સુનો મેરે ગુનિયા – શાહબુદ્દીન રાઠોડ

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.]

દેણું મર્દ માથે હોય છે. એ મર્દાનગીનું લક્ષણ છે. યોદ્ધો જેમ પોતાના દેહ પરના ઘાવથી શોભે છે તેમ મર્દ માણસો તેમના લેણિયાતથી શોભે છે. દેણાંથી કલ્પનાશક્તિ ખીલે છે, હિંમત કેળવાય છે, ધીરજનો વિકાસ થાય છે, ભાષા પરનો કાબૂ વધે છે, અભિનયની ક્ષમતામાં પણ પ્રગતિ થાય છે. અચાનક લેણિયાત સામે મળી જાય તો શું કરવું આ કાર્ય ચાલુ યુદ્ધે નિર્ણય લેતા સેનાપતિ જેવી કુશાગ્ર બુદ્ધિ માગી લે છે.

‘વિકાર ઑફ વેઈકફીલ્ડ’ અને ‘ડિઝર્ટેડ વિલેજ’ જેવાં યાદગાર પુસ્તકો લખનાર ઓલિવર ગોલ્ડસ્મિથ હંમેશાં દેણાંમાં રહ્યા કરતો. સામે લેણિયાત ન મળે એટલા માટે તે આડા રસ્તે ચાલ્યો ત્યાં તેની પાસે પૈસા માગનાર લેન્ડલોર્ડ ખૂબ સારા જાતવાન ઘોડા માથે સવાર થયેલો સામે મળ્યો. એ ઉઘરાણી કરે તે પહેલાં ગોલ્ડસ્મિથે ઘોડાની પ્રશંસા શરૂ કરી દીધી. ઘોડાની કાનસોરી, કેશવાળી, ઊંચાઈ અને રંગની તારીફ સાંભળી લેન્ડલોર્ડના આનંદનો પાર ન રહ્યો. તેણે કહ્યું : ‘અરે શ્રીમાન, આપે હજી આ ઘોડાની ચાલ નથી જોઈ.’
ગોલ્ડસ્મિથે કહ્યું : ‘હું ઈચ્છું છું કે આ ઘોડાની ચાલ જોવાનું સદભાગ્ય મને વહેલી તકે પ્રાપ્ત થાય.’ લેન્ડલોર્ડ કહે : ‘એના માટે આપને રાહ નહીં જોવી પડે. અત્યારે જ આપ જોઈ શકશો.’ આટલું કહેતાં લેન્ડલોર્ડે ઘોડો મારી મૂક્યો. ગોલ્ડસ્મિથને થયું, ઉઘરાણી ઘોડે ચડીને આવી હતી, ઘોડે ચડીને ગઈ.

માર્ક ટ્વેઈને એક મેગેઝીન કાઢેલું પણ તેમાં લેખકોની કૃતિઓને બદલે ઉઘરાણીનાં બિલો વધુ આવતાં. એક કવરમાં ઉઘરાણીનું બિલ હતું, પાછળ ચેતવણી લખેલી હતી કે આઠ દિવસમાં આ બિલની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. માર્ક ટ્વેઈને ગંભીરતાપૂર્વક બિલ જોયું, પાછળની સૂચના વાંચી અને તરત જ લેખકો માતેની સૂચનાનો સિક્કો બિલ પર મારી દીધો જેમાં લખ્યું હતું : ‘બંને બાજુ લખેલું લખાણ ચાલી શકે નહીં, સાભાર પરત.’

