનો સમન્વય સાધી એન.એન. મહેતાસાહેબે શિક્ષણક્ષેત્રે સાહસ કર્યું. એમ.એન. હાઈસ્કૂલની ચીલાચાલુ પદ્ધતિને જે.પી. હાઈસ્કૂલમાં ધરમૂળથી બદલવાની હવા વહેતી થઈ.
ભાવનગરમાં એક વડીલે પૂછ્યું હતું : ‘અમારી ઘરશાળામાં ભણવા મળ્યું હોત તો બહુ સારું થાત એવું તને લાગે છે ?’ એવું જ કાંઈક એન. એન. મહેતાસાહેબે કહ્યું, તારા નાના ભાઈ દોલુને અમારી જેપીનો લાભ મળ્યો, તું મોટો થયો એટલે એ લાભથી વંચિત રહ્યો એવું લાગે છે ને !

આ બેઉનો જવાબ ત્યારે આપ્યો હતો કે નહીં એ યાદ નથી, પણ અત્યારે કહેવાનું મન થાય છે : જેવી હતી એવી અમારી એમ.એન એટલે એમ. એન. આનું કારણ પૂછશો તો ઘાયલસાહેબના શબ્દો ટાંકીને જવાબ આપવો રહ્યો :

કારણ નહીં જ આપું
કારણ મને ગમે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોતી વેરાણાં ચોકમાં – રસિકભાઈ ચંદારાણા
કસરત કરવાથી થતા ફાયદા – મુકુન્દ મહેતા Next »   

12 પ્રતિભાવો : સર્જન-વિસર્જન – હરકિસન મહેતા

 1. બાળપણની સ્મૃતિઓનું આનાથી વધુ રસપ્રદ અને તાદ્રશ વર્ણન મેં આજ સુધી વાંચ્યું નથી .. !!!

  હકુભાઈ એટલે હકુભાઈ …

  મને મારા બાળપણની યાદો તો તાજી થઈ જ પણ સાથે આ વર્ણનમાં એવો તો ખોવાય ગયો કે મને થયું કે ક્યાંક હું પણ એમ.એન. માં જ તો નથી ભણ્યો ને !!!!!

 2. ખુબ રસપ્રદ વર્ણન…શ્રી હરકિસનભાઈ મહેતાની લગભગ બધી જ નવલકથા વાંચી છે… ગુજરાતી સાહિત્યના વાંચનની શરુઆત જ એમના પુસ્તકોથી થઈ હતી. એમ.એન. હાઈસ્કુલમાં તો નહી પણ હા, ભાવનગરની ઘરશાળામાં ભણવાનો લાભ જરુર મળ્યો છે !!

 3. Pragnaju Prafull Vyas says:

  હરકિસન મહેતા ઘડાયલી કલમે લખાયલા બાળપણનાં સંભારણા આપણા બધાની હકીકત કહેતાં હોય તેમ લાગે છે “ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ વિદ્યાર્થીઓ મોટેરાઓની આંગળીએ ચલ ચલ રે નવ જવાનનો જુસ્સો દાખવતા. દરરોજ કૅબિન ચોકમાં ગાંધીજીના વિચાર કે સ્વાતંત્ર્ય સંગ્રામના સમાચાર લખાયેલું બ્લૅક બોર્ડ પોલીસની નજર ચૂકવીને મૂકી આવવાનું. જો કે એ કામ બાર-પંદર વરસનાને સોંપાતું. પકડાય તો ધોલધપાટ મારીને છોડી દેવા સિવાય પોલીસવાળા બીજું કરી પણ શું શકે ? ” મારો જ અનુભવ…

 4. ભાવના શુક્લ says:

  જગ્ગાડાકુના વેરના વળામણા અને પીળા રૂમાલની ગાંઠ લગાતાર ૬ દિવસ બેસીને એક સાથે એક શ્વાસે વાચી ગયેલી અને એટલીજ પ્રભાવીત થયેલી કે હજુ એ અસર માથી મુક્ત થવાયુ નથી. બાળપણના સંભારણા તો તેમના હતા પણ શબ્દે શબ્દમા મને મારુ ગામ અને મારી શાળા, મારા કેનવાસના શુઝ, લાઈબ્રેરી, એચ.એમ. અને ન જણાવવા પ્રયોજાયેલા અનેક ગમતા કારણો પસાર થતા ગયા આખ સામેથી… કહો ને કે તેમના શબ્દે શબ્દે સફર કરી ફરી એજ બાળપણની ગલીઓની…

 5. Urmi says:

  ભાવનાની જેમ મને પણ એવું જ લાગ્યું… આ તો જાણે મારું જ ગામ, મારી જ શાળા, મારી જ પરીક્ષા અને એમાં મિત્રોને કરાવેલી થોડી થોડી ચોરીઓ… અને કંઇ કેટલુ યે એક ચલચિત્રની જેમ આંખ આગળથી પસાર થઈ ગયું… મજાની શબ્દ-સફર થઈ ગઈ.. આભાર!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.