મારા મિત્ર દલપતરાય અને હું ઘણી વાર દેણાંની વાતો કરતા. અમે સમદુખિયા હતા અને દેણાંના દર્દમાંથી હાસ્યનું સર્જન કરવા વિનમ્ર પ્રયાસ કરતા. એમાં મુકુન્દરાય પણ ખરા. મુકુન્દરાયમાં ગજબની હિંમત હતી. દલપતરામનું વાકચાતુર્ય પ્રશંસાને પાત્ર હતું. જ્યારે મેં કોઈને મૂળ વાત ભુલાવી બીજા રવાડે કેમ ચડાવી દેવા તે કળા સાધ્ય કરેલી. મુકુન્દરાય હિંમતથી કહેતા : ‘શેઠ, આ તો તમે રૂપિયા બે હજાર માગો છો પણ પાંચ હજાર માગતા હો તોય અમારા પેટનું પાણીનો હલે. પૈસા તો આજ છે ને કાલ નથી, પણ મારા-તમારા વચ્ચે જે મોબત છે ને (મહોબ્બતને તેઓશ્રી મોબત કહેતા) એની કિંમત છે.’ મોબતની સાબિતી રૂપે એ શેઠને ક્યારેક ધબ્બો પણ મારી લેતા. મારા મિત્ર દલપતરામ ઉત્તમચંદ શેઠ ઉઘરાણી કરે ત્યારે કહેતા, ‘આ બધી માયા છે, શેઠ, માયા, કાલ સવારે હાલ્યા જશું. કાંઈ સાથે નથી આવવાનું.’

બાલ જલે જૈસે ઘાસ કી પુડિયા,
દેહ જલે જૈસે લકડી કી ભારી
કહત કબીરા સુનો મેરે ગુનિયા,
આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા

માટે ધરમ કરી લ્યો શેઠ. ધરમ હારે આવશે. જમડા જે દી ધગધગતા ગરમ તેલના કુંડમાં ઝબોળે તે દી ધરમ આડો ફરશે. માટે : ભજી લેને કિરતાર….. મોંઘો અમૂલખ દેહ મળ્યો તને નહિ મળવાનો બીજી વાર…. ભજી લેને…. ઉત્તમચંદ શેઠ કહેતા : ‘મારે નથી કોઈને ભજવા, મારા પૈસા આપી દ્યો.’ પરંતુ આચાર્યસંઘ કે શિક્ષકોના શૈક્ષણિક અધિવેશનમાં જેમ શિક્ષક સિવાયની તમામ ચર્ચાઓ થાય, ભાષણો થાય તેમ દલપતરામ પૈસા સિવાયની તમામ વાત કરતા અને ઉત્તમચંદની અનિચ્છાએ પણ ધરમનું જ્ઞાન તેને પરાણે આપવા પ્રયાસ કરતા.

અમારા હનુભા કાકા સ્વભાવે ભારે રોનકી. એક વાર અમે ડેલીએ બેઠા’તા ને શિવા મા’રાજ ઉઘરાણીએ આવ્યા. હનુભા કાકા કહે, ‘એ આવો મા’રાજ આવો. શું આજ આની કોર ભૂલા પડ્યા ? એલા જીવલા ! મા’રાજ સાટુ ચા લેતો આવ્ય, જા’
શિવા મા’રાજ કહે : ‘ના બાપુ, આજ ચા પીવાનો વખત નથી, તરણેતર જવું છે, મોટા દીકરાનું સગપણ કરવા. મને થયું બાપુ પાહેંછી પાંચ રૂપિયા લેતો જાઉં, હારે હોય તો કામ આવે.’
હનુભા કાકા કહે : ‘ઈ બધું સાચું શિવા મા’રાજ, હું ય જાણું છું સારા માણહ પાહેં સૌ આશા કરીને આવે, પણ અત્યારે હું પાંચ રૂપિયા ઉછીના આપી શકું તેમ નથી.’
શિવા મા’રાજ કહે : ‘બાપુ ઉછીના નહીં, હું તો મારા લેવા આવ્યો છું.’
બાપુ કહે : ‘વળી શેના ?’
શિવા મા’રાજ કહે : ‘બાપુ, આપનું ખાતું તો સાવ રાજામાણહ જેવું. તે દી ઠાકર મંદિરે ભજન હતાં. આપ પધાર્યા’તા. લાડુ, દાળભાત, શાકનો પાકો પરસાદ લીધો’તો અને સૌ હારે ફાળામાં નો’તા પાંચ રૂપિયા નોંધાવ્યા ?’ હનુભા કાકા ઘણાં વર્ષો પહેલાંની વાત હોય અને મહાપ્રયાસે યાદ આવી હોય તેમ કહેતા : ‘હાં….હાં…. તમે ક્યો છો એટલે કદાચ નોંધાવ્યા હશે. પણ મા’રાજ, એમ ટાણેકટાણે મોંમાથી વેણ નીકળી ગયું હોય ને તો પછી એને પકડી નો રખાય. અમને બોલ્યા પછી મનમાંય નો હોય. તયેં તમે તરત ગણીને ગાંઠે બાંધો. જાવ અત્યારે તરણેતર જઈ આવો પછી ક્યેંક નવરાશે આવજો.’

અમેરિકાના જગવિખ્યાત હાસ્યલેખક માર્ક ટવેઈન અઠ્ઠાવન વર્ષ પૂરાં કર્યા ત્યારે તેમનું દેણું અઠ્ઠાવન હજાર ડૉલરને વટાવી ચૂકયું હતું. સાઠ વર્ષની ઉંમરે આ મર્દ માનવી સાઠ હજાર ડૉલરનું દેણું ભરવા નીકળી પડ્યા. કથળી ગયેલું સ્વાસ્થ્ય, ખૂબ જ વહાલી પુત્રીની વસમી કાયમી વિદાય, પરિવારની આર્થિક જવાબદારી – આ બધી વ્યથાને હૈયામાં સમાવી સ્વસ્થપણે માર્ક ટવેઈન હાસ્યરસિક કાર્યક્રમો આપતા, પ્રવચનો કરતા, પુસ્તકો લખતા અને દેણાંમાંથી મુક્ત થવાનો ભગીરથપ્રયાસ કરતા. પાંચ વર્ષે તેમણે સમગ્ર દેવું ભરપાઈ કર્યું અને ડાયરીમાં નોંધ્યું : ‘હવે મને ફરી મનની પૂરી શાંતિ પ્રાપ્ત થઈ. હવે માથે બોજનો ખ્યાલ નથી રહ્યો. કામ કરતાં આનંદ આવવા લાગ્યો છે.’

મેં જ્યારે આ પ્રસંગ વાંચ્યો ત્યારે મને જીવનમાં થોડી હતાશાનો અનુભવ થયો. મને થયું અરેરેરે… હું આ કક્ષાએ ક્યાંથી પહોંચી શકું ? ક્યારે લોકો મને સાઠ હજાર ધીરે અને ક્યારે હું ભરવાનો પ્રયાસ કરું ? સાઠ હજારના દેણદાર થવાની પણ લાયકાત હોવી જોઈએ ને ? મારા પર આવી પડેલા પરિવારના દેણામાંથી મુક્ત થવામાં મને માત્ર દસ વર્ષ થયાં હતાં. 31-12-1975ના રોજ હું દેણાંના બંધનમાંથી મુક્ત થઈ શક્યો. ત્યાં સુધીની જે કાંઈ કમાઈ કરી તે બધી ઋણમુક્તિના શુભ કાર્યમાં ખર્ચાઈ ગઈ. મને તો આત્મસંતોષ એક જ વાતનો છે કે આવો અનુભવ ન થયો હોત તો જીવતરના ઘડતરમાં એટલી કચાશ રહી જાત. માનવી દુ:ખી થાય છે, દુ:ખના જે અનુભવો તે કરે છે તે સ્મૃતિ રૂપે સંઘરાઈને મનમાં સચવાઈ રહે છે. પછી જ્યારે જીવનમાં એ વિચારે છે ત્યારે તે વિચાર તેની સ્મૃતિમાંથી આવે છે. એ વિચારને લઈ એ ફરી કાર્ય કરે છે. કાર્ય થાય એટલે વળી અનુભવ…. આ ઘટમાળ ચાલ્યા કરે છે.

છે માનવી જીવનની ઘટમાળ એવી
દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી

અબ્રાહમ લિંકને ભાગીદારીમાં ધંધો કર્યો તેમાં મોટી ખોટ ગઈ. ભાગીદારે લિંકનને ખોટના ખાડામાં ઉતારી દીધા. ગરીબીમાં લિંકન વ્હિસ્કી વેચવાનું કામ પણ કરતા. એક વાર તેના પ્રતિસ્પર્ધી ડગ્લાસે તેમના પ્રવચનમાં કટાક્ષ કરેલો કે ‘લિંકન તો વ્હિસ્કી વેચવાનું કામ કરતા.’
લિંકને કહ્યું : ‘ત્યારે મારા સૌથી મોટા ગ્રાહક હતા મિ. ડગ્લાસ. મેં તો વ્હિસ્કી વેચવાનું માત્ર કામ કર્યું છે અને એ પણ છોડી દીધું છે, જ્યારે મિ. ડગ્લાસની બારની મુલાકાત હજી ચાલુ છે.’ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા પછી પણ પાંચસો ડૉલર ઉછીના મળ્યા ત્યારે તે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી શકેલા. લિંકને કારમા સંઘર્ષો કર્યા છે. એક સંઘર્ષ દેણું ભરવા કર્યો અને પાઈ પાઈ ચૂકવી દીધી. ઈગ્લેન્ડના ખ્યાતનામ વડાપ્રધાન ડિઝરાયલીએ પ્રિન્ટિંગ પ્રેસ ઊભું કરી ન્યૂઝ પેપર કાઢવાનો પ્રયાસ કરેલો પરંતુ આ વ્યવસાય સદંતર નિષ્ફળ જતાં મોટી આર્થિક મુશ્કેલી આવી પડી. દેણાંની આપત્તિ એવી ભયાનક હતી કે સતત ત્રીસ વર્ષની કારમી જહેમતને અંતે એ દેણાંમાંથી મુક્ત થયા.

કહાની સમ્રાત મુન્શી પ્રેમચંદની પણ સમગ્ર આવક પ્રેસના સંચાઓમાં સમાઈ ગઈ અને પ્રેમચંદજી પર દેણાંનો બોજ આવી પડ્યો. પ્રિન્ટિંગ પ્રેસ ઊભું પુસ્તકો છાપવાનો પ્રયાસ માર્ક ટ્વેઈને પણ કરેલો. તેમાં તેને ચાલીસ હજાર ડૉલરની ખોટ ગયેલી. હાસ્યરસિક કાર્યક્રમો આપી સૌથી વધુ કમાણી કરનાર હાસ્યલેખક તરીકે પણ માર્ક ટ્વેઈન જ હતા અને હાસ્યકારોમાં સૌથી વધુ દેણું ભરનાર પણ એ જ હતા. ડિઝરાયલી કહેતા, ‘હું કરજદાર છું એ બાબત મહત્વની નથી. હું પ્રમાણિક છું એ બાબત મહત્વની છે.’

મુંબઈના ધનાઢ્ય શેઠશ્રી પ્રેમચંદભાઈને કોટનના સોદામાં જબરી ખોટ ગઈ ત્યારે તેમણે સૌ પહેલું કામ કર્યું મુંબઈના રાજાભાઈ ટાવર માટે અગાઉ તેમણે જાહેર કરેલ ડૉનેશન આપી દેવાનું. કલકત્તા યુનિવર્સિટી માટે પણ તેમણે જ દાન આપેલું. હેરીટ્રૂમેન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. તેમણે પણ ફર્નિચરના ધંધામાં ખોટ ખાધી તે દેણું ભરવા માટે ટ્રૂમેને એકવીસ વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો. જ્ઞાનની સાધનામાં જીવન સમર્પણ કરનાર અને સત્યની શોધમાં દુનિયાના કેટલાય દેશો ફરી વળનાર મહાન રશિયન ફિલસૂફ ગુર્જિયેફ માથે પણ મોટા પરિવારની જવાબદારીને લીધે દેણું રહ્યા કરતું. રેને ઝુબેર નામના ફિલ્મ પ્રોડ્યુસરને રકમ સુપરત કરી ગુર્જિયેફે તેમને એક કામ સોંપેલું. એ કામ હતું ગુર્જિયેફની સોનાની જાડી સાંકળવાળી ગીરવે મૂકેલી ઘડિયાળ છોડાવી લાવવાનું.

હું દેણું ભરવાનો પ્રયાસ કરતો ત્યારે અને પછી પણ આવા પ્રસંગો વાંચવામાં આવે તે યાદ રાખતો. બીજું તો કાંઈ નહીં પણ જીવન જીવવા માટે આવા પ્રસંગોમાંથી પ્રેરણા મળતી. સાથે સાથે થોડો અહમ પણ સંતોષાતો કે ભલે આ મહાન પુરુષોના અન્ય સદગુણો હું જીવનમાં નથી ઉતારી શક્યો પણ કમ સે કમ ‘દેણાં’ જેવી નાની બાબતમાં તો થોડું સામ્ય છે. અનુભવને અંતે મળેલી સમજણ આટલી જ છે : ‘દેણું, દર્દ અને દુશ્મન ત્રણેનો જડમૂળથી નાશ કરવો.’ વિષ્ણુગુપ્ત ચાણક્ય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કસરત કરવાથી થતા ફાયદા – મુકુન્દ મહેતા
ચિંતા ટાળી ચિંતન કરીએ – ડૉ. મોહનભાઈ પટેલ Next »   

22 પ્રતિભાવો : સુનો મેરે ગુનિયા – શાહબુદ્દીન રાઠોડ

 1. JATIN says:

  સરસ લેખ મજા આવિ ગયિ

 2. મને પણ આ મહાન કાર્ય – દેણું રાખવાનું અને કંઈકેટલાય વર્ષે ભરવાનુ – કે જે આટઆટલી મહાન હસ્તીઓએ પણ કરેલ છે તેના માટેની પ્રેરણા મળી..

  છે કોઇ અહિં મને આ સત્કાર્ય કરવામાં મદદ કરી શકે એવુ ??? 🙂

 3. Pragnaju Prafull Vyas says:

  શાહબુદ્દીન રાઠોડ જેવા નીવડેલા હાસ્ય લેખકે
  “કહત કબીરા સુનો મેરે ગુનિયા,
  આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા”
  પક્તીઓમાંથી પોતાના પર જ આવો સુંદર હાસ્ય લેખ આપ્યો.
  આજ લેખ તેમને મોઢે કે તેની સીડી પર સાંભળવાની તો ઔર મઝા આવે.
  હવે તો ઓડીઓ પર લેખ આપવાનું પણ શક્ય થયું છે ત્યારે તેવી અપેક્ષા અસ્થાને નથી

 4. કલ્પેશ says:

  પૈસા તો આજ છે ને કાલ નથી, પણ મારા-તમારા વચ્ચે જે મોબત છે ને (મહોબ્બતને તેઓશ્રી મોબત કહેતા) એની કિંમત છે.

  વાત સાચી. પણ, જેને દેણા નીકળે છે એ સહેલાઈથી આ બોલી શકે, લેણદાર નહી.

 5. ભાવના શુક્લ says:

  દેણું, દર્દ અને દુશ્મન ત્રણેનો જડમૂળથી નાશ કરવો.’ વિષ્ણુગુપ્ત ચાણક્ય.
  ………..
  ખરેખર….મનની શાંતી માટે અજમાવવા લાયક

 6. narendra says:

  સાહ્બુદ્દિન્ સાહેબ ઍટલે સાક્ષાત હાસ્ય્.
  દુખ માથી હાસ્ય નિપ્જાવ્વુ તે બિજાનુ કામ નથી.

 7. piyush says:

  ખરેખર હસ્ય સથે ફિલોસોફ્ય ફક્ત શહ્બુદ્દિન રથોદ જ દૈ સકે….

 8. naresh says:

  મને લેખ ખુબ જ ગમયો

 9. sandip says:

  અત્યત સુન્દર વધુ એક સરસ લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.